સંસ્કૃતિચિંતન ! આહા….!! – બકુલ ત્રિપાઠી

‘ધીઉકાકા ! અહીં ! ધીઉકાકા !…. મારે બતાતાનું સાક જોઈએ છે…. ધીઉકાકા….!’ બાળકોના પોકારો થતા રહે અને અમારા ધીરુકાકા બટાટાના શાકનું વજનદાર અધમણનું કમંડળ ઝુલાવતાં ઝુલાવતાં પંગતની આરપાર સડસડાટ ગતિ કરતા હોય ! મને ભૂતકાળનું એ ઉત્સાહભર્યું દશ્ય હજી યાદ છે !

ધીરુકાકા પીરસવાના નિષ્ણાત. આરોગ્ય દેહસૌષ્ઠવ ઘણું સારું. ત્યાસી વર્ષની વય છતાં અધમણિયું કમંડળ જમણા હાથે ઝુલાવતાં ઝુલાવતાં કમળફૂલ સાથેની સૂંઢ ઝુલાવતાં દેવમંદિરના હસ્તિસમા એ રસોડામાંથી બહાર પડતા… ‘શિખંડ…. શિખંડ…! શિખં…ડ…! શિખંડ….! સ્વાતંત્ર્યયુદ્ધના ઈન્કિલાબ ઝિંદાબાદના પોકારોના ઉમંગથી એ ‘શિખંડ…શિખંડ’ ઉચ્ચારતા. શિખંડ ભલે સુંવાળો પણ ધીરુકાકાનો કંઠ પ્રચંડ…! પહેલો ‘શિખંડ’ શબ્દ ઊંચા અવાજે પોકારવાનો – ‘શિખં….’ ! પછી બીજી વારનો ‘શિખંડ’ શબ્દ એકદમ મંદ્ર સપ્તકમાં ! ‘શિખંડ…શિખંડ…’ બહુ જ મજા આવતી એમને… તમને પણ આવશે. જુઓ, તમારા ઘરમાં કમંડળ ન હોય તો પ્લાસ્ટિકની ડોલ લો (તમારું ગજું પણ જોવું) પછી એ ડોલ ઝુલાવતાં ઝુલાવતાં ‘શિખં…ડ શિખંડ’, ‘શિ…ખંડ શિખંડ…’ પોકારતાં ડાંફો ભરતાં ભરતાં ચાલો. તમારા કમ્પાઉન્ડમાં કે શેરીમાં સંગીત અને વ્યાયામની ચમત્કારિક અસર થશે તમારા તનમન પર. મેં કલ્પનામાં આ કરી જોયું છે. રણયુદ્ધમાં તલવાર લઈને ઘૂમતા હોઈએ એવું જોશ પ્રગટે છે અંગેઅંગમાં !

આ જ રીતે મોહનથાળ જેમાં ‘મોહન’ ને બદલે માત્ર ‘મો’ બોલવાનું, ‘થા..ળ’ બોલતાં કે ‘ઠા…ર’ બોલતાં વાતાવરણમાં મોટા તાંબાપિત્તળના ‘થાળ’ જેટલી વિશાળતા અનુભવાવી જોઈએ ! ‘બટાટાનું શાક’માં શાક પર ભાર મૂકવાનો… ‘બટાટાનું’ ઝડપથી ‘શા…ક’ પ્રલંબ. ‘દૂધીચણાની દાળનું શાક’ પોકારતી વખતે ‘દૂધીચણાની દાળનું’ એ પ્રથમ રન-વે પર દોડતા પ્લેનની જેમ બોલવાનું અને ‘શા..ક’ વખતે પ્લેન આકાશમાં વિહરી રહ્યું હોય ! પ્રયોગ કરી જોજો ! જ્ઞાતિભોજન વખતે ધીરુકાકા પીરસવા અત્યંત ઉત્સાહી. એમના આરોગ્યની એ ચાવી હતી. તમે સૌ પણ શીખો. પંગતને કમંડળથી પીરસવામાં (1) બાવડાં મજબૂત બને છે. (2) ખભાના સ્નાયુઓને વ્યાયામ મળે છે. (3) રુધિરાભિસરણ તીવ્ર બને છે. (4) પગના થાપા તો પહેલવાન શા પ્રફુલ્લી ઊઠે છે. (5) કંઠનું સામર્થ્ય વધે છે. હવે તો પંગતપદ્ધતિનું સ્થાન બુફેપદ્ધતિએ લેવા માંડ્યું છે એટલે શું કહું ? આપણને તક જ ક્યાં રહી એ શૌર્ય દાખવવાની ?

