- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી

[લોકમિલાપ ટ્રસ્ટનું લોકપ્રિય પ્રકાશન એટલે ‘ખિસ્સાપોથી’. ખિસ્સાપોથી એટલે ખિસ્સામાં સમાય તેવી નાનકડી પુસ્તિકા પરંતુ ચૂંટેલા સાહિત્યનો જાણે કે ખજાનો ! થોડામાં ઘણું સમાવતી આ વિવિધ પ્રકારની ખિસ્સાપોથીઓ પૈકી ‘મારા ગાંધીબાપુ’ માંથી આજે માણીએ ગાંધીજીના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો. આ ખિસ્સાપોથીની વધુ વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] જા, મેં પણ મીઠું છોડ્યું !

બાની તબિયત ખૂબ કથળી હતી. માંડ બચ્યાં હતાં. રોગે ફરી ઊથલો માર્યો. બીજા ઉપચારો કામ ન આવ્યા, એટલે બાપુજીએ પોતાના નિસર્ગોપચારની વાત મૂકી, મીઠું અને કઠોળ છોડવા બાને વીનવ્યાં, ટેકામાં જાણકારોનાં લખાણો વંચાવ્યાં, સમજાવ્યાં; પણ બા માને નહિ. બાથી કહેવાઈ ગયું : ‘કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.’
સાંભળીને બાપુને દુ:ખ થયું, પણ મારો પ્રેમ ઠાલવવાનો આ પ્રસંગ છે, એમ સમજાતાં હર્ષ પણ થયો. બોલ્યા : ‘જા, મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બંને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.’
બાને ભારે પશ્ચાતાપ થયો. તે બોલી ઊઠ્યાં : ‘મને માફ કરો. તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઈ ગયું. હવે હું તો કઠોળ ને મીઠું નહિ ખાઉં, પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો ! આ તો મને બહુ સજા કહેવાય.’
બાપુ : ‘તું કઠોળ-મીઠું છોડશે તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહિ. મને તો લાભ જ થવાનો. ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.’

બા : ‘તમે તો બહુ હઠીલા છો. કોઈનું કહ્યું માનવું જ નહિ.’
બા ખોબો આંસુ ઢાળી શાંત રહ્યાં. પણ પતિ-પત્ની વચ્ચેના આ પ્રસંગમાંથી બાપુને સત્યાગ્રહની ચાવી મળી. પ્રેમ દ્વારા કરેલા ત્યાગથી સામાના હૃદય સુધી પહોંચવું અને એના જીવનમાં કલ્યાણક પરિવર્તન સાધવામાં મદદરૂપ થવું, એ સત્યાગ્રહનો કીમિયો છે. તેથીસ્તો બાપુ આ પ્રસંગ વિશે કહે છે : ‘તેને મારી જિંદગીનાં મીઠાં સ્મરણોમાંનું એક માનું છું.’

[2] રિવૉલ્વર રક્ષા કરશે ?

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને એક બુદ્ધિશાળી અને વફાદાર ગોરા સાથી મળી ગયા હતા. એમનું નામ કેલનબેક. એકવાર ગાંધીજી ખીંટી પરથી પોતાનો કોટ લેવા ગયા ત્યાં પાસે લટકતા કેલનબેકના કોટના ગજવામાં એમને રિવૉલ્વર દેખાઈ. એમણે એ બહાર કાઢી અને પૂછ્યું : ‘રિવૉલ્વર તમે શા માટે રાખો છો ?’
કેલનબેક : ‘અમસ્તી જ !’
ગાંધીજીએ હસતાં-હસતાં પ્રશ્ન કર્યો : ‘રસ્કિન-તોલ્સ્તોયનો તમારી ઉપર ખૂબ પ્રભાવ છે. તેઓએ એવું લખ્યું છે ખરું કે વગર કારણે રિવૉલ્વર ગજવામાં રાખવી ?’
કેલનબેક વિનોદ સમજ્યા, શરમાયા. દબાતે અવાજે એમણે કબૂલ કર્યું : ‘જાણવા મળ્યું છે કે કેટલાક ગુંડાઓ તમારી પાછળ તમને મારવા માટે ફરી રહ્યા છે.’
ગાંધીજી કહે : ‘એટલે તમે આ રિવૉલ્વરથી મારી રક્ષા કરવાના, એમ ને ?’
કેલનબેક : ‘જી હા. એટલે જ હું તમારી પાછળ પાછળ હંમેશા ફરું છું.’

