- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બા અને બાપુ – મુકુલભાઈ કલાર્થી

[1] બાનો ત્યાગ

કસ્તૂરબાના ત્યાગની અથવા અપરિગ્રહની ગાંધીબાપુ ખૂબ જ કદર કરતા. પતિવ્રતા બાએ બાપુનું મન સમજી લઈને પોતાના જીવનમાં કેટકેટલા ફેરફારો કર્યા હતા અને પોતાની કેટલીય મહેચ્છાઓનો ત્યાગ કર્યો હતો એની જાણ બાપુને બરોબર હતી. પણ આ વાતનો બીજા લોકોને ક્યાંથી ખ્યાલ આવે ? તેઓ તો જે કશું નજરે જુએ એ ઉપરથી જ કસોટી કરવા લાગી જતા.

એક વખત આશ્રમમાં નવા જ દાખલ થયેલા એક ભાઈ બાપુ સાથે વાતચીત કરતા હતા. બાપુ માનતા કે ચા, કૉફી જેવાં પીણાં નુકશાનકારી છે. એટલે પેલા ભાઈએ બાપુને સવાલ પૂછ્યો : ‘બાપુ, આપ અમને ચા, કૉફી છોડવાનું કહો છો, ત્યારે બા આશ્રમમાં રહીને કૉફી કેમ પીએ છે ?’
બાપુએ તરત જ જવાબ આપ્યો : ‘પણ બાએ કેટલું છોડ્યું છે એ તમે ક્યાં જાણો છો ? આ એક તેની ટેવ રહી છે એ પણ છોડવાનું હું તેને કહું તો મારા જેવો જુલમી કોણ કહેવાય ?’ જો કે બાએ છેવટ છેવટમાં કૉફી પીવાનું પણ પોતાની મેળે જ છોડી દીધું હતું.
.

[2] આપણે હોઈએ તો ફેર પડે ને !

1932ની સાલમાં હરિજન પ્રશ્નને અંગે યરવડા જેલમાં બાપુએ આમરણ ઉપવાસ આદર્યા હતા. તે વખતે બા સાબરમતી જેલમાં હતાં. પોતે બાપુની પડખે નથી એનો બાને મનમાં ખૂબ ઉચાટ રહ્યા કરતો. બાપુ તો પોતાની ધૂનમાં ઉપવાસ કરવા મંડી પડે. પણ બાને તો પોતાના પતિની જિંદગી આમ હોડમાં મુકાયેલી જોઈને દિલમાં શું નું શું થઈ જતું. આ વાતનો વલોપાત કરતાં બા એક વાર જેલની બહેનોને કહેવા લાગ્યાં : ‘આ ભાગવત વાંચીએ છીએ, રામાયણ-મહાભારત વાંચીએ છીએ, એમાં ક્યાંય આવા ઉપવાસની વાતો નથી ! પણ બાપુની તો વાત જ જુદી. એ આવું જ કર્યા કરે છે ! હવે શું થશે ?’
એટલે બહેનો કહે : ‘બા, બાપુને સરકાર બધી સગવડો આપશે, તમે શા માટે ફિકર કરો છો ?’
ત્યારે બા કહે : ‘બાપુ કશી સગવડ લે તો ને ! એમને તો બધી વાતનો અસહકાર ! એમના જેવું માણસ તો મેં ક્યાંય નથી જોયું અને ક્યાંય નથી સાંભળ્યું ! પુરાણની ઘણી ઘણી વાતો સાંભળી છે, પણ આવું તપ ક્યાંય ન જોયું !’

પછી થોડી વાર અટકીને બા પાછાં કહે : ‘જોકે કાંઈ વાંધો નથી. એમ તો મહાદેવ છે, વલ્લભભાઈ છે, સરોજિની દેવી છે; પણ આપણે હોઈએ તો ફેર પડે ને !’

