આવું પણ બને ! – સંકલિત

[1] એક પટેલની આત્મકથા ! – સુધીર શાહ

મિનેશ જશભાઈ પટેલ દસમી ફેઈલ છે. એની ઉંમર ફક્ત 24 વર્ષની છે. પણ સુરત નજીક આવેલા એના ગામમાં જો કોઈને પણ અમેરિકાના ઈમિગ્રેશનને લગતો કોઈ પ્રશ્ન મુંઝવતો હોય તો તેઓ સુરત, નવસારી, બારડોલી, આણંદ, બરોડા, અમદાવાદ કે મુંબઈના વિઝા કન્સલટન્ટોને નહીં પણ મિનેશની સલાહ લે છે. મિનેશે 24 વર્ષની ટૂંકી જિંદગીમાં અમેરિકાના ઈમિગ્રેશનની લાંબી સફર ખેડી છે. કેવી રીતે ? ચાલો જોઈએ….

નાનો હતો, માંડ ચાર કે પાંચ વર્ષનો, ત્યારે એની ફઈએ એમનું ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરાયેલું ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન કરંટ થતા, મિનેશનું નામ પોતાના દીકરા તરીકે એમના પિટિશનમાં ઘુસાડ્યું હતું ! કોન્સ્યુલર ઑફિસરને વહેમ આવતા એણે મિનેશની ફઈને એનો અને મિનેશનો ડી.એન.એ. ટેસ્ટ કરવા જણાવ્યું હતું. જો આ ટેસ્ટ કરાવે તો પોલ પકડાઈ જાય એટલે એની ફઈએ એમ કરવાનું ટાળ્યું હતું. મિનેશના સદભાગ્યે એ જમાનામાં વિઝાની દરેક અરજીઓ કોમ્પ્યુટરમાં રેકોર્ડ કરવામાં આવતી ન હોવાથી મિનેશ એની ફઈનો છોકરો છે એવો રેકોર્ડ અમેરિકન કોન્સ્યુલેટમાં રહ્યો ન હતો. એ પછી તે દસ વર્ષની ઉંમરનો થયો ત્યારે મિનેશના પિતાએ અમેરિકી વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી અને સાથે સાથે આખા કુટુંબની પણ વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી. આખા કુટુંબની એ અરજી નામંજૂર કરવામાં આવી હતી. એ પછી મિનેશની માએ એ પોતે એક મંદિરમાં વર્ષોથી પૂજાપાઠ કરાવે છે એવું જણાવીને આર-1 વિઝાની અરજી કરી હતી અને પોતાના ડિપેન્ડન્ટ તરીકે મિનેશ અને એના પિતાની આર-2 વિઝાની અરજી કરી હતી. એક પટેલ પુજારી કેવી રીતે હોઈ શકે એવું જણાવીને આ અરજીઓ નકારવામાં આવી હતી.

ત્યારબાદ મિનેશના પિતાએ એક નાટક ભજવનાર મંડળીમાં જોડાઈને અમેરિકા નાટક ભજવવા જવું છે એમ જણાવીને પી-3 વિઝાની અરજી કરી હતી અને પોતાની સાથે સાથે મિનેશ અને એની માતાએ પી-4 વિઝાની અરજી કરી હતી. કોન્સ્યુલર ઑફિસરે મિનેશના પિતાને જ્યારે નાટકમાંનો એમનો રોલ ભજવી બતાવવાં કહ્યું ત્યારે મોઢા પર કોઈ પ્રકારના ભાવ દર્શાવી ન શકવાના કારણે તેમજ ડાયલોગ સરખી રાતે ઉચ્ચારી ન શકવાને કારણે, ‘તમે એકટર નથી’ એમ કહીને એમની અને સાથે સાથે મિનેશ અને એની માની અરજી પણ ફગાવી દીધી હતી. એ પછી મિનેશના કાકા જેઓ અમેરિકન સિટિઝન હતા એમણે મિનેશને દત્તક લેવાનો પ્લાન ઘડ્યો હતો પણ એમને પોતાના બે બાળકો હતા અને તેઓ મિનેશ આગળ ભારતમાં બે વર્ષ રહી શકે એમ નહોતા. આથી એમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ મિનેશને હિન્દુ ધર્મના કાયદા હેઠળ દત્તક લઈ ન શકે.

