અંદરની તપાસ – ગિરીશ ગણાત્રા

‘બાપ રે, બાપ, શું ગિર્દી છે ! આમાં કાર તો શું સ્કૂટર પણ લઈ જવાય એવી હાલત નથી ! પૂજા, તું મારો હાથ બરાબર પકડી રાખજે. જો છૂટી પડી ગઈ તો પછી મને તારો પત્તો નહિ મળે ને મને તારો….’ હેમાબહેન એની આઠ-દસ વર્ષની પુત્રીને લઈને પતિની દુકાને ચોપડા પૂજનમાં જઈ રહ્યાં હતાં. ઘેરથી રિક્ષા કરીને જ નીકળ્યા હતાં પણ શહેરની અંદર પ્રવેશવાના ત્રણ દરવાજા સુધી પહોંચ્યા પછી રિક્ષાવાળાએ ચોખ્ખી ના પાડી દીધી કે બહેન, હવે ચાલતાં જ જાઓ. અહીંથી અંદર સુધી મારું વાહન લઉં તો બે કલાક સુધી બહાર જ ન નીકળી શકું. સપરમા દિવસે બે કલાક ભાડા વિના રહેવું પોસાય નહિ.

રિક્ષાવાળાની વાત ખોટી તો નહોતી. ત્રણ દરવાજાથી કાળુપુર તરફ જવાના રસ્તે કીડિયારાની જેમ માણસ ઊભરાયું હતું. દિવાળીના તહેવારોની ખરીદી કરવા અને ધબકતું જીવન માણવા લોક માત્ર નીકળી પડ્યું હતું. અહીંથી પતિની દુકાન બહુ દૂર નહોતી. ચાલતાં ચાલતાં જઈએ તો દસ-બાર મિનિટમાં પહોંચી જવાય પણ હૈયેહૈયું દળાય એવી આ માનવમેદની વચ્ચેથી નીકળવું એટલે અભિમન્યુનો કોઠો પાર કરવો.

પુત્રી પૂજાનો હાથ પકડી હેમાબહેન ધીમે ધીમે પોતાનો રસ્તો કરતાં આગળ વધતાં હતાં. લક્ષ્મીપૂજન નિમિત્તે એમણે ખાસ વસ્ત્રો અને અલંકાર પરિધાન કરેલાં. બનારસી સિલ્કની મોંઘી સાડીમાં સજ્જ થઈ હેમાબહેન કાનમાં હીરાના કાપ અને ગળામાં પાંચ તોલાનો અછોડો પહેર્યો હતો. આ અછોડો પતિએ ખાસ એને માટે તૈયાર કરાવેલો. મે મહિનાની લગ્નની સિઝનથી માંડીને આ ધનતેરસ સુધી એ સારું કમાયા હતા. પણ કેમ ન કમાય ? શિયાળામાં દક્ષિણ ભારતનાં બે-ત્રણ શહેરોમાં ફરી, ખાસ પ્રકારની સાડીઓ એણે તૈયાર કરાવી હતી. જથ્થાબંધ સાડીઓનાં ધંધામાં એણે પ્રાચીન-અર્વાચીન ડિઝાઈનોનું મિશ્રણ કરી નવા જ પ્રકારની જે સાડીઓ તૈયાર કરાવી હતી તેનો આ વખતે ખૂબ ઉપાડ થયો. એ સારું એવું કમાયા. લગ્ન પછી એણે પત્નીને વચન આપેલું કે જો થોડી સરખાઈ આવશે તો તને હીરાના કાપ કરાવી આપીશ અને ભારે માયલો અછોડો લઈ દઈશ. આ વખતે પેલી સરખાઈ આવી ગઈ અને એણે પત્નીને હીરાના કાપ અને અછોડો લઈ જ આપ્યાં. પહેલી જ વખત આ શુભ પ્રસંગમાં એણે એ પહેરવા કાઢ્યાં હતાં.

