મારું લગ્નજીવન – સંકલિત હાસ્ય-લેખો

[1] નટવર પંડ્યા

લગ્ન માટે ઉંમરલાયક થયા બાદ એટલે જન્મતારીખ પ્રમાણે ગણો તો ઉંમરલાયક એટલે કે કુંવારો પણ દેખાવે જુઓ તો ઉંમર ના-લાયક ! એવા લાગતા મેં પ્રથમ વાર એક પ્રખર જ્યોતિષીને પ્રશ્ન કર્યો, ‘મારું લગ્નજીવન સુખી હશે કે સંઘર્ષમય ?’ ત્યારે જ્યોતિષીએ એકાદ મિનિટ એકધારું મારા મુખારવિંદ સામે જોયા પછી કહ્યું, ‘સૌ પ્રથમ તો એ જાણવું પડશે કે લગ્નજીવન હશે કે નહિ ?’ જ્યોતિષીએ પ્રશ્નસ્વરૂપે આપેલા ઉત્તરથી હું અનુત્તર થઈ ગયો.

બીજી પણ એક નોંધપાત્ર ઘટના મારા જીવનમાં બનેલી. જ્યારે અમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વાર અગાશીમાં બધા મિત્રો બેઠા હતા. તે વખતે ત્યાં ઝાડ પર કોયલ બોલવા લાગી. આ સાંભળી એક મિત્રે કહ્યું, ‘જૂના જમાનાથી એવી માન્યતા છે કે તમે આ કોયલને લગ્ન વિશે પ્રશ્ન પૂછો ત્યાર પછી તે જેટલી વાર બોલે એટલાં વરસ પછી આપણાં લગ્ન થાય.’ તેથી તરત જ અમે કોયલવાણીનો નિ:શુલ્ક લાભ ઉઠાવવા તત્પર થયા. સૌપ્રથમ એક પચ્ચીસેક વર્ષના લાગતા મિત્રે પ્રશ્ન પૂછ્યો : ‘કોયલ, મારાં લગ્ન ક્યારે થશે ?’ કોયલ બાર વખત બોલી. ત્યાર બાદ લગ્નોત્સુક એવા બીજા મિત્રે પ્રશ્ન કર્યો. કોયલ લગભગ વીસ વાર બોલી. કોયલનું કડવું સત્ય તેને જચ્યું નહીં. આ રીતે બધાએ પૂછી લીધા પછી મને કહ્યું : ‘હવે તું પૂછ.’ મારી પૂછવાની જરા પણ ઈચ્છા નહોતી. છતાં બધા પાછળ પડ્યા એટલે મેં પણ પ્રશ્ન કર્યો, ‘કોયલ, મારાં લગ્ન ક્યારે થશે ?’ અને તરત જ કોયલ ઝાડ પરથી ઊડી ગઈ. ત્યાર બાદ એક વડીલે પણ મને ગંભીરતાપૂર્વક એવો પ્રશ્ન પૂછેલો, ‘અલ્યા નટુ, લગન-બગન કર્યાં કે નહિ ?’
મેં કહ્યું : ‘ના’
એટલે વડીલ બોલ્યા, ‘કેમ ! હજુ સુધી કોઈને નથી છેતર્યા ?!’

હું આ પ્રકારની વિશેષ લાયકાતો ધરાવતો હોવાથી ‘લગ્ન’ નામની સંસ્થા મને ગેરલાયક ઠરાવશે એ શક્યતા પ્રબળ હતી. પણ જેને જોયા પછી કન્યાનાં મા-બાપને એકમાત્ર એ જ વિચાર આવે કે ‘અહીં દીકરી દેવા કરતાં દૂધ-પીતી કરવી વધુ સારી’ એવા મુરતિયાઓને પણ રંગે-ચંગે ઘોડે ચડતા-જોયા. તેથી મને લગ્ન સંસ્થામાં થોડો વિશ્વાસ બેઠો કે ચાલો ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહિ હૈ.’…. અને ગોઠવાયું ! ગોઠવાવા માટેનાં કોઈ જ કારણો ન હતાં છતાં. – ગુરુ કી કૃપાસે ! એક કન્યા મારી સાથે લગ્નગ્રંથિથી જોડાણી. પછી જ ખ્યાલ આવ્યો કે આપણે અત્યાર સુધી ફિલ્મોમાં લાગણીઓ વ્યક્ત થતાં જોયેલી, નવલકથામાં વાંચેલી એ સિવાયનાં માધ્યમો દ્વારા પણ લાગણીઓ વ્યક્ત થઈ શકે છે. (લાગણીઓ ક્યારેક લાકડીઓ સ્વરૂપે પણ વ્યક્ત થઈ શકે છે.)

