મિયાં ફુસકીનું સપનું – જીવરામ જોષી

મિયાં ફુસકી ઘોડા પર ચડ્યા છે. ગામના પાદરમાં પહોંચી ગયા. ગામના પાદરમાં મોટો એક વદલો હતો. આ વડલાને ફરતો મઝાનો ઓટલો. તે ઓટલે ભીમો ડાંગર બેઠેલો. બીજા બે-ચાર માણસો બેઠા હતા. એવામાં દલા શેઠ આવી પહોંચ્યા. ત્યાંથી ફુસકી મિયાં નીકળ્યા. દલા શેઠને જોતા ફુસકી મિયાંએ ખોંખારો ખાધો. દલા શેઠ હોઠ દબાવીને રહી ગયા. મનમાં કંઈ કંઈ થઈ ગયું.
ભીમો ડાંગર બોલ્યો : ‘દલા શેઠ, ફુસકી મિયાંએ તમારી સામે ખોંખારો ખાધો.’
દલા શેઠ કહે : ‘ભલેને ખાધા કરે, એથી કંઈ પેટ ભરાવાનું નથી.’
ભીમો ડાંગર બોલ્યો : ‘અમારા જેવાની સામે ખોંખારા ખાય તો બાર વગાડી દઈએ.’

દલા શેઠ હસી પડ્યા.
ભીમો કહે : ‘કાં ?’
દલા શેઠ કહે : ‘ભગા ભરાડી જેવો ચોરટો સો સો ગામમાં બીજો કોઈ નથી. તેનાય આ મિયાંના બચ્ચાએ બાર વગાડી દીધા.’
ભીમો બોલ્યો : ‘ભગા-ફગા કંઈ કરી શકે નહિ. પાડાના શિકાર તો વાઘ જ કરી શકે. શિયાળનું એ કામ નહિ. એ ભગો ભરાડી શિયાળવું કહેવાય.
દલા શેઠ ફરી હસી પડ્યા.
ભીમો ફુગ્ગા જેવું મોં ફુલાવીને બોલ્યો : ‘શું બોલ્યા ?’
દલા શેઠ કહે : ‘અમે બોલ્યા નથી પણ હસ્યા છીએ.’
ભીમો કહે : ‘કાં ?’
દલા શેઠ કહે : ‘તમે વાઘ છો ?’
ભીમો બોલ્યો : ‘વાઘનાય બાપ.’
દલા શેઠ કહે : ‘તો તમે આ મિયાંના ઘરમાંથી એની પોટલી ઉઠાવી લાવશો ?’
ભીમો કહે : ‘પોટલી શું, આખા ને આખા એ મિયાંને જ ઉઠાવી લાવીએ.’
દલા શેઠે કહ્યું : ‘તો હવે જરા ધીમે બોલો. જરા કાન અમારા મોં સામે રાખો.’ ભીમાએ કાન ધરી દીધો. ફુસ ફુસ કરતાં દલા શેઠ બોલ્યા : ‘મિયાં ફુસકી આજ ખોંખારા મારતો કેમ ગયો તે જાણો છો ?’
ભીમો કહે : ‘કાં ?’
દલા શેઠ બોલ્યા : ‘તે ઉઘરાણીના રૂપિયા લઈને આવ્યો લાગે છે, એટલે બડા ઠાઠમાં છે. રાતે પહોંચી જાઓ. મિયાંના ઘરમાં એક પટારો છે. એમાં જ રૂપિયાની પોટલી મૂકી હશે તે લઈ આવો.’
ભીમો કહે : ‘તો લઈ આવું.’
દલા શેઠ કહે : ‘તો તમને સો રૂપિયા અમે ઈનામમાં આપીશું. જો નહિ લાવો તો સોના બસો રૂપિયા તમારી પાસેથી લઈશ.’
આમ વાત પાકી થઈ.

ભીમો ડાંગર ગુંડા જેવો હતો પણ તે ચોર નહોતો. બાજુના ગામમાં એક ચોરટો રહેતો હતો. તેની સાથે ભાઈબંધી હતી. તરત જ ભીમોભાઈ ઘોડી પર ચડ્યા. ઘોડી દોડાવી મૂકી. સામે ગામ ગયા અને ચોરભાઈને મળ્યા. તેને વાત કહી કે મિયાં ફુસકી રૂપિયા લઈ આવ્યા છે. તે આજ રાતે લઈ લેવા છે. ચોરભાઈ તૈયાર થઈ ગયા. ભૂખ્યાના મોઢામાં શીરાનો કોળિયો મૂકે તો કેવો મીઠો લાગે ? એવી આ વાત ચોરભાઈને મીઠી લાગી. ભીમા ડાંગરે ચોરભાઈને બધી સમજણ પાડી. મિયાંના ઘરમાં પટારો ક્યાં છે તે બરાબર સમજાવ્યું. આમ બધી વાત પાકી થઈ.

