બાળકોને મેચ્યોર બનાવવાં જલ્દી શામાટે ?–અવંતિકા ગુણવંત

નરેનભાઈને હમણાં હમણાં કેટલીક શારીરિક ફરિયાદો શરૂ થઈ હતી. ક્યારેક માથું દુ:ખતું, ક્યારેક મન ઉદાસ ઉદાસ થઈ જતું, કોઈ પ્રવૃત્તિમાં રસ ના પડતો, રાત્રે ઊંઘ ના આવતી અને ઊંઘ આવતી ત્યારે સ્વપ્નાં આવતાં, બેચેન બનાવી દે એવાં સ્વપ્નાં અને સવારે પથારી છોડવાનું મન ના થાય અને બળજબરીથી પથારી છોડે તોય કોઈ સ્ફૂર્તિ ન વરતાય. દીકરો પ્રમથ એમને નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે જાત જાતના ટેસ્ટ કરાવ્યા અને પછી દવાઓ લખી આપતાં કહ્યું : ‘તમને આ ગંભીર બીમારી નથી, દવાઓ નિયમિત લેજો અને ખાસ તો મનથી હળવા રહેજો. બાળક જેવું મન કરી નાખો. હસતું રમતું ગાતું મન. ભૂતકાળના ખરાબ અનુભવો ભૂલી જજો. મનમાં ક્યાંય કોઈ કડવાશ ના રાખશો, કોઈ ડંખ ના રાખશો.’

કન્સલ્ટિંગ રૂમની બહાર નીકળી પ્રમથે નરેનભાઈને કહ્યું : ‘પપ્પા, આજથી તમારે આપણા આદિત જેવા થઈ જવાનું છે.’
નરેનભાઈ હસ્યા : ‘જીવનના આરંભે ઈશ્વરે આપણને હસતું રમતું ગાતું હળવું ફૂલ જેવું મન આપ્યું હોય છે. પણ આપણે એને સાચવી શકતા નથી. ખોટી ચિંતામાં બધું ગુમાવી દીધું છે.’
પ્રમથ બોલ્યો : ‘જે થયું તે ભલે થયું, પણ પપ્પા હવે તો કોઈ ચિંતા નથી ને !’
‘ના દીકરા, હવે કોઈ ચિંતા નથી, પણ મારો સ્વભાવ જ ચિંતાવાળો થઈ ગયો છે. નાની નાની વાતોમાંય મારો જીવ અધ્ધર થઈ જાય છે. ક્યારેક તો જૂની વાતો સ્વપ્નામાં આવે છે ને હું બેબાકળો થઈ જાઉં છું.’
‘ભૂલી જાઓ તમારો અણગમતો ભૂતકાળ. પપ્પા ભૂતકાળ તો વહી ગયો એ કેમ યાદ આવે છે ?’

‘દીકરા, મારું નાનપણ બહુ તંગ પરિસ્થિતિમાં વીત્યું છે. ત્રણ સાંધો ને તેર તૂટે એવી પરિસ્થિતિ. મારી બા બાજુની આયંબિલશાળામાં જઈને આયંબિલ કરતી. તેલ, ઘી, મીઠું, મરચું, ગળપણ, ખટાશ વગરની સાવ ફિક્કી રસોઈ ખાતી અને આખો દિવસ ખેંચી નાખતી. અલબત્ત, એ તો ધાર્મિક દષ્ટિએ એવું વ્રત કરતી પણ કોને ખબર કેમ મને એવું લાગતું કે અમારા ઘરમાં પૂરતું અનાજ નથી તેથી બા ત્યાં જઈને ખાઈ આવે છે. ત્યાં ખાવાના પૈસા આપવા પડતા નહિ. મારી બા ગુજરીબજારમાં જઈને ઘસાઈ ગયેલા સાડલા ખરીદી લાવતી અને પહેરતી. બા ગોદડીઓ બનાવતી, હાથ મશીનથી થેલીઓ અને ઝભલાં સીવતી અને વેચતી. બા કામ કામ અને કામ કરતી. જોકે બા કદી થાક અને કંટાળાની ફરિયાદ ન કરતી. દરેક તહેવાર ઉમંગથી ઉજવતી, મહેમાન આવે તો ઉમળકાથી સ્વાગત કરતી, સામાજિક વ્યવહાર હોંશથી કરતી છતાં મારા મનમાં એવું જ લાગતું કે આ બધા ખરચા અમને પોષાતા નથી. રોજિંદી જિંદગીમાં બા જે કરકસર કરતી અને દિવસ આખો કામ કરતી તેથી મને એવું જ લાગતું કે અમે સુખી નથી.’

