- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વૃક્ષોની ઘટામાં – યજ્ઞેશ દવે

[શ્રી યજ્ઞેશભાઈ દવે જાણીતા સાહિત્યકાર છે. રાજકોટના વતની એવા શ્રી યજ્ઞેશભાઈ હાલમાં આકાશવાણી, વડોદરા ખાતે સહાયક કેન્દ્ર નિયામકની ફરજ બજાવી રહ્યા છે. અભ્યાસે તેઓએ ‘એક્સ્પરીમેન્ટલ બાયોલોજી-ઈકોલોજી’માં Ph.D કરેલું છે તેમજ તેમના કાવ્યો અને નિબંધો પર કેટલાક વિદ્યાર્થીઓએ M.Phil ની પદવી પ્રાપ્ત કરેલી છે. ત્રણ કાવ્ય સંગ્રહો, ત્રણ નિબંધ સંગ્રહો અને બે અનુવાદના સર્જન બદલ તેમને ‘કાકાસાહેબ કાલેલકર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ ત્રણ પુરસ્કારથી તેમને સન્માનવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ શ્રી યજ્ઞેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dave_yagnesh@yahoo.com ]

[1] છાયાની છત્રી : બદામ

બદામનું ઝાડ તમને ગમે છે ? મને તો ગમે છે તેનાં મોટાં મોટાં પાંદડાંને લીધે. આપણાં પરિચિત વૃક્ષોમાં ભાગ્યે જ કોઈ વૃક્ષનાં પાન બદામ જેટલાં મોટાં હશે. બાળપણથી જ જે વૃક્ષો સાથે મારી ઓળખાણ થઈ તેમાંનું એક વૃક્ષ આ બદામ. બદામ સાથે મારો સંબંધ પિસ્તાલીસ વરસનો. રાજકોટમાં પહેલા ધોરણમાં શાળા નંબર-24માં દાખલ થયો ત્યારે ઊંચાં બહેડાં, ઘેઘૂર લીમડા સાથે, સાથ મળ્યો બે ઊંચી ઘટાદાર બદામનો. તેની છાયામાં જ રિસેસની મુક્તિ માણી. રેંકડીમાંથી ગંડેરી ખાધી છે અને પાકી બદામના લાલ ગરમાં મારા નાના નાના દાંત બેસાડ્યા છે. એ પછી તો પોરબંદર, ફરી રાજકોટ અને અમદાવાદ સુધી એ સંબંધ લંબાયો. અમદાવાદના ઘરઆંગણામાં વાવેલી, દિવસે ન વધે તેટલી રાતે વધતી નાનકડી બદામને હું બદામડી કહી શકું તેટલો લાડ સંબંધ બંધાયો.

પોરબંદરનો બાળપણનો ગાળો એ બદામ સાથેના ગાઢ સંબંધનો ગાળો. કેટકેટલાં સ્મૃતિઓ અને સંવેદનો એ બદામ સાથે જોડાયાં. અમારી કોલોનીમાં ઘણાં ઘરબગીચામાં નાનકડી ઊગતી વધતી બદામડી અને પાસેની વાડીમાં બદામનાં ઊંચાં હારબંધ ઝાડ. છાનામાના છીંડામાંથી ગરકી પાકી બદામની ચોરીનાં સાહસો. મોટા પથ્થરથી બરાબર તાક લઈ પથ્થર બદામનાં ઝૂંડમાં ફેંકવાનો અને ટપ દઈ બોદા અવાજ સાથે પાકી બદામ જમીન પર. કાચી બદામ પડે તેનો અવાજ ભારે હોય. બદામનો શાળા-વિન્યાસ નિરાળો. થડ સીધું વધે. આંતરમાં ગાંઠમાંથી ત્રણચાર ડાળીઓ છત્રીના સળિયાની જેમ ફૂટે. તેની શાખા-પ્રશાખાઓ વિસ્તરી એક પર્ણછત્ર રચાય. થડ ફરી સીધું વધે ને થોડા અંતરે તેમાંથી ફરી ડાળીઓ ફૂટે ને ફરી છત્ર રચાય. બદામના થડનો આંબા, લીમડા, પીપળા, પીપર જેવો રમ્ય વળાંક નહીં પણ સીધા દંડ પર બે-ત્રણ પર્ણછત્રીઓ. શાખા-પ્રશાખાની ઝીણી જાળગૂંથણી નહીં પણ પાન જ એટલાં મોટાં કે ઝાડ ઘટાદાર જ લાગે.

