બંધન – હર્ષદ જાની

[ લગ્નજીવન એ બંધન છે પરંતુ સ્નેહનું બંધન છે. જેનામાં સ્નેહની ઊણપ હોય તેઓ આ બંધનને યોગ્ય રીતે સમજી શકતાં નથી. મોર્ડન સમાજમાં કહેવાતા ‘આગળ’ વધેલા લોકોને એમાં પોતાની સ્વતંત્રતાનો લોપ થતો દેખાય છે પણ હકીકતે તો આ બંધન જ પ્રમાણિક સ્વતંત્રતા અને વિકાસનું પ્રતિક છે. બીજનું ધરતીમાં દબાઈ રહેવું એ બંધન છે પરંતુ એ બંધન જ તેને અંકુરિત કરે છે. નાનકડા છોડને તારની વાડ કરવામાં આવે છે; એ પણ એક બંધન છે, પરંતુ તે જ તેનું પશુઓથી રક્ષણ કરે છે અને વિકાસમાં મદદરૂપ થાય છે. કેટલીક સત્ય ઘટનાઓ પર આધારિત ‘લીવ ઈન રિલેશનશીપ’ પરની આ વાર્તા લઈને આવે છે ભરૂચના લેખક શ્રી હર્ષદભાઈ જાની. આપ તેમનો આ નંબર +91 9228161001 પર સંપર્ક કરી શકો છો. ]

માનસી અકથ્ય મુંઝવણ અનુભવતી હતી. વેદના સાથે પોતાનો ગૌરવભંગ એને મનોમન સતાવી રહ્યો હતો. ન કહેવાય, ન સહેવાય… એવી એની પરિસ્થિતિ હતી. મુંઝાઈને એ બેઠી હતી ત્યાં કપડાં બદલતો અક્ષય સામે આવીને ઊભો રહ્યો. એ માનસીના મનોભાવો સમજી ગયો. હળવાશથી એણે કહ્યું :
‘માનસી, ટેક ઈટ ઈઝી. આ રાહુલની ફેંકાફેંક ભરી વાતોથી હું પોતે જ તંગ આવી ગયો હતો. એ છે જ ગપાટિયો અને પાછો વાતોડિયો. કોણ જાણે ક્યાંથી અહીં આવી પડ્યો. બાકી તું જાણે જ છે કે શક્ય હોય ત્યાં સુધી હું કોઈ મિત્રને સરનામું જ આપતો નથી. પણ મારે એની જરૂર હતી. સરકારી ઑફિસમાં કામ હતું અને આ માણસ જરા ખટપટિયો છે. વાતવાતમાં એણે સરનામું જાણી લીધું. એ કહે કે હું તને ઘેર તારા ડોક્યુમેન્ટ પહોંચાડી જઈશ. તે જોયું ને… થોડો ખર્ચ થયો પણ કામ પતી ગયું. આજકાલ પૈસા લીધા વગર કોઈ કામ કરતા જ નથી. અને પપ્પા બિચારા એમના પેન્શન માટે કેટલા ધક્કા ખાય ?’

લાંબુ વિવરણ કરતા અક્ષયને માનસીએ કહ્યું : ‘તારા વગર કહ્યે તારા એ મિત્રએ પોતાની યશગાથા વિગતવાર સંભળાવી જ છે. પણ સાચું કહું તો મને એનો સ્વભાવ અને રીતભાત જરાયે ન ગમ્યાં. કોઈ વિવેક કે સંસ્કાર જેવું જ ન મળે. અને એ માણસ વિચિત્ર નજરે મને તાકી રહેતો હતો. એની નજર મને જરાયે સ્વચ્છ ન લાગી.’
અક્ષય હસી પડ્યો અને બોલ્યો : ‘માનસી, એ માણસને આપણા આ બંધન વગરના સંબંધોનો ખ્યાલ છે. ના સમજી ? એ જાણી ગયો છે કે આપણે બન્નેય એક બીજાના મિત્રો છીએ. એક બીજાના સગવડભર્યાં સ્નેહીઓ જેવા છીએ. અને એટલે જ એ માણસ જરા વધુ પડતો વાચાળ બની ગયો હતો. મને પોતાને જ એની જરા રફ મેનર્સ અને વાત કરવાની રીતભાત ન ગમી.’
‘તેં જોયું નહીં કે એ માણસ અહીંથી ખસવાનું નામ લેતો ન હતો. એ તો ઠીક છે પણ મિત્ર તારો અને વાતો મારી સાથે કરવા માગતો હતો. એને મારામાં અને મારા અંગત જીવનમાં વધુ રસ હતો.’ માનસી બોલી અને ઊમેર્યું : ‘કોઈ મારા અંગત જીવન અંગે પ્રશ્નો કરે એ મને જરાયે પસંદ નથી.’

