દીવાલ નહિ પણ સેતુ – જયવતી કાજી

ભારતીય સંસ્કૃતિને કાકાસાહેબ કાલેલકરે તપોવન સંસ્કૃતિ કહી છે. એ અરણ્ય સંસ્કૃતિ છે. સપ્તસિંધુના પ્રદેશમાં આર્ય સંસ્કૃતિનું પુષ્પ પાંગર્યું હતું. આવા જ એક તપોવનમાં મુનિ યાજ્ઞવલ્ક્યનો આશ્રમ હતો. મૈત્રેયી અને કાત્યાયની એમની બે પત્ની હતી. પ્રભાતનો સમય હતો. મુનિ યાજ્ઞવલ્ક્ય એમના આશ્રમમાં પૂજન અર્ચન કર્યા પછી બેઠા છે. હવે બધું છોડીને વધુ સાધના અને તપ માટે ચાલ્યા જવા માટે એમનો જીવ તલપી રહ્યો છે. મનની વાત તેઓ એમની પત્નીઓને કહે છે :
‘મારા આ આશ્રમ, ગૌશાળા, જમીન વગેરે જે મારી ભૌતિક સંપત્તિ છે તે તમારા બંને વચ્ચે વહેંચી દઈ હું જવા માંગું છું. આમાંથી તમારે શું જોઈએ છે તે કહો.’ મૈત્રેયી બ્રહ્મવાદિની હતી. એણે મુનિ યાજ્ઞવલ્ક્યને કહ્યું : ‘આ સંપત્તિ મને શું અમરત્વ આપી શકશે ? તમે જ કહો. જે મને અમરત્વ ન આપી શકે, અમૃતત્વ ન આપી શકે એવી નાશવંત ચીજોને લઈને હું શું કરું ? મારે તો તમારી અધ્યાત્મ જ્ઞાનસંપત્તિ છે તે જોઈએ છે !’ મૈત્રેયીનો વિચાર જાણ્યા પછી કાત્યાયનીને આશ્રમ ગૌશાળા વગેરે સોંપી દઈ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી બંને ચાલી નીકળ્યાં.

આ અમરત્વ પામાવા માટે આપણે સૌ પ્રાર્થના કરી છીએ.

असतो मा सत गमय तमसो मा
ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय ।।
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.
તું હીણો હું છું તો તુજ દર્શનનાં દાન દઈ જા.

આ પ્રાર્થના આપણે કરીએ છીએ. અંધકારમાંથી પ્રકાશ તરફ, અસત્યમાંથી સત્ય તરફ લઈ જવા માટે આપણે પ્રભુને કહીએ છીએ પરંતુ જીવનમાં એ માટે કેટલો પુરુષાર્થ કે સાધના કરીએ છીએ ? આપણે તો જીવનની રેટ રેઈસમાં આંખ મીંચીને દોડતાં જ રહીએ છીએ. સતત તાણ, સ્પર્ધા હોંસાતોંસી અને ઈર્ષ્યામાંથી આપણે ઊંચા નથી આવી શકતાં. જીવન એમ ને એમ વીતી જાય છે. રોજ સવાર પડે છે અને મૃત્યુ એક દિવસ આપણા ભણી નજીક આવે છે. પ્રત્યેક ક્ષણે આપણે મૃત્યુની નજીક ને નજીક સરકતાં જઈએ છીએ. દિવસોના દિવસ કશુંય ઊર્ધ્વમૂલ એવું પામ્યા વગર પસાર થઈ જાય છે અને આપણે તો હતાં ત્યાં, ને ત્યાં ! એક કવિએ બહુ સુંદર કહ્યું છે :

વર્ષોને તો વહી જવાની ટેવ પડી
અમને તો બસ રહી જવાની ટેવ નડી….

આ ટેવ આપણી છે અને આ જ ટેવ આપણને નડે છે. જે કરવા જેવું છે તે ન કરવાની અને ન કરવાની ક્ષુલ્લક બાબતો કરવાની ટેવમાં જ આપણે શાહમૃગવૃત્તિ રાખી ક્યારેય મૃત્યુ આપણે માટે આવવાનું નથી એમ માની પડ્યા રહીએ છીએ. આપણને જીવન જીવતાં જ ન આવડે તો મૃત્યુ પામતાં – એને ઉલ્લાસથી સ્વીકારતાં કેમ આવડે ? આપણે ઘણુંબધું શીખવા-જાણવા પ્રયત્ન કરીએ છીએ. માણસ ગણિતના અઘરા દાખલા શીખે છે. પૃથ્વીથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા ગ્રહો, નક્ષત્રો અને તારાગણો વિષે એ જાણકારી મેળવે છે. અંતરિક્ષમાં માણસ ઉડ્ડયન કરે પણ સૌથી શીખવા જેવી અને શ્રેષ્ઠ કળા છે – વિદ્યા છે – તે જ આપણે શીખતાં નથી ! એ કળા તે જીવન જીવવાની કળા. જીવનને અમૃતત્વ તરફ લઈ જતી કળા. આત્માના અને સમગ્ર અસ્તિત્વના ઉત્સવ અને ઉજાસની કળા. આપણી આસપાસના કોલાહલ અને અશાંતિભર્યા જગતમાં શાંતિ અને પ્રેમનો પ્રદેશ રચવાની કળા. પોતાને પામવાની કળા. આપણે તો આજુબાજુના અનેક માણસોને મળવામાં એમની મુલાકાતનો સમય જાળવવામાં એટલાં બધાં વ્યસ્ત અને વ્યગ્ર રહીએ છીએ કે પોતાના માંહ્યલા સાથે થોડી પળો નિરાંતે બેસવાનો સમય જ ક્યાં રહે છે ? કદાચ સમય મળે પણ આપણે તો એમ કરતાં ડરીએ છીએ ! કદાચ આખી દુનિયાને છેતરવી સહેલી છે પણ પોતાની જાતને છેતરવી સહેલી નથી.

