વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર

[1] ચોર…ચોર…ચોર…!

મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એ ભારે કઠણ કામ છે. બસ, ગિરદી જ ગિરદી ! પાકીટમારોનો તડાકો. રોજ ઊતરતાં-ચઢતાં ચાર-પાંચના પાકીટ તો ગયાં જ હોય. તે દિવસે હું ઊતર્યો ને લેડીઝ ડબ્બા આગળથી અવાજ સંભળાયો – ‘ચોર…ચોર…ચોર….!’ બધાંની નજર તે બાજુ. એક બહેન ડબ્બામાંથી ઊતરીને ઉદાસ ચહેરે ઊભાં હતાં. એમનું પાકીટ ચોરાયું હતું. તેમાં ઘણું બધું ગયું હશે, એમ લાગતું હતું. પણ ચોર કાંઈ એમ પકડાય ? ઉંદરની જેમ એ તો ક્યાંય સરકી જાય !

તેવામાં મારી નજર એક દસ-બાર વરસની છોકરી પર પડી. નીચી નજર રાખી કાંઈક બ્હાવરી-બ્હાવરી એ ઊલટી દિશામાં જતી હતી. હાથમાં દુપટ્ટા નીચે કાંઈક સંતાડતી હતી. હું તેની પાછળ-પાછળ ચાલ્યો. તેને શંકા ગઈ એટલે તેણે ચાલ ઝડપી કરી. મેં પણ ઝડપથી ચાલવા માંડ્યું. છેવટે મેં તેના હાથમાંથી પાકીટ ઝૂંટવી લીધું. એ ગભરાઈ ગઈ. ‘કેમ પાકીટ ચોર્યું ? પોલીસને બોલાવું ?’
‘નહીં, નહીં સાહેબ….! ગજબ થઈ જશે…’ એ હાથ જોડીને લગભગ રડી પડી.
‘તો આવું કામ કેમ કર્યું ?’
‘સાહેબ, સાચું કહું છું. મારી મા હૉસ્પિટલમાં છે. તેની દવા માટે ત્રણસો-ચારસો રૂપિયાની જરૂર હતી.’
‘ચાલ, હું તારી સાથે હૉસ્પિટલ આવું છું. ડૉક્ટરને મળીશ. દવા માટે પૈસા જોઈતા હશે તે દઈશ.’
‘તો, તો બહુ સારું, સાહેબ !’
‘મા શું કરે છે ? અને તું ?’
‘મા એક કારખાનામાં પેકિંગનું કામ કરે છે. હું આઠમી ચોપડીમાં ભણું છું.’
‘કારખાનાના માલિક પાસેથી પૈસા ન લીધા ?’
‘સાહેબ, માલિક પાસે માગવા ગઈ હતી. પણ માલિક કહે, તારી મા અગાઉથી જ ઘણા બધા ઉછીના લઈ ગઈ છે. મેં બહુ આજીજી કરી, પણ ન આપ્યા. છેવટે મારે આ કરવું પડ્યું.’

છોકરી મને લબાડ ન લાગી. તેના બોલવા પર મને વિશ્વાસ બેઠો. મેં તેને મારી પાસેથી ચારસો રૂપિયા આપ્યા. ‘લે, આ દવા માટે. પાકીટ તો હું પેલી બહેનને પાછું આપીશ. તું કાલે દસ વાગે આ જ જગ્યાએ આવીને ઊભી રહેજે. હું આવીશ. જરૂર હશે તો વધારે મદદ કરીશ…. નામ શું તારું ?’
‘અલકા.’ એ મને હાથ જોડી પગે લાગીને ગઈ. મેં ઑફિસે પહોંચી પાકીટ ખોલીને કાર્ડ કાઢ્યું અને નંબર મેળવીને બહેનને ફોન કર્યો. ઑફિસે આવી પાકીટ લઈ જવા કહ્યું. બહેન આવ્યાં. પાકીટ પાછું મળ્યું તેથી રાજી-રાજી થઈ ગયાં. ‘થેંક્યૂ વેરી મચ ! આમાં ક્રેડિટ કાર્ડ, કાલે જ નવો કઢાવેલો ત્રણ મહિનાનો પાસ અને હજાર-દોઢ હજાર રૂપિયા હતા. તમારો બહુ જ આભાર !’ મેં એમને છોકરીની બધી વાત કરી. કાલે બોલાવી છે, એમ પણ કહ્યું.
‘તમને લાગે છે, એ ફરી આવશે ?’
‘મને વિશ્વાસ છે કે એ આવશે. મને એ છોકરી સાચી લાગે છે.’
‘તો હું પણ દસ વાગે આવીશ.’

