કૂવામાં પાણીનું ઝાડ – રમેશ પારેખ

[બાળવાર્તા]

જેમાં પચ્ચીસ ખોરડાં એ પાંચાપુર ગામ
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.

પાંચો પટેલ ને પાંચી પટલાણી પાંચાપુરમાં રહે. એમનું એક નાનકડું ખેતર. એમાં બેઉ આખું વરસ મજૂરી કરે ત્યારે માંડમાંડ થોડું અનાજ પાકે. એમાંથી અર્ધું અનાજ વેચે ને અર્ધું ઘર માટે રાખે. આમ બેઉનું ગુજરાન ચાલે છે. એક વરસ ટીપુંય વરસાદ ન પડ્યો. કડકડતો દુકાળ. દુકાળ એવો કે ક્યાંય ઘાસનું તરણુંયે ઊગ્યું નહિ. પાંચા પટેલ ચિંતામાં પડ્યા…. ‘અરેરે… ખેતરમાં કાંઈ ઊગ્યું નહિ; હવે આ વસમા દિવસો કેમ કાઢશું ?’
પટલાણીએ તેમને આશ્વાસન આપ્યું : ‘થયું તે થયું. હવે જીવ બાળ્યે શું વળશે. ક્યાંકથી થોડું થોડું ઉછીનું લાવીને રોડાવશું. આવતી સાલ અનાજ પાકશે તેમાંથી ઉછીનું લીધેલું અનાજ સૌને પાછું આપી દઈશું.’ પણ પટેલની ચિંતા ઘટી નહિ.

તે લમણે હાથ દઈ બોલ્યા : ‘આપણાં નસીબ જ પાધરાં નથી. આવતી સાલ પણ વરસાદ ન થાય તો ?’ પટલાણી ભારે હિંમતવાળાં હતાં : ‘તો પછી ખેતરમાં કૂવો ગાળીએ તો ? કૂવામાં પાણી હોય તો પછી કોઈ ચિંતા જ નહીં.’ આ સાંભળી પટેલ રાજી રાજી થઈ ગયા ને કહ્યું :

ઓ પટલાણી પાંચી !
વાત કહી તે સાચી
જઈએ ચાલો, આજે
કૂવો ગાળવા કાજે
ચાલ હું લઉં છું ત્રિકમ
કરીશ ઝિકાઝિકમ
ખાડો ખોદીશ ઊંડો
તું લે માથે સૂંડો

પટલાણી ઊઠ્યાં, માથે લીધો સૂંડો ને કહ્યું : ‘ચાલો.’ પટેલે ખભે ઉપાડ્યું ત્રિકમ. આવ્યાં ખેતરે ને સારી જગા જોઈને કૂવો ખોદવાની શરૂઆત કરી. પાંચો પટેલ ખોદતા જાય છે ને પટલાણી ટોપલો ભરીને ઠાલવતાં જાય છે. પટેલ પરસેવે રેબઝેબ થઈ ગયા છે. પટલાણી પણ થાકીને ટેં થઈ ગયાં છે. છતાં સાંજ પડે ત્યાં સુધી તે કામ કર્યે જાય છે. અંધારું થતાં બેઉ ઘેર આવે છે. વળી બીજે દિવસે કામ શરૂ કરે છે. આમ કરતાં કરતાં કેટલાય દિવસ વીત્યા. દસ હાથ પહોળો ને પંદર હાથ ઊંડો ખાડો ખોદાઈ ગયો પણ એમાં પાણી નીકળ્યું નહીં. પટેલ માથે હાથ દઈને બેસી પડ્યા : ‘જો હું નહોતો કહેતો, આપણાં નસીબ જ પાધરાં નથી !’ પટલાણી કહે : ‘બસ, આટલા દિવસમાં થાકી ગયા ? આપણી મહેનતનો બદલો જરૂર મળશે. ઊઠો ને કામે વળગો.’ પટેલ વળી પાછા ખોદવા લાગ્યા. બે-ચાર દિવસ પસાર થયા પણ પાણી નીકળ્યું નહિ. પટલાણીએ ફરી તેમને હિંમત આપી :

દહીંનો ફોદો, હંબેલા
ખાડો ખોદો, હંબેલા
ઊંડો ઊંડો, હંબેલા
સૂંડો સૂંડો, હંબેલા
મારો ત્રિકમ, હંબેલા
ઝિકાઝિકમ, હંબેલા
મહેનત ફળશે, હંબેલા
પાણી મળશે, હંબેલા