એ પછી મિનેશના પિતાએ મેક્સિકોની સરહદથી ભોંયરું ખોદીને અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરી હતી. પણ જેવા તેઓ અમેરિકાની સરહદની અંદર ભોયરામાં બહાર નીકળ્યા કે એમની ધરપકડ કરવામાં આવી હતી. પણ સારા નસીબે એમને ફક્ત બેચાર દંડા મારીને અમેરિકાની બોર્ડર પોલિસે ફરી પાછા મેક્સિકોમાં ધકેલી મુક્યા હતા. હવે આ દરમિયાન મિનેશ અઢાર વર્ષનો થઈ ચૂક્યો હતો અને દસમી ફેલ હોવા છતાં બોગસ સર્ટિફિકેટો અને માર્કશીટ મેળવીને અમેરિકાની એક કમ્યુનિટી કૉલેજમાં બેચલરનો કોર્સ કરવા માટે એડમિશન મેળવી લીધું હતું પણ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓની જેમ જ મિનેશને અંગ્રેજી બોલવાના ફાં ફાં હતા. આથી, ‘અંગ્રેજીમાં અપાતુ શિક્ષણ તું કેવી રીતે ગ્રહણ કરી શકીશ ?’ એમ કહીને કોન્સ્યુલર ઑફિસરે મિનેશની સ્ટુન્ડ વિઝાની અરજી નામંજૂર કરી હતી. મિનેશ ત્યારબાદ થોડા વધુ બોગસ સર્ટિફિકેટો મેળવીને પોતે સ્નાતક છે એમ જણાવીને એના એક અમેરિકન સખાવતી એચ-1બી વિઝા માટેનું પિટિશન દાખલ કરાવ્યું હતું પણ એ સ્વીકારાયું જ ન હતું.

બ્રહ્માસ્ત્ર તરીકે મિનેશે ત્યારબાદ અમેરિકન નાગરિક જોડે લગ્ન કરીને અમેરિકામાં પ્રવેશવાનું વિચાર્યું હતું. પણ એના કમનસીબે એને એની ઉંમરની કોઈ નિર્દોષ ડિર્વોસી જડતી ન હતી અને કુંવારી અમેરિકન સિટિઝન કન્યા એની જોડે લગ્ન કરવા તૈયાર નહોતી ! આખરે મિનેશ પોતે હિન્દુ છે અને એના ગામની આજુબાજુ અન્ય ધર્મના વ્યક્તિઓની વસ્તી વધુ છે આથી પોતાની સલામતી જોખમાં છે એવું જણાવીને અમેરિકામાં રાજકીય આશરો મેળવવા અરજી કરી છે. એના ઉપરના નિર્ણયની મિનેશ વાટ જુએ છે. મોટા ભાગે તો એ અરજી પણ નકારાશે અને જો એમ થશે તો મિનેશ કેનેડાની બોર્ડર ઉપરથી અમેરિકામાં ઘુસવાનો પ્લાન ઘડ્યો છે !!

આટઆટલી વિઝાની અરજીઓ કરતા મિનેશને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાની પૂરેપૂરી જાણકારી મળી છે. એણે લગ્ન નથી કર્યા પણ જાનમાં તો એ વારંવાર ગયો છે ! ઈમિગ્રેશનના કાયદાની છટકબારીઓ એ બરાબર જાણે છે અને કોન્સ્યુલર ઑફિસરોનો સ્વભાવ અને વર્તનથી એ અત્યંત વાકેફ થઈ ગયો છે. આથી જ એના ગામ જ્યાના લગભગ દરેકે દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ અમેરિકામાં રહે છે, ત્યાંના લોકો અમેરિકાના ઈમિગ્રેશનને લગતા એમના કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ મિનેશ આગળ શોધે છે. મિનેશ જાત અનુભવ ઉપરથી એ વિષયમાં ખાં બની ગયો છે અને કોઈપણ હોશિયાર ઈમિગ્રેશન એડવોકેટને જાણ ન હોય એ સર્વે બાબતોની એને જાણ છે. એ વાત જુદી છે કે, જો તમે મિનેશ આગળ અમેરિકાના ઈમિગ્રેશનને લગતો કોઈ પ્રશ્ન લઈને જશો તો મિનેશ તમને ખોટું કરવાની જ સલાહ આપશે અને આથી તમારા વિઝા મેળવવાના સંજોગો ઘટી જશે ! (‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.)
.

