ઓથ – ઉર્વી પ્રબોધ હરિયાણી
[‘જનકલ્યાણ-2005’ માંથી સાભાર. રીડગુજરાતીને આ વાર્તા પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ ઉર્વીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : urvi.dhru_hariyani@yahoo.com ]
આજે સ્નેહાબેન ખૂબ જ આનંદિત હતાં. ઉત્સુકતાથી આનંદભર્યા ચહેરે ધીમું ધીમું ગીત ગણગણતા આયનામાં જોઈ પોતાની જાતને સજાવી રહ્યાં. ગૌરવર્ણ-મોટી કાળી આંખો અને હજુ પણ ચમક જાળવી રાખેલ તેમની કરચલીહીન ત્વચા તેમની સાચી ઉંમરનો અંદાજ આવવા ન દેતી. છતાંય આશરે પિસ્તાલીસ વર્ષ તો તેમના પુત્ર સમયની 25 વર્ષની ઉંમર જોતાં મૂકવા જ પડે તેમ હતું. સારી બેંકમાં એક અધિકારી તરીકે ફરજ બજાવતાં સ્નેહાબેનનું તેમના સ્નેહીવર્તુળમાં એક દબદબા સાથે સન્માનભર્યું સ્થાન હતું. આજથી તેઓ એક અઠવાડિયાની રજા પર હતાં.
ભલા કારણ….? કારણ એ કે તેમનો પુત્ર ‘સમય’ અર્થાત ‘સમય કેવલ મહેતા’ અમેરિકાથી આવતી કાલે આવી રહ્યો હતો. 25 વર્ષીય તેમનો યુવાન-સોહામણો-ચહેરામાં તેમની જ પ્રતિકૃતિ ધરાવનાર તેમનો એકમાત્ર પુત્ર સમય આવી રહ્યો હતો. એન્જિનિયરીંગના અભ્યાસ બાદ તુર્ત જ રવાના થયેલા સમયના અમેરિકા વસવાટને બહુ વખત થયો ન હતો. એવો એમનો સમય ફરી ઈન્ડિયામાં જ વસવાની પૂરી તૈયારી સાથે આવી રહ્યો હતો.
કેવલ મહેતા ! તેમની પોતાની ટેક્ષ કન્સલ્ટન્સી ફર્મ હતી. ચાર્ટડ-એકાઉન્ટન્ટ કેવલ મહેતાની ધીખતી પ્રેક્ટીસ હતી. તેઓને સ્નેહા જેવી પ્રતિભા સંપન્ન-સુંદર-મળતાવડી પત્ની પામવા બદલ ગૌરવ હતું તો સામા પક્ષે સ્નેહા પણ તેમના ગુણો અને સ્વભાવથી જીતાઈ ગયેલી હતી. પુત્ર સમય આવા માતા-પિતા પામવા બદલ પોતાની જાતને સદભાગી ગણતો. સમયમાં કેવલ મહેતાના ગુણો-સ્વભાવ અને સ્નેહાની પ્રતિભા-સુંદરતાનો સુમેળ થયો હતો. તે સારી રીતે સમજતો હતો કે તે તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર છે તેથી તેમનાં સ્નેહ-વાત્સલ્ય અને સંપત્તિનો એક માત્ર હકદાર હોવાની સાથે સાથે માતા-પિતાને વિશેષપણે સમજવાની-જાળવવાની તેની જવાબદારી પણ આપોઆપ વધી જાય છે. તેથી જ તેની મલ્ટીનેશનલ કંપની ઈન્ડિયામાં પણ તેનું એક પ્રોડક્શન યુનિટ અને શાખાઓ ખોલી રહી છે તેમ તેના જાણવામાં આવતાં જ તેણે ઈન્ડિયા માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધેલી. અમેરિકાના મોહપાશમાં સજ્જડપણે લપટાયેલા અન્ય ભારતીય સાથી કર્મચારીઓને સમયની આ ગતિવિધિ મૂર્ખામીભરી લાગેલી. તેમને નવાઈ લાગતી હતી કે લોકો યેનકેન પ્રકારેણ અમેરિકા આવવા માટે ઝાંવા નાખતા હોય છે ત્યાં સમય સામેથી ઈન્ડિયા પરત જઈ રહ્યો છે !
સ્નેહાબેન-કેવલ મહેતા દીકરા સમયને એરપોર્ટ પરથી રિસિવ કરી ઘરે આવી પહોંચ્યા. ખૂબ ખુશ હતાં ત્રણેય જણાં ! સમયની વાતો ખૂટતી ન હતી તો સ્નેહાબેન પણ કુતૂહલવૃત્તિથી બધું પૂછી રહ્યાં હતાં. મોટાભાગે કેવલ મહેતા બંનેયની વાતો સાંભળી વગર પૂછ્યે તેમને જાણવાનું જાણી લેતા હતા. થોડીવારે તેમણે સમયને હસતાં હસતાં ટકોર કરી : ‘સમય… તને ત્યાં કોઈ ‘મેમ’ ન મળી…?’ જવાબમાં સમય હસી પડ્યો અને બોલ્યો : ‘વેલ પપ્પા…. અમેરિકા હોય એટલે ત્યાં ‘મેમ’ તો હોય જ. પણ મારે અહીં તમારી સાથે રહેવું છે…. અમેરિકન મેમ તો ઠીક પણ એન.આર.આઈ – અમેરિકાવાસી – મૂળ ભારતીય હોવા છતાં ત્યાંની છોકરીઓ અહીં આવવાનું પસંદ કરતી નથી. તેથી ત્યાં આ બાબતે તો મેં કોઈ પ્રગતિ કરી નથી….’ સ્નેહા અને કેવલ બંનેય પોતાના પુત્રને પ્રેમભરી દષ્ટિથી અપલક જોઈ રહ્યાં. થોડી પળો પછી સ્નેહા બોલી : ‘તો બેટા… હવે અહીં તારા માટે જોવાનું શરૂ કરીએ…..? તને હવે છવ્વીસમું બેસશે… તારી ઉંમર અને આવક જોતાં હવે તું આ જવાબદારી ઉઠાવવા માટે યોગ્ય છે…..’