પટેલ રડમસ અવાજે બોલ્યા : ‘તું કહે છે તો લાવ થોડુંક વધારે ખોદું પણ આપણાં નસીબ પાધરાં નથી હોં…’ આમ કહી તે ધડાધડ ખોદવા માંડ્યા. થોડુંક ખોદ્યું ત્યાં તેનું ત્રિકમ કોઈ ચીજ સાથે અથડાયું ને અવાજ થયો – ખડિંગ… પટેલે જોયું તો લોઢાનું એક કડું દેખાયું. પટેલ નવાઈ પામ્યા. તે બોલ્યા : ‘અલી પાંચી… જો જો….’ પટલાણીએ જોયું તો એનેય નવાઈ લાગી. એ કહે : ‘આપણાં નસીબ ઊઘડ્યા, પટેલ ! જમીનમાં દાટેલાં ચરુનું કડું હશે. થોડુંક ખોદીને એ ચરુ કાઢો. હવે આપણો બેડો પાર છે…..’
પટેલ બોલ્યા : ‘એમ વાત છે ? લે ત્યારે ખોદું….’ એમ કહી તેણે ઝડપથી ખોદ્યું. પટલાણીએ ઝટપટ માટી ભરી લીધી. પછી જોયું તો લોઢાનો દરવાજો દેખાયો. કડું એ દરવાજાનું હતું. પટલાણી આનંદમાં આવી ગયાં. તે કહે : ‘નક્કી આ દરવાજાની પાછળ ખજાનો છે. ઉઘાડો, ઉઘાડો, ઝટ દરવાજો ઉઘાડો….’ પણ દરવાજો એમ કંઈ ઊઘડે ? પટેલે ધક્કા માર્યા, દરવાજો ઊઘડ્યો નહીં, કડાને આમતેમ મરડ્યું, દરવાજો ઊઘડ્યો નહિ. ખૂબ ખૂબ ફાંફાં માર્યાં. દરવાજો ઊઘડ્યો નહીં. આથી પટેલને ચડી રીસ. તેણે તો દાંત ભીંસીને કડું ખેંચ્યું. ત્યાં તો કડડડ કડડડ અવાજ થયો ને દરવાજો ખૂલી ગયો.

બંને જણે અંદર જોયું પણ અંદર તો ઘોર અંધારું કાંઈ દેખાય નહીં. પટેલ કહે : ‘દીવો કરીએ તો અંદર શું છે તે દેખાય.’
પટલાણી કહે : ‘પણ અહીં દીવો ક્યાંથી લાવવો ? હું થોડાંક કરગઠિયાં વીણી લાવું છું. એ સળગાવશું એટલે ભડક થાશે. એના અજવાળે બધું દેખાશે.’
પટેલ કહે : ‘હા, તું ભારે અક્કલવાળી છે હોં…..’ પટલાણી ઝટપટ ગયાં ને કરગઠિયાં વીણી લાવ્યાં. પટેલે ખિસ્સામાંથી બાક્સ કાઢીને કરગઠિયાં સળગાવ્યાં. થોડું અજવાળું થયું. અજવાળું થતાં દરવાજામાં પગથિયાં દેખાયાં. પટેલ કહે : ‘હું પગથિયાં ઊતરીને નીચે જાઉં છું ને તપાસ કરું છું કે શું છે. તું અહીં ઊભી રહેજે.’
પટલાણી કહે : ‘હો, સાચવીને ઊતરજો.’

પટેલ આસ્તે આસ્તે પગથિયાં ઊતર્યા. પૂરાં પચ્ચીસ પગથિયાં હતાં. પછી એક રસ્તો શરૂ થયો. પટેલ એ રસ્તા પર આગળ વધ્યા. રસ્તાની બે બાજુએ જાતજાતનાં ઝાડ છે. નથી સૂરજ કે નથી ચાંદો તોય ઝાકમઝોળ અજવાળું છે. પટેલની નવાઈનો પાર નથી. થોડે દૂર ગયા ત્યાં એક ઝાડ દેખાયું. ઝાડની નીચે એક સોનાની ખિસકોલી છે. ખિસકોલી બેઠી બેઠી રુએ છે. એની આંખમાંથી આંસુને બદલે મોતી ખરે છે ! આજુબાજુ મોતીઓની ઢગલી થઈ ગઈ છે, એ ઢગલીઓમાંથી ઝાકમઝોળ અજવાળું રેલાય છે. પટેલ ખિસકોલી પાસે ગયા. તેને જોઈ ખિસકોલી બોલી :