‘તું યાર માનસી… દરેક વાતને વધુ પડતું મહત્વ આપી દે છે’ માનસી સાથે બેસી જતાં અક્ષય બોલ્યો : ‘બોલનારનું મોં ઓછું બંધ કરી શકાય છે ? કે પછી જીભ થોડી પકડી શકાય છે ? આવું તો ચાલ્યા જ કરવાનું. તારા જેવી બોલ્ડ યુવતી આમ ગભરાય એ કેમ ચાલે ?’
‘પણ મને એ પસંદ નથી. ગભરાવાનો કોઈ પ્રશ્ન જ નથી. છતાંયે ન ગમતી ઘણી બાબતો પરાણે નભાવવી પડે છે. આઈ મીન સહન કરી લેવી પડે છે.’
વધુ નજીક ખસી માનસીનો હાથ પોતાના હાથમાં લઈ હળવાશભર્યા સ્પર્શથી અક્ષયે કહ્યું : ‘તું તો આમેય બોલ્ડ છો. કંઈક નવું કરવાની ધગશવાળી છે અને એથીયે વધુ તો તું ફ્રી માઈન્ડ સાથે ફ્રી લિવીંગમાં માને છે એટલે તો આપણે આમ રહી શકીએ છીએ.’
અક્ષય આગળ કંઈ બોલે એ પહેલાં માનસીએ હાથ ખસેડી લેતાં કહ્યું : ‘ફ્રી લિવીંગનો અર્થ એવો તો નથી જ થતો કે બધાની સાથે બધી રીતે બસ સ્વેચ્છાચાર કરવો. તું જોઉં છું કે બધાને મનફાવે તેમ વર્તવું છે. થોડા સમયમાં જ મેં જોઈ લીધું છે કે આ માનસી તો જાણે કોઈ રમવાનું રમકડું હોય, કોઈ આનંદ માણવાનું સાધન હોય એમ તારા મિત્રો સમજે છે.’
‘તું યાર માનસી…. સાવ રીજીડ, સાવ શંકાશીલ ક્યાંથી બની ગઈ ? આપણે બંનેય ફ્રી રહેવા માગીયે છીએ. ફ્રી જીવવા માગીયે છીએ. બન્ને ના વિચારો મળતા આવે છે. બંને એક બીજાના વિશ્વાસે રહેવા માગીએ છીએ. પછી ? એ રીતે તો બન્નેનો મેળ જામ્યો છે. ના સમજી ?’
અક્ષયને અટકાવતાં માનસી બોલી : ‘એમાંયે અનુભવ થાય છે…. કડવા અનુભવો થાય છે.’
‘હું સમજ્યો નહીં માનસી તારી વાત. આપણે સ્વેચ્છાથી આ માર્ગ પસંદ કર્યો. એન્જોય કરીએ છીએ. આનંદથી રહીએ છીએ. વગર લગ્ને રહીએ છીએ. બંનેયને પસંદ છે…’
‘ક્યારેક હું બોર થઈ જાઉં છું.’ માનસી બોલી, ‘ઘણી વાર તો મને તિરસ્કાર પણ આવી જાય છે. તારા માથાભારે મિત્રો આવે છે. ગમે તેવું વર્તન કરે છે. અરે પેલો તુષાર એક દિવસ દારૂ પીને તારી ગેરહાજરીમાં આવ્યો હતો ત્યારે જરાક મેં હસીને વાત કરી એમાં તો એ જાણે હું એની ગુલામ હોઉં એમ મારી પર હક્ક કરવા બેસી ગયો. તે દિવસે તો માંડ હું એના પંજામાંથી છટકી. તારા મિત્રો એમ જ સમજે છે કે આ માનસી તો જાણે કોઈ એવરરેડી અવેલેબલ નટખટ યુવતી છે.’

