સાહચર્ય – સંકલિત

[સાહચર્ય એટલે સાનિધ્ય. જેના સાનિધ્યમાં રહીને જીવન જીવવાનો આનંદ અનુભવાયો હોય તે કોઈ પણ સ્વરૂપે આપણા જીવનમાં હોઈ શકે – કદાચ સત્ય-પ્રેમ-કરુણારૂપી પરમેશ્વર, પ્રકૃતિ કે પ્રિયપાત્ર રૂપે. આ સ્મૃતિઓનું સ્મરણ કરવું એટલે જીવનમાં ધન્યતાને મહેસૂસ કરવી. ‘નવનીત સમર્પણ’ના દીપોત્સવી એટલે કે સુવર્ણ જયંતિ વિશેષાંકમાં વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ વ્યક્તિઓએ ‘સાહચર્ય’ વિષય પર પોતાની વાતો દિલ ખોલીને વર્ણવી છે જેમાંથી કેટલાક પ્રસંગોને આપણે આજે માણીશું. બાકી રહેલા અન્ય પ્રસંગો ફરી કોઈક વાર. પ્રસ્તુત છે ‘સાહચર્ય’ ની રસભરી વાતો ‘નવનીત સમર્પણ’ માંથી સાભાર…. ]

[1] રામ : મારા આરામ વિરામ અને વિશ્રામ – પૂ. મોરારિબાપુ

ભગવાન રામને તુલસીજીએ માનવ તરીકે તથા બ્રહ્મ રૂપે યાની બન્ને રૂપે પ્રગટ કર્યા છે જ્યારે આદિકવિ વાલ્મિકીજીના રામ કેવળ માનવ છે. તુલસીને પણ રામ માનવ અવતાર લઈને આવે તે જોઈએ છે. એટલે એ લખે છે : ‘લીન્હ મનુજ અવતાર’. પરંતુ મુશ્કેલી એ છે કે રામ કેવળ મનુષ્ય તરીકે રહે તો એ એક જ દેશના અને એક જ કાળના બની રહે અને કોઈ પણ એમ કહી શકે કે એ તો ત્રેતા યુગની ઘટના છે અને અમુક દેશ કે પ્રદેશમાં ઘટેલી ઘટના છે. સર્વકાલિક અને સર્વદેશીય ન બની શકે. તેથી રામનું શાશ્વત યાની કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં કે કોઈપણ વ્યક્તિને એનું શાશ્વત સાહચર્ય ન સંભવી શકે. રામ બ્રહ્મ હોવાની સાથે મનુષ્ય પણ હોય તો એનું સાહચર્ય નીતનૂતન અને નિત્ય બની શકે. મારે વ્યક્તિગત રીતે રામકથાના ગાયક તરીકે એનું નિત્ય સાહચર્ય અનુભવવું હોય તો એનું બ્રહ્મપણું સ્વીકારીને જ સંભવે.

મારી દષ્ટિએ રામ માનવની સાથે સાથે બ્રહ્મ તરીકે એક, પરમ તત્વ તરીકે સત્ય સ્વરૂપ, પ્રેમસ્વરૂપ અને કરુણાસ્વરૂપ પણ છે. વ્યક્તિ તરીકે રામને આપણે ક્યાં જોયા છે ? એથી સ્થૂળ રૂપે સાહચર્ય અસંભવ છે પરંતુ સૂક્ષ્મ રૂપે મને જે અનુભવાય તે નમ્રતાપૂર્વક કહી શકું એ ‘રામ હી સુમિરિય ગાઈય રામ હી | સંતન સુનહિ રામગુન ગ્રામહી ||’ મારે ભગવાન રામ સાથેનું સાહચર્ય આ રીતે છે. રામના સ્મરણના રૂપમાં, રામકથાના ગાન-કથનના રૂપમાં અને રામ વિષયક યાની સત્ય, પ્રેમ, કરુણા વિષયક ચર્ચાના, શ્રવણના રૂપમાં છે.

