સત્યબોધ – રવીન્દ્રનાથ ટાગોર

આજે આ મેદાન ઉપર ચાંદનીનો પ્રકાશ જોઈને મને ઘણા દિવસ પહેલાંની બીજી કેટલીક ચાંદની રાતો યાદ આવે છે. ત્યારે હું પદ્મા નદીમાં વાસ કરતો હતો. પદ્માના ભાઠામાં હોડી બાંધેલી રહેતી. શુકલ પક્ષની રાત્રે કેટલીય વાર હું એકલો ભાઠામાં ફર્યો છું. ક્યાંય ઘાસ નહિ, ઝાડ નહિ, ચંદ્રના પ્રકાશ સાથે રેતીના પટનો છેડો મળી ગયો હોય – એ ચારે કોર વિસ્તરેલી શુભ્રતામાં એક જ પડછાયો અને તે મારો.

એ મારી નિર્જન સંધ્યામાં મને એક સાથી મળી ગયો. તે અમારા એક કર્મચારી હતા. તેઓ મારી સાથે ચાલતાં ઘણી વાર દિવસના કામની વાત કરવા માંડતા. એ બધી જ વાતો લેવડદેવડની હતી, જમીનદારીને લગતી હતી, અમારા કામની વાતો હતી. એ મારા કાન આગળ એ એક માત્ર માણસનો જરા જેટલો અવાજ આવા મોટા નક્ષત્રલોકની અખંડ શાંતિનો એક ક્ષણમાં ભંગ કરતો અને એવી મોટી એક એકાંત શુભ્રતા ઉપર પણ જાણે ઘૂમટો પડી જતો, તેને પછી હું કેમ જાણે સ્પષ્ટપણે જોવા જ પામતો નહિ. ત્યાર પછી તે કર્મચારી ચાલ્યા જતાં જ એકદમ મને લાગ્યું કે અત્યાર સુધી હું અત્યંત ક્ષુદ્ર બની ગયો હતો, તેથી ચારે કોર જે મહત્વ વિસ્તરેલું હતું તેને હું સત્ય તરીકે જાણી શક્યો નહોતો; આવો મોટો શાન્તિમય સૌંદર્યમય આકાશવ્યાપી પ્રત્યક્ષ વર્તમાન પણ મારે મન બિલકુલ નહિવત બની ગયો હતો.

એ બાબતે મેં કેટલાય દિવસ મનમાં ને મનમાં વિસ્મય અનુભવ્યું છે. મને એવો વિચાર આવતો કે જ્યાં સુધી ફક્ત મારે લગતી જ વાત થતી હતી, મારા જ સાંસારિક કામની, મારી જ જરૂરિયાતો અને સુખસગવડની વાત ચાલતી હતી – મારા મનમાં જ્યારે હું જ એકદમ મુખ્ય વ્યક્તિ બની ગયો હતો – ત્યારે જ ખરું જોતાં મારા વિશ્વમાં હું જ સૌથી ક્ષુદ્ર બની ગયો હતો. ત્યાં સુધી ચંદ્રે મારી પાસેથી પોતાની ચાંદની પાછી લઈ લીધી હતી. નદીનો કલનાદ મને કશી ગણતરીમાં લીધા વગર પાસે હોવા છતાં અસ્પૃશ્યની માફક મારો ત્યાગ કરીને ચાલ્યો ગયો હતો. આ દિગંત સુધી વિસ્તરેલા શુભ્ર આકાશમાં ત્યારે હું હતો જ નહિ, હું દેશનિકાલ થઈ ગયો હતો. એટલું જ નહિ, તે વખતે મારા મનમાં જે ભાવ, જે ભાવના હતાં તેને આસપાસના જગત સાથે જાણે કોઈ સાચો સંબંધ જ નહોતો. વિશ્વની વચમાં તેને જોતાં તે અત્યંત વિચિત્ર અને મિથ્યા લાગતું હતું. જરજમીન, હિસાબકિતાબ, મામલા-મુકદ્દમા એ બધા ખાલી પરપોટા વિશ્વસાગરમાં કોઈ ચિહ્ન સુદ્ધાં મૂક્યા વગર ક્ષણે ક્ષણે હજારો અને લાખોની સંખ્યામાં ફૂટીને વિલીન થઈ જતા હતા.