ચિક ચેક ચૂં ચા ચિક ચેક ચાંઈ
કોણ છો, કોણ છો, કોણ છો, ભાઈ ?
ચિક ચેક ચૂં ચા ચિક ચેક ચામ
કઈ બાજુથી આવ્યા આમ ?
ચિક ચેક ચૂં ચા ચિક ચેક ચી
હું છું ખુશમન ખિસકોલી…..

પટેલ નવાઈ પામ્યાં : ‘અરે, ખુશમન ખિસકોલી, તને તો બોલતાંય આવડે છે ને શું ? વાહ….!’ પછી પોતાની ઓળખાણ આપી : ‘હું પાંચો પટેલ. પાંચાપુરમાં રહું છું. મારા ખેતરમાં કૂવો ખોદતાં ખોદતાં દરવાજો જડ્યો. અને ખોલી જોયો તો પગથિયાં દેખાણાં. આગળ ચાલ્યો તો અજવાળું જોયું. અજવાળે અજવાળે તારા સુધી પહોંચ્યો. પણ હે ખુશમન, તું કેમ રુવે છે ? તને શેનું દુ:ખ છે ?’
ખુશમન ખિસકોલી બોલી : ‘અરેરે પટેલ, મારા દુ:ખની વાત જ પૂછશો મા.’

હું ખિસકોલી ખુશમન
નસીબ મારું દુશ્મન
આંખો મારી રોતી
આંસુ નહીં પણ મોતી

પટેલ બોલી ઊઠ્યા : ‘અરેરે…. તારું દુ:ખ બહુ મોટું. કૂવામાં પાણી ન આવે તો જમીનનો વાંક કાઢીએ. પણ પોતાની આંખમાં પાણી ન આવે તો કોનો વાંક કાઢવો ? પણ હેં ખુશમન, તારી આંખમાંથી આંસુને બદલે મોતી ખરે છે તેનું કારણ શું ?’
તો ખિસકોલી રોઈ પડી ને બોલી : ‘હું જંગલમાં રહેતી’તી. ત્યાં એક ઋષિ તપ કરતા હતા. એક દિવસ એણે મારી પાસે પાણી માગ્યું, મેં કહ્યું : ‘સામે ડુંગર છે, તેની પાછળ તળાવ છે. ત્યાં જઈ પાણી પી આવો. હું તમારું કામ કરવા નવરી નથી.’ આ સાંભળી ઋષિ ખિજાઈ ગયા. તેણે શાપ આપ્યો કે :

બૂમ બૂમ બૂમ બૂમ બૂમ
તારાં આંસુ ગુમ
આખો દિ’ તું રડશે
દડદડ મોતી દડશે
બેઠી બેઠી રડજે
પાંચા પટેલને જડજે

પાંચા પટેલ બોલ્યા : ‘તું મને જડી પરંતુ તારી આંખમાંથી હજીય મોતી ખરે છે. બોલ, હવે શું કરશું ?’ ખુશમન ખિસકોલી રોતાં રોતાં બોલી : ‘મને તમારી સાથે લઈ જાવ. તમે કૂવાનું પાણી ગોતજો, હું મારી આંખનું પાણી ગોતીશ.’
પાંચા પટેલ કહે : ‘હંઅઅ, તારે આવવું હોય તો મને શો વાંધો હોય ?’ ખિસકોલી તો ચાલી પાંચા પટેલની સાથે.

આગળ આગળ ખિસકોલી ને
પાછળ પાંચા પટેલ રે
સાંજ પડી ત્યાં સુધી ચાલ્યાં
ત્યાં દેખાયો મહેલ રે
ઊંચી ઊંચી અટારીઓ ને
ઊંચી ગઢની રાંગ રે
દરવાજા પર ઊભા સંતરી
લઈ હાથમાં ડાંગ રે
નકશીવાળી ભીંતે જડિયાં
હીરા મોતી ઝાઝાં રે
એક અટારીમાં બેસીને
ડબડબ રડતો રાજા રે

પટેલ ને ખુશમન ખિસકોલી રાજાજીના મહેલ પાસે જઈ ઊભાં. દરવાજા પર ચોકી કરતાં સંતરીને પૂછ્યું : ‘હેં ભાઈ, આ કયો દેશ છે ? આ દેશના રાજાજીનું નામ શું છે ને કેમ રુવે છે ?’ સંતરી રડી પડ્યો ને બોલ્યો : ‘ભાઈ, તમે પરદેશી લાગો છો. આ દેશનું નામ છે ટપકગઢ. ને રાજાજીનું નામ છે નળશંકર. દેશમાં દુકાળ પડ્યો છે. એવો દુકાળ છે, એવો દુકાળ છે કે…..

