મહામાયા – ગિરીશ ગણાત્રા

પૂનમ પરીખ.
આ નામ સાંભળતાં જ એકએક કોલેજિયનનું દિલ ધડકી જતું. જુવાન હૈયામાંથી એક આહ નીકળી પડતી. એના રૂપ અને યુવાની પર કૈંક યુવાનોએ દિલ ફેંકેલા. એનું એક સ્મિત પામવા માટે પણ યુવાનો તલસાટ અનુભવતા. ટાઈટ ટી-શર્ટ અને પ્લીકેટ સ્કર્ટ પહેરી જ્યારે એ ઘરથી કૉલેજ આવવા નીકળતી ત્યારે નાનકડા શહેરના એ રસ્તા પર જાણે ગુલમહોર ખીલી ઊઠતાં. યુવાન પ્રાધ્યાપકો પૂનમને જોઈને વર્ગમાં શૃંગારપ્રચુર વાણીવિલાસ રચતા.

આવી સૌંદર્યસામ્રાજ્ઞી પૂનમ પરીખને પામવા કોણ જાણે કેટકેટલાયે યુવાનો તરસતા હતા, મરતા હતા પણ એ રૂપગર્વિતા એમ કોઈને હાથ મૂકવા દેતી નહોતી. આમ તો એ મધ્યમવર્ગી કુટુંબની ફરજંદ. પિતા એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતા, તો માતા એક પ્રાઈમરી સ્કૂલમાં ભણાવતી. ત્રણે મોટાભાઈઓ ઘરથી અલગ થઈ અન્ય શહેરોમાં એમનો કુટુંબમાળો બાંધી બેસી ગયા હતા. ત્રણ ભાઈઓની આ એકની એક બહેન ભણીને સારે ઠેકાણે પરણી જાય એવું કુટુંબના સૌ સભ્યોની ભાવના એટલે એને માટે સારા સારા ઘરનાં માગાં આવતાં હોવા છતાં પણ પૂનમે એ સૌને ઠુકરાવ્યા હતાં. આ ના પાડવા એની પાસે એક જ કારણ હતું. એ ઉમેદવારોમાંથી કોઈની પાસે મોટર બંગલાઓ ન હતા. જ્યારે ઈશ્વરે એના તમામ રૂપનો ખજાનો આવી યુવતી પર ઠાલવી દીધો હોય ત્યારે શા માટે એ રૂપને સંપત્તિના ત્રાજવે ન તોલે ?

ઉનાળાની રજામાં એ એનાં ભાઈ-ભાભી પાસે મુંબઈ આવી ત્યારે એક લગ્નસમારંભમાં એને એક યુવાનનો પરિચય થયો. એ યુવાન બે વર્ષ પહેલાં જ કૉલેજનો અભ્યાસ પૂરો કરી પિતાના ધંધામાં જોડાઈ ગયો હતો. વિલેપાર્લેમાં એનો મોટો બંગલો હતો. બંગલાના કંપાઉન્ડમાં ત્રણ ત્રણ કારનાં ગેરેજ હતાં. રસોઈ માટે મહારાજ હતો અને બબ્બે નોકરોની મોડી રાત સુધી સેવા મળી રહેતી. પૂનમ પરીખ પર આ યુવાન અમીત ફીદા હતો. દોઢ મહિના દરમિયાન પૂનમે એનો સારો એવો પરિચય મેળવી લીધો. અદ્યતન મોંઘા પોશાકો, પરફ્યુમ્સ, વિવિધ પ્રકારનાં આભૂષણો અને સેન્ડલોની નવાજેશ થતી. ભેટો દ્વારા અમીત પૂનમ પર છવાઈ ગયો.

