- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

દીકરી દિલનો દીવો – જનક નાયક

[દીકરીએ સમાજ, સાસરા અને પિયરમાં સૌની લાડકી બનવા શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન. દરેક મા-બાપે વહાલી દીકરીને ભેટ આપવા જેવું પુસ્તક. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વહાલી મારી દીકરી,

તું કુશળ છે એવું તારી મમ્મી પાસેથી જાણ્યું. આનંદ થયો. આપણી વચ્ચે સીધેસીધી વાતચીતનો સંબંધ નથી. એનું કારણ વિજાતીય સંબંધને કારણે સર્જાતો સંકોચ પણ હોઈ શકે. તું હસે છે ત્યારે બહુ સરસ લાગે છે. તું રિસાઈ જાય છે ત્યારે અરીસામાં ચહેરો જોઈ લેવો ! એ વિશે હું નહિ કહું. પણ આજે આપણે ‘સારા’ દેખાવા માટે કેવી કેવી શારીરિક માનસિક તૈયારીઓ કરવી જોઈએ એ વિશે જ વાતો કરીશું. અગાઉ આપણે આંતરિક અને બાહ્ય સૌંદર્યની થોડીક વાતો કરી છે. બંને પ્રકારનાં સૌંદર્યનું જીવનમાં મહત્વ છે. કેટલાક બહારની ઝાકઝમાળથી અંજાઈ જનારા હોય છે. એ જ્યારે તું લગ્નોત્સુક ઉમેદવાર તરીકે બહાર આવશે ત્યારે ખબર પડશે. બાહ્ય સૌંદર્યની જાળવણી પણ કરવાની જ છે પરંતુ એ અંગે આપણે પછી વાતો કરીશું.

આજે આપણે ક્યા ક્યા ગુણો આપણામાં વિકસવા દેવા જોઈએ અને એ ગુણથી કયો લાભ મેળવી શકાય એની વાતો કરીશું. આ મારા વિચારો છે. એની સામે તું દલીલ કરી શકે. પત્ર લખીને મને જણાવી શકે અથવા તું મને પણ વાત કરી શકે. અથવા દર વખતે બને છે તેમ મારી ફરિયાદ તું મમ્મીને પણ કરી શકે છે ! પણ આપણા વચ્ચેનું કોમ્યુનિકેશન કદી તૂટવું ન જોઈએ. તું આપણા કુટુંબમાં સૌની માનીતી અને સૌથી સુખી અને સફળ હોય એવી મારી અને તારી મમ્મીની ખ્વાહિશ હોય એ સ્વાભાવિક છે. મારા વિચારો તારા પર ઠોકી ન બેસાડાય તેની પણ મેં કાળજી લીધી છે. તો આપણા ઘરમાં એવું વાતાવરણ ઘડવાની મેં કાળજી લીધી છે કે, સાચા વિચારોને સ્વીકારવા. અને શક્ય હોય તો તેનો અમલ પણ કરવો. ખુલ્લા મનથી હું જીવ્યો છું અને હું ઈચ્છું કે, તું પણ ખુલ્લા મનથી જીવે. ખુલ્લા મનનો અર્થ એવો હરગિજ નથી કે, મનમાં જે આવે તે બોલી દેવું, સામી વ્યક્તિની લાગણીનો કદી વિચાર ન કરવો. ખુલ્લું મન એટલે ગાંધીજી કહે છે તેમ સારા વિચારોને અંદર આવવાની હવાબારી રાખવી અને તે મનમાં પ્રોસેસ થાય તેની તકેદારી રાખવી.

પ્રશ્ન એ પૂછવાનો કે, તારે તું જ્યાં પણ હોય ત્યાં બધાના માનીતાં બનીને રહેવું છે ? હું માનું છું કે, તારો જવાબ હકારમાં જ હશે. કેમકે દરેકની અતૃપ્ત વાંછના હોય છે કે, તેનું સંબંધવર્તુળ ખૂબ મોટું હોય. આપણે આપણી વર્તણુંકથી જ માનીતા કે અણમાનીતા બનતા હોઈએ છીએ. તો મારી વહાલી દીકરી, આજે આપણે જોઈએ સદવર્તન માટે શું કરવું જોઈએ ? કૅમેરાનું ફૉકસ આપણા પર રાખવાનું છે અને સાથે સાથે આપણી સાથેનાઓને પણ મહત્વ આપવાનું છે. આમ તો આ બહુ સરળ કામ છે. થોડીક કાળજી રાખવાની છે. આ માટે સૌ પ્રથમ તો મનને કેળવવાનું છે. આપણાં સારા કે ખરાબ વર્તન માટે અથવા આપણી સફળતા કે નિષ્ફળતા માટે સૌથી વધુ તો આપણું મન જ જવાબદાર છે. મનને તાલીમ આપીએ અને સતત મન પર દબાણ આપતા રહીએ કે, હું જે કંઈ પણ કરીશ તે સારું જ કરીશ. મનનો સહકાર મળે તો પછી બધું જ આપણી ઈચ્છા મુજબ ગોઠવાતું જશે.