‘મારા ઘરમાં કદી કકળાટ કંકાસ થતો નહિ છતાં નાનપણમાં હું અદ્ધર જીવે જીવ્યો છું. મને એવું થતું ક્યારે હું મોટો થઈ જાઉં, કમાઉં ને મારી બાને આ વૈતરામાંથી ઉગારું. એને નવાં નવાં કપડાં લાવી આપું, અને એની સમક્ષ રૂપિયાનો ઢગલો કરી નાખું. હું મૅટ્રિકમાં એ પહેલાં ભણવાનું છોડીને કાપડ બજારમાં નોકરીએ લાગી ગયો. મારી બાએ મને ભણવાનું કેટલું બધું કહ્યું પણ હું ત્યારે ભણવાને મોજશોખ માનતો હતો, મને થતું કે સામાન્ય ઘરનો છોકરો હું, મને ભણવાનો વૈભવ ના પોષાય. મારે તો નોકરીએ લાગી જ જવું જોઈએ. રાતદિવસ હું કમાણી કેવી રીતે વધારાય એની જ ચિંતા કરતો. પણ મારી પાસે કોઈ ડિગ્રી નહિ. વિશેષ કંઈ આવડત નહિ તેથી કમાણી કરવાના ઉપાય હાથ લાગે નહિ. હું સતત સંતાપ કર્યા કરતો. યાદ છે તને, તું નાનો હતો ત્યારે હું સતત તને ભણ, ભણ એમ જ કહ્યા કરતો. તને રમતા જોઉં ને મને થાય કે આ છોકરો રમવામાં ને રમવામાં પાછળ પડી જશે, બરાબર ભણશે નહિ ને એની જિંદગી એક વૈતરું બની જશે. રાત દિવસ મને તારી ચિંતા રહેતી તેથી તો મારી પહોંચ ન હતી તોય તને ટ્યુશન કલાસમાં મોકલતો હતો.’

‘પપ્પા, મને બધું યાદ છે. મમ્મીએ આપણી પરિસ્થિતિનું મને બહુ વહેલું ભાન કરાવી દીધું હતું. અને ના ભણીએ તો જિંદગીમાં કેવી કેવી તકલીફો પડે, લોકો આપણને કેવી રીતે ધુત્કારે એ બધું મને બરાબર સમજાવી દીધું હતું. આપણા પૈસાદાર સગાં આપણને હેતથી બોલાવતા નહિ, પ્રસંગે એમના ઘેર જઈએ તોય કેવી અવગણના કરતાં તે બધું મેં જાતે અનુભવ્યું છે. તેથી હુંય પૈસાની કિંમત બરાબર સમજ્યો હતો અને પૈસા કમાવા હોય તો ભણવું જોઈએ એય સમજ્યો હતો. તેથી હું ભણ્યા જ કરતો હતો. આજુબાજુના છોકરાઓ સાથે રમવાય નથી ગયો. હુંય મારી ઉંમર કરતા વધારે ગંભીર થઈ ગયો હતો.’
‘દીકરા, તું સારું ભણ્યો, આજે વર્ષે લાખોના હિસાબે પગાર મેળવે છે અને આપણે બધા સુખસગવડથી રહીએ છીએ પણ…..’ કહી નરેશભાઈ સહેજ અટક્યા અને પછી બોલ્યા : ‘તંદુરસ્ત રહેવા માટે જોઈએ એવી હળવાશ તારી જિંદગીમાં નથી. તું ભણ્યો, ધનસંપત્તિ મેળવવાનું એક સપનું સાકાર થયું પણ તારા આરોગ્યના ભોગે. દીકરા જીવનમાં હું સંતુલન ન જાળવી શક્યો એનો ભોગ તુંય બન્યો. આ યુવાનીમાં તનેય હાઈબ્લ્ડપ્રેશર છે.’
‘પપ્પા, મારી ચિંતા ન કરો. મને બ્લ્ડપ્રેશર છે તો હું નિયમિત દવા લઉં છું. મારું બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં છે અને આજની અમારી પેઢીમાં ડાયાબિટીસ અને બ્લ્ડપ્રેશર તો સામાન્ય છે.’
‘બેટા, આ મારી ભૂલના લીધે ને ! અમે તમારામાં ખોટી મહત્વકાંક્ષાઓ રોપી અને રેસના ઘોડા બનાવી દીધા, તનાવ અને ખેંચમાં રહેતા તમને કરી દીધા.’
‘પપ્પા, હવે એવો બળવો કરવો છોડી દો ને હળવાશથી જીવો. જે થઈ ગયું એ થઈ ગયું. હવે આપણી વિચારસરણી અને જીવનશૈલી સુધારવાનાં જેથી આ ભૂલ ફરી વાર ના થાય.’ પ્રમથે ખૂબ લાગણીથી નરેનભાઈને કહ્યું. ત્યારબાદ પ્રમથે એની મમ્મી સૂલુબહેનને કહ્યું : ‘મમ્મી, હવે તમારે સવારસાંજ ફરવા જવાનું અને મન ખુશ રાખવાનું. ડૉક્ટરે પપ્પાને હળવાશથી જીવવાનું કહ્યું છે. તમારે ચિંતા થાય એવી કોઈ વાત જ યાદ નહિ કરવાની.’

