વિસ્મરણ – મહેશ દવે

[વાર્તાસંગ્રહ ‘કેન્દ્રબિન્દુ’ માંથી સાભાર.]

‘કેટલા વાગ્યા હશે ?’ જરાક ગણતરી મૂકી હોત તો તરત જ ચિંતનને ટાઈમનો અંદાજ આવી જાત. તેની મિનિટે-મિનિટ ઑફિસનાં જુદાંજુદાં કામમાં ગઈ હતી. બગાસું ખાવાનો પણ સમય રહ્યો નહોતો. પણ સમય જાણવા માટે મગજને કસવાને બદલે ચિંતને ટેવ પ્રમાણે કાંડા-ઘડિયાળમાં જોયું. પાંચ વાગીને પચીસ મિનિટ થઈ હતી. નીનાનો રાતની રસોઈ શરૂ કરવાનો સમય. ઈઝરાયલની જોશુઆ કંપનીનાં ડૅરિક અને માર્થાએ કરેલું સૂચન ચિંતનને યાદ આવ્યું. તેમની સાથેનું ‘ડીલ’ પત્યું પછી ડૅરિકે કહ્યું હતું : ‘રાતે કોઈ અન્યુઝુઅલ જગાએ તમારું અહીંયાનું ટિપિકલ ડિનર લઈએ.’ ચિંતન તરત જ કબૂલ થયો હતો : ‘ગેઈમ !’ પરદેશીઓ માટે અન્યુઝુઅલ સ્થળ અને નવું-નોખું ભોજન એટલે અમદાવાદમાં તો વિશાલા જ ને !

તેની અંગત ડાયરેક્ટ લાઈન પરથી ચિંતને ઘરે ફોન જોડ્યો. નીનાએ તેના ટિપિકલ ટહુકાથી ફોન ઉપાડ્યો : ‘યે…એસ…’
‘નીના…’ ચિંતને ગિલ્ટ ફીલિંગથી શરૂ કર્યું, ‘આજે વિશાલા ચાલવું છે ?’ આજે ઘરે જમવાનો નથી તે જણાવવાની ચિંતનની આ પદ્ધતિ હતી.
‘કેમ ? વળી આજે કોઈ ફૉરિનરોને ‘અન્યુઝુઅલ ડિનર’ માટે લઈ જવાનાં છે ?’ નીનાના સવાલમાં વ્યંગ હતો. નીનાના વ્યંગને સાંભળ્યો ન સાંભળ્યો કરી ચિંતને હોંકારો ભણ્યો : ‘ઈઝરાઈલથી એક કપલ આવ્યું છે. તેમને ભારતીય વાતાવરણમાં દેશી ડિનર લેવું છે. તું પણ ચાલને, મજા આવશે.’ ચિંતને ફરી ઘડિયાળ જોયું. પાંચને ત્રીસે ડાયરેક્ટરો સાથે મીટિંગ હતી.
‘મારે નથી આવવું…!’ નીનાએ ધડ દઈને કહી નાખ્યું : ‘મને તારા આવા ડિનરનો સખત કંટાળો છે. ફૉર્મલ સ્માઈલ, ડિનરનાં સાચાં-ખોટાં વખાણ, અદ્દભુત ઍટમોસ્ફિયર અને વચ્ચેવચ્ચે તમારી બિઝનેસ ગોટપિટ ! આઈ એમ ડેમ બૉરડ !’
‘ઓ…કે…. તારી વાત સમજું છું… પણ મારે તો ફરજ તરીકે જવું જ પડશે…. છૂટકો છે ? રાતે આવતાં મોડું થશે… બા…ય…’ ચિંતને ફોન મૂકી દીધો. ઘડિયાળનો મોટો કાંટો છ પર પહોંચવામાં હતો. ટેબલ પરના કાગળો એકત્રિત કરી ચિંતન ઊભો થયો.