જીવન એ એક યાત્રા છે. એક કઠિન તપ અથવા સાધના છે. શ્રી અરવિંદે કહ્યું છે : જીવન એ યોગ છે. યોગ એટલે યુક્ત થવું, જોડાવું, મળવું, પહોંચવું, પામવું, અને જોડાવું એટલે કે સેતુ બનવું. સેતુ બે જુદાં જુદાં સ્થળોને જોડે છે અને એક કરે છે. એમની વચ્ચેનું અંતર દૂર કરે છે. સેતુ સમીપતા આણે છે, જ્યારે દીવાલનું કામ છે અંતરાય ઊભો કરવાનું, બંધ કરવાનું, જુદા કરવાનું, દૂર કરવાનું. આપણે દીવાલ નહિ પણ સેતુ બનવાનું છે. સેતુ રચવાનો છે. આપણે જો સેતુ બનીએ તો ભંગાણ નહિ પણ જોડાણ કરી શકીશું. અવરોધ નહિ પણ અવલંબન બની શકીશું. વિચ્છેદ નહિ પણ સંયોગ રચી શકીશું. ભાવસંક્રમણ પ્રત્યાયનો સેતુ ! ઘણીખરી સમસ્યાઓના મૂળમાં જ ભાવસંક્રમણનો અભાવ (Lack of communication) રહેલો હોય છે. પતિ-પત્ની વચ્ચે ખટરાગ-માતાપિતા અને સંતાનો વચ્ચે વિખવાદ-માલિક અને નોકર વચ્ચેનું ઘર્ષણ-એક દેશ અને બીજા દેશ વચ્ચેની તંગદિલી – આ બધાંના મૂળમાં ભાવસંક્રમણનો અભાવ રહેલો હોય છે. બે પેઢી વચ્ચેનું અંતર અને વૈમનસ્ય પણ આ અભાવને કારણે જ છે. આ પ્રત્યાયનની આડે આવે છે અદશ્ય પણ મજબૂત દીવાલ; અને તે દીવાલને આપણે તોડવાની હોય છે. આપણે જો પ્રત્યાયન ચાલુ રાખી શકીએ – સેતુ બની શકીએ તો આપણા બધા જ સંબંધોમાં એવા તાણાવાણા ગૂંથી શકીએ કે જે ધીમેધીમે વર્ષો જતાં વધુ ને વધુ દઢ અને સુસંવાદી બને. જીવનનું પોત ઘટ્ટ અને સુંદર બની રહે. એનાથી આપણા છેલ્લા શ્વાસ સુધી આપણું જીવન તાજગીભર્યું અને સમૃદ્ધ રહે.

પ્રશ્ન એ છે કે આવો સેતુ રચવો કઈ રીતે ? આવું સંવાદી સ્નેહપૂર્ણ જીવન કેવી રીતે નિર્માણ કરવું ? આ પાર્થિવ જીવનને સાર્થક, સુંદર, સમૃદ્ધ અને સાત્વિક કેવી રીતે બનાવવું ? આપણને તો જ્યાં ત્યાં દીવાલ બાંધતાં આવડે છે ! આપણે આપણી માલિકીની સરહદ નક્કી કરી દેવી છે. माम् અને मामका: નો જ વિચાર કરવો છે. દીવાલ બાંધી સુરક્ષિતતા અને સલામતી અનુભવવાં છે. આપણે દીવાલ બાંધીએ છીએ કે જેથી બહારથી કોઈ અંદર આવી ન શકે અને અંદરનું બહાર ન જઈ શકે. આપણે ભલાં ને આપણી દીવાલ ભલી !’ આજુબાજુના માણસોના સુખદુ:ખ જોડે આપણે શા માટે નિસ્બત રાખવી ? આપણે સલામત છીએ તે બસ. દુનિયા ભલેને જખ મારે. આવી આપણી વૃત્તિ છે. એટલે જ અગણિત માણસોની વચ્ચે વસવાટ કરવા છતાં માણસ આજે એકલો થઈ ગયો છે. એને પોતાની બિનસલામતી લાગે છે. એકલતા અને વિચ્છેદ એને ભીંસે છે. તો આ એકલતા, વિચ્છેદ અને ખાલીપો જે આજે માણસ અનુભવે છે તે દૂર કેવી રીતે થાય ? પ્રસન્ન આત્મા અને લીલીછમ ચેતના કેવી રીતે પામી શકીએ ? આપણી ચેતનાનો વિસ્તાર કેવી રીતે સાધવો ?