….અને એક દિવસ રંગેચંગે પૂનમ-અમીતનાં લગ્ન થઈ ગયાં.
પૂનમ હવે મુંબઈ આવી.
નાના શહેરમાં જે આનંદપ્રમોદ એને માણવા મળ્યા ન હતા એ એણે અહીં મુંબઈમાં માણ્યા. મધ્યમવર્ગી કુટુંબમાં ઐશ્વર્યનો જે વિલાસ એણે ભોગવ્યો ન હતો તે ભોગવ્યો અને પછી…પછી…. પતિ સાથે, કુટુંબ સાથે ધીમે ધીમે એના મતભેદો વધતા ચાલ્યા. કોઈ પણ કુટુંબ હોય, પછી એ ગરીબનું હોય કે લખપતિનું હોય, એમના કુટુંબના આચાર-વિચારોની એક મર્યાદા હોય છે. પરણીને આવેલી પુત્રવધૂએ એ કુટુંબના આચાર-વિચાર અને વ્યવહાર અપનાવી એ રીતે વર્તે એવું સૌ કોઈ ઈચ્છે. પુત્રવધૂ સ્વછંદી બની કુટુંબની મર્યાદા ઓળંગે એ કોઈને ન ગમે. રૂપની પરી જેવી પૂનમ પર અમીત ભલે ગમે તે ઓળઘોળ કરે, પણ એની પત્ની જ્યારે કલબ-પાર્ટીઓમાં રખડતી રહે, રાત્રે મોડી ઘેર આવે, પરાયા પુરુષના સાંનિધ્યમાં દિવસ વિતાવે અને ઘરમાં જરા જેટલું પણ ધ્યાન ના આપે ત્યારે એનો અંજામ જે રીતે આવવો જોઈએ એ રીતે જ આવ્યો.

ચાર-સાડા ચાર વર્ષના લગ્નજીવન બાદ અમીત પૂનમથી છૂટો થયો. છૂટાછેડા આપતી વખતે જે મોટી રકમ હાથમાં આવી તે લઈ પૂનમે પરામાં એક નાનકડો ફલેટ લીધો અને સ્વતંત્ર જીવન જીવવા લાગી. સંતાન વિનાની આ સ્ત્રીએ હજુ એના રૂપના નિખારને ઓસરવા દીધો ન હતો. અમીતના પૈસાથી તો એણે એના રૂપને વધુ શણગારેલું એટલે મુંબઈમાં એને ચાહનારા પુરુષવર્ગમાંથી એકે એની પસંદગી કરી લીધી. પણ આ પસંદગી જરા જુદા પ્રકારની હતી. શૈલેષ શાહ નામના હીરાના યુવાન ઉદ્યોગપતિએ એની પોતાની ઑફિસમાં સેક્રેટરી તરીકે પૂનમની નિમણૂક સારા પગારથી કરી દીધી. અમીતથી છૂટા પડ્યા પછી એના હાથમાં જે પૈસો આવ્યો તે જ્યારે ઓસરવા લાગ્યો ત્યારે એને પતિ કરતાં પૈસાની વધુ જરૂર લાગી. પતિ ભલે એક-બે વર્ષ મોડો મળે, પણ દર મહિને નિયમિત સ્વરૂપે એક આવક જોઈએ. એ આવક વિના એના રૂપની માવજત કેવી રીતે થાય ?

શૈલેષ શાહ રંગીન મિજાજનો યુવાન હતો. એ પરિણીત હતો, બે સંતાનનો પિતા હતો, પણ છાશવારે યોજાતી પાર્ટીઓમાં એને કંપની આપવા એની પત્ની હવે સમય ફાળવી શકતી નહોતી. બે સંતાનોની માતા અને મોટા કુટુંબની વહુવારુ આવાં કાર્યો માટે સમય ક્યાંથી ફાળવી શકે ? શૈલેષ માટે પૂનમ જેવી એકલવાયી યુવતી બધી રીતે યોગ્ય હતી. શૈલેષની કંપનીનો સેક્રેટરી તરીકેનો પગાર તથા એને અપાતા સુંવાળા સહચર બદલ પૂનમની સમૃદ્ધિ વધતી ચાલી. પણ જ્યારે સંબંધોનું મૂલ્ય સોદાઓમાં અંકાતું હોય ત્યારે લાગણીનું તત્વ લગભગ નહિવત જ હોય. પૂનમ હવે પ્રેમને ઝંખતી હતી પણ જે પ્રેમ એ ઈચ્છતી હતી એવો પ્રેમ એના આ બોસ તરફથી મળતો ન હતો – મળી શકે એમ ન હતો. શૈલેષ પોતાની પત્નીને છૂટાછેડા આપી પૂનમને એ સ્થાન ન જ આપી શકે, એટલે પૂનમે એની ઉપવસ્ત્ર બનીને જ રહેવું પડ્યું. એ ઉપવસ્ત્ર પણ હવે ધીરે ધીરે જૂનું થવા લાગ્યું. શૈલેષે ધીમે ધીમે પૂનમનો સંગ ઓછો કરી નાખ્યો અને છેવટે એક સેક્રેટરી તરીકે એને રૂખસદ પણ આપી દીધી.

