જીતો દુનિયા તમારા અભિગમથી – જે. પી. વાસવાણી

[ શ્રદ્ધા અને હિંમતની મંગલભાવના પ્રેરતી 75 જેટલી કથાઓના પુસ્તક ‘જીતો દુનિયા તમારા અભિગમથી’ માંથી કેટલીક કથાઓ અહીં સાભાર લેવામાં આવી છે. હૃદયની ઉષ્માથી ભરપૂર આ નાનકડી વાર્તાઓ હકારાત્મક વિચારો યોગ્ય મનોવલણ મજબૂત કરવા માટે જ લખાયેલી છે. પુસ્તક પ્રાપ્તિની વધુ વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]

[1] મારા સંગીતને બોલવા દો

લંડનમાં તે દિવસ ખૂબ ઠંડીનો હતો. આવી કડકડતી ઠંડીમાં એક વૃદ્ધ અંધજન નાનકડા સ્ટૂલ ઉપર બેસી વાયોલિન વગાડી આવતાં-જતાં લોકો કંઈ ને કંઈ મદદ કરે તે આશા રાખી બેઠો હતો. ઠંડીના લીધે તેની વાયોલિન વગાડતી આંગળીઓ ભૂરી ભૂરી થઈ ગઈ હતી. કોઈ રાહદારી એક ફદિયો પણ પરખાવતો ન હતો. બધાના હાથ જોકે ખીસામાં હતા. પરંતુ તે પૈસા કાઢવા નહીં, પણ ઠંડીથી બચવા માટે ખીસામાં ખોસ્યા હતા.

એ સમયે એક સુસજ્જ વ્યક્તિ પેલા અંધજન પાસે આવીને ઊભી રહી અને બોલી : ‘કેમ આજે નસીબનું જોર નથી ? કોઈ તેમના પાકીટ ખોલી તમને નવાજતા નથી ? ખેર, જુઓ મારા સંગીતને બોલવા દો અને જુઓ તેની અસર.’ આટલું કહી તે વ્યક્તિએ અંધજન પાસેથી તેનું ખખડધજ વાયોલિન લઈ લીધું અને પોતે તે વગાડવા માંડ્યું. ખખડધજ વાયોલિનમાં જાણે પ્રાણ પુરાયા અને અલૌકિક સંગીતની સુરાવલીએ હવાને મહેકતી કરી દીધી. આવતાં જતાં લોકો ઉપર જાણે આ સંગીતે ભૂરકી નાંખી હોય તેમ ત્યાં એક નાનકડું ટોળું જમા થઈ ગયું. બધા જ મંત્રમુગ્ધ થઈ સંગીતને સાંભળી રહ્યા. સંગીત જ્યારે અટક્યું ત્યારે વાયોલિનની સુરાવલી રેલાવનાર આ સજ્જને પોતાની હેટ ઉતારી અને ટોળામાં ફેરવી. થોડી વારમાં તો તેમાં ખાસ્સા એવા સિક્કાઓ ભેગા થઈ ગયા, જે આ સજ્જને પેલા અંધજનને આપ્યા અને સાથે સાથે પેલું ખખડધજ વાયોલિન પણ તેને પરત કર્યું. અંધજન તો ગળગળો થઈ ગયો. તે બોલ્યો : ‘સાહેબ, હું ક્યા શબ્દોમાં તમારો આભાર માનું ? તમારું નામ તો કહો.’

પેલી વ્યક્તિ બોલી : ‘મને પેગાનીનીના નામથી લોકો ઓળખે છે.’ આટલું કહી તેણે અંધજન સાથે હાથ મિલાવ્યા અને ચાલી નીકળ્યા. પેગાનીની વિશ્વનો મહાન સંગીતકાર અને વાયોલિન વાદક છે, પરંતુ પોતાના જરૂરિયાતમંદ બાંધવને મદદ કરવા તેણે શેરીના વળાંક પર વાયોલિન વગાડવામાં કોઈ નાનમ અનુભવી ન હતી.