લીઓ બસકાગ્લીઆ મારો માનીતો લેખક છે. એનું એક સુંદર પુસ્તક છે, ‘Loving each other, the challenge of Human Relationship’ એમાં આવતો reaching out શબ્દ મને ખૂબ જ અર્થસભર લાગે છે. How to live with people ! માણસો સાથે કેવી રીતે જીવવું ? સંબંધોને કેવી રીતે અજવાળવા ? પોતાના નાનકડા સંકુચિત ‘સ્વ’માંથી બહાર નીકળી ‘સર્વ’ તરફ કઈ રીતે પ્રયાણ કરવું ? અને તે એટલે સુધી કે કોઈ આપણને પરાયું ન લાગે. બધાં જ પોતીકાં લાગે. દેશ, ભાષા, ધર્મ, જાતિ કે રાષ્ટ્રીયતાનો કોઈ ભેદ ન લાગે. Sense of otherness જતી રહે. બધામાં એક જ પરમતત્વને વિલસતું જોઈ શકીએ એવી આત્મદષ્ટિ કેળવવી એ જ પરમપુરુષાર્થ છે. મૈત્રેયી જેને પરમજ્ઞાનની આત્મતત્વની સંપત્તિ કહે છે, તે તો સેતુ બનવાને માર્ગે જ લાઘી શકીએ. આ સેતુ બનવામાં તમે તમારું આત્મિકપણું પામો છો. એ સેતુ કયો ? તો સર્વ માટેના આત્મીયભાવનું આત્મિકપણું…. ધર્મરાજ યુધિષ્ઠિર માટે વિશેષણ વપરાયું છે ‘અજાતશત્રુ’. જેનો કોઈ શત્રુ નથી તે ! અથવા તો જેને મન બધા જ મિત્રો છે તે. અમેરિકાની ખ્યાતનામ વ્યક્તિ વીલ રોજર્સ. એણે એક વખત કહ્યું હતું : ‘I never met a man I did not like !’ અને વીલ રોજર્સના આ કથનની પૂર્તિ તરીકે એમ કહેવાય છે કે કોઈ એવો માણસ નહિ હોય કે જેને વીલ રોજર્સ ગમ્યા ન હોય ! જીવનના તમામ ક્ષેત્રે અને માનવીની બધી જ ભૂમિકાઓની સફળતાનું રહસ્ય કદાચ આ જ હશે. દાંપત્યજીવનથી માંડી વેપાર ધંધા અને સઘળા માનવસંબંધોની સફળતાનો આધાર માણસ ધીરજપૂર્વક, આવેગથી ઊછળીને નહિ પણ સામાનું દષ્ટિબિંદુ સમજીને વિચારીને વર્તવાનો પ્રયત્ન કરે તેના પર છે. એને આપણે મેળ ઊભો કરવાની શક્તિ કહીશું ? The ability to get along people ? If you can reach out to the people and let people reach you…. તો જીવનના ઘણા સંઘર્ષો ટળી જશે. જીવનમાં કટુતા, વેરઝેર અને ઈર્ષ્યાને બદલે મધુરતા અને સંવાદિતા નિર્માણ થશે.

પણ પ્રશ્ન એ છે, આ કરવું કેવી રીતે ? એ માટે આપણે શું કરવું પડે ? એ માટે તો હૈયાને બંધ રાખતાં-ભીડી રાખતાં કમાડ ખુલ્લાં કરવાં પડે. પ્રેમના પ્રકાશને અંદર આવવા દેવો પડે. તમારા હાથ બંધ રાખો તો કશું જ મળતું નથી. As the old saying goes, a closed hand can’t receive ! એવું જ આપણા મનનું અને દિલનું છે. કોઈ માણસના અંતર સુધી પહોંચવું, એનો હૃદયસ્પર્શ કરવો, એનાં પ્રેમ, નિષ્ઠા અને વફાદારી મેળવવાં એ અઘરું કામ છે. એમ જ કહોને ભગીરથ કાર્ય છે, એ પામવું હોય તો અન્ય માટેનું ઔદાસીન્ય ઓગાળવું પડે. પરંતુ આપને તો મોટે ભાગે ઔદાસીન્યનું બખ્તર સજી ફરતા હોઈએ છીએ ! એક વખત આ બખ્તરને ફેંકી દો. નાનકડું સ્મિત લહેરાવો. તમને કદાચ પ્રતિસાદ નહિ પણ મળે તો પણ પ્રયત્ન ચાલુ રાખી થોડાક શબ્દો બોલો. માણસ માણસ વચ્ચેની આ મૌનની દીવાલ તોડો. એ દીવાલની ઈંટને થોડાક શબ્દોથી, સ્મિતથી ભેદો. પ્રતિસાદ જરૂર મળશે અને પછી તો ઉભય પક્ષે એ સુખદ અનુભવ બની રહેશે. મહાત્મા ગાંધીજીનો વ્યવહાર બધાં સાથે આત્મીયભાવનો હતો. આ જ આત્મિકપણું છે.

હવે આપણે ખૂબ શિષ્ટાચારી થઈ ગયાં છીએ. ‘એટીકેટ’ પ્રમાણે પરિચય કોઈ કરાવે નહિ કે સામું કોઈ બોલવા ન આવે ત્યાં સુધી આપણે મોં નથી ખોલતાં. સુધરેલા ભણેલા લોકો કહે છે કે અમે ન્યાતજાતમાં માનતા નથી. અમારી કઈ જ્ઞાતિ છે તે પણ ખબર નથી. પરંતુ આ જે લોકો કહે છે તે કદાચ જ્ઞાતિ કે ન્યાત માટે સભાન ન હોય પણ આ જ લોકો, મને કહેવા દો કે, ખૂબ જ ‘કલાસ કોન્સિયસ’ હોય છે. પોતાના જ આર્થિક, સામાજિક કે શૈક્ષણિક સ્તરના કે પછી મોટે ભાગે તો પોતાનાથી ઉપલા સ્તરના માણસો સાથે જ સંબંધ બાંધવા તૈયાર રહેતા હોય છે. બાળકની વર્ષગાંઠ હોય, એના મિત્રોને બોલાવવા હોય તો પણ બાળકને કોણ ખાસ ગમે છે, તેને નહિ પણ પોતાના સમકક્ષ અથવા ઉપલા દરજ્જાનાં (Status level) માતાપિતાનાં બાળકોને જ બોલાવવાનાં ! બાળકને ઘરના માળીના છોકરા સાથે દોસ્તી હોય, એની સાથે રમવું એને ખૂબ ગમતું હોય તો પણ એને બોલાવવાનો નહિ ! આ પણ માણસ માણસ વચ્ચેની દીવાલ જ થઈ ને ? લગ્નવિવાહ કે સામાજિક સમારંભમાં આમંત્રણ આપવા માટેનાં વણલખ્યા નિયમો હોય છે. તમારાથી નીચલા સ્તરના સમૂહમાં તો ભળાય જ નહિ ! તમે જો બધા આવાં વળગણો દૂર કરી ભળવા જાઓ તો તમારા વર્ગના લોકો તમને સ્વીકારશે નહિ. હરિજનવાસમાં ભજન કરવાની હિંમત તો નરસિંહ મહેતા જ કરી શકે ! આવાં વર્તુળો ઊભાં કરી આપણે આપણું સામાજિક જીવન સંકુચિત કરીએ છીએ પણ તમે જેટલા જુદા જુદા અને ભિન્ન ભિન્ન વર્ગના માણસોને મળો – એમને જાણો – એટલું તમારું જીવન અને તમારો ભાવકોષ વધુ સમૃદ્ધ થશે. ચેતોવિસ્તાર વધશે. જેટલી કૃત્રિમ દીવાલો તોડતા જઈશું એટલી એકતાની એકાકારતા કેળવીશું. વ્યાપક મનુષ્યજાતિ અને મનુષ્યસંબંધો દ્વારા પ્રસરતા જઈએ. એ જ રીતે પ્રભુને પામી શકાય. ચૈત વિસ્તરીને અનંત ચેતનાને આપણી ચેતના પામી શકે.

