વિશ્વનાં યાદગાર પ્રવચનો – સં. સુરેશ દલાલ, મહેશ દવે

[જે વાચકમિત્રો વાચન સાથે પુસ્તક વસાવવાનાં શોખીન હોય તેમને માટે તાજેતરમાં પ્રકાશિત થયેલું આ એક અદ્દભુત અને વસાવવાલાયક પુસ્તક છે. જેમણે જાતમહેનતથી જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું છે તેવા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓના શ્રેષ્ઠ પ્રવચનોનું આ સુંદર સંકલન છે. ધર્મ-અધ્યાત્મવિશ્વ, સ્વદેશ, સાહિત્ય, વિજ્ઞાન-કલા-વ્યાપાર, સમાજ અને વિદેશ એમ કુલ છ વિભાગોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. આ દળદાર પુસ્તકમાં કુલ 91 જેટલા પ્રખ્યાત વક્તવ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકની વધુ માહિતી આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ધર્મ અને વિજ્ઞાન – ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ

[ડૉ. અબ્દુલ કલામ તામિલનાડુમાં આવેલા રામેશ્વરમ ગામમાં મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ્યા. નાનપણથી પવિત્ર, સર્વધર્મ સમભાવ, પ્રેમાળ, હુંફાળા વાતાવરણમાં ઉછર્યા. ગામમાં શાળાશિક્ષણ લઈ ટ્રિચી અને ચેન્નાઈ ભણી MITના એન્જિનિયર થયા. પહેલેથી ગણિત, અવકાશવિજ્ઞાન, ખગોળ અને એન્જિનિયરિંગમાં રસ. સરકારી સંસ્થાઓ અને ડૉ. વિક્રમ સારાભાઈ સાથે કામ કરી નામ કાઢ્યું. ભારતના રાષ્ટ્રપતિ બન્યા. પ્રસ્તુત છે રમણભાઈ પટેલ, AMA સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે આપેલ તેમનું વક્તવ્ય ટૂંકાવીને.]

1962માં હોમીભાભા અને વિક્રમ સારાભાઈ બંને જણ વિધુત-ચુંબકીય કિરણોના વિષયમાં શોધસંશોધન કરી રહ્યા હતા. જેને અંગ્રેજીમાં કોસ્મીક રિસર્ચ કહે છે. બ્રહ્માંડ સંબંધિત શોધખોળ, કોસ્મિક કિરણોનું ઉગમ સ્થાન ક્યાં છે ? ક્યાંથી તે શરૂ થાય છે ? તેમને આ બધાં વિશે સંશોધાન કરવું હતું. કેરળમાં થુમ્બા નામની વિષુવવૃત્તની નજીકની જગ્યાએ રોકેટ લૉન્ચીંગ સ્ટેશન ઊભું કરવું હતું. કેરળ રાજ્યના અતિ સુંદર લીલાછમ દરિયાકિનારાની નજીક એ આવેલું છે. રોકેટ મોકલવા માટે અને અવકાશીય સંશોધન માટે આદર્શ સ્થળ.

ડૉ. વિક્રમ સારાભાઈએ કેટલીય જગ્યાઓ જોયા પછી આ સ્થળ નક્કી કર્યું. તેમને 400 એકર જમીનની જરૂર હતી. સૌથી પહેલાં તો તેમણે અમલદારશાહીની મદદ લીધી. આઈ.એ.એસ. ઑફિસરોનો કાગળો, વિનંતીઓ, પ્રોજેક્ટ રિપોર્ટની ફાઈલો મોકલી. માંડમાંડ જવાબ આપ્યો : ‘તમારે આ દરિયાકાંઠે 400 એકર જમીન જોઈએ છે ? કોઈ રીતે આ શક્ય નથી. અહીં તો હજારો માછીમારોના જીવનમરણનો સવાલ છે. તેમનો જીવનનિર્વાહ આ દરિયાની માછલીઓ પર જ અવલંબે છે. વળી આ વિસ્તારમાં એક દેવળ છે. આ ચર્ચના ધર્મગુરુ પાદરી પણ ત્યાં જ રહે છે. અમે તો તમને જગ્યા અપાવી નહીં શકીએ. તમે ઉપર જાઓ, તો કંઈ નિકાલ થાય.’ ઉપર એટલે પ્રધાનો પાસે, લાગવને આશરે. વિક્રમ સારાભાઈ એક પ્રધાનને મળ્યા. તેમણે કહ્યું, ‘વિજ્ઞાન તો મહાન ચીજ છે. પણ તમારી માંગણી જરા વધુ પડતી છે. તમને આટલી બધી જમીન મેળવવામાં એક જ વ્યક્તિ ખરેખર મદદરૂપ થઈ શકે તેમ છે. તે દેવળના બિશપ. તેઓ ત્યાં તિરૂવંથપુરમાં જ રહે છે. તેમનું નામ ફાધર રેવરન્ડ પિટર બેરીરા છે. મને ખાતરી છે કે, જો મદદ કરી શકે, તો ફક્ત તેઓ જ કરી શકશે. બીજું કોઈ નહીં.’