[3] આશ્રમજીવનની દીક્ષા

1924ની આ વાત છે. આખા દિવસના કામકાજમાંથી પરવાર્યા પછી બા રાતે બાપુને માથે તેલ ઘસવા જતાં. કેટલીયે વાર બાપુ આખા દિવસના કામથી થાકેલા હોવાથી બા તેલ ઘસતાં હોય અને બાપુ ઊંઘી જાય. એક રાતે બા જરા મોડાં આવ્યાં અને બાપુને માથે તેલ ઘસવા લાગ્યાં.
બાપુએ ધીમેથી પૂછ્યું : ‘બા, આવી ?’
બાએ હકારમાં જવાબ આપ્યો.
બાપુ કહે : ‘આજે આટલું મોડું કેમ થયું ? રસોડામાં બહુ વારથી કંઈક ખડખડાટ સંભળાતો હતો. તને વખત નહોતો તો તેલ ઘસવાનું કોઈને કહી દેવું હતું ને !’
બા બોલ્યાં : ‘સૌને જમાડીને હું જમી, પછી વાસણ ઊટક્યાં, રસોડું ધોયું. પછી રામદાસ મુંબઈ જવાનો છે તેને માટે ભાથું અને બેચાર દિવસનો નાસ્તો તૈયાર કરવા બેઠી હતી. એટલે જરા મોડું થયું. કામમાં મને ખ્યાલ ન રહ્યો. અને જેને તેલ ઘસવાનું સોંપી શકાય એવું કોઈ દેખાયું નહીં.
બાપુ : ‘તારા પર કામનો બોજો બહુ રહે છે ! આ બધું તું ક્યાં સુધી નભાવી શકીશ ? મારે માટે પણ નાહવાધોવા અને ખાવાપીવાની વ્યવસ્થા તું જ કરે છે. મહેમાનો પણ ઘણુંખરું હોય છે જ. એમની આગતાસ્વાગતાની જવાબદારી પણ તારા પર જ છે. એમની સંભાળ રાખવાનું કામ આશ્રમમાં કોઈને સોંપવાનું અને તારાં પોતાનાં કપડાં માટે કાંતી લેવાનું કામ પણ તેં માથે લીધું છે. આ બધાં કામને પહોંચી વળવાનો સમય તું ક્યાંથી કાઢે છે એની જ મને નવાઈ લાગે છે ! આટલાં બધાં કામનો બોજો હોવા છતાં રામદાસ મુંબઈ જાય છે તેને માટે નાસ્તો વગેરે બનાવતી હતી ! આવું ક્યાં સુધી ચાલશે ? કાલે રામદાસ મુંબઈ જશે, પરમ દિવસે તુલસી નેપાળ જશે, ચોથે દિવસે સુરેન્દ્ર દિલ્હી જશે, એમ આમાંથી કોઈ ને કોઈ બહાર જતું-આવતું રહેશે. દરેકને માટે આમ ખાવાનું બનાવી આપીશ ?’

બા કહે : ‘ના રે ના ! રામદાસ તો મારો દીકરો છે એટલે મોડું કરીને પણ તમને તેલ ઘસવાનું છોડીને પણ એને ભાવે તેવું ખાવાનું બનાવી આપ્યું. બધા આશ્રમવાસીઓ માટે અને દરેકની જુદી જુદી રુચિ પ્રમાણે તો મારાથી આવું બધું કેવી રીતે કરી શકાય ? તમે તો મહાત્મા રહ્યા ! એટલે બહારથી આવનાર સૌ તમારા દીકરા; પણ હું તો હજી મહાત્મા નથી થઈ શકી. પણ એનો અર્થ એવો નથી કે, આશ્રમવાસીઓ પર મારો પ્રેમ ઓછો છે. પણ જે મારો પોતાનો દીકરો છે તેની બરોબર બીજાઓને કેવી રીતે ગણું ? તમે તો નાની નાની બાબતોમાં પણ મારા પર હંમેશા સખતાઈ કરતા આવ્યા છો ! શું મારા દીકરાની ઈચ્છા પ્રમાણે તેને ખાવાપીવાની બેચાર વસ્તુઓ પણ હું બનાવી આપી ન શકું ?’

બાપુ કહે : ‘ખરું, એ વિચાર કરવા જેવી વાત છે. વારુ, આપણે અત્યારે ક્યાં બેઠાં છીએ ?’ બા : ‘સત્યાગ્રહ આશ્રમમાં.’
બાપુ કહે : ‘આપણે આપણું રાજકોટનું ઘરબાર છોડીને અહીં કેમ બેઠા છીએ ?’
બા : ‘બધાં ભાઈબહેન મળીને સાચે રસ્તે દેશસેવા કરવા અહીં આવ્યાં છીએ.’
બાપુ કહે : ‘જે ભાઈબહેન દૂર દૂરથી પોતાનાં માબાપ વગેરેને છોડીને આપણી પાસે આવ્યાં છે તેઓ પોતાનાં જન્મદાતા માબાપ કરતાં આપણને ઓછાં ગણે છે ?’
બા : ‘નહીં જ. આશ્રમનાં બધાં આપણા પર માબાપ કરતાં પણ વધારે પ્રેમ રાખે છે. તમારા પ્રત્યેની એમની અખૂટ ભક્તિને કારણે તો તેઓ પોતાનાં માબાપ અને ઘરબાર છોડીને અહીં આવીને બેઠાં છે. તમારી પાસે શિક્ષણ લઈને તેઓ દેશના ખૂણેખૂણામાં પહોંચી જઈને પોતાથી બનતી સેવા કરવાના છે.’