આ સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવે છે. હેરી લાઈડર જાણીતો સ્કોટીશ ગાયક અને હાસ્યકાર. એનો કાર્યક્રમ હતો. સભાગૃહ ચિક્કાર ભરેલો. મધ્યાન્તર પહેલાં એણે પ્રેક્ષકોને ટોણો માર્યો : ‘અરે, તમે તો એકબીજાની લગોલગ બે કલાકથી બેઠાં છો છતાં તમારી બાજુમાં બેઠેલા સાથે જરાય વાત નથી કરતાં ? આ તે કેવું ?’ અને માનશો ? પછી તો હેરી લાઉડરના કહેવાનો ભાવાર્થ લોકો સમજ્યા અને બહુ જ થોડા માણસો એ હૉલમાં હશે જેમણે એકાદ શબ્દ કે સ્મિત પણ પાસે બેઠેલી અજાણ વ્યક્તિને ન આપ્યું હોય ! કેટલીય વાર તો આવા અજાણતાં-એકાએક કે આકસ્મિક પરિચયોમાંથી એકાદ સરસ મિત્ર મળી જાય એવું બને. પરંતુ આપણે તો તાડ જેવા અક્કડ રહીએ છીએ. Too proud to bend ! નમે તે સૌને ગમે. નમે એ પ્રભુને ગમે… આપણે આપણો અહં અને સ્ટેટસ ભૂલી જઈએ તો સંબંધોનું વૃંદાવન માણવા મળે. દર રવિવારે સવારે અમારા મકાનની સોસાયટીએ રાખેલા ઈલેક્ટ્રીશ્યન અને પ્લંબર આવે. કામ હોય તો પૂછી જાય. પ્લંબરનું નામ છે યુસુફ. એ ઉત્તર પ્રદેશનો મુસ્લિમ છે. એની પ્લંબરની દુકાન છે. એ માણસ બહુ ભણેલો નથી પણ શાયરીનો ગજબ શોખીન છે. એક દિવસ થોડી વાત નીકળતાં એણે ગાલિબનો શેર ટાંક્યો. હું એને સાંભળીને ચકિત જ થઈ ગઈ ! અને પછી તો અમારે ઘેર મકાનમાં સૌથી છેલ્લો આવે. પંદર-વીસ મિનિટ બેસે. ગઝલો સંભળાવે અને ચા પીને જાય. કુરાનની એ વાતો કરે. એનું નવું જ સ્વરૂપ મને જોવા મળ્યું છે. હવે એ મારે માટે માત્ર નળ અને ફ્લશ રીપેર કરનાર પ્લંબર નથી રહ્યો પણ જેની સોબત ગમે તેવો એક સરસ સંવેદનશીલ માણસ બની ગયો છે ! પણ એ માટે માણસને એક માણસ તરીકે જ પહેચાનવો રહ્યો – બધાં સામાજિક, આર્થિક વળગણોને દૂર કરીને….

આપણા સંબંધોના તારને જેટલા સુંદર અને કલાત્મક રીતે ગૂંથી શકીએ એટલો આપણી જિંદગીનો શમિયાણો રમણીય બનવાનો. જીવનમાં દુ:ખ અને મુશ્કેલીઓ તો આવવાની; પરંતુ, આપણે જો સંબંધોનું સારું બિયારણ વાવ્યું હશે તો અને એ લીલાંછમ હશે તો મુશ્કેલીના વખતમાં આપણે ઘણું બળ મળશે. પરંતુ જીવનના મહત્વના સંબંધો વકર્યા તો ખલાસ ! ગમે તેટલી સંપત્તિ, સત્તા કે પ્રતિષ્ઠા હશે તો પણ મનને શાંતિ નહિ મળે. માતાપિતા, ભાઈબહેન, મિત્રો કે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે ઘણાં કહેતાં હોય છે : ‘બધી નસીબની વાત છે. લેણાદેણી નહિ. બીજું શું ?’ આમાં કદાચ થોડું સત્ય હશે પણ મહદઅંશે તો એમાં આપણો દોષ હોય છે. આપણે ‘કોમ્પ્યુનિકેશન ગેપ’ ઊભો કરી સંબંધ આડે દીવાલ ઊભી કરતા હોઈએ છીએ.

