જીવન અંજલિ થાજો ! – મૃગેશ શાહ

રોજિંદા કાર્યોમાંથી સમય મળે ત્યારે હું ‘ક્રોસવર્ડ’માં સમય વીતાવવાનું પસંદ કરું છું. ‘ક્રોસવર્ડ’ એ આમ તો પુસ્તક ખરીદવાનું એક ઉત્તમ સ્થળ છે પરંતુ મારી માટે તે મંદિરથી કમ નથી. ભારતના 13 જેટલા શહેરોમાં વ્યાપેલી આ સંસ્થા વાતાનુકૂલિત વાતાવરણમાં પુસ્તકોને જે રાજાશાહી ઠાઠથી સાચવે છે તે જોઈને અંતરમાં સહજ આનંદની લાગણી થયા વિના ન રહે. અગાઉ નાની-મોટી દુકાનોમાં પુસ્તકોની જે હાલત કરવામાં આવતી એ જોઈને દિલ દ્રવી ઊઠતું. પુસ્તકોને જાણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય એવી જર્જરીત અવસ્થામાં ગમે ત્યાં ગોઠવાતા. તમે દુકાનદારને કહો કે : ‘માનવીની ભવાઈ પુસ્તક આપો’ એટલે ભલું હોય તો એ તમને જ ટેબલ પર ચઢાવે.
‘આ સહેજ જરા પેલી મોટી થપ્પી ઊતારજો ને… હમણાં જરા નોકર બહાર ગયો છે….એટલે તમને…’ એમ કહી તમારી પાસે ઢગલો જેટલા પુસ્તકો ઊંચેથી ઉતારાવે. એમ કરતાં બે ચાર પુસ્તકો ધડાધડ નીચે પડે. ચારે બાજુ ધૂળના ગોટેગોટા ઊડે અને એમાંથી છેક નીચે દબાયેલું ‘માનવીની ભવાઈ’ પુસ્તક માંડ મળી આવે. વેલણે બાંધેલા કપડાં વડે ધૂળ ઝાપટીને એ તમારા હાથમાં ‘માનવીની ભવાઈ’ પકડાવે ત્યાં સુધીમાં તમારો વેશ જ ભવાઈવાળા જેવો થઈ ગયો હોય ! ભૂલેચૂકે જો તમે એમ પૂછો કે ફલાણું પુસ્તક ક્યારે મળશે ? તો તમારી કલ્પનામાં ન હોય એવા વિચિત્ર જવાબો તમને સાંભળવા મળે ! ‘એ તો આવે તો આવે નહિ તો નયે આવે !’ એમ તમારી સામે જોયા વગર જે મનમાં આવ્યું એવો જવાબ વાળી દે. જ્યારે ‘ક્રોસર્વડ’ તમે માંગો એ બુક જો સ્ટોકમાં ન હોય તો 24 થી 48 કલાકમાં તમારી સામે હાજર કરી દે ! એટલું જ નહિ તમને ફોનથી પણ એની જાણ કરે.

એક અર્થમાં કહીએ તો ‘ક્રોસવર્ડે’ પુસ્તકોનું ‘સ્ટેટસ’ જાળવ્યું છે. એને ગૌરવ બક્ષ્યું છે. તેથી મને વારંવાર તેની મુલાકાત લેવાનું મન થતું રહે છે. એમાંય વડોદરાનું ‘ક્રોસવર્ડ’ બે ડગલાં આગળ છે. અહીં સમય સમયપર ભાષા-સાહિત્યના વિવિધ કાર્યક્રમો યોજાય છે. સુપ્રસિદ્ધ લેખકોને નિમંત્રવામાં આવે છે. બાળકો માટે ચિત્ર-સ્પર્ધા યોજાય છે. આ પુસ્તકાલય ન હોવા છતાં અહીં રાખવામાં આવેલા ખુરશી-ટેબલ પર નવરાશની પળોમાં લોકો કલાકોના કલાકો સુધી વાંચતા નજરે ચઢે છે. આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ વડોદરાના અન્ય સાહિત્યકારો તેની અવારનવાર મુલાકાત લેતા રહે છે. રજાના દિવસોમાં પુસ્તકપ્રેમીઓ મૉલ, બાગ-બગીચા કે મુવીમાં જવા કરતાં ‘ક્રોસવર્ડ’ માં સમય પસાર કરવો વધારે પસંદ કરે છે.

તાજેતરમાં પ્રકાશિત થયેલું ‘વિશ્વના યાદગાર પ્રવચનો’ નામનું પુસ્તક ખરીદવાનું મારું ખૂબ મન હતું અને વળી રવિવારનો અવકાશ પણ હતો તેથી ‘એક શામ ક્રોસવર્ડ કે નામ’ વીતાવવાનું નક્કી કરી હું ત્યાં જઈ પહોંચ્યો. આમ તો મોટેભાગે ત્યાં જઈને હું સૌપ્રથમ નવા આવેલા પુસ્તકો પર એક નજર કરી લઉં, ખરીદવા જેવા પુસ્તકોની એક નોંધ બનાવી લઉં. એ પછી જે કોઈ એકાદ-બે પુસ્તક હાથમાં આવે એ લઈને ખુરશી પર ગોઠવાઈ જાઉં અને કલાકો સુધી વાંચ્યા કરું. પરંતુ આજે મારે ‘વિશ્વના યાદગાર પ્રવચનો’ ખરીદવું છે એમ નક્કી જ હતું તેથી ગુજરાતી વિભાગમાં જઈને સૌથી પહેલાં મેં ત્યાંના કર્મચારીને આ પુસ્તક વિશે વાત કરી. એમણે મને તુરંત એ પુસ્તક કાઢી આપ્યું. આ પુસ્તકના સંદર્ભમાં એમણે મને બીજા બે-ત્રણ નવા પુસ્તકોની વાતો ઉત્સાહભેર જણાવી. મેં પણ મારે જોઈતા અમુક પુસ્તકોની વિગતો વિશે એમને જણાવ્યું. જે પુસ્તકો ત્યાં ઉપલબ્ધ નહોતા એ માટે તેમણે મને ટૂંક સમયમાં મેળવી આપવાની ખાત્રી આપી અને સંપર્ક કરવા માટે મારું વિઝીટિંગ કાર્ડ માંગ્યું. મેં એમને કાર્ડ આપ્યું એટલે કાર્ડ પરની વિગત વાંચીને તેઓ થોડુંક અટક્યા. કંઈક વિચારમાં પડ્યા અને પછી એકદમ ખુશ થઈને મારી સાથે હાથ મીલાવ્યો. પોતે રીડગુજરાતીના વાચક-ચાહક છે એમ કહી તેમણે પોતાનો પરિચય આપ્યો. પરંતુ આ પરિચયમાં સાહિત્યને સમર્પિત એક યુવાનની કર્તવ્યનિષ્ઠા, ધ્યેય અને માતૃભાષા પ્રત્યેનો જે અનન્ય પ્રેમ પ્રગટ થાય છે એની મારે તમને માંડીને વાત કરવી છે.