રાતે ચિંતને ડૅરિક અને માર્થાને હૉટેલ કલાસિક પર ડ્રોપ કર્યા ત્યારે અગિયાર ને પાંત્રીસ થઈ હતી. બીજી પંદર-વીસ મિનિટ અને ઘર. ‘હોમ સ્વીટ હોમ !’ ગળા પરથી ટાઈનો ગાળિયો સહેજ ઢીલો કરી ચિંતને ગાડી સ્ટાર્ટ કરી. લેચ-કીથી ચિંતને પોતાના ‘ડુપ્લેક્સ ટેનામેન્ટ’નું બારણું ખોલ્યું. સામેની દીવાલને ચીપકીને ચોટેલી વૉલ-ક્લોકે તેનું સ્વાગત કર્યું. બાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી. હળવેથી દાખલ થઈ ચિંતને ધીમેથી બારણું બંધ કર્યું. નાઈટ-લૅમ્પના આછા અજવાળામાં અવાજ કર્યા વગર શૂઝ અને મોજાં ઉતાર્યા. આમ તો ચિંતન કાળજીથી સૂટ ઉતારી હૅંગરમાં ભરવનારો વ્યવસ્થિત માણસ હતો પણ આજે કોટ ઉતારી બહારના સોફા પર નાખ્યો. ઉપરના તેના બેડરૂમના એટેચ્ડ બાથરૂમને બદલે ચિંતન નીચેના જનરલ બાથરૂમમાં ગયો. તેણે બ્રશ કર્યું. મોઢા પરની આખા દિવસની ચીકાશ ધોઈ. સ્વસ્થ થઈ ઉપર ગયો. ડબલ બેડ પર નીના ઘસઘસાટ ઊંઘતી હતી. બાજુના નાના કૉટ પર કિટી સૂતી હતી. તેના મોં પર સ્મિત હતું. ‘સપનું જોતી હશે ?’ આસ્તેથી વૉર્ડરૉબ ખોલી તેણે લૂઝ પાયજામો અને પે’રણ પહેર્યાં. હળવેકથી તે નીનાથી થોડે દૂર બેડમાં સરી પડ્યો.

આદત મુજબ સવારે સાડા છ વાગ્યે ચિંતનની આંખો ઊઘડી ગઈ. નીના હજી ઊંઘતી હતી. હમણાં કિટીને વૅકેશન હતું. તેને વહેલી તૈયાર કરવાની માથાકૂટ નહોતી. નીના નિશ્ચિંત થઈ પડી હતી. તેનું મોં તાજા ગુલાબ જેવું લાગતું હતું. ‘સુવા દો બિચારીને ! બે અઠવાડિયાં પછી તો પાછી કિટીની સ્કૂલ શરૂ થશે. વહેલાં ઊઠવાનું લમણે લખાયેલું જ છે !’ બાજુના નાના કૉટ પર ઊંઘી પડીને ઊંઘતી કિટીને જોઈ ચિંતને નિસાસો મૂક્યો. બ્રશ કરીને ચિંતને પહેલું કામ ડાયરી જોવાનું કર્યું. ‘ઓહ આજે તો 29મી મે ! નીનાનો જન્મદિવસ ! આજે નીનાને સરપ્રાઈઝ આપીશ. તેને માટે ચા-નાસ્તો બનાવું… પછી તેને ‘મેની હૅપી રિટન્સ’ કહી ચુંબનથી ઉઠાડીશ. બ્રશ કરીને આવશે ત્યાં બટર-ટોસ્ટ, ચા અને વેફર્સ તૈયાર !…. શી વિલ બી વેરી હૅપી.’ ચિંતન ચૂપકીથી કિચનમાં લપક્યો. નીના ઘણી વાર કહેતી કે તે ઊઠે ત્યારે કોઈ તૈયાર ચા-નાસ્તો આપે તેવી લકઝરી તેને બહુ ગમે.

ચિંતન ટેબલ સજાવવા જતો હતો ત્યાં જ ફોન રણક્યો. બીજી રિંગ નીનાને ઉઠાડી મૂકે તે પહેલાં જ ચિંતને કૂદકો મારીને રિસીવર ઉપાડી લીધું : ‘હ..લો..’
‘સર… અરોરા સાહેબ વાત કરશે.’ ચિંતને તરત જ કિશનનો અવાજ પારખ્યો. કિશન તેના બૉસ ગેરી અરોરાનો ડ્રાઈવર-પી.એ-સેક્રેટરી ‘ઑલ-ઈન-વન’ હતો.
‘યે…અ….અસ…’
‘હલો સરૈયા…. અરોરા હિયર…’
‘ગુડ મૉર્નિંગ, સર….’
‘સોરી ટુ ડિસ્ટર્બ યુ સો અરલી….’
‘નો પ્રોબ્લેમ….. હું જાગતો જ હતો….’
‘સી….સરૈયા, આજે રૂંગટા દિલ્હીથી આવે છે. હું તેમને લેવા ઍરપોર્ટ જવાનો છું… યુ નો અવર પ્રેઝન્ટ પ્રોબ્લેમ્સ… રૂંગટાને જરા રાજી રાખવાના છે.’
‘આઈ નો… જાણું છું.’ ચિંતન તરત જ રૂંગટા સાથેના ડીલની આંટીઘૂંટીમાં અટવાઈ ગયો.
અરોરા સહેજ અચકાયા. પછી બોલ્યા : ‘પણ હું અત્યારે જઈ શકું તેમ નથી… આઈ ફિલ ડીઝી…. મને જરા ચક્કર જેવું લાગે છે… ઈટ વિલ બી ઑલરાઈટ…. પણ આઈ ડોન્ટ વૉન્ટ ટુ ટેઈક રિસ્ક.’ અરોરાસાહેબના અવાજમાં ફિકર હતી.
‘યુ આર રાઈટ, જોખમ નહીં લેવું જોઈએ.’ ચિંતન સતેજ થઈ ગયો.
‘બટ… યુ…સી… કોઈ અગત્યના માણસે રૂંગટાને લેવા જવું જ પડે. નહીં તો એ અવળું ધારી બેસે… અને મને તમારો ખ્યાલ આવ્યો. રૂંગટાને સારા મૂડમાં રાખવા જરૂરી છે.’