તે હશે, તેમ છતાં સમુદ્રમાં પરપોટાનું પણ સ્થાન હોય છે. સમુદ્રના સમગ્ર સત્ય સાથે મેળવીને જોતાં એ પરપોટાઓનું પણ જે કંઈ સત્ય છે તેનો તદ્દન જ અસ્વીકાર કરવાની જરૂર પડતી નથી. પરંતુ, આપણે જ્યારે એ પરપોટાથી વીટેળાઈને સમુદ્ર તરફ આપણી દષ્ટિ બિલકુલ ખોઈ બેસીએ ત્યારે જ આફત ઊતરે. આપણે મોટાની વચ્ચે છીએ એ વાત જ્યારે આપણા મનમાં સ્પષ્ટ હોય છે ત્યારે નાનાનો સ્વીકાર કરી લેવામાં આપણને કંઈ નુકશાન નથી. મોટા જગતમાં આપણો વાસ છે, મોટા સત્યમાં આપણા ચિત્તનો આશ્રય છે, એ વાત જે ભુલાવી દે તે જ આપણું સત્યનાશ વાળે છે. બહારથી જોવા જઈએ તો મોટાની આપણને બહુ ઓછી જરૂર પડે છે; આજે તમને બધાને અમે આ મંદિરમાં ભેગા કર્યા છે, જગતમાં જે સૌથી મોટા છે તેમને નમસ્કાર કરવા માટે. બહારથી જોઈએ તો કોઈને પણ હસવું આવે એવું છે, એમ પણ લાગે કે એની શી જરૂર હતી.

પરંતુ, મનને એક વાર પૂછો, આવું મોટું આકાશ, આવું મોટું વિશ્વબ્રહ્માંડ એમાં આપણે જન્મવાની શી જરૂર હતી ? આપણી આસપાસ જોઈતી જગ્યા છોડી દઈને તેની ચારે બાજુએ વાડ બાંધી દીધી હોત તો કશી અગવડ પડવાની નહોતી; બલકે અનેક બાબતમાં કદાચ સગવડ પણ થાત, ઘણાં કામ કદાચ સરળ પણ થઈ જાત. પરંતુ, નાનાને પણ મોટાની એક પ્રકારની ઊંડી અને અંતરની જરૂર હોય છે. તે એક દષ્ટિએ અત્યંત નાનો હોવા છતાં બીજી દષ્ટિએ અત્યંત મોટાને પણ એક ક્ષણને માટે પણ ખોતો નથી, એ સત્યમાં જ તે જીવતો હોય છે. તેની આસપાસનું બધું જ તેને સતત મોટાની વાત જ કહેતું હોય છે. આકાશ સતત કહ્યા કરે છે ‘મોટું’, પ્રકાશ સતત કહ્યા કરે છે ‘મોટું’, વાયુ સતત કહ્યા કરે છે ‘મોટું’, ગ્રહનક્ષત્રથી માંડીને નદી સમુદ્ર મેદાન બધું જ તેના કાન આગળ રાતદિવસ એ એક જ મંત્રનો જપ કર્યા કરે છે – ‘મોટું.’ નાનો માણસ મોટા વચ્ચે જ દષ્ટિ ફેલાવે છે, મોટા વચ્ચે જ શ્વાસ લે છે, મોટા વચ્ચે જ હરેફરે છે. એટલા માટે નાનો હોવા છતાં કેમે કર્યો નાનાથી સંતોષ પામી શકતો નથી. એટલું જ નહિ નાનામાં જે સુખ છે તેને ફગાવી દઈને મોટામાં જે દુ:ખ છે તેને પણ માણસ જાણી જોઈને પ્રાર્થે છે. માણસનું જ્ઞાન સૂર્ય ચંદ્ર અને તારામાં પણ તત્વની શોધ કરતું ફરે છે; તેની શક્તિ કેવળ માત્ર ઘરમાં જ પોતાને આરામમાં પૂરી રાખી શકતી નથી. એ મોટા તરફ જ માણસનો રસ્તો જાય છે, એ તરફ જ તેની ગતિ છે, એ દિશામાં જ તેની શક્તિ છે, એ દિશામાં જ તેનું સત્ય છે – એ સહજ વાત તે ક્યારે ભૂલી જાય છે ? જ્યારે તે પોતાને હાથે બનાવેલી વાડ વડે પોતાને ચારે બાજુથી ઘેરી લે છે ત્યારે. ત્યારે આ જગતમાંથી જે મોટાનો મંત્ર રાતદિવસ ગુંજ્યા કરે છે, તેને તેના મનમાં પ્રવેશ કરવાનો માર્ગ શોધ્યો જડતો નથી. આપણે નાના હોવા છતાં મોટા છીએ, એ મહામોટી વાત ત્યારે આપણે રોજરોજ ભૂલી જતા હોઈએ છીએ. અને આપણું તે એક મોટા દેવનું આસન નાના નાના હજારો ને લાખો અપદેવતા આવીને પચાવી પાડતા હોય છે.