‘એઝ યુ વીશ…. મમ્મી…..’ કહેતાં સમયે લીલી ઝંડી ફરકાવી દીધી.
સ્નેહાબેને પુત્ર માટે યોગ્ય કન્યાની શોધખોળ આરંભી. સ્નેહીવર્તુળો-સગાસંબંધીઓમાં વાત કરી. બે-ત્રણ પ્રતિષ્ઠિત લગ્ન બ્યુરોમાં નામ નોંધાવ્યું. પેપરમાં જાહેરખબર આપી. સમય સાથે કન્યાઓની મુલાકાત ગોઠવાતી ગઈ. એક-પછી એક ઈન્ટરવ્યુ થવા લાગ્યા. લગ્નોત્સુક યુવતીઓ સાથે સમયની નિખાલસપણે ચર્ચા-વાતો થતી. મોટાભાગનાં ઈન્ટરવ્યુ બાદ સમય થોડો હતાશ થતો અને ઊંડા વિચારમાં ડૂબી જતો. તેને એ જાણીને નવાઈ લાગતી હતી કે દેશી ગુજરાતી કન્યાઓ તેની સાથેની મુલાકાતમાં વધારે તો અમેરિકાની જ વાત કરતી. અમેરિકાથી પરત આવવાનું કારણ જાણવા ઈચ્છતી. પરોક્ષપણે કન્યાઓ તેમની ઈચ્છા દર્શાવતી કે તેઓ અમેરિકા પસંદ કરે છે અને જો સમય અમેરિકા વસે તો વધુ પસંદ કરે. તેથી સમય બધા ઈન્ટરવ્યુનો જવાબ ‘નકાર’માં જ આપતો. કેવળ મહેતા અને સ્નેહાબેને તે બાબત સહજ જ ગણી હતી અને હજુ સુધી સમયનાં ‘નકાર’નું કારણ જાણવા ઈચ્છ્યું ન હતું.
ધીમે ધીમે વખત વીતતો ગયો. લગભગ છ મહિના પૂરા થવા આવ્યા. સમય માટે કન્યાની શોધ ચાલુ જ હતી. સ્નેહાબેને નાનપણથી પાડેલી ટેવ પ્રમાણે સમય હંમેશાં સવારે ઑફિસે જતા પહેલાં મહાદેવના મંદિરે દર્શન કરવા જતો. ત્યાં નિયમિતપણે એક યુવતીને જોતો. તે યુવતી જોવી તેને ગમતી. નમણો નાક-નકશો, મધ્યમ ગૌર વર્ણ-સરેરાશથી થોડી વધુ ઊંચાઈ ધરાવતી યુવતીને તે મનોમન પસંદ કરવા લાગ્યો હતો. ન જાણે શી રીતે તેને મનોમન અહેસાસ થતો હતો કે તે ઝંખે છે તેવી યુવતી આ જ છે. ક્યારેક ક્યારેક બંનેય રસ્તામાં એકદમ સામસામે થઈ જતાં તો સ્મિત વેરી લેતાં…. પણ વાતચીત ક્યારેય ન થતી.
આજે સમય ઘરે આવ્યો ત્યારે સ્નેહાબેન અને કેવલ મહેતા તેની રાહ જોતા બેઠાં હતાં. બધાંએ ‘ચા’ માટે સાથે બેઠક લીધી ત્યારે સ્નેહાબેને હાથમાં રહેલાં થોડાં કવર સમય તરફ ધર્યાં. અને બોલ્યાં : ‘આજે “મંગલમ” લગ્ન બ્યુરો તરફથી આટલા બાયોડેટા અને ફોટા આવ્યા છે… સમય બેટા…, તું પહેલાં શાંતિથી જોઈ લે… અને તેમાંથી તને ગમે તે મને તારવીને આપજે…. પછી એ આધારે આગળ વધીએ….’ સમય એક પછી એક કવર ખોલી, બાયોડેટા અને ફોટાઓ જોઈને ક્રમવાર મુક્તો ગયો. અચાનક તેનો હાથ થંભી ગયો. એક હાથમાં કવર અને બીજા હાથમાં ફોટો – એમ એના હાથ સ્થિર જ થઈ ગયા. તેના ચહેરા પર ઉત્તેજના ઉમટી આવી. તેની આંખોમાં પ્રસન્નતા લહેરાઈ અને પછી આતુરતાથી તે બાયોડેટા વાંચી રહ્યો….. ‘પાયલ ઉમેશચંદ્ર શુક્લ….’ વાંચી સ્હેજ જ સ્નેહાબેનનો હાથ ધ્રુજ્યો. મૂળ વતન, મોસાળ, દાદા, વગેરેની વિગત વાંચી તેમના ચહેરા પર વિપુલ વિહવળતા ધસી આવી. તેમને અસ્વસ્થતા લાગવા માંડી. સમય અને કેવલ મહેતા સ્નેહાબેનના ચહેરા પર આવતા-જતા ભાવોનું અવલોકન કરી રહ્યા. અચાનક….. ‘મને ઠીક નથી લાગતું…..’ કહેતાં સ્નેહાબેન એકાએક ઊભાં થયાં અને ત્યાંથી ચાલ્યાં ગયાં. સમય કે કેવલ મહેતા તરફ તેમણે અછડતી દષ્ટિ પણ કરી ન હતી. સમય આશ્ચર્યથી મૂઢ હતો. તેની મમ્મીનું વર્તન તે સમજી શક્યો નહીં. કેવલ મહેતાએ તેમની પ્રકૃતિ પ્રમાણે ગંભીરતા જાળવી રાખી. પછી, ‘લાવ… હું જોઉં તો ખરો….’ કહેતા તેમણે પણ બાયોડેટા અને ફોટો જોયો. વસ્તુસ્થિતિ કંઈક કંઈક એમની સમજમાં આવી. તેમણે સહજતા જાળવી રાખતાં, પુત્ર સમય સામે સ્મિત કર્યું અને પૂછ્યું : ‘સમય… આ છોકરી તને કંઈક પહેલી જ નજરે વધુ ગમી લાગે છે… તેનું કોઈ ખાસ કારણ કહી શકીશ ખરો…..?’