પાનકોર નાકે આવી એણે રમકડાં માર્કેટમાંથી જ જવાનું પસંદ કર્યું. નહિતર આ ગિર્દીમાં દુકાને પહોંચતા સુધીમાં તો સાડી ચોળાઈ જ જાય. પૂજાનું બાવડું પકડી એ રસ્તો તારવી નાનકડી ગલીમાં પ્રવેશ્યાં. એ ધીમે ધીમે આગળ વધતાં હતાં ત્યાં અચાનક એક ભિખારીએ બંનેનો હાથ પકડી ખેંચી જ લીધાં ! કોઈએ ફટાકડાની કોઠી સળગાવવા મૂકેલી અને એમાંથી ફુવારા ઊડે તે પહેલાં જ એ ફાટી, હેમાબહેનને આ કોઠીનો જરાયે ખ્યાલ જ નહિ, કારણ કે આ નાનકડી ગલીમાં ફટાકડાની રમઝમ ચાલતી હતી. કોઈ બોમ્બ ફોડતું હતું તો કોઈ લાંબી લવિંગીયાની સેર આ સાંકડી ગલીમાં પાથરી તડાફડી કરી રહ્યું હતું. જે જે નાનકડી દુકાનોમાં ચોપડા પૂજન થઈ ગયા તેની આગળ છોકરાંઓ ફટાકડાની રમઝટ બોલાવી રહ્યાં હતાં. હેમાબહેન અને એની પુત્રી પૂજા આબાદ બચી ગયાં. જો કોઠીની બાજુમાં પગ આવી ગયો હોત તો કાં એને અથવા એની પુત્રીને જરૂર ઈજા થાત. પેલા ભિખારીએ બંનેના બાવડાં પકડીને જે રીતે ખેંચી લીધાં એનાથી એ ગબડી પડ્યાં. મોંઘી સાડી થોડીક ઘસાઈને મેલી થઈ. થોડુંક વાગ્યું પણ ખરું પણ ઈજામાંથી ઊગરી ગયાં.

ઊભાં થઈ બંનેએ પોતાની જાતને સંભાળી લીધી. બંનેને ઠીક ઠીક વાગ્યું હતું. વાગ્યું થોડું દુ:ખ હતું, પણ બચી ગયાં એ એના નસીબ. કપડાં ઝાટકી, ભિખારીનો બંનેએ આભાર માન્યો. આજુબાજુમાંથી કોઈ કોઈ બોલી પણ ઊઠ્યું કે આબાદ ઊગરી ગયાં ! સાચ્ચે જ હેમાબહેન અને એની પુત્રી ઊગરી ગયાં હતાં. ભિખારીનો આભાર વ્યક્ત કરવા હેમાબહેને પર્સ ઉઘાડી એના હાથમાં 20 રૂપિયાની નોટ મૂકી અને પછી ગલી પાર કરી ગયાં.

રતનપોળની ગલીમાં પહેલે માળે પતિની મોટી દુકાન અને શો-રૂમ હતો. વિશાળ મોટા ખંડમાં ચારે બાજુ ગાદીતકિયા બિછાવેલા હતા. એક ખૂણે ગોર મહારાજની પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી તો દુકાનના માણસો આવનાર મહેમાનોનું આઈસ્ક્રીમથી સ્વાગત કરી રહ્યા હતા. હેમાબહેન અને પૂજા પતિ પાસે બેઠાં. તક મળી કે પતિ મહેશભાઈએ પત્નીના કાનમાં બે મીઠા શબ્દો સંભળાવી દીધા. ‘આજે તું ખરેખર સરસ લાગે છે. હીરાના કાપ ખૂબ જ શોભે છે. આજે પેલો અછોડો પહેર્યો હોત તો….’
ને હેમાબહેનનો હાથ ગળા પર ગયો. અછોડો ત્યાં નહોતો !
‘કેમ શું થયું ?’ પતિએ પૂછ્યું.
‘અછોડો તો હું પહેરીને નીકળી હતી !’
‘ખરેખર ?’
‘હા. ગિર્દી ખૂબ હતી એટલે માણેકચોક બાજુથી અવાય એમ નહોતું એટલે રમકડાં માર્કેટ પાસેથી જ નીકળી. પણ ત્યાં ફટાકડાઓ બહુ ફૂટતા હતા. અમે પસાર થતાં હતાં ત્યાં જ કોઠી ફાટી અને…’ હેમાબહેને ઝડપથી પતિને આખોય પ્રસંગ સંભળાવી દીધો અને રડમસ અવાજે બોલ્યો, ‘હું પડી અને પૂજા મારા પર પડી ત્યારે બેચાર માણસોએ અને પેલા ભિખારીએ અમને ઊભાં કર્યાં ત્યારે….’

