બીકનું બંડલ – હરીશ નાગ્રેચા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

શશી અને વિનુ, આમ ઘરમાં અમે બે જ. પણ એવું નથી. ત્રીજું પણ છે, સંતાન નહિ, બીક છે. હું મારી અને વિનુ એની બીક જોડે જીવે છે, જો કે મળેલાં જીવ તે જીવીએ છીએ જોડેજોડ જ ! રાતે સૂતાં હોઈએ ત્યારે એક દસ્તો લઈ બીજાનું માથું છૂંદી નાખશે એવી કોઈ બીક નથી. પણ જે છે તે વિનુ પર ટેરેરિસ્ટ જેવો ત્રાસ ગુજારે છે, ને વિનુ મારા પર. એથી હવે મનેય બીક લાગવા માંડી છે. એટલે, રાતે હું બીકથી બચવા વિનુની સોડમાં ભરાઈ સૂઈ જાઉં છું. લાગે છે સ્ત્રી-પુરુષ નિર્ભીક થવા જ પરણતાં હશે. અમે પરણ્યાં, પણ થોડાં મોડાં, બે વર્ષ પહેલાં જ. પરંતુ મને હજી સુધી સમજાતું નથી કે વિનુને જ્યારે બીક લાગે છે ત્યારે મારી પાસે દોડી આવવાને બદલે, દૂર કેમ ભાગે છે ? વિનુના આવા વર્તનથી હું નારાજ છું, પણ શું કરું, એ નારાજ થઈ જશે એવી બીકમાં, એની બીકને પંપાળું છું. લાચાર, ભયભીત. અમારે ત્યાં ભય સતત ભીંતે ચોંટેલો જ હોય છે.

વૈશાખની એ સાંજ હતી. આખા દિવસની દોડધામ પછી શરીર થાકીને લોથ થઈ ગયું હતું, તો ય ઘરે જવા પગ થનગનતા હતા, પણ રોજની જેમ ગૅલેરીમાં વિનુને ન જોઈ એ ઢીલા પડી ગયા. ઘરે પહોંચતાની સાથે જ મેં ઉપરાછાપરી છ સાત વાર ડૉરબેલ વગાડી. વિનોદિનીએ તો નહીં, પણ પાડોશી કોકિલાએ બારણું ખોલી, ડોકિયું કર્યું. મને જોઈ કોકિ એમ હસી જાણે કહેતી ન હોય : એ જ લાગના છો ! નથી ખોલતીને વિનુ, તે ઊભા રહો, રાહ જોતાં ! ને તરત બારણું બંધ કરી દીધું. ‘વિનુ’, મને ગુસ્સો આવ્યો, ‘ખોલ જો કોકલી કી-હૉલમાંથી તમાશો જુએ છે !’ નો રિસ્પોન્સ. છેલ્લે ચિડાઈ જેવી મેં લાત મારી કે દરવાજો ખૂલી ગયો.