દરેકમાં વધતા ઓછા પ્રમાણમાં નબળાઈઓ-સબળાઈઓ હોવાની જ. કેટલાક હોશિયાર માણસો કુશળતાથી પોતાની સબળાઈઓ નીચે નબળાઈઓ છુપાવી શકે છે. ચહેરાઓ છુપાવવાની કળા દરેકે જાણવી જ જોઈએ. તમે જે વિચારો છો, જે અનુભવો છો તે સીધું જ વ્યક્ત કરી શકો નહિ. તેમાં પણ નકારાત્મક લાગણીઓ તો નહિ જ. એ એસિડ જેવું કામ કરે છે ને સામી વ્યક્તિને સો ટકા દઝાડે છે. આપણી અંગત વ્યક્તિ જો દાઝે તો સ્વાભાવિક જ એની ઝાળ આપણને લાગવાની. દાઝવાની વેદના બંનેને થતી હોય છે. જેઓ દાઝે છે તેમને તો થાય છે, કદાચ તેઓને સૌથી વધુ અસર થાય છે. તો જેઓ નથી દાઝતા, પણ અતિ નિકટના જેઓ છે તેઓ પર પણ તેની અસર થતી હોય છે. એટલે બને ત્યાં સુધી પ્રયાસ એવો જ કરવો કે આપણે અથવા આપણા સંબંધીઓ કોઈ જ આપણા વાણીવર્તનથી દાઝે નહિ. તું આપણા મહોલ્લામાં રહેતી કૃતિને ઓળખે છે ? બે-એક વર્ષ પહેલાં જ તે અહીં લગ્ન કરીને આવી છે. આજ સુધી તેના સાસરિયામાં એડજસ્ટ થઈ શકી નથી. તેની ફરિયાદ એ છે કે, તેને કોઈ સમજી શકતું નથી. તો તેના સાસરિયાની ફરિયાદ એ છે કે, તે શોર્ટ ટેમ્પર છે. વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે, વાતવાતમાં તેને ઓછું આવી જાય છે, તેના અહંકારને ઠેસ પહોંચે છે. વાતવાતમાં તે રિસાઈ જાય છે. તેને હંમેશા તેની પ્રશંસા સાંભળવી જ ગમે છે. અને જો કોઈ તેની ટીકા કરે તો તે મોઢું ચઢાવી દે છે. બસ, ફરિયાદો જ ફરિયાદો.

વહુનું વહુ તરીકેનું સન્માન થવું જોઈએ. વહુને દીકરી ગણવાની વાત થાય છે ખરી, મહદઅંશે વહુ ને દીકરીમાં ભેદ રખાતો જ હોય છે. દીકરીને જે સવલત મળે છે, જે લાડપ્યાર મળે છે તે સાસરિયામાં મળશે જ એવી આશા રાખવી વધુ પડતી છે. હા, પણ વહાલી દીકરી, જો તું તારી નકારાત્મક લાગણીઓ પર કાબુ મેળવી શકીશ તો મને ખાત્રી છે, મેં તને જેટલી ચાહી છે તેનાથી પણ વધુ તારા સાસરિયામાં તને પ્યાર મળશે. એની શરત એ જ કે, સામા પૂરે તરીને મંજિલ પર પહોંચવાનું છે અને ત્યાંના માણસોને વાણીવર્તનથી પોતાના કરી લેવાનાં છે. માણસોને કઈ રીતે જીતી શકાય ? ચાલ દીકરી, આપણે આજે એ અંગે વિચારીએ….