સમયે તેના પિતાથી કંઈ છુપાવ્યું ન હતું. અને તેની અને પાયલની પરસ્પર દષ્ટિની રોજ થતી અલપ ઝલપ મુલાકાત અંગે જણાવી દીધું હતું. કેવલ મહેતા સમયની વિગતવાર વાત સાંભળી શાંત થઈ ગયા હતા. રૂમમાં જઈને અશાંત મન સાથે બેઠેલાં સ્નેહાબેનને તેમણે સમયની ઈચ્છા અને લાગણીઓ વિશે જણાવ્યું હતું. સ્નેહાબેન સ્તબ્ધ હતાં. કેવો વિચિત્ર યોગાનુયોગ….! ઉમેશની દીકરી અને મારો પુત્ર…. ? ભૂતકાળ તેમની નજર સમક્ષ તાજો થયો.
સ્નેહા પોતે માતા-પિતાનું એક માત્ર સંતાન ! કારણ બે વર્ષની વયે જ પિતાનું ટૂંકી બીમારીમાં અવસાન થઈ ગયેલું. તેની માતા સગુણાબેને તેનું મુખ જોઈને જ બાકીની જિંદગી વિતાવવાનું પસંદ કરેલું. શિક્ષિકા તરીકે તેઓ આજીવિકા રળીને તેમનું અને સ્નેહાનું ગાડુ ચલાવતાં. સ્નેહાને તેમણે સુપેરે પુરા લાડ-પ્યારથી ઉછેરી હતી. તેને આમ જુઓ તો કોઈ ઓછપનો અહેસાસ થવા દીધો ન હતો. બહુ નાની ઉંમરે પિતા ગુમાવી બેઠેલી સ્નેહાને પિતા એટલે શું ? તેમનો પ્રેમ કેવો હોય…. તે વિશે કંઈ જ જાણ ન હતી. તેની મમ્મીમાં જ તેનો સંસાર આવી જતો.
વખત જતાં કંઈ વાર નથી લાગતી. અન્ય યુવતીઓની જેમ સ્નેહા પણ યુવાનીનાં દ્વારે આવીને ઊભી રહી. ઉમેશ તેનો સહાધ્યાયી હતો. તેની જ્ઞાતિનો હતો. બંનેયનાં ઘર પણ એક જ ચોકમાં નજીક-નજીક હતાં. કૉલેજમાં પણ સાથે જ અપ-ડાઉન કરતાં. સગુણાબેનની નજર સ્નેહા માટે ઉમેશ પર પૂરેપૂરી ઠરી હતી. તેઓ સ્નેહા અને ઉમેશના પરસ્પર લગાવ અને સ્નેહને જાણતાં-સમજતાં અને મનોમન ઈચ્છતાં કે બંનેય સામાજિક દષ્ટિએ લગ્નવિધિથી એક થાય. પણ ઉમેશની માતા જાગૃતિબેનનું એમ ન હતું. તે ખૂબ જ શ્રીમંત કુટુંબમાંથી આવતાં હતાં. ઉમેશ અને સ્નેહાની સ્નેહગાંઠ વિષે તેઓ કંઈ જાણતાં ન હતાં તેમજ તેમના સંબંધોને પણ ગંભીરતાથી લક્ષમાં લેતાં નહીં. સ્નેહાની તો તેમની નજરમાં કોઈ કિંમત જ નહતી…. ન ભાઈ…. ન બાપ… કોઈનીયે ઓથ નહીં… અનાથ જ ગણાય ! ઠીક, પડોશમાં રહે છે અને સાથે ભણે છે તો મળે… ઘડી બે ઘડી વાતો કરે… ઠઠ્ઠા કરે બીજું શું…? તેનાથી વિશેષ તેઓ વિચારતાં ન હતાં કે વિચારવા રાજી પણ ન હતાં.