રામચરિત માનસ કહે છે : આરામ, વિરામ અને વિશ્રામ આપે એ રામ. એનો અર્થ સ્પષ્ટ છે કે જે વસ્તુ, વ્યક્તિ, ઘટના, કળા, સાહિત્ય, સંગીત અથવા તો કોઈ પણ તત્વ, જેનાથી આત્માનો આરામ, વિરામ અને વિશ્રામ મળે એ બધું જ મારા માટે રામ છે. અને એ પરમ તત્વની અહૈતુક કૃપાથી હું આ રીતે ભગવાન રામનું સાહચર્ય અનુભવી રહ્યો છું. ભગવાન જીસસ ક્રાઈસ્ટે પ્રેમને પરમાત્મા કહ્યો, પૂ. ગાંધીબાપુએ સત્યને પરમાત્માના રૂપમાં અનુભવ્યું. આપણે ત્યાં શિવ તો કરુણા અવતાર છે જ. મારા માટે પરબ્રહ્મ રામતત્વ આ ત્રણેય છે. અને એ રીતે એના સાહચર્યનો આનંદ અનુભવું છું.

રામ સચ્ચિદાનંદ દિનેશા….
રામ હી કેવલ પ્રેમપિયારા….
(રામ) કરુણાસિંધુ ખરારી…
.

[2] સ્નેહ, સમજણ અને શ્રદ્ધાનો સમન્વય – કોકિલાબહેન ડી. અંબાણી

ધીરુભાઈ સાથે મારાં લગ્ન 1955માં થયેલાં. અમારું દાંપત્યજીવન સાડા ચાર દાયકાથી પણ વધુ સમયનું પણ અમારા સાહચર્ય વિશે એક વાક્યમાં કહેવું હોય તો કહીશ કે સ્નેહ, સમજણ, શ્રદ્ધા અને વિશ્વાસનો સરવાળો. ધીરુભાઈ ચોરવાડ જેવા નાનકડાં ગામના સ્કૂલટીચરના પુત્ર અને હું જામનગરના પોસ્ટમાસ્ટરની પુત્રી. આમ બે મધ્યમવર્ગના પરિવારો વચ્ચેનો એ સંબંધ. અમારાં લગ્ન થયાં ત્યારે મને તો સપનેય ખ્યાલ નહોતો કે દસ વરસમાં જ અમારી જિંદગીમાં અવનવાં સુખદ આશ્ચર્યો સર્જનારું અભૂતપૂર્વ પરિવર્તન શરૂ થવાનું છે. જો કે આવનારી સમૃદ્ધિથી ભલે હું અજાણ હતી, પરંતુ મારા પતિની પ્રેમાળ કાળજી અને દરિયાદિલીના વૈભવનો પરિચય તો મને લગ્ન પછી તરત જ મળી ગયો હતો.

પરણીને અમે ચોરવાડ આવ્યાં એ જ દિવસે રિવાજ પ્રમાણે અમને ગણપતિની મૂર્તિ સામે કોડા-કોડી રમવા બેસાડ્યાં. અમારી સામે પાટલા પર પડેલી થાળીમાં અબીલ-ગુલાલવાળું પાણી ભરેલું હતું તેમાં કોડીઓ, સોપારીઓ, સિંગદાણા, પૈસાના સિક્કા વગેરે વચ્ચે એક સોનાની વીંટી નાખેલી હતી. અમારે એ વીંટી શોધવાની હતી. આ રમતમાં જે જીતી જાય તેનું ઘરમાં ચલણ રહે એવી માન્યતા હતી. ધીરુભાઈની ચપળતાની ઘરના સહુને ખબર એટલે અમારી આજુબાજુ બેઠેલા બધા સગાંવહાલાંને ખાતરી હતી કે આ રમત ધીરુભાઈ તો ચપટી વગાડતાંમાં જીતી જશે. આમેય હું તો સાસરામાં અને નવા વાતાવરણમાં અજાણ્યા સગાંઓની વચમાં સંકોચાતી બેઠી હતી. પણ લાજ કાઢેલી તેથી મારો ગભરાયેલો ચહેરો કોઈને દેખાતો ન હતો. અમારા બન્નેની આંખો પર પાટા બાંધવામાં આવ્યા ને પાણીમાં અમે વીંટી શોધવા લાગ્યાં….. ત્યાં અચાનક ધીરુભાઈએ પોતે શોધી કાઢેલી વીંટી મારા હાથમાં સરકાવી દીધી અને બોલી ઊઠ્યા : ‘જીતી ગઈ, કોકિલા જીતી ગઈ.’ હું તો તેમની આ યુક્તિ જોઈ હસી પડેલી. એ તો સારું થયું લાજનો ઘૂમટો આડો હતો એટલે કોઈએ જોયું નહીં. પણ તેમની ઉદારદિલી અને મારા પ્રત્યેની કાળજીનો ખ્યાલ મને ત્યારથી આવી ગયેલો. પ્રસંગ નાનકડો હતો પણ મારા મન પર ઊંડી છાપ છોડી ગયો.