‘પ્લીઝ માનસી… દરેક વાતને ગંભીરતાથી ન લે. મારા મિત્રો અહીં ન આવે એની હું પૂરી તકેદારી રાખું છું. છતાંયે કોઈ ફાંફા મારતો આવી જાય છે પણ હવે હું આ બાબતે સાવચેત રહીશ. ઓ.કે ? એમ તો તારી બહેનપણી અહીં નથી આવી ચડતી ? મને પટાવવા પેલી જાનકી બે-ચાર વાર આંટા મારી ગઈ હતી….’
‘એ તારો ખોટો ભ્રમ છે અક્ષય. તું ધારે છે એવી તે નથી. ખરેખર તો આપણે આ રીતે રહીએ છીએ તે જ એને પસંદ નથી. શી ઈઝ મેરીડ.’
અક્ષય હસી પડતાં બોલ્યો : ‘પરણેલી છે. એ તો વળી અતિ ઉત્તમ. લર્નીંગ નહીં… પરમેનન્ટ લાયસન્સ…’
‘ડોન્ટ ટોક ફુલીશલી….’ ગુસ્સે થતાં માનસી બોલી, ‘જરા વ્યક્તિને ઓળખતાં શીખ. તને તો બધાંયે રખડેલ જ લાગે છે. હું યે તને તો ટાઈમપાસ જ લાગતી હોઈશ, નહીં ?’
‘ચાલ જવા દે નકામી ચર્ચા….’ માનસીના ગાલે ટપલી મારી સહેજ ચૂંટી ખણી અને તેના ખભે હાથ મૂકી અક્ષયે કહ્યું, ‘નકામી આપણી બેની વચ્ચે કડવાશ ઊભી કરવી ! સાચું કહું તો માનસી, હવે મને જાણે તારી કંપનીની એક પ્રકારની આદત જ પડી ગઈ છે. આઈ મીન… એક પ્રકારનો નશો… હું તને ગુસ્સે થયેલી જોઈ શકતો નથી. ચાલ બાય, પછી નિરાંતે વાતો કરીશું. હું જાઉં…’ માનસી એને જતો જોઈ રહી. એના કપાળે ખણેલી ચૂંટી જાણે હજુયે ચટકો ભરતી હોય એમ લાગતું હતું.

માનસી પોતાના મન સાથે સ્વગત વાત કરતાં બોલી કે : માનસી, તનેય આ બધું ગમે જ છે ને ! માનસી… તું દિવસે દિવસે પરવશ થતી જતી હોઉં એમ નથી લાગતું ? અક્ષયને તું હવે રોકી શકે તેમ છે ? એને આગળ વધતો અટકાવી શકે તેમ છે ? અને હવે તું ગર્વ લઈ શકે તેમ શુદ્ધ જ ક્યાં રહી છું ? શાની સ્વતંત્રતા ! શાનું બંધન ?…. અને બંધનની ટકોર મનમાં અથડાતાં તરત સામે આવીને ઊભી રહી જાનકી. જાનકી એની જીગરજાન દોસ્ત. એનાથી કશું અજાણ્યું ન હતું. કશું છુપાવવા જેવું ન હતું. જાનકી જ્યારે મળતી ત્યારે એની સતત ટકોર અને સતત એનો વ્યંગ એને પરેશાન કરી મૂકતો. એ કહેતી : ‘લગ્ન નહીં કરી આ રીતે નફફટ થઈ રહેવામાં હું તો તારી કોઈ દલીલ જ સમજી શકતી નથી. લગ્ન તને બંધન લાગે છે, ગુલામી જેવું લાગે છે ત્યારે હું તને પૂછું છું કે આમ કોઈ અજાણ્યા સાથે રહેવામાં, પરાયા સાથે રાત દિવસ એક છત તળે રહેવામાં કયો આદર્શ તને જણાય છે ? તું એમ માને છે કે આમાં તારી સ્વતંત્રતા સચવાય છે ? એમ માને છે કે તું આ રીતે રહેવાથી તારું ધાર્યું કરી શકે છે ?…. જો માનસી હું તો ખૂબ જ સ્પષ્ટ છું. તારા બોયફ્રેન્ડોથી અજાણ નથી. તું કેટલી શુદ્ધ અને આદર્શની મૂર્તિ છું તે હું સારી રીતે જાણું છું. અક્ષય સાથે આમ રહેવાથી તું તારી જાતને કેટલી સલામત રાખી શક્તી હોઈશ તે પણ જાણું છું. સાચું કહું માનસી ? આ એક પ્રકારની સ્વચ્છંદતા જ છે, એક પ્રકારની દેહલીલા છે. દેહ આપણો એટલો સસ્તો છે કે જે આવે તે એનો બેફામ ઉપયોગ કરે, લાભ ઉઠાવે. સ્પષ્ટ કહું તો માનસી…. દેહની સગાઈવાળા ઘણા મળશે, પણ ‘દિલની સગાઈ’વાળો તો કોઈક જ હશે. આ મારો પોતાનો અનુભવ કહું છું. તારા અંગત જીવનમાં હું બહુ ઊંડી ઉતરવા માગતી નથી પણ તું જ તારી જાતને પૂછી જો કે અત્યાર સુધી અનેક બોયફ્રેન્ડ બદલીને તે શું મેળવ્યું ? કેટલાએ તારી સામે જોયું ? કેટલાએ તારી સાથે સાચી લાગણીથી સંબંધો ટકાવી રાખ્યા ? આજે ત્યારે જરૂર હશે ત્યારે તારી મદદે કોઈ આવશે ખરો ?’