પછી જ ખ્યાલ આવ્યો કે અહીં તો વાસણ પછાડીને લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે. મદારી ખેલ કરવાના સમયે કરંડિયામાં લંઘાઈ ગયેલા સાપને જે રીતે આંગળાં ઠોસીને ઊભો કરે છે એમ આપણને જગાડવામાં આવે છે. પછી ‘જાગ્યા ત્યાંથી સવાર’ નહીં પણ ‘જાગ્યા ત્યાંથી બબાલ’ શરૂ થાય છે. સવારની પ્રથમ ચાની સાથોસાથ ચા કરતાં તપેલી ગરમ અને તપેલી કરતાંય શ્રીમતીજી ગરમ હોય છે. તેથી ગરમાગરમ ચા પીને પણ આપણે ઠંડા રહેવું પડે છે. આપણને વાતમાં મોણ નાખતાં ન આવડે, જેવું હોય એવું કહી દેનારા તેથી શ્રીમતીજીએ એક વાર ચિત્ર દોરીને મને બતાવ્યું ને પૂછ્યું, ‘આ ચિત્ર કેવું છે ?’
મેં કહ્યું : ‘વિચિત્ર છે.’
મારા જવાબથી તે દિવસે ઘરનું આખું ચિત્ર બદલાઈ ગયેલું. અને મેં પરિસ્થિતિની ગંભીરતા પારખીને ગૃહત્યાગ કરેલો. પછી અનુભવે ખ્યાલ આવ્યો કે અહીં જેવું ન હોય એવું કહેવાનું હોય છે. લગ્ન પછી એક યક્ષપ્રશ્ન વારંવાર પુછાય છે, ‘આ સાડીમાં હું કેવી લાગું છું ?’ અથવા ‘હું કેવી લાગું છું ?’ જેના જવાબમાં ‘જેવી લાગતી હોય એવી જ’ કહીએ તો બખેડો થઈ જાય. વળી ન બોલ્યામાં નવ નહીં પણ અઢાર ગુણ સમજીને મૂગા બેસીએ તો કહે કે ‘તમને મારી કંઈ પડી જ નથી. હું પૂછું છતાંય કાંઈ કહેતા નથી.’ વિશેષમાં ટોણો મારતાં કહે કે પેલી પન્નાના હસબંડ તો કેવા પન્નાની પ્રશંસા કરતા હોય છે. ત્યારે હું મનમાં સમજું છું કે પન્નાના પતિને સસરા પાસેથી ઝીરો ટકા વ્યાજવાળી લાંબાગાળાની લોન લેવાની છે તેથી તેના મુખે ફૂલ ઝરે છે. ને અહીં તો સસરા શનિની માફક મારા પર વક્રદ્રષ્ટિ કરી રહ્યા છે. આમ છતાં લગ્નજીવનમાં પત્ની તથા એ બાજુની આખી ટીમની પ્રશંસાનું મહત્વ ઘણું છે. પણ જેના દર્શનમાત્રથી પ્રશંસાનાં પુષ્પો કરમાઈને ખરી પડે એવી વાસ્તવિકતાને કારણે કેટલીક વાર હું સાચું કહું છું છતાં તેને ખોટું લાગી જાય છે. તેથી બે-ત્રણ દિવસ માટે દામ્પત્યજીવન ડહોળાઈ જાય છે. તે દિવસોમાં વાતાવરણ ‘પરિસ્થિતિ તંગ છતાં કાબૂ હેઠળ’ જેવું રહે છે. પછી ધીમે ધીમે ઘીના ઠામમાં ઘી પડી રહે છે.