[2] અસરકારક ઔષધિ

અંગ્રેજી લેખક ઓલિવર ગૉલ્ડસ્મિથ આમ તો ડૉક્ટરની ડિગ્રી ધરાવતા હતા, પરંતુ તેમણે ક્યારેય કેરિયર તરીકે ‘ડૉક્ટરી’ કરી ન હતી. એક દિવસની વાત છે. ડૉક્ટર ગૉલ્ડસ્મિથ ખૂબ દયાવાન હૃદય ધરાવે છે તેમ જાણીને એક વૃદ્ધ મહિલા તેમને મળવા આવી. આંખમાં ઝળઝળિયા સાથે તેણીએ ડૉક્ટર ગૉલ્ડસ્મિથને કહ્યું : ‘સાહેબ, મારા પતિ બીમાર છે. અમારી પાસે નાણાં નથી એટલે કોઈ ડૉક્ટર વિઝિટે આવતા નથી. હું આપને વિનંતી કરવા આવી છું કે આપ મારા પતિને જોવા આવો.’

ગૉલ્ડસ્મિથ આ મહિલા સાથે તેણીના ઘરે ચાલ્યા. એક નજરમાં જ ગૉલ્ડસ્મિથે જોઈ લીધું કે આ ઘરમાં કોઈ સુવિધા નથી. અહીં ગરીબાઈ, ભૂખ અને અભાવનું રાજ ચાલે છે અને તેથી તેણીનો પતિ માંદો અને સાવ નંખાઈ ગયેલો છે. આ ગરીબ દંપતિને સહાનુભૂતિના બે શબ્દો કહી ગૉલ્ડસ્મિથે વિદાય લેતા પેલી મહિલાને કહ્યું : ‘જો બહેન, હું થોડી ટીકડીઓ મોકલું છું જે મારી સુચના મુજબ દર્દીને આપજો. સૌ સારા વાના થઈ જશે.’

ગૉલ્ડસ્મિથ ઝડપથી ઘેર પહોંચ્યા. અને ટીકડીના એક નાનકડા ડબ્બામાં દસ ગીની (સોનાના સિક્કા) મૂકી ડબ્બા ઉપર ઔષધ કેમ લેવી તેની સૂચના લખતા જણાવ્યું કે ‘આ દરેક ટીકડી (સિક્કો) રોજ વાપરવાની અને તેમાંથી સારો ખોરાક, દૂધ અને તાપણું કરવા કોલસા ખરીદવાના. શ્રદ્ધા અને આશા સાથે કામ કરવાનું.’ એક માણસ સાથે તેમણે આ ‘ટીકડી’નો ડબ્બો પેલી મહિલાને મોકલી આપ્યો. કહેવાની જરૂર નથી કે આ ‘અસરકારક ઔષધિ’એ શું ચમત્કાર કર્યો. આ દંપતિ ગરીબાઈ અને અભાવથી પીડાતું હતું. તેઓને દવાની નહિ, સાચી મદદની જરૂર હતી જે આ ભલા ડૉક્ટરે પૂરી પાડી હતી. સમયસરની આવી મદદ માટે તે પછી એ દંપતિ, આ ભલા ડોક્ટરનો આભાર માનવા ગયા હતા.

[3] બધું મનનું કારણ છે

આ એક એવા કિશોરની વાત છે જેને જન્મથી કેટલીક શારીરિક તકલીફો હતી. તેનો એક પગ એટલો નબળો હતો કે તેને સીધો રાખવા તેને સ્ટીલના સળિયા સાથેનો પટ્ટો પહેરવો પડતો હતો. બાળપણ તો મુશ્કેલી વગર પસાર થઈ ગયું પણ જ્યારે તે સ્કૂલે જતો થયો ત્યારે તે સાવ નિરાશ થઈ ગયો. બીજા છોકરાઓને તેણે દોડતા જોયા, રમતો રમતા જોયા, ઝાડ ઉપર ચડતા જોયા ત્યારે તેનામાં હતાશા વ્યાપી ગઈ. તેની હતાશા તેના પિતાથી છૂપી ન રહી. એથી તેમણે દૂર આવેલા એક પ્રસિદ્ધ મંદિરની યાત્રાએ જવાનું નક્કી કર્યું. લોકવાયકા એવી હતી કે આ મંદિરમાં આવી પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરવાથી બધા દુ:ખ દૂર થાય છે. પિતાને થયું કે કદાચ મારા પુત્રની પ્રાર્થના પણ પ્રભુ સાંભળશે અને મારો પુત્ર સાજોસમો થઈ ચાલતો, રમતો, કૂદતો થઈ જશે.