હું અચકાતો, ખચકાતો અંદર ગયો. બધું ફરસ પર વેરવિખેર પડ્યું હતું. શર્ટ, કપડાં, સાડી, રાચરચીલું… મને ધ્રાસકો પડ્યો. ધ્રાસકામાં મારો અવાજ તરડાઈ ગયો : ‘વિનોદીની… વિનુ… !’ જવાબ ન મળતાં, અડકાવેલું બેડરૂમનું બારણું મેં હડસેલ્યું. જોઈને વિસ્મય, વિમાસણમાં પડી ગયો. ચાર ફૂટના ઊંચા લાકડાના ઘોડા પર શિયાવિયા વિનુ બેઠી હતી. એણે ગોઠણ સુધી સાડી સંકોરી, બે પગ વચ્ચે દાબી રાખી હતી. વાળ વેરવિખેર હતાં. પાલવ કમ્મરે કસેલો હતો. બે હાથમાં બે જાતનાં ઝાડુ પ્રકાર કરવા તત્પર હતાં. એના રડમશ ચહેરા પર ચડી-રીસ-ભય ફાટફાટ થતાં હતાં. ‘વૉટ એન એન્ટિક્લાઈમેક્સ !’ ફક્ક કરતોને હું હાશમાં હસી પડ્યો.
‘જય હો, ઝાડુશ્વરી, તમે તો ઘોડાસન પર બિરાજમાન છોને કંઈ !’ પછી થાક ને તાણ ખંખેરતા મેં વિનુને તતડાવી : ‘શું ફિતૂર છે આ ? મારો તો જીવ ઉરાડી નાખ્યો ! હવે શું વિચાર છે, ઘોડે જ ટીંગાઈ રહેવાનો ?’
‘શી…શી…, શ…શ…. !’ વિનુના હોઠ ધ્રૂજવા માંડ્યાં.
‘શ..શ…શું, આગળ તો બોલ !’
‘હવે હું આ ઘરમાં નથી રહેવાની !’ ફુગ્ગો ફૂટ્યો.
‘આટલું કહેવા માટે ઘોડે ચડવાની શી જરૂર હતી ? ને આવું તો તું બહુવાર કહી ચૂકી છો.’
‘આ છેલ્લી વાર કહું છું.’
‘એ ય કેટલી વાર કહેશે !’
‘મારો જીવ ફફડે છે ને તું….!’ વિનોદિની ભાંગી પડી.
‘હવે ઉપર શું દાટ્યું છે ! નીચે ઊતર તો આંસુ લૂછું ને !’

મદદ માટે વિનુએ હાથ લંબાવ્યો. મેં ઘોડા પરથી એને ઉતારી, ઝાડુ બાજુએ મૂક્યાં. વિનુએ ગાભરા ડોળા મારી સામે માંડ્યાં.
‘અત્યારે જ ફેંસલો કર, આ ઘરમાં કોણ રહે, હું કે તારી સગલી ?’
‘સગલી ?’ હું મૂંઝાયો, ‘કોણ, ક્યાં છે મારી સગલી ?’
‘ડ્રોઈંગ રૂમમાં, એ ફરે, કાળી, જાડી, ચીતરી ચડે એવી, ઈ….ઈ…ઈ !’ વિનુએ નાક ચડાવી, મોં બગાડ્યું.
‘માય ગોડ !’ હું ફસડાઈ પડ્યો, ‘તો આજે ગરોળી પુરાણ છે !’
‘હા, શત્રુ પુરાણ, કહેવું છે કંઈ ?’ વિનુ છંછેડાઈ.
‘તને એ કયાં આડી આવે છે ? નાહકની તું એની પાછળ પડી ગઈ છો, બીકનું બંડલ !’ મેં વિનુને ચીડવવા માંડી, ‘તને શેની બીક નથી ? તને વાંદાની બીક, ઉંદરની બીક, ગરોળીની બીક, સાપની બીક, ઈયળની બીક, અળસિયાની બીક, લાંબાની બીક, ટૂંકાની બીક, ગરમીની બીક, ઠંડીની બીક, નરમની બીક, ટાઢા ટબુકિયાની ય બીક. ટ…પ..ટપકે ને ફફડે ! ઘર હોય તે વિનુ, ગરોળી તો હોય જ ને, એમાં બીવાનું શું ?’
‘સ્ત્રી થઈને જન્મયો હોત તો તને ખબર પડત !’
‘પણ એને પેટે તો જન્મ્યો છું ને !’ વિનુએ તોબરો ચડાવ્યો પણ મેં એને સમજાવવા માંડી : ‘મુંબઈની ગરમીમાં આવો ઉપદ્રવ તો થાય.’