ઝરણાં સુકાણાં છે ને ગરણાં સુકાણાં છે
ઝાડવાં સુકાણાં છે ને તરણાં સુકાણાં છે
નદી રે સુકાણી છે ને નાળાં રે સુકાણાં છે
પાણીદાર મૂછ ને મૂછાળા રે સુકાણા છે

પાંચા પટેલે ઊંચે જોયું તો રાજાએ ડોકું હલાવી કહ્યું : ‘હા ભાઈ, આ સંતરી કહે છે તે વાત સાવ સાચી છે.’ આ સાંભળી પટેલની આંખમાં બોર બોર જેવડાં આંસુ આવ્યાં. એ આંસુ નીચે પડે એટલામાં તો સંતરીએ બેઉ આંસુ પોતાની હથેળીમાં ઝીલી લીધાં. રાજાજી તરત નીચે ઊતર્યા. સંતરીના હાથમાં આંસુ જોઈ આનંદથી નાચવા લાગ્યા : ‘પાણી…. ચોખ્ખું ચટાક પાણી….’
પાંચા પટેલ કહે : ‘રાજાજી, હું ખેડૂત છું. મારું આંસુ તમારા ખેતરમાં વાવો. નક્કી ચમત્કાર થશે.’ એક આંસુ આપ્યું ખિસકોલીને : ‘લે, અડધું આંસુ ડાબા કાનમાં ને અડધું આંસુ જમણા કાનમાં નાખ. નક્કી ચમત્કાર થશે.’
રાજાજીએ પોતાના સેવકોને આજ્ઞા કરી : ‘જાવ, આ આંસુ લઈ જાવ ને હમણાં ને હમણાં ખેતરમાં વાવો.’
‘જેવી મહારાજની આજ્ઞા’ કહેતાં સેવકો પાંચા પટેલનું આંસુ વાવવા ગાતાં ગાતાં ઊપડ્યા.

હાલોને વાવવા, હાલોને વાવવા
પાંચા પટેલનું આંસુ રે
વાડીમાં ઊગશે, ખેતરમાં ઊગશે
લીલુંચટ્ટાક ચોમાસું રે

એક આંસુની વાવણી થઈ. બીજું આંસુ ખિસકોલીએ અડધું પડધું બેઉ કાનમાં નાખ્યું. સાંજ પડી ત્યાં તો ખિસકોલીની બેઉ આંખોમાં આંસુની ઝીણી ઝીણી કૂંપળ ફૂટી. રાજાજીના ખેતરમાં ને વાડીમાં આંસુના કૂણા કૂણા કોંટા ફૂટ્યા. એક દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ થયો ત્યાં તો રાજાજીની વાડી ને ખેતરમાં આંસુનો મબલખ મોલ ઊગી નીકળ્યો. આખા ખેતરમાં ચોખ્ખાં ચોખ્ખાંચટ્ટાક આંસુઓ ડળક ડળક ડોલે છે, આ જોઈ રાજાજીના હરખનો પાર નથી. તેની આંખમાં ઝળઝળિયાં આવ્યાં આનંદનાં, ને આંસુ ટપક્યાં ટપક ટપક…ટપક… પણ આ શું ? એમની આંખમાંથી આંસુને બદલે સાચાં મોતી દડે છે ! ખિસકોલીની આંખમાંય આંસુનો છોડ લહેરાતો હતો. તેની ડાળેથી સાચાં આંસુ ખરવા લાગ્યાં. ટપક….ટપક… મોતીને બદલે આંસુ ! ખિસકોલીના આનંદનો પાર નથી…….