ઘરમાં પ્રમથનો નાનો દીકરો આદિત છે, માંડ ચાર વરસનો આદિત. આદિતને આખો દિવસ એની મમ્મી ટોક્યા કરે ને ઉપદેશ આપ્યા કરે. આદિત રમતો હોય ત્યારે ઘાંટો પાડે, ‘ચાલો હવે ભણવા. બહુ રમ્યો તું.’ આદિતને રમવું હોય પણ મમ્મીની કડકાઈ જોઈ ભણવા બેસી જાય. અડધો કલાક ભણે ને એનું મન રમતમાં જાય એટલે એની મમ્મી દ્રુમા તાડૂકે : ‘સ્ટુપીડ રમ રમ કરીશ તો તારે નોકર થવું પડશે. પછી જ જે લોકોને ઘેર કચરો વાળવા ને વાસણ માંજવા.’ આદિતને મમ્મીની કડકાઈ ગમે નહિ અને એ એની દાદી સામું જુએ. સૂલુબહેનને પૌત્રની દયા આવે અને કહે : ‘દ્રુમા, થોડીવાર એને રમવા દે ને !’
દ્રુમા છેડાઈ પડે બોલે, ‘મમ્મી તમે વચ્ચે બોલશો જ નહિ. તમે એનો પક્ષ લો એટલે એને ફાવતું જડે.’ આદિત ઓશિયાળો થઈને જોયા કરતો અને સૂલુબહેન એ જોઈ શકતાં નહિ તેથી એ ત્યાંથી ઊઠીને બીજી રૂમમાં જતાં રહે. દ્રુમાએ આદિત માટે ટાઈમટેબલ બનાવ્યું હતું. ક્યારે ભણવું, ક્યારે રમવું, ક્યારે સૂઈ જવું, ક્યારે ઊઠવું.. બધું ઘડિયાળના કાંટા પ્રમાણે.