દાંપત્યસુખ એ જીવનનું સૌથી મોટું સુખ છે. પતિપત્ની વચ્ચે મનમેળ રહે, પ્રેમપૂર્ણ ઐક્ય સર્જાય અને બંને એકબીજાના ‘દ્વિતિયં હૃદયં’ બને એવી સૌની ઈચ્છા હોય છે પણ ઘણીયે વાર આ સંબંધ વણસી જાય છે. બંને હૈયા એકબીજામાં ઓતપ્રોત થઈ જવાં જોઈએ તેને બદલે બેની વચ્ચે એક દીવાલ ઊભી થતી જાય છે. બંને અત્યંત દુ:ખ અનુભવે છે. આવાં પતિ-પત્ની, જેમની વચ્ચે કોમ્પ્યુનિકેશનના રેશમી મુલાયમ તાર તૂટી ગયા છે અને જુદાઈના થોર ઊગ્યા છે એમની વ્યથાનું ખૂબ જ હૃદયસ્પર્શી નિરુપણ એક અજ્ઞાત કવિની રચનામાં મેં અનુભવ્યું. એ કાવ્યનું શીર્ષક છે : ‘A bridge Instead of Wall’ – ‘દીવાલને બદલે સેતુ.’ પતિપત્ની પોતાના જીવનમાં ધીમે ધીમે એવી એક મજબૂત દીવાલ ઊભી કરતાં જાય છે કે એ દીવાલને લીધે તેઓ એકબીજા સાથે સરળતાથી વાતચીત નથી કરી શકતા ! આ દીવાલની આડે તેઓ એકબીજાને જોવા છતાં જોઈ શકતાં નથી ! એમની વચ્ચેની આ દીવાલથી તેઓ ડરે છે, ગૂંગળાય છે, પણ બેમાંથી ફક્ત એકથી એ દીવાલના ભારે બોજાને દૂર હટાવી શકાતો નથી. બંનેને થાય છે આવી દીવાલ ઊભી ના થઈ હોત તો કેટલું સારું થાત ! કવિ કહે છે આવી પ્રત્યેક દીવાલને પોતાનું કંઈક રહસ્ય કહેવાનું હોય છે. આવી અદશ્ય દીવાલ પ્રત્યેક દંપતીને શીખવે છે અને કહે છે :
So let us buid with master art, my dear
A bridge of faith between your life and mine
A bridge of tenderness and very near
A bridge of understanding, strong and fine.
Till we have formed so many lovely ties
There never will be a room for walls to rise !

જ્યારે પતિપત્ની વચ્ચે કોમ્પ્યુનિકેશન – પ્રત્યાયન જતું રહે છે ત્યારે એમનો સહવાસ રહે છે પણ સહજીવન હોતું નથી ! એક જ ઘરમાં એક જ શયનખંડમાં હોવા છતાં બંનેનાં દિલ વચ્ચે જોજનોનું અંતર પડી ગયું હોય છે ! એવા તો ઘણા સંબંધો હોય છે જે તૂટી નથી ગયા માટે જળવાઈ રહેલા ગણાય છે ! આવા સંબંધને પણ લોકો કેવળ ટેવને કારણે સંબંધ કહે છે. એક એવાં પતિપત્નીની મને જાણ છે જેઓ અઢાર વર્ષ સુધી સાથે રહેવા છતાં એકબીજા સાથે બોલ્યાં ન હતાં ! પતિપત્ની વચ્ચે જુદાઈથી દીવાલ ઊભી થાય નહિ પણ બંનેના હૃદયને જોઈતો મજબૂત સ્નેહસેતુ સર્જાય તે માટે શું કરવું જોઈએ ? એ માટે સવારે થયેલો ઝઘડો રાત્રે ઊંઘતાં પહેલાં પૂરો થઈ જવો જોઈએ. ઊંઘતાં પહેલાં બધા જ વ્યગ્ર કરે તેવા વિચારો, બધી જ ગેરસમજણ અને ક્ષુલ્લક વાતોને વિસારી દેવી જોઈએ. કોનો વાંક છે, કોણ દોષિત છે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણે પરિસ્થિતિને કેવી રીતે થાળે પાડીએ છીએ. આપણે એકબીજાને સેવા, સ્નેહ અને સુખ આપીને જ શાંત સંતુષ્ટ ઘર બનાવી શકીશું. આ ઘર એવું હશે જેમાં પતિપત્ની અને બાળકો જીવનનો આનંદથી, નીડરતાથી અને વિજયપૂર્વક સામનો કરશે. પ્રભુ ! એ માટે તારી કૃપા અમારા પર વરસો.