ટેવ પ્રમાણે ચિંતને હાથ ઊંચો કર્યો. પણ હજી કાંડા-ઘડિયાળ તેણે બાંધ્યું નહોતું. તેણે વૉલ કલોકમાં જોયું. તેણે તરત જ નિર્ણય લઈ લીધો : ‘ડૉન્ટ વરી…. હું જાઉં છું.’
‘તમે તૈયાર થઈ જાઓ. તમને લેવા કિશન આવે છે.’ અરોરાએ હાશ સાથે ફોન મૂકી દીધો. ચિંતન ધીમા પગલે ઉપરના બાથરૂમમાં ગયો, ઈલેક્ટ્રિક શેવર અને નવું શર્ટ લઈ કિચનમાં આવ્યો. કિચનનું બારણું બંધ કરી કિચનના પ્લગમાં જ શેવ કરી લીધું. મોં ધોઈ નાખ્યું. નવા શર્ટ પર ગઈકાલવાળાં જ સૂટ-ટાઈ ચઢાવી લીધાં. ત્યાં બહાર હૉર્ન વાગ્યું. મોજાં વાસ મારતાં હતાં. પણ તે જ મોજા પહેરી તેણે મોકેઝમ શૂઝમાં પગ નાખ્યા. કિશને કાર સોસાયટીની બહાર કાઢી ત્યારે જ ચિંતનને યાદ આવ્યું. ડાઈનિંગ ટેબલ પર ચીઠ્ઠી મૂકી હોત તો સારું થાત. ‘મેની હેપી રિટન્સ’ અને કેમ નીકળવું પડ્યું તે સમજાવી શક્યો હોત… ખરે, અરોરાસાહેબને ત્યાંથી ફોન કરી દઈશ.’

રૂંગટાને લઈ ચિંતન અરોરાને ત્યાં પહોંચ્યો. ત્યાં ચા-નાસ્તો કર્યાં, ‘હા-હા-હી-હી’ કર્યું. રૂંગટાને ખુશ કરી દીધા. અરોરાસાહેબની ચિંતા પણ હળવી થઈ. ચિંતન બહુ અચ્છો વાતોડિયો અને મશ્કરો હતો. અરોરાસાહેબની આંખમાં ચિંતન માટે આભાર ભાવ હતો. પોતાની હોશિયારીના ફૂલણજીવેડામાં ચિંતન નીનાને ફોન કરવાનું ભૂલી ગયો. ઘેર પાછા મૂકવા કિશને ચિંતનની સોસાયટીમાં કાર વાળી ત્યારે જ ચિંતનને પોતાના વિસ્મરણનું ભાન થયું.