પિતા-પુત્ર એ પ્રસિદ્ધ મંદિરની યાત્રાએ ઊપડ્યા. મંદિરમાં પ્રવેશી બંને જણે પ્રભુને આજીજીપૂર્વક પ્રાર્થના કરી કે પુત્રનો પગ સારો થઈ જાય. એ સમયે આ કિશોરે તેના હૃદયમાં એક અનોખી ઉષ્માનો અનુભવ કર્યો અને તેને લાગ્યું કે તેનો પગ સારો થઈ ગયો. પરંતુ જ્યાં તેણે પગ સામે જોયું તો તે તો જેવો હતો તેવો જ હતો. કિશોર નિરાશ થઈ ગયો. તેણે તેના પિતાને કહ્યું : ‘અહીં આપણે ફોગટ આવ્યા. ચાલો પાછા જઈએ. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતા નથી.’ જેવા તેઓ મંદિરના દરવાજે પહોંચ્યા કે કિશોરને એક અદ્દભુત લાગણીનો અનુભવ થયો. તેને લાગ્યું કે તેના માથા ઉપર કોઈએ પ્રેમથી હાથ મૂક્યો. તે સહસા ચિત્કારી ઊઠ્યો : ‘બાપુ, તમે સાચા છો. મને મટી ગયું. મારો પગ સારો થઈ ગયો.’ ચોંકી જઈને પિતાએ પુત્રના પગ સામે જોયું – તો તે તો જેવો હતો તેવો જ હતો. નિરાશ પિતાના મોં સામું જોઈને પુત્ર બોલ્યો : ‘બાપુ, પ્રભુએ ભલે મારા પગ પરથી પટ્ટો ખોલી નથી દીધો પરંતુ મારા મનને લાગેલા પટ્ટાઓ દૂર કરી દીધા છે. હવે હું મારી જાતને વિકલાંગ કે પાંગળો અનુભવતો નથી. મારામાં હિણપતનો ભાવ સદંતર ચાલ્યો ગયો છે.’

એક વાત હૃદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુ:ખ મનના કારણ હોય છે.

[4] દુર્ભાગ્ય અને સદનસીબ

ચીનના એક વૃદ્ધ ખેડૂતની વાત વિચારવા જેવી છે. તેની પાસે ખેતરમાં કામ કરવા એક વૃદ્ધ ઘોડો હતો. એક દિવસ આ ઘોડો જંગલમાં નાસી ગયો. ખેડૂતના પાડોશીઓ ભેગા થયા અને સહાનુભૂતિ દર્શાવવા માંડ્યા. કેટલાક વળી બોલ્યા : ‘કેવું દુર્ભાગ્ય !’
ખેડૂત બોલ્યો : ‘દુર્ભાગ્ય કે સદનસીબ – કોણ જાણે છે ?’