વિનુએ તરછોડ્યો. મને ઓછું આવ્યું : ‘ખરું કહું તો, ગરોળી કરતાં વિનુ તારો જ ઉપદ્રવ વધારે છે ઘરમાં’
‘આને તું ઘર કહે છે ?’ વડચકું ભરતાં વિનુએ ઊભરો કાઢ્યો, ‘રાણી બાગ છે, ઝૂ. ને એ ય થર્ડ કલાસ !’
‘ઝૂ ! કેમ ? તું ને હું જ તો રહીએ છીએ અહીંયા !’ વણસતી વાતમાં મેં હળવાશ લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ રમૂજને ક્વિનાઈનની જેમ ગળી ગઈ.
‘ઝૂ નહીં તો શું ? આપણી જોડે ઉંદર, વાંદા, ગરોળી, મચ્છર, માંકડ, માખી, મંકોડાં, કીડી બધાં જ તો રહે છે, અહીં ! અહં….’ વિનુના અવાજમાં ભારોભાર તિરસ્કાર હતો. મેં ફરી એકવાર પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. ન તો એ મારા તર્કથી માની, ન સ્પર્શથી. બસ એક જ રઢ : ‘જ્યાં સુધી આ ઘરમાં પેલી કાળી, કદરૂપી….!’ ગરોળી શબ્દ પર વિનુનું ખૂન્નસભર્યું વજન પડતું જોઈ મને થયું – સરન્ડર !
‘પણ શું થયું એ તો કહે !’
‘બારણું બંધ કરવા ગઈ કે ટપ દઈને માથે પડી’ હજી ગરોળી ચીટકેલી હોય એમ વિનુએ ફડકમાં માથું ખંખેર્યું.
‘ને એ તારો પીછો ન પકડે એટલે ઝાડુ લઈ તું ચડી ગઈ ઘોડે !’
‘હવે તું એને ઘરની બહાર કાઢશે કે પછી….’ વિનુ વિફરી.
‘ઘરમાં ગરોળી તો સારી, જીવજંતુઓ ખાઈ જાય ! તે દવાના પૈસા ને છાંટવાની મહેનત બચે એ જુદાં.’ ગરોળી નહીં કાઢવાનું મેં સચોટ કારણ આપ્યું. પણ એનો જવાબ તૈયાર જ હતો.
‘તે લઈ આવ કોકિને ત્યાંથી બેચાર ઉધાર, ને મૂકી દે છૂટી, તે કરવા માંડે ઘર સાફ ! એ જીવાત ખાતી હશે, સાથે મારો જીવ ખાય છે, એનું શું ? રાતદિવસ ફફડી મરાય છે. અહીંયાથી આવશે કે ત્યાંથી કૂદશે; માથે પડશે કે પગે ચડશે !’ વિનુએ કપડાં ખંખેરી પગની આંટી મારી, ‘નહીં રહેવાય અહીંયાં મારાથી હવે.’
‘જો વિનુ, જેને ભીંતે કાન માંડી પારકાની વાત સાંભળવાની ટેવ હોય ને એના અભરખા પૂરા કરવા, બીજા જનમમાં ભગવાન એને ગરોળી બનાવે. આપણાં ઘરમાં જે ગરોળી ફરે છે ને, એ ગયે મહિને પાછી વળેલી કોકિની સાસુ, ઝમકુ ડોશીનો અવતાર છે. ભલે ને ડોશી લહેરથી સાંભળતી આપણી વાતો ભીંતે બેઠી બેઠી !’

‘ઝમકુડી તો ન જ જોઈએ ઘરમાં, એને તો પહેલાં કાઢ તું.’ વાત ટાળવાનો મારો પ્રયાસ ફરી નિષ્ફળ ગયો. ફરી મેં ઝાવું માર્યું : ‘વિનુ તને કેટલી વાર સમજાવી કે છોકરાં ઘરમાં કિલ્લોલતાં હોય તો ભલભલી બીક ભાગી જાય. પણ તને બી-બીને મરવાનું પસંદ છે, પણ તું બીક ભાંગવા તૈયાર નથી.’ વિનુ આશંકામાં મારા વેણ જોખી રહી. હું મલક્યો : ‘બીકણ બાયડી, ચૂલે તાવડી, તાવડીમાં ધૂળ, આ જ તારી બીકનું મૂળ !’ હું વિનુની નજીક સર્યો, જાણે હું જ ગરોળી હોઉં તેમ તે ભડકી ઊભી થઈ ગઈ.
‘તું નારાજ શું કામ થાય છે, હું તો તારી બીક કાઢવાનો કાયમનો કીમિયો દેખાડું છું’ એ ધૂંઆપૂંઆ થતી ચૂપ રહી. મને ગમ્યું. ખરું તો, મને ગરોળીને કાઢવામાં જરાય રસ નહોતો, કારણ કે એની હાજરીમાં મારું મહત્વ વધતું હતું. વિનુ મને વધુ વશ રહેતી હતી. પણ વિનુ અણનમ હતી :
‘શશી, નક્કી કર, એ કે હું ?’
મેં એના તરફ આંગળી ચીંધી : ‘તું.’
‘તો કાઢ એને….’
બાંયો ચડાવતો હું તૈયાર થઈ ગયો.