પોતાના ટેનામેન્ટ આગળ ઊતરી ચિંતન ઝડપથી પ્લીન્થ સુધીનાં પગથિયાં ચઢી ગયો. તેણે બેલ મારી. ચિંતનને વહેમ પડ્યો. ઘરમાં કોઈ નથી. ખાલી સૂનકાર ઘરમાં બેલનો રણકાર જુદો જ હોય છે. તેણે ફરી જોસથી બેલ દબાવી. અંદર કંઈ હલચલ જણાઈ નહીં. ‘નીના નાહવા ગઈ હશે. કિટી રમવા નીકળી પડી હશે. સોહન કંઈ લેવા-કરવા ગયો હશે.’ ચિંતને લેચ-કીથી ઘર ઉઘાડ્યું. કિચનમાં ડોકિયું કર્યું. કિચનમાં પડી રહેલું શેવર એને ખૂંચ્યું. એણે શેવર લઈ લીધું. શૂઝ કાઢી તેણે મોજાં નીચેના બાથરૂમમાં નાખ્યાં. શેવર સાથે ઉપર ચડતાં-ચડતાં તેણે હાથ ઊંચો કરી ઘડિયાળમાં જોઈ લીધું. ‘ઓહ, સાડા નવ ! અત્યારે તો તે ઑફિસ હોવો જોઈતો હતો.’ આજે ઑફિસમાં શેડ્યુલ ટાઈટ હતો. ત્યાં જ રિંગ વાગી. ઑફિસેથી ફોન હતો. ચિંતને એક-બે સૂચના આપી. જલદી અડધા કલાકમાં જ આવું છું જણાવી ફોન મૂક્યો. રૂંગટા અને અરોરાસાહેબ સાથે જરા વધારે પડતી ખપાવ્યાના અફસોસ સાથે પગથિયાં કૂદતો-કૂદતો ચિંતન ઉપર પહોંચી ગયો. ઝડપથી નાહી, શર્ટ-પેન્ટ પહેરી, ચિંતન ડ્રેસિંગ ટેબલ સામે ઊભો રહી ગયો. હેર-બ્રશ લેવા ગયો ત્યારે જ બ્રશ નીચે દબાવેલી નીનાની ચિઠ્ઠી જોઈ :
‘કિટીને શરદી-ઉઘરસ છે. કાલે સાંજે બાથમાં બહુ નાહી. રાતે આઈસ્ક્રીમ ખાધો. કદાચ બપોરે તાવ આવે એવું લાગે છે. ડૉક્ટર પાસે જાઉં છું. નાસ્તો કેસરોલમાં અને ચા થરમોસમાં છે.’ – નીના.

‘નીના હોશિયાર તો ખરી ! કિચનમાં શેવર જોઈ સમજી ગઈ. સિર્ફ દાઢી કરી હું નીકળી ગયો છું. ચા-નાસ્તા માટે ને નાહવા-ધોવા આવીશ.’ તેને ઘરમાં ન જોઈ નીનાએ અરોરાસાહેબને ત્યાં ફોન કર્યો હશે એવું સાદું વિચારવા ચિંતન ટેવાયેલો નહોતો. સીધીસાદી વાત અટપટી રીતે તારવવા તર્ક લડાવવાનો તેને શોખ હતો. ચિંતન તૈયાર થઈને નીચે ઊતર્યો. ‘નીનાને મોડું થશે. ડૉક્ટરને ત્યાં ભીડ હશે. લેટ મી રશ….’ ચિંતન ઊભો થયો. ત્યાં જ ડૉર-બેલ વાગી. ‘નોટ’ મૂકવાનો વિચાર પડતો મૂકી ઉત્સાહથી ચિંતન બારણું ઉઘાડવા ઊઠ્યો… પણ નીના નહોતી. સોહન શાકભાજી લઈને આવ્યો હતો. વધારે રોકાવાનો ચિંતનને અર્થ ન લાગ્યો. ‘બેનને કહેજો હું ઑફિસ ગયો છું. ફોન કરીશ…’ સોહનના પ્રવેશ સાથે જ ચિંતન બહાર નીકળી ગયો. કેસરોલમાંનો નાસ્તો અને થરમૉસમાંની ચા પડ્યાં રહ્યાં. ચિઠ્ઠી લખવા માટે ટિપૉઈ પર લીધેલું પેડ કોરું રહ્યું.

‘ઈટ વૉઝ અ ઑફુલી બિઝી ડે. ફોન્સ, ફાઈલો, મીટિંગો, ફાયરિંગ, સ્માઈલ્સ… ઓહ… ત્રણ વાગી ગયા. કિટીને કેમ હશે ?’ ચિંતને ફોન જોડ્યો.
‘હેલ્લો….’ કિટીનો મધમીઠો અવાજ.
‘અમે બધાં ફ્રેન્ડ્ઝ ફ્રેન્ડ્ઝ, ટ્રિપ ટ્રિપ રમીએ છીએ. અમને ડિસ્ટર્બ ના કરો ને !’ જાણે કંઈ પડી ન હતી.
‘તને કેમ છે, બેટા ? ડોક્ટરકાકાએ શું કહ્યું ?’
‘Nothing much…! થોડી શરદી. પણ મમ્મા એવી વરીડ હોય છે ને !’ કિટીને ફોન મૂકવાની ઉતાવળ હતી.
‘મમ્માને આપ તો, બેટા….’
‘મમ્મા નથી… તે તો આશા આન્ટી સાથે શૉપિંગમાં ગઈ છે.’
‘અચ્છા, એને કહેજે…. સાંજે આપણે બહાર ડિનર પર જઈશું. આવે એટલે ફોન કરે…. ઓ.કે. ?’
‘ઓ…કે.. બાય….’ કિટીએ ફોન મૂકી દીધો.