‘…..અને બાકી હતું તે હવે તુ જાણે પરાકાષ્ટાએ પહોંચી ગઈ હોય એમ અક્ષય સાથે વગર સંબંધે અને વગર બંધને રહેવાનો અભરખો પૂરો કરે છે…. યાદ રાખજે માનસી એક સમય એવો પણ આવશે કે તને આ બોયફ્રેન્ડ તો ઠીક પણ તને તારી જાત પર જ તિરસ્કાર આવી જશે. તને એમ જ થશે કે મારે હવે જીવવું જ નથી. આવું શરમજનક જીવવું શા કામનું ? અરે કઈ આશાએ હવે જીવવું ?’ પોતાને ગંભીર જોઈ વળી પાછી જાનકી લાગણીવશ બની કહેતી, ‘જો માનસી… ખોટું ન લગાડતી…. તારા પ્રત્યે લાગણી છે એટલે તને કહું છું. એક પ્રકારનો હક્ક માનીને તને ટકોર કરું છું. બાકી મારા મિસ્ટર વિનયને તું જાણે છે કે એમને આવા સંબંધો જરાય પસંદ નથી. એ જુદી જ માટીના બનેલા છે. જવા દે, મારે મારી વાતો નથી કરવી. પણ તને કહ્યા વગર મને ચેન પડતું નથી. હું જાણું છું કે તને તાર ઘરના સંજોગોએ આ રસ્તો બતાવ્યો છે. મને ખબર છે કે તારા મમ્મી-પપ્પાના સંબંધો સારા નહોતા. એ અંગે હવે કંઈ કહેવા જેવું નથી. જે ઘરમાં સદાય કકળાટ, ઝઘડા અને અજંપા જ હોય… અરે મારામારી અને ગાળાગાળી હોય એની અસર છોકરાં પર પડ્યા વગર રહે ખરી ? તારી વાત હું સમજી શકું એમ છું. આ કારણથી જ તને લગ્નમાંથી રસ ઊડી ગયો છે એ હું જાણું છું. ઘરનું વાતાવરણ જોઈને તારા મનમાં એક પ્રકારનો તિરસ્કાર પેસી ગયો છે. પણ માનસી, કોઈ એકના અનુભવ પરથી કાંઈ સત્ય તારવી ન શકાય. હું તને મારી જ વાત કરું, પેલી નટખટ શ્રેયાની વાત કરું કે પેલી ઝરણાનો દાખલો લે. પરણીને એમને શું દુ:ખ પડ્યું છે ? અરે ઉપરથી લીલાલહેર કરે છે બધાંયે. અને પેલી નટખટ રીના… એ ય ના-ના કરતી ક્યારે પરણી ગઈ તે ખબર જ ન પડી. બાકી એ ઓછી બોલ્ડ હતી ? ઓછી તોફાની અને સ્વતંત્ર મિજાજી હતી ?’

‘હું જાણું છું કે તને આ પરિસ્થિતિમાં મૂકનાર તારા માતાપિતા જ છે. તને ખોટું લાગે તો ભલે પણ તારા સંજોગોએ તને આમ મજબૂર કરી છે. કદાચ તને અનુભવ પણ થયો હશે. સ્વાર્થમાં સૌ સગાં થતાં આવશે. પણ એ સ્વાર્થ પૂરતું જ…’ વિચારતાં વિચારતાં માનસી ખુદ બેચેન બની ગઈ. ઘણી વાર જાનકીની વાત સાચી લાગતી. ઘણી વાર એમ થતું કે જાનકી સાચું જ કહે છે. અને જાનકી જ્યારે મળે ત્યારે એક જ વાત કહેતી : ‘તું માનસી કાંઈ ધ્યેય વગરની જિંદગી જીવી રહી છે. આજે ભલે તું તારા પગ પર ઊભી છે… આવક છે એટલે જલસા કરે છે પણ એક સમય એવો પણ આવશે કે આમાનું કંઈ તારા ઉપયોગમાં નહીં આવે. કોઈ તને સાથ નહીં આપે. તારું પોતાનું કહેવાય એવું કોઈ તારી પાસે નહીં હોય. જીવન તો ઘર અને પરિવારના સભ્યોથી બને છે. સાચું કહું તો તું હાથે કરી લુંટાઈ જ રહી છે….’ આ લુંટાઈ રહી છે નો વ્યંગ માનસીને પોતે કોઈએ જાણે જોરથી ધોલ મારી હોય એમ લાગ્યો હતો. વાત જાનકીની અને એની બહેનપણી શ્રેયાની ખોટી પણ નહતી. જેમ જેમ સમય જતો હતો, નિકટતા વધતી જતી હતી તેમ તેમ અક્ષય વધુ ને વધુ નજીક આવતો ગયો હતો. પહેલાં ખૂબ વિવેકી અને વિનમ્ર તેમજ આદર્શથી ભરપુર લાગતો અક્ષય ધીમે ધીમે આક્રમક માલિક જેવો આગળ વધીને પોતાને સાવ પરવશ પરિસ્થિતિમાં મૂકી દેતો હતો.