તે દિવસે શનિવાર હતો. ડો. વિક્રમ સારાભાઈ ફાધર રેવરન્ડ પિટર બેરીરા પાસે પહોંચ્યા. તેમને માંડીને વાત કરી કે, ‘આપણા દેશમાં વિજ્ઞાનની પ્રગતિ માટે, શોધ અને સંશોધન માટે મારે આ જગ્યાની જરૂર છે. અમારે અહીં રોકેટ લૉન્ચીંગ સ્ટેશન અને પ્રયોગશાળા બનાવવી છે. આ જમીનની મારે નહીં, પણ દેશને જરૂર છે.’ ફાધર વિચારમાં પડ્યા. તેમણે ખૂબ વિચારીને જવાબ આપ્યો, ‘ભાઈ વિક્રમ, આ જગ્યા મારી નથી. મારા બાળકોને આ જગ્યા પ્રભુએ રહેવા માટે આપી છે. તેમનો જીવનનિર્વાહ ચલાવવા માટે આપી છે.’ બંને બાજુની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે હવે કરવું શું ?!

ફાધરે ડૉ. વિક્રમ સારાભાઈને કહ્યું, ‘તમે રવિવારે ચર્ચમાં આવશો ? કાલે ?’ ડૉ. વિક્રમ સારાભાઈ રવિવારે નિર્ધારિત સમયે ચર્ચમાં પહોંચી ગયા. ફાધર બેરીરા બાઈબલ વાંચી રહ્યા હતા. ચર્ચમાં વિશાળ મેદની શાંત ચિત્તે તેમને સાંભળી રહી હતી. ભાષણ પૂરું થયું. છેલ્લે બધાં જ સાથે ‘આમેન’ બોલ્યાં. સભા પૂરી થતાં જ પાદરી શ્રી બેરીરાએ બધાંને થોડીવાર થોભવાનું અને પોતપોતાની જગ્યાએ બેસી જવાનું કહ્યું. ડૉ. વિક્રમ સારાભાઈને સ્ટેજ પર બોલાવ્યા. પોતાની બાજુમાં ઊભા રાખીને તેમની ઓળખાણ કરાવી. ‘મારા વ્હાલા પ્રભુમાં શ્રદ્ધા ધરાવતા ભાઈ-બહેનો, આપણી સમક્ષ આજે એક મહાન વૈજ્ઞાનિક ઊભા છે. તેઓ મોટાં શોધ-સંશોધન કરવા માંગે છે. આપણી પાસે એ કંઈક માગવા આવ્યા છે. તમને તો ખબર છે ને, કે વિજ્ઞાન આપણા પ્રશ્નોના જવાબ શોધે છે. કોઈપણ ક્રિયા પાછળનું કારણ વિજ્ઞાન આપણને શોધી આપે છે. આ મહાન વૈજ્ઞાનિકોને કારણે તો માનવીએ આજે દરેક ક્ષેત્રે આટલી પ્રગતિ સાધી છે. આ બાહોશ વૈજ્ઞાનિકોએ કરેલાં સંશોધનથી આપણે ઢગલાબંધ અનાજ તથા ફળો ઉગાડી શકીએ છીએ, કેટકેટલાં રોગો સંપૂર્ણપણે નાબૂદ થયાં છે તથા કાબૂમાં આવ્યાં છે અને ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ આવી ગઈ છે ! અહીં તમે હજારોની સંખ્યામાં ભેગા થયા છો ત્યારે મારે તમને એક ખૂબ અગત્યની વાત કહેવી છે. ધર્મ એટલે શું ? ધર્મનું ક્ષેત્ર શું છે ? આપણે ધર્મ શા માટે કરીએ છીએ ? જવાબ છે કે પ્રભુ આપણા પાપ માફ કરે અને આપણને સત્યનો સાચો માર્ગ બતાવે, ખરું ને ? જ્યારે ધર્મ એવા ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે – જેને આપણે સ્પિરિચ્યુઆલીઝમ કહીએ છીએ – ત્યારે તે ખરો ધર્મ ગણાય છે. વિજ્ઞાન પણ અંતે તો આ જ કામ કરે છે ને ? વિજ્ઞાનની શોધખોળોનો લાભ બધાને મળે છે. જાતપાતના ભેદભાવ અહીં નથી રહેતા. આ વૈજ્ઞાનિકને અહીં આપના સહુના વિકાસ માટે રોકેટ લૉન્ચીંગ સ્ટેશન બનાવવું છે. તેમને આપણી આ જમીન જોઈએ છે. તમે એટલું બલિદાન કરી શકશો ?’