ચિંતન પાછો કામમાં ડૂબી ગયો. ટેબલ પરથી માથું ઊંચકી રીક્લાઈનિંગ ચૅર પર પીઠ લંબાવી, માથું પાછળ નાખ્યું ત્યારે સાડાછ થવા આવ્યા હતા. ઘરે ફોન જોડવો કે ઓપરેટરને ઘેર જોડી આપવા સૂચના આપવી, એ વિચારતો હતો ત્યાં જ ઈન્ટરકોમ પર અરોરાસાહેબ :
‘સરૈયા…. મને કોન્ગ્રેટ્સ આપ !’ અરોરા મોજમાં જણાયા.
‘તે તો આપ્યા. હવે કહો શાના ?’ બધું વીસરી ચિંતન પાછો સ્માર્ટ અધિકારી બની ગયો.
‘રૂંગટાની પટ્ટી પાડી દીધી… એ તારા પર બહુ ખુશ છે. તારી સવારની વાતો, મજાકો અને તારો સરસ મજાનો પ્રોજેક્ટ રિપોર્ટ – બધું જ તેમને ગમ્યું. સાંજે તારા, મારા અને દિવેચાના ફૅમિલી સાથે બાલવાસમાં ડિનર ગોઠવ્યું છે…. સાડાઆઠ વાગ્યે તું આવશે કે અમે તમને પિક-અપ કરીએ ?’ અવાજ હળવોફૂલ હતો.
‘અમે પહોંચી જઈશું….’ ચિંતને ઈન્ટરકોમ મૂકતાં-મૂકતાં વિચાર્યું : ‘બર્થ-ડે પાર્ટીનું શું ?…. કંઈ નહીં, બધાંની સાથે નીનાનો જન્મદિવસ ઊજવીશું.’

ચિંતન ઑફિસેથી થોડો વહેલો નીકળ્યો. ‘વજુભાઈ’માંથી સરસ નેકલેસ ખરીદ્યો. ‘ગિફટ-કાર્ડ’ મૂક્યું. તેની આગવી શૈલીમાં શબ્દો પાડી નીનાને પ્રેમમાં નવરાવી. ફલોરિસ્ટને ત્યાંથી એક ગુલાબ કલગી પર બંધાવ્યું. નીનાને બુકૅ કરતાં કલગી વધારે ગમતી. નેકલેસ અને કલગી એક પૅકેટમાં ગિફટ પેપરમાં પૅક કર્યાં. ચિંતન ઘરે પહોંચ્યો ત્યારે નીનાનો તોબરો ચઢેલો હતો. ચિંતનને યાદ આવ્યું કે નીનાનો ફોન નહોતો આવ્યો.
‘ફોન કેમ ન કર્યો ?’ ચિંતને પૂછ્યું.
‘ચોર કોટવાળને દંડે !’ નીનાનો અવાજ રુક્ષ હતો : ‘છત્રીસ કલાકે મોઢું દેખાડ્યું. કોઈ કૉમ્યુનિકેશન નહીં…. ને પાછો પૂછે છે : ફોન કેમ ન કર્યો ?’ નીનાના ગુસ્સા કરતાં તેની ઘવાયેલી લાગણીઓ વધારે કાતિલ હતી.
‘તને કિટીએ ફોન કરવાનું કહ્યું નહીં ? તું શૉપિંગ કરવા ગઈ હતી.’ ચિંતન ઝઘડો વધારવા નહોતો માગતો.
‘જેવો બાપ તેવી દીકરી. બીજા જીવે કે મરે, આપણા સિવાય બધું ભૂલી જવાનું !… એણે તો મને કંઈ કહ્યું નથી.’ નીનાના અવાજમાં ચિંતનને કંઈક જુદી વાત લાગી. ઝઘડો ન વધારવાના વિચારમાં ચિંતન દઢ થયો. તેણે ટાઢાં ઢોળ્યાં : ‘ઓ.કે… આપણે બહાર ડિનર લેવા જવાનું છે. તૈયાર થઈ જા. કિટીને તૈયાર કરી તેના ફ્રેન્ડને ત્યાં મોકલી આપ.’
‘અને મેં અહીંયાં બધું રાંધ્યું છે તે…. ?’ નીનાના પ્રશ્નમાં તીખી-ટાઢી કઠોરતા હતી. તેણે બનાવેલી રસોઈ બગડે તે સામેનો નીનાનો કચવાટ ચિંતન જાણતો હતો.
‘ડીપ ફ્રિઝમાં મૂકી દેજે…. નોકરને આપી દેજે… પણ હવે જલદી તૈયાર થઈ જા….’ જવાબ સાંભળવા ચિંતન રોકાયો નહીં.
‘જેવો હુકમ.’ કંઈક વિચિત્ર જવાબ આપી નીના બેસી રહી.

