લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર

[ગત સપ્તાહે આપણે ‘વિશ્વનાં યાદગાર પ્રવચનો’ પુસ્તક વિશે વાત કરી હતી. એવું જ બીજું વસાવવાલાયક પુસ્તક તાજેતરમાં શ્રી સુરેશભાઈ દલાલે સંપાદિત કર્યું છે; જેનું નામ છે : ‘સાહિત્ય-પ્રદક્ષિણા’. સાહિત્યના ભિન્ન ભિન્ન સ્વરૂપો સાથે તેમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિતા, લોકસાહિત્ય, વાર્તા, નવલકથા, એકાંકી, નાટક, નિબંધ, રેખાચિત્રો અને જીવનકથાના અંશો, આત્મકથા, પત્રસાહિત્ય, ડાયરી, પત્રકારત્વ, મુલાકાત અને વિવેચન – એમ કુલ ચૌદ જેટલા સાહિત્યના પ્રકારો પ્રમાણે આ પુસ્તકને વિભાજીત કરીને તેમાં ઉત્તમોત્તમ કૃતિઓનો સંચય કરાયો છે. તેમાં પ્રેમાનંદના ‘ઓખાહરણ’ થી લઈને ધ્રવ ભટ્ટની ‘સમુદ્રાન્તિકે’ નામની આખેઆખી નવલકથા સમાવિષ્ટ કરવામાં આવી છે. આ દળદાર ગ્રંથની વધુ માહિતી આ લેખના અંતે આપવામાં આવી છે. ‘સાહિત્ય પ્રદક્ષિણા’માંથી આજે માણીએ ગુજરાતી સાહિત્યની એક સુપ્રસિદ્ધ કૃતિ ‘લોહીની સગાઈ’. શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા પૈકી આ વાર્તા વિશ્વની અન્ય ભાષાઓમાં પણ અનુવાદિત થઈને ઊંચું સ્થાન પામી છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં તે વર્ષોથી પ્રકાશિત થતી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આપણે આવી જ સુપ્રસિદ્ધ કૃતિ ‘પોસ્ટઑફિસ’ શ્રી ધૂમકેતુની કલમે માણી ચૂક્યા છીએ. – તંત્રી]

મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતાં ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એક જ જવાબ આપતાં : ‘હું મા થઈને ચાકરી ન કરી શકું, તો દવાખાનાવાળાને શી લાગણી હોય ? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. અમરતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતાં, ચાકરી કરતાં અને લાડ લડાવતાં એ પ્રત્યક્ષ જોઈ લોકો એમનાં વખાણ પણ કરતાં કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરતકાકી જ ઉછેરી શકે; બીજાને ઘેર હોય તો ભૂખીતરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તોપણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય.

મંગુ સિવાય અમરતકાકીને ત્રણ સંતાનો હતાં : બે દીકરા અને એક દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા. દીકરી પરણીને સાસરે રહેતી થઈ હતી. અમરતકાકી એ ત્રણે સંતાનોને વીસરી ગયાં હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ-પૌત્ર-પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઊઠતું, છતાં દાદીમા તરીકે અમરતકાકી હરખપદૂડાં થઈ જતાં નહીં. ભાગ્યે જ બાળકોને તેડતાં, રમાડતાં કે લાડ કરતાં. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી : દીકરાઓનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુઓ અમરતકાકીને અન્યાય કરી બેસતી એટલું જ, બાકી દીકરીનાં બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું. એ કારણે વહુઓ પતિ આગળ બબડીને જ્યાં રહી જતી ત્યારે દીકરી માને મોંએ જ સંભળાવી દેતી : ‘મંગુને ખોટાં લાડ લડાવીને તેં જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરનેય ઝાડોપેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે, તો બાર વરસની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે ? એ મૂંગી છે, પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત ભાન રાખે.’

દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમરતકાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી : ‘તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એનાં મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુ:ખી દુ:ખી થઈ જશે.’ સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, ‘કહેવત છે એ ખોટી નહીં કે પારકી મા જ કાન વીંધે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો-પેશાબ અને કપડાંનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી.’ અમરતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતાં ત્યારે લોકો પરાયાં તરીકે જે કહી શકતાં નહીં તે દીકરી કહી નાખતી : ‘દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે !’ મંગુના મોતને અમરતકાકી પણ છૂટકારો માનતાં હતાં – જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી એને જાણીજોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો : સ્વાર્થનું તો સૌ સગું, પણ બિનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા-ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળાખાટે ઝૂલતી હોય ત્યારે હું મા થતી જાઉં એનો કંઈ અરથ નથી. મંગુની સાચી મા બની રહું, ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તોપણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરતકાકી તૈયાર ન હતાં.

દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. વળી ઉચાટ કરવાનો અર્થ પણ ન હતો, કારણ કે ત્રણ ગોરા નિષ્ણાત દાક્તરોએ એકમત થઈ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે દાકતરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો-પેશાબ ને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા.

છતાં અમરતકાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતર્યા ઘેર આવી પહોંચતા. શિલાજિત વેચનાર કે હિંગ વેચનાર મંગુને ગાંડી જાણતાં પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમરતકાકી માનતાં કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. એટલે બીજાને મન ગાંડીઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતાં અને શ્રદ્ધાથી એનો અમલ કરતાં. જોષીઓ અને ભૂવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોષીએ ભાખ્યું હતું કે, આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરતકાકીનો આરાધ્યદેવ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંગુને ચૌદ વર્ષ પૂરાં થઈ રહેતાં હતાં એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરતકાકી ચડી જતાં – ચૌદમું ઊતરતાં કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો… મૂઈનું રૂપ તો એવું છે કે મુરતિયો એને જોતાં સમો હા પાડી દે ! – અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતાં – કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી ન હતી. આજે બે ભાઈઓ શહેરમાં મબલખ કમાય છે, પાણીની પેઠે પૈસા વાપરે છે, પછી મંગુનાં લગ્નમાં હું શું કામ પાછું વાળીને જોઉં !

એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતાં અમરતકાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું : ‘જોષીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી !’ સાંભળનારને ગળે આ વાત ઊતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી ! અમરતકાકીની નજર એ ભણી જતાં ડાહી દીકરીને શિખામણ આપતાં હોય તેમ ધીમેથી કહેતાં : ‘મંગુ ! એવું ગંદુ ન કરાય, હો બેટા !’ મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી : ‘મેં કહ્યું તે સમજી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ !’ આમ અમરતકાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો. છતાં મંગુ તો ડાહી ન થઈ પણ શહેરના કન્યાવિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી – કુસુમ – ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડાપેશાબનું ભાન ન રહ્યું. અમરતકાકીને એથી દુ:ખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહીડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ ?

કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમરતકાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચાતાં મંગુને આ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા : એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડાપેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે : ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઊમટ્યું હતું. સૌથી મોખરે અમરતકાકી હતાં. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમરતકાકીને દરેક સલાહ આપવા મંડી ગયું : ‘કાકી ! તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ; જરૂર એને મટશે.’

અમરતકાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યાં. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. મા દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો દાકતર-નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી તે કુસુમની વાતચીત ઉપરથી ઊકલી ગઈ. નર્સ કે દાકતરને કોઈ કોઈ ગાંડાં તમાચા મારી જાય તોપણ એ લોકો એના ઉપર ખિજાતાં નથી કે એને મારતાં નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર ? આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. નહીં મટે તો પાછી ક્યાં નથી લવાતી ? છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરતકાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઊડી ગઈ હતી – જાણે પોતે હારીને આ કામ કરી રહ્યાં હતાં એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. દવાખાના પર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું, બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોકિયાં કરતું એમને દેખાતું હતું.

મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર ઘેર જોતાં હતાં એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાઝી દેખાતી ન હતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તોપણ, જો એને દવાખાનામાં ગોઠી જાય, તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચારવહેણ સાથે અમરતકાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકરી ઊઠતું – ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમેય દીકરીથી થાક્યાં છો ! અમરતકાકી ઊંઘમાંથી ઝબકી જતાં, બોલી ઊઠતાં : ‘શું હું થાકી છું ? હૈયું બમણા જોરથી પોકારી ઊઠતું : એક વાર નહીં ને હજાર વાર !

અમરતકાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે ? રાતમાં હું એને કેટલીય વાર ઓઢાડું છું, દવાખાનામાં એમ ઘડી ઘડીએ કોણ ઓઢાડશે ? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત…. પરંતુ પત્ર મળતાં દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મૅજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમરતકાકીને ખાતરી થઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતાં તરત આવી શું કામ પહોંચે ? લાગવગ વાપરી તરત ને તરત દાક્તર તથા મૅજિસ્ટ્રેટના દાખલા કઢાવે શું કામ ? એમને થયું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવવી. પણ દીકરાને કહેતાં જીભ ઊપડતી ન હતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય, દાખલાદુખલી કરાવી લીધું. હવે ના પાડું તો એને થાય, કે માને બીજો ધંધો નથી.

મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમરતકાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયાં, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી તે કેમેય ઊખડતી ન હતી. મંગુ એને પહેરાવેલાં નવાં કપડાંનો રંગ ધારીધારીને જોતી રહી ગઈ. ગેલમાં આવી હોય તેમ અમરતકાકી સામે જોતાં એ હસી પણ ખરી. એ સમું અમરતકાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે; મંગુને એટલુંય ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતાં અમરતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યાં, હૈયું કકળી ઊઠ્યું : ‘અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં – સગી મા પણ એની ના થઈ !’ દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું. મા સામે આંખ માંડવા જેટલી એનામાં સ્વસ્થતા ન હતી. જેટલો વિલંબ થતો હતો, તેટલો ગાડી પકડવાનો સમય ટૂંકો થતો હતો. ફળિયા બહાર ડમણિયે જોડેલા બળદ પગ ઉપાડવા તળે-ઉપર થઈ રહ્યા હતા. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતાં કહ્યું : ‘મોડું થાય છે. હવે નીકળવું જોઈએ.’ અને ફળિયા બહાર નીકળતાં એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી.

પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમરતકાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભાં થયાં. બે જણે ઝાલીને ચડાવ્યાં ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. મંગુ ગાંડી છે એમ જણાતાં ગાડીમાં મુસાફરોને મઝાનો ખોરાક મળી ગયો.
‘આવી ખાધેપીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનુંતેમનું નીર્યું એટલે બસ !’
‘અમારા ગામમાંથી એક ડોસીને એના દીકરા પાંચ વરસથી મૂકી આવ્યા છે પણ કશો ફેર પડ્યો નથી. ગામનું કોઈ મળવા જાય છે તો રડવા લાગે છે, પગે પડીને કહે છે : ‘મને અહીંથી તેડી જાઓ’ પણ આજના દીકરા લાવતા જ નથી !’
‘દીકરાઓ શું દીસ્તા રાખવાના ?’
‘દીકરાઓ તો આમ સારા છે, પણ આજની વહુઓ… જાણો છો ને ! પહેરી-ઓઢીને મહાલવું હોય એટલે વધારાનું માણસ ઘરમાં પોસાતું નથી.’
‘આ છોડીને મા નથી ?’
અમરતકાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયાં. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથેસાથે માથું નમતાં મા તરીકેનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો.
‘બાપ રે ! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાંનો શો દોષ કાઢવો !’
અમરતકાકી જો એકલાં હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછાં ફર્યાં હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયાં.

મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમનાં સગાસંબંધી છૂટાંછૂટાં બેઠાં હતાં. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણાં જમતાં. કોઈ કોઈ ફળ ખાતાં હતાં. એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાત કરતી હતી. એક ગાંડી પત્ની પતિ મળવા આવ્યો તેને બાઝી પડી હતી અને બાજુમાં ઊભેલી વૉર્ડની પરિચારિકાઓ તરફ નજર કરી એ ફરિયાદ કરતી હતી – આ ભૂતડીઓ મને સારાં કપડાં પહેરવા આપતી નથી; સારું ખાવાનું આપતી નથી; માથામાં નાખવા તેલ આપતી નથી. અમરતકાકી તે વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યાં હતાં. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી : ‘હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એક વાર ખાઈ લ્યો.’
પેલી ગાંડી બાઈ છણકો કરતાં બોલી : ‘મેં દાતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું.’
અમરતકાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખિજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવરાવ્યું, નૅપ્કિન વતી મોં લૂછી નાખ્યું. અમરતકાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળુ.