એક અઠવાડિયા પછી પેલો વૃદ્ધ ઘોડો પાછો આવ્યો અને સાથે કેટલાક જંગલી ઘોડાઓને પણ લેતો આવ્યો. આ સમયે ફરી પાછા પાડોશીઓ આ વૃદ્ધ ખેડૂતને મળવા આવ્યા અને અભિનંદન આપતાં કહ્યું : ‘કેવું સદનસીબ’ વૃદ્ધ ખેડૂત બોલ્યો : ‘દુર્ભાગ્ય કે સદનસીબ, કોણ જાણે છે ?’ થોડા સમય બાદ આવા એક જંગલી ઘોડા પર સવારી કરવા જતાં ખેડૂતનો એકનો એક પુત્ર પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો.
દરેકને લાગ્યું કે ‘કેવું દુર્ભાગ્ય !’
પરંતુ ખેડૂતે તો એક જ વાત કરી : ‘દુર્ભાગ્ય કે સદનસીબ, કોણ જાણે છે ?’
થોડાં અઠવાડિયાં પછી રાજાનું લશ્કર ગામમાં આવ્યું અને બધા જ સશક્ત યુવાનોને લશ્કર માટે ઉપાડી ગયું. ખેડૂતના પુત્રનો પગ ભાંગી ગયો હતો એટલે તે બચી ગયો.

હવે આને શું કહીશું ? ‘દુર્ભાગ્ય કે સદનસીબ ?’ ખરેખર તો પહેલી નજરે આપણને ખરાબ લાગતી વાત, છૂપાવેશે આશીર્વાદ સમાન હોય છે અને ક્યારેક નસીબવંત લાગતી વાત આપણા હિતોને નુકશાન કરનારી નીવડે છે. શાણા માણસો પોતાના માટે સારું શું કે ખરાબ શું તે નક્કી કરવાનું કામ ઈશ્વર ઉપર છોડી દે છે. ઈશ્વર જે કરે પછી તે ખરાબ હોય કે સારું, તેને વિના હીચકીચાહટ સ્વીકારી લે છે ને તેને ‘તેમની’ મરજી લેખે છે.

[5] મિત્રને મદદ

બુકર ટી. વૉશિંગ્ટન જાણીતા અશ્વેત શિક્ષક હતા. અમેરિકામાં અલાબામાની ટસ્કીજી ઈન્સ્ટીટયૂટના તે પ્રમુખ નિમાયા તે સમયની આ વાત છે. એક દિવસ તે નગરના એક ધનાઢ્ય લોકોના વિસ્તારમાંથી જઈ રહ્યા હતા ત્યારે એક ધનિક ગોરી મહિલાએ તેમને રોકીને કહ્યું : ‘થોડા ડૉલર કમાવવા હોય તો મારી પાસે કામ છે. મારે લાકડાંના થોડા ચીરિયા કરાવવા છે.’ પ્રો. વૉશિંગ્ટને સ્મિત કરી હા પાડી. અને બાંય ચડાવી લાકડાંના ચીરિયા કરવા માંડ્યા. ચીરિયા થઈ ગયા પછી સાચવીને તે મહિલાના રસોડામાં લઈ જઈ ગોઠવીને મૂક્યા. મહિલાની દીકરી જે તે વખતે ઘરમાં હતી, તે આ પ્રસિદ્ધ પ્રોફેસરને ઓળખી ગઈ. જ્યારે પ્રોફેસર ગયા તે પછી તેણે તેની માને કહ્યું કે ‘જાણે છે કે આ કોણ છે ? તેં કોની પાસે કેવું કામ કરાવ્યું ?’

બીજે દિવસે સવારે પેલી મહિલા ખૂબ જ સંકોચ અને શરમ સાથે પ્રૉફેસર વૉશિંગ્ટનને મળવા તેમની ઑફિસે ગઈ અને હૃદયપૂર્વક માફી માંગી.
‘મેડમ, કોઈ વાંધો નહીં. મને થોડી શારીરિક મહેનત કરવી ક્યારેક ગમે છે. તે ઉપરાંત એક મિત્રને મદદ કરવામાં પણ આનંદ આવતો હોય છે.’ મહિલા આ સૌજન્યવાન પ્રોફેસરના વર્તનથી એટલી અભિભૂત થઈ કે તેણે તેમની ઈન્સ્ટીટ્યૂટને તે પછી પુષ્કળ દાન અપાવ્યા.