મહેશભાઈનું મોં વિલાઈ ગયું. એક પછી એક મહેમાનો આવતાં જતાં હતાં એટલે એ વખતે એ કશું બોલ્યા નહિ. એમણે દુકાનના એક માણસની સાથે પત્નીને અછોડાની તપાસ કરવા રવાના કરી દીધી. ચોપડા પૂજનની વિધિ પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે પત્ની આવી પણ સારા સમાચાર વિના. અછોડો ન મળ્યો તે ન જ મળ્યો.
*****
દિવાળીના એ તહેવારો હેમાબહેન માટે બહુ સારા ન ગયાં. પેલો ખોવાઈ ગયેલો અછોડો સતત એના દિલ-દિમાગને કોરી ખાતો રહ્યો. પતિએ ખૂબ આશ્વાસન આપ્યું કે હવે એને મનમાંથી કાઢી નાખ. જો પાછો લાગ આવશે તો બીજો આવી જશે. એટલો ભગવાનનો પાડ માન કે તું અને પૂજા બચી ગયાં ! માન કે તમારામાંથી કોઈને પણ ઈજા થઈ હોત તો એના દવાદારૂમાં અછોડાની કિંમત કરતાંય વધુ ખર્ચ થઈ જાત. શરીરકષ્ટ ભોગવવું પડત એ વધારામાં. આટલાથી પત્યું માની આનંદમાં રહે. પણ ઘરેણાંની બાબતમાં સ્ત્રી-સ્વભાવ આ વાત એમ સહેલાઈથી થોડી ભૂલી જાય ? હેમાબહેનને એ વાતનો ડંખ રહ્યા કરતો હતો કે પડ્યા પછી ઊભાં થયાં બાદ જો એનો હાથ ગળા તરફ વળ્યો હોત તો ? પણ વાગ્યાના દુ:ખમાં એ એટલી સમયસૂચકતા દાખવવી ભૂલી ગયાં. ઉપરાંત, અછોડો પહેરવા કાઢ્યો ત્યારે કડી પાસેથી એ થોડો ઢીલો હતો. એ વખતે ત્યાં દોરો બાંધી દીધો હોત તો ? …… છેક મકરસંક્રાત સુધી આ અછોડો એના મનમાંથી હઠ્યો નહિ. જો કે મહેશભાઈએ પત્નીને વચન આપેલું કે ઉનાળામાં કાકાના દીકરાના લગ્ન પહેલાં બીજો આવી જશે. એટલો ભારે નહિ તો થોડા ઊતરતા વજનવાળો, પણ ઘડાઈ જશે એ નક્કી.

એક મોડી સાંજે જમી લીધા પછી એ રસોડામાં ઢાંક-ઢૂંબો કરી રહ્યા હતા. ત્યાં નાનકડાં બંગલાની ઝાંપલીએ કોઈનો અવાજ આવ્યો – એ બહેન, કંઈ વધ્યુંઘટ્યું હોય તો આલજો. ભગવાન તમારું ભલું કરશે….. એણે પૂજાને બૂમ પાડી પણ પૂજા બંગલાની ઉપરના બેડરૂમમાં એના પપ્પા પાસે બેસી લેસન કરતી હતી. હમણાં હમણાં ઘરમાં કોઈ નોકર નહોતો એટલે ઘરનું બધું કામ એને જાતે કરવું પડતું. વધેલી ખીચડી શાક લઈ એ ઝાંપા પાસે આવ્યાં. ભિખારીએ એના ડબલાઓ લંબાવ્યા. હેમાબહેને તપેલીમાંની ખીચડી સાચવીને એક ડબ્બામાં નાખી. પછી ખાલી તપેલી નીચે મૂકી શાકનું ટોપિયું હાથમાં લીધું અને શાક પણ બીજા ડબ્બામાં ઠાલવ્યું. ભિખારીએ ‘ભગવાન તમારું ભલું કરે’ એવા આશીર્વાદથી હેમાબહેનને પુરસ્કાર્યાં.