રાત જામવા માંડી. ફુસકી મિયાં ઘસઘસાટ ઊંઘવા માંડ્યા. એ સમયે ચોરભાઈ પહોંચ્યા. ધીરે ધીરે ફુસકી મિયાંની પરસાળ પર ગયા. ઓરડાનું કમાડ બંધ હતું. કમાડે કાન અડકાડ્યા. ફુસકી મિયાંનાં નસકોરાં ઘરડ ફરડ બોલતાં હતાં. ચોરભાઈ રાજી થયા કે, હવે વાંધો નથી. મિયાંજી ઊંઘે છે, પણ ઓરડાનાં કમાડ અંદરથી બંધ છે. તે શી રીતે ઉઘાડવાં ? આમ વિચાર કરીને ચોરભાઈએ કમાડને જરા ધકેલી જોયાં. વાહ ભાઈ ! મઝાની વાત છે. કમાડ ખાલી વાસ્યાં હતાં. ધીરે ધીરે કમાડ ઉઘાડ્યાં. હળુ હળુ ચોરભાઈ ઘરમાં પેઠા. ઘરમાં ડાબી બાજુ પટારો છે એમ ભીમાભાઈએ બતાવેલું. જમણી બાજુ મિયાં સૂવે છે. હવે જાળવી જાળવીને પટારા પાસે જવું જોઈએ. આમ વિચારીને ચોરભાઈ નીચે બેસી ગયા. હળવે હળવે જવા માંડ્યા.

બારણું ઊઘડ્યું ત્યારે ફુસકી મિયાં જાગી ગયા. એકાએક ઊંઘ ઊડી ગઈ. બારણું ઊઘડ્યું. ધીરેથી કોઈ ઘરમાં ઘૂસી ગયું તે પણ જોયું. મિયાં સમજી ગયા કે ગમે તે ચોરટો હોવો જોઈએ. હવે બૂમો પડાય નહિ. ચોરને પકડવા જવું એ પણ ઠીક નહિ. બૂમો પાડે અને ચોરટો ભાગે. ચિડાઈ જાય અને ભાગતાં ભાગતાં છરો ભોંકતો જાય તો શું કરવું ? વાર કરીશું તો ઉપાધિ થશે. પટારામાં રૂપિયા મૂક્યા છે, ચોરભાઈ ઉઠાવી લેશે. પછી બૂમો પાડીશું તેય નકામું બનશે. ચોરટો રૂપિયા લઈને જ ભાગવાનો. માટે જે કંઈ ઉપાય કરવો હોય તે ઝટ કરવો જોઈએ.
પણ ઉપાય શું કરવો ?
ઉપાય તો કરવો જ જોઈએ.
મિયાંએ ખોંખારો ખાધો.
ચોરટા બડા ડરપોક હોય છે. તણખલું હાલે તોય ફડકી જાય છે. મિયાંએ ખોંખારો ખાધો એટલે ચોર ઝટ ઝટ ચાલ્યો. પટારા પાસે પહોંચી ગયો. અંધારામાં કંઈ દેખાય નહિ. ચોરે હાથ ફેરવ્યો તો પટારો હોય એમ લાગ્યું. ચોરભાઈ રાજી થયા કે હવે વાર નહિ લાગે. હમણાં જ પટારાનું ઢાંકણું ઉઘાડું અને રૂપિયા લઈ લઉં.
ત્યાં મિયાંએ બીજો ખોંખારો ખાધો.
ચોરભાઈ તો ચમકી ગયા.
ત્યાં મિયાં બોલ્યા : ‘બીબી… ઓ… બીબી….!’

