તૂટેલો ઘડો – અમૃતલાલ વેગડ

વાત બહુ જૂની છે. એક રાજા હતો. બહુ નિર્દય, પણ કળાનો પ્રેમી. એક એકથી ચડિયાતી કળાત્મક વસ્તુઓ તેણે એકઠી કરી હતી. એમાં એક કીમતી ઘડો હતો. હતો તો માટીનો, પણ અજોડ હતો. કોતરકામ અદ્દભુત હતું. લોકો જોતા જ રહી જતા. જાણકાર લોકો કહેતા કે સેંકડો વર્ષો અગાઉ કોઈ મહાન કળાકારે એનું નિર્માણ કર્યું હતું. ત્યાર બાદ આવો ઘડો બન્યો જ નહીં. એ વિદ્યા જ સમાપ્ત થઈ ગઈ, એટલે જ તો રાજાને એ બેહદ પસંદ હતો.

કમભાગ્યે એક વાર એ ઘડો તૂટી ગયો. સારું થયું કે એ રાજાના હાથે જ તૂટ્યો. આ અપરાધ જો કોઈ બીજાને હાથે થયો હોત તો એનું આવી જ બન્યું હોત. રાજા ખુદ પોતા ઉપર ખૂબ ધૂંઆપૂંઆ થયો. ત્રણ રોજ સુધી ન તો એણે ખાધું, કે ન મહેલની બહાર નીકળ્યો. પણ આવું કેટલા દિવસ ચાલે ? ચોથા દિવસે એણે પોતાના નગરના સઘળા કુંભારોને બોલાવ્યા. એમને કહેવામાં આવ્યું કે આ ઘટાને એવી રીતે જોડી દો કે ક્યાંય તિરાડનું નામોનિશાન ન દેખાય. ખૂબ વિચાર કરીને કુંભારોએ નમ્રતાપૂર્વક કહ્યું :
‘આ કોઈ રીતે સંભવ નથી.’
સાંભળતાં જ રાજા લાલપીળો થઈ ગયો. બોલ્યો, ‘મૂર્ખાઓ ! તમે જો આને જોડી નહીં શકો, તો હું તમને સૌને ફાંસીએ લટકાવીશ !’

રાજાને સમજાવવું વ્યર્થ હતું. ઘડાના ટુકડાઓ એકઠા કરી તેઓ ઘેર લાવ્યા. આખી રાત એ ટૂકડાઓને જોતા રહ્યા પણ એવો કોઈ ઉપાય સૂઝ્યો નહીં, જેથી ઘડો જોડાઈ જાય અને તિરાડોનું નિશાન સુદ્ધાં ન દેખાય. એમનો જે મુખી હતો એને પણ કોઈ માર્ગ ન સૂઝ્યો. રોવાકકળવા સિવાય એમની પાસે કોઈ માર્ગ ન હતો. અંતે મુખીને આશાનું એક કિરણ દેખાયું. એણે કહ્યું, ‘આ રોવુંકકળવું બંધ કરો. રોક્કળ કરવાથી કાંઈ વળશે નહીં. મને લાગે છે કે કદાચ મનીસરદાદા આપણી મદદ કરી શકશે. સો વરસથી પણ વધુ એમની ઉંમર થઈ ચૂકી છે. છતાં, આજે પણ તેઓ એમનાં હાંડલાંમાટલાં વેચવા દર મંગળવારે હાટે આવે છે. એમનાં વાસણો એટલાં સારાં હોય છે કે આવતાં જ ઊંચી કિંમતે વેચાઈ જાય છે. તેઓ જરૂર આપણને મદદ કરી શકશે.’

તૈયાર થઈને સૌ મનીસરદાદાને ગામ જવા નીકળી પડ્યા. પહાડની પેલી મોર, ગાઢ જંગલની વચ્ચે એમનું રળિયામણું ગામ હતું. જ્યારે કુંભારો ત્યાં પહોંચ્યા, ત્યારે મનીસરદાદાએ એમને સારો આવકાર આપ્યો. પોતાના પૌત્ર મંદારને ઉમદા ભોજન બનાવવાનું કહ્યું. પછી આવવાનું કારણ પૂછ્યું. સાંભળીને ઘણી વાર સુધી તેઓ એ ટુકડા ભણી જોતા રહ્યા. અંતે માથું ધુણાવીને બોલ્યા, ‘ના, આ ટુકડાઓને કોઈ રીતે જોડી શકાય નહીં.’ કુંભારોની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેઓ એકદમ નિરાશ થઈ ગયા. દયામણે સ્વરે મુખીએ કહ્યું :
‘દાદા, અમને હવે કોઈ નહીં બચાવી શકે. ફાંસીનો તખ્તો અમારી રાહ જોઈ રહ્યો છે.’
મનીસરદાદા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. પછી ધીમા સ્વરે બોલ્યા : ‘ના, હું તમને મરવા ન દઈ શકું. જાઓ, રાજા પાસેથી એક વરસની મહેતલ માગો. એક વરસ ઘણું છે. ત્યાં સુધી કદાચ હું કંઈ કરી શકું.’