આ યુવાનનું નામ છે રણજીતસિંહ ચૌહાણ. ઉંમર 30 વર્ષ. જે સમયે યુવાનો અભ્યાસ, ઉચ્ચ ડિગ્રીઓ, કૅરિયર અને આકર્ષક મલ્ટિનેશનલ કંપની નોકરીના સપનાં સેવતા હોય એ સમયે આ તેજસ્વી યુવાને નક્કી કર્યું કે મારે દેશ માટે કંઈક કરવું છે; મારે મારું જીવન સમાજને સમર્પિત કરવું છે. માત્ર જુવાનીના જોશમાં નહિ પરંતુ જાગૃતિપૂર્વક તેમણે ગંભીરતાથી એક પછી એક પગલું એ દિશામાં મૂકવા માંડ્યું. બાળપણના વાંચન અને માતા-પિતાના સંસ્કારોએ તેમના ધ્યેયને એક નિશ્ચિત દિશા આપી અને તેમને સમજાયું કે સમાજ માટે કંઈક કરવું હોય તો શરૂઆત આપણી માતૃભાષાની સેવાથી કરવી જોઈએ. આપણી ભાષાને બરાબર ઓળખવી જોઈએ અને તેના વૈવિધ્યને જાણીને શાશ્વત મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા જોઈએ. પણ ભાષાની સેવા માટે કરવું શું ? સભાઓ ભરવી ?… મિટિંગો કરવી ?… સંસ્થાઓ રચવી ?…. લેખક બની જવું….? કવિ થઈ જઉં ?…. સાહિત્યકાર તરીકેની નામના મેળવવી…. ? ના….ના….ના… રણજીતભાઈને થયું કે ભાષાની સેવા કરવી હોય તો પહેલાં ભાષાના મૂકસેવક બનવું. માતૃભાષા માટે નાનામાં નાનું કામ કરતાં શરમ ન અનુભવવી. એટલે જ…. જ્યારે બારમા ધોરણમાં સારા ટકાએ ઊતિર્ણ થઈને સાથીમિત્રો ઉચ્ચ ડિગ્રીઓ મેળવવા તરફ વળતા હતા ત્યારે રણજીતભાઈએ આર્ટ્સ લેવાનું નક્કી કર્યું. હાલમાં ગુજરાતી સાથે M.A. B.Ed. કરીને ભાષાના સાનિધ્યમાં રહેવા માટે ‘ક્રોસવર્ડ’ની નોકરી સ્વીકારી.

તમે વિચારશો કે પુસ્તકની દુકાનમાં નોકરી કરવી એમાં સેવા ક્યાંથી આવી ? આનો પ્રત્યુત્તર તમે રણજીતભાઈને મળો એટલે મિનિટોમાં મળી જાય ! બહારથી જુઓ તો એક સામાન્ય કર્મચારી જેવો દેખાવ પણ તેમની અંતરંગ ભાવનાનો પરિચય જ્યારે તમને મળે ત્યારે તમારું મસ્તક નમ્યા વગર ન રહે. ન કોઈ પ્રસિદ્ધિ, ન કોઈ મોટી વાતો કે ન તો વિદ્વતાનું પ્રદર્શન. કેવળ માતૃભાષા માટે કંઈક કરી છૂટવાનું એક નિશ્ચિત ધ્યેય – અને એ પણ કંઈક અલગ અંદાજમાં… કોઈપણ ગ્રાહક આવે એટલે એમને જોઈતું પુસ્તક રણજીતભાઈ એક ક્ષણમાં શોધી કાઢે. માત્ર એટલું નહિ, એ પુસ્તકના સંદર્ભમાં એ પ્રકારના બીજા કયા પુસ્તકો છે એની બધી વિગતો એમને મોઢે હોય. કયું પુસ્તક વધારે વંચાય છે, એની પ્રસ્તાવના કોણે લખી છે, એ પુસ્તક વિશે અખબારમાં પરિચય ક્યારે પ્રકાશિત થયો હતો – એ બધી વિગતો કડકડાટ બોલી દે. નવા આવેલા પુસ્તકોમાં કયા વિષયના પુસ્તકો વધારે સરસ છે, એમાં કથાવસ્તુ શું છે અને એ વિષય પર આ અગાઉ ક્યારે કયા પુસ્તકો પ્રકાશિત થયા હતા એની તમામ માહિતી એમના જીભના ટેરવે રમતી હોય. જે વ્યક્તિ એક પુસ્તક ખરીદવાનું વિચાર કરીને આવ્યો હોય એ તેમની સાથેના પરિચય બાદ ચાર પુસ્તક લીધા વગર ત્યાંથી ખસી ન શકે ! તમારી સામે એ વિષય, વિચાર અને કથાવસ્તુનું એવું નિરૂપણ કરે કે તમે એ લીધા વગર રહી જ ન શકો. અંગ્રેજી પરથી અનુવાદિત થયેલા પુસ્તકોમાં કયા પ્રકારના અનુવાદો શ્રેષ્ઠ છે અને તે ક્યા વર્ષમાં પ્રકાશિત થયા હતા એની તમામ ઝીણી-ઝીણી બાબતો એમને યાદ હોય.