મોટામાં જ આપણો વાસ છે એ સત્યનું સ્મરણ કરવા માટે જ આપણો ધ્યાનનો મંત્ર છે : ૐ ભૂર્ભુવ: સ્વ: | એ બિલકુલ ભૂલી જઈને જ્યારે આપણે ચોક્કસપણે એમ માની બેસીએ છીએ કે ઘરમાં જ આપણો વાસ છે, ધનમાં જ આપણો વાસ છે, ત્યારે હૃદયમાં દુનિયાભરના બધા ઉત્પાતો પેદા થાય છે – બધા કામ ક્રોધ લોભ મોહ જાગે છે. બંધિયાર પાણીમાં અને બંધિયાર હવામાં જેમ આખો વખત વિષ જ પેદા થાય છે, તેમ જે ઘડીએ આપણે માનીએ કે આપણું સંસારક્ષેત્ર, આપણું કાર્યક્ષેત્ર એ જ આપણો સાચો આશ્રય છે, તે જ ઘડીએ વિરોધ વિદ્વેષ સંશય અવિશ્વાસ ડગલે ને પગલે જાગ્યા કરે છે; ત્યારે જ આપણે પોતાની જાતને ભૂલી શકતા નથી અને બીજાને સદા આઘાત કર્યા કરીએ છીએ. જેમ પોતાના સંસારમાં જ આખા જગતને ન જોતાં જગતમાં જ પોતાના સંસારને જોઈએ તો જ સત્ય દર્શન કર્યું કહેવાય, અને એ સત્યને આધારે રહીએ તો પોતાની સહજવૃત્તિઓની વિકૃતિ એકાએક થવા પામતી નથી, તે જ પ્રમાણે પ્રત્યેક માણસને પણ આપણે સત્યરૂપે જોવો જોઈએ.

આપણે માણસને સત્યરૂપે ક્યારે નથી જોતા ? ક્યારે તેને ક્ષુદ્રરૂપે જોઈએ છીએ ? જ્યારે આપણી નજરે જ તેને જોઈએ છીએ, તેની નજરે જોતા નથી ત્યારે. મારે માટે તે કેટલો ઉપયોગી છે એ ઉપરથી જ આપણે માણસની કિંમત કરીએ છીએ. મારે તેની કેટલી જરૂર છે, હું તેની પાસે કેટલી આશા રાખી શકું, મારી સાથે તેને વ્યાવહારિક સંબંધ કેટલો, એવો વિચાર કરીને જ આપણે માણસને સીમાબદ્ધ બનાવી દઈએ છીએ. જેમ આપણે પૃથ્વીમાં મોટે ભાગે ઓછી રીતે વસીએ છીએ, જાણે મારી માલમિલકત, મારાં ઘરબાર વગેરેને ધારણ કરવાને માટે જ આખા જગતનું અસ્તિત્વ છે, તેના સ્વતંત્ર અસ્તિત્વનું જાણે કંઈ મૂલ્ય જ નથી. તે જ રીતે આપણે એમ માનીએ છીએ કે મારી જરૂરિયાત અને મારા ગમાઅણગમાને સંતોષવા માટે જ માણસનું અસ્તિત્વ છે – મને સંપૂર્ણપણે બાદ રાખ્યા છતાં તે કેટલો મૂલ્યવાન છે, તે આપણે જોતા જ નથી. જગતને રાતદહાડો ક્ષુદ્ર દષ્ટિએ જોવાથી જેમ પોતાને જ ક્ષુદ્ર બનાવી દઈએ છીએ, તે જ રીતે માણસને આખો વખત પોતાના વ્યાવહારિક સંબંધથી ક્ષુદ્ર કરી નાખીને જોવાથી આપણે પોતાને જ ક્ષુદ્ર બનાવીએ છીએ. એને લીધે આપણી શક્તિ ક્ષુદ્ર બની જાય છે. જગતમાં જેઓ મહાત્મા પુરુષો છે, તેઓ માણસને માણસ તરીકે જુએ છે, પોતાના સંસ્કાર અથવા પોતાની જરૂરિયાત દ્વારા તેને ખંડભાવે જોતા નથી. એને લીધે તેમના પોતાના મનુષ્યત્વની મહાનતા પ્રગટ થાય છે. તેઓ માણસને જુએ છે માટે જ પોતાની જાતને તેઓ માણસને ખાતર અર્પી દઈ શકે છે.