લગ્ન પછી આજ સુધી મારું બેન્ક બેલેન્સ ક્યારેય બેલેન્સ થઈ શક્યું નથી. ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’ એમ પૈસા (ઉછીના) શોધું શોધું ને ઊડી જાય… ના ના રે સહેવાય, ના ના રે કહેવાય… મારા હૈયામાં કંઈ કંઈ થાય…. છતાં હાલત એ જ છે. આવી પરિસ્થિતિમાં સંસારને ‘રથ’ કેવી રીતે કહેવો. તેથી મારું લગ્નજીવન સંસાર ‘રથ’ જેવું ભવ્ય નહીં પણ જૂની સાઈકલ જેવું છે. જૂની સાઈકલ લઈને ઊપડ્યા હોય ત્યારે તેની કટાઈ ગયેલી ચેઈન વારંવાર ઊતરી જાય. તેથી વારંવાર ચડાવવી પડે. આમ કરતાં કરતાં ઠેકાણે તો પહોંચી જઈએ. પણ ત્યાં સુધીમાં કંટાળીને કાંઠે આવી જઈએ. આપણને થાય કે હવે આ સાઈકલ મફતના ભાવે કોઈને ગૂડી દેવી છે. પણ પછી એવું કરતા નથી, કારણ કે સાઈકલ આપણને ફાવી ગઈ હોય છે. હવે તો સાઈકલમાં થતા નાનામોટા ખોટકા જાતે રિપેર કરતાં આવડી ગયા છે. એટલે સાઈકલ ચાલ્યા કરે છે. બીજું શું જોઈએ ! ‘સાધુ ને સાઈકલ ચલતાં ભલાં !’ વળી સાઈકલમાં પાછલું વ્હીલ જ બધો બોજ સહન કરે, ફરે ને ગતિ આપે, બ્રેક મારો ત્યારે છોલાય પણ એ જ ! તેથી તે વહેલું ખખડી જાય છે. આઉટ થઈ જાય છે જ્યારે આગલું વ્હીલ ખાસ કંઈ કરતું નથી. આમ છતાં પાછલા વ્હીલે ચાલવું પડે છે આગલા વ્હીલની દોરવણી મુજબ. આમ લગ્નજીવનમાં મારું સ્થાન પાછલા વ્હીલ જેવું છે. (એક વાર રૂબરૂ મુલાકાત લઈને ખાતરી કરો.) આમ છતાં વારંવાર મને એક પ્રશ્ન થાય છે કે દરેક વાહનમાં સ્પેર વ્હીલ હોય છે તો સાઈકલમાં કેમ નહીં ? આવા બગડેલી સાઈકલ કે મોટરસાઈકલ જેવા સંસારને પત્રવ્યવહારથી અથવા ટીવીમાં સભાઓ ભરીને રિપેર કરી આપનારા (જેને મેડિકલ કેમ્પની જેમ ‘સંસાર રિપેરિંગ કેમ્પ’ કહેવાય) પાના-પક્કડ લઈને મેદાનમાં આવી ગયા છે. પણ તકલીફ એ છે કે જે લોકોએ ક્યારેય સંસાર રથ ચલાવ્યો જ નથી એવા મિકેનિકો પણ ગેરેજ ખોલીને બેસી ગયા છે – ગુરુ કી કૃપા સે !

તેની જશરેખા લાંબી છે. આપણી અપજશરેખા અનંત છે. તેથી રસોડામાં બિલાડીએ દૂધ ઢોળ્યું હોય તો પણ નામ તો મારું જ આવે. ઉપરથી કહે, ‘હવે બેસોને છાનામાના, બિચારી બિલાડીને શું કામ બહાને ચડાવો છો ?’ આમ મારા ઘરમાં મારા કરતાં બિલાડીની આબરૂ ઊંચી છે. છતાં અનુભવે થોડું શીખ્યો છું. તેથી હવે જ્યારે દાળમાંથી તેનો વાળ નીકળે છે ત્યારે કહું છું, ‘પ્રિયે ! આજે તારો અમિતાભ બચ્ચન જેવો લાંબો (અને ઘરડો !) વાળ મને દાળ, શાક, ભાત અને કચુંબરના એમ ચારેચાર તપેલાંમાં સળંગ વિસ્તરેલો મળી આવ્યો. પ્રિયે, મને ચિંતા થાય છે કે આવા ‘કાલે ઘને ઔર સુંદર બાલ’ આ રીતે ખરી પડે તે કેમ પાલવે ? જો આમ જ થશે તો બહુ નજીકના ભવિષ્યમાં તારા સૌંદર્યની પાનખર આવી જશે. વળી તું તો જાણે છે કે માથામાં એક વાર પાનખર આવ્યા પછી આમળાના તેલના આખેઆખા ડબ્બા ખાલી કરી નાખો તોય વસંત આવતી નથી. બસ, ત્યારથી દાળ-શાકમાંથી વાળ અદશ્ય થઈ ગયા છે.