બહુધા એવું બને કે સાહિત્યપ્રેમી હોય એ જ ગુજરાતી વિભાગની મુલાકાત લે. સામાન્ય ગુજરાતીઓ તો અંગ્રેજી પુસ્તકોના વિભાગમાં જ ટહેલતા હોય ! રણજીતભાઈ અંગ્રેજી વિભાગમાં લટાર મારી આવે. જો કોઈ ગુજરાતી બોલતું નજરે ચઢે કે તરત એમને વિનંતી કરે ‘આવો ને સાહેબ… એક સરસ ગુજરાતી પુસ્તક આવ્યું છે……’ એમ કરીને એમણે અનેક ગુજરાતીઓને ગુજરાતી પુસ્તક વાંચતા કર્યા છે. અરે ! હિન્દી વિભાગની મુલાકાત લેનારા કેટલાક બીનગુજરાતીઓને પણ તેમણે ગુજરાતી પુસ્તકોનો ચસકો લગાડ્યો છે. ‘ક્રોસવર્ડ’ ખાતે ગુજરાતી વિભાગના પુસ્તકો ઓર્ડર કરવાનું અને મંગાવવાનું કામ એમને સોંપવામાં આવ્યું છે. ક્યા પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત થયા છે, કયા મંગાવવા જેવા છે અને કયા પુસ્તકો સમાજ સુધી વધારે પહોંચવા જોઈએ એની પર તેઓ ચાંપતી નજર રાખે છે. આ બધાના પરિણામે ‘ક્રોસવર્ડ’માં રોજ નવા ગુજરાતી પુસ્તકોનું વૈવિધ્ય ગ્રાહકોને જોવા મળે છે. વાર્ષિક સેલ યોજાય ત્યારે 2000 થી 3000 જેટલા પુસ્તકો તેઓ પોતે ઑર્ડર કરી મંગાવે છે. આ સમયે સાહિત્યપ્રેમીઓ માટે તો જાણે કુંભમેળો યોજાયો હોય છે !

‘અરે સાહેબ… આ પુસ્તક વાંચજો અને તમને ગમે તો મને યાદ કરજો….’ – આ યુવાન એવી મીઠાશથી બોલે કે મુલાકાતીઓને મિત્ર બનતાં વાર ન લાગે. કેટલાક ગ્રાહકો પુસ્તક વાંચીને એમને ફોન કરવાનું પણ ન ચૂકે ! વૈભવી, સંપન્ન અને પ્રતિષ્ઠિત એવા અનેક સદગૃહસ્થોને એમણે ગુજરાતી પુસ્તક ખરીદતાં કર્યાં છે. હમણાં દિવાળીના સમયે ‘ગુજરાત’ સામાયિકનો દળદાર દિપોત્સવી અંક પ્રકાશિત થયો હતો. આટલા વર્ષોમાં ‘ક્રોસવર્ડ’ ખાતે સૌપ્રથમ વખત ‘Latest Arrival’ માં એક ગુજરાતી સામાયિકને સૌથી આગળ મૂકાયું હોય તો એનો શ્રેય રણજિતભાઈને જાય છે. ઘણા લોકોને તો આ પ્રકારનું સામાયિક આવે છે એની જાણ જ પહેલીવાર થઈ ! નવરાશના સમયમાં રણજીતભાઈ આ ‘ગુજરાત’ અંકની સાહિત્યકૃતિઓ માણે છે. માત્ર માણે છે એટલું જ નહિ પરંતુ જે તે સર્જકના મોબાઈલ પ્રાપ્ત હોય એને પોતાના ખર્ચે SMS કરે છે જેથી સર્જકને લેખનનું પ્રોત્સાહન મળી રહે. સવારના 10:30 થી રાતના 8.30 સુધી ખડેપગે તેમની આ સાહિત્ય સેવા અવિરત ચાલતી રહે છે.

આ યુવાનની દઢતા, સાહિત્યપ્રતિ અનન્ય નિષ્ઠા, નિખાલસતા અને નિશ્ચિત ધ્યેય જોઈને મને તેમની સાથે વધારે વાત કરવાની ઈચ્છા થઈ આવી અને ‘ક્રોસવર્ડ’માં જ રવિવારની ભીડભાડ વચ્ચે, તેમના ચાલુ કામકાજ દરમ્યાન મેં તેમની સાથે વાતચીતનો આરંભ કર્યો.

પ્રશ્ન : પોતાની માતૃભાષા પ્રત્યે આદર તો સૌ કોઈને હોય પરંતુ એ માટે નિશ્ચિત રૂપે ‘આ જ કામ કરવું છે’ એવો આપના મનમાં જે સંકલ્પ ઊઠ્યો છે તેની પાછળનું સૌથી મોટું પ્રેરકબળ આપ કોને માનો છો ?
જવાબ : મને લાગે છે કે મારા પિતાજી. કારણ કે અમે ભાઈબહેનો જ્યારે નાના હતા ત્યારે પપ્પા બહાર જતી વખતે અમને એક સૂચના આપતાં કે ‘સાંજ સુધીમાં આખું અખબાર વાંચી નાંખજો. સાંજે આવીને હું તમને સમાચારમાંથી પ્રશ્નો પૂછીશ અને જો જવાબ ના આવડ્યો તો બરાબર માર પડશે….’ અલબત્ત, એ કોઈને મારતા નહોતા પણ એ બહાને અમને ધાક રહેતી કે રોજ આટલું તો વાંચવાનું જ છે. એનાથી ધીમે ધીમે નિયમિત કંઈક વાંચવાની ટેવ પડી. જો કે શરૂઆતમાં તો કડક નિયમને કારણે જબરજસ્તી વાંચવું પડતું પણ પછી બધા ભેગા થઈને વાંચતા એટલે ધીમે ધીમે મજા આવવા લાગી. એ પછી અમે ભાઈબહેનો એકબીજા સાથે સમાચાર વિશે વાતચીત કરતા થયા અને એમ કરતાં કરતાં એ શોખ પુસ્તકોના વાંચન સુધી વિસ્તર્યો. એ તીવ્રતા એટલી બધી હતી કે આઠમા ધોરણમાં તો મેં ‘માનવીની ભવાઈ’ વાંચી નાંખી ! એ પછી જ્યારે પણ વેકેશન પડે ત્યારે જે કોઈ પુસ્તકો વાંચવાના હોય એ અગાઉથી નક્કી થઈ જાય. વાચનની એક જબરજસ્ત લત લાગી અને એના કારણે મનમાં ધીમે ધીમે માતૃભાષા વિશે કંઈક કરવાની વૃત્તિ બળવત્તર બનવા લાગી. જો કે શું કરવું જોઈએ એની કંઈ સમજ નહોતી પણ ઊંડે ઊંડે એમ થયા કરતું કે હું બધાથી કંઈક અલગ કરીશ.