ધીરુકાકા 100 વર્ષ જીવત પણ બાળકોની માતાઓએ ગણગણતાં ગણગણતાં નાતના યુવાનો આગળ ઘણી ફરિયાદો કરી. ધીરુકાકાને કાને સાંભળવાનું ઓછું થયું હતું એ વાત ખરી – પણ ‘બટાટાનું શાક’ માગતાં બાળકોનો અવાજ ઝીણો એ પણ ખરું ને ! એ બાળકો મોટાં થાય અને ખોંખારીને ધીરુકાકા પાસે દૂધીચણાની દાળનું શાક માગી શકે ત્યાં સુધી ધીરજ રાખવા માતાઓ તૈયાર ન હતી ! વર્ષો સુધી ધીરુકાકા જ્ઞાતિભોજનની પંગતોમાં ધડધડાટ પેલે છેડે જઈ, ધડધડાટ પાછા આવી ‘શિખંડ પતી ગયો ! હવે શાક ફેરવી આવું !’ નો ઉત્સાહ દાખવતા…. પણ સ્વયંસેવકોએ કહ્યું, ‘કાકા ! હવે તમારે પીરસવાનું હોય નહિ ! ત્યારે કાકાએ ‘હજી ઘરડો નથી થયો, મણમણિયું શિખંડનું કમંડળ ફેરવી આવું ! તમારી તાકાત છે ?’ આવો સામો પડકાર ફેંક્યો. છેવટે યુવાનોએ ડિપ્લોમેટિકલી, ‘કાકા, તમારે હવે સુપરવાઈઝ કરવાનું ! અમે શીખીશું ક્યારે ?’ ની કાકલૂદી કરી ત્યારે ધીરુકાકાએ પીરસવાનું બંધ કર્યું…. બે જ વર્ષમાં 87ની વયે એ ગુજરી ગયા. પીરસવાનું ન હોય તો જીવ્યાનો અર્થ શો છે ?

આ કથા યાદ કરી એટલા માટે કે આધુનિક માનવસંસ્કૃતિનાં 2000 વર્ષ પૂરા થયાં (એમ મનાય છે – સગવડ ખાતર). આટલાં 2000 કે 5000 વર્ષમાં આપણે વિકસાવેલાં સાંસ્કૃતિક મૂલ્યો હવે આપણે ખોવા બેઠા છીએ. લગ્ન-જમણવારોમાં પંગતનો રિવાજ આપણે ગુમાવી રહ્યા છીએ. પાશ્ચાત્ય બુફે આવી રહ્યું છે, લગભગ આવી ગયું છે. હું જુનવાણી નથી. બુફેમાં બેક્ડ ડિશીઝ આવી છે. તો તમે જોજો મને ક્યાંક ભોજનસમારંભમાં, હું જરાય દિલચોરી કરું છું ? પણ આપણા સંસ્કૃતિભૂષણ પાટલા જવા માંડ્યા છે એ મને નથી ગમતું. લગ્નસમારંભોમાં ભૂદેવોને પ્રસંગ આવ્યે પાટલા ઉછાળતા આપણે જોયા છે. બુફેમાં તમે શું ઉછાળો ? પણ બુફેની વિરુદ્ધ મારી એ દલીલ નથી. હવેના જમનારાઓમાં શૌર્ય પણ ક્યાં રહ્યું છે ? પંગતના જે ‘બોનસ’ ફાયદા હતા તેની વાત જવા દો, પણ મૂળભૂત જમવાનું તો બરાબર થવું જોઈએને નવા રિવાજોમાં ?

