મબલખ મસ્તી – ગઝલો અને કાવ્યો.

ટહુકો – અંકિત ત્રિવેદી

ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ?
તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ?

તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?

ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ?

તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ?

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી ?

સંત – રમેશ પારેખ

પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા

કેવળ હસ્તી; ગરીબાઈ કે ગરથ અડે નહીં કશાં
નિજમાં નિજની મબલખ મસ્તી, છતાં ઉન્મની દશા

ટેવે સૌને સરખાં, એને નહીં અરિ, નહીં સગલાં

આજ કોઈને ફળિયે, કાલે કોઈ અરણ્યે જડે
પડે ન સ્હેજે ખુદનો ડાઘો એમ જગતને અડે

દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં

પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા

હું કોઈ જવાબ દઉં – હેમંત ધોરડા

ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.

હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ
દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.

શું પરણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી
તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.

આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ
દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.

તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપત છે અરથમાં પણ
મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.

એ જ છે – હેમેન શાહ

ધ્યેય છે વર્ષો-પુરાણું, ત્યાં જતો પથ એ જ છે,
માનવી બદલાય છે કિન્તુ મનોરથ એ જ છે.

જે સુનિશ્ચિત હોય એ ટાળી શકાતું હોય છે,
આ ભલે ચોઘડિયું, શસ્ત્રો, સારથિ, રથ એ જ છે.

કોઈ આખી જિંદગી એ શોધમાં કાઢી શકે,
કોઈ પાસે એ સ્વયમ્ આવે, પદારથ એ જ છે.

ફૂલને ખરવું, ધુમાડાને વિખેરાવું રહ્યું,
કોઈ અસમંજસ નથી, વર્તન યથાતથ એ જ છે.

દોષ વીણીવીણીને પોતાના જે ફેંકી શકે,
શું રહે બાકી પછી ગુસાંઈ ? સમરથ એ જ છે.

હું ય મહેફિલમાં કશુંક બહું હોંશથી લાવ્યો હતો,
જાઉં છું પાછો હું ત્યારે વાત અણકથ એ જ છે.

વેરી થઈને – સુરેશ દલાલ

દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને,
અમૃતનો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને

તનોમંથન ને મનોમંથન
        કે મંથનનું એક ગામ
દુકાળ ને અતિવૃષ્ટિથી
        આ જીવન થયું બદનામ

દાવાનળમાં મનોરથોને સાવ વધેરી દઈને
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને.

પગ અટક્યા છે, આંખે ઝાંખપ
        કાનનો અવાજ ન ઊકલે
થાકથાકની ધાક શરીરમાં
        પેઠી તે નહીં નીકળે

ઊભો થઈશ કે નહીં : ખાટલો આ ખંખેરી દઈને ?
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યમેવ જયતે !!
સાસુ ‘રીચાર્જ’ થાય છે – અરુણા જાડેજા Next »   

14 પ્રતિભાવો : મબલખ મસ્તી – ગઝલો અને કાવ્યો.

 1. એક સાથે પાંચ-પાંચ કાવ્યોનો સુંદર ગુલદસ્તો મોકલવા બદલ ધન્યવાદ.

  ઘણી પંક્તિઓ દિલને સ્પર્શી જાય તેવી છે:

  તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
  દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?
  ****
  આજ કોઈને ફળિયે, કાલે કોઈ અરણ્યે જડે
  પડે ન સ્હેજે ખુદનો ડાઘો એમ જગતને અડે

  દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં
  ****
  કોઈ આખી જિંદગી એ શોધમાં કાઢી શકે,
  કોઈ પાસે એ સ્વયમ્ આવે, પદારથ એ જ છે.

  – બ્લોગ તો અમે પણ ચલાવીએ છીએ. પણ બ્લોગ પર રોજ જ વાંચનસામગ્રી મૂકવી અને તેય આ રીતે મબલખ મૂકવી હોય તો એના માટે કંઈ અલગ જ જિગર જોઈએ… તમારી આજની આ પ્રવૃત્તિ આવતીકાલની પેઢી માટે રાહબર બની રહેશે. મારા પ્રતિભાવો ભલે નિયમિત ન હોય, પણ આપનું આ એ-દૈનિક હું નિયમિત વાંચતો રહું છું.

 2. JAWAHARLAL NANDA says:

  nice to read ! go ahead ! ! bhavya prayatna ! !

  aabhar ! ! ! aavi sari gazlo vanchvani tak aapva badal

  phari thi aabhar ! ! ! !

 3. ketan says:

  hi,
  I m Ketan Mistry from UAE. i want to read “Leela” from asif randeri.i don’t know the name of this book but i think tht it’s by Asif Randeri.
  plz help me.

  Ketan.

 4. meeta arjun dave says:

  “Ankit Trivedi” shabdo sathe no tamaro nato ‘chhata’bharyo hoy chhe. Tamne sanbhadva jetalaj vanchava pan game chhe.Ahi tamari ane tamari “Udasi”ni guftegu ni sakxi thava nu gamyu.Aa bhashani j takat nathi ke nakri udasi pan aam prasann kari jay?!

 5. payal dave says:

  shabd ne vanchva ni sathe sathe aema farva ni khub j maza ave che…

 6. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.