બાપુ કહે : ‘ત્યારે હવે તું જ વિચાર કર કે આપણી શી ફરજ છે ? બધી જ માતાઓ પોતાના બાળક પર વધારે વહાલ રાખે, એ સ્વાભાવિક છે અને તેથી રામદાસ પર તારો વિશેષ પ્રેમ હોઈ શકે એ હું સમજી શકું છું અને આપણે આપણા રાજકોટવાળા ઘરમાં હોત તો આપણી બધી મિલકત અને પ્રેમના ભાગીદાર રામદાસ, દેવદાસ વગેરે આપણાં સંતાનો જ હોત. બીજા કોઈને તું એમની બરોબર ન ગણત તોપણ ચાલત. પણ આ આશ્રમ તો બધા સત્યાગ્રહી સેવકોનો છે. એટલે અહીં તો બીજા રહે છે તેવી રીતે જ રામદાસે રહેવું જોઈએ. જેઓ તને પોતાની મા કરતાં પણ વધારે ગણે છે તેમને તું રામદાસ કરતાં ઓછાં કેમ ગણે ? આ આશ્રમ પર આખા જગતે મીટ માંડી છે. આશ્રમ પાસે જગત મોટી મોટી આશાઓ રાખે છે.’

બા બાપુનું કહેવું શાંતિથી સાંભળી રહ્યાં.
.

[3] ઘીનો દીવો !

એક વાર સેવાગ્રામમાં બાપુજીના જન્મદિવસની ઉજવણી હતી. સાંજની પ્રાર્થના પછી બાપુજી પ્રવચન આપવાના હતા. એટલે આસપાસનાં ગામડાંના ઘણાં માણસો પણ પ્રાર્થનામાં આવ્યાં હતાં. બાપુજી પ્રાર્થનામાં આવ્યા. સામે એક દીવડી બળી રહી હતી એ તરફ જોઈ રહ્યા. પ્રાર્થના શરૂ થઈ અને બાપુજી ધ્યાનસ્થ અવસ્થામાં લીન થઈ ગયા.

પ્રાર્થના પછી પ્રવચન કરવા તેઓ તૈયાર થયા. બધે નીરવ શાંતિ ફેલાઈ ગઈ. જન્મદિને બાપુજી શું બોલશે એની સૌ ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યાં. પણ ત્યાં તો બાપુજીએ પ્રવચન શરૂ કરતાં પહેલાં પૂછ્યું : ‘આ દીવડી કોણ લાવ્યું છે ?’
બા બાપુજીની નજીક જ બેઠાં હતાં. તેમણે કહ્યું : ‘હું લાવી છું.’
બાપુએ ફરી પૂછ્યું : ‘એ ક્યાંથી લઈ આવી ?’
બાએ કહ્યું : ‘ગામમાંથી. આજે તમારી વરસગાંઠ છે એટલે.’
બાપુજી થોડી વાર શાંત બેસી રહ્યા. પછી તેઓ ગંભીર બની જઈ બોલ્યા : ‘આજે સૌથી ખરાબ કંઈ થયું હોય તો તે એ કે બાએ દીવડી મંગાવી ઘીનો દીવો કર્યો ! આજે મારો જન્મદિવસ છે તેથી દીવો કરવામાં આવ્યો છે. મારી આસપાસનાં ગામડાંમાં રહેનારા લોકોનું જીવન હું રોજ જોઉં છું. તેમને બાપડાંને રોટલા પર ચોપડવાને તેલ સુદ્ધાં મળતું નથી અને મારા આશ્રમમાં આજે ઘી બળી રહ્યું છે !’ પછી બા સામું જોઈને બાપુ બોલ્યા : ‘આટલાં વરસના સહવાસ પછી પણ તું આ જ શીખી કે ? આજે મારો જન્મદિવસ હોય પણ તેથી શું થયું ? આજે સત્કર્મ કરવાનું હોય, પાપ નહીં. બિચારા ગરીબ ખેડૂતોને જે ચીજ મળતી નથી તેનો આવી રીતે દુરુપયોગ આપણાથી થાય જ કેમ ?’
.