તેઓ રાજા પાસે પહોંચ્યા. એક વર્ષની મુદત મળી. દિવસો વીતવા લાગ્યા. તે દિવસથી કોઈએ મનીસરદાદાને જોયા નહીં. તેઓ દિવસરાત એમના ઘેર જ રહેતા. આ બાજુ કુંભારોના હાલ બૂરા હતા. ચિંતાને લીધે એમની ભૂખતરસ ઊડી ગઈ હતી. વરસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. શહેરમાં ખૂબ ચહેલપહેલ હતી. એક બાજુ ફાંસીના તખ્તા લગાવવામાં આવી રહ્યા હતા. બીજી બાજુ રોતાકકળતા કુંભારો બેઠા હતા. ચારે બાજુ સેનાનો પહેરો ગોઠવાઈ ગયો હતો. બચવાની આશા બહુ થોડી હતી. ત્યાં જ મનીસરદાદા આવી પહોંચ્યા. એમની પાછળ એમનો પૌત્ર મંદાર માથાપર ભારે પોટલું રાખીને આવી રહ્યો હતો. એક વરસમાં જ મનીસરદાદા ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. એમના હાથ કાંપતા હતા અને આંખોની જ્યોતિ સાવ ક્ષીણ થઈ ગઈ હતી. એમના ઈશારા પર મંદારે પેલું પોટલું ખોલવું શરૂ કર્યું….. ઓહ ! આ શું ? એમાં પેલો કીમતી ઘડો હતો ! પેલા તૂટેલા ટુકડાઓ જોડાઈને ફરીથી સંસારનો સર્વશ્રેષ્ઠ ઘડો બની ગયો હતો. સૌએ એને બારીકીથી જોયો, ધારીધારીને જોયો, વગાડીને પણ જોયો. પણ તિરાડનું ક્યાંય નામનિશાનેય ન હતું ! પછી શું કહેવું ? કુંભારોમાં આનંદની લહેર દોડી ગઈ. આંખોમાંથી આનંદનાં આંસુ વહી ચાલ્યાં. ઉમંગમાં આવી નાચવા લાગ્યા. મનીસરદાદાનું નામ દેશને ખૂણેખૂણે ફેલાઈ ગયું. ગામેગામ એમની જ ચર્ચા થવા લાગી. લોકો કહેતા કે મનીસરદાદાના હાથમાં જાદુ છે. તૂટેલાં વાસણ એવી રીતે જોડી દે છે કે તિરાડનું નિશાન સુદ્ધાં નથી રહેતું.

પછી એક દિવસે કુંભારોના દળમાં એવી ચર્ચા ઊઠી કે મનીસરદાદા ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે. ક્યારે ચાલી નીકળે, કાંઈ કહેવાય નહીં. એમણે એમની વિદ્યા બીજાને શીખવી દેવી જોઈએ. આથી શીખવા માટે એમની પાસે ફરીથી જવું જોઈએ. ચાર હોંશિયાર કુંભારોને લઈને મુખી ફરીથી એમને ગામ પહોંચ્યો.