માનસી હવે પહેલાંની માનસી જ ક્યાં રહી હતી ? એના મિત્રો આવતા. ગમ્મત કરતાં અડપલાંયે કરી જતા. પોતે ન ગમવા છતાં બધું સહી લેતી હતી. સહન કરવું પડતું હતું. વિચારતાં એને પોતાને જ લાગતું હતું કે પોતે હવે વધુ પડતી નરમ, વધુ પડતી નબળી અને વધુ પડતી બેશરમ બનતી જતી હતી. અક્ષય તો ઠીક પણ એના મિત્રો પણ હવે જાણે કોઈ ગમ્મતની, કોઈ રમત રમવાની ચીજ હોય એમ વર્તતા હતા. ગમે તેમ પણ હવે પોતાને જ લાગતું હતું કે પોતાના આદર્શો અને માન્યતાઓથી પોતે જ દૂર દૂર જઈ રહી છે. એમાં પોતાની માનસિક અને શારીરિક નબળાઈ પણ ઓછી જવાબદાર નથી. અક્ષય સાથેનો ટૂંકા સમયનો સહવાસ કંઈ સંતોષકારક નહોતો. પોતે ભલે એ શ્રેયા અને જાનકી સાથે ગર્વભેર એનો પ્રતિકાર કરી બચાવ કરે પણ ભીતરમાં તો પોતે વાસ્તવિકતા સમજી જ ગઈ હતી. અક્ષય સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે ઘણી સ્પષ્ટતા અને સમજૂતી કરી હતી પણ બેમાંથી એકેયે કેટલું પાલન કર્યું હતું ? છેવટે તો અક્ષય પોતાની નબળાઈનો લાભ ઊઠાવી ધાર્યું જ કરતો હતો ને ! ગાલ પર ટપલી મારવી, મિત્રો વચ્ચે હક્ક કરીને પત્નીને જેમ વર્તવું – એ બધું સહજ બની ગયું હતું અને છતાંયે પોતે એનો પ્રતિકાર કે વિરોધ કરી શકતી ન હતી. શરૂ શરૂમાં ભલે એ અણગમો વ્યક્ત કરતી પણ એ બધું ધીમે ધીમે ગમતું હતું….. માનસી આગળ કંઈ વિચારે ત્યાં શ્રેયાનો ફોન આવ્યો.
‘આજે રજા છે. તું ફ્રી હોઈશ. અનુકૂળ હોય તો મારે ત્યાં આવી જા અને ના હોય તો હું આંટો મારી જાઉં.’ શ્રેયા બોલી.
‘હું જ તારે ત્યાં આવું છું…..’ જવાબ આપતાં માનસી બોલી.
‘ગભરાઈશ નહીં….’ ફોન મૂકતાં શ્રેયાએ ગમ્મત કરતાં કહ્યું, ‘હવે હું તને કોઈ પ્રકારની સલાહ આપવા કે ટકોર કરવા નથી આમંત્રણ આપતી. એ તારી ચોઈસની વાત છે. પસંદ અપની અપની… કદાચ જાનકી પણ આવશે. આપણે મળ્યે ઘણો સમય થઈ ગયો છે. ઓ.કે ? આવવાનું ચોક્કસ છે ને ? કે પછી કોઈ એપોઈન્ટમેન્ટ… કોઈ કાર્યક્રમ નથી ને ?’
ચીઢાતાં માનસીએ કહ્યું : ‘પ્લીઝ શ્રેયા હવે તો છોડ. મારે કોઈ જ કાર્યક્રમ નથી. શું સમજી ? ચાલ હવે રૂબરૂમાં જ બધી વાત કરીશું. હું ત્યાં આવું જ છું. મૂકું ફોન ?’ અને ફોન મૂકી માનસીએ મનનો ભાર હળવો કરવા સોફામાં લંબાવ્યું.