‘બોલો, આ જમીન આપીશું ? માનવસંસ્કૃતિના વિકાસ માટે આટલું બલિદાન કરી શકીશું ? આ ભાઈ મને કહે છે કે ફક્ત દોઢ વર્ષમાં, તેઓ આ જગ્યાને તદ્દન નવું સ્વરૂપ આપી દેશે. આપણને નવું ચર્ચ પણ મળશે. પણ, હમણાં તો આપણે આ ચર્ચ પણ આપી દેવું પડશે.’ બે મિનિટ માટે સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ. નાનકડી ટાંકણી નાંખો, તો ય અવાજ કરે, તેવી શાંતિ ! પછી બધાં ઉભાં થયાં અને એકી અવાજે બોલ્યા : ‘આમેન’, ‘આમેન’, ‘આમેન’. અણધારી જ સફળતા મળી, જગ્યા મળી ગઈ ! બે અઠવાડિયામાં તો ચર્ચની કાયાપલટ થઈ ગઈ. જ્યાં પ્રભુનો નિવાસ હતો, ત્યાં પ્રભુની નિશ્રામાં અમે વૈજ્ઞાનિકો અમારી પ્રયોગશાળાઓ સાથે ગોઠવાઈ ગયાં. આ ચર્ચમાં મેં મારી જિંદગીની પહેલી રોકેટની ડિઝાઈન બનાવી અને મારું મોટાભાગનું સંશોધનાત્મક કાર્ય મેં આ ચર્ચમાં જ કર્યું. આજે તો આ બંને મહાન વ્યક્તિઓ આપણી વચ્ચે નથી. પણ એ ઉમદા હૃદય ધરાવતા ઉચ્ચ મૂલ્યનિષ્ઠ આદમીઓએ રોપેલ એ ‘સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન’રૂપી નાનકડા બીજનું મોટું વટવૃક્ષ આજે ISRO રૂપે થયું છે.
.

[2] મારો ભાગ્યવિધાતા – નરેન્દ્ર મોદી

[નરેન્દ્ર મોદી ગુજરાતના મહેસાણા જિલ્લાના નાના પણ પ્રસિદ્ધ ગામમાં જન્મ્યા, ભણ્યા અને ઉછર્યાં. સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાંથી આપબળે આગળ વધ્યા. કિશોરવયથી સમાજ અને રાષ્ટ્ર માટે કશુંક કરી છૂટવાની ભાવના. તે કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. 2001માં પક્ષે તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા. 2002 અને 2007માં એ ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. વસુધા વાઘ લિખિત અને જયા મહેતા અનુવાદિત પુસ્તક ‘જન્માક્ષર: વિધાતાના હસ્તાક્ષર’ પુસ્તકના વિમોચનપ્રસંગે આપેલું પ્રવચન, તા. 19 માર્ચ, 2003.]

આજે એક એવા વિષય પર ચર્ચા છે કે જેમાં હું ખાસ કંઈ યોગદાન કરી શકું એવો માણસ નથી. જેના પગ મજબૂત ધરાતલ પર ઊભા હોય એને કુંડળીઓ ગમે ત્યાં લટકે, પરિસ્થિતિ પલટતી નથી. કુંડળીઓ જીવનનિર્માણ ન કરી શકે. દરેકેદરેક પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે જીવતા હોય છે. પણ વસુધા વાઘ લિખિત ‘જન્માક્ષર:વિધાતાના હસ્તાક્ષર’ પુસ્તક જોઈને મને આનંદ જરૂર થયો. કારણ, આ પુસ્તકમાં શાસ્ત્રોક્ત ચર્ચા બહુ નથી. અનુભવની વાત વધારે છે. આપણા દેશમાં જ્યોતિષ સંબંધમાં વિવાદ ઓછો છે, પણ ફળાદેશ સંબંધમાં વિવાદ વધારે છે. જ્યોતિષને શાસ્ત્ર તરીકે આપણા પૂર્વજોએ અનુભવના આધારે, ગ્રહોની ગતિ બાબતમાં જ્ઞાનના આધારે અને માનવમન પર થતા પ્રભાવના આધારે વિકસિત કર્યું છે. પરંતુ કમનસીબે આપણા દેશમાં ગુલામી કાળના માણસોનો એટલો બધો પ્રભાવ રહ્યો છે અને એના કારણે આપણું એટલે બધું નકામું, આપણું એટલે બધું પુરાણપંથી એવી એક વિચિત્ર પ્રકારની ગ્રંથિ ઘર કરી ગઈ છે. એના પરિણામે તમને ખબર હશે દિલ્હીમાં એક મોટો વિવાદ ચાલે છે કે જ્યોતિષશાસ્ત્ર ભણાવવું જોઈએ કે ન ભણાવવું જોઈએ. એનો વિરોધ કરનાર ઘણું કરીને કહેવાતા દંભી, બિનસાંપ્રદાયિક લોકોની જમાત છે. અને મજા એ છે કે એ લોકો નાની બાબતમાં પણ તરત જ જ્યોતિષીઓને કન્સલ્ટ કરતા હોય છે. આવા દંભી લોકોના પોતાના જીવન માટેના અને સમાજને ઉદ્દબોધન કરવા માટેના માપદંડ જુદા હોય છે.