દાક્તર અને સ્ત્રી-વૉર્ડની મેટ્રન આવી પહોંચ્યાં. અમરતકાકીના દીકરાએ મૅજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું.
મેટ્રને કહ્યું : ‘એ બાબતમાં તમારે ચિંતા ન કરવી….’
વચ્ચે અમરતકાકી બોલ્યાં : ‘બોન ! ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી….’ આટલું બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી : ‘તમે બા, કોઈ જાતની ફિકર કરશો નહીં. અમે એને મોમાં કોળિયો ઘાલીને ખવડાવીશું.’
ગળગળા સાદે અમરતકાકી બોલ્યાં : ‘એ જ બોન, મારે કહેવું છે. એને ઝાડા-પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે.’
બીજી પરિચારિકા બોલી : ‘રાતમાં ચારપાંચ વખત તપાસ કરવામાં આવે છે.’
અમરતકાકી : ‘રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી.’
‘જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ.’
‘એને બીજાં તોફાની મારે નહીં તે જોજો.’
‘તોફાની હોય તેને જુદાં રાખવામાં આવે છે. રાતે બધાંને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે.’

મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતાં ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખૂલતું એ તક ઝડપી લઈ અમરતકાકીની નજર બે-ત્રણ વખત અંદર ડોકાઈ રહી હતી. ત્રણચાર સ્ત્રીઓને ફગફગતા વાળે, અસ્તવ્યસ્ત કપડાંમાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યાં. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી : ‘મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દ્યો.’ મેટ્રને કહ્યું : ‘અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી.’ ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરતકાકીની સોડમાં લપાઈ. માથે હાથ મૂકી અમરતકાકી રોજનો વહાલસોયો ‘બેટા’ શબ્દ ઉચ્ચારવા ગયાં ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યાં. આવા રુદનથી ટેવાઈ ગયેલાં દાક્તર, મેટ્રન અને પરિચારિકાઓનાં હૈયાં પણ ભરાઈ આવ્યાં. દીવાલો પણ ધ્રૂજી ઊઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી !

અને પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી : ‘લે, જોઈએ છે તારે ?’ એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશભર્યા શબ્દો બોલી : ‘તું મારી પાસે રહીશને, બહેન ? હું તને સારું સારું ખાવાનું આપીશ. નવાં નવાં કપડાં પહેરાવીશ.’ મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતાં ‘ચાલ આપું.’ કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખૂલું થઈ મંગુને ગળી ગયું. ‘મંગુ….મંગુ…’ની કાળજું કંપી જાય તેવી ચીસ અમરતકાકીએ ફરી નાખી. દાકતરે આશ્વાસન આપતાં કહ્યું : ‘ઘરડાં બા !’ અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતાં જણાવ્યું : ‘આ તમારા દીકરા જેવો મને આ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો.’

આધેડ ઉંમરની; બાળવયથી વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતાં કહ્યું : ‘આજ સુધી તમે એનાં એક બા હતાં; આજથી હું એની નવી બા થઈ છું.’
અમરતકાકી ડૂસકું ભરતાં બોલ્યાં : ‘એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનાનું મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી…’ અને એમનો કંઠ રૂંધાઈ ગયો.
મેટ્રન : ‘એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે.’ અમરતકાકીનું ડૂસકું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યાં : ‘એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો; દૂધના હોય તો દાળમાં.’ અમરતકાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એણે નીચી દષ્ટિ રાખીને કહ્યું : ‘સારું.’
અમરતકાકી : ‘એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજેત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું.’