[2] હૉટલનું ટિફિન – મૃગેશ શાહ

જીવનમાં ક્યારેક માન્યામાં ન આવે એવી રમુજી ઘટનાઓ સર્જાતી હોય છે. કંઈક એવી જ વાત છે 2007ના દીપાવલી પર્વની. બેસતા વર્ષનો એ દિવસ હતો. અમે વહેલાં-ઊઠી પરવારીને મંદિરે દર્શન કરી પરત ફર્યા. ઘરે મહેમાનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. નવા વર્ષના દિવસે સૌ કોઈની ઘરે અવર-જવર વર્તાય. વડીલો-સગાં-સ્નેહીઓને મળવામાં બપોરનો એક ક્યારે વાગી જાય એની ખબર ન રહે. આ કારણથી મોટેભાગે લોકો બેસતા વર્ષે હૉટલમાં જમવાનું વધુ પસંદ કરે. અમારો પણ એવો જ વિચાર હતો પરંતુ ભીડને કારણે હોટલોમાં જગ્યા મળતાં લાંબો સમય વીતી જાય. આથી અમે ટિફિન લઈ આવવાનો મધ્યમમાર્ગ અપનાવ્યો !

અખબારમાં શહેરની એક પ્રતિષ્ઠિત હોટલની જાહેરખબરમાં લખ્યું હતું : ‘રૂ. 150 માં કન્ટેનર સાથે ટિફિન સેવા ઉપલબ્ધ. કૃપયા આપનું ટિફિન લાવશો નહિ…’ આ વાંચીને હું બરાબર એક વાગ્યે ટિફિન લેવા હૉટલ જઈ પહોંચ્યો. વિશાળ મોટા હોલમાં વચ્ચે એક ટેબલ ગોઠવેલું હતું. તેની પર બે જુદા જુદા વિભાગમાં આશરે 50-50 કન્ટેનર તૈયાર રાખવામાં આવ્યા હતા. આવનાર ગ્રાહકને તુરંત એ બંને વિભાગોમાંથી એક-એક કન્ટેનરની થેલી આપવામાં આવતી. તહેવારને કારણે લોકોની ખૂબ ભીડ હતી તેથી તેમાં પણ લોકોની લાઈન લાગી હતી. આશરે અડધો કલાકે મારો નંબર લાગ્યો. રૂ. 150 ચૂકવીને કન્ટેનરની બે થેલીઓ લઈ હું ઘરે પહોંચ્યો.

ઘરે જઈને એક થેલીમાંના ત્રણ ડબ્બાઓ ખોલ્યા. એકમાં ગરમ-ગરમ રોટલી, બીજામાં ફરસાણ અને ત્રીજામાં મિઠાઈ વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. એ પછી બીજી થેલીના કન્ટેનર ખોલ્યાં….. પણ આ શું ?…. એમાં પણ રોટલી, ફરસાણ અને મિઠાઈ !! એક ક્ષણ તો અચંબામાં વીતી ગઈ કે આ શું થયું ? પછી સમજાયું કે ઉતાવળમાં ટિફિન સર્વિસ આપનારે બે વિભાગના અલગ અલગ કન્ટેનરની જગ્યાએ એક જ વિભાગમાંથી બધા કન્ટેનર ગોઠવીને આપી દીધા હતા ! પણ હવે કરવું શું ? મેં હોટલમાં ફોન જોડ્યો.
‘આપને ત્યાંથી આવેલા ટિફિનમાં એક સરખા છ કન્ટેનર ભૂલથી મૂકાઈ ગયા છે. દાળ, શાક, અને ભાત સદંતર ગાયબ છે ! તમે મીઠાઈ બમણી આપીને અમારું ગળ્યું મોં કરાવ્યું એ તો સારું, પણ એકલી રોટલી અમારે દાળ વિના શેમાં ખાવી ?’
‘એવું હોય નહિ સાહેબ, આમ તો અમે બધું તપાસીને મૂકીએ છીએ.’
‘આપને જો એમ લાગતું હોય તો હું બધા જ કન્ટેનર લઈને આપને બતાવી જઉં !’ મેં કહ્યું.
‘ના… ના… સાહેબ, અમને અમારા ગ્રાહકો પર વિશ્વાસ છે. આપની વાત ખોટી નહીં હોય. ક્યારેક ભૂલ થઈ શકે છે. આ પ્રકારના સંજોગોમાં અમે તુરંત અમારા કર્મચારીને મોકલીને આપ સુધી બાકીના કન્ટેનર મોકલી આપીએ છીએ પરંતુ આ તહેવારના દિવસો છે અને અમારે કર્મચારીઓની અછત છે માટે આપ અમને ક્ષમા કરો અને રૂબરૂમાં આવીને આપ બાકીના કન્ટેનર લઈ જાઓ.’ હોટલના કર્મચારીએ વિનયપૂર્વક જવાબ વાળ્યો. મને લાગ્યું કે હવે ફરી ધક્કો ખાધા સિવાય છૂટકો નથી !