જ્યોતિષ એ વિજ્ઞાન છે કે નહીં એ બાબતમાં વિવાદ હોઈ શકે. એવું તે શું કારણ છે કે આપણે કવિતા ભણાવીએ છીએ ? કવિતામાં જો આપણે આખું કલ્પનાજગત ભણાવતા હોઈએ અને એમાં કોઈ વિવાદ ન હોય તો જ્યોતિષ ભણાવવામાં વાંધો શો છે ? આ આખીય માનસિકતાની સામે આ પુસ્તક એક દિશા ચીંધે છે.

મારા પોતાના અનુભવ જુદા છે. એક પણ છાપાવાળાએ એક પણ અખબારમાં ક્યારેય એવું લખ્યું નથી કે નરેન્દ્ર મોદી નામનો માણસ ક્યારેક મુખ્યમંત્રી બનશે. દર વર્ષે દિવાળી પછી ચારથી છ પાનાંનું જ્યોતિષનું છાપું નીકળે છે. જિજ્ઞાસાવશ હું એ લઈને બેસતો. પહેલાં ‘લ’ અક્ષરની રાશિ વાંચતો કારણ કે ત્યારે લાલબહાદુર શાસ્ત્રી જીવતા હતા. રાશિ વાંચીને હું મેળ બેસાડતો. પછી ‘ઈ’ અક્ષરની રાશિ વાંચતો (ઈન્દિરા ગાંધી). બહુ કંટાળું તો ‘ન’ અક્ષરની રાશિ વાંચતો. મારું જ્યોતિષી પાસે પહોંચવાનું બન્યું નથી. એનું કારણ એ હતું કે ત્યારે ગજવામાં પૈસો નહોતો. મારી આસ્થા નહોતી એવું નહોતું, પણ કોઈએ પણ મને કહ્યું નથી કે હું સત્તાના રાજકારણમાં જઈશ કે સત્તમાં જઈશ.

