ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી – અશોક સોમપુરા

[ પ્રસ્તુત કૃતિ ‘કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. ઑક્ટોબર-2006માં પ્રકાશિત થયેલું આ પુસ્તક વર્ષ : 2008 સુધીમાં ત્રણ વખત પુનર્મુદ્રણ પામ્યું છે. આ પુસ્તકમાં ઠક્કરબાપા, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, જુગતરામ દવે, પૂ. મોટા, ઝીણાભાઈ દેસાઈ, મૂળશંકર ભટ્ટ, ડોલરરાય માંકડ, પ્રભાશંકર ત્રિવેદી, મનુભાઈ પંચોળી જેવા 20 જેટલા કેળવણીકારોના જીવન તેમજ કાર્યક્ષેત્રનો પરિચય આપવામાં આવ્યો છે. પુસ્તકનું સંપાદન શ્રી મોતીભાઈ મ. પટેલે કર્યું છે. પુસ્તકની વધુ વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

પ્રસ્તાવના :

વિકાસના ક્ષેત્રે પ્રગતિ કરવા હરણફાળ ભરતા માનવીએ શિક્ષણક્ષેત્રે વિરાટકાય સ્વરૂપ આપી દીધું. શિક્ષણના મોટા વ્યાપમાં અનેક શિક્ષણકારો, તત્વચિંતકો અને સમાજસેવાના ભેખધારીઓનો સમાવેશ થાય છે. શિક્ષણે આજે તો વિશ્વને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની ભેટ આપી છે એવું આ શિક્ષણ કેળવણીકારોનું સદાય ઋણી છે – રહેશે. ગુજરાતમાં થોડા પણ મૂઠી ઊંચેરા એવા માનવી થઈ ગયા; જેમણે પ્રગટાવેલી શિક્ષણ જ્યોત આજેય પ્રકાશ પથરાવી રહી છે. એમણે પોતાના સ્વાર્થનો અને સ્વયં પ્રસિદ્ધિનો જરાય વિચાર કર્યો નથી. એમણે પોતાના કેળવણીકાર્યને એવું તો ચેતનવંતુ રાખ્યું કે તેમની નોંધ શિક્ષણ જગત હોંશે હોંશે લેશે.

ગુજરાતના ખ્યાતનામ કેળવણીકાર અને આર્ષદષ્ટા શ્રી હરભાઈ ત્રિવેદીના જીવનના વિશાળફલક ઉપરથી ચૂંટી કાઢેલા માત્ર થોડા જ અંશો અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ગુજરાતના શિક્ષણ જગતમાં હરભાઈનું નામ અગ્રેસર છે. શિક્ષણના અનેક પ્રયોગો અને ઉત્તમ અનુભવોથી ભરેલી તેમની લાંબી જીવનયાત્રા હતી. તેઓ જીવનના અંતકાળ સુધી શિક્ષણમાં સક્રિય રહ્યા હતા.

શિક્ષણ સંકલ્પના :