આવા સુખી સંસારના નિર્માણમાં આડે આવે છે પતિ અને પત્નીનો અહંકાર. બંનેના અહં ટકરાય છે. નાની વાતો ઘણી વખત ‘પ્રેસ્ટીજ’નો મુદ્દો બને છે, અને ધીમે ધીમે બંને વચ્ચે દીવાલ ઊભી થતી જાય છે. પતિપત્નીના સંબંધમાં સ્નેહ હોય પણ સાહચર્ય અને મૈત્રી ન હોય તો એ સંબંધમાં ઊણપ રહી જાય છે. આપણે મિત્રને અંતરની વાત કહી શકીએ છીએ. એની આગળ મનને-આપણી જાતને અનાવૃત કરી શકીએ છીએ. એ મિત્રની ક્ષતિઓ અને નબળાઈને પ્રેમથી સહન કરી લઈએ છીએ. મિત્ર ભૂલ બતાવે કે ટીકા કરે તો સાંભળી લઈએ છીએ પણ પતિ કે પત્નીની ટીકા અથવા તો એમના સ્વભાવની કોઈક ખરબચડી બાજુ આપણને કઠે છે. એ આપણે ચલાવી નથી શકતા. પતિ અને પત્નીનો સંબંધ ગાઢ મૈત્રીમાં પરિણમવો જોઈએ. એમાં એકબીજા પ્રત્યે વિવેક, સભ્યતા અને લાગણીની કદર હોવી જોઈએ. ક્યારેક પણ મન ઊંચા થાય – મતભેદ અને મનભેદ ઊભા થાય તો એનો તરત નીવેડો લાવી એને ખંખેરી નાંખો. પાછાં હતાં તેવાં થઈ જાવ. સપ્તપદીની પ્રતિજ્ઞા એક વખત ઉચ્ચારીને ભૂલી નથી જવાની. એ તો સતત ‘રીન્યુ’ કરવાની હોય છે, આત્મસાત કરવાની હોય છે. કોઈકને પ્રશ્ન પુછાયો – ‘એક જુવાન છોકરો અને એક છોકરી છે. બંનેએ હાથ પકડ્યા છે. એમનું હૃદય સ્વચ્છ અને પવિત્ર છે અને તેઓ લગ્ન કરે છે. આનાથી વધુ સુંદર દશ્ય જગતમાં બીજું કોઈ હશે ખરું ?’
જવાબ મળે છે : ‘હા, આનાથી પણ બીજું એક વધુ સુંદર દશ્ય હોય છે. તે દશ્ય છે વૃદ્ધ દંપતીનું. એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી. બંનેની દામ્પત્યયાત્રા પૂર્ણ થવા આવી છે. એમના હાથમાં તાકાત નથી પણ એ હાથ પકડેલા છે. એમના ચહેરા પર કરચલી છે છતાં તેજ છે. એમનાં તન-મન થાકી ગયાં છે અને તેઓ ઢીલાં અને નરમ પડી ગયાં છે પરંતુ આ વૃદ્ધ દંપતીએ લગ્નનું સુખ કયું અને કેવું છે તે સાબિત કરી આપ્યું છે. એમના મનમાં એક જ ઈચ્છા છે કે મૃત્યુ એમને બંનેને લાંબો સમય અળગાં ન રાખે ! જન્મોજન્મનો સાથ અને વિયોગ નહિ !’આદર્શ દામ્પત્યજીવન કેવું હોઈ શકે ? ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ એનું વર્ણન કરતાં કહ્યું છે :

જે અદ્વૈત સુખે દુ:ખેય સરખું, સર્વ અવસ્થામહીં
વિસામો ઉરનો શકે નવ હરી, વૃદ્ધત્વ જેનો રસ
ને સૌ આવરણો સર્યે કદી, થતું જે સ્નેહસારે સ્થિર
સદભાગી જનને કવમેવ વિરલું કલ્યાણ તે લાધતું.

આવું મંગલમય દામ્પત્ય તો વિરલાને જ સાંપડે ! એ માટે સતત કોમ્પ્યુનિકેશન બંનેનાં હૃદય વચ્ચે જોઈએ ! પ્રેમનો મજબૂત સેતુ બેના હૈયાને જોડતો રહે છે ત્યાં સુધી દીવાલ ઊભી થતી નથી. સેતુબંધ બાંધ્યા વગર લંકા પર વિજય કેવી રીતે મળે ? દામ્પત્ય સંબંધ ઉપર મેં ખાસ ભાર મૂક્યો છે; કારણ કે, દામ્પત્ય સંબંધ બધા સંબંધોનો કુલ સરવાળો છે – Sum total છે. દામ્પત્ય સંબંધ એક કેન્દ્રસ્થ બીજ છે કે જેની નક્કરતા અને ફળદ્રુપતા અન્ય સંબંધોને તેવા બનાવી શકે છે.

પતિપત્નીના સંબંધો ઉપર તેમના બાળકોના સંસ્કાર અને જીવનઘડતરનો કેટલો બધો આધાર રહે છે ! માતાપિતા બનવું એ બહુ મોટો લહાવો છે અને કદાચ તેથી જ એમાં બહુ મોટી જવાબદારી રહેલી છે. આપણામાં કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. માબાપમાં સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સમજણ ન હોય તો તેઓ એમનાં બાળકોને શું આપી શકવાનાં છે ? એમના જ જીવનમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત થયેલાં નહિ હોય તો સંતાનોમાં કેવી રીતે આવી શકે ? સંતાનોને માબાપ પૈસા આપે છે, મોંઘી ચીજવસ્તુઓ અપાવે છે, એમને માટે જાતજાતનાં રમકડાંનો ઢગલો કરે છે, ચોકલેટનાં પેકેટ્સ આપે છે, મોંઘી શાળા કૉલેજોમાં ભણવા મોકલે છે અને પોતાનું કર્તવ્ય પૂરું થયેલું માને છે. બાળકને સૌથી વધારે જરૂર છે માબાપના પ્રેમની, કુટુંબની સલામતીની. બાળકની જે મૂળભૂત જરૂરિયાત છે તે પુષ્કળ સ્નેહ અને સમય કેટલાં માબાપ આપે છે ? પોતાનાં બાળકો સાથે રમવાનો, વાતો કરવાનો, ફરવાનો માબાપને સમય નથી મળતો. તેઓ સતત સ્પર્ધામાં રેટ રેઈસ’માં મચ્યાં રહે છે. પિતા પૈસા કમાવામાં વ્યસ્ત હોય છે. મા કદાચ ઘરકામમાં-નોકરીમાં અને નહિ તો કિટ્ટી પાર્ટીઓમાં વ્યસ્ત હોય છે. પોતાનાં સંતાનો કોની સાથે હરેફરે છે, શું કરે છે, એના ક્યા મિત્રો છે અને તેઓ કયાં પુસ્તકો વાંચે છે એ જાણવાની માબાપને જરૂર નથી લાગતી. પરિણામે માબાપ અને સંતાનો વચ્ચે દીવાલ ઊભી થાય છે. આપણે શિષ્ટ ભાષામાં એને ‘જનરેશન ગેપ’ – બે પેઢી વચ્ચેનું અંતર કહીએ છીએ ! માબાપને થાય છે છોકરાંઓ સ્વચ્છંદી થઈ ગયાં છે. એમનું વર્તન આઘાતજનક છે. સંતાનોને થાય છે, માબાપ અમારા વિચારોને-ભાવનાઓને સમજતાં નથી. તેઓ જુનવાણી છે, અને અમારી સ્વતંત્રતાને આડે આવે છે. માબાપ અને સંતાનો ખાસ કરીને કિશોર-કિશોરીઓ એક ઘરમાં રહે છતાં ભાગ્યે જ એમની વચ્ચે સંવાદ સધાતો હોય છે.