ગાંધીજી હસી પડ્યા. ‘વાહ રે ! ત્યારે તો હું હવે નિશ્ચિંત બન્યો. મારું રક્ષણ કરનારાએ (પ્રભુએ) તમને જ આ જવાબદારી સોંપી છે, એમ ને ? અથવા તો તમે પોતે આપમેળે એ સ્વીકારી છે. એટલે તમે જીવતા હો ત્યાં સુધી મારે મારી સલામતી જ સમજવાની ને ? વાહ ભાઈ, તમે તો પરમેશ્વરનો અધિકાર પણ ઝૂંટવવાની ઠીક હિંમત કરી !’ કેલનબેક સમજ્યા. પોતે કોણ રક્ષણ કરવાવાળા ? બાપુને રોમેરોમે એમણે એ શ્રદ્ધા જોઈ કે, રક્ષણ કરવાવાળો તો સર્વશક્તિમાન મારો રામ બેઠો છે. એની ઈચ્છા હશે ત્યાં સુધી આ શરીરને કોઈ કશું કરી નહિ શકે. અને એનો હુકમ છૂટશે ત્યારે આ શરીરને કોઈ રક્ષકો કે દાકતરો બચાવી નહિ શકે.

[3] સાપ સાથે

ફીનિક્સ આશ્રમમાં એક વાર અંધારી રાતે બારણા બહાર મોટા સાપનો ફૂંફાડો સંભળાયો. દીવાની મદદથી જોયું તો સાપનો લિસોટો પડેલો. જોયું તો પાણીની ટાંકી પાછળ સાપ ભરાયેલો. સાપ ત્યાં વારંવાર નીકળતા. સાપને પકડવા રેશમની દોરીના ગાળાવાળી લાકડી આશ્રમવાસીઓ વાપરતા. સાપને ગાળામાં લઈ બહાર ખેંચી કાઢ્યો. સાપ તોફાને ચઢ્યો. ગૂંચળું થઈને પછાડ ખાય અને હાથમાંથી લાકડી છૂટી જાય એવું જોર કરે. એટલામાં ગાંધીજી ત્યાં આવી પહોંચ્યા. સાપને જોતાં જ બોલ્યા : ‘આ તો બહુ ભારે જનાવર છે. તમે દોરી બહુ સખત રાખશો નહિ. એ પીડાશે.’

સાપ કષ્ટાતો હતો એ ગાંધીજી તરત વરતી ગયા. એમણે કહ્યું : ‘એને નીચે મૂકો.’ આશ્રમવાસીઓ વિચારમાં પડ્યા કે બાપુએ શું ધાર્યું હશે. સંભાળીને હળવેકથી સાપને નીચે મૂક્યો. ગાંધીજીએ કહ્યું : ‘દોરી ઢીલી કરો. એની ડોકે દોરી બેસી જાય નહિ.’ દોરી બિલકુલ ઢીલી કરી દેવામાં આવી. સાપને નીકળી જવા દેવો હોય તો નીકળી જવા દઈ શકાય એટલી ઢીલી. ગાંધીજી લાંબા પડેલા સાપ પાસે બેઠાં. એની પીઠ પર ધીમેથી હાથ ફેરવવા લાગ્યા. સાપને પસવારતાં એમનાથી ઉદ્દગાર થઈ ગયો : ‘કેવું સુંદર પ્રાણી !’ હાથના મીઠા સ્પર્શની અસર તળે સાપ ગેલમાં પૂંછડી હલાવવા માંડ્યો. ક્યાં થોડી ક્ષણો પહેલાંનો વીફરેલો પ્રચંડ નાગ, અને ક્યાં આ પ્રેમની મોહિનીને વશ થયેલ જીવ ! થોડી વાર રહીને બાપુએ ઊઠીને સૂચના આપી : ‘આને સંભાળીને ઉઠાવજો અને દૂર નાખી આવજો.’

[4] મોટર પાછી દઈ દો !