મને જ્યોતિષમાં રસ હોવાનું બીજું કારણ હતું, કારણ કે હું આર.એસ.એસ.ના પ્રચારક તરીકે કામ કરતો હતો. નિત્ય પ્રવાસ કરતો. જીવનનો 33% સમય મેં પૈંડા ઉપર જ કાઢ્યો છે, એટલો બધો પ્રવાસ કર્યો છે. જ્યોતિષ જીવવા માટે મદદ કરતું હોય છે એ મેં અનુભવ્યું છે. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી. દેશના ગણમાન્ય લોકો જેલમાં હતા. મારા બધા સાથીઓ જેલમાં હતા. હું ભૂગર્ભમાં હતો. અંડરગ્રાઉન્ડ મૂવમેન્ટ ચલાવતો હતો. બધાને જેલમાંથી છોડાવવા માટેની મૂવમેન્ટ હતી. પોલીસ પકડી ન જાય એની કાળજી લેવાની હતી. જ્યૉર્જ ફર્નાન્ડીઝ, રવીન્દ્ર વર્મા, નાનાજી દેશમુખ આ બધા મહારથીઓ એ વખતે અમને દિશાસૂચન કરતા હતા. જાતજાતની વેશભૂષા કરવી પડતી. ક્યારેક સરદાર બનીએ, ક્યારેક સ્વામી બનીએ અને જેલમાં અમારે સતત એક વાતાવરણ ઊભું રાખવું પડે. મનની અંદર નિરાશા ન આવવી જોઈએ. જેલમાં બધા ટકી રહેવા જોઈએ. જેલ એ તો મિસાનો કાળો સમુદ્ર હતો. લોકો ક્યારે છૂટીને આવશે કહેવાય નહીં. આવી વિકટ સ્થિતિ હતી. તે વખતે આ એક નુસખો ધ્યાનમાં આવેલો. સરસ મજાની કુંડળી દોરીને જેલમાં એક ચિઠ્ઠી સરકાવી દઈએ અને એવા હિંમતવાળા માણસના હાથમાં ચિઠ્ઠી જાય એટલે બીજા દિવસે સવારે જેલમાં બધાને ભેગા કરીને કહે કે એક મોટા હિમાલયના સંતની આગાહી આવી છે કે માર્ચ મહિનામાં છૂટવાના જ છીએ. આ સાંભળીને બધાના પંદર દિવસ, મહિનો નીકળી જાય. આ આખી લડાઈમાં મેં જ્યોતિષશાસ્ત્રનો ભરપૂર લાભ લીધેલો. શાસ્ત્ર તરીકે નહીં પણ મનુષ્યની નબળાઈ કહો કે એ એના ભરોસે જીવી જતો. જેલમાં રહેલા સાથીઓ એમ જ માનતા કે હવે આ કુંડળી પ્રમાણે તો છૂટવું નક્કી જ છે. અને આમાંથી શ્રીમતી ગાંધી સામે લડવાની તાકાત મળી. એ વખતે એવી કટોકટી હતી કે ચાની લારીવાળાએ જો પોતાની છોકરીનું નામ ઈન્દિરા પાડ્યું હોય અને એ જોરથી ઈન્દિરા કહી બોલાવે તો તેને જેલમાં પૂરી દેવામાં આવતો. હવે એવા લોકોને જેલમાં ટકી રહેવા માટે કોઈક આશરો તો જોઈએ.

મને યાદ છે કે ભારત સરકારે એક પોસ્ટલ સ્ટૅમ્પ બહાર પાડ્યો હતો. એમાં શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો અધ્યાય સંભળાવતા હોય એ પ્રકારનું ચિત્ર હતું. અને નીચે શ્લોક લખેલો હતો ‘કર્મણ્યે વાધિકારસ્તે….’ મને કેટલાક મિત્રો ટપાલ લખતા અને કહેતા તમે તો ટપાલનો જવાબ પણ નથી મોકલાવતા. ત્યારે હું કહેતો ભાઈ ટપાલની અંદર તમે મને મૅસેજ મોકલ્યો છે : ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ તમે ટપાલ મોકલો. ફળની આશા શું કામ રાખો છો ? એમ કહી થોડીક મજાક કરતો.

અહીં મારે કહેવું છે કે જ્યોતિષની સાથે સાથે ઈન્ટ્યુશન નામની પણ એક બહુ મોટી તાકાત હોય છે. તમે અનુભવ કરતા હશો કોઈક વાર કે તમારા જીવનમાં અમુક ઘટના બનતી હશે અને તમને થાય કે આવું તો પહેલાં પણ ક્યારેક બન્યું હતું. આ દશ્ય, આ ચિત્ર પહેલાં પણ મેં ક્યારેક જોયું હતું. એનો અર્થ એ કે કોઈક વાર તમારા મનમાં સ્પાર્ક થયેલો છે કે આવું ઘટવાનું છે. હજુ એના માટે કોઈ વિજ્ઞાન શોધાયું છે કે નહીં એ તો ખબર નથી, પણ તમારા પ્રત્યેકના મનમાં આવું કંઈક, ક્યારેક ઘટ્યું હશે. એક વાર રેલ્વેસ્ટેશન પર હું ઊભો હતો, બારી બહાર ઊભો રહી આવજો કહેતો હતો ત્યારે મને લાગ્યું આવું પહેલાં પણ ક્યારેક સર્જાયું હતું. ઘણી વાર કેટલાક માણસો મળે, આપણે ઓળખતા ન હોઈએ પણ તેઓ પોતાના લાગે. બસમાં મળી જાય તો એમ લાગે કે એના ખિસ્સામાં પાંચની નોટ મૂકી દઈએ. અને કેટલાક એવા મળે, કંઈ કારણ ન હોય પણ લાગે આ ક્યાં મળ્યો ? એનો અર્થ એવો કે વાયુમંડળમાં એવાં પ્રેરકતત્વો છે કે જે આ કૅમેસ્ટ્રીને ફૉર્મ કરતાં હોય છે. શાસ્ત્રના સંદર્ભે એ પ્રગટ થયું છે કે નથી થયું તે હું નથી જાણતો, પરંતુ એવી શક્તિઓનો અનુભવ મેં કર્યો છે. મારા જીવનનાં બે અમૂલ્ય વર્ષો મેં હિમાલયમાં ગાળ્યાં છે અને એવી શક્તિઓનો મેં સાક્ષાત્કાર કર્યો છે.