ઘણાં નવા પૈસાદાર થયેલાં ‘નીઓ રીચ’ મા-બાપ કહેતાં હોય છે : ‘અમે વેઠી તેવી મુશ્કેલીઓ અમારાં બાળકોને ન પડે એવું અમે ઈચ્છીએ છીએ.’ આવાં માતાપિતા બાળકોને સુવર્ણતાસકમાં બધું આપી દઈને એમની મથામણ જે જીવનઘડતર માટે જરૂરી છે તે છીનવી લે છે ! તો ઘણાં માબાપ જમાનાને દોષ દઈ છૂટી જવા માંગતાં હોય છે ! ‘સિનેમા, વીડીયો, ટીવી, વિદેશી સામયિકોની અસર યુવાન માનસ પર પડવાની. એમાં માબાપ શું કરે ?’ એમ ઘણાં માબાપ કહેતાં હોય છે. પરંતુ આજનો સમય ગમે તેટલો વિચિત્ર હોય પણ આપણી જવાબદારીમાંથી આપણે છટકી શકીએ નહિ. નવી પેઢીને ઉપદેશ કે સલાહ નથી જોઈતાં. એમને તો નક્કર આચરણનું જીવંત ઉદાહરણ જોઈએ છે. સંતાનોને ઉચ્ચ ધ્યેય આપવામાં – એમને roots અને Wings – મૂળ અને પાંખ – આપવામાં આપણે મહદઅંશે નિષ્ફળ નીવડ્યાં છીએ, એટલે જ તો આજે યુવા પેઢીમાં આટલી અશિસ્ત અને અશાંતિ જોવા મળે છે. સંતાનો સાથે જેઓ સ્નેહનો સેતુ નથી સર્જી શકતાં અને સતત ભાવસંક્રમણનો દોર Line of Communication – જાળવી નથી શકતાં એમને પોતાના ઘડપણમાં ચક્રવર્તી વ્યાજ સાથે એ ભૂલનાં ફળ ભોગવવાં પડે છે. સમજણ અને સ્નેહનો સેતુ રચી શકીશું તો અફસોસ વગર વૃદ્ધાવસ્થાને આવકારી શકીશું. કુટુંબમાં અળખામણા નહિ બનીએ પણ એક વડીલ તરીકે માનભર્યું સ્નેહભર્યું સ્થાન આપોઆપ નિર્માણ કરી શકીશું.

જેવી રીતે વૃદ્ધાવસ્થામાં આરોગ્ય સચવાઈ રહે તે માટે આપણે કેટલીક શારીરિક સાવધાનીઓ રાખીશું, માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જીવનની સાચી સમજ કેળવીશું, તેવી જ રીતે અધ્યાત્મસાધના માટે ‘હું’ આ દેહ નથી, આત્મા છું, પરમતત્વનો અંશ છું એમ દેહથી ઉપર ઊઠવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પરમતત્વમાંથી વિખૂટું પડેલું ઈશ્વરી તત્વ મારી અંદર પડેલું છે એ પરમતત્વ સાથે મારે હવે અનુસંધાન કરવાનું છે. પરમતત્વ સાથે સાયુજ્ય માટે સાધના કરવાની છે. અત્યાર સુધી દેહસ્થ હતાં, હવે આત્મસ્થ બનીએ. માનવજીવનનો એકમાત્ર ઉદ્દેશ છે ‘આત્મસાક્ષાત્કાર’. આ આત્મસાક્ષાત્કાર એટલે શું ? કામ ક્રોધ ઈત્યાદિ વિકારોથી મુક્ત એવું આપણું જે મૂળ આત્મસ્વરૂપ છે તેમાં સ્થિર થવું તે. આપણે કહીએ છીએ કે નસીબ આડે પાંદડું ખસી જાય તો બસ ! આપણી ચેતના અને પરમ ચેતનાના સાયુજ્ય આડે પણ પાંદડું આવતું હોય છે. જૈનધર્મમાં એને અંતરાયકર્મ કહે છે. ચેતનાની આડે જે અંતરાય આવે છે તે મનુષ્યનો અહં છે. આ અહં જ માનવ માનવના સંબંધની આડે આવે છે. જીવ અને શિવના અનુસંધાનમાં પણ અહં જ આડે આવે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે દીવાલ અહંકાર ઊભી કરે છે. આ અહં ઓગળે – મારાપણું જતું રહે પછી બધે જ પરમચેતનાની ઝાંખી થવાની ! જીવમાત્રમાં – માત્ર મનુષ્યમાં જ નહિ પણ પશુપક્ષી – જીવજંતુ અને પ્રકૃતિ બધાંમાં જ પરમાત્માનું દર્શન થવાનું. સંપૂર્ણ શરણાગતિ વગર અહં ઓગળે નહિ.