જર્મન સ્થપતિ કેલનબેક ગાંધીજીની જીવનરીતિથી આકર્ષાઈને તેમના સાથી બન્યા હતા. ગાંધીજી બીજી વાર જેલમાંથી છૂટવાના હતા તે દિવસે કેલનબેક એક નવી મોટર ખરીદીને એમને લેવા માટે જેલને દરવાજે જઈને ઊભા. ગાંધીજી જેલમાંથી બહાર આવ્યા. બધાને મળ્યા. કેલનબેકે મોટરમાં બેસવા વિનંતી કરી. ગાંધીજીએ પૂછ્યું :
‘કોની મોટર છે ?’
‘મારી છે. સીધો ખરીદીને અહીં લાવ્યો છું.’
‘શા માટે ખરીદી ?’
કેલનબેકનો ઉત્સાહ થોડોક ઓસર્યો. સંકોચપૂર્વક બોલ્યા : ‘આપને લઈ જવા માટે.’
ગાંધીજીએ તરત મિત્ર પાસે માગણી મૂકી : ‘આ મોટર તમે અત્યારે ને અત્યારે જ લિલામ કરવાના મથક પર મૂકી આવો. મારે માટે તમને મોહ કેમ ઊપજ્યો ? હું એમાં બેસવાનો નથી. તમે મોટર મૂકીને પાછા આવો ત્યાં સુધી હું અહીં જ ઊભો છું.’

કેલનબેક તરત મોટર લિલામ-મથકે મૂકી આવ્યા. એ પાછા ફર્યા ત્યાં સુધી ગાંધીજી અને એમને લેવા આવેલા સૌ જેલને બારણે જ ઊભા રહ્યા. કેલનબેક આવ્યા પછી એમની સાથે સૌ પગપાળા મુકામ પર ગયા.

[5] …ત્યારે આ દશાનો અંત આવે

દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહ-લડતમાં અનેક ભાઈઓ ગોળીબારમાં માર્યા ગયા હતા. લડત પછી એમની વિધવા બનેલી સ્ત્રીઓ ગાંધીજીને મળવા પારસી શેઠ રુસ્તમજીને ત્યાં આવી. ગાંધીજી ઊઠીને તેમની પાસે ગયા. એમને વંદન કર્યું. વિધવા બહેનો રડી પડી. ગાંધીજી એમને આશ્વાસન આપવા લાગ્યા : ‘માતાઓ, રડશો નહિ. લાંબી બીમારી ભોગવીને તમારા પતિઓ મૃત્યુ પામ્યા હોત, તો એમને વિશે દુનિયા કશું જાણત નહિ…. દેશને ખાતર ગોળીના ભોગ બની તેઓ દેવલોક પામ્યા, એટલે તેઓ ભાગ્યશાળી ગણાય.’

એક બહેન એમને પગે વળગી હતી. એનાં આંસુ એમના પગ પર પડતાં હતાં. તેને વલોવાતે હૈયે સાન્તવન આપતાં તેઓ કરુણાભર્યા દઢ અવાજે બોલ્યા : ‘બહેન, તારા જેવાંઓનું દુ:ખ મારાથી સહન થતું નથી. તે તો ત્યારે જ શમે કે જ્યારે સરકાર મને પણ ગોળીથી ઠાર કરે અને મારી પત્નીની પણ તમારા જેવી જ સ્થિતિ હોય. ત્યારે જ આપણી આ દશાનો અંત આવશે. ગાંધીજીની પારદર્શક સહૃદયતાથી બહેનોને હૂંફ મળી.