પડખું ફરતાં તે વિચારવા લાગી કે આ શ્રેયા અને જાનકી મારે માટે અભિપ્રાય તો સારો નહીં જ રાખતાં હોય. છતાં લાગણીથી, અને એટલા જ પ્રેમથી સંબંધ રાખે છે. બાકી, પોતાનું જીવન….’ એ આગળ વિચારે ત્યાં બારણે ટકોરા મારી, બારણું ખોલી મ્હોં મલકાવતો વિક્રમ દેસાઈ છેક સોફાની નજીક આવીને ઊભો રહી ગયો. માનસી ઝડપથી ઊભી થઈ ગઈ… મનોમન વિચારવા લાગી કે અક્ષયે મને ટેન્શનમાં મૂકી એમાં આ બારણું ખુલ્લું રહી ગયું…. કંઈક વિચારતા એ વિક્રમ સામે જોઈ બોલી : ‘અરે મિ. દેસાઈ તમે ? તમે અહીં ? આપણે ઑફિસમાં તો મળ્યા છીએ.’
વગર આમંત્રણે સાથે બેસી જતાં વિક્રમે હસીને કહ્યું : ‘રોજ મળીએ છીએ… પણ ઑફિસ એ ઑફીસ અને ઘર એ ઘર. ના સમજી ? ઑફિસમાં કાંઈ શાંતિથી વાત ન થાય. અને ઘણી વાતો ઑફિસમાં કરવા જેવી નથી હોતી. ઑફિસમાં બધા તારી સામે તાકી તાકીને જોઈ રહે છે. અરે પેલો ટાલિયો… ઘરડો થવા આવ્યો એ મકરંદ પણ તારામાં ઓછો ઈન્ટરેસ્ટ લે છે ? એક વાર નહીં અનેક વાર એણે મને પૂછ્યું હશે કે આ માનસી શું સમજતી હશે એના મનમાં ? એકલી આમ વગર લગ્ને રહેવાનો અર્થ શું ? અને ભવિષ્યમાં શું ? એ આ રીતે શુદ્ધ રહી શકે ખરી ?…..’
‘પ્લીઝ વિક્રમ, નાવ સ્ટોપ ઈટ.’ ગુસ્સેથી માનસી બોલી, ‘હું કાંઈ જ સાંભળવા નથી માગતી.’
‘પ્લીઝ માનસી, હું તારો દુશ્મન નથી. આ તો લાગણી થાય છે એટલે ન કહેવા જેવી વાત કરું છું. તું જ વિચાર કર. તું જોઉં જ છું ને કે ઑફિસમાં બધા તને લાલચું નજરે જોઈ રહે છે. તું જાણે લુંટવાનો પતંગ ન હોય ! અને કામ વગર પણ તારી સાથે વાત કરવા ફાંફા નથી મારતા ?…. આ તો લાગણી છે એટલે કહું છું… બે દિવસ પહેલાં તારો પાર્ટનર.. અરે બોયફ્રેન્ડ જ કહો ને… અક્ષય મળી ગયો હતો. વાતવાતમાં મેં તેની પાસેથી તમારું સરનામું લઈ લીધું. આમ તો એ ઉસ્તાદ છે, સરનામું કોઈને આપે નહીં પણ મેં કઢાવી લીધું. ઑફિસમાં એનો તારા પ્રત્યેનો માલિકીભાવ સ્પષ્ટ થતો હતો. મને નવાઈ લાગી કે વગર લગ્ને એ તારા પર પોતાનો અધિકાર જમાવવા ફાંફા મારે છે. ખોટું ન લગાડતી માનસી…. પણ મારે એની સાથે તારા અંગે સારી એવી વાતો થઈ. અક્ષય બહુ પહોંચેલો છે. એ તને ક્યાંથી ભટકાઈ ગયો ? તને એની સાથે ફાવે છે શી રીતે ?’

માનસી હચમચી ગઈ. વિક્રમ મલકાઈને જોઈ રહ્યો… એની નજીક ખસ્યો. માનસી ઊભી થતાં બોલી : ‘હું પાણી લાવું છું…..’ વિક્રમે હાથ પકડીને માનસીને બેસાડતાં કહ્યું : ‘પાણી જ શું ? ચા-નાસ્તો પણ સાથે કરીશું. અરે તારી ઈચ્છા હશે તો હોટલમાં ફુલ ડીનર પણ કરીશું. તું બેસ. મારે તને એક અગત્યની વાત કરવી છે. સાંભળ… મને પાકે પાયે જાણવા મળ્યું છે કે અક્ષય એક છોકરી જોઈ આવ્યો છે. એને પસંદ પડી છે. બધું નક્કી જ છે. લગ્ન કરીને એ તારી સાથે સંબંધ રાખે કે ન રાખે, પ્રોબ્લેમ તો તારે જ ઊભો થાય. હવે એની કંપની તારે થોડા સમય માટે જ છે. પણ ગભરાઈશ નહીં. હું તારી સંભાળ રાખીશ. આ તો જસ્ટ તને જણાવવા જ આવ્યો છું. આગળની વાત પછી નિરાંતે કરીશું… મને ખાત્રી છે કે અક્ષય આમ તારી મિત્રતા નહીં છોડે. અને તારે મિત્રો શોધવા કે ટેમ્પરરી પાર્ટનર શોધવા જવું પડે એમ જ ક્યાં છે ? ખોટું ન લગાડતી… તું બોલ્ડ છે…. મોર્ડન છે.’