એક વાર આદિત ભણતો હતો ને બહાર વરસાદ પડવો શરૂ થયો. સિઝનનો પહેલો વરસાદ. આદિતને વરસાદમાં નહાવા જવાનું મન થયું. પણ દ્રુમા જવા દે ? એણે ના કહી. ત્યારે નરેનભાઈથી રહેવાયું નહિ અને એ બોલી ઊઠ્યા : ‘જા દીકરા જા.’ પછી દ્રુમાને સંબોધીને કહ્યું : ‘વરસાદ પડે ને બાળકનું મન ઝાલ્યું રહે ? એ પલળે તો જ એને સંતોષ થાય. જો, જો એ કેવો આનંદથી ગાય છે અને પલળે છે !’
નરેનભાઈએ આદિતને વહાલથી બહાર પલળવા જવા દીધો એ દ્રુમાને જરાયે ના ગમ્યું. એ બોલી : ‘પપ્પાજી, છોકરાને અંકુશમાં રાખવાનો હોય, એ કહે એ બધું એને કરવા દેવાનું ના હોય. જુઓને આજકાલના છોકરા કેવા વંઠી જાય છે અને એમનાં જીવન પાયમાલ થઈ જાય છે.’
નરેનભાઈ હસી પડ્યા. બોલ્યા : ‘દ્રુમા નાહકની ખોટી ચિંતા કરે છે. તું જોતી નથી આદિત કેટલો નાજુક દિલનો અને સંવેદનશીલ છે. એને બહુ અંકુશમાં રાખવા જશો તો એનું હૈયું નંદવાઈ જશે, એની ક્રિએટીવીટી અને ઓરિજીનાલિટી નાશ પામશે….. દીકરી, આપણે પરિપક્વ બુદ્ધિવાળાં અને અનુભવી છીએ, આપણે જો આદિને નહિ સમજીએ તો એને અન્યાય નહિ થાય ? એની ઉંમર કરતા વધારે પડતી અપેક્ષા આપણે એની પાસેથી રાખીએ છીએ એવું તને નથી લાગતું ? પણ એને મેચ્યોર બનાવવાની આટલી બધી ઉતાવળ શું કામ ? એને વારંવાર ટોકવાથી એ કેટલો મૂંઝાય. વારંવાર એનું મન તોડી નાખીએ તો એ કેટલો નિરાશ થઈ જાય ! મનોમન એ એકલતા અનુભવે અને નિરુત્સાહી થઈ જાય. આ બધાની એની માનસિકતા એના સ્વભાવ અને એના વિકાસ પર ખરાબ અસર પડશે. એને સતત ધાકમાં રાખવા પ્રયત્ન કરશો તો અત્યારથી એ તનાવગ્રસ્ત થઈ જશે. આમ એનું કેટલું મોટું અહિત આપણા હાથે થઈ જાય. દ્રુમા, માણસનું બાળપણ કોઈ પણ ભાર વિનાનું મોજથી જીવવા માટે હોય છે. ત્યારે આપણે વગર વિચારે એને આપણા મનગમતા ચોકઠામાં ઢાળવામાં એની પવિત્ર નિર્દોષતા, ઉજ્જ્વલ સરળતા અને ઈશ્વરદત્ત સાહજિકતા નષ્ટ કરી નાખીએ છીએ. આપણા હાથે જ આપણા બાળકને જીવનભરનું નુકશાન કરી નાખીએ છીએ.’

‘પણ પપ્પાજી, અત્યારે આખી દુનિયા બદલાઈ ગઈ છે. ભયંકર હરીફાઈનો જમાનો આવ્યો છે. આપણે ધ્યાન ના આપીએ તો છોકરો રખડી પડે અને ભવિષ્યમાં આપણને જ દોષ આપે કે તમે માબાપ થઈને મારી પર પૂરતું ધ્યાન ન આપ્યું. જુઓને એને ભણાવવામાં અને વિવિધ પ્રવૃત્તિઓના કલાસમાં મૂકવા અને લેવા જવામાં મારો સમય જાય જ છે ને ! હું ય ભોગ આપું જ છું ને ! પણ અત્યારે એને બરાબર તૈયાર કરીએ તો ભવિષ્યમાં જ્યારે વિકાસની કમાવાની અનેક વિવિધ તકો એની સામે ઊભી હશે ત્યારે બેસ્ટ તક ઝડપી લઈને એ માનમોભાવાળી વૈભવી જિંદગી જીવી શકે. બાળક તો સમજતું નથી પણ આપણે એના ભવિષ્યનો વિચાર કરવાનો છે. એને અત્યારથી મોટો જ માની લેવાનો છે.’
નરેનભાઈ બોલ્યા, ‘દ્રુમા, ડૉક્ટરે મને કહ્યું છે કે તમે બાળક જેવા હળવા બની જાઓ તો ઝટ સાજા થશો અને આદિત બાળક છે એને આપણે મોટો બનાવી દેવો છે ! કેવી ટ્રેજેડી ! અજબ છે દુનિયા !’