ગરોળીને કેમ કાઢવી, એનો વ્યૂહ રચતાં, રૂમમાં દાખલ થઈ, તૂતક પર ઊભેલા કપ્તાનની જેમ મેં ચોગરદમ નજર ફેરવી, પણ ગરોળી ક્યાંય નજરે ન ચડી. હું ઘરમાં ફરી વળ્યો, ઘણું આઘું પાછું કર્યું, ને અંતે કંટાળ્યો : ‘વિનુ, બોલ ક્યાં જોઈ’તી તેં ?’
‘તકિયા પાછળ’ રિપ્લાય-પેઈડ ટેલિગ્રામની જેમ વિનુનો જવાબ આવ્યો.
મેં એક તકિયો ઊંચક્યો. બીજો, ત્રીજો, ચાદર, ગાદલાં, ગોદડી બધું જ ફેંદી નાખ્યું. મને શોધતો જોઈ એણે હામ ભીડી, ને ગરોળી દેખાડવા એ બારણે આવી : ‘ત્યાં જો ત્યાં !’ એણે ધ્રૂજતે હાથે ભીંત ચીંધી, ‘ત્યાં નહીં, ત્યાં જ જોઈ’તી કાળમુખીને. હું જેવી શાક લઈને આવી, બારણું ખોલ્યું કે ટપ દઈને માથે પડી, ને અલોપ થઈ ગઈ. કપડાંની ઘડી કરવા જેવી સાડી લેવા ગઈ, ત્યાં ફરીથી તકિયા નીચેથી સુરમુટતી સરકી.’ સડસડાટ ગભરાટનો ઘટસ્ફોટ કરતાં વિનુએ પાછો સાદ પાડ્યો, ‘શશી, જો ત્યાં જ છે, કોટની પાછળ.’ ઝડપથી ફરી મેં કોટને ખેંચ્યો. પણ ખીંટીએ કોટનો સાથ છોડ્યો નહીં, ખીલીએ ખીંટીનો હાથ છોડ્યો નહીં, પ્લાસ્ટરે ખીલીનો સંગાથ છોડ્યો નહીં, ને વફાદારોનું ઝૂંડ એક સામટું મારા પર તૂટી પડ્યું. હજી આ ઘટનાનો હું મર્મ સમજું ત્યાં અચાનક મને તુક્કો સુઝ્યો. બેધ્યાન વિનુને ચીંધતાં મેં બૂમ મારી : ‘વિનુ ત્યાં જો, આવી !’
‘ઈ…ઈ…ઈ… ! ક્યાં ?’ આંખ મીંચી, હવાઈની જેમ ઊડી, વિનુ મને વળગી પડી.
‘આ રહી…’ તુક્કો તીર બની ગયો ને મેં વિનુને બાહુપાશમાં જોઈ. થેંક્યું લેડી લિઝાર્ડ, ન તું મારા ઘરમાં હોત, ન એ ફફડી હોત, ન આમ મને વ્હાલથી વળગી હોત.
‘શશી’ વિનુએ આંખ ખોલી, ‘શું કરે છે એ, ગઈ ?’
‘છે, વળગી રહી છે !’ ને તરત ઉમેર્યું, ‘ભીંતે !’
કોઈ આશંકામાં છૂટાં પડતાં એણે મને ધકેલ્યો : ‘હટ, મારો જીવ જાય છે ને તને ચાળા સૂઝે છે !’
‘સોરી વિનુ, જો હમણાં જ શોધી કાઢું છું. આઈ સ્વેર !’ ને મેં આમતેમ ડાફરિયાં મારવા માંડ્યાં.