અમરતકાકી અને દીકરો મંગુને મૂકીને દવાખાનાની બહાર નીકળ્યાં ત્યારે બંનેનાં મોં ઉપર શોકનાં વાદળ છવાયેલાં હતાં. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયાં. ગાડીના ડબામાં પગ મૂકતાં અમરતકાકીને સાંભરી આવ્યું – દવાખાનામાં સૂવા ખાટલો આપતાં હશે કે નહીં ? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભરી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલાં છે, એવી ખાતરી અમરતકાકીને થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધાં ન હતાં એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને ? એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું; ભૂતની માફક ભમતી ગંદી, જથરતથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરતકાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યાં. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી : ‘કેમ બા, રડો છો ? કોઈનું મૈણું થાય છે ?’

રાત્રે પોણા અગિયાર વાગ્યે ઘેર આવ્યાં ત્યારે એમની વાટ જોતી પડોશણ, જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળુ કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઊપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. અમરતકાકીના અંતરમાં એક જ તંબૂરો વાગી રહ્યો હતો – મંગુ અત્યારે શું કરતી હશે ? પળે પળે એ જ વિચાર એના હૈયાને વીંધી રહ્યો હતો : કેટલી ઠંડી છે ? ઓઢાડ્યું હશે ? પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યાં હશે ? જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યાં : ‘બેટા ! પેશાબ ન કરતી. ઓઢાડેલું કાઢી ન નાખતી.’ આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતાં, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતાં. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતાં, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમરતકાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું : મારા ભેગી સૂવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે ? એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું : હું મા થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી ! એમનાથી ડૂસકું ભરાઈ ગયું.

બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંઢ પથ્થર મુકાઈ ગયો હતો. માનાં ડૂસકાં સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં : પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે ? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઊઠ્યું : માનું આ દુ:ખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી : હું મંગુને જીવતાં સુધી સારી રીતે પાળીશ, વહુ એનાં મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ ! એ સાથે વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. અમરતકાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યાં હોત, પરંતુ એ જંપી ગયેલાં લાગ્યાં એટલે સવારે હવે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીંચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ.

વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાંનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરતકાકીએ કરી મૂકી : ‘ધાજો, રે….. ધાજો, મારી મંગુને મારી નાખી રે…..’ દીકરો ખાટલામાંથી ઊછળી પડ્યો. પાડોશી દોડી આવ્યાં. ઘંટીઓ અને વલોણાં થંભી ગયાં. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યાં અને આવ્યાં તેવાં હબકી ગયાં : અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં !

[કુલ પાન : 685. (મોટી સાઈઝ).  કિંમત રૂ. 500. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફૉન : +91 79 26560504, 26442836 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર
બીકનું બંડલ – હરીશ નાગ્રેચા Next »   

37 પ્રતિભાવો : લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર

 1. rutvi says:

  મને યાદ છે , ધોરણ ૧૦ મા પાઠ ૨ , મા લોહી ની સગાઇ આવતી હતી , આજે ફરીથી યાદ અપાવી દીધી ,
  એકવાર કે જેટલીવાર વાંચો પણ આંખમાથી આંસુ ના આવે તો જ નવાઈ , ખૂબ જ ભાવવાહિ લેખન ,
  માતૃપ્રેમ ની વાર્તા છે ,

  ” આ છોડી ની મા નથી? ”

  ” અમરત કાકી મંગુ ની નાત મા વટલાઇ ગયા”

  આંસુ આવી ગયા

 2. Neal says:

  Rutvi just about to write that we have studided in 10th std….It’s good to read very sensitive story…it’s touches your heart…still have year 10 & 12 book with me….

 3. Pathik says:

  This ‘Navlika’ use to be as a lesson in Std. 10th in Gujarat Board. i am reading it after it 8-9 years, though last sentence made me sentimental. Awesome story of unique relationship between mother and child.

 4. Margesh says:

  This unforgettable story remind me our days of Std. 10th and also our gujarati teacher, who used to explain this story amongst us in a very heart touching way.