ટૂંકમાં, લગ્ન પછી મારી પાચનશક્તિ પ્રબળ બની છે. જ્યારે દાંત નબળા પડ્યા છે. સહનશક્તિ મજબૂત બની છે પણ દેહ દુર્બળ બન્યો છે. જ્યારે તેનું શરીર શરૂઆતમાં ગ્રામ પંચાયત જેવું હતું જે એકધારા વિકાસને કારણે તમામ અંકુશરેખાઓ ઓળંગીને મહાનગરપાલિકા જેવું થઈ ગયું છે. આવા દળદાર દેહ સાથે પણ તે ગરબે ઘૂમે છે. તો પ્રાર્થના કરીએ કે અંબેમા સૌની રક્ષા કરે. અંતમાં મજેદાર કવિ-ગઝલકાર રઈશ મનીઆરની હળવી પંક્તિઓ સુરતી જબાનમાં લગ્ન-જીવન વિશે ઘણું કહી જાય છે :

પન્નીને પહટાય ટો કે’ટોની, ને વાહણ જો અઠડાય ટો કે’ટોની.
હમણાં ટો છે પ્યાર રહેમની ડોરી, તેના પર લૂગડાં હૂકવાય ટો કે’ટોની.
.

[2] રિદ્ધિ દેસાઈ

એક સવારે એને ગુલાબી ઊંઘમાંથી ઉઠાડવામાં આવી.
એય… ઊઠ… ચા મૂક…
શું છે ! હું ચા નથી પીતી….
બીજી સવાર –
એય… ઊઠ… ચા મૂક….
હું ચા નથી પીતી યાર !
મારી માટે તો મૂક….
ચામાં ખાંડની જગ્યાએ ચમચી ભરીને મીઠું નાખવામાં આવ્યું.
એ પછી એને ક્યારેય સવારે ઊઠાડવામાં ન આવી.

એક સુંદર લઘુકથાનો આભાસ આપતી ઉક્ત ઘટના એ કોઈ કથા-બથા નથી, સત્ય છે. કોના લગ્નજીવનનું, એ તમે સમજી ગયા હશો. પુરાણોમાં પણ સાઉથ ઈન્ડિયનને પરણવાના અનેક ફાયદાઓ વર્ણવાયા છે. પ્રજા મહેનતકશ છે. એય એટલે સુધી કે એને ફીફાં ખાંડવા આપો તોય પૂરી મહેનત અને લગનથી ખાંડે ! મેનન (મારા પતિ) રોટલી એમના મોઢા જેવી (કાળમીંઢ અને ઘાટ વગરની) બનાવે. પણ ઈડલી-ઢોસા-સાંભારમાં કોઈ એમનો હાથ પકડી શકે નહીં. (હાથ પકડે તો એ બનાવે શી રીતે ?) આઠ-દસ બહેનપણીઓને જમવા બોલાવી હોય તો સમાજમાં ઈજ્જત વધે. ઈજ્જત જ નહીં, મારે તો શાંતિય જબ્બર વધી છે, કેમ કે જીવનમાં ‘સાસુ’ નામનું પાત્ર જ નથી ! ‘નથી’ એટલે મારી સાસુ અલ્લાહને પ્યારી થઈ ગઈ છે એવું નથી. (એ તો હજી મારા સસરાનેય પ્યારી થઈ શકી નથી) અમે પતિ-પત્ની વિદેશમાં વસ્યાં છીએ અને એ જમીન-સંપત્તિની દેખરેખ માટે ભારતમાં જ રહ્યાં છે. કહેનારે ખરું કહ્યું છે – ધન-દોલત માણસને પોતાના માણસથી અળગા કરી નાખે છે…. હાશ !