પ્રશ્ન : રણજીતભાઈ, મારો એવો અનુભવ છે કે આ ‘બધાથી કંઈક અલગ’ કરવાની વાત સાંભળવી તો સારી લાગે છે પરંતુ એને જીવનમાં પ્રેક્ટિકલ સ્વરૂપે મૂકવાનો વખત આવે ત્યારે આસપાસની દુનિયાનું ઘણું સાંભળવું પડતું હોય છે. તમારો એવો કોઈ અનુભવ ખરો ?
જવાબ : એકઝેટલી. મારો પણ એવો જ અનુભવ છે. મેં જ્યારે આ ક્ષેત્ર પસંદ કર્યું ત્યારે તે સમયના અનેક સાથીમિત્રો મારી પર હસતા હતા. એમને મારા વિચારો શેખચિલ્લી જેવા લાગતા હતા. મારી વાતો સાંભળીને એમને હસવું આવતું. કોઈ વળી કહેતા પણ ખરા કે ‘આવા હવામાં કિલ્લા ચણવાનું રહેવા દે અને યોગ્ય નોકરી શોધી કાઢ… જુવાની આવા ફાલતુ કામો કરીને વેડફવા માટે નથી….. પૈસા વગર દુનિયામાં કોઈ ભાવ નહીં પૂછે…. આ રૂપિયા કમાવવાનો જમાનો છે… વગેરે વગેરે….’ પણ તેઓ એ પણ જાણતા હતા કે એમનું આ ભાષણ વ્યર્થ જવાનું છે કારણ કે મારો નિર્ણય અફર હતો. મને બસ આ જ કરવું હતું. આ કોઈ તરંગી વિચાર કે તુક્કો નહોતો પરંતુ એક સમજ પૂર્વકનું નિશ્ચિત આયોજન હતું. બાળપણથી જે જીવનનું દર્શન સાહિત્યએ મને કરાવ્યું છે એને હું કેમ કરીને ભૂલી શકું ? થોડાક પૈસા ઓછા મળશે તો ચાલશે. પૈસાનું મને બહુ મહત્વ નથી પરંતુ મારે આ રીતે જ જીવવું છે અને મારા માતા-પિતાનો એમાં મને પૂરો સહકાર છે.

પ્રશ્ન : તો પછી આપના પરિવારની આર્થિક ફરજ વિશે આપ શું વિચારો છો ?
જવાબ : મૃગેશભાઈ, હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. તેથી મારે પણ કેટલીક જવાબદારીઓ છે, પરિવારનો ખર્ચ છે અને મારી પોતાની પણ આર્થિક જરૂરિયાતો હોય તે સ્વાભાવિક છે. હજી હું અપરણિત છું અને આવનારા ભવિષ્ય વિશે પ્રત્યેક વ્યક્તિ પોતાના આર્થિક આયોજન બાબતે જાગૃત હોય તે બાબત જરૂરી છે તેમ હું માનું છું. પરંતુ તેમ છતાં મને ઊંડે ઊંડે વિશ્વાસ છે કે એ બધું પણ થઈ રહેશે. મારે મારું ફોક્સ મારા કાર્યક્ષેત્રમાં ટકાવી રાખવાનું છે. સમય સમયનું કામ કરે છે અને એ જ નવા રસ્તા દેખાડે છે. આપણી અંતરંગવૃત્તિ પ્રબળ હોય તો આપણને ગમતું કામ ચોક્કસ મળી રહે છે. કુદરત આપણને એવા ક્ષેત્રમાં મૂકી આપે છે જ્યાં આપણે માતૃભાષાનું સાનિધ્ય મેળવી શકીએ અને આપણી રોજીરોટીનો પ્રશ્ન પણ વ્યવસ્થિત સચવાઈ રહે. હા, દરેક વિશિષ્ટ કામ માટે થોડો સમય રાહ જોવી પડે છે. જેમ જેમ આપણા કામ પ્રત્યેની આપણી નિષ્ઠા વધતી જાય છે, નવા નવા વિચારો જન્મતા જાય છે તેમ તેમ નવી દિશાઓ ખૂલતી જાય છે. એવા સમયે રોજગારી જેવા સામાન્ય પ્રશ્નો તો આપોઆપ સચવાઈ રહે છે. એ કંઈ બહુ મોટી વાત નથી એમ મને લાગે છે. જીવનમાં શું કરવું એ પ્રશ્ન અગત્યનો છે, કેટલું કમાવું એ પ્રશ્ન બહુ અગત્યનો હોય એમ મને ક્યારેય લાગ્યું નથી. આસપાસના લોકો ભલે સમજી શકતા ન હોય પરંતુ હું મને બરાબર સમજી શકું છું એટલું કાફી છે.

પ્રશ્ન : આપે અદ્દભુત વાત કરી. હવે એ કહો કે ‘ક્રોસવર્ડ’માં આપ પુસ્તકો વચ્ચે આપને કેવું લાગે છે ?
જવાબ : એક વાક્યમાં કહું તો આ મારું જીવન છે, મૃગેશભાઈ. તમે કલ્પના નહીં કરી હોય એટલી હદે હું પુસ્તકોને ચાહું છું. આ જ મારે મન સર્વસ્વ છે. એમ કહો કે આ જ મારો વૈભવ છે. ખરા દિલથી હું પુસ્તકોને સમર્પિત છું. અહીં આવતા લોકો પુસ્તકોના પાનાં ફેરવે છે, આમ તેમ જુએ છે, ઉપરછલ્લી એક નજર નાંખે છે, એકાદ-બે ફકરા ક્યારેક વાંચી લે છે અને ઘણીવાર તો આ બહાને શૉપિંગનો આનંદ મેળવે છે. મારી એવી દષ્ટિ નથી. મને તો આ બધું કંઈક અલગ જ દેખાય છે. મને આમાં જીવન દેખાય છે. જો મને એ ન દેખાતું હોત તો મેં આનાથી અનેક સારી નોકરીઓની ઑફર ઠુકરાવી ન હોત. મને આની વચ્ચે રહીને કંઈક અલગ જ અનુભૂતિ થઈ રહી છે. પુસ્તકો મને મનોરંજનના માધ્યમ કે ‘ટાઈમપાસ’ તરીકે નહીં પણ વિચારોના એક જીવંત પ્રવાહ સમા લાગ્યા છે જેમાં હું વારંવાર ડૂબકીઓ લીધા જ કરું છું… લીધા જ કરું છું… ક્યારેક ગુણવંતભાઈ, સોનલબેન શાહ જેવા સાહિત્યકાર મળી જાય ત્યારે બે ઘડી ગોષ્ઠી કરી લઉં છું. હું મારી આ દુનિયામાં સંપૂર્ણ પ્રસન્નતા અનુભવું છું અને એટલે મને આ ‘નોકરી’ નથી લાગતી. ‘કોસવર્ડ’ એ મારા જીવનનો એક આદર્શ મુકામ છે.