[6] હરીફો અને મિત્રો

ટોની ઈટાલિયન હતો જ્યારે ઈવાન રશિયન હતો. બંનેની બાજુમાં બાજુમાં દુકાનો હતી અને બંનેને ત્યાં સારી ઘરાકી રહેતી હતી. બંને હરીફ હતા પરંતુ તેમની હરિફાઈ તંદુરસ્ત હતી. બંને પોતપોતાની રીતે સારું કમાઈ લેતા હતા. એક અઠવાડિયે ટોનીએ જોયું કે તેની ઘરાકીમાં અચાનક ઉછાળો આવી ગયો હતો. તેણે તપાસ કરી તો ખબર પડી કે તેનો હરીફ બીમાર પડી ગયો હતો અને તેની દુકાન અઠવાડિયાથી બંધ હતી. એ અઠવાડિયે ટોનીએ રોજ મોડે સુધી પોતાની દુકાન ખુલ્લી રાખી. સામાન્ય કરતાં ખૂબ વધારે ધંધો કર્યો અને ખાસ્સા વધુ પૈસા કમાયો.

રવિવાર આવ્યો અને ટોનીએ સુંદર વસ્ત્રો પહેર્યાં અને ગયા અઠવાડિયે ઓવરટાઈમ ધંધો કરી જે પૈસા કમાયો હતો તે એક પરબીડિયામાં મૂક્યા અને ઈવાનને ઘેર ચાલ્યો. ઈવાન માંદગી પછીનો આરામ કરી રહ્યો હતો. પોતાની સાથે લાવેલું પરબીડિયું ઈવાનને આપતા ટોનીએ કહ્યું : ‘તારા માટે એક નાનકડી ભેટ લાવ્યો છું, તેનો સ્વીકાર કર. તારા વગર મજા નથી આવતી. જલદી સાજો થઈ ફરી દુકાને આવી જા.’ ઉષ્માભરી રીતે ઈવાનનો ખભો થાબડી ટોની ત્યાંથી નીકળી ગયો. ધંધામાં ભલે હરીફાઈ હોય પણ સંબંધમાં મિત્રતાની સુવાસ અકબંધ રાખજો.

[7] ભિખારી બની ગયો વેપારી

ન્યૂયોર્કના એક ધનવાન વેપારીની આ સુંદર કથા છે. એક દિવસની વાત છે. તેઓ એક સવારે શાંતિથી ચાલતા ચાલતા તેમની ઑફિસે જઈ રહ્યા હતા ત્યારે એક ભિખારી કેટલાંક સૂકાં, મુરઝાયેલાં ફૂલો વેચવા સડકને કિનારે બેઠો હતો. આ ધનવાન વેપારીએ ડૉલરનો સિક્કો ઉછાળીને, પેલાએ આગળ ધરી રાખેલી હેટમાં નાંખ્યો અને તેઓ ઝડપથી ચાલવા માંડ્યા. પરંતુ પછી તેઓ તરત જ ઊભા રહી ગયા અને પાછા આવ્યા. પેલા ભિખારી પાસે જઈ બોલ્યા : ‘માફ કરજો મિત્ર, ઉતાવળમાં હું મારી ખરીદી લેવાની તો ભૂલી જ ગયો.’ તે પછી તેમણે સુકાયેલાં ફૂલોના ઢગલા તરફ જોયું અને ડહેલિયાને ઉપાડતા કહ્યું, ‘ડહેલિયા મારું માનીતું ફૂલ છે અને આમ તો તું પણ મારી જેમ વેપારી જ તો છે.’ ફૂલ લઈ જાણે અજાણે પણ તેમણે તે ભિખારીને વેપારીનો દરજ્જો આપી દીધો.