ચિંતને ગિફટ આપવાનું અને વિશ કરવાનું રાત પર મુલતવી રાખ્યું. જન્મદિવસ પોતાને યાદ છે તે સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. બેડરૂમમાં જઈ તેણે પૅકેટ ખોલી ગિફટ, કલગી અને બર્થ-ડે કાર્ડ નીનાના તકિયા નીચે મૂકી દીધાં. ચિંતન તૈયાર થયો. નીના પણ યંત્રવત તૈયાર થઈ. સોહન કિટીને તેની ફ્રેન્ડને ત્યાં લઈ ગયો. રસ્તામાં પણ નીના કંઈ બોલી નહીં. બાલવાસમાં નીના અરોરા અને દિવેચાની વાઈફ સાથે થોડું-થોડું બોલતી હતી, પણ ચિંતન સાથે અતડી હતી. અરોરા, રૂંગટા, દિવેચા અને તેમનાં ઘરનાને ચિંતન હસાવતો રહ્યો. પણ નીનાના મોં પર હાસ્ય ન આવ્યું તે ન જ આવ્યું. બલકે એક વાર તો ચિંતનને નીનાની આંખોમાં પ્રભાતનાં પાંદડાં પર ટીંગાઈ રહેલાં ઝાકળનાં બિંદુઓનો આસમાની ભેજ દેખાયો.

ઘરે આવી ચિંતન ડ્રૉઈંગ રૂમ પાસેના ડાઈનિંગ ટેબલ પર બેસી પડ્યો. કંઈ કેટલાય દિવસ-રાતનો થાક તેના માથા ને પગને એક કરી રહ્યો. કપડાં બદલવા નીના ઉપર ચાલી ગઈ. ડાઈનિંગ ટેબલ પરની મૅટ નીચે દબાવેલું એન્વેલપ ચિંતનની નજરે ચડ્યું. ચિંતને એન્વેલપ ખેંચ્યું. તેના પર તેનું નામ હતું. નીનાના હસ્તાક્ષર. તેણે એન્વેલપ ખોલ્યું :

‘ચિંતન,
આપણે એન્ગેજ થયા પછી એક સરસ પિક્ચર જોયું હતું : ‘ધ લૉસ્ટ વિક ઍન્ડ’ રે મિલાન્ડની તેમાં સરસ ભૂમિકા હતી. ખોરાક, પાણી, સંબંધો બધું ભૂલીને નાયક બસ એક જ વસ્તુ ચાહે છે – શરાબ ! આલ્કોહોલિક થઈ જાય છે. પછી તો જાગતાં અને સૂતાં તેને બિહામણી ભૂતાવળો દેખાયા કરે છે – ઉંદર, સાપ, ઘુવડ એ બધાંની ભયંકર લડાઈ, લોહીના શેરડા, ઉબકા ! ઈટ વૉઝ હોરિબલ ! મેં માનેલું કે જગતનો સૌથી ખરાબ વ્યાધિ એટલે ‘આલ્કોહોલિઝમ’. પણ હવે સમજી છું. આલ્કોહોલિઝમ કરતાંય વધુ ખરાબ છે : ‘વર્કોહોલિઝમ’. બધું જ ભૂલીને કામ, કામ, કામ, કામનો નશો. કામ સાધન નહીં, સાધ્ય બની જાય. બીજું બધું ભુલાઈ જાય….. આજે મારો જન્મદિવસ. છત્રીસ કલાકે તું મને મળે…. અને ત્યારે પણ…. તને મેનેજમેન્ટ કૅડરમાં આગળ વધતો જોઈ એક સમે હું બહુ ફુલાતી હતી. બધાં આગળ મારો વટ પાડતી હતી. મને ખબર નહીં કે માનવીના તુચ્છ ગર્વને દંડવાની ઈશ્વર પાસે આવી યુક્તિ પણ હશે. ચિંતન, તું મને ભૂલી જાય, વહાલસોયી દીકરીને ભૂલી જાય, પછી તારા પૈસા, તેં અપાવેલી સગવડો અને તારા મોભાને મારે શું કરવાનાં ?….’