પ્રશ્ન : અહીં આવતા ગુજરાતી વાચકો બાબતે આપનો શું અભિપ્રાય છે ?
જવાબ : ગુજરાતી પુસ્તકોનું વેચાણ પહેલાં કરતાં વધ્યું છે પરંતુ હજી તે ઘણું સીમિત છે અને એકપક્ષીય છે. એટલે કે અમુક પ્રકારનું જ સાહિત્ય અને અમુક ઉંમરના જ લોકો તેના ચાહકવર્ગમાં છે. તેની તમામ શાખાઓ વિકસિત થઈ શકી નથી એમ મને લાગે છે. યુવાનો તો ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે જેનું બહુ દુ:ખ છે. ક્યારેક આંખમાં આંસુ આવી જાય છે કે આટલા ઉત્તમ પુસ્તકોને યુવાવર્ગ હાથસુદ્ધાં નથી લગાડતો. એ આ બાજુ જોવા પણ નથી આવતો. વડીલો, સાહિત્યપ્રેમીઓ અને મોટાભાગે ડૉક્ટરો આ વિભાગની વિપુલ પ્રમાણમાં મુલાકાત લેતા રહે છે. તેમ છતાં કંઈક અંશે પરિસ્થિતિ સુધરી રહી હોય એવું જણાય છે.

પ્રશ્ન : આપનું પ્રિય પુસ્તક ?
જવાબ : આમ તો મને બધા જ પ્રકારનું સાહિત્ય ગમે. પરંતુ ગુજરાતીમાં વિશેષરૂપે ધ્રુવ ભટ્ટની નવલકથાઓ વધારે ગમે. એમની ‘તત્વમસિ’ તો અમારે અભ્યાસક્રમમાં આવતી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયેલું પુસ્તક ‘Freedom at midnight’ – અર્ધી રાતે આઝાદી (અનુવાદ: અશ્વીની ભટ્ટ)ની મારા જીવન પર ખૂબ ઊંડી છાપ છે. એના લીધે જ મારે દેશ માટે કંઈક કરવું એવી મારી ભાવના બળવત્તર બની છે. એ પુસ્તકે મને અંદરથી હચમચાવી મૂક્યો છે. આજે હજી બીજી વખત તે વાંચવાની મારી હિંમત નથી થતી.

પ્રશ્ન : ભવિષ્યમાં આપ આ ક્ષેત્રમાં જ રહેવા ઈચ્છો છો કે કંઈક નવું કરવાનું આયોજન છે ?
જવાબ : આમ જુઓ તો મારું લક્ષ્ય ગુજરાતી ભાષાના શિક્ષક બનવાનું છે. તમે વિચારશો કે શિક્ષક બનવામાં વળી નવી શી વાત છે ? પણ ‘શિક્ષક’ શબ્દનો અર્થ મારે મન જૂદો છે. મને ગુણવંત શાહનું એક વાક્ય યાદ આવે છે કે : ‘શિક્ષકો ત્રણ પ્રકારનાં હોય છે. પ્રથમ પ્રકારના શિક્ષકો માટે શિક્ષણકર્મ એટલે આનંદનું ઝરણું. બીજી કક્ષાના શિક્ષકો પોતાનો પગાર વસૂલ થાય તેવું અને તેટલું ભણાવે. ત્રીજી કક્ષાના શિક્ષકો નોકરી કરી ખાય અને જીવનભર સડે પછી પેન્શન પણ ખાય.’ મારે એમાં પ્રથમ કક્ષાના શિક્ષક બનવું છે અને એ એટલા માટે કે હું નવી પેઢીને સાહિત્યનો પરિચય કરાવી શકું. જેઓ ભાષાથી મોં ફેરવી રહ્યા છે એમને સમજાવું કે આવો, આ માતૃભાષામાં શું છે એ તમે જુઓ. જેમ મને મારા પિતાએ વાચનનું મહત્વ સમજાવ્યું એમ હું પણ એ લોકોમાં વાચનના વિકાસ માટે મદદરૂપ થઈ શકું – એ દષ્ટિ મારી શિક્ષક બનવા પાછળ રહેલી છે, ટ્યૂશનો કરીને બંગલા બનાવવા માટેની નહિ.
******

રણજીતભાઈ લાગણીશીલ છે. છેક ત્યાં સુધી કે યુવાનોમાં વાચન ઘટતું જાય છે એ વ્યથાથી તેમની આંખમાં આંસુ ધસી આવે છે – જે તેમનો માતૃભાષા પ્રત્યેનો સાચો પ્રેમ સૂચવે છે. ભાષાના તેઓ અનન્ય ઉપાસક છે. આજે કોઈ પણ ક્ષેત્રમાં થોડુંક કંઈક કામ કરીને નામ, પ્રતિષ્ઠા અને એવોર્ડ મેળવવા માટે રીતસર દોડ લાગતી હોય છે. એવા સમયે કોઈને ખબર ન પડે તેમ પોતાનું કાર્યક્ષેત્ર બદલીને પોતાની જેટલી ક્ષમતા હોય એટલાથી કંઈક કરી છૂટવાનો આ યુવાનનો વિચાર કેટલો ક્રાંતિકારી છે ! સાહિત્યના આવા મૂકસેવક જ સાહિત્યને ખરા અર્થમાં આત્મસાત કરે છે. સાહિત્યનું પ્રકાશન અને લેખનના પ્રમાણમાં તેને લોકભોગ્ય બનાવવાનું કામ ભલે નાનું કહેવાતું હશે પરંતુ તેની પાછળ રહેલી શુભ ભાવના તેને એક વિશાળ રૂપ અર્પે છે. આજે રણજીતભાઈ જેવા કેટલાય કર્તવ્યનિષ્ઠોને કારણે સારા પુસ્તકો લોકોના ઘર સુધી પહોંચી શક્યા છે.

