પ્રકાશ પ્રતિષ્ઠાનું પર્વ : દીપાવલી – મનસુખ સલ્લા

ભારતીય સંસ્કૃતિમાં પર્વો ઉત્સાહરૂપ આનંદરૂપ છે તેટલાં જ અનુષ્ઠાનરૂપ છે. આ વિશેષતા ભારતીય સંસ્કૃતિના જીવન પ્રત્યેના દષ્ટિકોણને પ્રગટ કરે છે. વૈવિધ્યથી જ જીવન સુંદર લાગે છે. પ્રસન્નતા અનુભવાય છે. એથી ઋતુ અને કાર્યોને સંવાદી એવી રીતે આપણાં પર્વોનું આયોજન થયું છે. વળી આ પર્વોની ઉજવણી કેવળ વ્યક્તિગત સ્તર પર નથી થતી. પરંતુ સમૂહગત રીતે, સમાજગત રીતે થાય છે. એટલે એ સાંસ્કૃતિક ઘટના બને છે.

દીપાવલી પ્રજાજીવનનું આવું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમૂહરૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. તેમાં આબાલવૃદ્ધ સૌ ભાગીદાર બને છે. જાતિ-વર્ણ-સંપત્તિના ભેદ વિના સૌ પોતપોતાની રીતે એની ઉજવણી કરે છે. વળી આ ઉજવણી માત્ર એક દિવસ પૂરતી નથી હોતી પરંતુ પર્વોની હારમાળારૂપે જાણે એક એક દરવાજો વટાવીને અંતે ગર્ભગૃહમાં પહોંચવાનું છે. એટલે આગળના સઘળા દિવસોનું પણ પ્રતીકાત્મક મહત્વ છે. એક અખંડ અનુષ્ઠાન છે. જાણે આ આખું સપ્તાહ વિશિષ્ટ રીતે પ્રજાજીવનને ઉલ્લસિત કરે છે. સભરતા અને આનંદનો અનુભવ કરાવતા ઊર્ધ્વગામી બનાવે છે.

રમા અગિયારસથી આ પર્વોની હારમાળા શરૂ થાય છે. રમા એટલે લક્ષ્મી, વૈભવ, સમૃદ્ધિ કેવળ ધનરૂપે નહીં, પરંતુ શોભા, સભરતા, સૌભાગ્યરૂપે પણ પ્રાપ્ત થાય. એટલે મનુષ્યે ધનની પ્રાપ્તિથી સંતુષ્ટ નથી થવાનું, આંતરસમૃદ્ધિ પણ પ્રાપ્ત કરવાની છે. તેથી અગિયારસે ઉપવાસ કરવામાં આવે છે. શરીરની શુદ્ધિ દ્વારા મનને નિર્મળ કરવાનું છે. રોજબરોજના વ્યવહારોમાં તો આપણે શરીરની સીમામાં બદ્ધ હોઈએ છીએ, પરંતુ આ તો નવો જ અભિક્રમ છે. વર્ષભરનાં કાર્યો, નિર્ણયો, સંબંધો, વિચારોનું સરવૈયું કાઢવાનું છે. સ્થૂળ સરવૈયા માટે પણ એકાગ્રતા અને તટસ્થ થવું જરૂરી હોય છે. જ્યારે આ તો આંતરદર્શન કરવાનું છે, માટે શરીરની સીમાઓથી ઉપર ઊઠવા ઉપવાસ કરવાનો છે. આંતરશુદ્ધિ દ્વારા જાતતપાસ માટે ઉદ્યુક્ત થવાનું છે.

બારસને ‘વાઘબારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.

‘ધનતેરસ’ શબ્દનો અર્થ મોટે ભાગે ધન-સંપત્તિની કમાણી એવો પ્રચલિત છે. સારી રીતે જીવવા માટે ધનની આવશ્યકતા છે, પરંતુ ત્યાં અટકવાનું નથી. એટલે ધનતેરશે ધનની પ્રાપ્તિનું જ મહત્વ નથી, તેની ઉપાસના-પૂજા કરવાની છે. અનુષ્ઠાન દ્વારા આપણને મળેલ વૈભવ, શોભા અને સૌભાગ્યને શુદ્ધ કરવાનાં છે. લક્ષ્મીની પ્રાપ્તિનો સંદર્ભ અન્ય દેશોને સમજાય છે કે ધન પણ ધર્મમય માર્ગે મેળવવાનું અને ધર્મમય માર્ગે વાપરવાનું છે. માટે લક્ષ્મીપૂજા અનુષ્ઠાન બને છે.

