સોનું સાંપડે સ્મિતમાં – નસીર ઈસમાઈલી

[ થોડા સમય અગાઉ આપણે શ્રી નસીરભાઈના ‘માણેક મળે મલકતાં’ પુસ્તક વિશે વાત કરી હતી. એ પ્રકારનું તેમનું આ બીજું પુસ્તક છે : ‘સોનું સાંપડે સ્મિતમાં’. આજે માણીએ તેમાંના ચૂંટેલા રમુજી પણ બોધપ્રેરક પ્રસંગો. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી નસીરભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9979204242. ]

[1] પ્રોફેશનલ એપ્રોચ

પોતાના પ્રેમલગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર થતાં, એકાઉન્ટન્ટ યુવાને યુવતી પાસે પોતાના પ્રેમપત્રો પાછા માંગ્યા. યુવતીએ કહ્યું : ‘તમે પ્રેમપત્રો પાછા શા માટે લેવા માંગો છો એ જ મને તો સમજાતું નથી. શું તમને એવો ભય છે કે હું એનાથી ભવિષ્યમાં તમને ‘બ્લેકમેઈલ’ કરીશ ?’
‘ના બાનુ ના !’ યુવાને નિ:શ્વાસ નાંખતાં કહ્યું, ‘મેં એ પ્રેમ પત્રો એક પ્રોફેશનલ લેખકને પૈસા આપીને લખાવડાવ્યા છે. હવે તમે ના પાડી એટલે સંભવ છે કે મારે એનો બીજે ક્યાંક ફરી ઉપયોગ કરવો પડે તો ફરી પાછા પૈસા ક્યાં ખર્ચવા ?’

(બિનશરતી પૂર્ણ સમર્પણ એ જેની પૂર્વશરત છે એ પ્રેમ અને અધ્યાત્મ પણ આજના યુગમાં ‘પ્રોફેશનલ એપ્રોચ’નો ભોગ બનેલાં છે, એ શાયદ માણસજાતની સૌથી મોટી કમનસીબી છે.)

[2] ભૂલ

‘ઓહો પ્રભુ ! કેટલું દુ:ખદ !’ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઘર છોડી નાસી ગયેલી પુત્રીનો પત્ર વાંચતાં દુ:ખી થઈ ગયેલા સાક્ષર પિતાએ કહ્યું.
‘પણ છે શું ? કંઈ કહેશો ?’ સાક્ષર-પત્નીએ કિચનમાંથી બૂમ પાડી, ને જવાબમાં સાક્ષરશ્રીએ પુત્રીનો પત્ર એના હાથમાં મૂક્યો.
‘હું નો’તી કહેતી કે આ છોકરીને વધુ ના ભણાવો ! આ ભણતર પર પાણી ફેરવ્યું કે નહીં એણે ?’ સાક્ષરપત્ની ચિંતિત ચહેરે ચીસ્યાં.
‘ફેરવ્યું સ્તો ! આ જોને ભાષાની કેટલી ભૂલો છે એના પત્રમાં. ગુજરાતી સાથે એ એમ.એ. થયેલી છે તો પણ ‘નાસી’ જાઉં છું ને બદલે ‘નાશી’ જાઉં છું લખ્યું છે પત્રમાં. ખરેખર આખું ભણતર બોળી માર્યું એણે !’

(આત્મ-પ્રાપ્તિ માટે જીવન ન જીવવાની મોટામાં મોટી ભૂલને ભૂલી જઈને, જીવનભર આપણે પણ નાની નાની ભૂલોનો જ અફસોસ કરતાં રહીએ છીએને !)

[3] અજંપો

મુલ્લાં નસરુદ્દીન અને પંડિત પોથીરામજી દોસ્તોની ગપ્પાં-મહેફિલમાંથી મોડી રાત્રે ‘વી.આર.એસ.’ લઈને ઘેર જઈ રહ્યા હતા ને એક પોળમાંથી પસાર થતી વેળા પોથીરામજીએ મુલ્લાંને પૂછ્યું :
‘મુલ્લાં કેટલા વાગ્યા હશે ?’
બંનેમાંથી એકેય મિત્ર પાસે રિસ્ટ-વૉચ નહોતી. એટલે થોડું વિચારીને મુલ્લાંએ કહ્યું : ‘ઊભા રહો પોથીરામજી ! એક મિનિટમાં કહી આપું.’ અને મુલ્લાંએ રસ્તા પર પડેલો નાનો પથ્થર ઉપાડી સામે દેખાતા એક ઘરના છાપરા પર ફેંક્યો. અને એ ઘરમાંથી કોઈ માજીનો ખિજવાયેલો ઘાંટો આવ્યો : ‘મુઆ બે વાગ્યા છે, હવે તો જંપો !’