લગ્નજીવનની શરૂઆતમાં તમે નોંધ્યું હશે કે દરેક પતિ કલ્પવૃક્ષ જેવો હોય છે. એ ઘરની ચાદરથી લઈને પ્રાણ સુધીનું બધું પાથરી દેવા તૈયાર હોય છે. પણ મારે મન ચાદર કરતાં દેશ વધુ મહત્વનો એટલે લગ્નની પ્રથમ રાત્રિએ જ મેં દેશપ્રેમનો ઝંડો ફરકાવેલો – ‘જુઓ, આજની ભયંકર પરિસ્થિતિ જોતાં દેશની વસતિમાં વધારો કરવો એ દેશદ્રોહ જ ગણાય ! યુનો, અમારા વાઈબ્રન્ટ ગુજરાતમાં એક નારો અત્યંત બુલંદ થયો છે – નહીં બાળ, જયગોપાળ !’
‘એટલે ?’
‘એટલે કે જે બાળ-બચ્ચાંની માયામાં પડતો નથી એનો સ્વયં ગોપાળકૃષ્ણ જયજયકાર કરે છે…. એવા મનુષ્યો શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે….’ પણ ભેંસ આગળ ભગતસિંહ, કે મારાથી ઈમ્પ્રેસ થવાને બદલે એ ખડખડાટ હસવા માંડેલા. આ તો ઓશીકું અને ચાદર લઈને મેં ચાલતી પકડેલી, એમાં એ દ્રવી ગયેલા – ‘ઓ.કે. તું કહીશ એમ જ થશે, બસ !’

પ્રેમલગ્નની આ જ નિરાંત છે. એકબીજા સમક્ષ ખૂલીને વ્યક્ત થઈ શકાય છે. પણ લગ્નજીવનમાં જેમ જેમ અમે વધારે ખૂલતાં ગયાં એમ એમ સમજાતું ગયું કે દેહરચના ઉપરાંત અમારા વિચારો, સ્વભાવ, ટેવ, ટેસ્ટ, શોખ-બોખ બધું જ સાલું અલગ છે ! (આ નભ ઝૂકયું તે કાનજી ને પાતાળલોક તે રાધા રે !) કોઈ પણ નોર્મલ માણસ હોય તો એ પથારી અથવા છત્રપલંગ પર સૂએ. વધુ સુખ જોઈતું હોય તો પલંગ પર મખમલની ચાદરબાદર બિછાવે. પણ મારા એમને તદ્દન લીચડ અને મુફલિસ જેવો – અર્થાત લીલા ઘાસ પર સૂવાનો શોખ ! નવરા પડે એટલે એ તો ભોંયભેગા થાય, ને મનેય હેરાન કરે – ‘ચાલને, ઘાસ પર સૂતાં સૂતાં વાદળોને જોઈએ !’ એટલે મારી સણકે. ‘કેમ ? વાદળમાં ઉમરાવજાનનો મુજરો ચાલે છે ? અમારે ત્યાં તો લુખ્ખાઓ જ ઘાસ પર સુએ. બપોરે બગીચામાં ડોકિયું કરો તો ઠેર ઠેર જોવા મળે !’ એમની ટેવો જ સાવ જુદા પ્રકારની.

લગ્નને વરસ પણ વીત્યું નહોતું ને એ ગલત દોસ્તોની સોબતમાં શાસ્ત્રીય સંગીતના રવાડે ચડી ગયેલા. કોઈ ગમે એટલો દંભ કરે પણ એ હકીકત છે કે શાસ્ત્રીય સંગીત દસ મિનિટથી વધારે સાંભળી શકાતું નથી. માથું ભમી જાય છે ! એમાં અમારે ત્યાં તો સવાર સવારમાં ભીમસેન (જોશી)ની ગદાના પ્રહારો શરૂ થઈ જતા (ગદા=સંગીત). એમની પાછળ સુબ્બુલક્ષ્મી અને પરવીનબેન સુલતાના કછોટો વાળીને તૈયાર ઊભાં હોય ! એ પછી વીણાવાદનનો મૂઢમાર શરૂ થઈ જાય ! મા શારદાના સોગન, મહામુસીબતે એમને આ બૂરી લતમાંથી ઉગારેલા.

