મિત્ર…!!! – યશવંત કડીકર

આજે એમને જોયા, ઘણાં વર્ષો પછી, પરંતુ હું ક્યાં એમને ઓળખી શક્યો હતો ? તો પણ હું તો એમને ના જ ઓળખી શક્યો, પણ કદાચ એમણે મને ઓળખી લીધો હશે. એ મને ક્યાંય સુધી જોતા રહ્યા. પછી જ એ મને ઓળખી શક્યા. તેઓ ધીમે ધીમે મારી પાસે આવ્યા. કદાચ તેઓ ડરતા હશે કે હું તેઓ ધારે છે એ ના હોઉં. મને એવું લાગ્યું કે કોઈ મારી નજદીક આવીને ઊભું છે અને ધારી-ધારીને મને જોઈ રહ્યું છે. મેં ધ્યાનથી જોયું. પણ થયું કે હશે કોઈ. પરંતુ તેઓ તો હજુ મારા તરફ જ જોઈ રહ્યા હતા, એવું મને લાગી રહ્યું હતું. ઓચિંતો જ એક હાથનો સ્પર્શ મારા ખભાને થયો. મેં ખૂબ જ સ્વસ્થતાથી એમના તરફ જોયું. અમારી નજર મળી. મને એમની આંખોના ઊંડાણમાં કંઈ ના દેખાયું, એટલે મેં મારું મ્હોં બીજી બાજુ ફેરવી લીધું. કદાચ બેધ્યાનપણે જ એમનો હાથ મારા ખભા પર મુકાઈ ગયો હશે. ત્યાં એક જોરદાર ખૂંખારો મને સંભળાયો. ખૂંખારા પછી અવાજ મારા કાને પડ્યો : ‘વાહ, મોટો કલાકાર બનતો જાય છે. ઓળખવા છતાં પણ ઓળખતો નથી.’
હવે હું એમના તરફ ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો હતો.
‘અરે યશુ !…. સાલ્લા… શું તું તારા મિત્રને પણ ના ઓળખી શક્યો.’ અને એણે મને એની બાથમાં ભીંસી દીધો.

હું ચમકી ગયો અને મેં મારી જાતને એની બાથમાંથી માંડ છોડાવી કહ્યું : ‘માફ કરો, મેં આપને નથી ઓળખ્યા.’
‘અરે યાર, તું શું ઓળખીશ ? પૂરાં પચ્ચીસ વર્ષ વીતી ગયાં… અને હું તો તને જોતાં જ ઓળખી ગયો. સમજી ગયો કે મારો યાર ઊભો છે.’
હવે તો ના સમજવાનો ચારો જ નહોતો, પરંતુ હું એટલું તો સમજી ગયો કે, હશે કોઈ મારો જૂનો શાળા અથવા કૉલેજમાં સાથે ભણવાવાળો. હવે એના હાથમાં મારો હાથ હતો. એના મ્હોં પર ઉપસી આવેલી પ્રસન્નતાની રેખાઓ સ્પષ્ટ જણાવી રહી હતી કે, એને જાણે કોઈ ખોવાયેલી વસ્તુ મળી ગઈ હોય. જો કે હું ઉતાવળમાં નહોતો, છતાં એનાથી છૂટકારો મેળવવા માટે કહ્યું : ‘હાલમાં ક્યાં છો ? આપનો ટેલિફોન નંબર તો લખી આપો !’ અને મેં મારી ડાયરી કાઢી અને એનું છેલ્લું પાનું ખોલીને એમની સામે ધરી દીધું.

