શિખર – ‘બેજાન’ બહાદરપુરી

[ જાણીતા લેખક શ્રી વ્રજેશભાઈ વાળંદની ‘અલવિદા’, ‘નામ તો નહીં જ કહું’ વગેરે ગદ્યકૃતિઓથી આપણે સૌ પરિચિત છીએ. તેઓ લેખક હોવાની સાથે સારા ગઝલકાર પણ છે.  પોતાનું પદ્યસર્જન તેઓ ‘બેજાન બહાદરપુરી’ નામથી કરે છે. તેમની આ ગઝલો ‘અખંડઆનંદ’ જેવા સાહિત્ય સામાયિકોમાં સ્થાન પામી છે. રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા માટે વ્રજેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9723333423 સંપર્ક કરી શકો છો. ]

[1] એનું શું !

ડગર સીધી સરળ છે તોય વાગી ઠેસ એનું શું !
નથી એ થામનારા હાથ, એ આશ્લેષ એનું શું !

પૂછ્યું’તું ‘કેમ છો !’ એણે અધર પર સ્મિત ફરકાવી
નજરમાં નેહનો નો’તો કશો ઉન્મેષ એનું શું !

તને છો રસ પડ્યો ભારે, વધુ કહેવું નથી મારે
અહીંથી રાખવી છે આ કથાને શેષ એનું શું !

ભલેને નાક રગડીને કબૂલે તું ગુના તારા
નથી દેવી તને મારે ક્ષમા લવલેશ એનું શું !

દુહાઈ જેમની દેતા હતા મગરૂર થઈ અમને
રહ્યા ના એ સબંધોના કશા અવશેષ એનું શું !

ફરેના ભૂલથી પાછા કદી ‘બેજાન’ જગમાં પણ
જુએ છે રાહ એની આ નયન અનિમેષ એનું શું !
.

[2] ધરાવું છું

ગણાવું દર્દ તો દર્દો બધાં નામી ધરાવું છું
પરંતુ દર્દનો અહેસાસ હંગામી ધરાવું છું

નિહાળીને મને લોકો કરે છે બંધ દરવાજા
ખબર પડતી નથી કેવીય બદનામી ધરાવું છું

કરો છો જે તમે એ વાહવાહી કે બીજું કંઈ છે
કસમથી એ સમજવામાંય નાકામી ધરાવું છું

શિકસ્તોનો નવો ઈતિહાસ રોજેરોજ સર્જું છું
પુરોગામી નથી કોઈ, ન અનુગામી ધરાવું છું

કબીરના ઢાઈ આખરની ખુમારી છે રગેરગમાં
અગર ખામી ગણો એને તો એ ખામી ધરાવું છું

જરા શોહરત મળી કે દોસ્તો પણ થઈ ગયા દુશ્મન
પછી લાચાર થઈ ‘બેજાન’ ગુમનામી ધરાવું છું.
.

[3] ગઝલ

ગુપચુપ વહેતી રાંક નદીની વન ઉપવન પ્રસરી છે વાત
સમદર છોડી ભાગી ગઈ છે તરવરિયા ઝરણાંની સાથ

ટમટમતી એ દીપ-શિખાએ સણસણતી મારી લપડાક
સગડ જડ્યા ના, સંતાયો ક્યાં સૂસવતો એ ઝંઝાવાત

મરક મરક મલક્યો’તો શાને નભ-સરમાં સરતો એ ચાંદ
ઉર સરસો ચાંપ્યો’તો કોણે મઘમઘતો જોબન ઉન્માદ

કરતલ પર છાલાં શાને ! શી ઝણઝણ તનમાં એ ના પૂછ !
રમત રમતમાં પકડ્યો’તો મેં ધગધગતા સૂરજનો હાથ

નવતર કંઈ કરવા ઝંખે તો પરહર આ જડતા ‘બેજાન’
શિખર હજી પણ બાકી છે કંઈ સર કરવાના મરણો પરાન્ત

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી – અશોક સોમપુરા
આવું પણ બને ! – સંકલિત Next »   

10 પ્રતિભાવો : શિખર – ‘બેજાન’ બહાદરપુરી

 1. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  નયન

 2. વાહ, ગદ્ય અને પદ્ય બંને ઉપર જોરદાર પકડ છે.

 3. sujata says:

  બ્ હુ જ સ ર સ……. ધરાવું છું ………………
  શિકસ્તોનો નવો ઈતિહાસ રોજેરોજ સર્જું છું
  પુરોગામી નથી કોઈ, ન અનુગામી ધરાવું છું………………વા હ્….

 4. pragnaju says:

  ત્રણેય સુંદર રચના
  કરો છો જે તમે એ વાહવાહી કે બીજું કંઈ છે
  કસમથી એ સમજવામાંય નાકામી ધરાવું છું
  વાહ
  સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં હું જ
  જીવ રૂપે અસ્તિત્વ ધરાવું છું !

 5. sudhir patel says:

  વાહ! ત્રણેય સુંદર ગઝલો! મજા આવી ગઈ, મૃગેશભાઈ!
  બેજાનને પણ અભિનંદન!
  સુધીર પટેલ.

 6. ગણાવું દર્દ તો દર્દો બધાં નામી ધરાવું છું
  પરંતુ દર્દનો અહેસાસ હંગામી ધરાવું છું ….

  ખૂબ સુંદર રચનાઓ

 7. Hardik Dave says:

  ખુબ જ સરસ રચનાઓ છે…… આભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.