તે રાત્રે નરેનભાઈએ પ્રમથને પૂછ્યું : ‘બેટા, આપણા આદિતનો વિકાસ સાધવાના મોહમાં આપણે એની સાહજિકતા અને સ્વાભાવિક આનંદ ઉલ્લાસ છીનવી નથી લેતા ?’
પ્રમથ વિનયથી બોલ્યો : ‘પપ્પા, તમારી વાત સાચી છે પણ અત્યારે ભૌતિકવાદનો એવો પ્રચંડ ઝંઝાવાત ફૂંકાયો છે કે એમાં ટકી રહેવા માટે આપણા બાળકને આપણે પૂરેપૂરું સજ્જ કરવું પડે. એની સામે અનેક પડકારો ચોદિશામાંથી આવશે, કેવી રીતે એ એનો મુકાબલો કરશે ? તમારા સમયમાં બાળક સાત વર્ષે નિશાળે જતું, અમારા વખતમાં પાંચ વરસે અને અત્યારે એ ત્રણ વરસનું થાય એ પહેલાં નર્સરીમાં પહોંચી જાય છે અને એ પહેલાં ઘેર એણે ઘણું બધું શીખી લીધું હોય છે. પપ્પા આપણે એને જિંદગીની દોડમાં આગળ રાખવાનો છે.’
‘પણ બેટા, ખલિલ જિબ્રાનની વાત તને યાદ રાખવા જેવી નથી લાગતી કે તમારાં બાળકો તમારી સોડમાં રહે છે પણ તમે એના માલિક નથી, તમે એને પ્રેમ આપો પણ તમારા સ્વપ્નાં અને તમારી કલ્પનાઓ ના આપો કારણ એને એની પોતાની કલ્પનાઓ છે.’
‘પપ્પા આદિને કેવી રીતે તૈયાર કરવો એ મને સમજાતું નથી.’ પ્રમથ બોલ્યો.

‘બેટા, અત્યારે અમુક ચોક્કસ આદર્શ ખ્યાલમાં રાખીને બાળકને એ રીતે ઘડવા માગીએ તો અત્યારે એ ભલે આપણા કહ્યા પ્રમાણે કરે પણ અંદરથી એને આપણું કહેવું ના ગમતું હોય તો ક્યારેક એ સાવ બંડખોર થઈ બેસે ને એની જિંદગી પાયમાલ થઈ જાય અથવા તો એ સાવ દબાઈ જાય ને ડિપ્રેશનમાં સરી પડે. એ એનાપણું ગુમાવીને તદ્દન સામાન્ય બની જાય અથવા તો પ્રોબ્લેમ ચાઈલ્ડ પણ બની જાય. માટે દીકરા તમે બહુ સાવધાની રાખો. બાળકને સમજો. એની શક્તિઓને ઓળખો. એને જે માર્ગે વળવું હોય એ માર્ગે જવ મુક્ત રાખો. હા, એનામાં કોઈ અવગુણ ના પેસે, કુટેવ ના પડે એનું ધ્યાન રાખો. દરેક પળે એના મિત્ર બનીને એને સહકાર આપો. એની ગતિએ એને વિકસવા દો. એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એને એનું પોતાનું મન થાય છે એ કદી ના ભૂલો. તમારા હાથે એના બાળપણનું ખૂન ના થઈ જાય એ માટે સતત જાગૃત રહો.’
‘પપ્પા, તમારી વાત સાચી છે. તમે મારી આંખો ખોલી, આદિત બાળક છે એ વાત હું કદી નહીં ભૂલું. મારી રીતે નહિ પણ એની રીતે એ વિકસે એની બધી અનુકૂળતા કરી આપીશ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બેસણાનું ઉઠમણું – ડૉ. નલિની ગણાત્રા
વૃક્ષોની ઘટામાં – યજ્ઞેશ દવે Next »   

22 પ્રતિભાવો : બાળકોને મેચ્યોર બનાવવાં જલ્દી શામાટે ?–અવંતિકા ગુણવંત

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ સમતોલ વાર્તા.

  “બાળક જેવું મન કરી નાખો. હસતું રમતું ગાતું મન. ભૂતકાળના ખરાબ અનુભવો ભૂલી જજો. મનમાં ક્યાંય કોઈ કડવાશ ના રાખશો, કોઈ ડંખ ના રાખશો.”

  નયન

 2. દરેક માબાપે બોધ લેવા જેવો છે.

 3. કલ્પેશ says:

  તારે ઝમીં પર.

  આપણે આપણી આકાંક્ષાઓનો ભાર બાળકોના નમણા ખભાઓ પર નાખી દીધો છે.

  મને મારુ બાળપણ (સ્કુલથી ઘરે આવી દફ્તર ફેકી દઈને અગાશી પર પતંગ ચગાવવા) વિષે વિચારતા એમ થાય છે આજના બાળકો કમનસીબ છે (કારણ એમના મા-બાપ આપણા જેવા લોકો છે).