ફરી પૂનમ આ સંસારમાં એકલી બની ગઈ.
એને હવે ઘર જોઈતું હતું, એનાં પોતાનાં સંતાનો એના ગોદમાં રમતાં હોય એવું એ ઈચ્છતી હતી. એને સમાજમાં એક ગૃહિણી તરીકે સૌ એને માનભેર જુએ એવું એ ઝંખતી હતી, પણ એ હવે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? અમીત તો ફરી પરણી ગયો હતો, શૈલેષ પણ એને પત્ની તરીકેનો દરજ્જો આપવા નહોતો માગતો અને એને ઝંખતા તમામ યુવાનો હવે પરણીને ઘર વસાવી બેસી ગયા હતા. જે જે પુરુષો એની કંપની ઈચ્છતા હતા એ બધા જાણતા હતા કે પૂનમ પાસેથી જે કંઈ સુખ મેળવવા ઈચ્છતા હતા એના બદલામાં કશુંક ચૂકવવું પડે – નગદ, રકમમાં. રૂપની આ આટલી જ કિંમત હતી ! એ રૂપમાં નરી વાસના હતી. ત્રાજવે તોલાતું મૂલ્ય હતું. સ્ત્રીના સ્ત્રીત્વનો એમાં આદર નહોતો, સ્ત્રીશક્તિનો એમાં સત્કાર નહોતો. રૂપની હાટડી પર વેપાર કરવા નીકળેલી પૂનમને હવે રહી રહીને સમજાયું હતું કે માત્ર સૌંદર્ય જ એના સ્ત્રીત્વનો ઓપ નહોતો, સૌંદર્ય સિવાય એવાં અનેક મૂલ્યો હતાં કે જેનો સમાજ આદર કરતું હતું. સ્ત્રી માટે એમ કહેવાય છે કે જ્યારે બાહ્ય સૌંદર્યનો અભાવ હોય ત્યારે સદગુણોનું આંતરિક સૌંદર્ય સ્ત્રીને વિશેષ રૂપવતી બનાવે છે. સાડત્રીસમે વર્ષે એને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. છતાંય એટલું બધું મોડું તો નહોતું થયું કે એ એના પ્રથમ જન્મને ફીનીક્ષ પંખીની જેમ બાળી નાખી, એના ભસ્મમાંથી બીજો જન્મ ન લઈ શકે.

પૂનમે વર્તમાનપત્રોમાં આવતી લગ્નવિષયક જાહેરખબરો જોવા માંડી. એક જાહેરખબર તરફ એ વારંવાર મનન કરવા લાગી. લગ્નેચ્છિત ઉમેદવાર એક કૉલેજના પ્રાધ્યાપક હતા. એક પણ સંતાનની ભેટ આપ્યા વિના એમની પત્ની મૃત્યુ પામી હતી. આ બીજા લગ્નની અભિલાષામાં એ સહચર્ય ઝંખતા હતા. ‘લગ્નના આદર્શને અપનાવી, એકમેકના જીવનને ઊજળાં બનાવે એવી સ્ત્રી, પછી તે વિધવા હોય, ત્યકતા હોય, ઈતર જ્ઞાતિની હોય તેણે જ સંપર્ક સાધવો.’ જાહેરખબર આપનાર પ્રાધ્યાપકે પોતાનું નામ અને ટેલિફોન નંબર આપ્યાં હતાં.