[4] આટલા ગભરાઈ શું કામ ગયા ?

એક વાર બા અને બાપુજી રોજના નિયમ પ્રમાણે ફરવા ગયાં હતાં. ફરતાં ફરતાં બાપુજીને ઠોકર વાગી અને અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું. એ જોઈને બાપુજીએ બાને કહ્યું : ‘અરે બા, જલદી જલદી પાટો લઈ આવી અંગૂઠો બાંધી દો.’

બાપુજીને આટલા બધા અધીરા થઈ ગયેલા જોઈને બાએ જરા ટકોર કરતાં કહ્યું : ‘તમને મરણનો ભય નથી એમ તમે કહો છો, તો આ સહેજ ઠેસ વાગી અને થોડુંક લોહી નીકળ્યું એમાં આટલા બધા ગભરાઈ શું કામ ગયા ?’
એ સાંભળી બાપુ બોલ્યા : ‘આ દેહ પર લોકોની માલિકી છે. મારી બેદરકારીથી અંગૂઠામાં પાણી જાય અને એ પાકે તો સાત-આઠ દિવસ સુધી કામ કરવાનું મારે માટે મુશ્કેલ બની જાય, તો એથી લોકોને કેટલું નુકશાન થાય ! એ તો લોકોએ આપણા પર મૂકેલા વિશ્વાસનો ભંગ કહેવાય.’
.

[5] સ્વમાની બા

1905ના અરસામાં બાપુ દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલમાં જોહાનિસબર્ગ મુકામે વકીલાત કરતા હતા, ત્યારે એક વાર મિ. હેનરી પોલાકના કેટલાક યુરોપિયન મિત્રો જમવાનું આમંત્રણ સામેથી માગી લઈને આવ્યા હતા. તે વખતે બાપુજી, પોલાક વગેરે સૌ એક જ ઘરમાં કુટુંબીજન તરીકે રહેતાં હતાં. બાપુજી આ યુરોપિયન મિત્રોને બહુ સારી રીતે ઓળખતા ન હતા. અને બા તો બિલકુલ જ નહોતાં ઓળખતાં. એ મિત્રોએ આવીને બાપુને એમના ગૃહજીવન વિશે સીધેસીધા અને અસભ્ય પણ ગણાય એવી કુતૂહલવૃત્તિથી સવાલો પૂછવા માંડ્યા. અંગત બાબતોને લગતા પ્રશ્નોમાં તુમાખી અને તોછડાઈ પણ દેખાઈ આવતી હતી. પરંતુ બાપુ તો તેમના સવાલોના શાંતિથી જવાબ આપતા હતા અને હિંદી લોકો શું કરે છે અને શું નથી કરતા એ વિશેની તેમની કેટલીક માન્યતાઓ અને વાતો સાંભળીને બાપુ ખૂબ હસતા પણ ખરા.

પરંતુ બાથી આ બધું સહન ન થયું. બાને તો આ બધું જોઈને ગુસ્સો જ ચડ્યો અને બધાં જમવાના ઓરડામાં દાખલ થાય એ પહેલાં જ બા ઉપર મેડા પર ચાલ્યાં ગયાં. મહેમાનો આવ્યા હોય અને બા આમ ઊઠીને ચાલ્યાં જાય એ સારું ન કહેવાય, એટલે બાપુએ એમને બોલાવવા કોઈકને કહ્યું. પણ બા ન આવ્યાં. તેથી બાપુ બોલાવવા ગયા, પણ બાએ તો નીચે આવવાની ઘસીને ના પાડી દીધી. બાપુએ આવીને બાની ગેરહાજરીનો કાંઈક ખુલાસો આપ્યો અને જમવાનું પતી ગયું.

બીજે દિવસે મિસિસ પોલાકે બાને આ બાબતમાં પૂછપરછ કરી, એટલે બા કહે : ‘એવા પંચાતિયા લોકો ઘરનો તાલ જોવાને આવે અને મારા ઘરની ઠેકડી કરે – to make laugh of me and my home – એ મારાથી તો ન સહેવાય ! એવા લોકોને હું તો ન જ મળું. બાપુને મળવું હોય તો ભલે મળે.’