[6] લોકો મારી પાછળ ગાંડા થશે, પણ –

આફ્રિકાથી તાજા જ પાછા આવેલ કર્મવીર મોહનદાસ ગાંધીનું મુંબઈમાં મારવાડી વિદ્યાલયમાં વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. પાંચ વાગ્યે ભાષણ હતું. ગાંધી કોલાબા ઊતરેલા ત્યાંથી ચાલતા ચાલતા બરોબર પાંચને ટકોરે સભાસ્થાને હાજર થઈ ગયા. ભાષણ પૂરું થયા પછી એ વખતના એક તેજસ્વી યુવક આગેવાન ઈન્દુલાલ યાજ્ઞિક ઘોડાગાડીમાં એમને મૂકવા માટે ગયા. રસ્તે એમણે કહ્યું : ‘ગાંધીસાહેબ, તમે દેશની નેતાગીરી લો. લોકો તમારી પાછળ ગાંડા થશે.’
ગાંધીજીએ ધીરપણે જવાબ આપ્યો : ‘હું જાણું છું, લોકો મારી પાછળ ગાંડા થશે. પણ ભગવાનને મારી એ પ્રાર્થના છે કે જ્યારે દેશના હિત માટે લોકોને કંઈ અપ્રિય કહેવાની જરૂર ઊભી થાય ત્યારે એ મને તે કહેવાની શક્તિ આપે.’ જીવનના છેલ્લા મહિનાઓમાં બાપુએ લોકોને અણગમતી વાતો કહેવાનો જે ધર્મ બજાવ્યો તેને માટેની એમની તૈયારી તો દસકાઓ પહેલાંથી ચાલતી હતી.

[7] રસ્તો કાઢ્યો

દક્ષિણ આફ્રિકાથી હિંદ પાછા ફર્યા પછી પોતાના થોડાક સાથીઓ સાથે એક વાર ગાંધીજી ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા. અલબત્ત, સૌ ત્રીજા વર્ગના ડબામાં હતા. જાજરૂ અસ્વચ્છ જોઈને એ સાફ કરવાનો ગાંધીજીએ સાથીઓ આગળ પ્રસ્તાવ મૂક્યો. પણ પાણીની ટાંકી ખાલી હતી. મંડળી પાસે એક લોટો પાણી ભરેલો હતો એ જ. ગાંધીજીએ રસ્તો કાઢ્યો. એક છાપું લીધું. બોલ્યા : ‘ચાલો, આ છાપાની મદદથી પાણીના માત્ર એક લોટા વડે આખું જાજરૂ કેમ સ્વચ્છ થઈ શકે છે એ બતાવું.’ અને પછી પોતાને હાથે જાજરૂની બધી ગંદકી સાફ કરી સ્વચ્છતા-કાર્યનો એક પદાર્થપાઠ સાથીઓને આપ્યો.

[8] નાનકડી પેનસિલ

ગાંધીજી આફ્રિકાથી તાજા જ હિંદ આવેલા. મુંબઈમાં મહાસભા મળી હતી. કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને ઉતારે જઈ એમને કામમાં મદદ કરતા. એક વાર ગાંધીજી ટેબલની આસપાસ કશુંક શોધી રહ્યા હતા. કાકાસાહેબે પૂછ્યું : ‘શું શોધો છો ?’
‘મારી પેન્સિલ. નાનકડી છે.’
એમનો સમય અને તકલીફ બચાવવા કાકાસાહેબે પોતાના ગજવામાંથી પેનસિલ આપવા માંડી.
‘નહિ, નહિ, મારી એ નાની પેનસિલ જ મારે જોઈએ.’
કાકાસાહેબે વિનંતી કરી : ‘આપ આ પેનસિલ લો. આપની પેનસિલ હું શોધી આપીશ. નાહક આપનો સમય બગડે છે.’
બાપુ : ‘એ નાની પેનસિલ મારાથી ખોઈ ન શકાય. તમને ખબર છે, એ પેનસિલ મને મદ્રાસમાં નટેસનના નાના દીકરાએ આપી હતી. કેટલા પ્રેમથી એ પેનસિલ લાવેલો ! મારાથી એ કેમ ખોવાય ?’ બંનેએ મળીને શોધી. અંતે જડી. બે ઈંચથીયે નાનો ટુકડો હતો ! પણ એની પાછળ નાનકડા બાળકનો ભવ્ય ઉમળકો હતો. મહાત્માના હૃદયે કેવા આદરપૂર્વક એ ઝીલ્યો હતો !

[9] વિરોધીને જાત સોંપી

બિહારમાં ચંપારણમાં ગળીના ઉત્પાદક ગોરાઓના અત્યાચારોની બાપુજીએ તપાસ શરૂ કરી. ઠેર ઠેર શાળાઓ સ્થાપી લોકોમાં જાગૃતિ ફેલાવી. ગોરાઓ ગભરાયા. કોઈએ આવીને ગાંધીજીને બાતમી આપી કે અમુક ગોરો માલિક વધુ પડતો દુષ્ટ છે અને આપનું ખૂન કરાવવા ચાહે છે, તેણે માણસો પણ રોક્યા છે. એક રાત્રે ગાંધીજી એકલા પેલા ગોરાને બંગલે પહોંચી ગયા અને કહેવા લાગ્યા : ‘મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે માણસો રોક્યા છે, એટલે કોઈને કહ્યા વગર હું એકલો આવ્યો છું.’ સાંભળીને ગોરો તો સ્તબ્ધ બની ગયો.