મને પેલી ખિસકોલીવાળી વાર્તા યાદ આવે છે. ભગવાન રામે સમુદ્ર પર સેતુ બનાવ્યો ત્યારે ચોતરફ કોલાહલ હતો. વિશાળ મોટું કામ હતું. ખડકોને તોડીને તેને યોગ્ય સ્થાને લઈ જવાના હતા. આ માટે હજારોની સંખ્યામાં રીંછો અને વાંદરાઓ કામે લાગ્યા હતા. કોઈને આજુબાજુ જોવાની એક ક્ષણની પણ ફૂરસદ નહોતી. પરંતુ એવા અત્યંત વ્યસ્તાભર્યા માહોલ વચ્ચે ભગવાન રામની દષ્ટિ રેતીમાં આળોટીને પુલ બનાવવા મદદ કરતી નાનકડી ખિસકોલી પર પડે છે. ઈશ્વર નાનામાં નાની વ્યક્તિમાં રહેલી ક્ષમતાને પણ બિરદાવે છે. તેની પ્રશંસા કરે છે. સાહિત્યનો ખરો અર્થ પણ એ જ છે કે આપણી દષ્ટિ વિશાળ બને. સમાજ માટે નાનામાં નાનું સમર્પણ કરનારા પ્રતિ આપણી હૃદયની સાચી ભાવના વિકસિત થાય. આપણે તેઓને બિરદાવીએ. તેમને પ્રોત્સાહિત કરીએ. યુવાનીના સર્વ પ્રલોભનો છોડીને કશુંક કરવાની દઢ ઈચ્છા સેવનાર આ ભાષાપ્રેમીને લાખ લાખ સલામ ! રણજીતભાઈનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9979358799. છેલ્લે, જાણીતા કવિ કરસનદાસ માણેકની આ અર્થસભર કવિતાનું સ્મરણ કરીએ….

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિશ્વનાં યાદગાર પ્રવચનો – સં. સુરેશ દલાલ, મહેશ દવે
મિત્ર…!!! – યશવંત કડીકર Next »   

42 પ્રતિભાવો : જીવન અંજલિ થાજો ! – મૃગેશ શાહ

 1. gopal says:

  રણજીતભાઇને ખુબ ખુબ અભિનઁદન

 2. રેખા સિંધલ says:

  રણજિતભાઈ, ખુબ ખુબ ધન્યવાદ ! સફળતાની સૌ સૌની વ્યાખ્યા અલગ હોય છે. તમે પણ મૃગેશભાઈની જેમ સફળતાની સીડી પર જ છો. હજુ ઊંચે ચઢતા રહો એવી શુભેચ્છા.

 3. ghanshyam says:

  Shri Mrugesh,
  Thanks for introducing Ranjit Chauhan, a nice and motivated. person.I really appreciate for bringing such a nice touching article.

 4. nayan panchal says:

  ખૂબ જ લાગણીશીલ મુલાકાત રહી. વડોદરા ક્રોસવર્ડની મુલાકાત લેવી પડશે અને ખાસ્ તો રણજીતભાઈની.

  સાહિત્યના આવા મૂકસેવકોને લાખ લાખ સલામ. રણજીતભાઈ, તમે નામ જેવા જ ગુણો ધરાવો છો.

  તમારા વિચારો, તમારુ માતૃભાષા પ્રત્યેનુ ઝનૂન જાણીને ખૂબ જ માનની લાગણી ઉત્પન્ન થઈ. આજે યુવાપેઢી (હું પોતે પણ) જ્યારે વધુ ને વધુ ભૌતિકવાદી બની રહી છે ત્યારે તમે અને મૃગેશભાઈ જે કરી રહ્યા છો તેનુ મહત્વ વિશેષ વધી જાય છે.

  આભાર.

  નયન

 5. denis says:

  ડૅનિસ બહુ જ સરસ છે. very nice, may god bless you and will lead you t get fulfill your all dreams.

  Best of Luck.

  Denis

 6. Moxesh Shah says:

  સાહિત્યના આવા મૂકસેવકને અમારિ સલામ.

 7. હું રણજીતને મલ્યો છું.હંમેષ આનંદ આવ્યો છે એને મળવામાં.એ એક હીરો છે.બહુ સુંદર લેખ બન્યો છે.

  કીર્તિકાન્ત પુરોહિત.

 8. કલ્પેશ says:

  રણજિત અને મૃગેશ – યુવાન ઉંમરે તમે બન્ને ઉદાહરણરુપ બની ગયા છો (મારા માટે તો ખરા).

  આ સંદર્ભમા કોન્ફ્યુશિયસનુ (http://en.wikipedia.org/wiki/Confucius) એક વાકય છે
  “The book salesman should be honored because he brings to our attention, as a rule, the very books we need most and neglect most. “

 9. Ajay says:

  રણજીતભાઈ ને અને આવા છુપાયેલા રત્નને શોધી કાઢવાનું કામ કરવા માટે મૃગેશને પણ અભિનંદન.

 10. kirit madlani says:

  it is just great. i felt like crying. i have visited crossword several times although i do not live in india. had no occassion to meet him but now i will ask for him.

  it is indeed great to know that some one is doing such a wonderful dedicated service unknown to world. you need great determination to persuade the things which you believe. how many of us can do? but he has mentioned that if you like something the god gives you a way just like the book seceret says.

  mrugesh bhai what you are doing is just outstanding service. under so much of stress i never forget to log on to this site and forget for sometime this world and get great relief. ranjitbhai is in the same mould and you two are just great.

  regards kirit muscat

 11. Alpesh C Solanki says:

  it’s great.very nice, may god bless you and will lead you to get fulfill your all dreams.

  Best of Luck.

  Alpesh C Solanki & Nilesh Patel

 12. બીજ જમીનમાં દટાય, તેને યોગ્ય હવા, પાણી અને સુર્યપ્રકાશ મળે અને પછી તે ન ઉગે તેમ બને જ નહી. પણ હા ઉગ્યા પહેલાનું અંધારુ અને પીડા તો તે બીજ જ જાણે. ઉગ્યા પછી પણ એક જવાબદારી રહે છે તેની આસપાસ વાડ કરવાની, જ્યાં સુધી તે મજબુત ન બને, વિરાટ અને વિશાળ ન બને ત્યાં સુધી તેનું રક્ષણ કરવાની. અને પચી તો તે વૃક્ષ અનેકને છાંયડાઓ અને ફળ આપશે અને એમાંથી નવા બીજ પણ પ્રગટશે.