બીજે દિવસે હું નક્કી કરેલી જગ્યાએ ગયો. છોકરી ત્યાં આવીને ઊભી હતી. તેવામાં પેલાં બહેન પણ આવતાં જણાયાં. એમને જોતાં જ છોકરી ગભરાઈને આઘી-પાછી થવા જતી હતી, પણ મેં તેને રોકી.
‘ચાલ, આપણે હોસ્પિટલ જઈશું ?’
‘હા, સાહેબ ! તમારે લીધે મારી માને વખતસર દવા આપી શકાઈ. માને આજે ઘણું સારું લાગે છે. હવે દવા માટે માત્ર એકસો રૂપિયા જોઈએ છે. પણ તે તમારી પાસેથી નથી લેવા. હું તો ફક્ત તમને કહેવા આવી છું. તમે આવવા માગો તો જરૂર મારી સાથે આવો.’
તેવામાં પેલાં બહેન પહોંચ્યાં એટલે હાથ જોડીને એમને કહેવા લાગી, ‘માફ કરજો, બાઈ સાહેબ ! જોઈએ તો મને બે તમાચા ચોડી દો. હું ફરી ક્યારેય ચોરી નહીં કરું.’

બાઈએ તેનો કાન પકડ્યો. તેને પાસે લીધી, તેને માથે હાથ ફેરવ્યો. ‘કાલે મેં તને મારી બાજુમાં જોઈ હતી. ચોર જેવી લાગતી નહોતી. કાંઈ નહીં. મારી તરફથી આ ત્રણસો રૂપિયા લે. માની દવા માટે વાપરજે. એને માટે કાંઈક ફળ લઈ લેજે.’
‘નહીં મૅડમ ! ખરે જ જરૂર નથી. મેં તમને ત્રાસ આપ્યો. પણ દવા માટે મારે ગમે તેમ કરીને પૈસા જોઈતા હતા. હું વાજ આવી ગઈ હતી. મને કાંઈ સૂઝતું નહોતું. ખરું કહું છું તમને. દવા જોઈતા પૈસા લઈ હું પાકીટ પરત કરી દેત. મને માફ કરી દો !’
‘સારું, સારું આ લઈ લે !’
‘નહીં, મૅડમ !’
‘લે છે કે પછી પોલીસને બોલાવું ?’
‘ના, નહીં. તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું – કહી એ અમને બંનેને પગે લાગીને જવા લાગી. મેં એને પાછી બોલાવી. ‘જો અલકા ! મારું આ કાર્ડ છે. તેમાં સરનામું અને ફોન નંબર છે. ક્યારેય કાંઈ કામ પડે તો મને જણાવજે.’
‘અને તારાં પુસ્તકો, ભણવા વગેરે માટે મારી પાસેથી દર મહિને પૈસા લઈ જજે. ખૂબ ભણજે. હવે અમે તને દત્તક લીધી છે, એમ માનજે.’

અલકાની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ફરી અમને બંનેને પગે પડી એ જતી રહી.

(શ્રી મનોહર ભાનતની મરાઠી વાર્તાને આધારે)
.