ગુજરાતના ભાવનગર જિલ્લાના વરતેજ ગામમાં તા. 14-11-1891ના રોજ જન્મેલા શ્રી હરભાઈનું બાળપણનું નામ હરિશંકર હતું. તેમની માતાનું નામ જીવકોરબા અને પિતાનું નામ દુર્લભજી ત્રિવેદી હતું. શ્રી હરભાઈ ત્રિવેદી ઉત્તમ કેળવણીકાર હતા. કોઈ એક જ વિષય કે વિભાગને તેઓ કેળવણી માનતા ન હતા. એમને મન કેળવણી જીવનના અંતકાળ સુધી સતત ચાલતી પ્રક્રિયા હતી. જીવનનાં બધાં જ પાસાંના સર્વાંગીણ વિકાસ માટે તેઓ કેળવણીને જરૂરી માનતા. તેઓ વ્યક્તિના ઘડતરથી માંડી સમાજ અને અંતે રાષ્ટ્રના વિકાસમાં કેળવણીની ભૂમિકાને ખૂબ જ અગત્યની ગણતા. આચાર્ય તરીકે માત્ર મહિને રૂ. 100 ના વેતનથી કાર્ય કરવાનો નિર્ણય હરભાઈએ લીધો હતો. તેઓ પૈસાને મહત્વ આપતા ન હતા. આદર્શ સાથે શિક્ષણમાં સદાય ઓતપ્રોત રહેવું એ એમનો જીવનમંત્ર હતો. તેઓ બળજબરીથી શિક્ષક થયા ન હતા. તેઓ પ્રેમપૂર્વક શિક્ષક થયા હતા અને પોતાનામાં રહેલા શિક્ષકત્વને જીવનના અંત સુધી જીવંત રાખી શકતા હતા. આથી જ શિક્ષણમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ હતી. પાઠ્ય-પુસ્તકના ભણતર માત્રને જ તેઓ કેળવણી માનતા ન હતા. તેઓ શિક્ષણમાં કામ કરતાં કરતાં જ્ઞાન મેળવતા. તેઓ એમ માનતા કે શિક્ષક પણ વિદ્યાર્થી જ છે. શિક્ષકે સદાય વિદ્યાર્થી રહી શીખવા પ્રયત્ન કરવો જોઈએ.

શિક્ષણમાં નવા યુગનો પ્રારંભ:

20મી સદીમાં શિક્ષણના વર્તમાન પ્રવાહો સાથે ભળી જઈ કામ કરનારા શિક્ષણપ્રેમીઓ અનેક હતા, પરંતુ દષ્ટિને દીર્ધ બનાવી નવા યુગ સાથે તાલ મિલાવે એવી પ્રણાલીનો પ્રારંભ કરનારા હરભાઈ એક જ હતા. બાળકને તેના અભ્યાસ દરમિયાન સ્વઅધ્યયન, સ્વવિકાસ અને સ્વતંત્ર વ્યવહારની સગવડ આપનાર હરભાઈએ તે સમયે પોતાનો નિષ્ઠાપૂર્વકનો આ પ્રયાસ ચાલુ રાખ્યો. તેમના આ શૈક્ષણિક કાર્યે ગુજરાતના શિક્ષણમાં નવા યુગનો ચીલો શરૂ કર્યો. ઈ.સ. 1910થી 1912 સુધી દક્ષિણામૂર્તિ સંસ્થાના છાત્રાલયમાં ગૃહપતિ તરીકેની માનદ સેવાએ તેમને અનેક અનુભવ કરાવ્યા. યુવાનોને સમજવાની વાત એ એમના જીવનનું કાર્ય બની ગયું. વિનય મંદિરના આચાર્ય બન્યા બાદ તેમણે શિક્ષણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યાં સહશિક્ષણના વિવિધ પ્રયોગો કરીને આ અંગેના વિવિધ પ્રશ્નો ઉપર ‘દક્ષિણામૂર્તિ’ ત્રિમાસિકમાં લેખનકાર્ય શરૂ કર્યું. પોતાની વ્યાપક વિચારસરણી અને અનુભવને આધારે તેમણે 1926થી જ વિનયમંદિરમાં ‘સ્વાધ્યાય યોજના’ (ડોલ્ટન-પ્લાન)નો ઉત્તમ પ્રયોગ કર્યો, જેને વ્યાપક આવકાર મળ્યો. શિક્ષણક્ષેત્રમાં આ પદ્ધતિએ અનોખી દિશા દેખાડી. આ તેમના કાર્યની અનોખી સિદ્ધિ હતી.