ચોર ગભરાયો. મિયાં જાગી ગયા છે. જાગી ગયા હશે તો ઉપાધિ થશે. આમ વિચારીને ચોરભાઈ ખૂણામાં લપાઈને બેસી ગયા. મિયાંએ બેચાર બૂમો પાડી. અમુ બીબીની ઊંઘ ઊડી ગઈ. ઊં હું હું હું હું બોલતાં બીબી કહે : ‘શાના બરાડા પાડો છો ? અરધી રાતેય ઝંપતા નથી !’ મિયાં હસી પડ્યા.
બીબી ચિડાઈ ગયાં અને બોલ્યાં : ‘કોઈ ગાંડા કહેશે. અરધી રાતે શાનું હસવું આવે છે ?’
મિયાં બોલ્યા : ‘ભારે મઝા થઈ. ઝટ ઊઠો.’
ઊઠવાનું નામ સાંભળ્યું કે ચોરભાઈ ગભરાયા. વિચાર કર્યો કે નક્કી આ મિયાં જાણી ગયા લાગે છે. આપણને પકડવા આવશે તો ઉપાધિ થશે. આમ વિચાર કરીને ચોરે છરો તૈયાર કર્યો. મિયાં પકડવા આવે તો છરો ભોંકી દેવો.
ત્યાં બીબી બોલ્યાં : ‘પાણી પીવું હોય તો પી લો અને ઊંઘી જાઓ.’
મિયાં બોલ્યા : ‘ઊંઘતાનું ભાગ્ય ઊંઘે અને જાગતાનું જાગે. ભારે મજા થઈ છે. લીલાલહેર થઈ ગઈ છે. ઝટ બેઠાં થાઓ.’
બીબી બોલ્યાં : ‘પણ છે શું ?’
મિયાં બોલ્યાં : ‘ધીરેથી બોલો. આપણા ઘરમાં ભગવાન પધારવાના છે. આપણા તભા ભટના ભગવાન.’ આ વાત સાંભળી કે ચોરભાઈ વધારે ગભરાયા. તેને લાગ્યું કે નક્કી મિયાં જાણી ગયા છે અને મને પકડવાની વાત કરે છે.
મિયાં કહે : ‘ધમાલ કરશો નહિ. ધીરેથી બોલજો. કોઈ જાણે નહિ.’
બીબી બોલ્યાં : ‘તમતમારે બક્યા કરો. અમે ઊઠવાનાં નથી.’
મિયાં બોલ્યાં : ‘તમે ન ઊઠો તો કંઈ નહિ, પણ અમારાથી જરાય વાર કરાશે નહિ. તમે મૂરખાઈ કરશો નહિ. આ ભટજીના ભગવાન ફરીને આવવાના નથી.’
બીબી બોલ્યાં : ‘તમને કોણે કહ્યું કે ભગવાન આવ્યા છે ?’
મિયાં બોલ્યાં : ‘ભગવાને પોતે કહ્યું.’
બીબી બોલ્યાં : ‘ભગવાન તમને કહેવા આવેલા ?’
મિયાં બોલ્યાં : ‘હો હો, સપનામાં આવીને ભગવાને કહ્યું કે ઊઠે મિયાં ! ઊંઘે છે શું ? અમે તારા પર પ્રસન્ન થયા છીએ. અમે જાતે તારા બારણામાં આવીને ઊભા છીએ.’

બીબી હસી પડ્યાં અને બોલ્યાં : ‘જાઓ, જાઓ, એવું બને નહિ.’ આ વાત સાંભળી એટલે ચોરભાઈને મનમાં શાંતિ થઈ કે મિયાં સપનાની વાત કહે છે. આપણને તેણે જોયા નથી. ચલો, ઉપાધિ નહિ આવે. આમ વિચારીને ચોરભાઈ જરા આનંદમાં આવી ગયા.
મિયાં બોલ્યા : ‘અને ભગવાને અમને કહ્યું કે, ચલ, ઝટ બેઠો થા. બીબીને જગાડ. તમારી પાસે સોનાની માળા છે તે ભગવાનને પહેરાવજે. બીબી માટે જે વીંટી લાવ્યા છો તે આંગળીમાં પહેરાવજે. અને તું આજ ઠાકોરના લેણા રૂપિયા લેવા રાજગઢ ગયો હતો ને ?’
અમે કહ્યું : ‘હા પ્રભુ !’
ભગવાન કહે : ‘પછી અમને પાટલા પર બેસાડજે. અમારી પૂજા કરજે. પછી રાજગઢથી પાંચ હજાર રૂપિયાની નોટો લઈ આવ્યો છે તે બધી અમારા ખોળામાં મૂકજે. એ નોટો લઈને અમે સ્વર્ગમાં પાછા ચાલ્યા જઈશું. પણ તું ગભરાઈશ નહિ. તારો પટારો છે. તે પટારો નોટની થોકડીઓથી ભરાઈ જશે. જા, આજ અમે તારા પર પ્રસન્ન થયા છીએ.’
મેં પૂછ્યું : ‘સાચું કહો છો ?’
ભગવાન બોલ્યા : ‘અમે ભગવાન છીએ. અમે કદી જૂઠું બોલતા નથી. પણ એક વાત સાંભળી લે. અમે સાદા વેશમાં આવ્યા છીએ. મજૂર જેવી એક પોતડી જ અમે પહેરી છે. માથે પાઘડી બાંધી છે.
મેં કહ્યું : ‘કાં પ્રભુ ! તમારે ત્યાં કાપડની તંગી પડી છે ?’
ભગવાન બોલ્યા : ‘અમારે ત્યાં તંગીબંગી હોય જ નહિ. પણ હું ભગવાનનો ઠાઠ કરીને નીકળું તો કોઈ ગુંડો મને લૂંટી લે અને મારી નાખે. તમારી પૃથ્વીનાં માણસો હવે પાપી બની ગયાં છે, માટે હું ચોરના વેશમાં જ આવ્યો છું.’