[1] માણસને પ્રેમથી જ જીતી શકાય :

માણસને બે રીતે જીતી શકાય, એક, દાબદબાણથી અને બીજું, પ્રેમથી. તારી પાસે સોંદર્ય છે. તું પ્રથમ નજરે જ કોઈને ગમી જાય તેવી છે. તારો સ્વભાવ પણ સરસ છે. તું પ્રેમ સિવાય બીજું કશું જ આપી નહિ શકે એ હું જાણું છું. મેં તને શીખવ્યું છે, પ્રેમ કરવો. પ્રેમ મેળવવા માટે પણ દબાણ નહિ કરવું. પ્રેમ અનાયાસ મળતો હોય છે. પ્રેમ મેળવવા માટે જો પ્રયાસ કરવો પડે તો સમજવું કે સામી વ્યક્તિ કદી આપણી થાય નહિ. ‘તું મને પ્રેમ કરે તો જ હું તને પ્રેમ કરીશ’ એવો શરતી સંબંધ કદી લાંબો સમય ચાલે નહિ. સ્વાર્થ વિના કોઈ પણ સંબંધ શક્ય નથી એ નરી વાસ્તવિકતા છે. તો એ પણ સાચું છે, જ્યાં પ્રેમ હોય છે ત્યાં સ્વાર્થને સ્થાન નથી. પ્રેમ માટે માણસ મરી પણ શકે છે તો પ્રેમને લીધે માણસ જીવી પણ શકે છે. તું દીકરી, જ્યાં પણ હો, ત્યાંની થઈને રહેજે. અહીંનું વાતાવરણ અને તું જ્યાં જવાની છે એમાં આસમાનજમીનનો ફરક હોઈ શકે છે. પણ ધીમે ધીમે વાતાવરણ આપણે આપણી મરજી મુજબનું ઘડી શકીએ છીએ. તને યાદ છે, આપણે સહકુટુંબ પિકનિક પર ગયા હતા. હું તમને લોકોને એક વેરાન જગ્યા પર લઈ ગયો હતો. ત્યાં દરિયો હતો, પણ માણસો બહુ ઓછા હતા. તેં ખિજાઈને કહ્યું હતું : ‘પપ્પા, અહીં ક્યાં લઈ આવ્યા ? અહીં મજા કઈ રીતે આવશે ?’ મેં હસીને કહ્યું હતું, ‘વાતાવરણ તો આપણે સર્જવાનું છે. ચાલ, આપણે આ દરિયા પર આનંદનાં મોજાંને ઊછળતાં જોઈએ.’ આપણે ત્રણ દિવસ રહ્યાં હતાં. જતી વખતે તું ઊલટાની ઉદાસ થઈ ગઈ હતી. ‘પપ્પા, હજુ થોડાક દિવસ રહીએ તો ? ખૂબ મજા આવે છે.’ તાત્પર્ય એટલું જ કે, આપણે આપણી મરજી મુજબનું વાતાવરણ ઘડી શકીએ. તું જ્યાં પણ હો, બધાં સાથે મળીસમજીને રહેશે તો તારી ફરિયાદ કરવાનો તેઓને મોકો જ નહીં મળે. માબાપ તરીકે તારી કેટલીક નબળાઈઓ અમે ચલાવી લીધી હશે. પણ તું લગ્ન કરીને જશે પછી તો એ નબળાઈઓ પર તારે કાબુ મેળવવાનો જ હોય. સૂત્ર એક જ છે, પ્રેમથી જ સાથે રહી શકાય, આનંદથી રહી શકાય, ને સગવડ ઓછી હોય તો પણ સુખી થઈ શકાય. સૂકો રોટલો ખાવાનો હોય, પણ સાથે બેસીને ખાતાં હોઈએ તો એ મીઠો જ લાગશે. પણ કટાણું મોઢું કરીને એ ખાઈશ તો એ રોટલો ગળામાંથી જ નીચે ઊતરશે નહિ. નક્કી તારે કરવાનું છે, તારે કઈ રીતે જીવવું છે ? જો સુખી જિંદગી જીવવી હોય તો પ્રેમથી જીવતાં શીખવું પડશે. જેમ એકમેક પ્રતિ સ્નેહ વધશે તેમ જીવવાનો આનંદ પણ વધતો જશે. તું સુખી હોઈશ, તો અમારી બંનેની પાછલી જિંદગી ચોક્કસ સુધરી જશે. દીકરીને સાસરે વળાવતી વખતે દરેક માબાપનું એક હૃદય પણ તેની સાથે જતું હોય છે. દીકરી, તું જ્યાં પણ હો, સુખી થા. આનંદથી જીવજે. પ્રેમ વહેંચજે. એટલે તારે કદી કોઈની પાસે પ્રેમ ઉઘરાવવો નહિ પડે.