એમણે ડાયરી પકડી લીધી. પછી એક જ ઝાટકા સાથે એને બંધ કરી દીધી અને કહ્યું : ‘યાર, મારે તો તમારી સાથે ઘણીબધી વાતો કરવાની છે અને તમે મારી પાસેથી છટકવા માગો છો ? આ ના ચાલો.’
‘ના યાર, મારો એ મતલબ નથી. હું જરા ઉતાવળમાં છું. એક જગ્યાએ જલ્દીથી પહોંચવાનું છે.’ હું એક જ શ્વાસે આ બધું બોલી ગયો અને મારા મ્હોંમાંથી નીકળેલો ‘યાર’ શબ્દ જાણે મારા હૃદયને ડંખી ગયો હતો. હું જે સ્થાને છું, એનું ગૌરવ મારે જાળવવું એ ખૂબ જરૂરી છે, એવી મારી માન્યતા છે. સરકારી નોકરીમાં એક ઉચ્ચ સ્થાન, જેના પર હું મહા મહેનતે પહોંચ્યો છું, એટલે એમાં મારું જરા પણ ગૌરવભંગ થાય એ મને ગમતું નથી. હું તો ઘણાં વર્ષોથી એવા વાતાવરણમાં ઉછર્યો છું, જ્યાં ‘યાર’ નામની કોઈ વસ્તુ જ નથી. હું તો ‘સર’ શબ્દ સાંભળવાને ટેવાયેલો છું. ગમે ત્યાં જાઉં, કોઈને કોઈ નમસ્કાર કરનારું તો મળી જ જાય છે, એટલે ઘણાં વર્ષો પછી ‘યાર’ શબ્દ સાંભળવો અને બોલવો, મને ખૂબ વિચિત્ર લાગે છે.

હું કંઈક સ્વસ્થ થયો. થોડીક ઢીલાશથી કહ્યું : ‘પ..ણ તું હાલમાં છે ક્યાં ? કહેતો કેમ નથી ?’ હું સહજ બનીને હવે ‘આપ’ ઉપરથી ‘તું’ ઉપર આવી ગયો હતો.
‘કહીશ, જરૂર કહીશ. જરા શ્વાસ તો લેવા દો. આટલાં વર્ષો પછી મારો યાદ મળ્યો છે અને એમ જ બતાવી દઉં.’ મેં જરા વિચારવાનો પ્રયત્ન કર્યો. આ કોણ હશે ? કદાચ દવે હશે કે દેસાઈ ? ના, શેઠ લાગે છે. પણ ગમે તે હોય, મારે શું ? એ જરૂરી થોડું છે કે, બે-એક વર્ષ સ્કૂલમાં સાથે રહ્યા અને વર્ષો સુધી ‘યાર’ બની ગયા. મેં એનાથી પીછો છોડાવવા માટે કહ્યું : ‘તું મારી ઑફિસે આવજે, ત્યાં વાત કરીશું.’
‘અરે, મારી પાસે એટલો સમય ક્યાં છે, જે તારી લવલવ સાંભળવા તારી ઑફિસે આવું. તારા ઘરનું સરનામું આપ.’ તેણે અધિકારપૂર્વક કહ્યું. હું શું કરતો, વિચાર્યું, છૂટકારો મળતો હોય તો આ જ બરાબર છે. મેં એને મારા ઘરનું સરનામું આપી દીધું. એણે સરનામું વાંચ્યું. પછી બોલ્યો, ‘ઓહ, નવરંગપુરામાં રહે છે. ખૂબ જ સુંદર જગ્યા શોધી કાઢી છે, યાર. ભલે કશો વાંધો નહીં, આવતી કાલનું રાતનું ભોજન તારા ત્યાં. ત્યારે વાતો કરીશું.’ અને એ હાથ હલાવતો ચાલ્યો ગયો.