બદામનું શાસ્ત્રીય નામ Terminalia Catappa – ટર્મિનાલિયા કટપ્પા. તેનું કૂળ કોમ્બ્રેટેસી. બદામ કુળનાં બીજાં જાણીતાં વૃક્ષો તે બહેડાં, હરડે, સાદડ અને અર્જુન. પણ એ વૃક્ષો તો જંગલમાં. એ કુળમાંથી શહેરમાં આપણો સાથ દેવા આવ્યું તે તો બદામ જ. દરજીડાનેય બદામનું વૃક્ષ બહુ પ્રિય. દરજીડાનો પહેલો માળો મેં જોયેલો તે બદામના પાનનો. બદામનાં મોટાં પાનને વાળીને તેની બે કિનારીઓને રેસાઘાસના બખિયાથી સાંધીને પડિયા જેવો માળો બનાવેલો. ઈંડાં સેવતો દરજીડો માળામાં ટેસથી હીંચકે. પવનમાં બદામ ઝૂલે અને પાનના સુરક્ષિત માળામાં દરજીડોય હીચકાતો જાય. બદામનાં મોટાં પાનની બીજી ખાસિયત એ કે તે ખરતાં પહેલાં બદામી, કેસરી, લાલ, કિરમજી, કથ્થાઈમાં ક્રમશ: પલટાતા જાય. એક જ ઝાડ પર પીળાથી લાલ ચટક રંગનાં છાંટણાં છંટાઈ જાય – અહીં બેઠાં બેઠાં જ આપણને કેલિફૉર્નિયાની મેપલ ઑટમનો લાભ મળે. શિયાળામાં તો આખું ઝાડ રતૂમડું કથ્થાઈ થઈ જાય. પીળા પડીને ખરી જવા કરતાં ખરી જતાં પહેલાં લાલ થઈ જતાં આવાં પાંદડાંને જોઈને જ જાપાની હાઈકુ કવિને આવા પ્રફુલ્લ રંગીનમિજાજી વાર્ધક્યની ઈર્ષા થઈ :

ઈર્ષાપ્રેરક પાંદડાંઓ
ખરતાં પહેલાં
બને છે કેટલાં સુંદર
– કવિ શિકિ

બદામને ફૂલ નહીં પણ ઝીણા ઝીણા મોર જડેલો ઢળીને નમતો પુષ્પગુચ્છ (Spike) ફૂટે. એ પુષ્પગુચ્છને મંજરીની ચમરી જ કહેવી પડે – નાનપણમાં અમે તેને બદામની મૂછ કહેતા. નાનાં નાનાં ફૂલો ખરે અને દાંડી પર અણીદાર નાની નાની બદામો બેસે. કોડી કરતાંય નાની અને અણીદાર. નાની નાની બદામો ધીમે ધીમે ભરાતી જાય અને રંગ બદલતી જાય. લીલીમાંથી પીળી, કેસરી, લાલ, કથ્થાઈ થતી જાય. નાની બદામ કડવી, કડછી લાગે. મોટી થયે તેમાં રેસા, ગર ભરાય ને ખાટી-તૂરી થાય અને પાકી થઈ પીળી, કેસરી, લાલ થાય ત્યારે તેનો સ્વાદ સહેજ ખટાશ પડતો મીઠો. પાકી બદામની પાતળી છાલ અને પોચો મીઠો ગર. બાળપણમાં મારા નાનકડા દાંતનો આકાર બચકું ભરેલી બદામના ગરમાં જોયો છે. આ ગર ખવાઈ જાય પછી આવે લાલ રસ ભર્યા રેસા. આ રેસા સ્વાદમાં ખાટા-તૂરા. આ રેસાનીય નીચે મોટા ઠળિયામાં સંતાઈને બેઠેલી હોય નાનકી સુંવાળી સફેદ સુસ્વાદુ બદામ. ઠળિયો જો પથ્થરથી સરખો ભંગાયો તો બદામ આખી નીકળે નહીં તો ઠળિયા ભેગી બદામનોય છુંદો. બદામના ઠળિયામાંથી બદામ જો આખી નીકળે તો તેની પાછળ કરેલી બધી જ જહેમત વસૂલ. એ મીંજનો સ્વાદ સાચી બદામ જેવો જ લાગે. શહેરમાં હવે નારંગી, સફરજન, પ્લમ, લીચી જેવાં બહારનાં ફળો આવતાં બદામ, કરમદાં, જાંબુ જેવા ફળો અદશ્ય થવા લાગ્યાં છે. તેની થોડી ઘણી બજાર રહી છે તો પછાત વિસ્તારમાં આવેલી શાળાની આસપાસ.