ટૂંકમાં કહું તો એમનામાં સજ્જન માણસોનું એકપણ લક્ષણ નહીં, એટલે અમારે તો સવારના પહોરથી જ ટંટા શરૂ થઈ જતા. એક તો લાટસાહેબને રોજ નાહવા જોઈએ. એટલું ઓછું હોય એમ નાહીને એ સૂર્યની સામે લોટો ભરીને પાણી ઢોળી દે. મારાથી એ બરદાશ થાય નહીં એટલે હું એમને ટોકતી : ‘ડુ યુ નો ? ગાંધીજી ફક્ત ત્રણ લોટા પાણી વડે નાહતા…’ ‘છી ! એમાં જ અંગ્રેજો ભારત છોડી ભાગી ગયેલા ?’ કોઈ ગાંધીબાપુની મશ્કરી કરે પછી હું ગુજરાતણ એને છોડું ? ઘરમાં ધમાધમી મચી જતી. ઘરેલું અસ્ત્ર-શસ્ત્રના પ્રહારો શરૂ થઈ જતા ! પરંતુ અહીં પણ એમની ધીટતા છાપરે ચડીને પોકારતી. કઠોર પરિશ્રમ કરીને હું રેડિયો, ટેપરેકોર્ડર, ખુરશી, ટેબલ, દળદાર પુસ્તકો વગેરેનો પ્રહાર કરતી અને સામે પક્ષે એ પેન, પેન્સિલ, રબર કે સિગારેટનું ખોખું જ મારતા ! કામચોરીની બી કોઈ હદ હોય કે નહીં ? શીટ્ !

આમ અમારા વિચારોમાં સખત અને સતત મતભેદ. છતાંય એક નિયમ અમે જીવનભર પાડ્યો છે. ભાણે જમવા બેસીએ એટલે બધા ડિફરન્સો ભૂલી જવાના. અલબત્ત, અમારા બંનેના ભોજનનો પ્રકાર અલગ. મારા ‘એ’ ઘાસ-ફૂસ ખાનારા, જ્યારે મને તો પકવાનો વગર ન ચાલે. છતાં ભોજન આરોગતા હોઈએ ત્યારે મા અન્નપૂર્ણાને સન્મુખ રાખીને અમે એકબીજાને પૂરો સાથ-સહકાર આપીએ.

સંસાર તો પંખીનો માળો છે ભૈ. બે વાસણ ભેગાં થાય તો ખખડે-ટિચાય-ગોબાય-પતરુંબતરું ફાટીય જાય. પણ એનો મતલબ એ નથી કે અમારી વચ્ચે પ્રેમ નથી. તપેલીમાં તપેલી અને પ્યાલામાં પ્યાલો ગોઠવાયો હોય એમ અમે એકબીજામાં હળીમળી જઈએ છીએ; સમાઈ જઈએ છીએ. અમને જોઈને કોઈને કલ્પનાય ના આવે કે હજી અડધા કલાક પહેલાં જ મેં એમને ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ ગ્રંથ છૂટ્ટો માર્યો હશે….. બાય ધ વે, અમારે ઘેર રહી ચૂકેલા ઘણા મહેમાનોએ અમને પૂછ્યું છે : ‘આ લોકસંસ્કૃતિમાં પશુઓ એટલે….. (તમે બે ?)’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અહમનું વિસર્જન – રવીન્દ્રનાથ ટાગોર
તૂટેલો ઘડો – અમૃતલાલ વેગડ Next »   

52 પ્રતિભાવો : મારું લગ્નજીવન – સંકલિત હાસ્ય-લેખો

 1. piyush says:

  સરસ લેખ. ધન્યવાદ

 2. Brinda1 says:

  hasi hasi ne lotpot thai javay evi rachnao. savar sudhari (hasti thai) gai 🙂

 3. Priti says:

  બહુ મઝા આવી…….સરસ……..

 4. SURESH TRIVEDI says:

  Banne lekho khub j saras.Adkatri rite pan jindagini vastaviktano nichod chhe ane “tapeli ma tapeli ane pyalama pyalo”vakya kharekhar bahu j bandhbestu ane darek na jivan ma aam thay chhe athva karvu pase chhe.AAPNA BANNE LEKH MATE ABHINANDAN.

 5. nirati says:

  શ્રીમતિ જિરાફે ખુબ મજા કરાવી.

 6. narendra shingala says:

  ખુબજ સુન્દર હાસ્ય લેખ સવાર સવાર મા મજા ૫ડીગઈ આવા સરસ હાસ્ય લેખો લખવા બદલ બન્ને લેખકો ને ખુબ અભિનન્દન

 7. Paresh Pandya says:

  VERY GOOD, SO NICE

 8. mukul says:

  સરસ હાસ્ય લેખ.

 9. madhukant.gandhi says:

  MARU LAGNA JIVAN….FANTASTIC….BREVO….

 10. nayan panchal says:

  સરસ લેખો. મજા આવી ગઈ.

  નયન

 11. કેયુર says:

  વાહ વાહ. સવાર સવાર માં મજા કરાવી દીધી.