1979-80ની ઘટના છે. હું ખેડા જિલ્લામાં કામ કરતો હતો. નડિયાદમાં મારા એક કાર્યકર્તા મિત્ર રહે. તેઓ કોર્ટમાં કારકુનની નોકરી કરે. મારે એમના ઘરે જમવા જવાનું હતું. મિત્ર તો દસ વાગ્યે કોર્ટમાં જવા નીકળી જાય એટલે મારે દસ પહેલાં પહોંચવાનું હતું. પણ સમયના અભાવે હું 11-11:30ની આસપાસ પહોંચ્યો. મારી સાથે મારા એક બીજા મિત્ર પણ હતા. પેલા કાર્યકર્તા ભાઈ તો કોર્ટમાં જવા નીકળી ગયા હતા. ઘરે એમનાં શ્રીમતીજી હતાં. અમે જમવા બેઠા. એટલામાં તેર-ચૌદ વર્ષની કન્યા નિશાળેથી આવી. મેં સહજ એનો પરિચય પૂછ્યો. પરિચય પૂછ્યો એટલામાં તો અમારા કાર્યકર્તાનાં પત્ની (વડીલ ભાભી) એકદમ રડવા લાગ્યાં. મેં પૂછ્યું, ‘બહેન, કેમ રડો છો ?’ તેઓ બોલ્યાં, ‘જુઓને આ તમારા ભાઈ એટલા સિદ્ધાંતવાદી છે ને કે કોઈ રસ્તો જ નીકળતો નથી. આ મારી દીકરીની દીકરી છે. મારી દીકરી સુવાવડ વખતે આવી હતી. પછી જમાઈ એને તેડાવતા જ નથી. જમાઈ પાંચ તોલા સોનું માગે છે. તમારા ભાઈ તો સિદ્ધાંતવાદી છે, આર.એસ.એસ.વાળા છે. એ તો કહે હું સોનું તો નહીં જ આપું. ચૌદ વર્ષ થયાં આ દીકરીની દીકરી અહીં જ મોટી થાય છે.’ મેં પૂછ્યું, ‘દીકરી શું કરે છે ?’ તો કહે, ‘અમે એને ભણાવી અને તે શિક્ષિકાની નોકરી કરે છે, પણ બિચારી દુ:ખી દુ:ખી છે.’ મેં સહજ રીતે પૂછ્યું : ‘નામ શું ?’ પછી દોહિત્રીનું નામ પૂછ્યું. પેલાં બહેન કહે : ‘તમે કંઈક મદદ કરોને. તમારા ભાઈને સમજાવો. આ જમાઈને પણ સમજાવો. કાંઈક રસ્તો કાઢો.’ મેં કહ્યું : ‘મારી ઉંમર એટલી બધી નથી કે આ ગૃહસ્થીજીવનના સવાલોના જવાબ મને સૂઝે. અને મેં આ ગૃહસ્થીની કુંડળીમાં પગ મૂક્યો નથી.’