સાંજે હું મારા ઘેર પહોંચ્યો તો મેં મારી પત્નીને કહ્યું : ‘કાલ રાતે મારો એક મિત્ર જમવા માટે આવવાનો છે.’
‘તમારો મિત્ર ? કયો ? શું પહેલાં પણ ક્યારેક અહીં આવેલો છે ?’
‘અરે, ના ! પચ્ચીસ વર્ષ પછી આજે મળ્યો હતો. કદાચ સ્કૂલમાં સાથે એકાદ-બે વર્ષ સાથે ભણ્યો હશે. મને તો આમે કંઈ યાદ નથી. એ તો મારી પાછળ પડી ગયો હતો અને મારો છૂટકો પણ નહોતો, એટલે મેં હા પાડી.’ મારી પત્નીને મૌન જોઈને હું ફરી બોલ્યો : ‘અરે ! એમાં વિચારવાનું શું છે ? કંઈક ‘થોડું-ઘણું’ બનાવી લેજે. ખાસ કંઈ કરવાની જરૂર નથી.’ ‘થોડું-ઘણું’ જાણી જોઈને, મેં ભારપૂર્વક કહ્યું હતું. એવું નથી કે મારા ઘેર કોઈ ભોજન માટે નહોતું આવતું પણ એવું જ કોઈક આવે છે જેની પાસે મારું કામ કંઈક અટક્યું હોય. જો કે દર અઠવાડિયે કોઈકને તો જમવા માટે નિમંત્રું છું જ. મારા ઉપરના અધિકારીઓને ખુશ રાખવાનો અને ‘પ્રમોશન’ માટેનો મેં રસ્તો શોધી જ કાઢ્યો છે, પરંતુ એક નાના માણસને મારા ત્યાં જમવા બોલાવવો, એ મને ગમતું નથી, પણ હવે શું થાય ? હા તો પાડી દીધી હતી.

બીજે દિવસે ઑફિસમાં આવ્યો. ઑફિસ આવતાં જ સમાચાર મળ્યા કે મારા સાહેબની બદલી થઈ ગઈ છે અને એમની જગ્યાએ કોઈ જે.કે. આચાર્ય મહારાષ્ટ્ર સરકારમાંથી ‘ડેપ્યુટેશન’ પર આવી રહ્યા છે. હું મૂંઝવણમાં મુકાઈ ગયો. આમ કેવી રીતે બની ગયું ? આજ સુધી આવું બન્યું નથી. કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, મને મારી ઓળખાણના કારણે અઠવાડિયા પહેલાં જ ખબર પડી જતી હતી, પણ આ વખતે આવી ગુપ્તતા કેમ જાળવવામાં આવી, કે એકાએક સાહેબની બદલીનો ઑર્ડર આવી ગયો. મેં ઘણા પ્રયત્નો કર્યા કે આચાર્ય સાહેબ માટે જાણકારી મેળવું, પરંતુ કંઈ પણ માલૂમ ના પડ્યું. હું આચાર્ય સાહેબ પર પણ મારી ‘ઈમ્પ્રેશન’ પાડવા માગતો હતો. એમને મારા ઘેર સૌથી પહેલાં જમવા બોલાવું એટલે જ્યાં સુધી એ મારા સાહેબ રહે, મને કામ કરવામાં કોઈ તકલીફ ના રહે. લોકો સાથેના વ્યવહારને કારણે દરેક જાતના કેસો આવે છે, જે માટે મારા બોસ પાસેથી ‘ક્લિયરન્સ’ લેવું જરૂરી હોય છે, એટલે ‘બોસ’ને હાથમાં, ના રાખું, તો કામ કેવી રીતે ચાલે ! પરંતુ આ વખતે તો અચાનક જ આ બધું બની ગયું અને નવા આ સાહેબ આચાર્ય કોણ છે, એ પણ મને ખબર ના પડી, એટલે હું કંઈક ઉદાસ બની ગયો.