ફરી પાછો હું હોટલ જઈ પહોંચ્યો. બિલ બતાવ્યું અને ભૂલથી એક સરખા આવેલા કન્ટેનરની વાત કહી. ટિફિન વિભાગના કર્મચારીએ તુરંત મને બાકી રહેલા દાળ-ભાતના કન્ટેનરની થેલી પકડાવી. એ પછી મારા આશ્ચર્ય વચ્ચે તેણે મારા હાથમાં વધુ એક આખા ટિફિનની બે થેલીઓ મારી સામે મૂકી અને મને રૂ. 150 પરત આપ્યા. મેં પૂછ્યું : ‘આ શું છે ?’
‘સાહેબ, ભૂલ અમારી થઈ છે એટલે અમે આપને વધુ એક ટિફિન ફ્રીમાં આપીએ છીએ.’
‘પણ મારે એની જરૂર નથી. ભૂલ થવી એ માણસ માત્ર માટે સ્વાભાવિક છે પરંતુ આપે તે વાત ધ્યાન પર લઈને આપની ફરજ નિભાવી એ મારા માટે પૂરતું છે.’
‘ના, અમારા સંતોષ ખાતર આપ એનો સ્વીકાર કરો.’
‘ઠીક, પણ આ પૈસા પરત શું કામ ? મેં આપની પાસેથી ઓલરેડી ટિફિન લીધું છે એટલે મારે એ પેટે રકમ તો ચૂકવવી જ જોઈએ ને.’
‘ના… ના… સાહેબ, એ અમારી હૉટલની પોલિસી છે. હૉટલની રેપ્યુટેશનનો સવાલ છે. અમારી ભૂલ થાય તો અમારે ગ્રાહકને પૈસા પરત કરવા જ પડે. અમે ના કરીએ તો અમારે મેનેજરનું સાંભળવું પડે. માટે એ તો આપે સ્વીકારવા જ પડશે.’ તેના આગ્રહને વશ થઈને મારે એ રકમ સ્વીકારવી પડી !

…. અને એ ડબલ ટિફિનની સોડમ છેક બીજા દિવસની સવાર સુધી અમારા ઘરમાં પ્રસરતી રહી. હવે જ્યારે પણ નૂતનવર્ષ આવે ત્યારે અમે એ પ્રસંગને યાદ કરતાં હસીએ છીએ કે નવા વર્ષે ટિફિન તો લાવવું જ અને એ પણ તે હોટલનું જ !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિખર – ‘બેજાન’ બહાદરપુરી
જીવનનું સત્ય – તન્વી બુચ Next »   

20 પ્રતિભાવો : આવું પણ બને ! – સંકલિત

 1. Samir says:

  First story is really thought-provoking. Is it worth being rejected and losing one’s self-respect again and again?

 2. nayan panchal says:

  મિનેશભાઈની વાર્તા વાંચીને દુઃખદ આશ્ર્ચર્ય થયુ અને મૃગેશભાઈની વાત વાંચીને સુખદ.

  આભાર.

  નયન

 3. કલ્પેશ says:

  મિનેશ કોઇ સાચુ પાત્ર નથી લાગતુ. સુધીર શાહ ઘણા વર્ષોથી મુંબઇ સમાચાર મા વિઝા બાબત લખે છે અને અમેરિકા જવા માટે ગલ્લાતલ્લા કરતા લોકોને આ રીતે ચેતવે છે.

  મૃગેશભાઇ – જો દરેક વેપારી આ રીતે સેવા આપે (બીજુ ટીફીન નહી પણ પોતાની ભૂલ સમજે અને માફી માગે) તો આપણે એક દેશ તરીકે આગળ આવી શકીએ.

 4. કલ્પેશ says:

  અમેરિકા પહોચવાના જે ખોટા રસ્તા બતાવ્યા છે એ બધા અલગ અલગ સમયે, અલગ અલગ દેશના લોકોએ અજમાવ્યા હશે અને એમા કદાચ નિષ્ફળ રહ્યા હોય.