ઉમાશંકર જોશી ભગવાનને વામન થઈને હૈયાને ઘાટે આવવા માટે પ્રાર્થે છે. ‘તારા ત્રણ પગલે પ્રભુ મારા હૈયાનાં રાગ, દ્વેષ અને તૃષ્ણાને હણી લે ! મારે તો બલિરાજા થવું છે. ચોથે પગલે તારું વિરાટ સ્વરૂપ ભલે તું લે !’ કવિ નિરંજન ભગતનું કાવ્ય ‘હાથ મેળવીએ’ સહજમૈત્રીની-સંબંધની-વાત કેવી મધુરતાથી વ્યક્ત કરે છે :

લાવો તમારો હાથ મેળવીએ
(કહું છું હાથ લંબાવી)
કહો શું મેળવી લેવું હશે મારે ?
તમારા હાથમાં તો કેટલુંયે ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ….
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો –
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ….
લાવો તમારો હાથ, મેળવીએ !

પરમકૃપાળુ પરમેશ્વર આ વેરઝેરભર્યા જગતમાં પ્રેમનો સેતુ રચવાની શક્તિ આપે અને જડતાની દીવાલને નષ્ટ કરે એવી પ્રાર્થના હોજો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન – તંત્રી
ઓથ – ઉર્વી પ્રબોધ હરિયાણી Next »   

19 પ્રતિભાવો : દીવાલ નહિ પણ સેતુ – જયવતી કાજી

 1. Rekha Sindhal says:

  પોષક લેખ ! આભાર !

 2. nimisha sheth says:

  Excellent article by Jayvati Kajee. Thanks a lot and keep continue with such kind of articles. Very Very motivational artilcle on balancing life and also balancing with partners. Thanks a lot to Mrugeshbhai also.

 3. Urmila says:

  Jayvati Kajee – Thankyou so much for writing this article – it is an eye opener in this ‘stressful era’ of human minds – world is changing and with that change comes the advantages n disadvantages of the ‘change’ – this article explains that basic need of the human being is love n understanding between the two – no mater how they are related- whether they are emplyees/couples/son n father/daughter n mother/daughter in law or mother in law – if you accept them with open mind and accept them with love – they will reciprocate – communiction is very important in life – subse unchi ‘premsagai’

 4. કલ્પેશ says:

  છેલ્લા ૨ દિવસમા જે લેખ આવ્યા છે, એને સાચવી રાખવા જેવા છે.

 5. Geetika parikh dasgupta says:

  ચલો હાથ મેળવીએ….. ઃ)

 6. pragnaju says:

  ખૂબ સુંદર લેખ
  યાદ આવી પંક્તીઓ
  અગન છે દિલોમાં,
  દિલોને મિલાવો …
  ફક્ત બે-ચાર ટુકડા થયા છે
  થોડી દવા માંગે છે

 7. જયવતીજીના બધા લેખોને સાચવી રાખીને બને તો અઠવાડીયે, નહિ તો પંદર દિવસે અને છેવટે મહિને એક વાર તો વાંચી જ જવા જોઈએ તેમ લાગે છે. જો ગાડી આડે પાટે ચડી ગઈ હશે તો ફરી પાછી મુળ પાટે આવી જશે તેવું ખાત્રીપૂર્વક કહી શકાય. જયવતીબહેનનો ખુબ ખુબ આભાર આ પ્રકારના ચિંતનાત્મક લેખો લખવા બદલ.

  મૃગેશભાઈનો આભાર તો દરેક વખતે સમજી જ લેવાનો.

 8. ‘હાથ મેળવીએ’ ની બાકી રહેલી એક કડી માણવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરો.
  http://layastaro.com/?p=569

 9. Hiral Thaker "Vasantiful" says:

  ખરેખર લેખક સાથે એક અદ્રશ્ય સેતુ રચાઇ જાય તેવો નિબંધ.

  “તે દશ્ય છે વૃદ્ધ દંપતીનું. એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી. બંનેની દામ્પત્યયાત્રા પૂર્ણ થવા આવી છે. એમના હાથમાં તાકાત નથી પણ એ હાથ પકડેલા છે. એમના ચહેરા પર કરચલી છે છતાં તેજ છે. એમનાં તન-મન થાકી ગયાં છે અને તેઓ ઢીલાં અને નરમ પડી ગયાં છે પરંતુ આ વૃદ્ધ દંપતીએ લગ્નનું સુખ કયું અને કેવું છે તે સાબિત કરી આપ્યું છે. એમના મનમાં એક જ ઈચ્છા છે કે મૃત્યુ એમને બંનેને લાંબો સમય અળગાં ન રાખે ! જન્મોજન્મનો સાથ અને વિયોગ નહિ !’આદર્શ દામ્પત્યજીવન કેવું હોઈ શકે ?”

 10. sujata says:

  દે વ દિ વા ળી ની ગિફ્ટ મ ળી ગ ઈ…..

  મૃગેશભાઈનો આભાર !!!!!!!!!!

 11. nayan panchal says:

  જયવતીજીનો લેખ હોય એટલે કશુ કહેવા જેવુ જ નથી.

  હું તો જયવતીજીનુ નામ વાંચુ એટલે પહેલા પ્રિન્ટ આઉટ કાઢી લઉં છુ, લેખ પછી વાંચુ છું.

  આભાર.

  નયન

 12. mukul says:

  ખુબજ વિચારપ્રેરક – ચિન્તન – મનન કરવા યોગ્ય નિબન્ધ. જયવતી જી ને ખૂબ શુભકામના સહ્… મ્રુગેશભાઈ ને પણ અભિનન્દન્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.