 5. ગાંડાભઈ વલ્લભ says:

  હાઈસ્કુલમાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આ વાર્તા ભણવામાં આવેલી. અતી ઉત્તમ વાર્તા આપવા બદલ હાર્દીક આભાર મૃગેશભાઈ.
  હા, કરુણતા અને માતૃપ્રેમ આ વાર્તામાં ઠાંસી ઠાંસીને વર્તાય છે. આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી જ રહે છે. લગભગ બાવન વર્ષ પછી ફરીથી આ વાર્તા વાંચવા મળી. મને ખ્યાલ છે ત્યાં સુધી આ સત્યકથા છે, એટલું જ નહીં આ વાત ઈશ્વરભાઈની પોતાની સગી બહેનની છે. ઈશ્વરભાઈએ પોતે જ ક્યાંક લખ્યું છે, અને મારા વાંચવામાં આવેલું એવું સ્મરણ છે.

 6. કલ્પેશ says:

  આ વાર્તામા કેટલુ દુઃખ ભર્યુ છે.
  વાંચનારના હ્રુદયને અને આંખોને ભીની કરી દે છે.

  મા/બાપ પોતાના સંતાન માટે કેટલુ કરે છે એનો કોઇ પાર નથી.
  પ્રભુ કરે આપણે એમાનુ થોડુ પણ પોતાના મા-બાપ માટે કરી શકીએ.

 7. Jignesh Mistry says:

  Very touchy story! But in school this one was the most IMP lesson for the idioms.

 8. Ashok B. Shah says:

  ભલભલા કઠૉરને પણ પીગળાવી નાખતૉ લૅખ. મનૅ મારા જુના સંસ્મરણો યાદ આવી ગયા.

 9. nayan panchal says:

  timeless story.

  શાળાના સમયે આ વાર્તા જેટલી અસર ઉપજાવતી હતી તેટલી જ અસરદાર. અદભૂત પાત્રાલેખન.

  અદભૂત.

  નયન

 10. Snehal Aus says:

  it’s been a long time since i read this story….but still….i get the same feeling everytime i read this story….

  thank tou very much for it…..

  uncomparable story…loved it…again and again…

 11. અમરત્વ પ્રાપ્ત થએલી વાર્તા … !!

 12. dhara shukla says:

  yes,after many yrs.i read this story and again continous tears from eyes. i have become nervous.

  last week in chitrlekha i read one story of 5 yrs. old aahana having cerebral palsy and her mom is killed by one cruel person before few days.i was continuously recollecting the article of that baby with this story.

  just for readgujarati readers i m giving her brief history-aahana got fever when she was very young and due to lack of treatment she is facing-c.p.(physically and mentally the growth is stopped)her father left his wife.so aahana’s mother came to mumbai in search of job.she got the job but unfortunately one colleague of her office killed her.aahana is right now with her 72 yrs. old nani everyday waiting for her mother to come in the evening from office.but……………………….
  those who want to support emotionally or economically to aahana ,her nani-punimaben goswami’s no. is 93229 32 231

  dhara

 13. મને મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા, પાઠ્ય પુસ્તકમા આ વાર્તા ત્યારે પણ એટલી જ હ્રદયને સ્પર્શી ગઇ હતી.

 14. krunal Choksi, Apex, NC says:

  it takes us on the journey to the school days….. Studied this in 10th and I had the best gujarati teacher in school who literally brought tears in our eyes…

  Thanks for this story here….It’s just a wonderful one.

  Have a great day every1.

  -Krunal

 15. Niraj says:

  Timeless classic…

 16. Nishant says:

  “અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતા”

  ખબર નહિ કેમ પણ આ વાક્ય મને મારિ જિન્દગિ મા યાદ રહિ ગયુ છે. આજે આટલા વર્શો બાદ પણ ફરિથિ આંખમાથી આંસુ આવિ ગયા.

 17. હું આ વાર્તા સળંગ આખી ક્યારેય નથી વાંચી શકતો.

 18. Jinal says:

  Studied as a Gujarati lesson in 10th I think..It is so imotional ….I remember after learning this lesson, I have not missed any available article of Ishvar Petlikar.
  …..Excellent

 19. Payal says:

  I agree with Jigneshbhai, So many wise idioms in this story.. The chioce of words is excellent.