તે દિવસો દરમિયાન સ્નેહા ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. બેંકભરતીની પરીક્ષામાં પાસ થઈ જતાં તેને નજીકના એક ગામની ગ્રામીણ બેંકમાં કાયમી નોકરી પણ મળી હતી. રોજ અપ-ડાઉન કરતી. ઉમેશ સાથે તેનો સંપર્ક યથાવત હતો. જાગૃતિબેનને તેમજ તેમનાં સ્વભાવને તે સારી રીતે ઓળખતી. તેમનો તેને ડર પણ લાગતો. પણ ઉમેશ પર તેને વિશ્વાસ હતો. તે જાણતી ન હતી કે તે જે બાબત પર મુસ્તાક હતી તે બાબતનો જ ઉમેશમાં અભાવ હતો. જાગૃતિબેન જેવી કડક માતાના હાથે ઉછરેલ ઉમેશમાં પહેલેથી આત્મવિશ્વાસ કંઈક અંશે ઓછો હતો. માતા-પિતા ઘરની છાયા વગર પણ અલગ દુનિયા વસી શકે તે તેની સમજ અને શક્તિની બહાર હતું. ઉંમરલાયક સ્નેહા માટે જ્યારે સગુણાબેન સગપણ સંબંધી વાત લઈ જાગૃતિબેન પાસે ગયાં ત્યારે તેમણે વાતને ઉડાવી દઈ તેમને અપમાનિત કરતાં કહ્યું હતું : ‘છોકરાંવ કંઈક ભૂલ કરે તો તેને સુધારાય… છાવરાય નહીં… સગુણાબેન…. પણ તમારે તો ટાઢા પાણીએ ખસ જાય છે…. તેથી તમે તો આ સંબંધમાં રાજી જ હોને…..!’ અપમાનિત થઈને પાછી આવેલી માતા પાસેથી સ્નેહાએ આ વાત જાણી ત્યારે તે કાળઝાળ થતી ઉમેશને મળવા ગઈ હતી. ત્યારે ઉમેશના દેખતાં જ જાગૃતિબેને તેને સુણાવી દીધેલું : ‘સ્નેહા…. ઉમેશ મારો એકનો એક દીકરો છે…. ટાણે… કટાણે…. પ્રસંગે…. વારે…તહેવારે…. તેને સાચવે, ટેકો કરે… ઓથ આપી શકે તેવાં સગાં અમને ખપે…. તારા જેવી નભાઈ-બાપી છોકરીના ઘરેથી એ શું પામવાનો…. ? ધૂળ અને રાખ….!’ ઉમેશ ત્યારે એક હરફ સુદ્ધાં ઉચ્ચારી શકેલો નહીં. જાગૃતિબેનનો કડપ-ધાક અને આણ ઘરમાં એવાં પ્રવર્તતાં કે ઉમેશ તો ઠીક પણ ઉમેશના પિતા પણ તેમાં વિરોધ કરવો તો બાજુ પર રહ્યો પણ અભિપ્રાય આપતાં ડરતા.
અંતે સ્નેહાએ ઉમેશ તરફથી પ્રયત્નપૂર્વક મન વાળી લીધેલું. આમ કરતાં તેને સ્વાભાવિકપણે જ ઘણું કષ્ટ પડેલું; કેમકે, ઉમેશ સાથે તેની બાળપણથી સ્નેહગાંઠ બંધાયેલી હતી. ‘દેખવુંય નહિ અને દાઝવુંય નહિ….’ એ નિર્ણયે બહુ થોડા સમયમાં તેણે માતાની શિક્ષિકા તરીકેની નોકરી મુકાવી તે પોતાની નોકરીની જગ્યાએ શિફટ થઈ ગયેલી. સુખી-સરળ જીવન માટે ઉમેશથી-ઉમેશના ઘરથી દૂર જવું તેના માટે બહુ જરૂરી અને સ્વાભાવિક બની ગયેલું.
બે વર્ષના અંતરાલ બાદ કેવલ મહેતા સાથે તેનાં લગ્ન થઈ ગયાં હતાં. લગ્ન પહેલાંની પ્રથમ મુલાકાત વેળાએ તેણે કેવલને સ્વાભાવિકપણે એ પ્રશ્ન પૂછેલો જ, ‘મારા જેવી ભાઈ-બાપ વગરની કન્યાને સ્વીકારતાં તમને કે તમારા ઘરનાંને ખચકાટ નથી થતો…?’ જવાબમાં કેવલે બહુ સરળતાથી કહ્યું હતું : ‘સ્નેહા…. સ્વજન ગુમાવવાં કે મેળવવાં આપણા હાથમાં નથી…. તે તો ઈશ્વરના હાથમાં છે…. જે બાબત પર આપણો અંકુશ ન હોય તેવી બાબત આપણી પસંદગીમાં તો આડે ન આવવી જોઈએ…. આવતી કાલે કોણ બાપ કે ભાઈ વગરનું થઈ જશે તેની કોને ખબર હોય છે….?’ સ્નેહાના ઘવાયેલા હૈયાને પ્રથમવાર કોઈના તરફથી મલમ મળ્યો હતો. તેના મનમાં તેના હૃદયમાં આ જવાબથી એક શાંતિ-ઠંડક પહોંચી હતી. સ્વાભાવિકપણે તેણે કેવલને પૂરા મન-હૃદય સાથે સ્વીકાર્યો. કેવલને તેણે પોતાના ભૂતકાળની વાત સ્પષ્ટપણે જણાવી હતી. આ કારણે કેવલની સ્નેહા પ્રત્યેની લાગણી સ્વાભાવિકપણે બેવડાઈ હતી. સ્નેહાની આવી લાગણીઓને પણ તે સમજી શક્યો હતો.
સ્નેહાનાં તે પછીનાં વર્ષો તો સુખની ધોધમાર વર્ષામાં જ ગયાં હતાં. ક્યારેય ક્ષણભર માટેય તેણે ઉમેશને યાદ કર્યો ન હતો. આજે જ્યારે ઉમેશ યાદ આવ્યો ત્યારે પચીસ વર્ષ પહેલાંની કડવાહટ ફરી તાજી થઈ ઊઠી. મનોમસ્તિષ્કમાં વિચારોનો વાવંટોળ શાંત થતાં તેમને સહજ જ પ્રશ્ન ઉદ્દભવેલો કે ઉમેશ અહીં ક્યાંથી…? એ નાનકડા ગામમાં એ લોકો રજવાડી ઠાઠથી રહેતા… એ છોડીને અહીં ક્યાંથી… ? જમીન-મકાન-દુકાન… એ બધું છોડીને ઉમેશ અહીં….? હોઠ ભીડીને મનોમન તેણે નિર્ણય લીધો હતો કે ભલે હવે ઉમેશ પણ જોઈ લે કે સ્નેહા તેના વગર પણ કેટલી ખુશ અને સુખી છે. તેનો પરિવાર – તેના ઘર-સુખ-સાહ્યબી-માન મરતબા વિશે ઉમેશ જાણે તેમ તે મનોમન ઈચ્છી રહી. માનવીનું મન બહુ વિચિત્ર હોય છે…. એક સમયે તે તેની સમગ્ર તીવ્રતાથી ઉમેશને ચાહતી હતી, પછી ધિક્કારી રહી અને હવે તેને તેના પર સરસાઈ સિદ્ધ કરી બતાવવી હતી.