આ વાતને મહિનાઓ પછી આ ધનવાન વેપારી એક રેસ્ટોરન્ટમાં ભોજન લઈ રહ્યા હતા ત્યારે સુંદર વસ્ત્રોમાં સજ્જ દેખાવડો એક માણસ તેમની પાસે આવ્યો અને પોતાની ઓળખ આપતા બોલ્યો, ‘આપ કદાચ મને ઓળખતા નહીં હો પણ હું આપને જાણું છું. આપ એ સજ્જન છો જેમણે મને કંઈક બનવાની પ્રેરણા આપી હતી. હું તો સાવ રખડું જેવો હતો અને ગમે તેવાં ફૂલો વેચવાને બહાને ભીખ માંગતો હતો. પરંતુ આપે મને મારા આત્મસન્માનની ઓળખ આપી. હવે હું ખરેખર બીઝનેસમૅન, વેપારી બની ગયો છું – જે વાત મહિનાઓ પહેલાં આપે મને કહી હતી.’

વાતનું તાત્પર્ય એ છે કે એ ધનવાન વ્યક્તિએ પેલાં ફૂલો વેચનારને ફક્ત પૈસાની જ મદદ નહોતી કરી પણ તેને વેપારી કહીને તેને આદર અને આત્મસન્માન આપ્યા હતા. આ બંને વસ્તુઓની કિંમત નાણાં કરતાં પણ વધારે છે.

[કુલ પાન : 136 (નાની સાઈઝ), કિંમત રૂ. : 50. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380 001. ફોન : +91 79 25506573.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તૂટેલો ઘડો – અમૃતલાલ વેગડ
આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન – તંત્રી Next »   

15 પ્રતિભાવો : જીતો દુનિયા તમારા અભિગમથી – જે. પી. વાસવાણી

 1. ખરી વાત છે. ઘટના એ તો ઘટના છે પણ તેની સાથે આપણો અભીગમ કેવો છે તેના ઉપર જ હાર કે જીતનો આધાર છે.

  સુંદર પુસ્તક – સુંદર પ્રસંગો.

 2. પરેશ ગોહિલ says:

  ખરેખર સુંદર લેખ. માણવા લાયક અને સમજવા લાયક….

 3. nayan panchal says:

  સરસ પ્રસંગો.

  આભાર, મૃગેશભાઈ.

  નયન

 4. Payal says:

  Mrugeshbhai,
  You post 2 articles every day. I read them everyday. But once in a while an article will touch my heart beyond what words can describe. This is one of them. Some people has a way about them. You can only wish that one day you can be like them. Once when I worked as an intern in a very famous lab in the US, I accidently dropped a bottle of chemical. My boss who is a Doctor (M.D) (ph.D) was standing across from me. I was so worried that I was in a big heap of trouble now. She has quite a reputation of a brilliant scientist and a doctor with a temper. But she ran towards me first to make sure I was ok. Then she ran into the bathroom and came back with a mop and a bucket. Even when I protested, she insisted that she clean up the mess and show me how to clean up hazardous waste!!! I just stood there in awe and admiration. I had a new found respect for her.

 5. Navin N Modi says:

  વાત સાત, સંદેશ એક. દુનિયા જીતવા માટે હકારાત્મક અભિગમ અને આચરણ બહુ મહત્વના છે.તો કરો શરુઆત અને જીતો દુનિયા.

 6. pragnaju says:

  નાના નાના પ્રસંગોથી સરસ હકારાત્મક રજુઆત
  સંતો આ બધુ અનુભવ સીધ્ધ કહેતા હોય છે તેથી સરળતાથી સમજાય છે

 7. shruti says:

  thanks for this artical because this artical when i was read then arical touch with my heart. this artical is displaying possitive thinking for living life.so plese diaplay more artical.

  i want to share one man’s simplity you know who is him he is retired vice chanchelor of gujarat university.HE is very simple he has no proud for their post he is not drive any vehical.he do all simple work in his house i can’t give his name but give them position in my heartfor living life.

  i have respect for him life time
  i give them “life time achivement award”
  shruti.h.maru

 8. Amol says:

  ખરેખર સૂન્દર ઉદાહરણો…..
  આભાર…..

  અમોલ……

 9. Vasant Dubal says:

  Mrugesbhai,
  I am very glad to read your small inspiring articles. Pl. keep on

 10. Ashish Dave says:

  Inspiring stories… bad attitude is the only disability in the life.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.