‘કાળી ચૌદશ’ નામ બહુ સૂચક છે. ખરેખર તો તીવ્ર અંધકાર અમાસને દિવસે હોય, પરંતુ ચૌદશ એ અનિષ્ટ નિવારણનું પ્રતિક છે. એ વિશેષભાવે અનુષ્ઠાન કરવાનું પર્વ છે. દરેક આચાર કે પરંપરા જાગૃતિ અને પ્રયોગશીલતાને અભાવે જડ અને અર્થહીન બની જાય છે. વખત જતાં કાળીચૌદશ એ ભૂત-પ્રેતાદિ તત્વોને વશ કરવા માટેના મંત્ર-તંત્રની ઉપાસનાના દિવસરૂપે સંકોચાઈ ગઈ. જીવનમાં ઈષ્ટ છે તેમ અનિષ્ટ પણ છે. સમાજજગત અનિષ્ટોનું નિવારણ કરવાનું છે. તે માટે પ્રથમ પોતાની ભીતરનાં અનિષ્ટોને વશ કરવાનાં છે. આપણાં ઋષિઓએ ષડરિપુઓરૂપે આંતરઅનિષ્ટોનું વર્ણન કર્યું છે. આ રિપુઓ મનુષ્યનાં બુદ્ધિને, સંકલ્પોને, ભાવનાઓને, કાર્યોને અવળે માર્ગે ખેંચી જાય છે. પરિણામે મનુષ્ય સર્વ પ્રકારે પતન નોતરે છે. પોતાનું મનુષ્યત્વ ભૂલીને માણસ ઈન્દ્રિયોની ગુલામીનું જીવન જીવવા લાગે છે. કાળી ચૌદશ એ પોતાની ભીતરના રિપુઓને વશ કરવાનું પર્વ છે. એ કેવળ તાંત્રિક વિધિઓ કે મંત્રજાપનું પર્વ નથી, પરંતુ આંતરશુદ્ધિનું પર્વ છે. એટલે ગૃહસફાઈ અને સુશોભનના બાહ્ય રૂપ ઉપર પણ આટલો બધો ભાર દેવાયો છે. વર્ષ દરમિયાન અશુદ્ધિ અને અશોભન ખૂણેખાંચરે જામી ગયું હોય છે, તેના તરફ ઝીણી કાળજી લઈને બધું સાફ કરવાનું છે, તેમ જ આંતરશુદ્ધિ કરવાની છે. નાનામાં નાનાં કર્મોનો ચિત્ત ઉપર (અનુકૂળ કે પ્રતિકૂળ) સંસ્કાર પડે જ છે. તેને તપાસીને પારખવાનું શુદ્ધ કરવાનું આ પર્વ છે.

દીપાવલી પર્વ એ દીપમાળાનું પ્રતિક છે. અંધકાર ગમે તેટલો ગાઢ હોય પરંતુ નાનું કોડિયું પણ તેને હટાવવા સમર્થ હોય છે. અંધકારને ચારે દિશાએથી હટાવવા માટે ઘેરઘેર દીપમાળા પ્રગટે છે. વીજળીની સુવિધા પછી બાહ્ય અંધકારને ઘણે અંશે હટાવી શકાય છે, ખરું મહત્વ છે આંતર અંધકારને દૂર કરવાનું. આંતર અંધકાર અનેક રૂપો ધારણ કરીને આપણી અંદર છુપાયેલો હોય છે. તે ક્યા રૂપે ક્યારે પ્રગટ થશે તેનો અંદાજ અઘરો છે. એટલે દીપાવલીના પર્વ પ્રકાશની પ્રતિષ્ઠા આપણી ભીતરમાં કરવાની છે. તમસો મા જ્યોતિર્ગમયનું સૂત્ર પ્રસિદ્ધ છે. તમસમાંથી જ્યોતિ તરફ ગતિ કરવાની છે. પરંતુ શું આપણે કેવળ તમસ હોઈએ છીએ ? મનુષ્ય માત્ર સત્ય-પ્રકાશ-ચૈતન્યનું સ્વરૂપ છે. એટલે તો તે ઉત્કાંતિ પામી શક્યો છે. પરંતુ અંધકાર વ્યાપી વળેલો હોય તો તેનું અસલ સ્વરૂપ પ્રગટ થતું નથી. તેથી સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ‘મનુષ્યે સ્થૂળ સત્યમાંથી ઉચ્ચતર સત્ય (Lower truth to higher truth) તરફ ગતિ કરવાની છે. મનુષ્યનું મૂળ રૂપ ભલે અલ્પ પ્રમાણમાં પ્રગટ થયું હોય, પરંતુ તેણે પૂર્ણરૂપમાં પ્રગટવાનું છે. ઉચ્ચતર સત્યને પામવાનું છે. એ માટે પોતાનામાં પ્રકાશની પ્રતિષ્ઠા કરવાની છે.. એટલે દીપાવલી એ પ્રકાશની પ્રતિષ્ઠાનું પર્વ છે.