ફુસકી મિયાં બીબીને આમ વાત કહે છે. ચોરભાઈ વિચારે છે કે, મિયાંને આ સપનું આવ્યું છે. ભગવાન એમ આવે જ નહિ. પણ વાત મઝાની છે. આપણને જરાય મહેનત પડશે નહિ અને રૂપિયા પાંચ હજાર મળી જશે. મિયાં ગાંડા જેવા લાગે છે.
બીબી હસી પડ્યાં.
મિયાં બોલ્યા : ‘હસ મા ને ભઈ.’
બીબી કહે : ‘વાત જ હસવાની કહો છો ને ! એમ ભગવાન કોઈને ઘેર જતા હશે ?’
મિયાં કહે : ‘કેમ ના જાય ? ભગવાન ચાહે તો વાડે પણ જાય. તું ખોટું સમજતી હો તો ચાલ, હાલ ઊભી થા. આપણે બારણું ઉઘાડીને જોઈએ. સાચી વાત હશે તો ભગવાન ત્યાં ઊભા હશે.’
ચોરભાઈને થયું કે મઝાની વાત છે. લાવને હું જ ભગવાન બની જાઉં. એક પોતડી પહેરીને ઊભો રહું. એટલે મિયાં સમજશે કે સપનાની વાત સાચી છે. એટલે મારા ગળામાં સોનાની માળા પહેરાવશે, વીંટી પહેરાવશે, પછી પૂજા કરીને મારા ખોળામાં પાંચ હજાર રૂપિયાની નોટો મૂકશે. તે લઈને આપણે ચાલ્યા જઈશું. આ રીતે સહેલાઈથી મિયાંના રૂપિયા આપણા હાથમાં આવી જશે. મિયાં હજી વાત કરે છે ત્યાં સુધીમાં આપણે બહાર જઈને ખડા થઈ જઈએ – આમ વિચારીને ચોર ધીરેથી ભાગ્યો. હળુ હળુ બારણું ઉઘાડીને બહાર નીકળી ગયો. બીબી જોઈ ગયાં.

બીબી બોલ્યાં : ‘અરે, તમે બારણું ઉઘાડું મૂક્યું છે ?’
મિયાં કહે : ‘ના.’
બીબી કહે : ‘તો હમણાં જરાક બારણું ઊઘડ્યું હોય એમ લાગ્યું. અજવાળું દેખાયું.’
મિયાં કહે : ‘દેખાય જ ને ! બહાર ઊભા ઊભા ભગવાન આપણી રાહ જોતા હશે.’
બીબી કહે : ‘હવે ગાંડા થાઓ મા. બારણું જોઈ લો. વાસેલું ન હોય તો વાસી દો અને ઊંઘી જાઓ.’
મિયાં બોલ્યા : ‘તો શું અમે ખોટું બોલીએ છીએ ?’
બીબી કહે : ‘એવી વાતો કોઈ માને નહિ.’
મિયાં કહે : ‘ન માનો તો ચાલો ઊઠો. જોઈ લઈએ કે બહાર ભગવાન આવ્યા છે કે નહિ ? ના હોય તો માનવું કે સપનાની વાતો ખોટી હોય છે.’
બીબીએ વિચાર કર્યો કે : ‘મિયાંને ઊંઘાડી દેવા જોઈએ. ચાલો, બહાર જોઈ લઈએ. આમ વિચારીને બીબી ઊભાં થયાં. કહે કે, ચાલો, બતાવો ભગવાન.’
મિયાં બોલ્યા : ‘હો, હવે તમે ડાહ્યાં. ચાલો જોઈ લઈએ.’