લગ્નબ્યુરોવાળાને વચ્ચે રાખીને પાયલ ઉમેશચંદ્ર શુક્લને ઘરે મળવા માટેનો સમય મુકરર કરવામાં આવ્યો. ઘરનું એડ્રેસ હોવા છતાં તેમને ઘર શોધવામાં સારી એવી તકલીફ પડી હતી. શહેરને છેડે નવી સવી બંધાઈ રહેલી સોસાયટીમાં બે રૂમ-રસોડાનું નાનું એવું ઘર શોધતાં તેઓ થાક્યાં હતાં. ઘરની બહાર લાગેલી ‘ઉમેશચંદ્ર નવનીત શુક્લ’ના નામની તકતી વાંચવા છતાં સ્નેહાને વિશ્વાસ પડતો ન હતો કે ઉમેશ આવા ઘરમાં રહેતો હોય. એક ક્ષણ તેના મનમાં વિચાર ફરકી ગયો કે કદાચ તે માનતી હોય, ઓળખતી હોય તે આ ‘ઉમેશ’ કદાચ ન પણ હોય. વિચારમાં ને વિચારમાં જ તેનો હાથ ડોરબેલ ભણી લંબાયો હતો. કંકુવિહીન કોરા કપાળ-લુખ્ખા શ્વેત કેશ અને સહેજ નમી ગયેલી-સુકલકડી કાયાવાળાં જાગૃતિબેને દરવાજો ખોલ્યો. સ્નેહા તેમની તદ્દન સન્મુખ હોવા છતાંય તેઓ તેને ઓળખી શક્યાં ન હતાં. સ્નેહા પણ કદાચ જો જાણતી ન હોત કે તે તેના સંભવિતપણે પરિચિત ઉમેશને ત્યાં આવી છે તો તે પણ જાગૃતિબેનને ઓળખી ન શકત. ક્યાં ભરાવદાર કાયાવાળાં-ભભકાવાળી સાડી પહેરતાં-મગરૂબીભર્યા ચહેરાવાળાં તે સમયનાં જાગૃતિબેન અને ક્યાં આજના ! જાગૃતિબેનની આ હાલતને સ્નેહા માંડ માંડ પોતાના મનમાં સ્થિર કરી રહી, ત્યાં તેની નજર બિલકુલ સામી દિવાલે જ લટકી રહેલા સુખડના હારથી સુશોભિત એવા ઉમેશના ફોટા પર પડી. તેને ચક્કર આવતા હોય તેમ લાગ્યું. કેવલ સતર્ક હતો જ અને સ્નેહાને તેણે સંભાળી. સ્નેહાની હાલત જોઈ જાગૃતિબેન ગભરાયાં : ‘શું થયુ… શું થયુ…. બેનને…. ?’
‘કંઈ નહીં…. બહુ ગરમી એનાથી સહન નથી થતી. લો બી.પી. થઈ ગયું હશે. લીંબુ પાણી મળશે….’ કેવલે સહજતાથી કહ્યું.
‘હા… હા… કેમ નહીં… ? બેટા પાયલ….’ રસોડામાં પાયલે સંવાદ સાંભળી લીધો હતો અને માતા સરલાને લીંબુ પાણી સાથે બહાર મોકલી. સ્નેહા લીંબુ-પાણી લઈ થોડી વારે સ્વસ્થ થઈ.
સમયને ક્યારનીય પાયલની પ્રતિક્ષા હતી. થોડીવારે એક ટ્રેમાં ચા-નાસ્તો લઈને આવેલી પાયલને જોતાં જ તેનો ચહેરો પ્રફુલ્લિત થઈ ઊઠ્યો. સ:સંકોચ પાયલે નેત્રો ઉઠાવી સમય તરફ જોયું હતું. બંનેય વચ્ચે ક્ષણભર નેત્ર પલ્લવી રચાઈ ન રચાઈ અને પાયલનો ચહેરો ગુલાલ ગુલાલ થઈ ઊઠ્યો. સ્નેહાની નજરથી આ છૂપું રહ્યું ન હતું. તેણે ઊંડો શ્વાસ લીધો હતો.