દસ પંદર મિનિટ પછી પોર્ચની લાઈટ બંધ કરી હેમાબહેન ઘરનો દરવાજો બંધ કરવાની તૈયારીમાં હતાં ત્યાં ઝાંપા તરફથી ફરી અવાજ આવ્યો… એ બહેન એ બા….
‘શું છે ?’ હેમાબહેને દરવાજા પાસે ઊભાં ઊભાં જ પૂછ્યું.
‘એ બા, જરાક પાણી આલજો ને, તરસ બહુ લાગી છે.’
હેમાબહેને પોર્ચની લાઈટ કરી.
ભિખારીને ખાવાનું આપ્યા પછી એની પાણીની માંગણીથી હેમાબહેનને થોડો કંટાળો આવ્યો પણ એની ધાર્મિક વૃત્તિ એની મદદે આવી. કોઈ તરસ્યાની તરસ છિપાવવી એમાંય ભગવાન રાજી રહે છે. સૂતાં પહેલાં ભલે ને એટલું પુણ્ય થઈ જાય. એ રસોડામાંથી પાણીનો લોટો ભરી ઝાંપા પાસે આવ્યાં. ભિખારી એને તાકીતાકીને જોઈ રહ્યો. હેમાબહેનને એ ન ગમ્યું. એણે જરા ઊંચા અવાજે કહ્યું :
‘પાણી જોઈતું હોય તો ડબલું ધરને. આમ ફાટી આંખે શું જોઈ રહ્યો છે ?’
ભિખારીએ એનું ડબલું આગળ ધર્યું અને પછી હળવેક રહીને બોલ્યો :
‘બહેન, આ ગઈ દિવાળીમાં તમારું કંઈ ખોવાયું હતું ?’
હેમાબહેન ભિખારી સામે તાકીતાકીને જોઈ રહ્યાં અને પછી બોલ્યાં :
‘હા.’
‘શું ખોવાયું હતું ?’
‘એનું શું તારે કામ છે ?’
‘કંઈ નહિ. આ તો પૂછી જોયું.’

હવે હેમાબહેનના દિમાગમાં બત્તી થઈ. દિવાળીના દિવસે કોઈ ભિખારીએ જ એનો અને પૂજાનો હાથ ખેંચીને એને બચાવ્યાં હતાં ! વખતે એ અછોડાની વાત….
‘હા, હા. એક ઘરેણું ખોવાયું હતું.’ હેમાબહેને ઝડપથી કહી દીધું.
‘કેવું ઘરેણું ?’
‘ગળાનો હાર.’
ભિખારી ફરી એની સામે તાકી રહ્યો અને પછી પોતાની મેલી, ગોદડી જેવી બંડીની નીચેના પહેરણમાં હાથ નાખી એણે અછોડો કાઢ્યો અને એની સામે ધરતાં પૂછ્યું.
‘આ હતો ?’
હેમાબહેનને લાગ્યું કે એક ક્ષણ માટે એ શ્વાસ ચૂકી ગયા હતાં. એણે ફટાક દઈને ઝાંપો ખોલી નાખ્યો અને બોલ્યાં : ‘અંદર આવ ભાઈ.’ પોર્ચની લાઈટના અજવાળે એણે અછોડાને હાથમાં લઈને જોયો અને પછી પતિને બૂમ મારી. મહેશભાઈ અને પૂજા નીચે આવ્યાં. પતિ-પત્નીએ જોયું તો અછોડો એનો જ હતો.
‘તારી પાસે ક્યાંથી આવ્યો ?’ મહેશભાઈએ પૂછ્યું.
‘દિવાળીને દિવસે બહેન જ્યાં પડી ગયાં હતાં ત્યાં ખૂણામાં ફટાકડાનાં ખાલી ખોખા વચ્ચે એ પડ્યો હતો. બહેનના ગયા પછી હું ફટાકડાના ખોખાં પરની છાપ ઉખેડવા ખોખાં વીણતો હતો ત્યારે મળી આવ્યો. જો કોઈને પૂછત તો હક્ક કરવા દોડી આવત અને મારા જેવા ગરીબને મારપીટ થાત તે જુદી, એટલે મેં જ રાખી લીધો. તમારી એટલામાં ખૂબ તપાસ કરી પણ તમે ન મળ્યાં. જે જે ઘેર ભીખ માગવા જતો ત્યાં તમારો અણસાર પકડી યાદ કરતો પણ એવું કોઈ મળ્યું નહિ. આજે બહેન ખીચડી આપતાં હતા ત્યાં અણસાર પકડાયો. પણ પછી એક ખૂણે બેસી ખીચડી ખાતાં ખાતાં અણસાર પાક્કો કર્યો એટલે પાણી માગવાને બહાને પાછો આવ્યો અને ખાતરી કરી લીધી. તમારો હોય તો હવે તમે રાખો. આજ સુધી ભાર લઈને ફરતો હતો એ હળવો થયો.’