પોતાની દષ્ટિએ જ આપણે જ્યારે બીજાને જોઈએ છીએ ત્યારે આપણે બહુ જ સહેલાઈથી બીજાને વેડફી નાખી શકીએ છીએ. એવી એક વાત છે કે એક લૂંટારુએ માણસને મારી નાખ્યા પછી તેની ચાદરને છેડેથી તેને ફક્ત એક પૈસો મળ્યો હતો. પોતાની જરૂરની દષ્ટિએ જોઈને માણસના પ્રાણને તેણે એક પૈસા કરતાં પણ ઓછા મૂલનો કરી નાખ્યો હતો. પોતાની ભોગવૃત્તિ જ્યારે પ્રબળ બની જાય છે ત્યારે માણસને આપણે ભોગના સાધનરૂપે જોઈએ છીએ, તેને આપણે માણસ તરીકેનું સન્માન આપતા નથી – આપણી લોભી વાસનાને કારણે આપણે સહેલાઈથી માણસને ક્ષુદ્ર બનાવી દઈએ છીએ. ખરું જોતાં માણસ પ્રત્યે અત્યાચાર અન્યાય ઈર્ષ્યા ક્રોધ વિદ્વેષ એ બધાનું જ મૂળ કારણ એ છે કે આપણે માણસને આપણી નજરે જોવાને લીધે તેનું મૂલ્ય ઓછું કરી નાખીએ છીએ અને તેના પ્રત્યે ક્ષુદ્ર વ્યવહાર કરવો આપણે માટે સ્વાભાવિક બની જાય છે. એનું પરિણામ એ આવે છે કે, એને લીધે આપણું પોતાનું જ મૂલ્ય ઓછું થઈ જાય છે. બીજાને ઉતારી પાડતાં આપણે ઊતરી જઈએ છીએ. કારણ, માણસનો સાચો આધાર માણસ છે, આપણે મોટા થઈને એકબીજાને મોટા બનાવીએ છીએ. જ્યાં શૂદ્રને બ્રાહ્મણે હેઠો પાડ્યો છે, ત્યાં બ્રાહ્મણને પણ હેઠા ઊતરવું પડ્યું છે, એમાં લગારે શંકા નથી. શૂદ્ર જો મોટો થાત તો તે આપોઆપ જ બ્રાહ્મણને પણ મોટો રાખત. રાજા જો પોતાની ખાતર અથવા સગવડને ખાતર પ્રજાને ક્ષુદ્ર બનાવી દે, તો તે પોતાને પણ ક્ષુદ્ર બનાવે જ. કારણ, કોઈ પણ માણસ અલગ નથી; પ્રત્યેક માણસ પ્રત્યેક માણસને મૂલ્ય અર્પે છે. જ્યાં માણસ નોકરને કેવળ નોકર જ ન માનતાં માણસ ગણે છે ત્યાં તે મનુષ્યત્વનું સન્માન કરે છે એટલે યથાર્થ રીતે પોતાનું જ સન્માન કરે છે.