મનીસરદાદાએ એમની વાતને બહુ ધ્યાનથી સાંભળી. એમનું માથું નીચે ઝૂકેલું હતું ને હાથ દાઢી પંપાળતો હતો. થોડી વાર પછી તેઓ બોલ્યા : ‘મારી પાસે કોઈ ભેદ નથી. હું માટીમાં થોડી રેતી મેળવું છું. પછી પાણી મેળવીને એને ગૂંદું છું – બરાબર એ જ રીતે, જે રીતે તમે સૌ ગૂંદો છો. પછી હું વાસણને પકાવું છું ને ત્યારબાદ ઠંડું કરું છું – તમારી જેમ જ. પણ હા, છેક બચપણથી જ મેં મારા કામને ચાહ્યું છે. એમાં હું મારું દિલ રેડું છું. ચાહે ગરીબને માટે બનાવતો હોઉં કે ચાહે રાજા માટે, પણ વાસણ હું એ જ ખંતપૂર્વક બનાવું છું. આ સિવાય બીજો કોઈ ભેદ મારી પાસે નથી. અને આ એવો ભેદ છે, જેનું પાલન હર કોઈ કરી શકે છે !’ કુંભારો મનીસરદાદા પાસેથી આના સિવાય બીજી કોઈ વાત કઢાવી ન શક્યા. નિરાશ અને નારાજ થઈને તેઓ પોતાને શહેર પાછા આવ્યા. એમનો વિચાર હતો કે મનીસરદાદા એમની વિદ્યા છુપાવી રહ્યા છે. એમને શીખવવા નથી ઈચ્છતા. મનીસરદાદાનો પૌત્ર મંદાર પણ કંઈક આવું જ વિચારી રહ્યો હતો. એક દિવસ એણે કહ્યું : ‘દાદા, કૃપા કરીને તમારી વિદ્યા મને શીખવી દો. મારા અને મારી નાની બહેન સિવાય તમારું કોઈ નથી. અમે સદા તમારાં આજ્ઞાકારી બાળકો રહ્યાં છીએ. તમારી દરેક સગવડ સાચવીએ છીએ. જો તમે તમારી વિદ્યા અમને શીખવી દેશો, તો અમે ધન્ય થઈ જઈશું.’

દાદા ઘણી વાર સુધી પોતાના પૌત્રને જોતા રહ્યા. બોલ્યા કંઈ નહીં. પછી ચૂપચાપ એમની કામ કરવાની બેઠક પર ચાલ્યા ગયા. તે દિવસથી ઘરમાં ઉદાસી છવાઈ ગઈ. ન બાળકો દાદા સાથે બોલતાં, ન દાદા એમના ઓરડામાંથી બહાર નીકળતા. જ્યારે મંગળવાર આવ્યો, ત્યારે મંદારને બજાર મોકલવાને બદલે દાદા પોતે જ બળદગાડા પર માલ લાદીને ગયા. મંદાર સમજી ગયો કે એણે દાદાનાં મનને બહુ દૂભવ્યું છે. એને પોતાના ઉપર બહુ શરમ આવી. પરંતુ દાદા પણ એનો વિશ્વાસ નથી કરતા ! એનાથી પોતાની વિદ્યા છુપાવે છે એનું એને દુ:ખ હતું. એ જ વખતે એણે પોતાની બહેનનો સાદ સાંભળ્યો. એ એને દાદાના ઓરડામાંથી જ બોલાવી રહી હતી. મંદાર બહેનને ત્યાં જવા માટે વઢ્યો. પણ બહેને કહ્યું : ‘કે આપણે દાદાના ભેદનો પત્તો ત્યારે જ લગાવી શકીએ જ્યારે દાદા અહીં ન હોય.’

ઓરડાને તપાસવામાં બન્નેએ કાંઈ બાકી ન રાખ્યું. ક્યાંય કશું દેખાયું નહીં. અંતે એમનું ધ્યાન એક પોટલા તરફ ગયું. બહેને કહ્યું, ‘આને ખોલીને સારી રીતે જો. એક વાર હું દાદાની થાળી લઈને આવી હતી, ત્યારે તેઓ એને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા.’
મંદારે પોટલું ખોલ્યું : ‘ઓહ ! એમાં રાજાના પેલા તૂટેલા ઘડાના ટૂકડા હતા !’
હવે મંદારને બધું સમજાઈ ગયું. એના કાનમાં દાદાનો અવાજ ગુંજી ઊઠ્યો, ‘મારી પાસે છુપાવા લાયક કોઈ ભેદ નથી. પણ હા, બચપણથી જ મારા કામને મેં દિલ રેડીને કર્યું છે. આ એક એવો ભેદ છે, જેનું પાલન હર કોઈ કરી શકે છે.’ પોતાના હાથ કાંપતા હોવાથી, એક વરસની લગાતાર મહેનત બાદ, દાદાએ એક ઘડો બનાવ્યો, જે હૂબહૂ જૂના ઘડા જેવો હતો. જૂનો ઘડો – જેને સેંકડો વર્ષો પૂર્વે કોઈ મોટા ઉસ્તાદે બનાવ્યો હતો અને એવું માનવામાં આવતું હતું કે આવો ઘડો બનાવવાની વિદ્યાનો જ લોપ થઈ ગયો હતો. એના દાદાએ શો ગજબ કર્યો હતો ! આને માટે તેઓ મોટામાં મોટું ઈનામ મેળવી શકતા હતા, પણ તેઓ ચૂપ રહ્યા. એમનું મૌન જ કુંભારોના જાન બચાવી શકે તેમ હતું.