શિક્ષણ વિકાસ:

ગુજરાતના શિક્ષણ વિકાસનું પ્રથમ કિરણ ભાવનગરમાંથી જ પ્રગટ્યું. દક્ષિણામૂર્તિ વિદ્યાભવનનો ઉદ્દભવ અને નાનાભાઈ, ગિજુભાઈ અને હરભાઈની ત્રિપુટીનું શિક્ષણ પ્રદાન શિક્ષણ ઈતિહાસમાં ગુજરાતને ગૌરવ અપાવે તેવું છે. હરભાઈનું કેળવણીમાં વિશિષ્ટ પ્રદાન તો વિદ્યાર્થીના માનસને સમજવાનું અને એ રીતે વિદ્યાર્થીનું સાંસ્કારિક ‘ઘડતર’ કરવાનું રહ્યું હતું. આડે રસ્તે વળેલા કે તોફાની વિદ્યાર્થીઓને સારા માર્ગે વાળવાની તેમની રીત ઘણી જ ઉત્તમ અને અનોખી હતી, જે કોઈક શિક્ષણકાર કરી શકે. એ રીતને આચરણમાં મૂકી તેમણે અનેક વિદ્યાર્થીઓનું ‘ઘડતર’ કર્યું, જે શિક્ષણ સમાજ માટે ભવિષ્યમાં ઘણા ઉપયોગી બન્યા. આ હતું એમનું પ્રાણવાન શિક્ષણ તરીકેનું વ્યક્તિત્વ પાસું.

વિદ્યાર્થીઓની કામ કરવાની મનની તાકાત અને તેમની રીતભાત ઉપર તેમણે સદાય વિશ્વાસ રાખ્યો હતો. આ રીતે વિદ્યાર્થીઓમાં વિશ્વાસ મૂકવાની ઉત્તમ પ્રેરણા તેમણે જૂના-નવા સૌ શિક્ષકો અને વાલીઓને પૂરી પાડી હતી. તેમના મતે બધા જ વિદ્યાર્થી સમાન હતા. કોઈ હોશિયાર નહીં, કોઈ ઠોઠ નહીં. તેમના જીવનનું આ એક અગત્યનું પાસું હતું. આ માન્યતામાં તેઓ ખૂબ દઢ હતા. શિક્ષણમાં સતત નવા પ્રવાહો નૂતન બનાવવા અને નૂતન બનેલા શિક્ષણને સદાય જીવંત રાખવા તેમણે વિદ્યાર્થીઓને પૂરી શ્રદ્ધાથી ચાહ્યા હતા. એ સ્નેહ અને વિશ્વાસના સથવારે તેમણે કરેલા અનેક પ્રયોગો સફળ બની રહ્યા. એમની આ કેડી પર એ સફળ પ્રયોગો નૂતન શિક્ષણના વિકાસની કેડી બની રહ્યા. આજે કેડી પર શિક્ષકો ધારે તો શિક્ષણમાં ધારી સફળતા મેળવી શકે એમ છે. શિક્ષણનો વિકાસ કરી શકે એમ છે.

લેખન દ્વારા શિક્ષણમાં પ્રદાન:

વિદ્યાર્થીઓના ભણતર-ઘડતર માટેના પ્રયોગો, ઉત્તમ વિચારોનો પ્રચાર-પ્રસાર થાય એ માટે તેમણે વિવિધ સામાયિકોના પ્રકાશનની જવાબદારી હાથ ધરી. ‘દક્ષિણામૂર્તિ’, ‘છાત્રાલય’, ‘નૂતન શિક્ષણ’ અને ‘ઘરશાળા’ જેવાં સામાયિકોમાં તેમણે સતત લેખનકાર્ય કર્યું. શિક્ષણના પ્રયોગો, વિવિધ કોયડાઓ અને તેનો ઉકેલ, શિક્ષણના વિવિધ સિદ્ધાંતો અને નીતિ વિષયક નિર્ણયો આ માસિકમાં પ્રગટ થતા. આ માસિકોમાં જે કાંઈ પ્રગટ થતું તેને તેઓ સમયને અનુરૂપ પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ કરતા. વિદ્યાલયના સ્તર ઉપર બાળકોને ધર્મની સચ્ચાઈ ઉપર પણ કંઈક વાંચવા મળે તે માટે તેમણે ‘તથાગત’ અને ‘જાતકકથાઓ’ નામનાં પુસ્તકો પ્રગટ કર્યાં. ધર્મનીતિ નામનાં પુસ્તકો દ્વારા એડોલન્સ (યુવાવસ્થા)માં આવનારાં બાળકોને ધર્મ વિશેનાં મૂલ્યો અને સત્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો.