ઝીણી આંખ કરી હજી હું બુક-કેસ વચ્ચે જોવાનો યત્ન કરું ત્યાં ફરીથી વિનુએ ધા નાખી : ‘અરે, આમ જો, શશી, ત્યાં નહીં, કબાટ પાછળ છે, મને દેખાઈ’ મારા તરફ જોયા વગર વિનુએ ત્યાં-ત્યાં-ત્યાં એમ એકધારું રટવા માંડ્યું. મેં ફંટાઈ કબાટ તરફ ઝુકાવ્યું. કબાટ અને ભીંત વચ્ચે અઢારે અંગ વાંકા કરી ફાંફાં માર્યાં. ભીંતે ગાલ દાબ્યો, એક આંખ ચૂંચી કરી ને જેવું નાક મેં ફાટમાં નાખી ગરોળીને જોઈ-ન-જોઈ કે મારે ગેંડા જેવા પહોળે માથે પીછેહટ કરવી પડી : ‘આ….આ….આ.છીં…’
‘શું થયું, નાક ચાટી ગઈ કે શું તારું ?’ છીંકોટા વચ્ચે વિનુનો અવાજ પડઘાયો, ‘તું બહુ પોચલો, સહેજ મહેનત પડી ત્યાં તો મંડ્યો છીંકવા. પણ ત્યાં ફાટમાં તારું નાક ઘાલ્યું જ શું કામ ?’
‘આ…આ…આછીં….ચૂપ….’ હું અકળાયો, ‘ખસ આઘી. કોઈને નહીં ને તને જ કેમ છે આટલું બધું ઓબ્શેસન ગરોળીનું !’ હું આગળ બોલું ત્યાં તો લીંબુની ફાડ જેવી આંખોમાં, રાવ ખાતાં બોર જેવડાં આંસુ ઊભરાયાં : ‘એક તો બીક લાગે છે ને ઉપરથી….’
‘બસ… બસ !’ મેં વાળવા માંડ્યું, ‘ચાલ જવા દે હવે, ને જે થાય તે ચૂપચાપ જોયા કર.’

કાટલું કાઢી નાખવાના ઈરાદાથી ફરી એક વાર મેં ગરોળીનું પગેરું ખોળવા માંડ્યું. નાનકડી લાકડી લઈ પહેલાં મેં ઘરની દરેક વસ્તુ ઠોકી ખખડાવવા માંડી. પછી ઉરાંગઉટાંગની જેમ હું કૂદ્યો, ચડ્યો, ઊતર્યો, ઘૂંટણોએ પડ્યો, ગોઠણિયાં તાણ્યાં, સાષ્ટાંગ જમીન પર લંબાવ્યું, પણ ના જડી ! ફરસ પર હું હાંફતો પડી રહ્યો.
‘શશી’ વિનુએ સહસા બૂમ પાડી, ‘તું નીચે શું કરે છે, એ તો ઉપરથી બેડરૂમમાં સરી ગઈ.’
‘તો જવા દે.’ મેં છાજિયું કર્યું.
‘શું જવા દે !’ વિનુનો અવાજ ફાટી ગયો, ‘ત્યાંથી તો તારે કાઢવી જ પડશે, નહીં તો એક મટકું નહીં મરાય, આખી રાત ! પ્લીઝ….પ્લીઝ….’ વિનુએ મને બગલમાંથી અધમણીઆ બાચકાની જેમ ઉઠાડવા માંડ્યો.
‘ઓકે, ઓકે !’ મેં બેડરૂમ તરફ આગેકૂચ કરી. વિનુ ઉંબરે આવી ઊભી. મેં પલંગ ઢંઢોળ્યો, છત્રી ખોલી, ચોપડીઓ ઉલાળી, ડેકોપીસ, લેમ્પ ગબડાવ્યાં… કરગરતાં કરગરતાં બબડ્યો : ડોશી દેખા, મારી મા દેખા ક્યાં છો ? પગે પડું, વ્હાલી કરું મારી માવડી, તમારી બે વચ્ચે નાહકનો હું કુટાઉં છું. ક્યાં છો, છો ક્યાં ! કહું છ જડ, જડ મને ને જો જડી તો જાણજે કે….
મને વ્યસ્ત જોઈ, ચેતવણી ભૂલી વિનુએ રનિંગ કોમેન્ટ્રી શરૂ કરી દીધી : ‘બાપ રે, એ ત્યાં જ ઘૂસી છે, હા હા, ત્યાં જ, જો ! શશી, હમણાં બહાર આવી’તી ! જો, જો પાછી ભરાઈ ગઈ. કેટલી લાંબી ને કાળી છે ને ! બાપ, આવી કદરૂપી તો ક્યાંય નથી જોઈ, ફાટી ન પડાય ! છે, ત્યાં જ છે, છત્રી ઉપાડ, ફલાવર વાઝ, ના ફોટોફ્રેમ ! ગઈ, ના ત્યાં નહીં, અરે શશી….,’ વિનુએ પોક મૂકી, ‘ગઈ, ગઈ એ તો રસોડામાં…!’