[10] વજ્રકોટમાં છીંડું

આફ્રિકાથી પાછા ફર્યા પછી અમદાવાદમાં પોતાના મિત્ર બૅરિસ્ટર જીવણલાલને ત્યાં ગાંધીજી ઊતર્યા હતા. અમદાવાદમાં જ આશ્રમ સ્થાપવાનો વિચાર મનમાં ઘોળાતો હતો. દેશસેવાની લડાઈનું સ્વરૂપ હજી મનમાં સ્પષ્ટ ઊપસ્યું ન હતું. એક સાંજે જીવણલાલ ઘેર આવીને હસતા હસતા કહે : ‘ગાંધી, તમારી તો કીર્તિ ચારે કોર પ્રસરવા માંડી !’ પછી એમણે માંડીને વાત કરી : ‘આજે મારા એક વકીલ મિત્ર મળ્યા. એલિસપુલ ઉપર ચાલતા ચાલતા આવતા હતા. આગળ બે જણા વાતો કરે. તેમાં એક હતો આપણો રસોઈયો. એ એના ભાઈબંધને કહે, અમારે ત્યાં એક આવ્યો છે કોઈક આફ્રિકાથી, દશબાર કેળાં એને નાસ્તામાં જોઈએ. આખો દિવસ બેસી રહે છે. કહે છે બૅરિસ્ટર છે. પણ કશું જ કામ કરતો નથી… લો, જોયું ને ગાંધી, અમે તો તમારી આબરૂ વધારવા માંડી !

અને બૅરિસ્ટર મિત્ર સરળ ભાવે ખડખડાટ હસી રહ્યા. ગાંધી પણ એમાં ભળ્યા. પણ પછી એકદમ ગંભીર થઈને કહે : ‘એની વાત એક રીતે સાચી છે, હું કશું જ કામ કરતો નથી. પણ આ દિવસોમાં ક્ષણેક્ષણ હું શું કરી રહ્યો છું એ કહું ? જેમ કોઈ સેનાપતિ દુશમનના કોટ-કિલ્લાની સામે ઊભો ઊભો નિરંતર એ ચિંતવન કરી રહે કે આમાંથી કઈ કાંકરી ખેરવું, કયો પથ્થર ખેસવું તો ગાબડું પડે અને અંદર આખું લશ્કરનું લશ્કર ઘુસાડી દઉં – એમ હું પણ લગાતાર એ જ એક વાત ચિંતવી રહ્યો છું કે આ બ્રિટિશ સલ્તનતની સત્તાના વજ્રકોટમાં ક્યાં છીંડું પાડું.’ અને થોડા સમય પછી એલિસપુલ પાસેના જીવણલાલ બૅરિસ્ટરે આપેલ એમના મકાનમાં ગાંધીજીએ આશ્રમ શરૂ કર્યો.

[11] લો, આ અનાજ વીણો !

કર્મવીર ગાંધી આફ્રિકાથી તાજા જ દેશમાં આવેલા છે. અમદાવાદ કોચરબમાં એમણે આશ્રમ શરૂ કર્યો છે અને દેશની સેવાનાં કાર્યો હાથ ધરવા માંડ્યાં છે. શહેરના એક વકીલ દેશસેવાનું કામ મેળવવા ગાંધીજી પાસે આશ્રમમાં આવ્યા. ગાંધીજી એ વખતે રસોડામાં અનાજ સાફ કરવાના કામમાં ગૂંથાયેલા હતા. મહેમાન વકીલનું સ્વાગત કરી ગાંધીજીએ એમને બેસવા સાદડીનું આસન ભોંય પર પાથર્યું અને કહ્યું, બેસો. વકીલ કોટ-પાટલૂનમાં સજ્જ હતા. ઊભા ઊભા જ બોલ્યા : ‘હું કાંઈ બેસવા આવ્યો નથી. મારે તો કામ જોઈએ છે. મારા સરખું કાંઈક કામ આપ મને આપશો એ આશાએ હું અત્યારે આશ્રમમાં આવ્યો છું.’