બુફેમાં એક પાયાની સ્વયંવિરોધી બાબત છે – તમે અમને જમવા બોલાવો છો, પણ પછી ઊભે ઊભે જમવાની ફરજ પાડો છો ! વળી ઉત્સાહથી જમાડો છો એટલે વાનગીઓની સંખ્યા ઠીક ઠીક અને તાસકો મોટી (કાગળની હોય છે તો વળી લચકી જાય છે એ વાત નથે કરવી.) ઉત્તમ એવી સુપેરે ભરેલી તાસકો ! પણ… ટેબલ પરથી હૉલના મધ્ય પ્રદેશ સુધી એને લઈ જવી એ શું સરળ વાત છે ? અને પાછું, ‘હલ્લો, કેમ છો ?’ કરતાં જવાનું !….. ‘ડોબા, હું જમી રહ્યો છું, તે દેખાતું નથી ? અત્યારે હાથ ઊંચો કરવાનો ટાઈમ છે ?…. તમે તો શું ખાલી હાથ ઝુલાવતાં ઝુલાવાતાં ટેબલ ભણી જઈ રહ્યા છો બેટા, પણ અમારા હાથમાં થાળી નથી ભળાતી ?…. તારું હલ્લો ઝીલીએ તો બેલેન્સ ગુમાવતાં દાળ ઢોળાય. તો કફની સાફ કરવા તું આવવાનો છે લલ્લુ ?’….. આવા આવા ક્રૂર શબ્દો સૂઝે મનમાં પણ….

કરવાનું શું કે પછી આપણે જલદી જલદી જમી લેવું અને એના ભોજનનો મધ્યકાળ હોય ત્યારે, ‘હેલ્લો કેમ છો ?’ કહીને રીતસર શેકહેન્ડ માટે હાથ લંબાવીને એનું બેટાનું બેલેન્સ ગુમાવડાવવું ! આ જ માર્ગ રહે છે ! વાંક એનો કે તમારો નથી. વાંક આખીય ‘સિસ્ટમ’નો છે. સાચું કહો તમને હાથમાં અદ્ધર થાળી કે સુપેરે ભરેલી ડિશ રાખીને જમવાનું ફાવે છે ? હા, ફાઈવસ્ટારથી માંડીને અડધા-પોણા સ્ટાર સુધીની હોટેલોમાં વેઈટરો વાનગી ભરેલી ટ્રે કે થાળીઓ ઊંચકીને સરકસના ખેલાડીઓની માફક ટેબલો વચ્ચે ઘૂમતા દેખાય છે. એ લોકોના કૌશલને હું સલામ કરું છું પણ મારે કહેવું પડશે, એ લોકોએ ડિશોનું અદ્ધર બેલેન્સિંગ કરવા ઉપરાંત એ કાર્યની સાથે સાથે જ વાતો પણ કરવાનું હોતું નથી ! આપણે માથે તો વળી ત્રીજું કાર્ય જમવાનુંય ખરું ! ખાવાનું સારું હોય છે પણ વાતો કર્યા વિના ખાધા કરીએ તો ભૂંડા લાગીએ. તમે જ વિચાર કરો. એક ખૂણામાં ઊભાં ઊભાં સપસપ સપસપ કોળિયા ભરતા હોઈએ તો ભિખારી જેવા નથી લાગતા આપણે ? કોઈ આવીને ઝૂંટવી જાય તે પહેલાં જેટલું પેટમાં પધરાવાય એટલું પધરાવી દેવું – એવું વિચારીને આપણે મંડી પડ્યા હોઈએ એવું લાગે છે !

એટલે જ આપણે ‘કેમ છો ? સારું છે ?’ ‘આજે તો ખૂબ મેરેજીસ છે.’ ‘મંડપ જોરદાર છે એની ના નહિ ! શો ખરચો કર્યો છે જગજીવનદાસે ! ભાઈ પહોંચી વળે એવી પાર્ટી છે !’….. આવી કે બીજી ઓળખીતાઓની, મિત્રોની, ફલાણા મળ્યાની કે ન મળ્યાની કે એવી બધી વાતો કર્યા કરવી પડે છે. આવું બોલવું પણ પડે અને સાંભળવું પણ પડે. ઊભાં ઊભાં જમતાં હોઈએ ત્યારે હું બોલવા કરતાં સાંભળવાનું વધારે પસંદ કરું છું ! કદાચ આ એક જ પરિસ્થિતિ એવી છે કે જ્યારે હું બોલવા કરતાં સાંભળવાનું વધુ પસંદ કરું છું ! પણ હાથમાં ડિશ હોય એટલે શું થાય ? સંપૂર્ણ સાંભળ્યા કરવાની મારી તૈયારી હોય છે, પણ પેલાઓ આપણને ‘તમને શું લાગે છે ?’ વગેરે કહીને બોલવાનો ચાન્સ આપવાની દયા કરે છે – જે હકીકતમાં એક જાતની ક્રૂરતા જ છે. અરે, એ બોલે તે આપણે બરાબર સાંભળીએ છીએ એ દેખાડવાય ઊંચું જોવું પડે છે, ડોકું હલાવવું પડે છે, મોમાં બટાટાવડું હોય તો પણ – ‘ખરી વાત છે, ખરી વાત છે….’ એમ હોંકારો ભણવો પડે છે ! અરેરે ! અને એમ કરવા જતાં પેલી ડિશ ? આપણું મન ગભરાયા કરતું હોય, ‘એય જો આ બાજુ ન સરે ! એય જો, પેલી બાજુ ન ઢળે’ આની એટલી બધી ચિંતા થતી હોય છે કે જિંદગીમાં ક્યારેક હું સ્ટ્રેસ, બ્લ્ડપ્રેશર કે હાર્ટએટેકથી ગુજરી જાઉં એવા સમાચાર તમને મળે તો સમજી જજો – કોઈ લગ્નમંડપમાં હાથમાં ડિશ સંભાળતો હું ઊભો ઊભો ખાતો હોઈશ ત્યારે જ એ થયું હશે !