પૂનમ પરીખે ખૂબ ખૂબ વિચાર કર્યો અને પછી પ્રાધ્યાપક રમણલાલ પટવાને ફોન કર્યો. પટવાસાહેબે બહુ જ સ્વાભાવિકપણે વાતો કરતાં પ્રસ્તાવ મૂક્યો : ‘મારી ઘેર આવી શકશો ? એમ ન સમજતાં કે તમે ફોન કર્યો છે એટલે તમને આવવાનું કહું છું. તમે કહો તો તમારે ત્યાં, અથવા જે સ્થળે કહો ત્યાં હું તમને મળવા આવું. મને એમ કે મારામાં તમે જે થોડો ઘણો રસ લીધો છે તો તમે મારું ઘર જુઓ, મારું જીવન જુઓ તો મને પારખવાની તમને સરળતા પડે….’ શ્રીમાન પટવાનો જવાબ સાંભળી એને આ સરળ વ્યક્તિ તરફ માન થયું અને પ્રાધ્યાપક રમણલાલ પટવાને ઘેર જ મળવાનું એણે સૂચન સ્વીકાર્યું. કોણ જાણે કેમ, પટવાસાહેબને મળવા જતી વખતે પૂનમને કોઈ શણગાર સજવાની ઈચ્છા જ ન થઈ. દર વખતે જ્યારે એ પાર્ટીમાં, લંચ કે ડિનરમાં જવા તૈયાર થતી ત્યારે ભરચક વૉર્ડ-રોબમાંથી એ ચૂંટીચૂંટીને પોશાક પસંદ કરતી. એના પર અમુક જ વિશિષ્ટતા ધરાવતું પરફ્યુમ છંકોરતી, પોશાકને અનુરૂપ આભૂષણો, સેન્ડલ, પર્સ પસંદ કરતી. પણ આજે તો એને આવી એકેય વેશભૂષા કરવાની ઈચ્છા ન થઈ. જ્ઞાનના ભંડાર જેવા પ્રાધ્યાપક સામે આવી વેશભૂષાનું મૂલ્ય પણ કેટલું ? એણે માત્ર સાદી સાડી, બ્લાઉઝ અને ચપ્પલ જ પહેર્યાં.

પ્રાધ્યાપક પટવાએ ખૂબ જ વિનયપૂર્વક એનો આદર-સત્કાર કર્યો. ચાલીસ વર્ષના પ્રાધ્યાપક એક આડત્રીસ વર્ષની સ્ત્રીનો જે સાહજિકતાથી આદર કરતા હતા તેથી પૂનમને ખૂબ જ સારું લાગ્યું. તેમની આંખોમાં સ્ત્રીત્વ તરફનો અહોભાવ વર્તાયા કરતો હતો. મોડી સાંજ સુધી બંને વાતો કરતાં રહ્યાં. એ પછી પ્રાધ્યાપક પટવા અને પૂનમ પરીખે એક રેસ્ટોરાંમાં ભોજન કર્યું અને પછી એ એમને ઘેર મૂકવા આવ્યા.
‘તમે શા માટે નાહકના આટલા લાંબે મને મૂકવા આવો છો ? હજુ તો સાડા નવ થયા છે. મુંબઈ તો રાતના બાર સુધી જાગતું જ હોય છે…’
‘એ ખરું’ પ્રાધ્યાપકે હસીને કહ્યું, ‘પણ શાસ્ત્રોમાં પુરુષને સ્ત્રીની રક્ષા કરવાનું કહ્યું છે, નહિ કે સ્ત્રી અબળા છે એટલે. સ્ત્રી તો જગદંબા સ્વરૂપ છે. પણ પુરુષ પોતાનો પુરુષધર્મ કદીયે ન ચૂકે એટલે એને એકલદોકલ સ્ત્રીની રક્ષાનો ભાર સોંપ્યો છે. હું પુરુષ છું એટલે મને મારી ફરજ અદા કરવા દેશો તો તમારો આભારી થઈશ.’