ગાંધીજીએ કહ્યું : ‘ઘણા આનંદની વાત છે.’ એમ કહી એમની આગળ અનાજની ઢગલી કરી અને કહ્યું : ‘એકે કાંકરી ન રહે એ રીતે સાફ કરજો.’ વકીલ તો આભા બની ગયા. અનાજ સાફ કરવાનું કામ તો નોકરોનું કે સ્ત્રીઓનું – એવા એમના સંસ્કાર હતા. કચવાતાં કચવાતાં એ બોલ્યા : ‘આવું અનાજ સાફ કરવાનું કામ મારે કરવાનું છે ?’
ગાંધીજીએ કહ્યું : ‘હા, હાલમાં મારી પાસે એ જ કામ છે.’ વકીલની બુદ્ધિ તો કમ હતી જ નહિ. એ સમજ્યા કે આ નેતા જુદી જ જાતના છે અને નાના કે મોટા કામમાં ભેદ ગણતા નથી અને નાનામોટાં સૌ કોઈ હિંદવાસીઓ ગમે તે કામ કરવાની તત્પરતા અને સજ્જતાવાળાં હોય એ એમને જોવું છે. તેઓ ગાંધીજીના સાન્નિધ્યમાં અનાજમાંથી વીણામણ કાઢતા ગયા તેમ તેમ પોતાના જીવનમાંથી પણ રૂઢ જડ ખ્યાલોને વીણી વીણીને દૂર કરવાની પ્રેરણા પામતા ગયા.

[12] નદી મારા એકલાની છે ?

ગાંધીજી સવારે વહેલા ઊઠે. ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું. તે માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં હોય તે વડે ત્યાં જ પતાવે. મોહનલાલ પંડ્યા કહે :
‘બાપુ, પાણીનો તોટો છે ? આ સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો ?’
ગાંધીજીએ એમને સામેથી પૂછ્યું : ‘મારું મોં તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહિ એ કહોને.’
પંડ્યાજી કહે : ‘એ તો છે જ ને !’
ગાંધીજી : ‘તો પછી વાંધો ક્યાં છે ? તમે લોટેલોટા પાણી વાપરો છો, પણ પલળેલા હાથ વડે મોં પર પાણી ચોપડો છો. હું પાણી વડે મોં બરાબર સાફ કરું છું. આટલું પાણી પૂરતું છે.’
પંડ્યાજી : ‘પણ નદીમાં આટઆટલું પાણી છે, ને…’
ગાંધીજી : ‘નદીનું પાણી કોને માટે છે ? મારા એકલા માટે છે ?’
પંડ્યાજી : ‘સૌને માટે છે. આપણા માટે પણ છે….’
ગાંધીજી : ‘બરોબર, નદીનું પાણી સૌ – પશુ, પંખી, માણસ, જીવજંતુ સૌને માટે છે. મારા એકલા માટે નથી. મારા ખપ પૂરતું જરૂર હું લઉં. પણ વધારે લેવાનો મને હક નથી. સહિયારી મિકલતમાંથી ખપ કરતાં વધારે આપણાથી લેવાય ?’

[13] વીજળી-દીવાની ચાંપ

એક મોટા માણસને ત્યાં ગાંધીજી ઊતરેલા. સાંજની પ્રાર્થનાનો સમય હતો, ઘણા લોકો પ્રાર્થનામાં એકઠા થયેલા. પ્રાર્થના શરૂ કરવાનો વખત થયો. ગાંધીજીએ સૂચના આપી, દીવો બંધ કરો. વીજળી-દીવાની ચાંપ ઘરના માલિક બેઠા હતા તેમની ઉપર જ હતી. માલિકે રોજની ટેવ મુજબ નોકરને હાક મારી. પણ આ શું થયું ?…. ગાંધીજી સડપ દઈને ઊભા થયા અને દીવો બંધ કર્યો. પ્રાર્થના શરૂ થઈ.