બીબીએ દીવો સળગાવ્યો.
બારણાં ઉઘાડ્યાં.
બહાર જોયું તો ભગવાનને જોયા. ચોરભાઈ પોતાની કેડે બાંધવાનું પંચિયું પહેરીને ઊભા રહી ગયા. બીજાં કપડાં ઉતારી નાખ્યાં હતાં. મિયાં ફુસકી રાજી રાજી થઈ ગયા અને હસતા હસતા બોલ્યા : ‘વાહ, મારા ભગવાન વાહ, સોએ સો ટકા વાત સાચી કરી બતાવી. અમારાં બીબી તો વાત ખોટી જ માનતાં હતાં.’ ફુસકી મિયાંએ બીબી સામે જોયું. ગુસ્સે થઈ ગયા અને બોલ્યા : ‘લે, પૂતળી પેઠે ઊભી છે કેમ ? ઝટ પગે લાગ. ભગવાનને માથું નમાવી નમાવીને સાત સાત સલામો ભરો. દીવો મૂકો નીચે. આ ભટજીના ભગવાન છે.’ બીબી ભારે નવાઈમાં પડી ગયાં. વિચારે છે કે આવું બને કેમ ? મિયાં કહેતા હતા એવું જ બન્યું. પોતડી પહેરીને ભગવાન બહાર ઊભા રહેશે એમ કહેતા હતા, તે જ રીતે ભગવાન ઊભા છે.
મિયાં બોલ્યા : ‘અરે બાઘાની પેઠે ઊભી કાં ?’
બીબીએ દીવો નીચે મૂક્યો, નીચે બેસી ગયાં. માથાં નમાવી નમાવીને ભગવાનને પગે લાગ્યાં. મિયાંએ બીબીને કહ્યું : ‘હવે વાર કરો મા. પેલી સોનાની માળા અને વીંટી લાવો.’ બીબી ઘરમાં ગયાં. વીંટી અને માળા લઈ આવ્યાં. મિયાંએ ભગવાનના ગળામાં માળા પહેરાવી. ચોરભાઈ મનોમન હસ્યા કે આ બેવકૂફ મિયાં ખરો બની ગયો. આપણે તેને ખરો બનાવ્યો. મને ભગવાન માને છે !

મિયાં બોલ્યા : ‘ભગવાન, હવે ઘરમાં પધારો.’
ભગવાનને ઘરમાં લઈ ગયા.
પાટલા પર બેસાડ્યા.
મિયાંએ બીબીને કહ્યું : ‘પટારામાંથી નોટોની પોટલી લાવો. બે પાંચ હજાર રૂપિયાની નોટો ભગવાનના ખોળામાં મૂકી દઈએ.’ બીબીએ નોટોની પોટલી કાઢી. મિયાનાં હાથમાં મૂકી.
‘અરર…’ એમ બોલતા મિયાં ઊભા થઈ ગયા.
બીબી કહે : ‘કાં ?’
મિયાં બોલ્યા : ‘કાં શું, પોટલી ધૂળ ધૂળ થઈ ગઈ છે.’
મિયાંએ પોટલી ઊંચી લટકતી રાખી અને બોલ્યાં : ‘મૂઈ તારી ધૂળ. ઝટ જાઓ બહાર, પોટલી ખંખેરી નાખો. પોટલીમાં કંસારીઓ ભરાઈ ગઈ છે. આવું ભગવાનના ખોળામાં મુકાતું હશે ? લો, ખંખેરી લાવો.’
પોટલી લઈને બીબી ઘરમાંથી બહાર ગયાં.
મિયાં ઊભા થઈ ગયા અને બોલ્યા : ‘તમારાથી નહિ બને. ચાલો, અમે જ પોટલી સાફ કરી નાખીએ.’ આમ કહીને મિયાં બારણા બહાર દોડી ગયા. બહાર જઈને બીબીને કહ્યું : ‘ઘરમાંથી બીજો રૂમાલ લાવો.’ ઘરમાંથી બીજો રૂમાલ લઈને બીબી બહાર આવ્યાં એટલે મિયાં દોડ્યા. ઘરનું બારણું ઝટ દઈને બંધ કરી દીધું અને બહારથી સાંકળ વાસી દીધી.
બીબી કહે : ‘કાં, કાં, કાં ? બારણું બંધ કેમ કરી દીધું ?’
મિયાં બોલ્યા : ‘મારા ભગવાન ભલે ઘરમાં બેઠા. અંધારી રાતે બહાર નીકળી જાય નહિ માટે. હા, આ તભા ભટના ભગવાન છે.’
બીબી બોલ્યા : ‘પણ ભગવાનને ઘરમાં પૂરી ના દેવાય.’
મિયાં બોલ્યા : ‘ભગવાન ભાગી જાય તો ?’
બીબી કહે : ‘શું બકો છો ?’
મિયાં કહે : ‘અમે ખોટી વાત બકીએ જ નહિ. હા, અમે સિપાઈ બચ્ચા !’
બીબીને જરા ગુસ્સો ચડી ગયો.
મિયાં કહે : ‘તમે ગુસ્સે ના કરશો’
બીબી કહે : ‘તો આ શું બોલો છો ? ભગવાન એટલે ખુદા ?’
મિયાં ધીમેથી બોલ્યા : ‘ભગવાન અને ખુદા એ બધું એક જ છે. તમે ચુપ રહેજો. આપણા ઘરમાં ચોરટો ઘૂસી ગયો છે. તેને આ રીતે ઘરમાં પૂરી દીધો.’
બીબી કહે : ‘હવે ?’
મિયાં કહે : ‘હવે તભા ભટ્ટને બોલાવી લાવો. દોડતાં જાઓ.’
બીબી ગભરાયાં.
મિયાં કહે : ‘તમે બડાં ડરપોક છો બીબી ! અમે આવડા મોટા ચોરને ઘરમાં પૂરી દીધો. છતાં અમે જરાય બીતા નથી અને તમે તભા ભટ્ટને બોલાવવા જઈ શકતાં નથી ?’
બીબી કહે : ‘આવા અંધારામાં અમે એકલાં કેમ જઈએ ?’
મિયાં કહે : ‘આવા સમયે ડરવાનું ના હોય.’
બીબી કહે : ‘તમે જાઓ અને ભટજીને બોલાવી લાવો.’
મિયાં હળવો સિસકારો બોલાવતા બોલ્યા : ‘અમે તો હમણાં દોડી જઈએ. પણ ઘરમાં ચોરને પૂરી દીધો છે. તે જાણી જાય કે મિયાં અહીં નથી, તો શું થાય ?’
બીબી કહે : ‘તો શું થાય ?’