પરંતુ, આપણી તામસિકતાને કારણે જગતમાં પણ જેમ આપણે સત્યરૂપે વસતા નથી તેમ માણસને પણ સત્યરૂપે જોવા પામતા નથી. એથી કરીને જગતને હમેશાં મારી સંપત્તિ બનાવી મૂકવી એ એક જ વાત રાતદિવસ મારા ધ્યાનનો વિષય બની જાય છે, અને એટલા માટે જ મોટા ભાગનું જગત મારે મન હોવા છતાં ન હોવા બરાબર બની રહે છે, અને માણસને પણ તેથી જ આપણે આપણા પોતાના સંસ્કાર સ્વભાવ અને જરૂરના કૂંડાળામાં જ જોઈએ છીએ; એટલા માટે જ માણસની જે બાજુ સદા સત્ય હોય છે, જે બાજુ મહાન હોય છે, તે બાજુ આપણી નજર જ પડતી નથી. એટલા માટે આપણે વેપારીની પેઠે તેને કેવળ તેની મજૂરીનું જ દામ આપીએ છીએ, આત્મીયની પેઠે તેના મનુષ્યત્વનું કશું દામ આપતા નથી. એટલા માટે જોકે આપણે મોટામાં જ છીએ તેમ છતાં આપણે મોટાને ગ્રહણ કરતા નથી, જોકે સત્ય જ આપણો આશ્રય છે તેમ છતાં તે આશ્રયથી આપણે પોતાને વંચિત રાખીએ છીએ.

આવી સ્થિતિમાં માણસને આપણે ખૂબ અનાયાસે આઘાત કરીએ છીએ, તેનું અપમાન કરીએ છીએ. માણસની આ રીતે ઉપેક્ષા કરવાથી, અવજ્ઞા કરવાથી આપણું કોઈ કામ સધાય છે, એમ નથી હોતું, એટલું જ નહિ, ઘણી વાર તો કદાચ આપણું કામ બગડતું હોય છે – પરંતુ, એ એક વિકૃતિ છે. બૃહત્ સત્યથી અલગ પડતાં સ્વાભાવિક રીતે જ જે વિકૃતિ દેખા દે છે તે જ આ વિકૃતિ છે. માણસમાં અને વિશ્વજગતમાં આપણે આપણા આવરણને સંકુચિત કરી લીધું છે એથી આપણી સહજવૃત્તિઓ દૂષિત બની જાય છે; એ દૂષિત સહજવૃત્તિ જ રોગચાળારૂપે આપણને પોતાને અને બીજાને મારી નાખ્યા કરે છે. આ આશ્રમમાં આપણી જે સાધના છે તે આ વિશ્વમાં અને માણસોમાં સંકુચિતતામાંથી મુક્તિ મેળવવાની સાધના છે. સત્યને આપણે સંપૂર્ણરૂપે અનુભવવા માગીએ છીએ. એ સાધના સહેલી નથી; પરંતુ કઠિન હોય તોયે સત્યની સાધના કર્યા વિના છૂટકો નથી. આ આશ્રમ આપણી સાધનાનું ક્ષેત્ર છે; એ વાત ભૂલી જઈને જ્યારે આપણે એને કેવળ કર્મક્ષેત્ર માની લઈએ છીએ ત્યારે આપણા આત્માની બોધશક્તિ વિકૃત બની જાય છે, ત્યારે મારું ‘હું’ જ બળવાન બની જાય છે. ત્યારે આપણે પરસ્પરને આઘાત કરીએ છીએ, અન્યાય કરીએ છીએ. ત્યારે આપણી ઉક્તિ અત્યુક્તિ બની જાય છે, આપણો આચાર અત્યાચાર બની જાય છે.