પ્રાર્થના પછી રોજની જેમ પ્રશ્નોત્તર ચાલ્યા. કાંતણકામ વિશે કોઈનો સવાલ હતો. જવાબમાં ગાંધીજીએ ‘ગીતા’નો ઉલ્લેખ કરીને કહ્યું કે જેઓ યજ્ઞાર્થે કર્મ કરતા નથી તેઓ ચોર છે. પ્રાર્થના પછી લોક વિખેરાયું. ખૂણાના ટેબલને કોઈનો ધક્કો લાગ્યો અને એની ઉપરનું સુશોભિત વાસણ ગબડી પડ્યું અને ટુકડેટુકડા થઈ ગયું…. અરે, પણ આ શું ?…. ઘરમાલિક પોતે દોડીને ત્યાં પહોંચી ગયા છે અને ટુકડાઓ વીણીને ભેગા કરવા લાગ્યા છે. નોકરને હાક મારવાની ટેવ ક્યાં ગઈ ? એક ઘડીમાં આ પરિવર્તન શું ? એમના મહાન અતિથિના આચરણે આ કીમિયો કર્યો હતો.

[14] પહેરણ કેમ પહેરતા નથી ?

બાપુના ડિલ ઉપર પહેરણ પણ નથી એ જોઈ એક નાનકડા વિદ્યાર્થીએ એમને પૂછ્યું :
‘બાપુ, તમે શરીર પર પહેરણ કેમ પહેરતા નથી ?’
બાપુ કહે : ‘મારી પાસે પૈસા ક્યાં છે ?’
વિદ્યાર્થી : ‘હું મારી માને કહું છું. તે આપને પહેરણ સીવી આપશે. પછી પહેરશો ને ?’
બાપુ : ‘કેટલાં સેવી આપશે ?’
વિદ્યાર્થી : ‘તમારે કેટલાં જોઈએ ? એક…બે…ત્રણ….’
બાપુ : ‘હું કાંઈ એકલો છું ? મારા એકલાથી પહેરાય ?’
વિદ્યાર્થી : ‘ના એકલાથી તો ન પહેરાય. તમારે કેટલાને માટે જોઈએ ?’
બાપુ : ‘મારે તો ચાલીસ કરોડ ભાઈભાંડુ છે. તારી માતા એ બધાને માટે સીવી આપશે ? એમની પછી મારો વારો આવે.’

વિદ્યાર્થી વિમાસણમાં પડી ગયો. નિર્દોષ બાળક પ્રેમથી બાપુને પહેરણ આપવા ગયો. એના કુમળા હૃદયને બાપુએ વિશ્વકુટુંબભાવની દીક્ષા આપી.

[15] સાચાબોલાં બાળકો

પ્રવાસમાં ગાંધીજી એક આશ્રમ-શાળામાં ગયા હતા. વરસાદ વરસતો હતો. સવારે બાળકોને આવતા મોડું થયું. ગાંધીજીને બીજે જવાનું હતું. બાળકો સાથે થોડીક મિનિટો જ મળી. ગાંધીજીએ વાત શરૂ કરી : ‘તમે બધાં કાંતો છો અને ખાદી પહેરો છો પણ મને કહો કે તમારામાંથી કેટલાં હંમેશાં સાચું બોલો છો, એટલે કે ક્યારેય જૂઠું બોલતાં નથી.’
થોડાંક બાળકોએ હાથ ઊંચા કર્યા.
ગાંધીજીએ બીજો સવાલ કર્યો : ‘સારું, તો હવે અવારનવાર જેઓ જૂઠું બોલતાં હોય તેવાં કેટલાં છે ?’
બે બાળકોએ તરત હાથ ઊંચા કર્યા.
પછી ત્રણે….
પછી ચાર જણાંએ…
પછી તો હાથ જ હાથ દેખાઈ રહ્યા. લગભગ બધાં બાળકોએ હાથ ઊંચા કર્યા હતા. ગાંધીજીએ એમને કહ્યું : ‘પોતે અવારનવાર જૂઠું બોલે છે એમ જે બાળકો જાણે છે અને કબૂલ કરે છે તેમને માટે હંમેશાં આશા છે. જેઓ એમ માને છે કે પોતે કદી જૂઠું બોલતાં નથી, તેમનો રસ્તો કઠણ છે. બંનેને હું સફળતા ઈચ્છું છું.’ અને એમણે બધાંની વિદાય લીધી.