રાજાજી ખુશખુશ-ખુશમન ખિસકોલી ખુશખુશ. એને જોઈને પાંચા પટેલ પણ ખુશખુશ.
રાજાજી કહે : ‘પટેલ, તમે અમારા રાજ્યમાં રહો.’
પાંચા પટેલ કહે : ‘ના રે…. અમે ખેડૂત. પાંચાપુરમાં મારું ખેતરને કૂવાને કાંઠે પટલાણી રાહ જુએ છે.’ તેમણે ખભે ફાળિયું મૂકીને હાથ જોડ્યા ને કહ્યું : ‘રાજાજી, હવે અમને જવાની રજા આપો.’
ખુશમન ખિસકોલી બોલી : ‘ક્યાં ઊપડ્યા પટેલ ?’
પાંચા પટેલ કહે : ‘રાજાજીના વાડી ખેતરમાં મોલ ઊગ્યા. હજી મારું ખેતર સાવ સૂકું છે. એને માટે પાણી ગોતવા !’
ખુશમન ખિસકોલીએ કહ્યું : ‘નથી જવું ક્યાંય, પાછા વળો.’
પટેલે પૂછ્યું : ‘કેમ ?’
તો ખિસકોલી બોલી : ‘હું કહું છું એમ !’
પાંચા પટેલ ભોળા. ખિસકોલી માથે ભરોસો મૂકીને પાછા વળ્યા. ચાલતાં ચાલતાં આવ્યા ભોંયરા પાસે. ભોંયરું વટાવ્યું કે પગથિયાં આવ્યાં. પગથિયાં ચડતા ત્યાં પોતાનું ખેતર. ખેતરના કૂવામાં પોતે ઊભા છે તે કાંઠે પટલાણી ઊભા ઊભાં વાટ જુએ છે. પટેલ કૂવામાંથી બહાર આવ્યા. સાથે ખિસકોલીયે હતી.

પટલાણી બોલ્યા : ‘તમે તો બહુ રાહ જોવડાવી. ભૂખ લાગી છે ને ? ચાલો, ખાઈ લ્યો. હું તમારા માટે ભાત લાવી છું.’ પટેલ બેઠા. પટલાણીએ ભાતની પોટકી છોડી. બે સૂકા રોટલા ને બે લીલાં મરચાં. સાથે દોણી ભરીને છાસ. પટેલે ખુશમન ખિસકોલીનેય છાશ ને રોટલો ખાવા આપ્યાં. એ ખાઈને ખુશમન ખિસકોલી બોલી : ‘હાશ !’ છાશ પીધી તેથી ખુશમન ખિસકોલીના પેટમાં એયને મજાની ઠંડક થઈ. આનંદ આનંદ થઈ ગયો. આંખમાંથી હરખનાં આંસુ દડવા લાગ્યાં… ટપક….ટપક… ને ચાલ્યો રેલો. રેલો દડતો દડતો પહોંચ્યો પટેલે ગાળેલા ખાલી કૂવામાં. ખુશમન ખિસકોલીનાં ખોબોક આંસુ પડે છે ત્યાં કૂવાને તળિયેથી બે હાંડા જેટલું પાણી ઉપર આવે છે. થોડીવારમાં તો પાંચા પટેલનો કૂવો છલકાઈ ગયો, ચિક્કાર !
એ જોઈ પટેલ બોલ્યા : ‘આલ્લે લે ! કૂવામાં પાણીનું ઝાડ ઊગ્યું, ઝાડ !’ ખુશમન ખિસકોલી ખિલખિલ હસી પડી.
ત્યાં પાંચા પટેલ બોલ્યાં : ‘અરે બાઈ, મારા માટે તું આટલું રડી ? ભગવાન તારું ભલું કરે. પણ કૂવાનું પાણી મારે શા કામનું ?’ તારાં આંસુ ખારાં ખારાં ઉસ હશે. એનાથી મારું ખેતર પાઉં તો વાવેલું બળી જ જાય ને ?’
ખુશમન ખિસકોલી હસી પડી : ‘તમે એ પાણી ચાખી તો જુઓ !’
પટેલે ખોબો ભરીને કૂવાનું પાણી ચાખ્યું તો નાળિયેરનાં પાણી જેવું મીઠું મધ ! પટલાણીએ ચાખ્યું તો મીઠું મધ.
ખુશમન બોલી : ‘કેમ ?’
પટલાણી બોલ્યા : ‘તેં કીધું એમ !’
પાંચા પટેલની આંખમાં હરખનાં આંસુ આવ્યાં. તે બોલ્યાં : ‘હવે મારું ખેતર લીલુંછમ થઈ જાશે.’ ત્યાં ખિસકોલી પૂંછડી ઊંચી કરતીકને બોલી : ‘લ્યો આવજો, હું જાઉં છું.’
પાંચા પટેલે પૂછ્યું : ‘ક્યાં જાશ ?’
તો ખુશમન ખિલખિલ કરતી કહે : ‘ઘણા કૂવા પાણી વગર ખાલીખમ પડ્યા છે તેને પાણીથી છલકાવવા….’