 12. pragnaju says:

  સુંદર લેખ
  સંસાર તો પંખીનો માળો છે ભૈ. બે વાસણ ભેગાં થાય તો ખખડે-ટિચાય-ગોબાય-પતરુંબતરું ફાટીય જાય. પણ એનો મતલબ એ નથી કે અમારી વચ્ચે પ્રેમ નથી
  રમુજમાં કેવી સત્ય વાત કહી!!

 13. Navin N Modi says:

  વાહ નટવર પંઙ્યા, વાહ રિદ્ધિ દેસાઇ.
  બંને લેખ વાંચવાની મજા આવી.
  બંનેને ખૂબ અભિનંદન.

 14. Jatan says:

  ખુબ સરસ લેખ બેય લેખ સરસ છે

 15. Alpesh says:

  રિદ્ધિ દેસાઈએ કોઈ પણ સિધ્ધહસ્ત હાસ્યલેખક કરતા સવાયો લેખ લખ્યો છે! ખુબ ખુબ અભિનંદન..

 16. Pravin V. Patel says:

  સાત્વિક હાસ્યના રસભરપુર ઘૂંટળા.
  પોતાને હાસ્યપાત્ર બનાવવું ખૂબજ હિંમતભર્યું પગલું છે.
  બન્ને કલમબાજોને ભરપુર અભિનંદન.
  હાસ્યપતાકા ફરકતી રહે.

 17. ANIL JAGAD says:

  વાસ્તવીક જીવન હાસ્ય રસ મા વણી શબ્દૉની લાણી.

 18. ketul says:

  good observation abt the specialties of south indian

 19. વાહ … !! 😀

  ખુબ્બ જ મજ્જાના લેખ બંને …

  રિધ્ધિબેન નો લેખ ખાસ ગમ્યો… એમને વધુ વાંચવા મળી શકે?

 20. dipak says:

  Thai is the other way to express oneself’s feelings to his or her someone.Nice articles.

 21. Amol says:

  ખૂબ મજા આવી.
  અમોલ….

 22. shruti says:

  ખુબજ સુન્દર લેખ ….
  રિધ્ધિ દેસાઈ ને ખુબ અભિનદન
  શ્રુતિ

 23. piyush upadhyay says:

  સરસ લેખ ધન્યવાદ

 24. Purvi says:

  ખૂબ સરસ લેખ……..

 25. Ashok B. Shah says:

  હસી હસી ને લોટપોટ થઈ જવાય તેવો લેખ. ખુબ મજા આવી ગઈ.

 26. Vijay says:

  Nice article….after reading i am feeling like thaat, i am flying in sky….such i enjoyable article….Very funny..

 27. […] આપણે ‘મારું લગ્નજીવન’નો એક લેખ થોડા સમય અગાઉ માણ્યો હતો. […]

 28. Hemang Desai says:

  આને કહેવય સચુ લગ્નજિવન મજ મસ્તિ અને તોફન હલિ મલિ ને વિતવુ એ જિવન સરસ લે મજ્જ અવિ

 29. mukesh Thakkar says:

  Both article are very nice.

 30. pramila says:

  તમારા લેખ સારા લખા યાચઆ

 31. kishor dodiya says:

  MANDI NA MAHOL MA HASYA NI TEJI NATVRA PANDYA ANE RIDHHIBEN KADKADTI THANDI MA PAN HASYA NA HOZ MA DHUBAKA KHAVANI MAZA AAVI

 32. મજ્જા આવિ

 33. A lakha baha sarasa majaano hato

 34. Daharath Thakkar says:

  વાહ, બંન્ને લેખકો એ લગ્નજીવનના સિક્કાની બેય બાજુ સરસ રીતે વર્ણવી.મજા આવી ગઈ. દિવસનો થાક ઊતરી ગયો.ખૂબ ખૂબ અભિનંદન.

 35. Dasharath Thakkar says:

  વાહ, બંન્ને લેખકો એ લગ્નજીવનના સિક્કાની બેય બાજુ સરસ રીતે વર્ણવી.મજા આવી ગઈ. દિવસનો થાક ઊતરી ગયો.આવા લેખો માણસને સમાજમાં સહજીવન શીખવે છે.આ તબક્કે મનહર ઊધાસે ગાયેલ ગઝલના શબ્દો-કોણે કહ્યૂ કે આપણી વચ્ચે પ્રણય નથી….યાદ આવે છે.લેખકોને ખૂબ ખૂબ અભિનંદન.