[2] માણસને કામથી જ જીતી શકાય :

તું સમજણી થઈ ત્યારથી મેં અને તારી મમ્મીએ તને નાનાંમોટાં કામ સોંપવા માંડ્યા હતાં. તું ક્યારેક ખિજાતી પણ ખરી. ‘આ શું દરેક કામ મારી પાસે જ કરાવો છો ?’ ક્યારેક કામ કરવાની ના પાડતી ત્યારે ક્યારેક સમજાવીને તો ક્યારેક ખિજાઈને પણ તારી પાસે કામ કરાવવાનો મેં આગ્રહ રાખ્યો હતો. કોઈક વખત તારી મમ્મીએ તારો પક્ષ લીધો છે. મારી સાથે તને કામ સોંપવા બાબત ઝઘડો પણ કર્યો છે. ‘દીકરી બિચારી ભણીગણીને થાકી ગઈ છે. એને આરામ કરવા દો.’ અમારી વચ્ચે ઘણી વખત તારે લીધે અબોલા સર્જાયા છે. તો પણ મેં મારો તારી પાસે કામ કરાવવાનો કક્કો મૂક્યો નહોતો. આગ્રહ રાખ્યો હતો, તારું કામ તારે જાતે જ કરવાનો અને ઘરના દરેક સભ્યનું નાનુંમોટું કામ કરતા રહેવાનો. તને ઘણી વખત ખોટું પણ લાગી જતું. મમ્મી પાસે તું મારી ફરિયાદ પણ કરતી. પણ દીકરી, મને હંમેશ આગળનું જોવાની આદત છે. તારે આગળ શું કરવાનું છે એ વિશે તેં જેટલું વિચાર્યું હશે તેનાથી કંઈ વધારે મેં વિચાર્યું છે. તને મારે પારકા ઘરે સુખી કરવી હોય તો તારા પર સતત કામ કરતા રહેવાનું દબાણ મૂકવું જ પડે. મને માફ કરજે. પણ કામ તો સતત કરતા રહેવું જ પડે. માણસ તેના કામથી જ ઓળખાય છે.

જ્યારે પણ હું માંદો પડતો ત્યારે તું નરવસ થઈ જતી. તેં મારી ખૂબ સેવા કરી છે. માથું દુ:ખતું હોય ત્યારે પણ હું તો તારી પાસે જ એ દબાવવાનો આગ્રહ રાખતો. તારી મમ્મીને આ બાબતે ઘણી વખત ખોટું લાગી જતું. એની ઉપેક્ષા કરું છું એવું પણ એને લાગતું. તું મારી સેવા કરતી હોય ત્યારે તારા ચહેરાના હાવભાવની મેં સતત નોંધ રાખી છે. માણસનો ચહેરો તેના સ્વભાવ વિશે તરત ચાડી ખાતો હોય છે. મને આનંદ એ વાતનો છે કે, તેં કદી સેવા કરવામાં લુચ્ચાઈ કરી નથી. તેમ તારા ચહેરા પર કદી પણ મેં કંટાળાનો ભાવ અનુભવ્યો નથી. આ એક સારી નિશાની છે. સેવા કરવાની આદત પાડવી જ પડે. આપણામાંથી મોટાભાગનાને સેવા કરતાં આવડતું જ નથી. માંદા માણસ સાથે સ્નેહથી વર્તવાનું હોય. સેવા કરવામાં કદી થાક લાગતો નથી. ઘરનું જેમ કામ કરીએ તેમ માંદા માણસની સેવાને પણ એક કામ ગણીને રસથી કરવું જોઈએ. તેં જ્યારે પણ મારી દિલથી સેવા કરી છે ત્યારે મેં ઝડપથી સ્વસ્થતા મેળવી લીધી છે. સારા થવામાં મને તારી હૂંફ બહુ કામ લાગી છે. ઘરમાં નાનીમોટી માંદગી તો આવતી હોય છે. તું દરેકની સેવા કરજે. પ્રેમથી સેવા કરજે. કદી પણ ચહેરા પર કટુતાનો ભાવ આવવો જોઈએ નહિ. માંદગી લંબાય તો વિચલિત થતી નહિ. ક્યારેય પણ બોલીશ નહિ કે ‘આ ડોસો કે ડોશી જાય તો સારું.’ તું કદી તારાં માબાપ માટે આવું હીન કક્ષાનું વિચારી શકે છે ? તો પછી તારા સાસુસસરા કે બીજી કોઈ વ્યક્તિ વિશે કઈ રીતે આવું ખરાબ વિચારી શકાય ? સાસરામાં ગયા પછી તારા સાસુસસરાને માબાપ ગણીને વર્તજે. તારી મોટા ભાગની સમસ્યા આપમેળે ઉકલી જશે. મહદંશે એક ફરિયાદ એવી થાય છે કે, અમને વહુ તરીકે જ ગણવામાં આવે છે તો અમારે શા માટે દરેક બાબતમાં એમનું માનસન્માન જાળવવું જોઈએ ? જેવા સાથે તેવાની નીતિ જ અપનાવવી જોઈએ ને.. – આ સંઘર્ષની નીતિ છે. તેનાથી કુટુંબમાં માનસિક તનાવ વધતો હોય છે.