ખુરશીઓ હોય છે થોડી. પણ… પહેલાં હું પૂછતો હતો : ‘ખુરશીઓ ?’
‘ખાસ રાખી નથી.’
‘રાખવી જોઈએ.’
‘કેટલી રાખીએ ? ખુરશી દરેક જણ બબ્બે લઈને બેસે છે – એક વધારાની ! થાળી મૂકવા !… છતાંય થોડી રાખી છે.’
‘છે ?’
‘પેલી બાજુ.’
હું તો આખો ભોજનમંડપ વીંધીને બે હાથે મજબૂત ડિશ પકડીને જંગલમાંથી રસ્તો કરતો કરતો ત્યાં પહોંચવા તૈયાર હતો. પણ પેલા સ્વયંસેવક કહે, ‘સિનિયર સિટિઝન્સ માટે !’
‘શું ?’
‘ખુરશીઓ રાખી છે વડીલો-વૃદ્ધો માટે.’
પછી વટના માર્યા આપણે તો દરિયાનાં મોજાં વચ્ચે સ્થિર ઊભા રહેવાનો યુવાનમાર્ગ જ લેવો પડે ને ? અને કેટલાક ઉમંગી, ઉત્સાહી ખટારાઓને તો એકદમ તરત જ આઘા ખસી જઈને માર્ગ આપ્યા વિના છૂટકો જ નહીં !

નથી જમનારને નિરાંત, નથી પીરસનારને આનંદ, કારણ ધંધાદારી પીરસનારાઓને ખરેખર પીરસવાનું તો હોતું જ નથી. માત્ર પીરસવા જેવી સહેજ સહેજ અદા કરવાની હોય છે. ઘણું ખરું તો સેલ્ફસર્વિસ જેવું જ હોય છે. કોણ જાણે કેમ બુફેમાં સેલ્ફસર્વિસ હોય છે પણ ‘એકસાથે કેટલા ગ્રામ જમાશે ? જો ખૂટશે તો પાછા આવવા માટેનો માર્ગ કરવાની તાકાત છે ? વળી ફરીથી લાઈનમાં ઊભું રહેવું નહીં પડે એની કોઈ ખાતરી ? જો વધારે લઈએ તો, ડિશમાં મોટા ઢગલા લઈને ઊભા હોઈએ તો….. દુકાળમાંથી આવ્યા હોઈએ એવા નહીં લાગીએ ?’ એવી ચિંતા રહ્યા કરે છે. એક જણ શિખંડ લેવા હાથ લંબાવે છે ત્યાં પાછળવાળોય જલદી પતાવવાના શુભ ઉદ્દેશથી બટાટાનું શાક લેવા હાથ લંબાવે – પંગતના પેચ જેવી સ્થિતિ થાય ! બેઉ ‘એકયુઝ મી’ ‘એકયુઝ મી !’ કરે પણ હાથ લંબાવેલા તે રહે લંબાવેલા જ ! ત્યાં વળી આગળ નીકળી ગયેલા ગોરધનભાઈનાં પત્ની ગૌરીબહેન એમની ડિશનું ઝીણી નજરે ઈન્સ્પેક્શન કરીને શોધી કાઢે : ‘તમે રાયણ રાયતું તો લીધું જ નહીં.’
‘ઓહ ! સોરી.’
‘લઈ લો ! સારું હોય એમ લાગે છે.’
હવે ગોરધનભાઈ પેલા બે જણના પેચ વચ્ચે પોતાનો હાથ પાછળ લંબાવે – રાયતું લેવા.
હવે ત્રણ જણના પેચ….
‘એક્યુઝ મી.’
‘એકયુઝ મી.’
‘એકયુઝ મી.’
ત્રણેય સાવ સાચો વિવેક કરે. પણ મારો બેટો એક્કેય પોતાનો હાથ પાછો ખેંચે નહીં…. વેઈટર કે સ્વયંસેવિકાએ આવીને ‘હું આપું છું પ્લીઝ… હું તમને આપું છું…’ કહીને અંધાધૂંધીમાંથી ફરીથી સુવ્યવસ્થા સ્થાપવી પડે !