થોડા સમય પહેલાં દ્વારકા જવાનું થયેલું. પાસેના વરવાળા ગામની બદામ ખૂબ વખણાય. શરુનાં વૃક્ષોની ઓથે ઊછરેલાં એ વાડી-બગીચામાં ચીકુ, બદામનો પાક લેવાય. મને તો ત્યાંની ઊંચી ઘટાદાર બદામની વાડીનો ગાઢ છાંયો ગમી ગયેલો. ત્યાં ખાધેલી મોટા ચીકુ જેવડી બદામનો સ્વાદ તો બાળપણમાં ક્યાં ને ક્યાં લઈ ગયેલો. આજેય પાકી બદામના નરમ ગરમાં મારા દાંત બેસાડું છું ને એકસાથે ચાલીસ વરસ ઠેકી જવાય છે. ક્યારેક કોઈ સ્વાદ, કોઈ ગંધ પણ ટાઈમ મશીન બને તે આનું નામ.
.

[2] કૃષ્ણપ્રિય કદંબ

‘કદંબ’ નામ પોતે જ નાનુશું પણ ઘટાદાર. ‘શિરીષ’ નામમાં જેમ તેના રોમશ સુંવાળાં ફૂલોને સ્પર્શ પામી શકાય તેમ કદંબમાં તેની ઘેઘૂર ઘટાનો અને નાનાશા પુષ્પદડાનો સ્પર્શબોધ પામી શકાય. કદંબના ઝાડને જોયું તે પહેલાંય તેનો પરિચય થયો કૃષ્ણ થકી. કૃષ્ણ સાથે અભિન્ન રીતે જોડાઈ ગયું છે આ વૃક્ષ. જેમ શિવ સાથે બીલી, વિષ્ણુ સાથે વૃંદા તેમ કૃષ્ણ સાથે કદંબ. કૃષ્ણની શૈશવલીલાભૂમિ વૃંદાવન-ગોકુળ, જમુનાનો કાંઠો, રાધા, ગોપ-ગ્વાલ સાથે જ કદંબ તરત યાદ આવે. નાનપણમાં રહીમના દોહામાં તેનો પહેલો પરિચય થયો. રહીમને થાય છે કે ‘કાશ જો હું ગોકુલનો ગ્વાલ હોત, કૃષ્ણની ધેનુ હોત, જમુનાના કાંઠે ઝૂકેલ કદંબ હોત…’ એ કવિતાની સાથે જ યમુના પુલિન, યમુનાના નિગૂઢ શ્યામ જળ અને યમુનાના કાંઠે ઝૂકેલા કદંબનું ચિત્ર મનમાં અંકાઈ ગયું. એ પછી તો અનેક ગુજરાતી કૃષ્ણકવિતાઓમાં એ કદંબ જોયું, પણ એ કદંબનાં ફૂલોનો ઉલ્લેખ નહીં. ઉલ્લેખ માત્ર વૃક્ષનો કે કદંબની શાખનો.