કામ કરતા રહો. કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. ઘણી વખત આપણને સરખામણી કરવાની કુટેવ હોય છે. ‘હું આટલું બધું કામ કરું છું ને પેલી કશું જ કરતી નથી.’ ઘરનો દરેક સભ્ય આવું વિચારે તો કોઈ કામ થાય જ નહિ. આપણે આપણું કામ કરવાનું. બની શકે તો બીજાનું કામ પણ કરી આપવાનું. દીકરી, જેટલું વધુ કામ કરશે તેટલી તારી હેલ્થ સારી રહેશે. બીજું, કાયમ બીજાનું કામ કરતા રહેવાથી એ માણસ આપણા પર પરાવલંબી બની જાય છે. જાણ્યેઅજાણ્યે આપણા પ્રભાવમાં પણ રહે છે. બે આંખની શરમ પણ તેને નડતી હોય છે. બીજાનો પ્રેમ મેળવવો હોય તો સતત કામ કરતા રહો. દીકરી, જીવનભર આ ભૂલીશ નહિ. તું પણ સુખી, તારું કુટુંબ પણ સુખી અને તેથી અમે સૌ પણ સુખી.

હવે આ પત્ર પૂરો કરું ? છેલ્લે ફરી અત્યાર સુધી મેં જે કંઈ કહ્યું તે જોઈ લઈએ.

# એક, માણસને પ્રેમથી જીતી શકાય.
~ પ્રેમમાં માણસ મરી પણ શકે ને પ્રેમથી માણસ જીવી પણ શકે.
~ પ્રેમ વહેંચતા રહીએ તો કદી પ્રેમ ઉઘરાવવો પડે નહિ. પ્રેમ આપોઆપ જ મળતો હોય છે.

# બે, માણસને કામથી જ જીતી શકાય.
~ કામ કરવાથી સામી વ્યક્તિના માનીતા બની શકાય.
~ સેવા કરતા રહેવું. સેવા કરવામાં કદી કટાણું મોઢું કરવું નહિ ને કંટાળવું નહિ.
~ કામ કરતી વખતે આપણે શું કરવાનું છે તે જ ધ્યાનમાં રાખવું. કદી કોઈની સાથે સરખામણી કરવી નહિ.

રાવણે સત્તાથી, દાબદબાણથી સીતાને જીતવાનો પ્રયાસ કર્યો, ને તે હાર્યો. આપણું સારાપણું હંમેશ ગુલાબના ફૂલની જેમ મહેંકતું રહેતું હોય છે. કેટલાક કાગળના ફૂલો જેવા હોય છે. લાગણી જેવું કશું નહિ, ને માત્ર અપાર લાગણી હોવાનો દંભ કરે, દેખાવ કરે. આ માણસો શરૂઆતમાં થોડાક સફળ પણ થાય. પણ પછી તરત પકડાઈ જાય. એનું કારણ એ છે કે આ લોકો કોઈક ને કોઈક સ્વાર્થથી સંબંધો બાંધતા હોય છે. એટલે સ્વાર્થ પૂરો થાય પછી ‘એનું હવે શું કામ ?’ એવું વિચારીને સંબંધો તોડી નાખે છે. આ માણસો કદી પણ આપણા ખરા સંઘર્ષના સમયે સાથે ઊભા રહી શકતા નથી. કાગળના ફૂલોની સુગંધ ન હોય. તે દેખાય સરસ, દૂરથી કદાચ ખ્યાલ પણ ન આવે, પણ નજદીક આવે એટલે તેઓ પકડાઈ જાય. દીકરી મારી, કદી પણ કાગળનું ફૂલ બનીશ નહિ. સાચું ગુલાબ બનવાનો પ્રયાસ કરશે તો તું જીવનમાં ઘણું ઘણું મેળવી શકશે.

[કુલ પાન : 44. કિંમત રૂ. 15. પ્રાપ્તિસ્થાન : સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-395001. ફોન : +91 261 2597882, +91 261 2592563.]