જાગૃતિબેન મૂંઝવણ અનુભવતાં હતાં. તેમની તીવ્ર ઈચ્છા હતી કે આ સંબંધ થાય. પાયલ અને સમય અંદરની રૂમમાં વાતચીત કરી રહ્યાં હતાં. બહારની રૂમમાં પાયલની મમ્મી સરલાબેન-સ્નેહાબેન-કેવલ મહેતા અને તેઓ પોતે હતા. કેવલ મહેતા સાથે છૂટક છૂટક વાતચીત થતી હતી પણ સ્નેહાનું મૌન તેમને ઠંડા કરી રહ્યું. સમય દેખાવે-બોલવે-ચાલવે તેમને ખૂબ ગમ્યો હતો. પાયલ માટે જેવા યુવકની તેમણે પરિકલ્પના કરી રાખી હતી તેમાં તે બરાબર બંધબેસતો હતો. પણ તેમને મૂંઝવણ એ બાબતની થતી હતી કે છોકરાની ‘મા’ કંઈ મન આપતી ન હતી. સાત દાયકાની ચડઉતર ખમી ખાધેલાં જાગૃતિબેન સારી પેઠે સમજતાં હતાં કે આવી બાબતોમાં મોટાભાગનાં ઘરોમાં છોકરાની ‘મા’નો અભિપ્રાય સર્વોપરી હોય છે. કેવલ સ્નેહાના મનોમંથનને પણ સમજી શકતો હતો તો જાગૃતિબેનની મૂંઝવણને પણ કળી ગયો હતો. વિશેષ તો એ પણ સમજ્યો હતો કે જાગૃતિબેન સ્નેહાને ઓળખી શક્યાં નથી. જાગૃતિબેને અંતે સ્નેહાને સંબોધતાં કહ્યું હતું :
‘બેન… તમો તો કંઈક બોલો… અમારી પરિસ્થિતિ કદાચ તમને બરાબર નથી લાગી… પણ સાવ એવું નથી… મેં મારી પૌત્રી પાયલ માટે ઘણુંબધું સાચવી રાખ્યું છે… તમે ઈચ્છો તેવી ધામધૂમથી લગ્ન કરવાની મારી ક્ષમતા છે…..’
સ્નેહાએ અનુભવ્યું કે આટલાં વર્ષેય જાગૃતિબેનનો અહંકાર ઓગળ્યો નથી. તેથી તેનું સ્વાભિમાન પણ વળ ખાઈ ઊઠ્યું. ન ઈચ્છવા છતાં તેના હોઠ ખુલ્યા : ‘લગ્નની ધામધૂમ… ખર્ચ અને બીજું બધું તો ઠીક…. પણ સમય મારો એકનો એક દીકરો છે… મારી એવી ઈચ્છા ખરી કે…. તેને ટાણે-કટાણે… વારે-તહેવારે-પ્રસંગે સાચવે અને સાથે ઊભા રહે એવા સરખે સરખા સગા મળે…. પણ પાયલને તો ભાઈ પણ નથી કે બાપ પણ નથી….’ એક એક શબ્દ જાગૃતિબેનના કાનમાં સીસુ થઈને રેડાયો. કાપો તો લોહી ન નીકળે તેવાં તે થઈ ગયાં. કેવલ મહેતા અને સરલાબેન પણ સ્તબ્ધ હતાં. થોડી ક્ષણો બાદ જાગૃતિબેન સ્હેજ ધ્રુજતા ધ્રુજતા ઊભાં થયાં હતાં. અને સ્નેહાને ધ્યાનપૂર્વક નિરખતાં બોલ્યાં : ‘સ્નેહા… તું ?’ પછી શરીર ઓગળતું હોય, તેનો ભાર ન સહેવાતો હોય તેમ બેસી પડ્યાં અને આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તૂટક તૂટક સ્વરે ભૂતકાળ તેમના મોંએથી સર્યો, ‘સ્નેહા… ઉમેશે મને માફ કરી કે નહીં તે હું નથી જાણતી પણ તું મને માફ કરી દેજે… તારા ગયા પછી ઉમેશ બહુ હીજરાયો. હું જાણતી હતી પણ મેં ઉપેક્ષા કરી. ઉમેશ પરના મારાપણાની ભાવનાથી હું મુસ્તાક રહી. જ્યાં સુધી તારાં લગ્નના સમાચાર મળ્યા ન હતા ત્યાં સુધી ઉમેશ લગ્ન માટે તૈયાર થયો ન હતો. તે પછી પણ તે તૈયાર નહોતો. તારાં લગ્ન બાદના અરસામાં તેના પિતાનું અવસાન થયું અને હું પણ અવારનવાર બીમાર રહેવા લાગી. સ્વાભાવિકપણે જમીન-દુકાનની જવાબદારી સાથે મારું-ધ્યાન રાખવું તેના માટે કઠીન બનતાં તેણે પછી પરાણે લગ્ન કરેલાં. તેને ન જાણે કઈ બીમારી વળગી હતી કે તેનું શરીર ગળતું જ રહ્યું. પાયલ પાંચ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેણે પણ તેના પિતાની રાહે જ શિવધામની વાટ પકડી લીધી. અંતિમ પળ સુધી તેણે મારી સામે કંઈ ફરિયાદ કરી નહીં પણ તનેય તે ક્યારેય ભૂલ્યો ન હતો….’ જાગૃતિબેનના રુદન સાથે પાયલની મમ્મી સરલાબેનનું પણ રુદન ભળી ગયું હતું. સાડીના છેડા વડે જાગૃતિબેને આંખો કોરી કરી અને બોલ્યાં : ‘પાયલને અહીં બી.એડમાં એડમિશન મળ્યું અને શહેરમાં તેને લાયક યોગ્ય પાત્રની સારી રીતે શોધ થાય તે માટે ગામનું બધું જે રહ્યું-સહ્યું હતું તે વેચી-સાટીને અહીં આવ્યાં…..’ સ્નેહાનાં નેત્રો પણ સજળ હતાં. શું ધારી-વિચારીને તે અહીં આવી હતી, અને શું જોવા મળ્યું ?
દરમિયાન તૃપ્ત અને આનંદભર્યા ચહેરે સમય અને પાયલ અંદરની રૂમમાંથી બહાર આવ્યાં હતાં. સમય અને પાયલના ચહેરા પરથી વડીલો તેમનો જવાબ કળી ગયાં હતાં. જાગૃતિબેન અને સરલાબેનનાં ચહેરા પર વિષાદની છાયા લીંપાયેલી હતી. નૂરવિહીન ચહેરા હતા. તેમને હવે આ સંબંધ થાય તેવી આશા ન હતી.