[2] સહિયારું સહજીવન

દસ વાગવાને હવે ચાર-પાંચ મિનિટની જ વાર હતી. સુષમાના સાયબર કાફેમાં ચેટિંગ-સર્ફિંગ કરવા આવનારાઓની સંખ્યા પણ ઓછી થવા લાગી હતી. હજી થોડો વખત રહે તો કદાચ બે-ચાર ગ્રાહક આવે પણ ખરા. આ કામ શરૂ કર્યું, ત્યારે રાતે લગભગ અગિયાર વાગ્યા સુધી કાફે ખુલ્લું રાખવું પડશે એવી કલ્પના હતી જ. પરંતુ સ્ત્રીઓ પુરુષો કરતાં જરાયે ઊતરતી નથી, અને જે કામો પુરુષો કરે છે, તે બધાં સ્ત્રીઓ પણ કરી જ શકે, એવો સમાજમાં દાખલો બેસાડવો હતો. આ માટે તેના કરતાં ઊલટાનો અવિનાશનો આગ્રહ હતો. પતિ-પત્ની બંનેએ રાજીખુશીથી અને આપસમાં ઘણી ચર્ચા-વિચારણા કરીને આ નક્કી કરેલું કે અવિનાશ ઘરકામ સંભાળશે અને સુષમા કાફે ચલાવશે. એટલે સુષમા રોજ મોડે સુધી કાફે સંભાળતી બેસતી.

જો કે ક્યારેક એને કંટાળો આવતો. ઝાઝા ગ્રાહક ન હોય અને કાફેમાં સાવ એકલા બેસી રહેવાનું હોય, ત્યારે ગમતું નહીં. ઘર યાદ આવતું, અવિનાશ યાદ આવતો. પોતાને આવો ધણીપણાના સહેજેય ભાર વિનાનો પતિ મળ્યો છે, તે યાદ આવતાં પાણી-પાણી થઈ જવાતું. અને ત્યારે ઝટ ઘરે પહોંચીને તેને મળવાનું મન થયું. આજે પણ તેને એવું જ મન થયું. એટલે કાફે વહેલું બંધ કરી એ ઘરે જવા નીકળી. ઘરે પહોંચી તો સુષમાના બંને ભાઈ ને બંને ભાભીઓ આવ્યાં હતાં. ગપ્પાં-ગોષ્ઠી અને નાસ્તા-પાણી ચાલતાં હતાં. સુષમા આવી એટલે અવિનાશ તેને માટે ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈને આવ્યો. બોલ્યો : ‘આ કુટુંબ-મેળામાં બસ, તારી જ કમી હતી.’ ત્યાં દમુભાભી બોલી ઊઠ્યાં : ‘નહીં હોં ! અવિનાશભાઈએ તો કોઈ કમી રહેવા દીધી નથી. જુઓ ને ! ગરમ ગરમ નાસ્તો અને ખડે પગે આગતા-સ્વાગતા !’ સુષમાએ અમી ઝરતી આંખે પતિ સામે જોયું.

સુષમા ને અવિનાશ, બેઉ નાનપણથી દોસ્ત. સ્કૂલમાં સાથે, કૉલેજમાંયે સાથે. યુવાની સાથે સહજ પ્રેમ પાંગરતો ગયો. જીવનભર દોસ્તી નિભાવવાનું નક્કી કર્યું. બંનેના વિચારમાં, ભાવનામાં, આદર્શમાં ઘણું સામ્ય. દોસ્તીભર્યું લગ્નજીવન પણ અનોખું જીવીએ, દુનિયા કરતાં કંઈક નિરાળું. એમણે વિચાર્યું – અમુક કામ સ્ત્રીઓ જ કરે અને અમુક પુરુષો, એવું શું કામ ? બંને બધાં કામો કરે, કોઈ કામ ઊંચું નહીં ને કોઈ કામ નીચું નહીં. અવિનાશે કહ્યું, ‘હું ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી લઉં છું, તું બહારની અને પૈસા કમાવવાની.’ હજી સુષમા થોડી ઢચુપચુ હતી. પુરુષ બહારનું કાંઈ કામ ન કરે અને આખો દિવસ ઘરકામમાં લાગ્યો રહે ?! ‘લોકો શું કહેશે ?’ – નો હાઉ પણ ખરો. પરંતુ અવિનાશે કાંઈ ન સાંભળ્યું. એ કહે, ‘આપણે સમાજમાં દાખલો બેસાડવો છે.’