શ્રી હરભાઈએ 40 વર્ષ સુધી ‘ઘરશાળા’ માસિકના વિકાસની એકધારી સંભાળ રાખી. શિક્ષણના અદ્યતન પ્રવાહોની જાણકારી મેળવી તેઓ લોકો સમક્ષ મૂકતા. શિક્ષણના સિદ્ધાંતને પ્રયોગોની એરણે ચડાવી તેમાંથી નીપજેલા પરિણામને તેઓ લેખ દ્વારા સતત પ્રગટ કરતા. બાળકનું ઘડતર સર્વાંગીણ થાય એ માટે તેઓ બાલમાનસને સમજવાનો સતત પ્રયત્ન કરતા રહેતા. ‘ઘરશાળા’ માસિક પ્રગટ કરવાનો તેમનો સ્પષ્ટ હેતુ હતો. નવી પેઢીના ઘડતરમાં સૌથી મોટો ફાળો ઘર અને બીજી બાજુ શાળાનો છે. ઘર એટલે કુટુંબનું સ્વાસ્થ્ય સંગીન રહે, ઘરનું સંસ્કારધન ઉચ્ચ પ્રકારનું બને, શિક્ષકો અને અધ્યાપકો વિદ્યાર્થી ઘડતરમાં સદાય સક્રિય રહે એ ખૂબ જરૂરી છે. ઘર અને શાળાના આ પ્રયત્નોમાં સહાયભૂત થઈ શકે તેવું સત્વશીલ સાહિત્ય પૂરું પાડવાનો ‘ઘરશાળા’ માસિકનો મુખ્ય હેતુ રહ્યો છે. તેનું સંવર્ધન કરવાનું કામ હરભાઈએ આજીવન કર્યું. આજે પણ ‘ઘરશાળા’ માસિક શિક્ષણ જગતની પ્રેરક અને ઉપયોગી સેવા કરી રહ્યું છે.

શૈક્ષણિક સાહિત્યનું સર્જન કરવામાં પણ હરભાઈનો ફાળો ઘણો મોટો છે. સામાયિકોમાં તેમણે અસંખ્ય ઉપયોગી લેખો લખ્યા. સાથે સાથે શિક્ષણમાં સંકળાયેલા સૌને કાયમી ઉપયોગી થઈ શકે એવા ઉત્તમ સાહિત્યનું નિર્માણ તેમણે પુસ્તક સ્વરૂપે કર્યું. તેમનાં અનેક પુસ્તકો આજે પણ ઘણાં જ ઉપયોગી છે. તેમના પ્રચલિત પુસ્તકોમાં : ‘દરેક કુટુંબ સાથે બેસીને વાંચે’, ‘કોઈએ નહોતું કીધું’, ‘નવી કેળવણી’, ‘બાળકોની કથની’, ‘બાલ મહિમા’, ‘સ્વાતંત્ર્યનો પ્રયોગ’, ‘બાળક મનોવૈજ્ઞાનિક દષ્ટિએ’, ‘નવી દષ્ટિ’, ‘મૂંઝવતું બાળક’, ‘ડોલ્ટન યોજના’, ‘કેળવણીનું નવનિર્માણ’, ‘જાતક કથાઓ’, ‘તથાગત’, ‘શા માટે ?’, ‘જીવનની કેળવણી’, ‘ભયનો ભેદ’, ‘સાર્જન્ટ યોજના’ અને ‘નવી દષ્ટિ’ મુખ્ય છે. આ ઉપરાંત પણ તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે.

પરિવારમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની શાસ્ત્રીય સમજ હોય તો સુખમય વાતાવરણનું નિર્માણ થાય છે એમ તેઓ માનતા. માણસોના પારસ્પારિક સંબંધો તથા સ્ત્રી-પુરુષના જાતીય વ્યવહાર અંગે સાચી સમજ ફેલાવવા તેમણે ઘણો પ્રયાસ કર્યો. તેમાં તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. જાતીય મનોવિજ્ઞાન વિશે રસ, અભ્યાસ અને તે માટે વિકાસની દષ્ટિ કેળવવા જાહેરમાં વાત કરવાની હિંમત એ જમાનામાં શ્રી હરભાઈ ત્રિવેદીએ કરી હતી. કિશોર-કિશોરીઓની ઉંમર વધતાં તેમનામાં થતા શારીરિક ફેરફારો, જાતીય પ્રશ્નોની મનોવૈજ્ઞાનિક દષ્ટિએ મૂલવણી કરી સમાજને સાચી દિશા ચીંધવાનો પ્રયાસ હરભાઈએ કર્યો હતો. એટલે તો તેમને ગુજરાતના ‘ફ્રોઈડ’ ગણી શકાય. ‘માનવીને જ્યારે કોઈ ભય અને અજ્ઞાનતા સતાવતાં હોય ત્યારે તે કાંઈક છુપાવવા મથે છે. આમ કરવાથી તે અનેક ભૂલ કરી બેસે છે. અને આ ભૂલો જ તેની છુપાવેલી હકીકતો બહાર લાવી દે છે.’ આવી વાસ્તવિકતા કિશોર-કિશોરીઓને સમજાવનાર સૌ પ્રથમ હરભાઈ હતા. માનસશાસ્ત્રીય વિચાર દ્વારા વિકૃત વિચારો કરનારા અને એ ખરાબ વિચારોને આચરણમાં મૂકવાવાળાઓને સાચી દિશા હરભાઈએ બતાવી હતી. જાતીયશિક્ષણ વિશે સૂત્ર ધરાવનારા કે સેક્સના નામે નાકનું ટેરવું ઊંચું કરનારાઓ હરભાઈથી આખરે પ્રભાવિત થયા હતા. આ અંગે આદરણીય મુ. શ્રી જશીબહેનનું નીચેનું કાવ્ય હરભાઈને સમજવામાં આપણને વધુ સહાયભૂત થશે :

જનમ્યા જીવ, બાળ સ્વરૂપે
દિનરાત જાતાં, મોટું થતું એ
શરીરે ધર્યું યૌવન
યૌવને વિકસ્યું મન
ઓળખો પારખો એને
સમજો તમે
પરસ્પરનું આકર્ષણ મૂક્યું કુદરતે
સ્વીકારો તે, સમજાવો તેમને
ચીંધો જીવન માર્ગ યોગ્ય
કુદરતે બક્ષેલું બધું છે
છુપાવશો ના કદી
અવગણશો ના –
જીવન યૌવનના વ્યવહારને
તો એળે જશે ના મહેનત કદી
યૌવન બની રહેશે
છીપનું મોતી
સમજ્યા વડીલો ?

એ જમાનો એવો હતો કે છોકરા-છોકરીઓ સાથે ભણે એ વિચાર નવો હતો અને સમાજના રૂઢિચુસ્ત લોકો માટે અસ્પૃશ્ય હતો. સ્ત્રીસમાનતા કે સહશિક્ષણની એ જમાનામાં જો કલ્પના જ ન હોય તો તેના આચરણની વાત એ જોજનો દૂર હતી. પરંતુ હરભાઈએ એ જમાનામાં સહશિક્ષણની હિમાયત કરી પ્રયોગ આદર્યો અને તેમાં તેઓ સફળ રહ્યા. એકવીસમી સદીના આજના યુગમાં હરભાઈના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એટલું જ નહીં, આવતી કાલે પણ પ્રસ્તુત છે. તેમણે જે જે વસ્તુ કે વિચારોને સંપત્તિ માની છે તે જાણીને આપણને તેમની મોટાઈનો ખ્યાલ આવશે. તેમણે કરેલું વસિયતનામું અહીં રજૂ કરી અટકું છું.

‘મારું વસિયતનામું’
તા. 14-નવેમ્બર-1964.