મહેશભાઈ ઉપર ગયા અને ઝડપથી નીચે આવ્યા. એણે ભિખારીના હાથમાં પાંચસો રૂપિયાની ત્રણ ચાર નોટ મૂકી પણ ભિખારી એ પાછી વાળતાં બોલ્યો :
‘બાપલા, પૈસાને હું શું કરું ? એ તો વપરાઈ જશે. કંઈ કામ આપો તો સારું. વખાનો માર્યો આ શહેરમાં કામ મેળવવા આવ્યો હતો, પણ ઉંમર થઈ એટલે કોઈ કામ આપતું નથી. ન છૂટકે ભીખ માગવી પડે છે….’ મહેશભાઈ થોડા વિચારમાં પડી ગયા. એ પછી એણે હેમાબહેન સાથે થોડી મસલત કરી કહ્યું :
‘સારું એક કામ કર. આ ભીખનાં ડબલાં ફેંકી દે. અત્યારે આ બંગલાના ખૂણે પેલી ઓટલી છે ત્યાં સૂઈ જા. બહેન તને ઓઢવા-પાથરવાનું આપશે. સવારે કંઈક વિચારીશું.’
*****
ચોથા-પાંચમા દિવસે, આ નાનકડી બંગલીથી આઠમા ઘેર રહેતાં નયનાબહેન એક બપોરે હેમાબહેનને મળવા આવ્યા ત્યારે દીવાનખંડમાં બેઠાબેઠાં જ હેમાબહેનને બૂમ પાડી :
‘રણછોડજી, બે ગ્લાસ ઠંડા પાણીના આપો અને પછી સરસ મજાની ચા બનાવો.’
આ સાંભળી નયનાબહેને પૂછ્યું : ‘તમને નોકર મળી ગયો ?’
‘હા.’
‘ક્યાંથી આવે છે ? કોને ત્યાં કામ કરતો હતો ?’
‘ક્યાંથી આવે છે એની ખબર છે પણ કોઈને ત્યાં કામ કરતો નહોતો.’
‘ક્યારે આવ્યો ?’
‘આ ચાર-પાંચ દિવસ પહેલાં જ.’
‘કોઈના રેફરન્સથી આવ્યો હશે.’
‘રેફરન્સ એનો પોતાનો જ.’ હસીને હેમાબહેન બોલ્યા.
‘જોજો એવો ભરોસો કરતાં’ નયનાબહેને ચેતવણી ઉચ્ચારી, ‘આજકાલ નોકર રાખતાં પહેલાં પૂરતી તપાસ કરી લેવી. પોલીસવાળા પણ કહે છે કે ઘરઘાટી રાખતાં પહેલાં કે કોઈને કામે રાખતાં પહેલાં પૂરતી તપાસ કરો. એનો ફોટો પણ પાડી લો. આમ આપણી ગરજે એને રાખી લેતાં પહેલાં આટલું તો કરી જ લેવું જોઈએ. જુઓને, અમે પણ અમારાં છોકરાંઓની વચ્ચે અમારા નોકરને ઊભો રાખી, આડકતરી રીતે એનો ફોટો તો પાડી જ લીધો છે. તમે પણ….’
રણછોડજી એક ટ્રેમાં પાણીના બે ગ્લાસ મૂકી દીવાન ખંડમાં આવ્યો. નયનાબહેન ચૂપ થઈ ગયાં. એ જેવો રસોડા તરફ વળ્યો કે નયનાબહેને ધીરેથી કહ્યું :
‘મને એના લક્ષણ સારાં લાગતાં નથી. રખે ઘરનો ભાર એને સોંપી દેતાં. હું તો કહું છું કે આ માણસની બહારથી તપાસ કરાવી લો… કેમ, ખોટું કહ્યું ?’
‘ના….’ હેમાબહેન હસીને બોલ્યાં, મેં બહારથી તો એની તપાસ નથી કરાવી પણ અંદરથી તપાસ કરાવી લીધી છે….’