અને અવિનાશે ઘરકામ એવું ઉપાડી લીધું કે સુષમા જ નહીં, બધાં દંગ થઈ ગયાં ! સુષમાને પણ દુનિયાથી નિરાળા આ રસ્તે ચાલવામાં મજા આવવા લાગી. જો કે કહેનારા હજી કહેતા રહ્યા કે, તમે જોજો ને, એકાદ બચ્ચું થશે, પછી બધી ખબર પડી જશે ! કોઈક અવિનાશને ટોણોય મારતું, ‘બચ્ચાને જનમ પણ તું જ આપને !’ અવિનાશના મનમાં કશો ડગડગો નહોતો. એ જવાબ આપતો – ‘કુદરતની યોજનાને લીધે હું ભલે ‘આઈ’ ન બની શકું, પણ ‘દાઈ’ તો જરૂર બનીને દેખાડીશ.’

અને અવિનાશે જે રીતે દાઈ બનીને દેખાડ્યું, તે જોઈ બધાં મોમાં આંગળાં નાખી ગયાં ! પ્રસૂતિ વખતે ખાસ હાજર રહ્યો. પ્રસૂતિપીડા શરીરથી ભલે સુષમાએ ભોગવી, પણ મનથી અવિનાશ સાથે ને સાથે જ. સ્તનપાન ભલે સુષમાએ કરાવ્યું, પણ બીજી બધી જ સારસંભાળ અવિનાશે રાખી. થોડા મહિના ઘરકામની સાથોસાથ કાફેનીયે ઠીક ઠીક જવાબદારી અવિનાશે સંભાળી, પણ પછી તો પાછી કાફેની જવાબદારી સુષમાની અને ઘરની અવિનાશની. પરંતુ ઘરમાં એક ઢીંગલી હવે ઢીંચણિયા ભરતી ને ડગુ-મગુ ચાલતી તથા હસતી-રમતી ને અવિનાશની મમતાભરી માવજત – એટલે કે બાપજત હેઠળ ઊછરતી થઈ હતી. હવે એ ઢીંગલી જ બંનેને બંનેની સહિયારી જવાબદારીનું ભાન કરાવતી થઈ. ઢીંગલીને તો બેઉ જોઈએ. ઢીંગલી હઠ પકડે કે કજિયો કરે કે ‘મારે મમ્મી પાસે જવું છે’ એટલે તેને લઈને અવિનાશે કાફેમાં જવું જ પડે. અને ક્યારેક મમ્મી ઢીંગલીને મળવા આતુર બની જાય, તો ઘેર આવી જાય, અને એટલો વખત અવિનાશે કાફે સંભાળવા જવું પડે. ઘેર હોય ત્યારેય ઢીંગલીને સાચવવાનું બધું અત્યાર સુધી અવિનાશ જ સંભાળતો હતો, એટલે એ તેની તહેનાતમાં હોય. અને ત્યારે રસોઈનું કામ સુષમાએ પાર પાડી નાખવું પડે.

આમ કરતાં-કરતાં ધીરે ધીરે અનાયાસ એમ ગોઠવાતું ગયું કે સુષમાની ને અવિનાશની જુદી જુદી ચોક્કસ જવાબદારી રહેવાને બદલે બંનેની સંયુક્ત સહિયારી જવાબદારી જ થતી ગઈ. ઘરના ને બહારના કામની બંનેએ જે વહેંચણી કરી લીધી હતી, એવી વહેંચણી હવે રહી નહીં, સમયની માંગ પ્રમાણે અને ઢીંગલીની માંગ પ્રમાણે બંનેને ભાગે બંને કામ કરતા રહેવાનું આવ્યું. હવે ન કશું કામ વહેંચવાનું હતું, ન કશી જવાબદારી; બસ, સાથે જીવવાનું હતું, સહજીવન માણવાનું હતું, ઢીંગલી પર સહિયારો સ્નેહ વરસાવવાનો હતો.

(શ્રી કૌસ્તુભ તામ્હણકરની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહામાયા – ગિરીશ ગણાત્રા
લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર Next »   

24 પ્રતિભાવો : વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ. સચ્ચાઇ અને સહિયારી જવાબદારી નુ સમન્વય.