(પોતે ન જંપવું અને બીજાઓને જંપવા ન દેવાનો ‘અજંપો’ આખીય માણસજાતને લાગેલો હોય છે એવું નથી લાગતું ?)

[4] મૃગજળ

આખા દિવસની કષ્ટદાયી પરેડ પછી સાંજે એક કતારમાં ‘સાવધાન’ થઈને ઊભેલા લશ્કરી જવાનોના કેપ્ટને કહ્યું : ‘તમારામાંથી જે જવાનો સંગીતપ્રેમી હોય તે આગળ આવે.’ ભવિષ્યની પગ દુખાડી દે એવી પરેડોમાંથી બે-પાંચ દહાડા મુક્તિ મળશે એ આશાએ ચાર જવાનો આગળ આવી ઊભા રહ્યા.
‘શાબાશ સંગીતપ્રેમી બહાદુરો !’ કેપ્ટને એ ચારેયની પીઠ થાબડતાં કહ્યું, ‘તમે ચારેય મળીને સામા રૂમમાં પડેલો પિયાનો ઉપાડીને કર્નલ સાહેબને બંગલે પહોંચાડી આવો !’

(ભવિષ્યના સુખની મૃગજળી આશામાં આપણે પણ જીવનમાં આ જ રીતે વર્તમાનમાં ‘પરેડી દુ:ખો’ને આમંત્રતા હોઈએ છીએ ને !)

[5] સાચું કારણ

અભિનેતા અફલાતુને ફ્રી પાસ આપવા છતાં મુલ્લાં નસરુદ્દીન એનું નાટક જોવા નહોતા ગયાં એટલે અફલાતુને ખિજાઈને બીજી સવારે મુલ્લાંને કહ્યું : ‘તમે ન આવ્યા ને મુલ્લાં ? ગઈકાલના મારા નાટકના શૉમાં મેં મરવાનો અભિનય એટલો અફલાતૂન કરેલો કે આખો હૉલ પોકેપોકે રડી પડેલો.’
‘પ્રેક્ષકોના રડવાનું કારણ એ નહીં હોય અફલાતૂન !’
‘ત્યારે ?’
‘કારણ કે તેઓ જાણતા હતા કે તું અભિનય કરી રહ્યો છે ને હજીય સાચોસાચ મર્યો નથી !’

(જિંદગીના રંગમંચ પર ટપકી પડેલા આપણે સૌ અભિનેતાઓ છીએ ને આપણે સિર્ફ આપણો ‘રોલ પ્લે’ કરી રહ્યા છીએ એ ખ્યાલ સતત રહે તો આ બોજારૂપ લાગતી જિંદગી કેવી હળવીફૂલ બની જાય !)

[6] વિવેક

એમ.બી.એ થઈને એક કંપનીની ઑફિસનો મૅનેજર તરીકે ચાર્જ લેનાર, યુવાન વિવેક વાછાણી એના ક્વૉલિફિકેશન મુજબ વાતચીતમાં પણ વિવેકી અને શાંત સ્વભાવનો હતો. એક દિવસ એણે ઑફિસના એક હરામખોર કામચોર અને માથાભારે માણસને નોકરીમાંથી છૂટો કરવાનો જલદ નિર્ણય લીધો. એટલે એણે એ માથાભારે કર્મચારીને બોલાવીને કહ્યું : ‘જુઓ શ્રીમાન ! તમારા જેવા સિનિયર માણસ વિના હું આ ઑફિસ ચલાવી શકીશ કે કેમ એ વિષે મને શંકા છે. પણ આ પહેલી તારીખથી મારે એ પ્રયત્ન કરી જોવો છે, જેમાં તમારો સહકાર અનિવાર્ય છે, વડીલ !’

(ખરાબમાં ખરાબ વાત સારમાં સારી રીતે કહેવાની કળા સાધ્ય હોય તો કોઈ ઑફિસ યા કારખાનાની જેમ જીવનને પણ સારામાં સારી રીતે ‘મેનેજ’ કરી શકાય.)