નયનાબહેનને આ ‘અંદરની તપાસ’ની વાત ન સમજાઈ. હજુ સુધી પણ નથી સમજાઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નૂતન વર્ષના વધામણાં – તંત્રી
સાહચર્ય – સંકલિત Next »   

35 પ્રતિભાવો : અંદરની તપાસ – ગિરીશ ગણાત્રા

 1. કલ્પેશ says:

  વાહ, નવા વર્ષને સમયે અંદરની તપાસ કરવી રહી.

  કેટલી ગ્રંથિઓ આપણે બાંધીને બેઠા છીએ. એને છોડવાનો સમય પાકી ગયો અને આનાથી વધારે સારો સમય ક્યો?

 2. snehal AUS says:

  nice story…

 3. બહારની તપાસ તો આપણે ખુબ કરતાં હોઈએ છીએ પણ આ અંદરની તપાસ કરવાની આવડત જ ખરેખર કેળવવા જેવી છે.

  સુંદર રજુઆત.

 4. Mukesh TPatel says:

  માનવતા હજુ જીવે છે. ધન્યવાદ્

 5. Ashish says:

  Good story.

  Good things happens. How about if it happens everyday? We should be living in the society where the good from society should indeed be a habit rather than an exception.

 6. Geetika parikh dasgupta says:

  અંદર ની જ તપાસ ખોૂબ અગ્ત્ય ની છે…..

 7. nayan panchal says:

  કર ભલા તો હો ભલા…

  જો હેમાબેન ભૂખ્યા ભિખારીને ન જમાડ્તે તો..

  અને never judge the book by its cover…

  નયન

 8. pragnaju says:

  આંતર તપાસ કરવાની સુંદર વાત

 9. Navin N Modi says:

  અંદરની તપાસ અંતરનૅ સ્પર્શી ગઈ. અતિ સુન્દર વાત. અભિનંદન.

 10. Devendra Shah says:

  અંદરની તપાસ અંતરનૅ સ્પર્શી ગઈ. અતિ સુન્દર વાત. અભિનંદન.

  બહારની તપાસ તો આપણે ખુબ કરતાં હોઈએ છીએ પણ આ અંદરની તપાસ કરવાની આવડત જ ખરેખર કેળવવા જેવી છે.

 11. ઈન્દ્રેશ વદન says:

  સારી વાર્તા.

 12. મને તો એમ કે નયનાબેન કદાચ એમની બહારની તપાસ મુજબ રણછોડજીને ક્યાંક ભીખ માગતાં જોયો હશે તેનો ઉલ્લેખ કરી હેમાબહેનને ચેતવશે કે કેમ?
  બહારની તપાસ અવિશ્વસનીય પણ હોઈ શકે, પણ અંદરની તપાસમાં એવી શક્યતા નહીંવત હશે. બહુ જ સરસ વાર્તા. અભિનંદન.

 13. JAWAHARLAL NANDA says:

  SUPERB ! NICE ! ALAGRAND TURNING IN STORY ! NICE DRAMATIC KAHANI ! LET ME INFORM YOU MY MOTHERTONGUE IS SINDHI, BUT STUDIED IN GUJARATI MEDIUM , HENCE ENYOING THIS SIGHT BY WORD TO WORD ! LAGE RAHO MUNNABHAI, LAGE …… …… RAHO……………………………………..

 14. mukul says:

  માનવવ્વિઈઈઈ ઈ ંઆણા

 15. mukul says:

  માનવીય પાસાને ઉજાગર કરતી વાર્તા નુ સર્જન કરી ને ગિરીશભાઈ એ હ્રદય તરબતર કર્યુ.

 16. kumar says:

  Nice story,
  આજ કાલ કદાચ “અંદર ની તપાસ” નુ મુલ્ય ઘટી રહ્યુ છે જે કદાચ સૌથી વધારે જરુરી છે.

 17. Ashish Dave says:

  Nice story… paradigm shift is not that obvious but such shift is needed.

  Ashish Dave
  Sunnyvale, California

 18. Vaishali Maheshwari says:

  Very nice.

  The beggar was honest and Hemaben was generous.

  Three good things happened here:
  Hemaben got her expensive necklace back.
  The beggar got some work to earn his living.
  Maheshbhai and Hemaben got an honest servant who would help them in their household work.

  “ભગવાન કે યહાં દેર હૅ, અંધેર નહિં”

  Keep doing good tasks. God keeps a record of everything and gives us fruitful results, when he thinks it is the right time!

  Thank you Girishbhai…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.