ચિંતન આગળ વાંચી ન શક્યો.
કપડાં બદલ્યા વગર નીના કૉટમાં ઊંઘે મોઢે પડી હતી. સાંજથી આંખોમાં ભરાઈ રહેલાં આંસુઓ આડેનો બંધ તૂટી ગયો હતો. ઓશીકું ભીંજાઈ રહ્યું હતું. ઓશીકા નીચે નીનાને કશુંક ખૂંચ્યું. તેણે ઓશીકું ઊંચક્યું… ગુલાબની કલગી, નેકલેસ, બર્થ-ડે કાર્ડ અને તેમાં ચિંતને ટપકાવેલા પ્રેમ-શબ્દો. ‘કેવો મારો ચિંતન !’ નીના ઊભી થઈ, પાછળ ફરી. બેડરૂમનું બારણું ખૂલ્યું. ચિંતનના હાથમાં નીનાનો કાગળ હતો. નીનાના હાથમાં ચિંતનનું ગુલાબ. બંનેના હાથમાંથી બેય વસ્તુ પડી ગઈ. બંનેના બેય હાથ એકબીજાને બાથમાં ગ્રહી રહ્યા.

ડૉર-બેલ વાગી. કિટી આવી લાગતી હતી.

[કુલ પાન : 125. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફૉન : +91 79 26560504, 26442836]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમને છોડીને હું કેવી રીતે જાઉં ? – રમણલાલ સોની
લગ્નભેટ નિમિત્તે આભારપત્ર – વનરાજ માલવી Next »   

23 પ્રતિભાવો : વિસ્મરણ – મહેશ દવે

 1. રેખા સિંધલ says:

  ચીલાચાલુ વાર્તા કરતા જુદો જ અંત ! હરહાલમાં અરસપરસને ચાહવાની અને પોતાની અપેક્ષાઓના કોચલામાંથી બહાર નીકળી સહી લેવાની ભાવનાવાળી વાર્તા વાંચી આનંદ થયો.

 2. Urmila says:

  sweet end to the story instead of usual unhappy one – although it is sad that life described by writer of the ambitious man is true in todays fast and competitive life – he still loves his wife and daughter and wants the best for them – I can not imagine what would have happened to him – if he had forgotton the gift – can other manfolks write their experiences as to waht happenend to them when they forgot their wives’ birthdays

 3. સરસ વાર્તા. વાર્તાની શૈલી અંત સુધી જકડી રાખે છે. અંતે આવેલા હર્ષાશ્રુ વાર્તાની સફળતાના ધ્યોતક છે.

 4. Moxesh Shah says:

  Urmilaben,
  Your comment is excellent, except for one word: “Ambitious man”.
  In the story, it’s no where explained that Chintan was ambitious.

  In today’s world, if you are not ambitious, then also you have to serve as per the requirement of the employer. This is the time for strugle for survivle.

  2-3 months back, I was discussing the same thing was Shri Mrugeshbhai, and I had quoted one thing, that If you wish to shorten your working hours for family with decreased salary (not now in recession), then many persons will love to do that. It’s the time of Rat Race. You have to work according to professional rules, else you will have full time family job only.

  Any way, today morning I heard one Joke on “Radio Mirchy” from Mr. Sud.
  Pl. enjoy its humor part:
  “Women love to read two types of books:- (1) All men are untrustworthy/cheater, (2) How to impress/attract the men”.

 5. હું એક અલગ વિચાર વિશે લખવા માંગું છું…

  એક બાજુ જ્યારે એવી વાતો થતી હોય કે આજની સ્ત્રીએ વ્યવસાય, ઘર, બાળકો બધીજ જવાબદારીને balance કરીને ચાલવું જોઇએ …

  તો શું આ જ વાત આપણને પુરુષોને લાગુ ન પડી શકે ??