એ રાત્રે પોતાનાં એકાંત આવાસમાં વિચાર કરતાં કરતાં એણે આ પ્રાધ્યાપકની પસંદગી કરી લીધી, એનું ઘર જોયા પછી પૂનમને વૈભવ ન દેખાયો પણ ઘરનો એકેએક ખૂણો સંસ્કારની મહેક પ્રસરાવતો હતો એ એની છઠ્ઠી ઈન્દ્રિયે જાણી લીધું. થોડા દિવસ પછી પૂનમ પરીખે, રમણલાલ પટવાનું સાયુજ્ય સ્વીકારી પૂનમ પટવા નામ ધારણ કર્યું.

રમણલાલ પટવા સાથે ઘરસંસાર માંડ્યા પછી પૂનમ ઘણું ઘણું શીખી. ‘ગૃહિણી ગૃહમ ઉચ્યતે’નો ખરો અર્થ એને અહીં સમજાયો. એક દિવસ પટવા સાહેબ કૉલેજથી નિયત સમયે ઘેર આવ્યા ત્યારે ઘરને તાળું હતું. પૂનમ બજારમાં ખરીદી કરવા ગઈ હતી. એ બજારમાંથી પાછી આવી ત્યારે રમણલાલે હસીને કહ્યું :
‘પૂનમ, હું સાંજે કૉલેજથી આવું ત્યારે તું ઘેર હોય તો મને ગમે.’
‘કેમ ? ઘેર રહેવું ફરજિયાત છે ?’ પૂનમે જરા અકળાઈને કહ્યું. એને લાગ્યું કે પતિદેવ ધણીપણું કરવા લાગી ગયા છે.
‘ના રે, જરાય નહિ. કામ હોય તો બહાર જવું પણ પડે. પરંતુ તમે ઘેર રહો તો મને ગમે એનું કારણ જાણવું છે ?’
‘કહો.’
‘પુરુષ એ માત્ર સ્ત્રીનો પતિ નથી, બાળક પણ છે. બાળક નિશાળે ભણવા ગયું હોય કે બહાર રમવા ગયું હોય અને એ જ્યારે ઘેર આવે ત્યારે માને ઘરમાં ન જોતાં એનું હૈયું ‘મા, મા’ના પોકાર કરવા લાગે એમ મારું હૈયું પણ તારામાં રહેલા મારા માતૃત્વની ઝંખના કરવા લાગી જાય છે….’
આ અને આવા અનેક વ્યવહારો દ્વારા પૂનમને શીખવા મળ્યું કે લગ્નમાં પ્રેમનું માત્ર બાહ્ય સ્વરૂપ અને સૌંદર્ય અગત્યનું નથી, હૃદયને ખૂણે ખૂણે પ્રેમનું સ્વરૂપ પ્રગટવું જોઈએ. રમણલાલને એણે અનેક સ્વરૂપે નિહાળ્યા. એને રસોડામાં કે ગૃહકાર્યમાં મદદ કરતાં એક સખા તરીકે જોયા, એને વ્યવહારુ શિખામણ આપતાં ગુરુસ્વરૂપે જોયા. એણે એનામાં એનું પિતૃસ્વરૂપ નિહાળ્યું તો સપ્તપદીના પેલા સૂત્રની જેમ, સદાય એની સાથે રહેતા એનામાં એને પતિનાં દર્શન થયાં.

એક સૂત્ર છે કે જેટલું આપો એટલું મળશે. રમણલાલે એને જેટલું જેટલું આપ્યું એટલો અણચિંતવ્યો એ પડધો પાડતી રહી. રમણલાલે જે આપ્યું એથી અદકેરું એણે એને આપ્યું. રમણલાલ સાથેના એક દાયકાના લગ્નજીવન પછી એને થયું કે જેટલું સુખ એ છેલ્લા એક દાયકામાં નહોતી મેળવી શકી એટલું એ આ એના બીજા જન્મના દસ વર્ષના ગાળામાં મેળવી શકી છે. આ બીજા જન્મમાંથી એણે જાતે જ એક સૂત્ર ઘડ્યું : ‘લગ્ન એ વ્યાપાર નથી, તે એક નિર્વ્યાજ સ્નેહની ગાંઠ છે, જેમાં જેટલું ત્યાગો એટલું વધુ પ્રાપ્ત કરી શકો.’ પૂનમને થયું કે ભરજૂવાનીમાં બાહ્ય સૌંદર્યની ખેવના કરતી હું જો લગ્નનો આદર્શ એ વખતે શીખી હોત તો જિંદગીનો એક અમૂલ્ય કાળ એળે ન ગયો હોત ! પણ પૂનમને એટલો બધો અફસોસ ન થયો. જ્યારે એ બીજા બાળકની માતા થઈ ત્યારે એને પડખે સૂતાં સૂતાં એના માથા પર અને બંને સંતાનોની પીઠ પર હાથ પ્રસરાવતાં રમણલાલે હસીને કહ્યું :
‘હવે તું બે નહિ, ત્રણ બાળકોની માતા થઈ….’
‘ત્રણ ?’
‘હા. આ બંનેની સાથે હું પણ…’ કહી રમણલાલે એની છાતીમાં પોતાનું માથું છુપાવ્યું. પૂનમને તે દિવસે થયું કે ના, હું માત્ર કોઈની પત્ની નથી, સ્ત્રી છું. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે મહામાયા મારું ગર્ભસ્થાન છે. આ મહામાયા તે હું પોતે જ, નહિ ?