‘સમગ્ર માનવજાતનો હું વારસદાર છું. માનવમાત્ર મારો વારસદાર છે. મેં ધન સંઘર્યું નથી એટલે ધનવિતરણની ચિંતા નથી. મારા શરીર પાસેથી ધાર્યું કામ લેવામાં હું સફળ થયો છું, એટલે જે કોઈ આ વાંચે તે પોતાના શરીરના અર્પણથી અંકિત બને તેમ પ્રાથું. મારું મન નિશ્ચલ અને સ્વસ્થ રાખવાના પ્રયત્નોમાં હું ઠીક ઠીક સફળતા હાંસલ કરી શક્યો છું. મારા મનની નિર્મળતાને મેં હંમેશાં આકરી કસોટી ઉપર ચડાવેલ છે. એવી કસોટીઓ જોખમી હોય છે અને ગંભીર પરિણામો લાવનારી પણ હોય છે. મને આનંદ સંતોષ છે કે મારા મનની નિર્મળતાનું અને સ્વાસ્થ્યનું ત્રાજવું મેં કદી ગુમાવ્યું નથી.

હું નહીં હોઉં ત્યારે મારી પાછળ કુટુંબકબીલો કેટલો અને કેવા સ્વરૂપમાં હશે તેની ખબર નથી. પણ જે હશે તેને મેં જીવનની જે તાલીમ આપી છે તે તાલીમ પોતપોતાનું જીવન ઊજળું, તેજસ્વી અને પ્રામાણિક બનાવવામાં ખપ લાગવાની છે તેવી લાગણી હું અનુભવી રહ્યો છું. કેળવણીને મેં મારો જીવનધર્મ ગણ્યો છે. બાળક માત્રને મારું સર્વસ્વ આપવાના મેં મનોરથ સેવ્યા. હું તેમાં ઠીક ઠીક સફળ થયો છું તેમ માનું છું.

પ્રેમધર્મને મેં માનવીનો સર્વોત્તમ ધર્મ ગણ્યો છે. મારે કોઈ દુશ્મન નથી, કારણ કે સૌ કોઈને મેં પ્રેમનજરથી નિહાળ્યા છે. શિક્ષક તરીકેની મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મેં એકમાત્ર પ્રેમતત્વની જ ઉપાસના કરી છે. મંહ પ્રેમ આપ્યો છે અને મને પ્રેમ મળ્યો છે. મારા વિદ્યાર્થીઓ સાથે, સહકાર્યકર્તાઓ સાથે, મિત્રો સાથે, ટૂંકમાં, પ્રાણીમાત્ર સાથે મેં જીગરથી પ્રેમ કર્યો છે. બદલામાં મને નિર્ભેળ પ્રેમ મળ્યો છે. મારા પરિચયમાં આવેલા સૌ કોઈ – પછી તે કુટુંબીજનો હોય, મિત્રો હોય, સહકાર્યકરો હોય કે પ્રશંસકો-શુભેચ્છકો-નિંદકો હોય – તે સૌ નિર્ભેળ પ્રેમનું રાજ્ય સ્વીકારો. પ્રેમના એ ઝરણામાં નહાવાથી જીવનમુક્તિ છે તેવો દાવો હું કરી શકું છું. આ દાવો જીવનભરના પ્રયોગો અને અનુભવોમાંથી મેં પ્રાપ્ત કર્યો છે.

કોઈને ધન લલચાવે નહીં, કોઈનું ચંચળ મન આડે માર્ગે વળે નહીં, કોઈ માનસિક સ્વાસ્થ્ય ગુમાવે નહીં તે મારી હંમેશની અભિલાષાઓ છે. સૌનું કલ્યાણ થાઓ..’

-હરભાઈ ત્રિવેદી

કેવું ભવ્ય અને પ્રેરક વસિયતનામું છે !! આજે પણ ‘ઘરશાળા’ સંસ્થા અને ‘ઘરશાળા’ સામાયિક દ્વારા તેઓ જીવંત છે. આવા ઋષિકુળના હરભાઈને લાખો પ્રણામ. આવા સમર્થ કેળવણીકારને શત શત વંદન.