ઊંહું હું હું એમ બોલતાં ધીમેથી મિયાંએ અમુ બીબીને કહ્યું : ‘તમે સમજતાં કેમ નથી. ચોરટો જાણી જાય કે અમે અહીં નથી તો તે નક્કી નાસી છૂટે. હા, એ ચોરટા બડા પાજી હોય છે.’
બીબી કહે : ‘બારણું બંધ કરી દીધું છે અને સાંકળ વાસી દીધી છે. પછી ચોરટો નાસે ક્યાંથી ?’
મિયાં કહે : ‘અમે કહ્યું ને, કે ચોરટા બડા ચતુર હોય છે. નાસી છૂટવાનું મળે તો ગમે તે રીતે નાસી જાય, માટે તમે દોડાદોડ ઊપડો. તભા ભટને ઘેર પહોંચો. તેમને સાથે લઈને દોડાદોડ પાછાં આવો.’
અમુ બીબી કહે : ‘પણ તમે ચુપચાપ રહેજો. કશું બોલતા નહિ. હું ભટજીને સાથે લઈને દોડતી પાછી આવું છું.’
મિયાં કહે : ‘અમારી ચિંતા ન કરો. તમે ઊપડો.’
બીબી બોલ્યાં : ‘તો ભલે. હું ઊપડું છું.’
મિયાં કહે : ‘ઊપડો.’
અમુ બીબી ઊપડ્યાં.
અંધારું હતું.
ઘરમાં ચોર પુરાયો છે. ઘરના આંગણામાં ફુસકી મિયાં એકલા ઊભા રહી ગયા છે.
દોડતે પગલે અબુ બીબી ગયાં.
તભા ભટને ઘેર પહોંચ્યાં.
ભટજીના ઘરનું બારણું ખખડાવ્યું.
ભટજી જાગી ગયા.
અમુ બીબીનો બોલ ઓળખી ગયા. દોડતા ગયા અને બારણું ઉઘાડ્યું.
બીબી બોલ્યાં : ‘ઝટ ઘેર ચાલો. ઘરમાં ચોર ભરાયો છે.’
ભટજી ચમક્યા. પૂછ્યું : ‘ચોર ?’
બીબી કહે : ‘હા, ઘરમાં પૂરીને બહારથી સાંકળ વાસી દીધી છે.
ભટજી કહે : ‘કેવી રીતે ?’
બીબી કહે : ‘એ બધું કહેવાનો સમય નથી. તમે ઝટ ચાલો.’