[7] આઘાત

એક સમૃદ્ધ ઈટાલીયને પોતાના દેશના ધ્વજનું વર્ણન એક અમેરિકન આગળ કર્યું : ‘અમારા રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગોનો અર્થ દેશના કરદાતાઓ માટે ખાસ પ્રકારનો છે. લીલો રંગ કર ભરવાની નોટિસ સૂચવે છે. સફેદ રંગ અને નોટિસનો મોટો આંકડો જોઈ કર ભરનારના મોંના રંગ સૂચવે છે. અને લાલ રંગ, ભારે કર ચૂકવ્યા પછી કર ભરનારના ચહેરા પર ગુસ્સાથી ધસી આવતા રંગનું સૂચન કરે છે.’
‘અમારો ધ્વજ પણ તમારા જેવો જ છે.’ અમેરિકને કહ્યું : ‘પણ અમે કર ભરનારને લાગતા ભયંકર આઘાત (શોક્સ)ને સૂચવતા પચાસ તારાઓ પણ એમાં ઉમેર્યા છે.’

(આપણી જિંદગીના ધ્વજમાંય આપણને મોહનિંદ્રામાંથી ‘જાગ્રત’ કરવા માટે ઉપરવાળો કેટકેટલા ‘તારાઓ’ જડે છે ? પણ તોય આપણે ‘તારા-મારા’માંથી જાગીએ છીએ ક્યાં ?)

[8] ખીલી

મુલ્લાં નસરુદ્દીનને લંગડાતા, પીડાથી કરાહતા, ચાલતા જતાં જોઈ રસ્તામાં મળી ગયેલા એમના પરમ મિત્ર પોથીરામજીએ મુલ્લાંને અનુકંપાપૂર્ણ સ્વરે સલાહ આપી, ‘મુલ્લાં તમે દાંત કઢાવી નાંખો. બધી પીડાનું મૂળ દાંત જ છે. આવી પીડામાં મેં આવું જ કરેલું. દાંત ગાયબ – પીડા ગાયબ.’

મુલ્લાંએ દાંત તો ગાયબ કરી દીધા, પણ પીડા એમની એમ જ રહી. દાંત કઢાવ્યા, પછીના દિવસે મુલ્લાંને રસ્તામાં બીજા એક ખાસ (!) દોસ્ત સદરુદ્દીનનો ભેટો થઈ ગયો. સદરુદ્દીને સલાહ આપી કે સર્વ પીડાનું મૂળ એપેન્ડીકસ છે, એટલે મુલ્લાંએ એપેન્ડીક્સ કઢાવી નાંખ્યું પરંતુ એપેન્ડિક્સ ગયું પણ મુલ્લાંની પીડા તો એની એ જ. ત્યાં મુલ્લાંને ત્રીજા એક મિત્ર મિ. ફરનાન્ડિઝ રસ્તામાં મળી ગયા. મુલ્લાંને કરાહતા જોઈ એમણે કહ્યું : ‘આ બધી પીડાના મૂળમાં ટોન્સિલ જ છે. ટોન્સિલ કઢાવી નાંખો એટલે સમજો કે મુલ્લાં તમે પીડા કઢાવી નાંખી. મારી આવી પીડા માટે એ જ ઉપાય કારગત નીવડેલો.’ એટલે મુલ્લાંએ ટોન્સિલને ‘તિલાંજલી’ આપી દીધી, પણ પીડાએ એમને તિલાંજલી ન આપી પણ….

…..પણ ફરી એક વાર પાછા પોથીરામ પંડિત મુલ્લાંને મળી ગયા રસ્તામાં અને ત્યારે મુલ્લાં તદ્દન સ્વસ્થ પીડા રહિત ચાલે ચાલતા હતા. એ જોઈ પોથીરામજીએ કહ્યું : ‘હું નહોતો કહેતો મુલ્લાં ! દાંત સાથે જ પીડા ગઈ છે યાર !’
‘નહીં રે પોથીરામજી ! પીડા ન તો દાંત કઢાવવાથી ગઈ છે કે ન તો એપેન્ડિક્સ અને ટોન્સિલ કઢાવવાથી. મારા જૂતામાં એક ખીલી ભરાયેલી હતી એ વાગવાથી આ પીડા થતી હતી. ખીલી કઢાવી નાંખી એટલે પીડા ગાયબ !’ મુલ્લાંએ ખુલાસો કર્યો.

(જિંદગીનાં જૂતાં ડંખે છે, ફક્ત અહંકારની ખીલીના લીધે. પણ આપણે એ ‘ખીલી’ કાઢવાના બદલે ડંખની ‘પીડા’ મટાડવા અન્ય ઉપાયો જ કરતા રહીએ છીએ ને !)