સાંજે થાક્યો-પાક્યો ઘેર પહોંચ્યો. આજે મારો ‘મૂડ’ જ નહોતો. પત્નીએ સહજ રીતે જ પૂછ્યું : ‘શું બનાવું આપના મિત્ર માટે ?’ તો હું ચિડાઈ ગયો અને કહ્યું : ‘શું માથાકૂટ કરે છે, જે પણ બનાવવું હોય એ બનાવને !’ પત્ની રસોડામાં ચાલી ગઈ. એ નોકરને કંઈક સમજાવી રહી હતી. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો. મેં મારી ચિંતા મારી પત્નીને જણાવી તો એણે કહ્યું : ‘એમાં ચિંતા કરવા જેવું શું છે ? મિ. આચાર્ય કાલે તો ‘ચાર્જ’ સંભાળવાના છે. કાલ સાંજના જમવા માટેનું નિમંત્રણ એમને આપી દો. પહેલી જ વાર એવું જમાડીશ કે બસ, એ પણ ખુશ થઈ જશે.’
‘વાહ, સરસ વિચાર છે, નિમંત્રણ તો હું આપી જ દઈશ. તું જરા ‘પેન’ અને ‘સ્લિપ બુક’ લઈ આવ. કાલે શું શું બનાવીશું, એનું ‘લિસ્ટ’ તૈયાર કરી દઈએ, જેથી કોઈ કસર ના રહી જાય.’ જ્યારે મેં બધું લખાવી દીધું તો મારું મન કંઈક હળવું થયું. જાણે મારા માથા પરનો ભાર ઉતરી ગયો હોય. છતાં મારું વિચારતંત્ર તો ચાલુ જ હતું. ‘એમને કાલે પ્રેઝન્ટ શું આપીશું ? કંઈક તો આપવું જોઈએ, જેની મોટી અસર પડતી હોય છે.’ મારી પત્ની પણ કંઈક વિચારવા લાગી. ત્યાં નોકરે આવી મારી પત્નીને પૂછ્યું :
‘બહેન, દાળનો વઘાર કરી દઉં ?’
ત્યાં જ હું ઉતાવળેથી બોલી ઊઠ્યો : ‘ના, ના. એમ જ રહેવા દે. ક્યાંક સારું ખવરાવી દઈશું તો રોજ દોડ્યો, દોડ્યો આવશે.’ નોકર કંઈક-કંઈક સમજ્યો અને પાછો રસોડામાં ચાલ્યો ગયો.

મેં પછી કહ્યું : ‘મને લાગે છે કે એક ‘શૂટપીસ’ ગિફટ તરીકે આપું. તે મોટા અધિકારી છે, એટલે એમની પાસે તો બધું જ હશે છતાં પણ કંઈ ને કંઈ તો આપવું જ પડશે.’ પત્નીએ ‘હા’માં ગરદન હલાવી. હું એ જ સમયે બજારમાં જઈને ‘શૂટપીસ’ ખરીદી લાવવા ઈચ્છતો હતો, પરંતુ એમ વિચારીને અટકી ગયો કે, કાલે ખરીદીશું. કદાચ કોઈ જાતનો ‘ઈમ્પોર્ટેડ પીસ’ મળી જાય અને આપતી વખતે કહીશ કે નાનો ભાઈ ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડથી આ ‘શૂટપીસ’ લાવ્યો હતો. આમે આજે તો આઠ વાગી ચૂક્યા છે. મને મારી યોજનાઓ સાકાર થતી લાગી. મેં ખુશ થતાં આળસ મરડી, ત્યાં જ ‘કોલબેલ’ રણક્યો. હું સમજી ગયો કે એ જ હશે અને આવતાં જ ‘યાર’ કહી કહીને બોર કરશે. મેં નાક-મોં મચકોડ્યું.