  આજે આપણી સમક્ષ રણજીતભાઈ રુપી એક માતૃભાષાની સેવા કરવાની લગન ધરાવતું સુંદર વૃક્ષ પ્રગટ થયું છે. આવા અનેક બીજોને પ્રેરણા આપવાનું પણ તેમણે કાર્ય કર્યું છે. હા, આવા વૃક્ષો ગાય બકરા ચરી ન જાય કે દુષ્ટ કઠીયારાઓ તેના ઉપારા કુઠારાઘાત ન કરે તે માટે માળીઓએ પણ સાવધાની રાખવી.

  રણજીતભાઈને ખુબ ખુબ ધન્યવાદ.

 13. tejal tithalia says:

  ખુબ જ સરસ્…..

  રણજીત ભાઈ ને અમારા દિલ થી વન્દન.

  અને એમને અમારા સુધી પહોચાડનાર્ મ્રુગેશ ભાઈ ને પણ સલામ……….

 14. Jignesh Amin says:

  Dear Ranjit

  congrats, you are really a starrrrrrrrrrr……….

  you have done which makes a history for CROSSWORD& for a long time in future no one can do what you have done…

  congrats again by true heart

  Jignesh Amin

 15. Neha says:

  The efforts being made by Sh Ranjitbhai for the conservation and nurturing of our mothertongue GUJARATI is commendable.
  Especially, we the young generation is required to be exposed to our rich literary heritage and Sh Ranjitbhai is playing instrumental role.
  I congratulate him from the bottom of my heart and wish to meet him whenever I happen to go to crossword.
  Sh Mrugesh -> Thank you very much for introducing to such a વન્દ્નિય વ્યક્તિત્વ . I appreciate your efforts to serve our mothertongue.

  Keep it up!!

  Neha

 16. Navin N Modi says:

  સુંદર લેખ.
  પરિચય સાથે મુલાકાત પણ આપી એક કાંકરે બે પક્ક્ષી માર્યા. પરિચય દ્વારા તમારા એમના વિશેના વિચારો અને મુલાકાત દ્વારા એમના પોતાના વિચારો એમ બંનેનો લાભ મળ્યો. બંને ખુબ પ્રગતિ કરો એ શુભેચ્છા.
  અભિનંદન.

 17. ખુબ ખુબ અભિન્ન્દન્…મ્રુગેશ્ ભાઈ તમારિ સાથે મારે એક દિવસ ચેટિન્ગ પર વાતો થઈ હતિ…અને

  રણજીત ભાઈ ને અમારા દિલ થી વન્દન.અને એમને અમારા સુધી પહોચાડનાર્ મ્રુગેશ ભાઈ ને પણ સલામ……….direct dil se……..

 18. JAYMIN says:

  It is very nice, i have never seen such type of personality, thanks to Mrugesh for introducing such unkonwm lotus.

 19. Darpan Patel says:

  Dear Ranjit

  ખુબ જ સરસ્…..

  રણજીત ભાઈ ને અમારા દિલ થી વન્દન.

  અને એમને અમારા સુધી પહોચાડનાર્ મ્રુગેશ ભાઈ ને પણ સલામ……….

  congrats, you are really a star of tomorraow

  I glad him from the bottom of my heart and wish to meet him & welcome at my home.

  I am interest to read other material of Shri Ranjit, so let me inform at where i will get the same.

  Once again thanks to Shri Mrugesh & Ranjit

  Darpan Patel
  38/B,Vrajraj Society
  Nr.Vrundavan Char Rasta
  Waghodia Road,
  Vadodara – 390019
  Cell No.9898460937 / 9426702024

 20. Geetika parikh dasgupta says:

  રણજીતભાઈ ને ખૂબ ખૂબ અભિનન્દન..

  લગ્ન પેહલા અમદાવાદ ના crossword મા જરુર જતી.. Now I visit Calcutta’s Crossword and observe that very often parents come with 15-16 year old son or daughter, and buy them a book without much bickering… I really appreciate that…So every one..roll on your sleeve…Read and make others Read…

 21. pragnaju says:

  ક્રોસવર્ડએ તો મારા જેવા અનેકોનાં માનીતા સ્થળો
  આજે રણજીતભાઈ વિગત માણી
  ધન્યવાદ શબ્દ નાનો પડે
  સાહિત્યના આવા મૂકસેવક જ સાહિત્યને ખરા અર્થમાં આત્મસાત કરે છે. સાહિત્યનું પ્રકાશન અને લેખનના પ્રમાણમાં તેને લોકભોગ્ય બનાવવાનું કામ ભલે નાનું કહેવાતું હશે પરંતુ તેની પાછળ રહેલી શુભ ભાવના તેને એક વિશાળ રૂપ અર્પે છે. આજે રણજીતભાઈ જેવા કેટલાય કર્તવ્યનિષ્ઠોને કારણે સારા પુસ્તકો લોકોના ઘર સુધી પહોંચી શક્યા છે…
  આને માટે મૃગેશભાઈને પણ અભિનંદન

 22. કલ્રરવ ઠક્કર says:

  First of all, Heartly Congratulations to Mrugeshbhai for wonderful article and for bringing Ranjitbhai in to picture who truely deserves to be.

  To Ranjitbhai, Heartful Congratulations.!

  He is a real mentor to young generations for dragging their attention towards their mother tongue GUJARATI.

  I personally like his faith in god and dedication to Gujarati.

  “નવા આવેલા પુસ્તકોમાં કયા વિષયના પુસ્તકો વધારે સરસ છે, એમાં કથાવસ્તુ શું છે અને એ વિષય પર આ અગાઉ ક્યારે કયા પુસ્તકો પ્રકાશિત થયા હતા એની તમામ માહિતી એમના જીભના ટેરવે રમતી હોય. જે વ્યક્તિ એક પુસ્તક ખરીદવાનું વિચાર કરીને આવ્યો હોય એ તેમની સાથેના પરિચય બાદ ચાર પુસ્તક લીધા વગર ત્યાંથી ખસી ન શકે !”