હું આ લેખ લખું છું પણ હું જાણું છું મારું કંઈ ચાલવાનું નથી. પંગતોનો આનંદ ગયો છે તે ગયો જ છે. પંગતોની ભવ્યતા હવે ભૂતકાળનો વિષય બની જવાની. વીરનાયકોનો આ યુગ નથી – ધીરુકાકા એ હવે દંતકથા જ બની રહેવાના. ઋત્વિક રોશન જેવું સ્નાયુબદ્ધ શરીર વિકસાવવાની શક્યતાઓ હવે…. ગઈ ! બુફે પદ્ધતિ આપણને સૌને જોની વોકર બનાવી રહી છે. હવે તો એક જ માર્ગ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિક મૂલ્યોને જાળવવાનો. આપણો ધર્મ હવે વિદેશોમાં જ ટકી રહ્યો છે – એન. આર. આઈ.ઓ દ્વારા ! તેમ પંગતોને પણ એન.આર.આઈ.ઓમાં ફેશનેબલ બનાવવી પડશે. મેં ફોન કર્યો ત્યાંના એક ગુજરાતી સમાજના મંત્રીશ્રીને તો એ કહે : ‘બકુલભાઈ, તકલીફ છે.’
‘શું ?’
‘પાટલૂન પહેરીને પલાંઠી વાળવાની મુશ્કેલી છે !’
ઢીંચણથી ફાટે એવું કાપડ હોય છે અમેરિકાનું ? શરમ છે ! એમને પાટલૂનમાં પલાંઠી ફાવવાની નહીં એટલે હવે પાછો સવાલ થવાનો એમને ધોતી-પીતાંબર ઈમ્પોર્ટ કરવાનો ! યંગર એન.આર.આઈ.ઓ માટે ધોતિયાં પહેરવાની ટેકનિકનું ડેમોસ્ટ્રેશન તો ઈન્ટરનેટ કોમ્પ્યુટર પર પ્રોવાઈડ કરીએ…પણ…. જવા દો ! આભ ફાટ્યું છે ત્યાં થીંગડાં કેટલાં દઈશું ! મેં નક્કી કર્યું કે બુફે-ડિનરમાં ઘરડા ગણાઈ જવાનું કબૂલ રાખવું ! પત્યું !

અને 85 વર્ષના ધીરુકાકા જેવાં શક્તિ અને ઉલ્લાસ ? એનું શું ? જવા દો ! બુફે યુગમાં લાંબુ જીવીનેય શું કામ છે ? બાકી પંગતો ચાલશે કે બુફે ચાલશે… ભારતદેશમાં પરણવાનું તો ચાલુ રહેવાનું જ છે. આ આશ્વાસન અડીખમ છે. પુન: પ્રસન્નચિત્ત વદને આપ સૌને યાચું છું ‘નૂતન વર્ષાભિનંદન !’ અને તમારે બુફેપદ્ધતિના યુગમાં લાંબું જીવવું જ હોય તો… લો, શતાયુભવની શુભેચ્છાઓ પણ આ… આપી !

છેલ્લે એક ખાસ સૂચના – ચમચી પડી જાય તો એ ઉપાડવા હાથમાંની ડિશ સાથે વાંકા તો ન જ વળશો… પ્લીઝ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાતોરાત વી.આઈ.પી. – રતિલાલ બોરીસાગર
દિવાળીનો તહેવાર ઉજવવાની સાચી રીત – ભૂપત વડોદરિયા Next »   

25 પ્રતિભાવો : સંસ્કૃતિચિંતન ! આહા….!! – બકુલ ત્રિપાઠી

 1. કલ્પેશ says:

  સરસ.