[16] લાજ રહી

નોઆખલીમાં કોમી આગ બુઝાવવા ગાંધીજી પગે યાત્રા કરી રહ્યા હતા. એક ગામથી નીકળી બીજા ગામે સવારે સાતે પહોંચી જાય. પછી લખાવવાનું થોડુંક કામ કરી નાહી લે. નાહવામાં તેઓ સાબુ નહિ પણ એક ખરબચડો પથ્થર વાપરતા. મીરાંબહેને વરસો પહેલાં એ આપેલો. એક ગામે પહોંચ્યા પછી નાહવાની તૈયારી કરતાં મનુબહેને જોયું તો પથ્થર ન મળે. બાપુને વાત કરી : ‘કાલે વણકરને ઘેર રહ્યા હતા ત્યાં રહી ગયો હોવો જોઈએ. હવે ?’
બાપુ થોડી વાર વિચારમાં પડી ગયા. પછી કહે : ‘એ પથ્થર તું જાતે જઈને શોધી આવ. તું એકલી જ જા. એક વખત આમ કરીશ એટલે બીજી વખત ભૂલ નહિ થાય.’
મનુબહેન : ‘કોઈ સ્વયંસેવકોને સાથે લઈ જાઉં ?’
બાપુએ સામેથી પૂછ્યું : ‘કેમ ?’

નોઆખલીમાં નાળિયેરી ને સોપારીનાં વન. અજાણ્યો માણસ ભૂલો જ પડી જાય. સૂના રસ્તા પર એકલાં શે જવાય ? તોફાનીઓ પજવે તો ? નાનકડી 15-16 વરસની મનુબહેનના મનમાં કંઈ કંઈ વિચારો આવી ગયા. પણ ‘કેમ’ નો જવાબ આપવા રોકાયા વગર થોડી રીસમાં એ ચાલી નીકળી. જે રસ્તે બધાં અહીં આવેલાં તે રસ્તા પરનાં પગલાં જોતી જોતી એ બહેન પેલા ગામે પહોંચી ગઈ. વણકરનું ઘર પણ મળ્યું. ઘરમાં એક ડોશી રહે. ડોશીએ પેલા મોંઘામૂલા પથરાને કાંઈ સાચવી રાખેલો નહિ. પથરો જાણીને ફેંકી દીધેલો. મનુબહેને માંડ માંડ શોધી કાઢ્યો. સવારની સાડા છની નીકળેલી બપોર એક વાગ્યે એ પાછી બાપુ પાસે પહોંચી. પંદર માઈલની ખેપ થઈ. ભૂખ પણ કકડીને લાગી હતી. રીસ હજી ઊતરી ન હતી. બાપુજી પાસે જઈ એમના ખોળામાં પથ્થર ફેંકી એ રડી પડી.

બાપુજીનો વહાલસોયો અવાજ સંભળાયો : ‘આ પથ્થર નિમિત્તે તારી પરીક્ષા થઈ. તેમાં તું તરી ઊતરી એથી મને આનંદ થયો. પથરો મારો 25 વરસનો મિત્ર છે. જેલમાં જાઉં કે મહેલમાં, એ પથ્થર મારી સાથે જ ફર્યો છે આવા પથરા ઘણા મળી રહેશે, એવી બેકાળજી બરોબર ન કહેવાય. મનુબહેનના અંતરમાંથી આજના એના અનુભવનો સાચો ઉદગાર થઈ ગયો : ‘બાપુજી, મેં ખરા હૃદયથી રામનામ લીધું હોય તો આજે જ પ્રથમ વાર.’ બાપુજી કહે : ‘મારે બહેનોને નીડર બનાવવી છે. આ કસોટી કેવળ તારી જ નહિ, પણ ખરું પૂછે તો મારી પણ હતી.’

કદાચ ખરી કસોટી તો આ દિવસે ભગવાનની હતી. જવલ્લે જ ભગવાનને કોઈ ભક્તે આટલી મોટી કસોટીએ ચઢાવ્યો હશે. ખરે જ એ દિવસે ભગવાનની લાજ રહી ગઈ.

[કુલ પાન : 32 (નાની સાઈઝ). કિંમત રૂ. 3. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. 23, સરદારનગર, ભાવનગર-364001. ફોન +91 278 2566402]