  અલાકા જેવી સચ્ચાઇ વાળો એક પાઠ ભણવામા આવતો હતો… “સાચાબોલા હરણા”

 2. કલ્પેશ says:

  પૂર્વગ્રહોમાથી બહાર નિકળવુ જરુરી છે (અલકાને ચોર સમજવી પહેલી દ્રષ્ટિએ)

  બીજી વાર્તા વાંચી એમ થાય કે આમા પતિ કોણ અને પત્ની કોણ? કદાચ આને જ સહજીવન કહી શકાય.

 3. nayan panchal says:

  સુંદર સંદેશાસભર વાર્તાઓ.

  આભાર.

  નયન

 4. mv30 says:

  વાર્તા ની પસંદગી કરવાની બાબત મા તમને કોઇ નો પહોંચે.

 5. ખુબ સરસ વાર્તાઓ મૃગેશભાઈ. એમાંયે ‘ચોર..ચોર..ચોર’ એક ઉત્તમ વાર્તા છે. “હરિશ્ચંદ્ર” બહેનોની વાર્તા ‘ભૂમિપુત્ર’ના છેલ્લા કવરપેઈજમાં આવતી તે હું નીયમીત વાંચતો-ભારતમાં અને અહીં જ્યાં સુધી મેં મંગાવ્યું ત્યાં સુધી.

  હાર્દીક આભાર મૃગેશભાઈ.

 6. જીતુભાઇ સોની says:

  વીણેલાં ફૂલ અને સહિયારું જીવન બંને વાર્તા ની પસંદગી ખૂબ જ સુન્દર છે.
  ગરીબાઈ એ સમાજ ની વ્યવસ્થા ની ભૂલ નુ પરિણામ છે. ગરીબો દયા અને મદદ ને પાત્ર છે. તિરસ્કાર ને નહિં.
  સહિયારું જીવન પણ એક સુંદર વાર્તા છે. પુરુષ પ્રધાન સમાજે સ્રી ને ઘણાં અન્યાય કરેલા છે.
  નવી કેડી બનાવવી એ પણ તંદુરસ્ત સમાજ ની જરુરિયાત છે.

 7. Purvi says:

  ખુબ સરસ વાર્તાઓ મૃગેશભાઈ. સહિયારું સહજીવન ખુબ ગમી.

 8. JAWAHARLAL NANDA says:

  ના, ખરેખર તો સાચુ સહજિવન તો આને જ કહેવાય ! સાચા જિવન્સાથિ !

 9. સુંદર બોધક વાર્તાઓ.

 10. pragnaju says:

  બન્ને સર્વાંગ સુંદર વાર્તા

 11. Jinal says:

  I really like this type of small stories. When I was in India, I used to read books and books of small stories of Marathi authors from Jankalyan…
  Simply Love them…

 12. Hetal says:

  very nice!!

 13. kunjal says:

  બહુજ સરસ વારતા …. સ્ત્રિ-પુરુશ જો એક થય ને કામ કરે તો જિન્દગિ સરલતા થિ વિતિ શકે.
  …ખલિ સ્ત્રિ નિ જવાબદારી નહિ ઘર હાચવાનિ ન કે ખલિ પુરુશ નિ જવાબદારી કમાવાનિ…

  બન્ને રથના પહિયા ના જેમ હોય ચે… જે સમાન હોય તોજ રથ આરામ થિ ચાલી શકે….

 14. naresh says:

  તમારો લેખ ખુબજ સારો

 15. Rajni Gohil says:

  સહિયારું સહજીવન Unbelievable story. Everybody is looking for રામરાજ્ય but Sushma and Avinash created family bond found during રામરાજ્ય. Great understanding between husband and wife and their attitude towards life. If everybody follow this example, there would be Heaven on Earth. Thanks for giving us this good story.

 16. Vaishali Maheshwari says:

  Both stories are very inspiring Mr. Harishchandra.
  Thank you for the same.

  (1) હવે અમે તને દત્તક લીધી છે, એમ માનજે.

  (2) બસ, સાથે જીવવાનું હતું, સહજીવન માણવાનું હતું, ઢીંગલી પર સહિયારો સ્નેહ વરસાવવાનો હતો.

  Both stories taught good lessons.
  Hope we see many examples like the one depicted in the second story here.
  We need to share all our work and enjoy life.
  Men and Women should be treated equal.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.