મંદાર બહાર આવ્યો. એ સારી રીતે સમજી ગયો હતો કે દાદાએ એમનો ભેદ એમના પૌત્રથી પણ શા માટે છુપાવ્યો હતો. સમી સાંજે એણે દાદાને હાટેથી પાછા આવતા જોયા. એ ક્યારનોય એમની વાટ જોઈ રહ્યો હતો ! આવતાં જ એમને વળગી પડ્યો. દાદા બધું સમજી ગયા. મંદારને છાતી સરસો ચાંપ્યો. વહાલથી બોલ્યા : ‘સો વરસ જીવજે, બેટા !’ વળી બોલ્યા : ‘જ્યાં સુધી તું તારા કામને પ્યાર કરીશ, ત્યાં સુધી તારી વિદ્યા તારા દાદાની વિદ્યા કરતાં હજાર ગણી સારી હશે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારું લગ્નજીવન – સંકલિત હાસ્ય-લેખો
જીતો દુનિયા તમારા અભિગમથી – જે. પી. વાસવાણી Next »   

35 પ્રતિભાવો : તૂટેલો ઘડો – અમૃતલાલ વેગડ

 1. gopal parekh says:

  બોધપ્રદ વાર્તા

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ વારતા. અપેક્ષા વગર પોતાનુ કાર્ય કરવાથી કાર્ય કરવાનો સાચો આનંદ મળે છે.

 3. હા, છેક બચપણથી જ મેં મારા કામને ચાહ્યું છે. એમાં હું મારું દિલ રેડું છું. ચાહે ગરીબને માટે બનાવતો હોઉં કે ચાહે રાજા માટે, પણ વાસણ હું એ જ ખંતપૂર્વક બનાવું છું. આ સિવાય બીજો કોઈ ભેદ મારી પાસે નથી. અને આ એવો ભેદ છે, જેનું પાલન હર કોઈ કરી શકે છે !’

  બસ, બધો ભેદ અહીં ખોલી દેવામાં આવ્યો છે.

 4. Vishal Jani says:

  સફળ વેપારની સૌથી મોટી ચાવી, ખુંબ સરસ

  વિશાલ જાની
  http://www.viithii.com

 5. Sarika Patel says:

  Very good story.

  kharekhar kubhar ni karighari vakhanva layak hoy che, ane te avadat matra khubhar
  pasej hoy che.

  Sarika

 6. kinjal says:

  good story

 7. nayan panchal says:

  સરસ વાર્તા.

  ગમે તે કામ હોય તેને પૂરી લગનથી કરીએ તો અવર્ણનીય સંતોષ મળે જ છે.

  નયન

 8. રેખા સિંધલ says:

  ખઁત, ઉત્સાહ, ધીરજ, મૌન, અને નિસ્વાર્થ વૃતિ જ કાર્યને દીપાવે છે. તૂટેલા ઘડા જેવ આપણે આપણી જાતનું ફરીથી ઘડતર કરી શકીએ ખરા ? આવી બોધવાર્તા વિચારતા જરૂર કરી મૂકે છે.

 9. Hemisha Patel says:

  really very good story

 10. pragnaju says:

  ચીંતનમા સરી પડાય તેવી બોધપ્રદ વાત્

 11. ખુબ સુંદર વાર્તા … 🙂

 12. dipak says:

  really it is an excellent story.

 13. Neha says:

  ખન્ત વિશ્વાશ અને લગન હોઇ તો કશુ અશ્ક્ય નથિ . If u love ur work, u will always end up doing the best.
  Really nice moral story!

  Neha Raja

 14. maru hasmukh says:

  very fine story

 15. manali says:

  nice story!

 16. kumar says:

  સરસ અને બોધપ્રદ વારતા…..

 17. Gaurang Sheth says:

  ખૂબ સરસ શિખામણ….બોધપાઠ….ગૌરાંગ, હિતાર્થ, Jayshri (સુરત)

 18. Chirag Shah says:

  Excellent.

  One who love it works will achive whatever what They wnat!!!!!!!!!

 19. Ashish Dave says:

  Do what you love else you will start loving what you do…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.