એ પછી મેં ધીરેક રહીને એમને કહ્યું કે, ‘સપ્ટેમ્બર મહિનાની ફલાણી તારીખે તમારી ચિંતા દૂર થઈ જશે.’ હું તો આટલું કહીને નીકળી ગયો. ઑક્ટોબર મહિનામાં વિજયાદશમીના ઉત્સવમાં હું નડિયાદ ગયો. ત્યાં અમારા એક ડૉક્ટરમિત્રને ત્યાં ભોજન હતું. મેં જોયું એમના ઘરની બહાર સો-સવાસો લોકો સપરિવાર બેઠા હતા. મને થયું આ શું વાત છે ? કોઈ દિવસ મને મળવા કોઈ આવે નહીં, કોઈ ઓળખે નહીં, આ સો-સવાસો કુટુંબ અહીંયાં કેવી રીતે ? અંદર ગયો. ડૉક્ટરમિત્ર કહે : ‘આ બધા તમને મળવા માગે છે.’
મેં પૂછ્યું : ‘શું કામ છે ?’
મિત્રે કહ્યું : ‘એમને થોડાક પ્રશ્નો પૂછવા છે.’ પહેલાં એક પરિવાર આવ્યો, એમણે એમના પ્રશ્ન પૂછ્યા. પછી બીજો પરિવાર આવ્યો. એમણે કહ્યું : ‘જુઓને, આ છોકરાનું શું થશે ?’ મેં કહ્યું આ તો મરાણા ! મારે એક વર્ષ માટે નડિયાદ છોડી દેવું પડ્યું. મારે એ લોકોને આ વિશે ભુલવાડવું પડ્યું. પણ પેલાં બહેનને મેં જે તારીખ કહેલી એ તારીખે જમાઈ આવીને દીકરીને અને દીકરીની દીકરીને (દોહિત્રીને) કોઈ પણ જાતની માગણી વગર લઈ ગયા. આજે એમનું જીવન સુખી છે. હું નથી જાણતો કે આ કયું શાસ્ત્ર છે. પણ કદાચ ઈશ્વરીય શક્તિ હોય છે, સંકેત હોય છે જે સૌ કોઈને નિહિત હોય છે. કોઈક ક્ષણ હોય છે જ્યારે એનો સ્પાર્ક થતો હોય છે, એની અનુભૂતિ થતી હોય છે. ઈશ્વરની આ શક્તિનો જે સ્વીકાર કરે છે એને જીવનમાં ક્યારેય હતાશા, નિરાશા નથી આવતી. કદાચ ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા જ આ લડાઈ લડવામાં મદદ કરે છે. સત્ય પ્રત્યેની નિષ્ઠા જ મનુષ્યને વિજય તરફ લઈ જાય છે. જેમ સુરેશભાઈએ કહ્યું કે તેમનો ભાગ્યવિધાતા એટલે શબ્દ, મને એમ લાગે કે મારો ભાગ્યવિધાતા મારી જવાબદારી છે.

મને જે પળે જે જવાબદારી મળી એ જવાબદારીએ જ મારા ભાગ્યનો દરવાજો ખોલ્યો છે. વિદ્યાર્થી તરીકેની જવાબદારી મળી, તો વિદ્યાર્થી તરીકેની જવાબદારી પૂરી કરી અને ભાગ્યનો દરવાજો ખૂલી ગયો. સમાજમાં સંગઠનની જવાબદારી મળી તો એ પૂરી કરી અને ભાગ્યનો દરવાજો ખૂલી ગયો. હમણાં પાંચ કરોડ ગુજરાતીઓએ જે નોકરી આપી છે એ પણ એક જવાબદારી જ છે. આ જવાબદારી નિભાવીશ તો ભાગ્યનો દરવાજો ખૂલી જશે. મને લાગે છે જવાબદારી જ ભાગ્યવિધાતા છે. જો જવાબદારીને નિભાવીએ તો ભાગ્ય ચરણ ચૂમવા લાગે. મારો ધર્મ એ છે કે જે પળે જે જવાબદારી મળે એને નિષ્ઠાપૂર્વક નિભાવવી, એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. ઈશ્વરના પ્રસાદરૂપે એનો સ્વીકાર કરવો. ભાગ્ય એનું કામ કર્યા કરશે. પુરુષાર્થ જ જિંદગીની દિશા બદલી નાખે છે. પુરુષાર્થ જ પ્રેરણા જગાવતો હોય છે. આ મિત્રોને હું સદા-સર્વદા કહું છું કે અંધારાં ઉલેચવા માટે જિંદગી બરબાદ કરવાની જરૂર નથી. સહેજ એક દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરો. અંધારાં આપોઆપ દૂર થઈ જશે. અંધારાં ઉલેચવા માટે આટલી બધી મથામણ શાની ? એક નાનકડો દીપ પ્રગટાવો એટલે અંધારું આપોઆપ જતું રહેશે. આ મિજાજથી જિંદગીને જોવાનો પ્રયત્ન કરો. જિંદગીમાં ક્યારેક રુકાવટ આવતી હોય છે પણ બેસી ન રહેતા, આગળ વધો, મંજિલ જરૂર મળશે.

ફરી એક વાર જયાબહેનની નિષ્ઠા, વસુધાબહેનનો અનુભવ અને એમાંથી ગુજરાતના સાહિત્ય જગતમાં જ્યોતિષના અનુભવકથનનું એક અમૂલ્ય પુસ્તક આપણને પ્રાપ્ત થયું છે. બંને વડીલબહેનોને હૃદયપૂર્વકના અનેક અનેક અભિનંદન. ઈમેજ પરિવારનો હું પણ સદસ્ય બની ગયો છું. ઈમેજ પરિવારની વચ્ચે આવવાનો અવસર મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. મુંબઈના સાહિત્યપ્રેમી શ્રોતામિત્રો આપના પ્રેમ બદલ અનેક અનેક વંદન. ધન્યવાદ.