[કુલ પાન : 216. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380 001. ફોન : +91 79 25506573.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ
શિખર – ‘બેજાન’ બહાદરપુરી Next »   

13 પ્રતિભાવો : ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી – અશોક સોમપુરા

 1. Hiral Thaker "Vasantiful" says:

  સાચી કેળવણી ની વ્યાખ્યા “બાળકને તેના અભ્યાસ દરમિયાન સ્વઅધ્યયન, સ્વવિકાસ અને સ્વતંત્ર વ્યવહારની સગવડ…”

  ખુબ સરસ.

 2. nayan panchal says:

  આવા ઋષિઓને શત શત પ્રણામ.

  ‘કોઈને ધન લલચાવે નહીં, કોઈનું ચંચળ મન આડે માર્ગે વળે નહીં, કોઈ માનસિક સ્વાસ્થ્ય ગુમાવે નહીં તે મારી હંમેશની અભિલાષાઓ છે. સૌનું કલ્યાણ થાઓ..’

  આભાર.

  નયન

 3. દક્ષિણામુર્તિમાં અભ્યાસ કરવાનું અને ઘરશાળા સાથે ઘનિષ્ઠતા કેળવવાનું પ્રાપ્ત થયું હોવાથી હું મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું.

 4. Rasik Butani says:

  ઘરશાળા………………………
  સરસ્વતિ વિધાલય, સરસપુર, અમદાવાદ.

 5. pragnaju says:

  ગુજરાતના શિક્ષકો-પ્રશિક્ષકોએ ઘરશાળા-ભાવનગર અને સરસ્વતી વિદ્યામંડળ- અમદાવાદને તીર્થસ્થાન માનીને દર્શન કરવાં જોઈએ. હરભાઈનો સૌરાષ્ટ્ર યુનિર્વિસટીની સ્થાપનામાં અને ભાવનગર યુનિર્વિસટીની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો છે. યુનિર્વિસટીની રચના થતાં તેઓ તેના વહીવટમાં રહેવાને બદલે દૂર રહીને યુનિર્વિસટીના વિકાસનું કાર્ય નિહાળ્યું.Love is something that gathers strength with patience, grows despite obstacles, warms in winter, flourishes in sprting, casts a breeze in summer and bears fruit in autumn. I found love.’ – kahlil Gibran અને સ્ત્રી-પુરુષ એકબીજાના સાચા સમન્વયથી જીવન જીવે અને જીવન ધન્ય બનાવી શકે આવા વિચારવાળા હરભાઈ ફ્રોઈડ કરતાં એક મુટ્ટી ઉંચેરા હરભાઈને કોટી વંદન

 6. kailasgiri says:

  ભવ્ય વસિયતનામુ
  ભાવનગરના હરભાઈને કોટી વંદન

 7. ” હું નહીં હોઉં ત્યારે મારી પાછળ કુટુંબકબીલો કેટલો અને કેવા સ્વરૂપમાં હશે તેની ખબર નથી. પણ જે હશે તેને મેં જીવનની જે તાલીમ આપી છે તે તાલીમ પોતપોતાનું જીવન ઊજળું, તેજસ્વી અને પ્રામાણિક બનાવવામાં ખપ લાગવાની છે તેવી લાગણી હું અનુભવી રહ્યો છું. કેળવણીને મેં મારો જીવનધર્મ ગણ્યો છે. બાળક માત્રને મારું સર્વસ્વ આપવાના મેં મનોરથ સેવ્યા”

  મૂળમાં જે સંસ્કાર સીંચાય એ છેક ફળ સુધી મીઠાશ પહૉંચાડે … તેમના સત્કર્મોએ કેટકેટલાનાં જીવન સુધાર્યા હશે? આ જગ્યાઓ જ આપણા સાચાં તીર્થસ્થાનો છે.

 8. Geetika parikh dasgupta says:

  ઇતિહાસ થી ભવિષ્ય વીશે સારુ એવુ શીખી શ્કાય છે…. સરસ લેખ્….
  Geetika Dasgupta,
  Kolkatta

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.