 4. પરેશ ગોહિલ says:

  બહુજ સચોટ વાત અને બોધ એક સરળ વાર્તા રૂપે રજુ કરવા બદલ લેખક ને ખુબ ખુબ અભિનંદન

 5. સુંદર લેખ. બાળકોને વહેલા મેચ્યોર બનાવવા એટલે પરાણે પકવેલા ફળો. જેમ પરાણે પકવેલા ફળો વહેલા પાકે છે પણ સ્વાદ અને ગુણમાં ઉતરતી કોટીના હોય છે તેમ બાળકોને વહેલા મેચ્યોર બનાવવાથી તે તેનો સાહજિક વિકાસ ક્રમ ગુમાવે છે અને વિચિત્ર પ્રકારના પુખ્ત બની જાય છે. નથી તે પોતાનો બાળસહજ સ્વભાવ છોડી શક્તા અને નથી તે પુરતા મેચ્યોર બની શકતા અને પરીણામે તે બાળક પણ નથી રહેતા અને પુખ્ત પણ નથી બનતા પણ અધકચરા કુપુખ્તો બની જાય છે.

 6. Urmila says:

  good story – hope parents take notice and understand why todays children face depression before they become teenagers or become overmature without going through the experiences of life – many congrtulations to the writer for presenting this article to us

 7. DARSHANA DESAI says:

  v.good story. darek parents e yaad raakhe k baalako e potani ichhao puri karavaanu sadhan nathi. baalako ne mukt havaa ma swas leva do to e
  pur- bahar ma khilshe.

 8. JAWAHARLAL NANDA says:

  KHAREKHAR, VASTAVIKTA NI BAHU J NAJIK AND KHUBAJ SAVENDANSHIL MUDDO, AAJ NA BHAGAMBHAG NA JAMANA MA BARKO NI BACHPAN NU KHUN KARINE ENU BHAVISHYA BANAVAVA MAGTA MA-BAP NE SAMJAVTI VAAT , NAHI KE VARTA ! KHUB KHUB KOTI KOTI ABHINANDAN AA MUDA PAR PRAKASH NAKHVA MATE LEKHAK NE .

 9. Geetika parikh dasgupta says:

  સાચી વાત, મા-બાપ સૌથૈ વધારે જવાબ્દાર છે.બાળક ને સાચી દુનિયા ની સમજ આપો…….તેઓ પોતે જ મહેનત કરી આગળ આવશે… પણ એમ્ને મુક્ત જેીવન જીવવા દેવુ જરુરી છે…..

 10. Asha says:

  This is the reason we need grand parents in the house. You think differently when you are parents then grand parents. kids needs parents with lots of energy and grand parents with lots of patience and experience of life.

 11. Navin N Modi says:

  બાળ ઉછેરમાં આપણા ભાવિ સ્વપ્નો અને બાળકના વર્તમાન નફકરા આનંદીત જીવન વચ્ચે સંતુલન સાધવાનો સુંદર સંદેશ આપતી આ વાત જો અમલમાં મુકાય તો બાળકનો સર્વાંગી વિકાસ ચોક્કસ થાય.

 12. upendra says:

  really befitting article in the present lifestyle . hearty congrats to writer & website . upendra

 13. Akhil Dave says:

  Good One,

  This is fact of most of families. The strees due to competition or lack of satisfaction??

  Is there any thing called “NASIB” ??

 14. pragnaju says:

  ખૂબ સરસ લેખ
  દરેક પળે એના મિત્ર બનીને એને સહકાર આપો. એની ગતિએ એને વિકસવા દો. એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એને એનું પોતાનું મન થાય છે એ કદી ના ભૂલો. તમારા હાથે એના બાળપણનું ખૂન ના થઈ જાય એ માટે સતત જાગૃત રહો.
  તાર્કીક વાત્

 15. Snehal Aus says:

  very true…reflects the truth of our life…..It is kind of unfair to bury the child under the pressure of education n career n all, but can’t just leave it like that upto kids, can we?

  Anyway, very nice story…..

 16. We know every thing, but some how at the time of practice we forget the basics. and then we are approching doctors and psychologists, let child play , he knows where to do & what to do coz he is a good observer.

 17. Pathik says:

  આ ઉમરે ક્યારેક કલરબુક લઈ ને બેસુ અને થોડા કલર કરુ ત્યારે એમ લગે છે કે જિન્દગિ મા ખરેખર રંગો નેી ખુબ જરુર છે.

 18. Purvi says:

  ખૂબ સરસ લેખ. દરેક માતા-પિતા ઍ બોધ લેવા લાયક.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.