  “ધન્યવાદ શબ્દ નાનો પડે”

  This is very true for him.

  Regards.

 23. કેયુર્ says:

  ખુબ સરસ લેખ.

  હું પણ એ વાત સાથે સંમત છુ કે “ધન્યવાદ શબ્દ નાનો પડે”.

  Crossword મારુ પણ માનીતુ છે. જ્યારે પણ હું અમદાવાદ જઉ ત્યારે at least ૧ દિવસ તો ત્યાં visit હોયજ છે.

  But, excellent info about રણજીતભાઇ.

  કેયુર

 24. Akhil Dave says:

  મૃગેશ ભાઈ,

  આપનો લેખ ગમી ગયો અને રણજીતભાઈ પન.

  રણજીત ભાઈ, We all are with you whenever you needed.

  C U Soon,

  Warm Personal Regards,

  Akhil Dave

 25. Parul says:

  Ranjitbhai Congrats.

  બહુજ સરસ લેખ મઝા આવિ ગૈઇ .

 26. દિલીપ સુરાણી સરવડ says:

  ગુજરાત ની ધરતીમા રણજીતભાઈ જેવા વિરલા છે તેનો આપણ ને ગર્વ હોવો જોઈએ……અને છે પણ…આજે એમબીએ મા ભણવાની મજા નથી આવતી જેવી ગુજરાતી ભણવાની મજા હતી……..

 27. Kavita says:

  Thank you very much Ranjitbhai for excellent service you providing to our society & to Mrugeshbhai for introducing such person. In March I visited crossword both in Baroda & Ahemedabad. I regret that I did not meet Ranjitbhai than, I was looking for few books & no one was there to help. I went twice their & in the end I got the books from newly opened reliance supermarket. Next time I will visit India, I will make a point of meeting this wonderful person.

 28. Rasik Butani says:

  મ્રુગેશભાઇ,
  સાહિત્યના અમદાવાદમાઁ થતા પ્રોગ્રામો નાઁ ટાઇમ ટેબલ આપની વેબસઈટમાઁ ના મૂકી શકો?
  ન્યૂઝપેપરમા ક્યારેક ઇવેંટ પુરી થઇ જાય પછી માહિતી આવતી હોય છે. પ્લીઝ
  ખુબજ સરસ લેખ.

 29. Hemant Jani says:

  મ્રુગેશ્ભાઈ

  મુલાકાત વાંચીને રૂબરૂ મળ્યા જેટલો આનંદ થયો.

  રણજીતભાઈનો ગુજરાતીભાષા માટેનો લગાવ ખરેખર અભીનંદનને પાત્ર છે.

  અને આવી સરસ વ્યક્તીનો પરીચય કરાવવા બદલ આપનો પણ ખુબ ખુબ આભાર …..

 30. mukul says:

  મ્રુગેશભાઇ એ એક વ્યક્તિ-વિશેષનો પરિચય કરાવ્યો.પુસ્તક-પ્રેમી રણજીતભાઈ ની ઓળખાણ મને પણ વડોડરાના ક્રોસવર્ડ તરફ ખેચી જાય તો નવાઇ નહી. તમને ધન્યવાદ શબ્દ ઓછો પડે.

 31. Gira says:

  nice indeed… 🙂 everyone has congratulate him already.. 😀 nothin has left more me to write.. 😀 though, i will say that you will be a great inspiration for future.. 🙂

 32. વડોદરા ક્રોસવર્ડની યાદ અપાવી…

 33. Purvi says:

  Great job, Ranjitbhai. I am eager to see him when I visit baroda next time.

 34. Tejas Bhatt says:

  રણજીતભાઈ ને મૃગેશભાઈ બન્ને ને મારા ખુબ ખુબ અભિનન્દન! તમે લોકો ખરેખર પ્રશન્સા ને પાત્ર છઓ!

 35. Ambaram K Sanghani says:

  રણજીતભાઈ,
  તમારા વિષે વાચીને અને તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. અભિનંદન અને શુભેચ્છાઓ.

 36. Hemanshu Dolatray Parikh says:

  Reading the article about Mrugesh shah I was very much surprise and impressed. Today this kind of man are very rare, I appreciate him. Most of Gujarati are interested only in Newspaper and two or three famous Magazine.They are not fond of reading like short stories, novel ,translated book,articles,poems.I am very much thankful to him for helping Gujarati to read Gujarati sahitya. Congratulations and keep it up.
  Thank you.

 37. HASMUKH SADHU says:

  Dear Ranjitbhai,
  Congratulations! for having some dream, and plannig and working for it. You will achieve it for sure. you are GUJARATI i true sense. I will keep meeting you at Cross Word regular.

 38. Piyush S. Shah, Dubai says:

  Gujrati bhasha na muksevak ne shat-shat pranam..mutthi uncheru kaam te aanu naam.

  Abhinandan RANJITBHAI..

 39. Jagdish khant says:

  ક્રોસવર્ડમાઁ પુસ્તકોના સેતુથી મિત્ર બનવાનો આનઁદ રીડ-ગુજરાતી ને કારણે – બેવડાયો…!
  …….. આભાર માનુઁ..?!

 40. જય પટેલ says:

  ક્રોસવડૅમાં સામાન્ય ગુજરાતીઓ તો અંગ્રેજી પુસ્તકોના વિભાગમાં જ ટહેલતા હોય..!!વાંચી દુઃખ થયું.

  શ્રી રણજીતભાઈ ચૌહાણે ગુજરાતી ભાષાની સેવા માટે અનોખી રીતે ધુણી ધખાવી છે જાણી અત્યંત આનંદ થયો. નાની ઉમરનો સમજણનો આ વડલો મોટેરાંને દિશા ચિંધનારો છે
  આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગે તે માટે નાની વયમાં જ ભાષાપ્રેમનું સિંચન બાળકોમાં કરવું જરુરી છે.

  વિશ્વ ગુજૅરીના રત્નોમાનાં એક એવા
  શ્રી રણજિતભાઈ ચૌહાણનો
  ગુજરાતી ભાષાની મુક સેવા અનોખી રીતે કરવા બદલ આભાર.

  રત્ન પારખુ નજર માટે શ્રી મૃગેશભાઈનો પણ આભાર.

  ધન્ય ધન્ય ધરા ગુજૅર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.