પૂર્ણ સ્વરૂપને પામવા માટે યથાર્થ દર્શન અનિવાર્ય છે. એટલે જમા-ઉધારનું સરવૈયું કાઢવાનું હોય છે. કેવળ સ્થૂળ સંપત્તિનું જમા-ઉધારનું સરવૈયું કાઢવું પૂરતું નથી. શુભ-અશુભનું સરવૈયું, સત્ય-અસત્યનું સરવૈયું, સ્વકેન્દ્રીપણું કે સર્વજનહિતપણુંનું સરવૈયું કાઢવાનું આ પર્વ છે. આ સાચું ચોપડાપૂજન છે. યથાર્થ સરવૈયું છે. મનુષ્યની ગતિ શુભ, સત્ય, સર્વાત્મ તરફ હોય, લઘુતા નહિ પણ વ્યાપકતા તે એના અસ્તિત્વનો મૂળ ગુણધર્મ છે. પરંતુ અંધકારથી ઘેરાઈને તું ભ્રમિત થઈ જાય છે, સત્યદર્શન ધૂંધળું થઈ જાય છે, તે અસ્તિત્વના સાંકડા કોચલામાં કેદ થઈ જાય છે. તેમાંથી મુક્ત થવાનું, સર્વાત્મા તરફના પ્રયાણનું પર્વ એટલે દીપાવલી. એને પામીએ તે સાચી સમૃદ્ધિ છે, શોભા છે, સૌભાગ્ય છે. એટલે તેનાં પ્રતીકો-સ્વસ્તિક, દીપ, ૐ વગેરે – ની ઉપાસના થાય છે. ઉત્સવ અનુષ્ઠાનરૂપે સિદ્ધ થાય છે.

હૃદય-મનની આવી શુદ્ધિ-નિર્મળતા-વ્યાપકતા સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરવાનો છે. મનુષ્ય જીવે છે નાના એકમમાં, પરંતુ સમગ્ર વિશ્વને હૃદયમાં સ્થાપી શકે છે. મનુષ્યને મળેલું આ મહાન વરદાન છે. વિકાસની આ ગતિ તે સ્થૂળ સત્યમાંથી ઉચ્ચ સત્ય તરફની ગતિ છે, સ્વમાંથી સર્વાત્મ તરફની ગતિ છે. મનુષ્ય નવા વર્ષને આવી રીતે આવકારે છે ત્યારે કોઈ પરાયું નથી રહેતું, અજાણ્યું નથી રહેતું, કોઈનેય માટે દુર્ભાવ નથી રહેતો, કોઈનાય કોઈ પણ પ્રકારના શોષણની ઈચ્છા નથી રહેતી. સર્વના કલ્યાણ અને મંગળની ભાવના જ હૃદયમાં વ્યાપી રહે છે. સર્વ એટલે મનુષ્ય સૃષ્ટિ જ નહિ, મનુષ્યેતર પશુ-પંખી-જીવ-વનસ્પતિ જ નહિ, નિર્જીવ સૃષ્ટિની પણ કાળજી લેવાની છે. તેને પ્રેમ કરવાનો છે, આત્મીયભાવે સૌને હૃદયમાં સ્થાપવાનાં છે. એટલે આ પ્રકાશયાત્રા જેટલી બાહ્ય છે, તેટલી જ આંતરિક છે. અને સર્વાત્મભાવે ગ્રહણ કરીએ તો ભીતરના અંધકારના પડને ભેદી શકાય, જ્યોતિની સ્થાપના કરી શકાય. ચિત્તની આવી પ્રકાશમય સ્થિતિ એ આનંદલોક છે, મુક્તિ મંગળ છે.