  એમ નથી લાગતુ કે આપણે નાહકનુ અનુકરણ કરીએ છીએ?
  દા.ત બુફૅમા લોકો લાઇન લગાડીને રાહ જુએ, ઊભા રહીને જમવાનુ, પાણી છેલ્લે જ કદાચ?

  બધી જ વસ્તુનુ આઉટસૉર્સીંગ થઇ રહ્યુ છે.

  જો થોડી વસ્તુ ધર્મ દ્વારા બેસાડવામા આવે તો કદાચ ઘણો લાંબો સમય લોકો કરશે.
  દા.ત. જૈનોમા એકાસણુ/બેસણુ સમુહમા થાય ત્યારે લોકો બેસીને જ કરે છે. વિચારો એમા પણ બુફૅ જેવુ થાય તો?

 2. કલ્પેશ says:

  ટૂંકમા સારી વસ્તુ/વિચારોનો આદર કરીએ અને ત્યજી દેવા જેવી વસ્તુ/વિચારોનો નિકાલ કરીએ.

 3. rahul says:

  મે ક્યાક સામ્ભ્લયુ હતુ કે ઉભા રહિને પિશાચ જમે ચે . એ રિતે બુફે મા જ્મિએ તો પિશાચ મા ગન્તરિ થૈ.

 4. Vishal Jani says:

  રક્ષાબંધન વખતે નાત થાય અને એ વખતે પીરસ્તા શુ મજા હતી. ઓરડો ભરી લાડું કરતા અને એ પીરસ્તા.

 5. Rahul M Pandya (રાહુલ) says:

  બુફે યુગમાં લાંબુ જીવીનેય શું કામ છે

  પીરસવાનું ન હોય તો જીવ્યાનો અર્થ શો છે ?

  ખુબ જ અસરકારક …

 6. રમુજ સાથે ઘણું કહી દીધું. છે કોઈ સમજવા વાળું કે પછી કાળી ચૌદશનો કકળાટ ગણી કાઢી નાખશુ?

 7. Sarika Patel says:

  સારો અને સમજવા જેવો લેખ.

  આભાર બકુલ ભાઈ.

 8. nayan panchal says:

  અંતમાં આપેલી ખાસ સૂચના ખૂબ જ કામની.

  મને તો પંગતમા પીરસવાનો અને બૂફેમાં પીરસવાનો, બંનેનો અનુભવ છે. જે મજા પંગતમા પીરસવામા આવે તેનુ તો શું કહેવું… અને એમા પણ જો હાથમા કોઈ popular વાનગી/મીઠાઈ હોય તો તો પીરસનારની પણ વેલ્યુ વધી જાય. અને જો હાથમાં કોઈ ભંગાર વાનગી હોય તો કોઈ જવાબ પણ ન આપે, એકદમ નિઃસ્પૃહી થઈ જાય.

  વીરપુરના જલારામ મંદિરમા જે ઝડપે પંગત જમાડવામા આવે છે તે તો જુઓ તો જ મનાય.

  બુફેમાં તો મૂર્તિની જેમ ઉભા રહેવાનુ… હા, બુફેમાં બધાનુ નિરક્ષણ કરવાની મજા આવે.

  લેખ વાંચીને મજા આવી ગઈ.

  નયન

 9. nirlep bhatt says:

  બહુ મજા આવી…આભાર..સૌને દિવાળી મુબારક..

 10. ઈન્દ્રેશ વદન says:

  મૃગેશભાઈ ને અને સર્વ વાચક મિત્રોને દિવાળી ની શુભકામનાઓ.

  ખુશીયાં હો overflow, મસ્તી કભી ના હો low,
  દોસ્તી કા સૂરુર છાયા રહે,
  ધન ઔર શોહરત કી હો બોછાર,
  ઐસા આયે આપકે લીયે દિવાલી કા ત્યોહાર.

 11. pragnaju says:

  ખૂબ રમુજી લેખ
  અમારા કાકા બુફેને બફાટ કહેતા!
  આને કવિ કાલીદાસ-ખાદંન ગચ્છામિ…!