 36. kajal says:

  very nice

 37. Ashish Dave says:

  Simply superb…

  Ashish Dave
  Sunnyvale, California

 38. Rajan says:

  બહુ બહુ બહુ બહુ મઝા આવી…….સરસ……..
  જલસો પદિ ગયો….

  -રાજન

 39. Nirlep Bhatt says:

  તપેલીમાં તપેલી અને પ્યાલામાં પ્યાલો ગોઠવાયો હોય એમ અમે એકબીજામાં હળીમળી જઈએ છીએ; સમાઈ જઈએ છીએ……… કેવેી સરસ વાત!!!!

 40. pravin d kareliya says:

  my marrige life ‘s article is very attractive to all family , i want every
  family read this article and some mistake in his life opportunity for better life

 41. pravin d kareliya says:

  This Readgujarati site is very useful and very knowledgeble site.

 42. Nilesh Bhatt says:

  બન્ને લેખ ખુબ જ સરસ. બન્ને લેખ મા થોડી વાતો સામાન્ય હતી. એક તો લગ્નજીવન નુ સુંદર અને અતિશયોક્તિ ભર્યું આલેખન. બીજી વાત એ કે બન્ને લેખન કથાકારોએ શબ્દો નો હાસ્ય નિષ્પન્ન કરવા મા અદભુત ઊપયોગ કર્યો છે. “ઉંમરલાયક – ઉંમર ના-લાયક”, “‘જાગ્યા ત્યાંથી સવાર’ – ‘જાગ્યા ત્યાંથી બબાલ’”, “‘સાધુ ને સાઈકલ ચલતાં ભલાં” વગેરે નાના-નાના પણ અદભુત વિચારો નુ સરસ આલેખન છે.

  મારી પસંદ ના સહુથી સારા બે ફકરાઓઃ

  ૧. “લગ્ન પછી મારી પાચનશક્તિ પ્રબળ બની છે. જ્યારે દાંત નબળા પડ્યા છે. સહનશક્તિ મજબૂત બની છે પણ દેહ દુર્બળ બન્યો છે. જ્યારે તેનું શરીર શરૂઆતમાં ગ્રામ પંચાયત જેવું હતું જે એકધારા વિકાસને કારણે તમામ અંકુશરેખાઓ ઓળંગીને મહાનગરપાલિકા જેવું થઈ ગયું છે. આવા દળદાર દેહ સાથે પણ તે ગરબે ઘૂમે છે. તો પ્રાર્થના કરીએ કે અંબેમા સૌની રક્ષા કરે.”

  ૨. “લગ્નને વરસ પણ વીત્યું નહોતું ને એ ગલત દોસ્તોની સોબતમાં શાસ્ત્રીય સંગીતના રવાડે ચડી ગયેલા. કોઈ ગમે એટલો દંભ કરે પણ એ હકીકત છે કે શાસ્ત્રીય સંગીત દસ મિનિટથી વધારે સાંભળી શકાતું નથી. માથું ભમી જાય છે ! એમાં અમારે ત્યાં તો સવાર સવારમાં ભીમસેન (જોશી)ની ગદાના પ્રહારો શરૂ થઈ જતા (ગદા=સંગીત). એમની પાછળ સુબ્બુલક્ષ્મી અને પરવીનબેન સુલતાના કછોટો વાળીને તૈયાર ઊભાં હોય ! એ પછી વીણાવાદનનો મૂઢમાર શરૂ થઈ જાય ! મા શારદાના સોગન, મહામુસીબતે એમને આ બૂરી લતમાંથી ઉગારેલા.”

  રિદ્ધિ, આપને વાંચતી વખતે મને થોડી તકલીફ પડી, હું શાસ્ત્રીય સંગીત ને ૧૦ મિનિટ નહી પણ ૧૦ કલાક સાંભળી શકું છું. ને ભિમસેન જોશીજી મને બહુ જ ગમે છે. પણ આ રજુઆત ને માત્ર મે એક હાસ્યલેખ ના સ્વરૂપ મા જોઈ ત્યારે મારી તકલીફ દુર થઈ. ઘણું સારુ લખો છો આપ. લખતાં રહો.

 43. ભાવના શુક્લ says:

  રિદ્ધિબહેન, બીજા એક ફ્રેશ લેખની રાહ જોવાની આજ થી જ શરુ કરી દઉ છુ. જલ્દી મળજો પ્લીઝ…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.