સ્નેહા એ સ્નેહા હતી. ક્યારેક પ્રિયાના રૂપમાં ઉમેશની સ્નેહા હતી, પત્નીરૂપે કેવલની સ્નેહા હતી અને આજે મમ્મીરૂપે સમયની સ્નેહા હતી. સમયની ઈચ્છાને સમજી ચૂકેલી સ્નેહાએ કેવલ તરફ સૂચક દષ્ટિએ જોયું હતું. કેવલે આંખોથી જ હસીને જવાબ વાળી દીધો હતો. સ્નેહાએ સમયની નજીક જઈ તેનો હાથ પોતાની હથેળીમાં લીધો અને ભીની આંખે તે ચૂમ્યો પછી હસીને પૂછી રહી : ‘તો પછી બેટા….. તમને અનુકૂળ હોય તો ગોળ-ધાણા ખાઈ લઈશું… ? ઉછળી પડતાં ઉમંગ-ઉત્સાહને દબાવવાની અસફળ કોશિશ કરતાં સમયે કહ્યું હતું : ‘એઝ યુ વીશ… મમ્મી !’ પાયલનો ચહેરો પણ લજ્જાથી રતુંબડો બની ગયો. સ્નેહાએ તેને નજીકમાં જઈ તેને બાથમાં લીધી હતી. સ્નેહાની બીજાને સમજવાની-માફ કરવાની વૃત્તિ પર કેવલને માન થયું હતું. સ્નેહાએ પુત્રની ઈચ્છા સમજી હતી, તેને માન આપ્યું હતું અને જાગૃતિબેનને પણ માફ કરી દીધાં હતાં. જાગૃતિબેન પાસે જઈને સ્નેહાએ કહ્યું : ‘માસી…. પાયલ મારી જ દીકરી છે અને તમે બંનેય પણ પાયલના ગયા બાદ પોતાને એકલાં ન સમજતાં. કંઈક અંશે તમે સાચાં છો – સગાની ઓથ તો જરૂરી હોય જ છે પણ એક પક્ષે જ નહીં…. ક્યારેક બીજા પક્ષનેય ઓથની જરૂર રહે છે. એક સમયે કેવલ અને તેના ઘરનાંએ અમારાં લગ્ન બાદ મારી માતાને પડખે રહીને સાચવી લીધી હતી, આજે એ રીતે સમય અને તેના માતા-પિતાનો વારો છે અને ફરજ પણ છે જ….’ જાગૃતિબેનની આંખો સ્નેહા પ્રત્યે આભાર ભરી લાગણીથી છલકાઈ ઊઠી.
સમગ્ર વાતાવરણમાં પ્રસન્નતાની લહર દોડી ગઈ હતી. ઉદાસી અને વિષાદની લાગણીઓ સરલાબેન અને જાગૃતિબેનના ચહેરા પરથી હટી જતાં ત્યાં વિવિધ ભાવોની રંગોળી પુરાઈ. સ્નેહા પ્રત્યે આભારની-પુત્રીના સગપણના આનંદ સાથે સમય જેવો સુલક્ષણો જમાઈ પામ્યાના ગર્વની અને ઉપરાંત સ્નેહા-કેવલ જેવા સારા વેવાઈની ઓથ પામ્યાની ખુશી તો ખરી જ સ્તો !
Print This Article
·
Save this article As PDF
ખુબ જ હ્ર્યદય સપર્શી વારતા…
સમય અને તેના માતા-પિતાનો વારો છે અને ફરજ પણ છે જ….
Kaash mara Mummy Pappa ne mara husband e aam j sachvya hot to…Very nice & touchy story
Excellent. Very emotional & touch story. Keep it up.
“માનવીનું મન બહુ વિચિત્ર હોય છે…. એક સમયે તે તેની સમગ્ર તીવ્રતાથી ઉમેશને ચાહતી હતી, પછી ધિક્કારી રહી અને હવે તેને તેના પર સરસાઈ સિદ્ધ કરી બતાવવી હતી.”
“સ્નેહા એ સ્નેહા હતી. ક્યારેક પ્રિયાના રૂપમાં ઉમેશની સ્નેહા હતી, પત્નીરૂપે કેવલની સ્નેહા હતી અને આજે મમ્મીરૂપે સમયની સ્નેહા હતી.”
Best two sentences of the story.
kudos to the writer for a very touchy story…!
we need writers like her who can use the language so effectively- not too difficult, not too ordinary; and yet so beautiful!
her economy of words is highly commendable. “સ્નેહા પણ કદાચ જો જાણતી ન હોત કે તે તેના સંભવિતપણે પરિચિત ઉમેશને ત્યાં આવી છે તો તે પણ જાગૃતિબેનને ઓળખી ન શકત”. u gotta be an erudite scholar in order to write like this.
i’ve read her stories that appeared in gujarati ‘મિડ ડે’ and recently compiled in her book ‘જીવતાં મોહરાં શતરંજ નાં’. they are simply great!
જેને ઓથ નથી એને પોતાના ગણવા એ કાઇ નાનુ કામ તો નથી જ ને?
તારા જેવી નભાઈ-બાપી છોકરીના ઘરેથી એ શું પામવાનો…. ? ધૂળ અને રાખ….!’- આજ સમાજની બીમારી છે.
સબંધો માં બન્ને પરિવારોને અરસ પરસ નિ ઓથ જરુરિ ચ્હે તે વાર્તા મા સુપેરે સમજવ્યુ. nice story.