કદંબ પહેલવહેલું ક્યારે જોયું ? રાજકોટમાં તો કદંબ જોયાનું યાદ નથી (જોકે એક વાર પરિચય થયા પછી આ આંખે કદંબનાં બે-ચાર બાલતરુ શોધી કાઢ્યાં). પહેલવહેલું જોયું હોય તો 1975માં સ્ટડીટુર વખતે કલકત્તાના બોટનિકલ ગાર્ડનમાં. પણ તેનીય સ્મૃતિ રહી નથી. મહોરેલું નહીં પણ ફાટફાટ ફૂટેલું કદંબ પહેલવહેલું જોયું અમદાવાદમાં અમારી જ સોસાયટીમાં સંસ્કૃતના વિદ્વાન ગૌતમ પટેલના આંગણામાં. લીમડો, પીપળો, વડપીપળ, ગરમાળો, ગુલમહોર તો માનવકોટિનાં વૃક્ષો જ્યારે કૃષ્ણપ્રિય કદંબ લગભગ દેવકોટિનું. સંસ્કૃત કવિઓને પ્રિય અને કૃષ્ણકેલિ સાથે સંકળાયેલું આ વૃક્ષ આ જમાનામાં અમદાવાદમાં અને અમારી જ સોસાયટીમાં ! હું તો આશ્ચર્યચકિત !

અષાઢના મેઘમેદૂર ભીના દિવસોમાં નાનકડું કદંબ આખું મ્હોરી ઊઠેલું – પીળા બાદલા ભરેલા લીલા સેલામાં શોભતી કોઈ કોડભરી ષોડશી જેવું. પહેલી વાર કદંબનાં ફૂલો જોયાં. ફૂલો વિષેની આપણી સામાન્ય ધારણા એટલે પાતળી પાંખડીઓ, સ્ત્રીકેસર, પુંકેસર અને લીલું વજ્રદલ. જ્યારે કદંબનું ફૂલ તો સાવ જૂદું જ નીકળ્યું. કદંબનું ફૂલ એ ફૂલ નહીં પણ ટેબલટેનિસની દડી જેવડો મઘમઘતો ફૂલદડુલો. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે એ પોતે એક ફૂલ નહીં પણ નાનાં નાનાં પુષ્પો જડિત પુષ્પસમૂહ – inflorescence. મદિલગંધ દૂરથીય ખેંચી લાવે તેવી. નાક પાસે લાવી સૂંઘો તો નાકે ગલીગલી થાય તેવું રોમશ સુંવાળું. સૂંઘતાંની સાથે જ નાક પર, હોઠ પર, ગાલ પર આછી પીળી સુગંધિત પરાગરજ ચોંટી જાય. એ ઘટાદાર વૃક્ષ, એ રોમેશ ફૂલદડુલો-પુષ્પકંદૂક, એ માદક ઘેરી ગંધ – કૃષ્ણ અને રસિકોને આ વૃક્ષ કેમ પ્રિય હશે તે સમજાઈ ગયું.

આ કદંબને આપણે કહીએ ‘કદંબ’, પણ એ નામથી તો આપણે જ તેને ઓળખીયે. ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ કે જર્મનીના ખૂણામાં બેઠેલાને ક્યાંથી સમજાય કે આપણે કયા વૃક્ષની વાત કરીએ છીએ. એટલે વૈજ્ઞાનિકોએ તો તેનું શાસ્ત્રીય નામ પાડવું જ રહ્યું. કદંબનું કુળ Rubiaceae – રુબિયેસી : વૈજ્ઞાનિક નામ – Anthrocephalus Cadamba કે Anthrocephalus indica – એન્થ્રોસીફેલશ ઈંડિકા. નામરૂપની આ સૃષ્ટિમાં રૂપને નામ આપ્યા વગર કોઈનેય ક્યાં ચાલ્યું છે !