[3] ભૂખ્યા રહેજો, ગમાર રહેજો… – સ્ટીવ જોબ્સ

રીડગુજરાતી પર આ લેખ અહીં ક્લિક કરીને વાંચો :
http://www.readgujarati.com/sahitya/?p=1795

[4] આપણે અને છેવાડાના લોકો – બિલ ગેટ્સ

રીડગુજરાતી પર આ લેખ અહીં ક્લિક કરીને વાંચો :
http://www.readgujarati.com/sahitya/?p=1348

[5] માંહેલી ચિનગારી જાળવી રાખો – ચેતન ભગત

રીડગુજરાતી પર આ લેખ અહીં ક્લિક કરીને વાંચો :
http://www.readgujarati.com/sahitya/?p=2348

[કુલ પાન : 464. (પાકું પૂઠું) કિંમત રૂ. 500. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફૉન : +91 79 26560504, 26442836]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચનનો આનંદ અને મહિમા – સં. બી.એમ.પટેલ
જીવન અંજલિ થાજો ! – મૃગેશ શાહ Next »   

22 પ્રતિભાવો : વિશ્વનાં યાદગાર પ્રવચનો – સં. સુરેશ દલાલ, મહેશ દવે

 1. રેખા સિંધલ says:

  મૃગેશભાઈ, આવા પુસ્તકોની માહિતી માટે ખુબ ખુબ આભાર !

 2. Manisha says:

  Dear Mrugesh,

  Nice ! Many thanks for giving this details..

  I got this book just now, inspried by your article.

  Wishes for growth and sucess in life….

  Best Regards
  Manisha

 3. જીવનના અનુભવો જ્યારે પ્રવચનોમાં કહેવામાં આવે ત્યારે તે યાદગાર બની જતા હોય છે. જે પ્રવચનોની પાછળ વાસ્તવિક જીવન નથી હોતું તે શુષ્ક અને કંટાળાજનક હોય છે, જે પ્રવચનોની પાછળ જીવનનું ભાથું હોય છે તે બોધપ્રદ અને શ્રોતા તથા વક્તા બંનેને ધન્ય કરનારા હોય છે.

  સરસ લેખ

 4. nayan panchal says:

  આપણા CM સાહેબનુ પ્રવચન ખરેખર યાદગાર અને સમજવાલાયક. તેમને સાંભળવા ખરેખર એક લહાવો છે. સુરતમાં તેમણે “દીકરી બચાવો” આંદોલન માટે આપેલ પ્રવચન પર ખૂબ જ સરસ.

  રાજકારણને બાજૂ પર રાખીએ તો પણ એક વક્તા તરીકે ખૂબ જ સરસ. youtube પર આપ એમના વિવિધ પ્રવચનો, મુલાકાતો માણી શકો છો. એક સાચા ગુજરાતી તરીકે આપણામાં પણ તેમના જેવુ જ ઝનૂન ગુજરાતની પ્રગતિ માટે હોવુ જોઇએ.

  http://hk.youtube.com/results?search_query=narendra+modi&search_type=&aq=0&oq=narendra

  “આ જવાબદારી નિભાવીશ તો ભાગ્યનો દરવાજો ખૂલી જશે. મને લાગે છે જવાબદારી જ ભાગ્યવિધાતા છે. જો જવાબદારીને નિભાવીએ તો ભાગ્ય ચરણ ચૂમવા લાગે. મારો ધર્મ એ છે કે જે પળે જે જવાબદારી મળે એને નિષ્ઠાપૂર્વક નિભાવવી, એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. ઈશ્વરના પ્રસાદરૂપે એનો સ્વીકાર કરવો. ભાગ્ય એનું કામ કર્યા કરશે.”

  આજના બંને લેખો ખૂબ જ સરસ.

  નયન

 5. pragnaju says:

  બધા જ પ્રવચનો વારંવાર માણેલા છતાં તેટલા જ પ્રેરણાદાયી

 6. […] સપ્તાહે આપણે ‘વિશ્વનાં યાદગાર પ્રવચનો’ પુસ્તક વિશે વાત કરી હતી. એવું જ બીજું […]

 7. સરસ પુસ્તક છે…

 8. biren says:

  ખૂબજ સરસ પ્રવચન છે. મોદી સાહેબની નિષ્ઠા સરાહનીય છે. મ્રુગેશ ભાઇ તમારી સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા પણ એટ્લીજ સરાહનીય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.