લિલામ માટે કાઢ્યો હોય તેમ બેડરૂમને ઊંઘેપડ મૂકી હું વિનુ સામે દાંતિયા કરતો, રસોડે દોડ્યો, પણ ત્યાંની ગોઠવણથી તદ્દન અજાણ, હજી ઘોડાને અડક્યો પણ નહીં હોઉં ત્યાં તો ખડંગ….અ…અ…. કરતાં થાળી, વાટકાં, તપેલાં, છીબાં, કડછી, ચમચાં એક-પછી-એક બેન્ડવાજાં વગાડતાં જમીન પર આળોટવા માંડ્યાં. અણધારી આફતથી અવાક થઈ, હું પગલું પાછળ હટ્યો કે સ્ટેન્ડ જોડે અફળાયો… ને ખડંગ મંત્ર પૂરો કરતાં કાચનાં કપ-રકાબી, કચ્ચરઘાણ થઈ ચારેકોર વેરાઈ ગયાં. હું રસોડામાં શું કામ આવ્યો હતો, ભૂલી ગયો. સાથે જબાનની લગામેય છટકી ગઈ. હાંફળો ફાંફળો જેવો હું બહાર નીકળવા ગયો કે પગે કાચની કણી ભોંકાઈ. સમતુલા જાળવવા હાથ લંબાવ્યો કે લોટનો ડબ્બો ઊથલ્યો. ઓ…ઓ ! ને એ જ સૂરમાં વિનુએ બહાર ઠૂંઠવો મૂક્યો : ‘ઓ, મારી ક્રોકરી !’
‘જહન્નુમમાં જાવ તું ને તારી ક્રોકરી. મેં લોટ ચાટતાં હોઠ ભીડાવ્યા. તારે ઘરમાં રહેવું હોય તો રહે, નહીં તો થા…! હું કંઈ કાઢવાનો નથી.’
વિનુને ગળે ડરનો ગળફો બાઝ્યો : ‘એ…એ… ગઈ…’
‘એ ગઈ ને હવે તુંય ગુલ થઈ જા, નહીંતર….!’ મોં ફેરવી, લાકડી મૂકવા જેવું મેં બારણું ખેંચ્યું કે ગરોળી મારા હાથ પર આવી, સડસડાટ કરતી ખભા પર ચડી, ને ભીંત પર કૂદી. વીજળી વેગે ઘૂમી, દાંત કચકચાવી મેં એવી તો લાકડી ફટકારી કે એ દીવાલ પર મારા શૌર્યનું નિશાન પાડતી જમીન પર જઈ પડી, ચત્તીપાટ, પૂંછડી પટપટાવતી.