ઝટ ઝટ ભટજીએ પાઘડી માથે મૂકી અને દોડી પડ્યા.
પહોંચી ગયા ફુસકી મિયાંને ત્યાં. ભટજીને જોયા કે ફુસકી મિયાં સામે દોડી ગયા.
ભટજી કહે : ‘શું થયું ?’
મિયાં મોઢું મલકાવીને બોલ્યા : ‘બડી મઝા થઈ ગઈ, ભટજી ! ચોરટો ઘરમાં પેસી ગયો હતો. અમે ઊંઘતાં હતાં. એકાએક અમારી ઊંઘ ઊડી ગઈ. અમે ચોરટાને જોઈ ગયા પછી અમને ચાલાકી યાદ આવી ગઈ. અમે બીબીને જગાડ્યાં. આપણે ઘેર ભગવાન પધારવાના છે, એવી વાત સમજાવી. પછી ચોરટાને ભગવાન બનાવીને ઘરમાં પૂરી દીધો. બોલો, કેવી અમારી ચતુરાઈ ?
ભટજી કહે : ‘ચતુરાઈ ભલે કરી પણ હવે શું કરવું તે વિચારવું પડશે.’
મિયાં કહે : ‘એ વિચારવા માટે તો તમને બોલાવ્યા છે. અમે તો ચોર પકડી પાડ્યો. હવે વિચાર કરવાનું કામ તમે કરો.’ ભટજીએ વિચાર કર્યો કે બૂમો પાડીશું તો આખું ગામ જાગી જશે.
મિયાં કહે : ‘આપણા પાડોશીને ધીરેથી જગાડીએ. પછી ચોરની વાત કરીએ.
ભટજી કહે : ‘એ વાત સાચી.’
મિયાં ગેલમાં આવી ગયા અને બોલ્યા : ‘અમે કહીએ તે સાચું જ હોય. હા, અમે કોણ ?’
ભટજી કહે : ‘તમે બડા શૂરવીર બચ્ચા.’
મિયાં કહે : ‘ના, ના, ના અમે છીએ સિપાઈ બચ્ચા !’
ભટજી કહે : ‘હવે વાર કરવી નથી. તમે જાઓ આ બાજુ. અમે જઈએ પેલી બાજુ. બધા પાડોશીઓને જગાડો. ચોરની વાત સમજાવો અને અહીં એકઠા કરો.

ભટજી ગયા એક બાજુ અને મિયાં ગયા બીજી બાજુ.
પાડોશીઓને જગાડ્યા.
બધા એકઠા થઈ ગયા.
વાત પહોંચી રાજપુરના ઠાકોરને ઘેર. ઠાકોર દોડતા આવી પહોંચ્યા. હવે ચોરભાઈ ગભરાયા. પોતે ઘરમાં પુરાઈ ગયો છે તે વાત સમજાઈ ગઈ. ચોરભાઈએ ઘરના ચારે ખૂણા જોઈ લીધા. નાસી છૂટવાનો કોઈ મારગ મળ્યો નહિ. હવે બહાર લોકો એકઠા થઈ ગયા હતા.
ઘરનું બારણું ખોલ્યું.
ચોરભાઈને પકડી લીધા.
થાણામાં લઈ ગયા અને ફોજદારને સોંપી દીધા.
વાત જાણી દલા શેઠે.
દલા શેઠનો જીવ બળી ગયો. દોડતા ગયા ભીમા ડાંગર પાસે.
ભીમો ડાંગર કહે : ‘મારા ચોરને પકડાવી દીધો ને ?’
દલા શેઠ કહે : ‘એ ફૂસકી બચ્ચો બડો ચતુર છે. એ બધાંને છેતરી જાય એવો છે.’
ભીમો ડાંગર કહે : ‘તમે ગમે તે કહો પણ એ ફુસકી મિયાં સાચો માણસ છે. એની સાથે તમારે ભાઈબંધી રાખવી જોઈએ.’
ચોરભાઈ જેલમાં પુરાયા.
વારતા પૂરી થઈ.

[કુલ પાન : 64. કિંમત રૂ. 25. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી
સત્યબોધ – રવીન્દ્રનાથ ટાગોર Next »   

30 પ્રતિભાવો : મિયાં ફુસકીનું સપનું – જીવરામ જોષી

 1. nayan panchal says:

  મજા આવી ગઈ.

  આભાર.