માનસી ઊભી થઈ ગઈ. ક્રોધથી ધ્રૂજવા લાગી. આ દંભીને એક ધોલ મારવાનું મન થઈ આવ્યું પણ પ્રતિકાર કરવાની આજે હિંમત ન હતી. મનોમન વિષાદ અનુભવતાં એ રડી રહી. ભીતરથી વલોવાતી રહી. અંતે બોલી : ‘પ્લીઝ દેસાઈ, હવે તમે જાવ…. આઈ એમ નોટ વેલ… તમે સહકાર્યકર છો એટલે કશું નથી કહેતી… પણ… હવે હદ થાય છે. મને મારા ભવિષ્ય પર છોડી દો. તમે મારી ચિંતા ન કરો. તમે તમારું સંભાળો….’
અકળાયેલ વિક્રમ ઊભો થયો અને બોલ્યો : ‘જાઉં જ છું પણ મારી વાત પર વિચાર કરજે. અમે તારી કાળજી રાખનાર છીએ….’ બોલીને એ ઊભો થયો. માનસી જોરથે બારણું બંધ કરતાં બબડી…. : ‘બધા જ જાણે હું કોઈ રમવાનું રમકડું હોઉં એમ માને છે. બધા જ મને વળગી ભોગવવા માગે છે. આઈ એમ ટાયર્ડ નાવ….. ફોન હાથમાં લઈને એણે જાનકીને કહ્યું :
‘પ્લીઝ જાનકી, મારે તારી સાથે વાત કરવી છે. હું હવે અહીંથી છૂટવા માગું છું. હમણાં શ્રેયાનો ફોન હતો. હું એને ત્યાં જાઉં છું. તું પણ ત્યાં આવ. આમ પણ આપણે મળ્યે ઘણા દિવસો થયા.’
સામેથી જાનકીનો વ્યંગભર્યો સ્વર સંભળાયો : ‘ઓહ આજે ઘણા દિવસે તને આ બહેનપણી યાદ આવી… ચાલો ગુડ લક કે તને આજે સમય મળ્યો….’
‘પ્લીઝ જાનકી, હવે તો મને છોડ…. ખરેખર હું તંગ આવી ગઈ છું. મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે.’
‘પણ તું તો જુદી જ માટીની છે ને ? તને તો અમારા જેવી જિંદગી નથી ગમતી એનું શું ? તારે તો ફરવું, આનંદ કરવો, મોજમજા… મસ્તી.. હવામાં ઊડવું…. સ્વતંત્રતા….’
‘પ્લીઝ જાનકી, હવે હું એ બધાથી ત્રાસી ગઈ છું. એ બધા અનુભવો જ મારે તમને કહેવા છે. રખડેલ અને વાસનાભૂખ્યા લોકોની વાતો કરવી છે. બસ ફોન પર વધુ વાત નથી કરતી પણ ટૂંકમાં કહું તો, હું અહીંથી છૂટવા માગું છું. હું આ પીંજરમાં માની લીધેલી સ્વતંત્રતાના બંધનથી હેરાન થઈ ગઈ છું. તું શ્રેયાને ત્યાં આવ, બસ હું પહોંચું જ છું. ઓ.કે ? બધી વાત ત્યાં કરીશું.’
‘પણ માનસી, આમ એકાએક ?’ જાનકી બોલી.
‘અવે ધીરજ રાખને જરા….’ માનસી હસીને બોલી, ‘માની લે કે હવે મને તમારી વાતો જ ગમે છે. તમારા બંધનવાળી… સ્નેહના બંધનની… ખરેખર, લગ્નની સાચી વ્યાખ્યા મને આજે સમજાઈ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બા અને બાપુ – મુકુલભાઈ કલાર્થી
અહમનું વિસર્જન – રવીન્દ્રનાથ ટાગોર Next »   

21 પ્રતિભાવો : બંધન – હર્ષદ જાની

 1. કલ્પેશ says:

  લગ્ન એક સુંદર વયવસ્થા છે, એમા કોઇ શક નથી.

  તે છતા આપણા સમાજમા આપણે બીજા આપણા કરતા અલગ હોય તે સહન નથી કરી શકતા.
  (દા.ત. લિવ-ઇન સંબંધ, કોઇને કુંવારા રહેવુ હોય, વિધવાના લગ્ન, મોટી ઉંમરે સ્ત્રીના લગ્ન)

  કદાચ સંબંધો થોડા સ્વ્ચ્છ્ંદી લાગે પણ મોડા વહેલા લોકો લાંબા રહે એવા સંબંધો ચાહે છે.
  ઉપરની વાર્તામા પણ પાત્રના મિત્રો/બહેનપણીઓનુ વર્તન બાળકો જેવુ છે

  દા.ત. ‘પણ તું તો જુદી જ માટીની છે ને ? તને તો અમારા જેવી જિંદગી નથી ગમતી એનું શું ? તારે તો ફરવું, આનંદ કરવો, મોજમજા… મસ્તી.. હવામાં ઊડવું…. સ્વતંત્રતા….’

  કોઇને સલાહ મફતમા આપવી અને બીજાના દુઃખ પર વ્યંગ કરવો?

  જ્યા સુધી બન્ને પક્ષ જવાબદાર હોય અને પરિવારને વાંધો ના હોય તો સમાજ કેમ આવુ વર્તન કરે?