કલાકના ‘ચેસ’ પછી ગેંગસ્ટર ગરોળીને ઝબ્બે કર્યા બદલ, વીરચક્રની અપેક્ષામાં મેં વિનુ તરફ વિજયી દષ્ટિ ફેંકી, પણ એના ચહેરાનો તો ફ્યુઝ ઊડી ગયો હતો.
‘કેમ શું થયું ? ઈચ્છા થતી હોય તો તું ય મારી લે બે ઝાટકા ઝમકુને ! તારે કાઢવી’તી ને ! તે લે એને કાઢી. જા હવે, રામ બોલો ભાઈ રામ…’
‘એ તારા જમણે હાથે ચડી’તી ?’
‘હા. તેથી શું ?’
‘ગરોળી શરીર પર ચડે તો સારું, શુકન કહેવાય, ગૂડ-લક. ને તેં આપણાં લકનો ઘાણ કાઢી નાખ્યો !’ પ્રથમ ઈનામ લાગેલી લોટરીની ટિકિટ ખોવાઈ ગઈ હોય તેમ વિનુ વસવસતી વલોપાત કરવા લાગી : ‘તારે એને કાઢવી’તી, મારવી નહોતી જોઈતી.’
‘ઓહ, ગોડ ! માંડમાંડ આની શારીરિક બીક કાઢી, ત્યાં પાછી આ માનસિક, ધાર્મિક બીકો ક્યાંથી ફૂટી નીકળી ? વિનુ, તું બીકનું બંડલ નહીં, બીકચૂંબક છે, તને તો ભગવાન પણ નહીં પહોંચી શકે !’
‘તું સાવ નિર્દયી છે, પાપી છે.’ વિનુ પટપટતી ગૂડલકની પૂંછડીને તાકી રહી.
‘એ પાપીની પત્ની….’ હું અકળાયો, ‘મડાં સામે શું જોયા કરે છે, આમ જો,’ મેં એને મારું પેટ દેખાડ્યું, ‘આમાં હવે ગરોળીઓ દોડે છે. ઘર તો ઘમસાણ છે. ચાલ બહાર જઈ, પાંઉભાજી ખાઈ આવીએ.’ મેં એનો હાથ પકડ્યો.
‘છોડ’ એણે આભડછેટમાં ધૂત્કાર્યો, ‘ઊભો રહે, આવું પાતક કરી, તારાથી કોળિયો કેમ ભરાશે ?’
‘પાતક, કોને ખાતર, બોલ, જાણી જોઈને કર્યું છે ? તું જ….’

છણકો કરી વિનુ ચાલી ગઈ. મેં કપાળ કૂટ્યું : ભય, ભય સર્વવ્યાપી, સર્વશક્તિમાન છે, ઈશ્વર છે, સૌને એના ખોફની બીક છે, એટલે બધે જ બીકનો અમલ ચાલે છે. પણ લાગે છે, ભયને તમે જો પડકારો તો એ તમને બુદ્ધ બનાવી દે, નહીં તો બુદ્ધુ ! અભય એટલે જ પ્રેમ, પણ પ્રેમ કરતાં ભય વધુ સનાતન હોવો જોઈએ, પ્રેમમાંય બીક તો હોય છે જ ને પ્રિયપાત્રને ખોવાની, જેમ મને છે ! ઓમ ભયાસુર નમ:… ઓમ બીકેશ્વરી નમ:…. આ ભયોમાં કેટલાક દંતકથા જેવા સાંભળેલા હોય છે, કેટલાક કાલ્પનિક, કેટલાક પાળેલા, પંપાળેલા, માનીતા, કેટલાકથી એવા ટેવાઈ જઈએ છીએ કે છોડવા ગમતા નથી, વિનુની જેમ !

પણ વિનુ ગઈ ક્યાં ? એને શોધવા મેં નજર ફેરવી. માય ગોડ ! છેડો માથે લઈ, ગોળની ગરોળી બનાવી, તુલસી કુંડે દીવો કરી, હાથ જોડી પ્રાર્થના કરતી એ ઊભી હતી. મેં બૂમ મારી… ‘એ વિનુ, આમ મારું ગૂડલક કંઈ પાછું જીવતું નહીં થાય ! વિનુએ ચૂપ રહેવા સામો મને શીશકારો કર્યો. કમાલ છે આ બાઈ, પહેલાં શશી-શશી કરતી પાછળ પડી ગઈ હતી, હવે શીઈ-શીઈ કરે છે. બે મિનિટનું અલ્ટીમેટમ ફેંકી, મેં જાતને પલંગ પર ફંગોળી, આંખો મીંચી.