  ‘કહેવત છે એ ખોટી નહીં કે પારકી મા જ કાન વીંધે.
  પેલું બારણું અધખૂલું થઈ મંગુને ગળી ગયું.
  ‘કેમ બા, રડો છો ? કોઈનું મૈણું થાય છે ?’
  અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં !

 20. pragnaju says:

  અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં !
  આ અમર વાર્તાની અમર પંક્તી તો અમે હજુ પણ વાપરીએ છીએ–
  -પાત્રો અને ન્યાત બદલાતા રહે છે

 21. Hetal says:

  Don’t know what to say but one of my favorite short story, remind my old days in school where every one was cried………..still crying……..

 22. તેજસ says:

  સ્કૂલ ના સમયે પણ અને હમણાં પણ આ વાર્તા વાંચતી વખતે દ્શ્યો આંખની સામે ભજવાતા હોય એવો ભાસ થાય છે.

  તે સમય કરતા હાલ વાંચતી વખતે પાત્રો , તેમની ભાવના અને મનોઃસ્થિતિ વધુ સારી રીતે અભ્યાસ કરી શકાયો હોય એવુ લાગ્યુ.

 23. girish valand. u.k says:

  very good &hart touch story

 24. kailasgiri says:

  અદભૂત..

 25. Dhaval B. Shah says:

  Very touching story.

 26. hemali says:

  very heart touching story. should be read by all parents. it took me to the journey of my school days.

 27. hemali says:

  very heart touching story. should be read by all parents.

 28. Janakbhai says:

  Dear Mrugeshbhai,
  Heartily congragtulation for placing such greate Gujarati heritage in Read Gujarati.com. Just one suggestion, if possible, put its English translation along with Gujarati version for the young generation who are not acquainted with our great heritage of Gujarati Literature and who are away from Gujarati. As they have been brought up in English environment, though their root is Gujarati. I shall be pleased to contribute my services for translating such a great heritage into English.
  Janakbhai

 29. Neha Parmar says:

  Unforgetable story.

  I miss my school days. Ankh mathi ansu avi gya.

 30. Manish Patel says:

  ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે; મંગુને એટલુંય ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતાં અમરતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યાં, હૈયું કકળી ઊઠ્યું : ‘અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં – સગી મા પણ એની ના થઈ !’ દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું.

 31. priti shah says:

  આ લેખ વાચિ ને આખો ખરે ખરે ભરાઇ આવિ. મા નિ મમતા નુ અહિ બહુ જ સુન્દર રિતે વર્નન કરવામા આવ્યુ. બને તો જિગર અને અમિ અને સર્સ્વતિચન્દ્ર મુક્શો તો અભાર્.

 32. Krunal Shah says:

  Aankh manthi Shravan Bhadarvo vahi rahyo chhe… type kare akshar vanchai rahya nathi… Jibh maan kyank thi KHARO swad avi gayo… lakhvu to ghanu chhe… kehvu pan ghanu chhe pan shabdo ne jaane vaacha j nathi futi rahi… varta karta pan rhaday vadhu dravi uthyu comments na vanchan thi… and… varta ne mamlavta highchool jivan na atit ma khovai jata koi j shudh budh nathi rahi!!!

 33. Hardik says:

  ખરેખર હ્દયસ્પર્શી વાર્તા..

  શાળાની યાદો પણ સાથેસાથે તાજી થઈ ગઈ. આ વાર્તા બીજા નમ્બરે હતી અને પહેલા નમ્બરે હતી – જુમો ભીસ્તી from ધુમકેતુ..

  બન્ને મારી અતિપ્રિય વાર્તાઓ હતી-

  મૃગેશભાઈ, શક્ય હોય તો એ “જુમો ભિસ્તી” પણ પ્રગટ કરવા વિનંતી..

  આભાર.

 34. mansukh says:

  wonderfull story, i studied it in class 10th a long back and after 23 years again it has realy touch to my heart. we have one proverb in gujatai that “ma e ma bija badha vagdana va” and it is realy felt here in this story.in today’s world we become insensitive towards familiy value. But Still ma is playing her role selflessly for the relation of ma- beti or ma- beta from deep of her heart . we have to think a lot to understand the feeling of ma.
  Realy a heart toching story!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.