નોકર દરવાજો ખોલવા જવા લાગ્યો તો મેં કહ્યું : ‘આટલી ઉતાવળથી કેમ જાય છે અને દસ-પાંચ મિનિટ આમ જ બહાર ઊભા રહેવા દે. ભાઈને ખબર પડે કે જબરજસ્તીથી મહેમાન બનવાથી શું દશા થાય છે !’ નોકર ત્યાં જ ઊભો રહી ગયો. કોલબેલ બીજી વાર રણક્યો. નોકરે જઈને દરવાજો ખોલ્યો અને જ્યારે એ પાછો આવ્યો, તો એના હાથમાં એક કાર્ડ હતું. એણે કાર્ડ મને આપ્યું. મેં કાર્ડ વાંચ્યું તો જાણે મારા શરીરમાંથી કરંટ પસાર થઈ ગયો. મારી નસો સખ્ત બની. મેં કાર્ડ ફરી વાંચ્યું, લખ્યું હતું : ‘જે. કે. આચાર્ય, સંયુક્ત સચિવ, મહારાષ્ટ્ર સરકાર.’ – મારા પગ તળેની જમીન જાણે સરકવા લાગી. આચાર્ય સાહેબ, અહીં મારા ઘરમાં ! કાર્ડ મારા હાથમાંથી સરકીને નીચે પડી ગયું. હવે કાર્ડ પ્રત્યે સૂગ ક્યાં હતી ?

હું ઝડપથી બહાર આવ્યો, પણ એમને જોતાં જ ત્યાં અટકી ગયો. મારા આખા શરીરે પરસેવો વળી ગયો. અરે, આ તો એ જ છે, તો શું, આ જ મિ. આચાર્ય છે ? હા, હા બરાબર આચાર્ય જ છે. મારો કૉલેજનો સહાધ્યાયી તો શું એ જ મારો બોસ…! પરંતુ હું એમની સાથે આંખ મેળવી શક્તો નહોતો. ફકત હું એમનો અવાજ જ સાંભળી રહ્યો હતો, ‘યાર, મને ખબર છે કે તું મારી જ રાહ જોઈ રહ્યો હોઈશ. શું હું મોડો તો નથી પડ્યો ને ? ખૂબ જ ઝડપથી આવ્યો છું, ક્યાંક ભાભી નારાજ ના થઈ જાય એ ડરથી. પહેલી વાર જ એમને મળું છું.’ અવાજ સાંભળી મારી પત્ની પણ એના રૂમમાંથી બહાર આવી. ભોંય પર પડેલું કાર્ડ એણે ઉઠાવીને જોયું. તે બધું જ સમજી ગઈ. તે પણ ઝડપથી બહાર આવી. હવે તો હું મારા મિત્રને ભેટી પડ્યો.
પત્નીને કહ્યું : ‘આ છે મારો દોસ્ત. જેના માટે મેં તને કહ્યું હતું અને જેને મળવા તું પણ ઈચ્છતી હતી.’

પછી મેં આચાર્ય તરફ ફરતાં કહ્યું : ‘યાર, રાતના કલાકો સુધી તારી જ વાત કરતો રહ્યો. એ કૉલેજના દિવસો… અહા… કેટલા મજાના દિવસો હતા….’ અને પછી પત્ની તરફ ફરતાં મેં કહ્યું : ‘લે, મારો યાર આવી ગયો છે, જલ્દીથી સરસ ભોજન પીરસી દે. એવું જમાડજે કે રોજ આવે. પચ્ચીસ વર્ષ પછી મળ્યો છે.’ રસોડામાંથી દાળના વઘારની મજાની સુગંધ મારા નાકમાં ઘૂસી રહી હતી. મિત્ર મારા સામે જોઈને મલકાઈ રહ્યો હતો. હું પણ એના તરફ જોઈને હસવાનો પ્રયત્ન કરતાં, મારા માથા પરનો પરસેવો લૂછી રહ્યો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન અંજલિ થાજો ! – મૃગેશ શાહ
હોમમિનિસ્ટર – અલ્પેશ પાઠક Next »   

18 પ્રતિભાવો : મિત્ર…!!! – યશવંત કડીકર

 1. nayan panchal says:

  યે જીવન હૈ, ઈસ જીવન કા યહી હૈ રંગ-રૂપ…

  વધુ કશુ કહેવુ નથી.

  નયન

 2. SURESH TRIVEDI says:

  We should never underesimate anybody whether known or unknown.

 3. tejaltithalia says:

  HOW SELFISH HUMAN BEING…

  જીવન ની કરુણાતા….