 5. * અમેરીકાનો મોહ લોકોને એટલો બધો છે કે લોકો સાચા ખોટા રસ્તા અપનાવીને અમેરીકા પહોંચવા માગે છે. પરંતુ આવા રસ્તા આપણા દેશની આબરુ ઘટાડે છે. જો સાચા રસ્તે કોઈ કાર્ય થઈ શકતુ હોય તો કરવું જોઈએ નહીં તો જ્યાં હોઈએ ત્યાં પ્રગતિ સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ મોહ જ્યારે વિવેકશક્તિ હરી લે છે ત્યારે જાણે કશુંય સવળુ સુજતુ જ નથી.

  * ભુલ થવી તે સ્વાભાવિક છે અને તેને છાવરવાને બદલે સુધારવાથી તત્કાળ અને લાંબા ગાળાના બંને પ્રકારના લાભ છે.

 6. Darshan says:

  It’s like અપને ઘરકા દિયા giving light to neighbor’s house!
  (BTW, Minesh wasn’t ઘરકા દિયા 🙂 )

 7. pragnaju says:

  કરૂણ વાસ્તવિકતા!
  અને
  ડબલ ટિફિનની સોડમ તો અહીં સુધી આવી

 8. એના ગામની નવરાત્રી અમે બૌ માણેલી .. .!! પણ આ મિનેશભાઈ વિશે આજે જ જાણ્યું … 🙂

  ને મૃગેશભાઈ ખાનગીમાં એ હોટેલનું નામ પણ જણાવી દેજો જેથી અમે પણ એનો લાભ ક્યારેક લઈ શકીએ ! 😉

 9. અમેરીકા જવા માટે આડા અવળા કે ઉંધા છત્તા રસ્તાઓ અપનાવનારા બે ચારને મેં પણ જોયા છે …..પણ બધાંય રસ્તા એક પછી એક અપનાવનારો અને તોય હજી અહીં રહી બીજાને ધેરમાર્ગે દોરનારો પહેલો નબીરો જોયો…..વાંચ્યો….

  મૃગેશભાઈ …. રેસ્ટોરન્ટનું નામ ખાનગીમાં જરૂરથી જણાવશો … જમવાની ગુણવત્તા ભલે ગમે તેવી હોય, કામ કરવાની ભાવના ઉત્તમ છે….

 10. dipak says:

  Both story are very nice.But the second one is very inspirational.It’s smale I can feel at here.Thnax Mrugeshbhai & Sudhirbhai.

 11. Veena Dave says:

  wow for second story. It is like America.

  Mrugeshbhai, Please ask somebody to write for Pujya Ravishankar Maharaj.

  Thanks.

  Veena Dave
  USa

 12. Vishal Jani says:

  બન્ને બોધપ્રદ વાર્તા વાંચી મજા આવી ગઇ. ખાસ કહેવાનું કે ગ્રાહક સંભાળ જયાં લોકો ભુલતા જાય છે ત્યાં બીજી વાર્તા ઘણું કહી જાય છે.

 13. JITENDRA J. TANNA says:

  બન્ને વારતાઓ ખુબ સરસ.

 14. Krunal Shah says:

  Aapna desh ma haji pan pramanikta taki chhe tena ghana dakhla mano ek che. Garva pan Thayo & tiffin ni tatvik sodam anubhavi rahyo chhu.

 15. Balkrishna Vyas says:

  બન્ને પ્રસંગમાં રહેલો વિરોધાભાસ જબરજસ્ત છે. આવા પ્રસંગો સાથે આપતા રહેશો.

 16. Aparna says:

  first story sounds familiar legend..i hail from charotar, the land of nri and dollars so i can completely relate to mineshbhai’s unfulfilled urge to go to “ammerica”..narration has a flair or humour and at the same time it is natural enough to be thought provoking

  for second story, i would like to repeat what Jigneshbhai said “plz give me the number of the restaurant mrugeshbhai”!!! 🙂

 17. Vaishali Maheshwari says:

  Both the stories were nice to read.

  In the first story, it is funny to know that a person who is so deperate to go to USA. He tried many different ways, but nothing worked out. There are people who are crazy about America. They think that going to America is like a hot piece of cake. There is nothing wrong in trying to go to America, but not after as many tries as Muneshbhai did and not even by the way that he is trying to adopt!

  In the second story, I remembered one quote of some company. They said, “Customer satisfaction is our best advertisement”, which is very true and proved in this story too. Funny and teaches something good to all business owners.

  Thank you Mrugeshbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.