કર્મ કરતાં કર્મની સંકુચિતતા આપણને ઘેરી વળે છે; પરંતુ દિવસમાં ઓછામાં ઓછું એક વાર મનને તેની બહાર લઈ જઈને ઉદાર સત્યને આપણા દૈનંદિન કર્મપ્રયોજનથી પર એવા ક્ષેત્રમાં જોઈ લેવું જોઈશે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ એવી રીતે ગાળવો જોઈશે જેથી ખબર પડે કે આપણે સત્યને માનીએ છીએ. આપણે સત્યરૂપે જીવવું પડશે; બધી મિથ્યા જાળ, બધી કૃત્રિમતાની જંજાળ હઠાવી દેવી પડશે – જગતમાં જે સૌથી મોટો છે તે જ આપણા જીવનનો ઈશ્વર છે એ વાતનો આપણે સ્વીકાર કરવો જ પડશે. આપણે તેનામાં જીવીએ છીએ એ વાતનો અનુભવ જીવનમાં એક દિવસ પણ નહિ કરી જઈ શકીએ ? આ નાનાવિધ સંસ્કારથી અંકાયેલો, નાનાવિધ પ્રયોજનોથી જકડાયેલો ‘હુ’ નો પડદો અવારનવાર હઠાવી દઈ શકીએ તો તે જ ક્ષણે જોવા પામીશું કે ચારે કોર જગત કેવું અપરૂપ છે ! માણસ કેવો વિપુલ રહસ્યભર્યો છે ! ત્યારે આપણને એવું લાગશે જાણે આ બધાં પશુપંખી અને ઝાડપાનને આપણે પહેલી વાર પૂરા મનથી જોઈએ છીએ; પહેલાં આપણે એ બધાંને જોયાં નહોતાં. ત્યારે જ આ ચાંદની રાત પોતાનું આખું હૃદય ખોલી દેશે; આ આકાશમાં, આ વાયુમાં એક ચિરંતન વાણી ગાજી ઊઠશે. તે દિવસે આપણા માનવસંસારમાં જગતસંસારના ચરમ હેતુને સુગભીર ભાવે જોવા પામશું; અને અત્યંત સહેલાઈથી દૂર થઈ જશે બધી બળતરા, બધો વિક્ષોભ અને આ અહમિકા-ઘેર્યા ક્ષુદ્ર જીવનની બધી દુ:સહ વિકૃતિઓ.

[કુલ પાન : 204. કિંમત : રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ, નદીકિનારે. અમદાવાદ-380009 ફોન : 91-79-26587947 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિયાં ફુસકીનું સપનું – જીવરામ જોષી
ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ Next »   

16 પ્રતિભાવો : સત્યબોધ – રવીન્દ્રનાથ ટાગોર

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. અહીં ‘મોટું’ નો અર્થ વિશાળ…કોઇ પણ પ્રકાર ના કુંડાળા રહિત…. વાહ!

 2. સુંદર આધ્યાત્મિક રહસ્યો કેટલા બધા સરળતાથી અને સહજતાથી કવિવરે રજુ કર્યાં છે. આજે આપણા આદ્યાત્મિક રહસ્યોને આવી જ કલાત્મક, સરળ , સહજ અને પ્રવાહિ શૈલિ થી રજુ કરવાની આવશ્યકતા છે.

 3. maru hasmukh says:

  ખુબ સરસ લેખ છે. મારી ઇચ્છા આજે પુરી થઇ ગઇ મને આવા લેખ વાન્ચવા બહુ ગમે છે લેખ વાન્ચતા એવુ લાગે છે કે દુનિયા સામે એક બહુ સાચુ સત્ય મુક્યુ છે. nice artical.

 4. સુરેશ જાની says:

  બહુ જ વીચાર પ્રેરક લેખ. અનુવાદકનું નામ પણ આપ્યું હોત તો ઠીક થાત.

 5. khyati says:

  પુસ્તક ના ચિત્ર પરથી અનુવાદક નુ નામ– નગીનદાસ પારેખ

 6. pragnaju says:

  કર્તાભાવ જાણી-તેને દૂર કરવાની કેવી સરસ સમજુતી-‘આ નાનાવિધ સંસ્કારથી અંકાયેલો, નાનાવિધ પ્રયોજનોથી જકડાયેલો ‘હુ’ નો પડદો અવારનવાર હઠાવી દઈ શકીએ તો તે જ ક્ષણે જોવા પામીશું કે ચારે કોર જગત કેવું અપરૂપ છે ! માણસ કેવો વિપુલ રહસ્યભર્યો છે ‘

 7. nayan panchal says:

  “જ્યાં સુધી ફક્ત મારે લગતી જ વાત થતી હતી, મારા જ સાંસારિક કામની, મારી જ જરૂરિયાતો અને સુખસગવડની વાત ચાલતી હતી – મારા મનમાં જ્યારે હું જ એકદમ મુખ્ય વ્યક્તિ બની ગયો હતો – ત્યારે જ ખરું જોતાં મારા વિશ્વમાં હું જ સૌથી ક્ષુદ્ર બની ગયો હતો.”

  કેટલી સાચી વાત.

  વારંવાર વાંચવો પડે એવો લેખ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.