પટેલ ને પટલાણીએ એનાં દુખણાં લઈ કહ્યું :
‘સુખી થાજે ને સૌને સુખી કરજે….’
ખિસકોલી : ‘ચિક ચેક ચૂં ચા ચિક ચેક ચાઈ…’ ગાતી, પૂંછડી હલાવતી કૂદતી દોડી ગઈ… દૂર… દૂર…. દૂર…
પટેલ-પટલાણીએ ખાધું, પીધું ને મજા કરી….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શુકનમાં લાપસી જ શા માટે ? – વૈદ્ય રામ ભારતેન્દુ શુકલ
વિચાર મંથન – સતીશ વ્યાસ Next »   

27 પ્રતિભાવો : કૂવામાં પાણીનું ઝાડ – રમેશ પારેખ

 1. nayan panchal says:

  સરસ મજાની વાત.

  મજા આવી ગઈ.

  નયન

 2. kumarpal says:

  બોધપ્રદ વારતા…..
  કોઈનિ મદદરુપ થનાર ને ભગવાન હમેશા મદદ કરે જ////

 3. Priti says:

  મને મારુ બચપન યાદ આવી ગયુ. સરસ વાર્તા……….

  પ્રીતિ

 4. karan Patel says:

  ખુબ જ સરસ એકદમ સુન્દર.

 5. સુંદર વાર્તા, આ આંસુનું વાવેતર કરવા જેવું છે. શું કોઈના દુઃખડા જોઈને આપણી આંખમાં આંસુ આવે છે?

 6. pragnaju says:

  ર.પા.ની સુંદર રચનામાની એક મઝાની વાત્

 7. Gaurang Sheth says:

  ખબ મજા આવી….લાંબી વાર્તા વાંચવાની….જોડકણાં ગાવાની………મદદરૂપ થવાનો સ્વભાવ સહુએ કેળવવો જોઇએ.
  —હિતાર્થ, કિંજલ, ગૌરાંગ – સુરત

 8. Akhil Dave says:

  WOW..

  Eagerly looking for “BAL VARTA”.

  Good Story

 9. Akhil Dave says:

  It is demand of time to listen and told such a nice gujarati stories to our chids

 10. JIGNESH says:

  સુંદર વાર્તા, આ આંસુનું વાવેતર કરવા જેવું છે. શું કોઈના દુઃખડા જોઈને આપણી આંખમાં આંસુ આવે છે?

  સરસ મજાની વાત.

  મજા આવી ગઈ.

 11. parth says:

  આંસુનું વાવેતર. બાલ વારતા pan kharekhar aje ava aansuna vavetar ni jaruriyat che
  બચપન યાદ આવી ગયુ
  પાર્થ

 12. DHIRAJ says:

  adabhoot!!!!!!!!

  me mara bal-mandal ma balako ne aa varta kiddhi badha khush-khush thai gaya

  ane haji 1 mahino thai gayo toy gaay chhe

  “chik chek chuncha khik chek chai…………..”

 13. sureshptrivedi says:

  ALMIGHTY ALWAYS GIVE REWARD TO THOSE WHO WORK HARD HONESTLY.IT MAY HAPPEN SOMETIMES THAT YOU TRY HARD AND DONT GET ENOUGH AND YOU GET DEJECTED BUT THERE IS ALWAYS A SILVER LINING TO ALL CLOUDS BUT SOME ARE SEEN AND SOME ARE HIDDEN SO YOU MUST GO ON WITH YOUR EFFORT TO GET THAT HIDDEN CLOUDS TO GET YOU YOUR REAL LUCKY TREASURE LIKE “PANCHA PATEL”FOUND AND GOT.

 14. panna says:

  i am story lover.i lovd this story come article very much.my grand children will
  enjoy a lot when i tell this interesting story to them.they will learn how to be hlpful to others.thanks rameshbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.