દીપાવલીના આ દિવસો એ આવો સમગ્ર-દર્શી ઉપાસનાનો ઉપક્રમ છે. પદેપદે ગ્રંથિઓ ખોલતા જઈ પરમને પામવાનું છે. એનું ચિંતન, એ માટેના સંકલ્પો અને એને અનુરૂપ વ્યવહારની એકરૂપતા તરફ અગ્રેસર થવાનું છે. રંગોળી, મીઠાઈ, ફટાકડા, સુશોભન, દીવડા, હાર્દિક મિલન, શુભેચ્છાની આપ-લે વગેરે પ્રગટ ઉપકરણો દ્વારા એ જેમ વ્યક્ત થાય છે, તેટલું જ આંતરયાત્રા માટેનાં પ્રતીકોનું આ પર્વ છે. એટલે આ દિવસોમાં પૂજા, ઉપવાસ, અનુષ્ઠાન, આત્મચિકિત્સા, ઉદ્દાત્ત સંકલ્પો, આચાર-વિચારની એકરૂપતા એ આંતર ઉપકરણો છે. એ સૌ ઉદ્દાત્ત ધ્યેયને આત્મસાત કરવાના, વ્યાપકત્વ પામવાના નિમિત્તરૂપ છે.

ભારતીય સંસ્કૃતિએ ઉત્સવને અનુષ્ઠાનની ઊંચાઈ અને ગરવાઈ બક્ષીને તેને બૃહદ પરિણામ આપ્યું છે તે તેની મહાન લાક્ષણિકતા છે. તેમાં દીપાવલીનું પર્વ અનેક દષ્ટિએ ટોચરૂપ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિવાળીનો તહેવાર ઉજવવાની સાચી રીત – ભૂપત વડોદરિયા
ડાયેટિંગ ડોટ કોમ ! – ચંદ્રકાન્ત વાગડિયા Next »   

20 પ્રતિભાવો : પ્રકાશ પ્રતિષ્ઠાનું પર્વ : દીપાવલી – મનસુખ સલ્લા

 1. nayan panchal says:

  વિચારપ્રેરક અને મનનીય લેખ.

  દિવાળી સુધરી ગઈ. લેખમા વર્ણવેલી રીતે દરેક દિવસે ઘરના સૌ સભ્યોએ સાથે મળીને વિચારવિમર્શ કરે તો દિવાળી યાદગાર બની જાય.

  નયન

 2. Wonderful ………………………..

  NO more words to say

 3. સુંદર પર્વ અને તેનું સુંદર વર્ણન.

 4. નિર્લેપ ભટ્ટ says:

  apt & relevant article…

 5. સરસ લેખ.
  પરતું એક સ્પષ્ટતા થવી જરુરી છે.વાઘ બારસ અંગે ક્યાંક વાંચ્યુ છે કે ખરેખર એ “વાક બારસ” છે અને એની ઊજવણી પાછળ વાક ચાતુર્ય, સાહિત્ય સાધનાનો હેતુ છે.
  કોઈ જાણકારને આ બાબતમાં વધારે માહિતી હોય તો રજુ કરવા વિનંતી છે.

  સહુને નટવર મહેતાના નુતન વર્ષાભિનંદન!!
  http://natvermehta.wordpress.com/
  http://natvermehta.blogspot.com/

 6. pragnaju says:

  સરસ પ્રેરણા દાયક લેખ
  દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
  આ જે સં ત વા ણી
  તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
  પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
  ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
  જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
  *http://niravrave.wordpress.com/

 7. kantilal ghaghada says:

  Good article written by Shri Mansukhbhai.

  People should know the importance of our festivals

  Kantibhai Ghaghada
  Jamnagar

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.