  નયન

 2. બાળકોને મજા પડે તેવી બોધદાયક વાર્તા

 3. Hiral Thaker "Vasantiful" says:

  આમતો વ્યહવાર માં મિયાંફુસકી શબ્દ બીકણ માણસ માટે વપરાય છે, પણ મિયાફુસકીતો બહાદુર અને ચતુર નીકળ્યા. ….. 😀

 4. Navin N Modi says:

  બહુ સુંદર વાર્તા. મજા આવી ગઈ.

 5. જીવરામ જૉષીના આ બે મહાન પાત્રો મિયાં ફુસકી અને તભા ભટ્ટ બાળકોના બહુ માનીતા છે અને મોટાને પણ ગમ્મત આપે તેવા છે. આ ઉપરાંત છકો મકો પણ મજાના છે.

 6. ધીરજ says:

  જલસો પડી ગયો બાપૂ !!!!!!!!!!

 7. બાળકથાના મહારથી શ્રી જીવરામ જોશીની આ વાર્તા વાંચી બચપણ યાદ આવી ગયું.

  નાના હતા ત્યારે નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીના બાળ વિભાગની મુલાકાત લેતા કરતાં મારા બાપુજી પણ યાદ આવી ગયા. મારી આંગળી પકડીને મને એઓ એ સયાજી લાયબ્રેરીમાં લઇ ગયેલ. આજે તો એ વિશાળ બની ગઇ છે.

  ત્યારથી પડેલ વાંચનના વ્યસન આજે પણ ચાલુ છે. ને પછી લેખનમાં તબદિલ થયું.

  મૃગેશભાઇનો આભાર કે તમે અમારા જેવાં માટે આવી સુવિધા કરી ને હવે તો ઘણા બ્લોગ અતિ રસાળ વાંચન પીરસે છે.

  ક્યારેક તક મળે તો બકોર પટેલ અને શાણિ શકરીબેન,ડો હાથી સાથે પણ મુલાકાત કરાવવા કૃપા કરશો.બકોર પટેલની કથાઓમાં આનંદ સાથે બોધ પણ મળતો.

  આજના બાળકોનું વાંચન ટીવી છીનવી લીધું છે.

  નટવર મહેતા.
  http://natvermehta.wordpress.com/

 8. સુરેશ જાની says:

  શાળાદીવસો યાદ આવી ગયા. જી.જો. નો બાયો ડેટા મેળવી આપશો?

 9. pragnaju says:

  બાળ વારતા બાળપણમાં માણેલી હજુ પણ રમુજ લાવે

 10. Jatan says:

  ખુબ મજા આવી, બાળપણ ની યાદ તાજી થઈ ગઇ

 11. sima says:

  આમતો વ્યહવાર માં મિયાંફુસકી શબ્દ બીકણ માણસ માટે વપરાય છે, પણ મિયાફુસકીતો બહાદુર અને ચતુર નીકળ્યા.

 12. kailasgiri says:

  મજા પડિ

 13. પૂર્વી says:

  ઘણા વખતે મિયાંફુસકી વાચીને મજા પડી ગઈ.

 14. manas says:

  અમે સિપાઈ બચ્ચા ! ….bhootkalma pahochi gayo. vividh prakar ane bhashaonu sahitya vachya baad pan jivram joshi ane gijubhai ni vartao pratye hammesha moh rahyo chhe. bal-sahitya e vachan nu pratham sopan chhe atle ana pratye badhano moh hovo e kai navai ni vaat nathi.

 15. ranjan pandya says:

  નાના હતા ત્યારે એટલે આઝાદીના સમયમાં, ‘બાલસંદેશ’ ,’ઝગમગ’, ‘રમકડું’ વગેરે બાલસાહિત્યમાં મિયાંફૂસકિ ભોટવાશંકર વિશેની વાર્તા વાંચવા આતુરતાથી રાહ જોતા હતાતે યાદ આવી ગયું.મનડું ફ્લેશબ્લેકમાં વિહાર કરવા લાગી ગયું.—બાલપણની સફર કરવાની મઝા આવી –ગ–ઇઇ!!!!

 16. maru hasmukh says:

  મિયા તો બહુ હોશિયાર નિક્લયા

 17. Mittal says:

  બહુ મજા પડિ ગઇ
  સરસ

 18. mukesh says:

  ખુબ મજા આવી, બાળપણ ની યાદ તાજી થઈ ગઇ.

  નાના હતા ત્યારે ગામની લાયબ્રેરીના મુલાકાત લેતા.

 19. Pruthvi says:

  ગણી સારી બાળ વાર્ત્તા ઓ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.