 12. રેખા સિંધલ says:

  “છેલ્લે એક ખાસ સૂચના – ચમચી પડી જાય તો એ ઉપાડવા હાથમાંની ડિશ સાથે વાંકા તો ન જ વળશો… પ્લીઝ ! ” ખડખડાટ હસાવી દીધા આ વાક્યએ તો ! અહીં અમેરીકામાં બેસવાની વ્યવસ્થા તો બધાં માટે હોય છે પણ કમંડળ લઈને પીરસનારા ગયા. જાતે જઈને જોઈએ તેટલું લઈ લો આમાં ધીરૂકાકા જેવા પીરસવાના ઉત્સાહીઓ મરી જ પરવારે ને? ખાવાનો ઉત્સાહ ન મરી પરવારે ત્યાં સુધી વાંધો નહી આવે, છો ને ક્વોલીટી પણ બદલાતી રહે! અને આમ જુઓ તો સમુહમાં ખાવાનો આનંદ પણ ક્યાં દેખાય છે? આમંત્રણ ન મળે તો ખુશી થાય કે હાશ! સમય અને તબિયત બંને કોઈના હાથમાં જતાં બચશે.

 13. Paresh says:

  Bakul bhai,
  Hats off to you ! This is an absolutely refreshing article.
  Naanpan ma ‘Batukmama ni basundi’ (Lekhak nu name yaad nathi) vaachi hathi.. aaje ghana varshe yaad aavi gai.

  Thank You !!

  -Paresh.

 14. 😀

  મજાનો લેખ ..

  પંગતમાં પીરસવાની અને પીરસાવવાની ..એમ બંને મજા લીધી છે … ત્યારે આ લેક સાચે જ બુફેની પ્રથાની બિનઅસરકારકતાને માટે સાચો લાગે છે .. 🙂

 15. Nilesh Shah says:

  I enjoyed the article very much.
  If my family members and cateror allows i will definetely like to go back to oiginal system , which was the best and convenient to all.

 16. Ashish Dave says:

  Enjoyed the article. I hate buffet dinners.

  Ashish Dave
  Sunnyvale, California

 17. Nilesh Bhatt says:

  શ્રીમાન બકુલ, આપે બહુ જ સાચી વાત હાસ્ય ના સ્વરૂપ મા રજુ કરી.

  આ બુફે માં કેટલીક વાતો સારી છે તો કેટલીક બહુ જ તકલીફકારક. જરૂર છે સારી વાતો ને રાખીને તકલીફકારક વાતો નો ઉકેલ શોધવાની. જેમ કે થાળી મજબુત ને મોટી હોવી જોઇએ!! ઊપરાંત self-service એ વધુ સારી વાત છે. કદાચ ૨૦૦ લોકો ના જમણવાર મા, ૩-૪ જેટલા service-point હોય એ જરૂરી છે. એથી વધુ બુફે એટલે ઊભવાનું એવુ કેમ? ટેબલ-ખુરશી જોડેનુ બુફૅ સારૂ ના કહેવાય? પણ પછી એટ્લો વિવેક લોકો પાસેથી અપેક્ષવાનો કે થાળીઓ ટેબલ પર છોડીને નહી જાય.

  કદાચ જરૂર છે innovation ની. કોઈ પણ બાબત મા નવીનતમ પ્રયોગો ની દા.ત. પહેલા ક્યારેય થાળી ને ઊપાડીને લઈ જવાનું ના બનતું પણ આજના સમય ની માંગ છે કે હવે થાળી પકડી શકાય એવી હોવી જોઈએ! સાંભળવા મા અજબ જ લાગે છે ને? પણ આ જ ઊપાય છે.

  શ્રીમાન બકુલ આપની વાતો માત્ર હાસ્ય ઊપજાવવા પુરતી મર્યાદિત નથી હોતી પણ એમાંથી ચિંતન કરવા લાયક વાતો કટાક્ષ ના સ્વરૂપ મા મળી આવે છે. તદ ઊપરાંત જુના જમાના ની વાતો પણ મીઠી યાદો અપાવી જાય છે. આપના લેખો વાંચવામા વિવિધલક્ષી ધ્યેય સિદ્ધ થાય છે.

 18. Insiya says:

  મઝા આવી ગઇ.
  I also dont like buffet dinners.આમેયઆ આપને foreign culture પાછલ વગર કારને ગાડા છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.