લગ્ન પછી ધીરુભાઈ તો એક મહિનામાં જ એડન ચાલ્યા ગયેલા કેમકે તેમની રજા પૂરી થતી હતી. પણ જતા પહેલાં તેઓ મારા પાસપોર્ટની અરજી કરાવતા ગયેલા. તેઓ ત્યાં જઈને વીઝા મોકલવાના હતા. લગ્નના એ શરૂઆતના દિવસોમાં જ મને તેમના વગર સાસરે કેટલું એકલવાયું લાગશે તેનો તેમને ખ્યાલ હતો. એટલે જતાં જતાં મારાં સાસુ જમનાબાને કહેતા ગયેલા કે કોકિલાને જામનગર રહેવા મોકલજો. અહીં નવા વાતાવરણમાં એનું મન નહીં લાગે. એડનથી પણ તેઓ નિયમિત પત્રો લખતા. એટલું જ નહીં, મુંબઈ રહેતા પોતાના એક મિત્રને લખેલું કે મને વાંચવા માટે સારી ચોપડીઓ મોકલે. મને પણ પત્રમાં લખતા કે નવું નવું વાંચવામાં, જાણવામાં તારો સમય પસાર થઈ જશે. ત્યારથી જ મારું ઘડતર કરવાનું જાણે શરૂ કરી દીધું હતું.

આજથી ત્રેપન વર્ષ પહેલાં પણ ધીરુભાઈ કેટલા મોર્ડન વિચારના હતા તેનો ખ્યાલ આવે તેવો એક પ્રસંગ યાદ આવે છે : ધીરુભાઈના પત્રોમાં એડનની રોમાંચક વાતો જાણ્યા પછી મને પણ એડન પહોંચવાની ઉત્સુકતા હતી. આખરે મારો એડન જવાનો દિવસ આવી પહોંચ્યો. હું હવે એક અજાણ્યા દેશ અને વાતાવરણમાં મારા પતિ સાથે રહેવા જઈ રહી હતી. સામાન બાંધી અમે – હું અને મારા નણંદ ત્રિલોચનાબહેન – મુંબઈ આવી પહોંચ્યાં. દિવાળી નજીકના એ દિવસો હતા. ઉત્સવનું વાતાવરણ હતું. અમે ચાર દિવસ મુંબઈ રહેલાં, ધીરુભાઈના મામાને ઘરે – વિઠ્ઠલવાડીમાં. અમે ત્યાં પહોંચ્યા એના બીજે દિવસે એક નવાઈની વાત બની. બે યુવાનો મામાને ઘેર મારું નામ પૂછતાં-પૂછતાં આવ્યા ! એ ધીરુભાઈના ખાસ દોસ્તો નરોત્તમભાઈ દોશી અને રતિભાઈ મૂછાળા હતા. ધીરુભાઈએ તેમને એક કામ સોંપ્યું હતું – મને મુંબઈ ફેરવવાનું, જોવાલાયક સ્થળો બતાવવાનું કામ. ધીરુભાઈના કાળજીવાળા સ્વભાવનો મને ફરી એક વાર પરિચય થયો. મુંબઈમાં મારા દિવસોનો ઉપયોગ થાય અને હું મુંબઈ જોઈ શકું એ માટેની એમની ચીવટ મને સ્પર્શી ગઈ. પણ મારા મામાજીને તેમનું એ પગલું અજુગતું લાગેલું. મુંબઈ જેવા શહેરમાં બે અજાણ્યા યુવાનો સાથે મને ફરવા મોકલવાની તેમની જરાય ઈચ્છા નહોતી, આખરે પેલા બેય જણે ખૂબ વિનંતી કરી એટલે સમયસર મને ઘરે મૂકી જવાની શરતે મામાજીએ તેમની સાથે જવા દીધેલી. એ ઘટના યાદ આવતાં આજેય હસી પડાય છે. પણ એમાંથી મને ધીરુભાઈની મારે માટેની કાળજીની સાથે સાથે જ તેમની દોસ્તી અને સંબંધો પરની શ્રદ્ધાની ખબર પડી હતી. તેમના આધુનિક વિચારો જોઈને મને ઘણી નવાઈ લાગેલી. અને આ અભિગમ છેક પચાસ વર્ષ પહેલાં તેમનામાં હતો !