  લિવ-ઇન સંબંધ બહુ દૂરની વાત છે. આપણે કેટલા જડ છીએ એ આપણને ડગલે ને પગલે દેખાશે
  (છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ, પ્રેમલગ્નમા પણ જાતિ અને પેટાજાતિ, વિધવાના લગ્ન, મોટી ઉંમરે સ્ત્રીના લગ્ન વગેરે).

 2. સંબધો જ્યારે અસ્પષ્ટ હોય ત્યારે જીવન ઘણું વિચિત્ર બની જતું હોય છે. લગ્નજીવનમાં પણ પરસ્પર સ્નેહ હોય તો જ જીવન આનંદ સભર રહે છે અન્યથા લગ્નના બંધન બોજારૂપ બને છે. જેવો દેશ હોય તેવો વેશ હોય તો શોભે. કાગડાઓના ટોળામાં હંસઃ જુદો પડી જાય અને હંસો વચ્ચે કાગડો ન શોભે. જેવું બીજ હોય તેવું વૃક્ષ બને, મારી મચડીને તેના સંસ્કારો ફેરવવા જઈએ તો ન તો તે અહીંનું રહે કે ન તો તે તહીંનું.

 3. Nim says:

  If woman is able to mantain her dignity then threre is no problem in live in relation ship.
  I beleive in this type and it is better then merrage life for such a woman.

  Nim

 4. dipika says:

  Faithfulness and appreciation (વફાદારી અને કૃતજ્ઞતા) is only in human being. Animal does not have it. So Merriage is must for human living. Live in relation ship have no gaurantee of Faithfulness and appreication, it could break any time with any kind of struggle in life.

  Another thing Dog does kissing (open relationship) on the street, not human. And kissing on the street this is very common in western culture and in live in relationship.
  We are human being, who have ability of “can do”, which is used to adopt good things from different animal, not bad things.

 5. pragnaju says:

  વિવાહ જીવનને મંગલમય બનાવે છે,પરંતુ કર્કશા એ સુમંતનું જીવન કર્કશ બનાવી દીધું હતું. સ્ત્રી જ્યારે હૃદયની અને પુરુષ જ્યારે મગજની ભૂમિકા ભજવે ત્યારે જ લગ્નજીવન સફળ થાય છે. કર્કશા સ્ત્રી હમેશાં ભૂતકાળને વાગોળી વાગોળી વર્તમાન અને ભવિષ્ય બગાડે છે. સ્ત્રી અને પુરુષ સંસાર રથનાં બે પૈડાં છે, છતાં લગ્ન જીવનની સફળતાનો સૌથી વધુ આધાર તો ગૃહિણી પર જ છે. ‘ગૃહિણી ગૃહં ઉચ્યતે’ એ સૂત્ર દરેક સ્ત્રીએ સાર્થક કરવું જોઈએ. અન્યોન્ય ઉગ્રતા સહી લેવાની ભાવના હોય તો જ દામ્પત્ય જીવન સુખી બને છે. પારસ્પરિક સહિષ્ણુતા કેળવવી જોઈએ. લગ્નજીવનમાં સહિષ્ણુ બનવાની જરૃર છે— વાત
  આવી વાર્તાઓ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે

 6. nayan panchal says:

  સારી વાર્તા છે.

  આજના છાપામાં વાંચ્યુ કે હાલની આર્થિક નાદારીને કારણે હોંગકોંગમાં પરિણીતોમાં છૂટાછેડાનુ પ્રમાણ ૧૦% વધી ગયુ.

  ક્યારેક તો મને જૂનવાણી લાગતી આપણી ભારતીય લગ્ન વ્યવસ્થા જ શ્રેષ્ઠ લાગે છે. પણ, જીવનનો માત્ર એક જ નિયમ છે, જીવનનો કોઈ નિયમ નથી.

  નયન

 7. Geetika parikh dasgupta says:

  There might be iternal love in live in relatioship, and on the otherside there could be suffering in marital life…..It is all up to the person that how she or he wants to live the life……As a society we can not be hypocrite. I would be nice and fair to them if they are nice anf fair with me.

  Love all, Respect all….
  Geetika Dasgupta

 8. Rekha Sindhal says:

  બઁધનમાઁ મુક્તિ અને મુક્તિમાઁ બઁધન એ ઘણો ઊઁડો વિષય છે. સમજવા જેવી વાત!

 9. ખરેખર….લગ્ન એ એવુ બંધન છે જ્યાં મુક્ત શ્વાસ લઈ શકાય…

  કહેવાતી આજ ની નવી વિચારશૈલી અંતે તો અણગમો જ અપાવે…

 10. Ashish Dave says:

  Give the person who loves you, enough chance to love you enough. Everything comes with responsibilities. Lust is easy love is hard.

  Ashish Dave
  Sunnyvale, California

 11. Vaishali Maheshwari says:

  Good story Harshadbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.