મેં અષાઢની મેઘમેદૂર સવારે ફુલ્લ કુસુમિત કદંબ જોયેલું તે મોટું નહીં પણ ત્રણેક વરસનું નાનુંશું ઝાડ સીધું જ વધેલું ને બીજા માળની અગાશીને આંબી ગયેલું – ગૌતમ પટેલે પ્રેમથી ઉછેરેલું. કેમ ન ઉછેરે ? ગૌતમભાઈ વ્યાકરણના કોરા પાઠ કરનારા વિદ્વાન જ થોડા છે ? તે તો છે સંસ્કૃત સાહિત્ય પીને બેઠેલા રસિકજન. લીલાં ઘેરાં મોટાં પાનની ગાઢ ઘટા વચ્ચે અનેક આછા પીળા ફૂલગોટાઓ. જાણે એ ઘટામાં પડતાં છિદ્રોને પૂરવા જ આ ગોટાઓ ન ખીલ્યા હોય ! ગંધ એવી પ્રગાઢ કે કદંબ નીચે છાયાની ઘટા છે કે ગંધઘટા તે જ કહેવું મુશ્કેલ. ઉપર મધમાખીઓનો ગુંજારવ – જાણે ઝાડ આખું ગુંજતું. શોભા એવી કે કદંબે જાણે કળા કરી હોય તેવું લાગે. કદંબની આ પુષ્પકલા ઝાઝા દિવસો ન ચાલે. માટે જ કદંબ જ્યારે પુરબહારમાં ખીલ્યું હોય ત્યારે તેને માણી લેવું જોઈએ. કદંબદર્શનનું રસિક આમંત્રણ સ્વીકારી ભાયાણીસાહેબ અને વિજય પંડ્યાએ એક વાર ગૌતમભાઈને ઘેર આવી કદંબનું આનેત્ર, આનાસિક પાન કરેલું.

આ કદંબ આપણને જો આટલું પ્રિય છે તો પ્રાચીન કવિઓને તો કેટલું પ્રિય હશે ? રામાયણમાં તો સીતાનું એક વિશેષણ જ ‘કદંબપ્રિયા’ છે. વિરહી રામ કદંબને જ પૂછે છે કે કદંબપ્રિયા મારી પ્રિયાને તેં જોઈ છે ? કદંબના સંસ્કૃત સાહિત્યમાં કેટકેટલા ઉલ્લેખો ! કદંબ વૃક્ષોમાંથી ઝરતા મધને પી મદોન્મત બનેલા ભમરા, કદંબ પર નાચતા મત્ત મયૂરો, પ્રિયતમ રામચંદ્રનો સ્પર્શ થતાં કદંબપુષ્પ જેમ રોમાંચિત થતાં સીતાનાં ગાત્રો, કદંબનાં પુષ્પોથી સુવાસિત થયેલ સમીરણ; કદંબરજને અંગરાગ તરીકે ચહેરા પર લગાડતી લલનાઓ, નવકુસુમિત કદંબપુષ્પોનું કર્ણાભરણ પહેરેલી રૂપસી, કદંબ ફૂલ જેવાં ખરતાં આંસુઓ, વિયોગી પ્રેમીને વિહવળ કરતી કદંબની માદકગંધ, મેઘગર્જનાથી કામપીડિત ચારુદત્તનાં કદંબપુષ્પત્વ પામતાં રોમાંચિત ગાત્રો, નવકદંબ પુષ્પોની રજથી રાતું ધૂસર થઈ ગયેલું આકાશ… કદંબને પામવાની કેટકેટલી રીતો ! કદંબ પર ફિદા થવું કે કદંબપ્રિય રસિકો પર તે નક્કી ન કરી શકાય. ગુજરાતી કવિતામાંય કૃષ્ણ સાથે કદંબ આવ્યું. હરીન્દ્ર દવે કહે :

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબડાળી યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી

તો માધવ રામાનુજ આંસુના જમુનાકાંઠે કદંબ વાવવાની વાત કરે,

રોઈ રોઈ આંસુનાં ઊમટે જો પૂર
તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો.

જમુનાજળમાં નાહતી ગોપીઓનાં કાંઠે પડેલાં વસ્ત્રો ચોરી કદંબ પર ચડી ગયેલા કૃષ્ણનું ચિત્ર વરસોથી મનમાં દોરાયેલું છે. થાય છે કે આ રૂપક છે ? સર્ સર્ સરતા આ સંસારમાં આપણી લાજ તો આકાશરૂપી કદંબ પર જે બેઠેલો છે તેના જ હાથમાં. આ જ કલ્પનાને આગળ દોરી જતાં થાય છે કે આકાશરૂપી મહાકદંબનાં ફૂલો એ નવલખ તારા જને ! રાત્રે હવે તારાઓમાંથી કદંબફૂલોની ઘેઘૂર ગંધ વહી આવશે તો નવાઈ નહીં લાગે.