એડનમાં સ્થિર થવામાં પણ મને તેમનો પૂરો સાથ મળ્યો. તેમને ગમે એટલું કામ હોય તો પણ રાત્રે અમે સાથે બહાર ચક્કર મારવા જઈએ જ. પોતાની દિવસ ભરની વાતો મને કરે અને મને પણ પૂછે – આજે નવું શું કર્યું ? મુંબઈ આવ્યા પછી તો ધીરુભાઈ ઘણા વ્યસ્ત થઈ ગયા હતા. તેમને સમયની ખૂબ ખેંચ રહેતી. છતાંય ત્યારે પણ અમારું સાહચર્ય પહેલાં જેવું જ જળવાઈ રહ્યું. લગ્ન કરીને આવી ત્યારે આરંભમાં અનુભવેલી એવી જ હૂંફ અને હિંમત વર્ષો પછી અને આટલું બધું બદલાઈ ગયા પછી પણ એમની સાથે અનુભવાતી હતી. ખરેખર, ધીરુભાઈએ મને સાચા અર્થમાં જીવનસાથી બનાવી હતી. મારા તો તેઓ જિંદગીભર ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ બની રહ્યા. આજે એમની ગેરહાજરીમાંય તેમનો સાથ સતત અનુભવાય છે. (શબ્દાંકન : તરુ કજારિયા)
.

[3] મંગુ, સરજુ અને વીજળી – લાભશંકર પુરોહિત

આપણને ગમે કે ન ગમે. કોઈ પણ નિમિત્તે અનેકાનેક વ્યક્તિઓનો સહચાર કરવો જ પડે છે. સહચાર લાંબા ગાળાનો પણ હોઈ શકે અને ટૂંકા ગાળાનોય હોઈ શકે. મારા લાંબા જીવનપથ પર નજર નાખું છું ત્યારે અનેક ચહેરાઓ સ્પષ્ટ-અસ્પષ્ટ રીતે પસાર થાય છે. પરંતુ ત્રણેક ચહેરા છે જે મારા હૃદય સાથે જડાઈ ગયા છે. તેમનો સહચાર મારામાં લોહી બનીને ફરી રહ્યો છે અને આજે હું જે સ્વસ્થ સ્વાસ્થ્ય ભોગવું છું તે એમના સહચારને જ આભારી છે. તે છે મારી ગાય મંગુ, સરજુ અને વીજળી.