ઘણા બધા મનોભાવોને લેખિકાએ આવરી લીધા. લેખિકાએ પાત્રોના નામ પણ સરસ રીતે પસંદ કર્યા છે, સમય (સમયનુ ચક્ર), સ્નેહા (માત્ર અને માત્ર સ્નેહ, પ્રિયા, પત્ની કે માતા તરીકે) અને કેવલ (નિરપેક્ષ, મૂક દર્શક તરીકે). અદભૂત.
ખૂબ જ સરસ વાર્તા.
નયન
ખુબ સરસ વાર્તા.
હરેક દિકરીના માબાપની મનની વાત
‘પુત્રીના સગપણના આનંદ સાથે સમય જેવો સુલક્ષણો જમાઈ પામ્યાના ગર્વની અને ઉપરાંત સ્નેહા-કેવલ જેવા સારા વેવાઈની ઓથ પામ્યાની ખુશી તો ખરી જ સ્તો !’ની સુંદર અભિવ્યક્રતી
Really Fantabulous. Nice work of the author…Really appreciate it.
આવુ મોટુ મન રાખવુ બહુ અઘરી વાત છે પણ આજ્ના દિવસો મા પણ આવી વ્યક્તી ઓ હોય છે તેની આ વાત સાક્ષી પુરે છે. ખુબજ સુન્દર .
ઉમેશ નો પ્રેમ જાગૃતિબેન ના અહંકાર સામે પાંગળો કહેવાય.
સમાજમાં જાગૃતિબેન તો ઘણા મળશે પણ સ્નેહાબેન જેવા વધુ હોય તો તો સંસાર સ્વર્ગ બની જાય
I am really agree with nayan bhai for suitable name with fantastic story.
Very nice
Very nice & inspirational story.We should get lesson from that naver laugh or neglect
any person about his today’s position.No one know about his tommorow.I congratulate to writer for this story.
really nice story… good one…
as well as agreed with cool – proper name – touchy story – heart touching sentence… good — hats off…
રચના સરસ અને લોજિકલ…… આભાર લેખક નો…..
hmm… sweet =)
SAMAY SAMAY NA RANG CHHE NE SAMAY SAMAY NI VAAT,SAMAY KAHE HU DIVAS CHHU NE SAMAY KAHE HU RRAT.
Very nice story.
forgive and forget – Sneha followed this principal and was able to bring harmony in her family – hope this story will give guidance to people in similar situations
wow……….how good is this?
its very heart touching tho….
no word to descibe the beauty of it..thanks a lot…
સમાજનિ વાસ્તવિકતા દર્શાવતિ વાર્તા
Wonderful story, congratulations Urviben! will difinitely look for the book ‘Jivta Mohra Shatranjna’..
Very nice and touchy story.
‘EK SARKA DIVAS KOIN NA JATA NATHI’ One must always think twice before taking any decision and must understand the emotions of others. For Jagrrutiben, Umesh was not a ‘other’ person, he was her own blood and flash, being a mother she should have understand his emotions. But at the end who sufferred? it is she and her son. Due to her wrong decision, she ruined life of 2 other persons i.e. Payal and her mother. Sneha was lucky to get a very understaning and loving husband otherwise even she would have suffered. In short ‘DO PYAR KARNEWALE KO KABHI JUDA NAHI KARNA CHAIYA’ if one does that the life of 4 people gets ruined and subsequntly the childredn born to both the couple out of loveless relationship.
Hates off to the writer.
Trupti.
સ્વજન ગુમાવવાં કે મેળવવાં આપણા હાથમાં નથી…. તે તો ઈશ્વરના હાથમાં છે…. જે બાબત પર આપણો અંકુશ ન હોય તેવી બાબત આપણી પસંદગીમાં તો આડે ન આવવી જોઈએ…. આવતી કાલે કોણ બાપ કે ભાઈ વગરનું થઈ જશે તેની કોને ખબર હોય છે….?’
આ વાક્ય મને ખુબ જ ગમ્યુ કારણ કે આ વાત જો માણસ અપનાવશે તો તે દુનિયા જિતશે.
shruti.h.maru
This story is heart touching one. It is one of the compilation of the Author, which I like a lot, Thanks to the website Management for all the hard work.
The best feelings of happiness for a husband of the author is on reading the publishing and its reviews. I have been reading her stories and novels since 1996, and had been thinking to get appropriate media to share the good literature written by her.
Thanks to all the publishers & readers, as readers have also appreciated the same.
I just feel my dream since my marraige has come true after seeing the publishings and ites reviews.
Excellent!!! My eyes were full with tears while reading it..really heart touching !!!
Hearty congrats to Urvi Hariyani for giving us such a beautiful story…
Very Good………. it is really an heart touching story
i dont found to discribe a word about the fantastic stories like this so i request to auther for writting this type of heart touching stories on regular base.
અરે સમય બલવાન છે…એક વખત સ્નેહા ની સ્થિતિ ને ધિક્કારનાર જાગ્રૂતિ બહેન આજ એજ સ્થિતિ એ આવી ઉભા હતા….સરસ વાર્તા…
ખુબજ સરસ
મને સૌથી વધારે આ વાક્ય ગમ્યુ.
’સ્વજન ગુમાવવાં કે મેળવવાં આપણા હાથમાં નથી…. તે તો ઈશ્વરના હાથમાં છે…. જે બાબત પર આપણો અંકુશ ન હોય તેવી બાબત આપણી પસંદગીમાં તો આડે ન આવવી જોઈએ…. આવતી કાલે કોણ બાપ કે ભાઈ વગરનું થઈ જશે તેની કોને ખબર હોય છે….?’
Very nice story with a happy ending.
It is a heart touching story that teaches time does not stay the same forever.
If we are rich or poor today, it is not necessary, we will stay the same forever.
We do not know where we will end up in the next moment.
We should not be over proudy or greedy about anything.
We should value the relationships and find ways to be happy in life.
Thank you Urviben.