ખરું છે ! પહેલી વાર વિનુ જ્યારે પિયર ગઈ ત્યારે બાથરૂમની લાઈટ આખી રાત ‘ઑન’ રાખી’તી, તોય ઊંઘ નહોતી આવી, બીકમાં ! પણ શેની, કોની બીક, કંઈ ખબર નહોતી પડતી, બસ બીક ! એટલે એવું જ થયું ને બીકણ વિનુ સાથે હોય તો બીક ન લાગે, પણ એકલાં હોઈએ તો લાગે. એકલો માણસ, પોતે પોતાનાથી જ બીતો હોવો જોઈએ. રખેને એ પોતાને ઓળખી જશે તો ! જગત આખાના પરિચયમાં એને આવવું છે, સિવાય પોતાના, ને જેવો એ પ્રસંગ પાડે છે કે ભાગે છે ઊભી પૂંછડીએ બીતો બીતો.

બીતાં બીતાં મેં પણ આંખ ખોલી, ને જોયું તો વિનુ ફાટી આંખે પલંગને ચીંધતી, બરફ જેવી ધોળી ફક્ક, ઊંબરે ઠીંગરાઈ ઊભી હતી, જાણે એને બીકનો સાક્ષાત્કાર ન થયો હોય ! મેં ત્રાંસી નજરે જોયું, મારી સોડમાં ગરોળી સૂતી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર
દીકરી દિલનો દીવો – જનક નાયક Next »   

8 પ્રતિભાવો : બીકનું બંડલ – હરીશ નાગ્રેચા

 1. Neal says:

  Harishbhai nice try but just some constructive feedback it was more words and hard to find the rytham..i think sequence is not right…

 2. કેતન રૈયાણી says:

  બહુ જ મજા પડી હોં….!!!

  Statement of the Article:

  “ભયને તમે જો પડકારો તો એ તમને બુદ્ધ બનાવી દે, નહીં તો બુદ્ધુ ! અભય એટલે જ પ્રેમ, પણ પ્રેમ કરતાં ભય વધુ સનાતન હોવો જોઈએ, પ્રેમમાંય બીક તો હોય છે જ ને પ્રિયપાત્રને ખોવાની…”

  કેતન રૈયાણી

 3. nayan panchal says:

  સારી વાર્તા છે. સ્થૂળ હાસ્ય નીપજાવવાનો સારો પ્રયાસ.

  નયન

 4. ખુબ સુંદર .. કથાનકનો કંઈક નવતર પ્રકાર …

 5. pragnaju says:

  રમુજ સાથે બીક અંગે સારી જાણકારી
  આમે ય તેમનાં પ્રેરક સૂત્રો પણ સૌને ગમી જાય તેવા છે
  “તને દુ:ખી થવાનો કોઈ હક્ક નથી, ને એટલે જ માગ્યા વિના જે મળે કે આવી પડે એની શરમ શેની ?”
  ” ફળની આશા રાખવાનો તને પૂર્ણ હક્ક છે… પરંતુ કર્મ કર્યા બાદ જે કાંઇ ફળ મળે તે તરફ રાગ દ્વેષ જેવી કોઇ પણ પ્રતિક્રિયા કરવાનો હક્ક નથી.”
  યાદ આવી
  લાગણીની બીક લાગે છે મને
  વાત એ પણ ઠીક લાગે છે મને
  પાણીમાં ચહેરાને જોયો એ પછી
  દર્પણો દાંભીક લાગે છે મને !

 6. Reena Dutia says:

  kavya vistrut hova chhata khuba ja jakadi rakhe tevu anubhavyu, charitranu varnan sundar hovathi aagal zadapthi vanchavani icha thay chhe. kavi ne mara Aabhinandan

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.