હું ગામડાનો માણસ છું. ગામમાં બેચાર ખોરડાં અને ગરીબી સિવાય બીજું કશું જ ન હોય. સૃષ્ટિમાં શ્વસતા હોઈએ ત્યારે આસપાસની વનસ્પતિ, પ્રાણીજગત સાથેય સહચાર અનુભવાય. આ વાત શહેરમાં જન્મેલા અને ઊછરેલા લોકોને સમજાવવી અઘરી છે. મનુષ્યેતર સૃષ્ટિ સાથેનું સાહચર્ય લાંબું ચાલે છે, કારણ કે તેમાં ભારોભાર સંવેદનશીલતા હોય છે. સંપર્કની સીમિતતા એટલે સઘનતા ઓછી નહીં. મંગુ સાથેનું સાહચર્ય સીમિત હતું પણ તેમાં સઘનતા હતી. મંગુ મારી દાદી સાથે લગ્નમાં ‘વોડકી’રૂપે આવેલી. અમારે ત્યાં પરંપરા છે કે દીકરીને સાસરે વળાવે ત્યારે પોતાની આયપત હોય તેવી કોઈક વસ્તુ આપે. તેને સૌરાષ્ટ્રમાં ધામેણી કહેવાય. એટલે ધામેણીમાં આવેલી મંગુ ત્યારે વાછરડીથી સહેજ મોટી હતી. તેને વોડકી કહેવાય. એ મંગુ પછી તો વિયાઈ અને તેની દીકરી જેને અમે મંગુ જ કહેતા એનું દૂધ પીને મોટા થયા. એ મંગુ અમને સૌને ખૂબ વહાલી હતી. પણ સંવત 1998માં સૌરાષ્ટ્રમાં છનવો દુકાળ પડ્યો. ઘાસચારો મળે નહીં અને ગરીબી એટલી કે ધાન પણ પૂરે નહીં. છેવટે થાકીને સાતેક વર્ષની મંગુ જે છેલ્લી ગાય હતી, અમારી પાસે, જે મંગુનો વેલો હતી – તેને પાદર પર મૂકી આવવાનું નક્કી કર્યું.

ભાઈ ગાયને લઈને ઘરની બહાર નીકળ્યા જ હતા કે બાની આંખમાંથી આંસુની ધાર ચાલી. અમેય નદીને કાંઠે સામે પાર કાંઠે દેખાઈ ત્યાં સુધી ગાયને જતી જોઈ રહ્યા. હૃદયમાં ન કળાય એવું શૂળ થતું હતું. ઘરમાં સોપો પડી ગયો. મૌન છવાઈ ગયું. વારે વારે ખાલી ખીલા પર બધાની નજર અથડાય અને તેનું સૂનાપણું વાગે. ઘરમાં તે દિવસે ધાન રંધાયું નહીં. કોઈ પણ જાહેરાત વગર તે દિવસે રસોડું બંધ રહ્યું. બાળકોથી લઈને મોટેરાંઓ બધાને ઘરમાં ગમે નહીં. અને બા રોયા કરે. છેવટે પાંચેક દી કેડે બાએ કહ્યું વેલુફોઈને ત્યાં મંગુનો વેલો ચાલુ છે. તેને લઈ આવીએ. એટલે તે વાછડીને વાજતે ગાજતે ઓચ્છવ સાથે લઈ આવ્યા. લીલું વસ્ત્ર, કપાસ ભૂંસુ ટોપલામાં લઈ અમે મંગુને ઘંટડી બાંધી ઘરે લાવ્યા. આમ, મંગુની દીકરીની દીકરી મંગુરૂપે અમારે ત્યાં ફરી આવી અને સાત દિવસે ખીલો બંધાયો.