એના બંને હાથ ત્રણ માથાં પર પ્રસરી રહ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૈવિધ્ય સંચય – સંકલિત
વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર Next »   

21 પ્રતિભાવો : મહામાયા – ગિરીશ ગણાત્રા

 1. Neal says:

  ‘હા. આ બંનેની સાથે હું પણ…’ કહી રમણલાલે એની છાતીમાં પોતાનું માથું છુપાવ્યું. પૂનમને તે દિવસે થયું કે ના, હું માત્ર કોઈની પત્ની નથી, સ્ત્રી છું. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે મહામાયા મારું ગર્ભસ્થાન છે. આ મહામાયા તે હું પોતે જ, નહિ ?

  really nice story and well scripted…

 2. સુંદર વાર્તા. મહામાયાના અનેક મોહક સ્વરૂપ છે પણ માતાના પ્રેમાળ સ્વરૂપની તોલે એક પણ આવે તેમ નથી. આ મોહક સ્વરૂપોથી તો તે જીવને સારી રીતે બાંધે છે પણ છેવટે જ્યારે તેની માતૃસ્વરૂપે પુજા કરવામાં આવે છે ત્યારે તે પોતાના વહાલસોયા સંતાનને પોતાનો દિવ્યપ્રેમ અને છેવટે મુક્તિના વરદાન પણ આપે છે.

  ગીરીશભાઈની કલમે આલેખાયેલ સુંદર બોધપ્રદ વાર્તા.

 3. nayan panchal says:

  સરસ વાર્તા.

  નયન

 4. જીતેન્દ્ર જે. તન્ના says:

  ગીરીશભાઈની હંમેશ મુજબ ખુબ સરસ વાર્તા.

 5. sujata says:

  સુંદર બોધપ્રદ વાર્તા…

 6. pragnaju says:

  મહામાયાની સમજવામાં ઘણી કઠીન વાત આવી વાર્તાઓ દ્વારા – અણસાર સમજાય છે!

 7. Dhirubhai Desai says:

  સરસ લેખ, દરેક માતા ,પિતા એ દિકરી અને દીકરા ને લગ્ન વખતે વન્ચાવવા જેવો છે.

 8. maru hasmukh says:

  nice story exelent

 9. Abhishek says:

  It’s to good to read and every one have to read this kind of stories to know relation

 10. Prashant says:

  Kyaa faltu story hai yaar !!!!!!

 11. Prashant says:

  હુ તો પકાઇ ગયો

 12. GIRISH THAKKAR says:

  nice story, written by heart, read by heart.

 13. Vaishali Maheshwari says:

  Very nice.

  ‘લગ્ન એ વ્યાપાર નથી, તે એક નિર્વ્યાજ સ્નેહની ગાંઠ છે, જેમાં જેટલું ત્યાગો એટલું વધુ પ્રાપ્ત કરી શકો.’

  Good to know that Mr. Ramanlal taught Ms. Poonam many different things.
  At the end Poonam realized that material needs are not everything, we should even value relationships in life and keep those relations with us just like a treasure.

  Thank you Mr. Girish.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.