ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ

[ ધ્રુવભાઈ ભટ્ટ (આણંદ)ના નામથી ગુજરાતી સાહિત્યરસિકો અપરિચિત નથી. સાહિત્યક્ષેત્રમાં તેમનું પ્રદાન સાવ નોખું છે. ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ જેવી ઉત્કૃષ્ટ નવલકથાઓ આપનાર ધ્રુવભાઈ ખૂબ જ સુંદર કવિ-ગઝલકાર છે. તેમના ગીતો-કાવ્યોમાં એટલી સહજતા છે કે પ્રત્યેક વાચકને તે પોતાના હોય એમ લાગે છે અને તેથી જ તેમના આ પુસ્તકનું નામ છે ‘ગાય તેનાં ગીત’. હાલમાં ‘નવનીત સમર્પણ’માં તેમની ‘અકૂપાર’ નવલકથા પ્રકાશિત થઈ રહી છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426331058 ]

[1]
લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.
.

[2]
કહે માર્ગ ક્યાં જઈશ પૂછ્યા વગર બસ અમે ફક્ત ચાલ્યે જશું જિંદગીભર
અહીં ઊગશે દશગણું એમ ઈચ્છયા વગર હેત વાવ્યે જશું જિંદગીભર

અમે જિંદગીના ખભે ટેકવીને ઘણી દર્દભીની પળો રોઈ લીધી
પરંતુ પ્રતિક્ષણ પ્રતિજ્ઞા ધરી કે સમયને હસાવ્યે જશું જિંદગીભર

કરો કલ્પના કોઈ અધરાત લઈને અતિથિ તમારે ઘરે પણ પધારે
તમે દ્વાર ખોલી મૂઠીભર ધરો છો તો તે પર ચલાવ્યે જશું જિંદગીભર

ન ભગવું ન કાળું ન રેશમ ન ખાદી ન કંથા સમું કંઈ સ્વીકારી શક્યો હું
મને વસ્ત્રમાં કોઈ ઓળખ જડી નહીં કે બેસીને રંગ્યે જશું જિંદગીભર

ભલેને સનાતન નથી જિંદગી પણ અમારું સનાતનપણું છે સલામત
ફરી કોઈ જન્મે મળોનું નિમંત્રણ હસીને સ્વીકાર્યે જશું જિંદગીભર

મને પર્વતોના શિખર પર મળે તું પછી તું મને સાવ સન્મુખ નિહાળે
ફરક બેઉનાં દર્શનોમાં હતો શું તે બન્ને વિચાર્યે જશું જિંદગીભર
.

[3]
શક્ય છે હુંયે સૂરજનો સાથ લઈને નીકળું
હર સવારે સાવ નોખી જાત લઈને નીકળું.

નીકળું આકાશગંગા લાંઘવાનું પણ ગ્રહી
રાતના આકાશમાં વણજાર લઈને નીકળું.

સાત જાજરમાન દરિયાઓ ભરી લઈ પાંખમાં
લો મલપતી ચાલ હું વરસાદ લઈને નીકળું.

મૌન થઈ અંતસ્તલે પથરાઉ હું નાભિ સુધી
શબ્દ થઉં તો જીભ પર અસવાર થઈને નીકળું.

સૃષ્ટિની હર એક કૃતિ હર આદમીના હોશમાં
કલ્પના કર યાર તે આકાર લઈને નીકળું.

આ બધી જાહોજલાલી સામટી ઝાંખી પડે
એ રીતે ખાલી કમંડળ હાથ લઈને નીકળું.
.

[4]
પતંગિયાને પાંખ ફૂટી છે ચાલો એ કંઈ વાત કહે છે
અચરજની એક આંખ ખૂલી છે સપનું આખી રાત કહે છે.

કોઈ અમારા કંઠે મીઠાં ગીત મૂકે છે જેમ
ફૂલ ફૂલ પર રંગ રંગની ભાત ભરે છે એમ
ઝરમરતાં ટીપાં તો આખાં વાદળની સોગાત ધરે છે
પતંગિયાને પાંખ ફૂટી છે ચાલો એ કંઈ વાત કહે છે.

ક્યાંક ખીલ્યાં છે ફૂલ હસે છે વગડો જોને આખો
ગીત ગાય છે ઝરણાં જોને પંખી ખોલે પાંખો
ચાંદલિયાની ટોળી સહુને નવતર નવતર વાત કહે છે
અચરજની એક આંખ ખૂલી છે સપનું આખી રાત કહે છે.
.

[5]
હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

[કુલ પાન : 85. કિંમત : 30. પ્રાપ્તિસ્થાન : લજ્જા કમ્યુનિકેશન, સરદાર સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભવિદ્યાનગર. ફોન : +91 2692 233864. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સત્યબોધ – રવીન્દ્રનાથ ટાગોર
ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી – અશોક સોમપુરા Next »   

16 પ્રતિભાવો : ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ

 1. Ramesh Patel says:

  કેટલી ભવ્ય કલ્પના સહજરીતે સરી.ખૂબજ ગમી જાય તેવી કૃતિઓ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. nayan panchal says:

  અતિસુંદર અને ભવ્ય રચનાઓ.

  “ક્યાંક ખીલ્યાં છે ફૂલ હસે છે વગડો જોને આખો
  ગીત ગાય છે ઝરણાં જોને પંખી ખોલે પાંખો
  ચાંદલિયાની ટોળી સહુને નવતર નવતર વાત કહે છે
  અચરજની એક આંખ ખૂલી છે સપનું આખી રાત કહે છે.”

  નયન

 3. Vikram Bhatt says:

  “ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને જીવીયે”…
  જેવી અતી ઉત્તમ રચનાઓ આપનાર ધ્રુવ ભટ્ટને સલામ.

  “આ બધી જાહોજલાલી સામટી ઝાંખી પડે
  એ રીતે ખાલી કમંડળ હાથ લઈને નીકળું.”

  ‘નવનીત સમર્પણ’માં તેમની ‘અકૂપાર’ ગરવા ગિરનારનો અને તેના મલક્વાસીઓનો દર મહીને જબરદસ્ત પરિચય કરાવે છે.

 4. સુંદર ગીતો, બસ ગાયા જ કરીએ.

 5. pragnaju says:

  મારી ગમતી પંક્તિના કવિની પાંચેય રચનાઓ મઝાની
  ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
  આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
  લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
  આવ મળવાનું તને કારણ મળે.

  કંઠમાં ગીતો હલકમાં વેદના
  ને અલખનો ઓટલો રણઝણ મળે માણસ ક્યારેક દિશાભ્રમિત થઈ જાય છે, ક્યારેક ભૌતિકતાના પ્રવાહમાં તણાઈ જાય છે, ક્યારેક જીવનથી ખૂબ વ્યસ્ત થઈ જાય છે, ક્યારેક સંજોગોને આધિન થઈ જાય છે, અને જીવનમાં રુક્ષતા આવી જાય. પરંતુ એવે સમયે પાંદડી પર પડેલા પાણી અને દરિયાનાં પાણીની અંદર રહેલો ભગવાન ફરીથી આપણને એક ભાવમય જીવન જીવવાનો સંદેશ આપી જાય છે.
  …કેટલું સંવેદનશીલ અને વાસ્તવિક છે

 6. રેખા સિંધલ says:

  લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
  નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
  ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
  ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.

  વાહ ! શું સુંદર રચનાઓ છે !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.