[9] ઉજવણી

એક જહાજ રાત્રિના સમયે ડૂબી રહ્યું હતું. મદદે આવનાર જહાજ ડૂબતા જહાજની ચોક્કસ જગ્યા જાણી શકે તે માટે કેપ્ટને ડેક પર જઈ રંગબેરંગી ફૂલઝડીઓ અને હવાઈઓ ઊંચે આકાશમાં છોડવા માંડી. આ જોઈ જહાજ પરના યાત્રીઓમાં શામિલ મુલ્લાં નસરુદ્દીને ડેક પર દોડી આવીને કેપ્ટનનો હાથ પકડી લઈ રડમસ સ્વરે કહ્યું : ‘કેપ્ટન કેપ્ટન ! અમને સૌ યાત્રીઓને પણ તમને સાથ આપતાં આનંદ થાત. પણ ભલા આદમી વિચાર તો કરો કે આ સમય શું આવી ઉજવણીનો છે ?’

(જિંદગીનું જહાજ ગમે તે ક્ષણે ડૂબવાનું તો છે જ, અને એ ક્ષણ કઈ તે આપણે જાણતા નથી. છતાંય એ ક્ષણના ‘ધ્યાન’થી બેખબર રહી આપણે એ ‘જહાજ’ પર કેટકેટલી ‘ઉજવણીઓ’માં જ રચ્યાપચ્યા રહીએ છીએ ?)

[10] જૂઠ બોલે….

મુલ્લાં નસરુદીનના હોનહાર ચિરંજીવી ફકરુને જન્મથી જ જૂઠું બોલવાની ટેવ પડી ગઈ હતી. મુલ્લાંની લાખ કોશિશોય ફકરુની એ ટેવ છોડાવવા માટે નાકામયાબ નિવડી. છેવટે સાયકોલોજિસ્ટની સલાહ પ્રમાણે મુલ્લાંએ એક યુક્તિ અમલમાં મૂકી. મુલ્લાંએ ફકરુને કહ્યું : ‘જો બેટા, તું એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના જૂઠું બોલી શકે તો હું તને એક રૂપિયો આપું.’
ફકરુએ તરત જ ઉત્તર આપ્યો : ‘એક રૂપિયો ? હમણાં તો તમે બે રૂપિયા કહેતા હતા અબ્બાજાન !’

(આપણે તો જોકે હંમેશાં આપણાં વાણી-વર્તન દ્વારા આપણાં બાળકોને પકડાઈ ગયા વિના જૂઠું કેવી રીતે બોલવું એની તાલીમ જ અભાનપણે સતત આપતાં જ રહીએ છીએ !)

[ કુલ પાન : 148. કિંમત રૂ. 65. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન. 403, ઓમદર્શન ઍપાર્ટમેન્ટ, 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી. અમદાવાદ-380 007.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીકરી દિલનો દીવો – જનક નાયક
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી Next »   

17 પ્રતિભાવો : સોનું સાંપડે સ્મિતમાં – નસીર ઈસમાઈલી

 1. nayan panchal says:

  ખૂબ જ સુંદર.

  મનોરંજન સાથે મનોમંથન પણ.

  આભાર.

  નયન

 2. રમુજમાં ઘણા રહસ્યો સમાયા હોય છે. આનંદ થયો.

 3. Hiral Thaker "Vasantiful" says:

  માર્મિક હાસ્યની સાથે સાથે વિચાર કરવા પ્રેરે તેવા સુંદર ટુચકાઓ.

 4. govind shah says:

  Very humorous & summarised sermons in end are very beautifil & thought provking. .

 5. manali says:

  it’s fun!

 6. pragnaju says:

  ગંમતમા ઘણી ગંભીર વાતો જાણી-માણી
  તેમા ‘પ્રોફેશનલ’ તો જાણે ઘણા પ્રશ્નોનો ઉતર!.-લો ઓફ ધ લેંડ!

 7. Chirag Patel says:

  Really good. Enjoyed it!

 8. સુરેશ જાની says:

  એમની જીવન ઝાંખી વાંચો –
  http://sureshbjani.wordpress.com/2007/04/22/naseer-ismaili/

 9. Mehul says:

  રમુજમાં ઘણા રહસ્યો સમાયા હોય છે. તેને ખુબ જ સુંદર રીતે વર્ણવ્યા છે…
  આભાર…..

 10. Vishal Jani says:

  શ્રી નસીરભાઈના હાસ્ય લેખ વાંચી એમનો સાહિત્યનો બીજો રંગ જોવા મળ્યો.

 11. PARTH says:

  very good

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.