રોજ સવારે તેને ધણમાં મૂકવા જવાની અને સાંજે તેને લઈ આવવાની કામગીરી અમારાં છોકરાંવને માથે હતી. ચંપલ વગર બેપાંચ ગાઉ ચાલવું પડતું. પછી તો એ મંગુને દીકરો થયો સોમનાથ. તેને અમે ગામના ખેડૂતને આપી દીધો. અને દીકરી થઈ સરજુ. ખૂબ હેતાળ, શાંત, સમજુ અને તેની મા, મંગુ તે ખૂબ મારકણી હતી. મારા પિતા સિવાય બીજા કોઈને દોહવા ન દે. જો પિતા બહારગામ ગયા હોય તો અમારે વેલુફોઈને તેને દોહવા માટે બોલાવવાં પડે. એટલે સરજુ થઈ તે અમને બાળકોને ખૂબ ગમતી. તેનું આંચળ મોંમાં મૂકી અમે દૂધ પીએ તોય કશું જ નહીં. જ્યારે તોફાની મંગુ તો દિવસે ને દિવસે વધુ મારકણી થતી. ધણમાં લેવા, મૂકવા જતાં ખૂબ ત્રાસ થતો, કારણ કે તે આડીઅવળી ભાગી જતી. ચંપલ વગર ઝાડીઝાંખરાંમાં, કાંટાળા રસ્તે તેની પાછળ ભાગવું અમને છોકરાંવને આકરું લાગતું પણ ભાઈને એટલે કે પિતાને કહી શકાય નહીં. એ મંગુનું દૂધ ખૂબ સરસ હતું. રોજ સવારે અમે દાતણ કરી વાટકો દૂધ અને રોટલો ખાઈએ. સાંજેય દૂધ પીવાનું. છાશ તો ખવાય અમને ખબર જ નહીં. છાશ અમે મફતમાં પડોશમાં આપી દેતા. મારા પિતા એને શુકનવંતી માનતા હતા. ગરીબી હતી છતાંય કઈ રીતે શુકનવંતી માનતા એ ખબર નથી. એટલે મંગુ માટે અમને ખૂબ પ્રેમ અને મંગુનેય એમને માટે લાગણી.

તે સમયે મારી બે બહેનોનાં લગ્ન લેવાનાં હતાં. એટલે ખર્ચ માટે ગાયને વેચવી પડશે એવી ચર્ચા થઈ ત્યારે બા અને ભાઈએ કહ્યું કે મંગુને વેચી દઈએ. ગામમાં જ વેચીએ જેથી નજર સામે જ રહે. પણ મારા પિતા કહે, ના, સરજુને વેચીએ. મંગુને વેચવાની વાત તો સાંભળવા જ તૈયાર નહીં. એ સમયે સરજુ ધેણું થઈ ગઈ હતી એટલે કે વિયાણી હતી અને શ્રાવણ માસમાં રૂપાળી વીજળીને જન્મ આપ્યો હતો. હવે ઘરમાં મારાં માતા-પિતા વચ્ચે મૂંગો સંઘર્ષ ચાલે. મંગુ અને સરજુ માટે. મંગુને સાચવવી ભારે હતી. એટલે સૌ કોઈ ઈચ્છતું હતું કે તો વેચાઈ જાય તો સારું. પણ પિતાજીનું કહેવું હતું કે હું છું ત્યાં સુધી મંગુ મારે આંગણે રહેશે. છેવટે સરજુને 100 રૂપિયામાં વેચી લોહાણા મોતીમાને ત્યાં. રોજ અમે સરજુને ઘર પાસેથી પસાર થતી જોઈએ. છેવટે સમય જતાં વીજળી મોટી થઈ અને મંગુ દૂધ દેતી બંધ થઈ. પણ પિતાજી એને છોડી મૂકવા તૈયાર નહોતા. એક દિ’ અચાનક બાપુજી બીમાર પડ્યા અને રાત્રે દોઢ વાગ્યે તેમણે દેહ છોડ્યો. તે સમયે મંગુ ખૂબ ભાંભરવા માંડી. અમને એમ કોઈ જનાવર હશે એટલે ભાંભરતી હશે. બીજે દિવસે અમે તેને ખીલેથી છોડીને ધણ તરફ મૂકી દીધી. અમે તેનાં તોફાનથી ત્રાસેલા હતા. હવે પિતાજી પણ નહોતા એટલે તેને લેવા ન ગયા. પણ સાંજે ચૂપચાપ મંગુ આવીને ખીલા પાસે ઊભી રહી ગઈ. બીજે દિવસે અમે છોડી દેતા ત્યારે એની મેળે જતી રહેતી ચરવા માટે. આ એ જ મંગુ હતી જેની પાછળ અમારે દોડાદોડ કરવી પડતી હતી. તે પિતાજીના મૃત્યુ બાદ ડાહીડમરી બની ગઈ હતી. અમને એમ હતું કે તેને કોઈ લઈ જાય તો સારું. પણ પછી ત્રણ વર્ષ સુધી તે અમારે ત્યાં રહી. પરંતુ હવે તેનું મારકણાપણું મારા પિતાજીની સાથે ચાલી ગયું હતું.