 4. બ્રાહ્મણ, હાથી, ગાય કે પંડિત, મુરખમાં
  જ્ઞાની ઈશ્વરને જુવે, જડ ને ચેતનમાં

  જ્યારે આ ગીતાની સમજણ માણસમાં આવશે ત્યારે તે જ્ઞાની ગણાશે અને પછી તે ક્યારેય આવી વિચિત્ર પરિસ્થિતિનું પોતાને માટે સર્જન નહી કરી બેસે.

 5. Binita says:

  This is a reality of life that all Human are selfish in this world……

  realy nice for learn to all…

 6. shruti says:

  shruti.h.maru

  exelent stroyyyy….
  this is the reality of life.friendship is world’best relatiton but now time all are selfish. and this is the best example of selfishess.

  i think in our life

  every man is special because all new person get new relatiton in our life we can’t underesitemate every man.

  i have deside one moral like below

  aao to le aao jao to de jao…..yaddein….yaddein…..

  i want to read more related story.

 7. Navin N Modi says:

  આપણા પ્રત્યેકમાં રહેલ સ્વાર્થ અને દમ્ભની વ્રુત્તિઓનું અતિ સુંદર નિરુપણ. કાશ આપણે આવી વ્રુત્તિઓથી છુટી શકીએ! અત્યંત વિચાર પ્રેરક વાર્તા.

 8. Hemant Jani says:

  અડધી વર્તાએ અણ્સાર તો આવી જ ગયો’તો, છતાં યશવંતભાઈની વાત અને વાર્તાને લસોટીને
  રમતી મુકવાની કળા અદ્ભુત છે.

  મજા આવી….

 9. pragnaju says:

  ‘दृते दृह मा मितस्य मा चक्षुषा
  सर्वाणि भूतानि समीक्ष्यंताम्।
  मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि
  समीक्ष्ये। मित्रस्य चक्षुषा समीक्षाम हे।
  $ शंति: । शांति:। शांति:। शांति:
  $ वृष्टि स्तुष्टि:। वृष्टि स्तुष्टि:। ની સરળ અભિવ્યક્તી

 10. એવુ નથી લાગતુ કે ક્લાઈમેક્ષ હ જી થોડો અસરકારક બનાવી શકાયો હોત્. something is missing.

 11. manali says:

  people are selfish,especially friends!!

 12. palabhai muchhadia says:

  કાચિન્ડા નિ જેમ રન્ગ બદલતા માણસો. સ્વાર્થ પ્રમાણે સબન્ધ રાખતા માણસો.

 13. હ્રદય પર ચોક્કસ છાપ છોડી જતી આ વાર્ત છે…

 14. raju yadav says:

  આમ તો અડધેથી જ વાર્તા નો અંત ખબર પડી ગયો પણ તેમ છતાં અંતની રજુઆત અસરકારક. થોડે ઘણે અંશે આપણા બધામાં આવો સ્વાર્થી માણસનો અંશ હોય છે જ.

 15. krishna says:

  ખરેખર જે લોકો અનુભવી તો શકે છે પણ લખી કે કહી નથી શકતાં એ વાત ખુબજ સરળતાં થી સમજાવી છે..

 16. Vaishali Maheshwari says:

  Nice story Mr. Yashwant.

  A story depicting fairweather friendship.

  I remember Robert Frost’s saying, “A bank is a place where they lend you an umbrella in fair weather and ask for it back when it begins to rain.”

  Acharya Saaheb’s friend and his wife were also deceiving him.
  I wish in this next part of the story Acharya Saaheb teaches a lesson to his friend.

  For people like Acharya Saaheb’s friend and his wife, money and material needs of life are very important. Acharya Saaheb’s friend was not as successful as Acharya Saaheb, but still he had ample of unnecessary pride in himself. On the other side Acharya Saaheb is shown having a down-to-earth personality. He is a true friend.

  Nice one. Thank you Author.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.