પછી તો અમે બન્ને ભાઈઓ કામે બહારગામ જતાં વીજળી વસૂકી ગઈ. પછી કોઈ ગાય અમારે ત્યાં આવી નહીં. મારે પોરબંદર શિક્ષક તરીકે જવા-આવવાનું થતું. તે મારા ગામ દેવડાથી ચાર કિલોમીટર દૂર સગપુર સ્ટેશને હું જતો. સરજુ પછી મોતીમાએ સગપુર વેચી દીધી હતી. તે સરજુ હું સગપુરમાંથી પસાર થતો ત્યારે મારી પાસે આવીને ઊભી રહેતી. હું તેને માથે હાથ ફેરવતો ત્યારે એની ચામડી થથરતી. ગાય ખુશ થાય એટલે તેની ચામડી થરથરે, કાંપે અને આંખના ખૂણા પર આંસુનું ટીપું બાઝે. આવું ત્રણેક વર્ષ ચાલ્યું. આજે હું જ્યારે સવારે સૂર્યને અર્ધ્ય ચઢાવું છું ત્યારે માતા, પિતા સાથે આ ત્રણેય ગાયોને અચૂક યાદ કરું છું. ગામ છોડ્યા બાદ મેં 25 વર્ષ દૂધ નથી પીધું. ગાયના તાજા દૂધ વિના મને કોઈ દૂધ ભાવતું જ નહીં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંદરની તપાસ – ગિરીશ ગણાત્રા
બા અને બાપુ – મુકુલભાઈ કલાર્થી Next »   

10 પ્રતિભાવો : સાહચર્ય – સંકલિત

 1. આ આખુંય વિશ્વ ચૈતન્યથી સભર છે. મનુષ્યો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સઘળાં પદાર્થોમાં એક વ્યાપક ચેતના રહેલી છે. અને જેમ જેમ જે તત્વ સાથેનો સહવાસ ગાઢ થતો જાય તેમ તેમ આ ચેતના વધુને વધુ અનુભવાય છે. અને હા આપણી અંદર પણ આ ચેતના રહેલી છે અને જેમ જેમ તેનો સહવાસ વધુને વધુ થાય તેમ તેમ આ ચેતનાની અનુભુતી વધુને વધુ આનંદપ્રદ અને પ્રગાઢ થતી જાય છે.

  સુંદર વિષય અને સુંદર લેખો – સહુના સાહચર્યને માણીને ઘણો આનંદ થયો.

 2. Mukesh TPatel says:

  ધીરુભાઈ એટલે ધિરુભાઈ.

 3. Geetika parikh dasgupta says:

  સરસ….

 4. nayan panchal says:

  મનુષ્ય અને જાનવર વચ્ચેના સાહચર્ય વિશે વાંચીને ખૂબ જ સારુ લાગ્યુ.

  સરસ લેખ.

  નયન

 5. pragnaju says:

  ત્રણેય સરસ લેખમાં આ વાત વધુ ગમી
  પરમ તત્વની અહૈતુક કૃપાથી હું આ રીતે ભગવાન રામનું સાહચર્ય અનુભવી રહ્યો છું. ભગવાન જીસસ ક્રાઈસ્ટે પ્રેમને પરમાત્મા કહ્યો, પૂ. ગાંધીબાપુએ સત્યને પરમાત્માના રૂપમાં અનુભવ્યું. આપણે ત્યાં શિવ તો કરુણા અવતાર છે જ. મારા માટે પરબ્રહ્મ રામતત્વ આ ત્રણેય છે. અને એ રીતે એના સાહચર્યનો આનંદ અનુભવું છું

 6. ધીરુભાઈનું ઉમદા વ્યક્તિત્વ અને ગાય સાથેના સાહચર્ય વિષે વાંચી ખુબ આનંદ થયો. ઘણું સરસ. બાાકી આત્માના અનુભવ વિના શબ્દોના સાથિયાનો કશો અર્થ નથી.

 7. Ashish Dave says:

  # ૩ took me back in to my memory lane…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.