  કદાચ એકબીજાને સમજીને પરસ્પર તાલમેલ સાધીને volume and degree of consequences ને ઘટાડી શકાય …

  પણ સાથે એક solution એ પણ છે કે વર્તમાન જીવનશૈલીને થોડી modest કે normalize બનાવીને સમયની વ્યવસ્થિત વહેંચણી કરી શકાય … પણ એ માટે બંનેની વિચારશૈલી આ પ્રકારની હોવી જરૂરી છે… કદાચ આવું કરવું મુશ્કેલ કે અશક્ય પણ લાગી શકે પણ કોશીશ કરી જોવામાં ખોટું તો નથી … !!! આપણી આજુબાજુનું જીવન અને વિકસિત શહેરોના જીવનનું અનુકરણ કરવામાં આવી પરીસ્થિતી ખુબ જ સ્વાભાવિક છે .. પણ જો આપણી જરૂરીયાતોને સમજીને અને થોડું filtering કરીને જીવવાની કોશીશ કરી જોઇએ તો !!

 6. kumar says:

  સરસ વાર્તા
  અને ખાસ તો વધારે પડતા અલંકાર વગર છતા સરળ અને શરુઆત થી અંત સુધી ક્યાંય પણ લીંક ના તુટી.

 7. અરવિંદ અડાલજા says:

  સરસ વાર્તા.અને અંત પણ્ તેમ છતાં હું ભાઈ કુણાલે આપેલા પ્રતિભાવ સાથે સહમત છું. પ્રવર્તમાન સમયમાં બઁને એ સમયની યોગ્ય વહેંચણી કરવી જ રહી. સ્ત્રીઓ પોતાના સ્વત્વ અને સ્વમાન પ્રત્યે સભાન બની રહી છે અને તે હવે માત્ર આજ્ઞાકિત હાઉસ વાઈફ બની રહેશે તેમ માની કે ધારી લેવું કદાચ મોટી ભૂલ બની રહે. આજ વાત જ્યારે સ્ત્રેીઓ ઉચ્ચ હોદાઓ ધરાવતી થઈ છે ત્યારે ઉલટી રીતે બન્યું હોત તો ચિંતન નો નીના માટેનું વર્તન કે પ્રતિભાવ કેવો રહ્યો હોત ? કદાચ ચિંતનનો male ego ઉછળી આવ્યો હોત અને તો તેવા સંજોગોમાં નીના કેવીરીતે વર્તી હોત ? હજુ પણ આપણાં સમાજમાં સ્ત્રી ગમે તે કક્ષાએ પહોંચે તો પણ તેણીને TAKEN FOR GRANTED ગણી લેવાની માનસિકતા પુરૂષોમાં પ્રબળ અસ્તિત્વ ધરાવે છે. પણ આ વાર્તામાં જેનો અંત સારો તે બધું સારું તેમ માની લેવાનું રહે છે. લેખકને અભિનંદન્

 8. Time Management એ એક આજના વ્યસ્ત જીવનની અગત્યની જરૂરિયાત છે. સમયના બદલાતા જતાં ચોકઠામાં જો ગોઠવાય ન શકાય તો આપણે ફેઁકાય જઇએ. અને Time Management ખાસ શિખવવામાં નથી આવતું. અહિં યુએસમાં નોકરી પરથી અમને Time Managementની શોર્ટ ટ્રેઇનિંગ આપવામાં આવ છે. એમાં પણ કુટુંબભાવનાને પ્રાધાન્ય આપવામાં આવ છે.

  ચડસાચડસીના માહોલમાં, બીજાં કરતાં સારૂં દેખાડવાની વૃત્તિને કારણે ક્યારેક કુટુંબ વિસારે પડે અને એ કારણે ઘણા જીવનો ભાંગી પડે પણ પડે.

  Work Load શબ્દ અંગ્રેજીમાં છે. જેને આપણે ‘કર્મયોગ’માં ફેરવવો પડે.
  આપણે Load લઇને ફર્યા રાખીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે સમય નથી… પણ એ નથી જોતાં કે સમય કેમ નથી?

  મહેશભાઇની શૈલિ સરળ છે. એમને અભિનંદન.

  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/

 9. DEVINA says:

  TRUE LOVE STORY IN MY OPINION,EVERYONE OF US MUST FOLLOW THE SAME ATTITUDE THE WAY NEENA AND CHINTAN WERE DOING IT SO,WHATSEVER THE BUSY SCHEDULE THEY HAD , THEY WERE NOT FORGETTING EACH OTHER AFTER ALL JE CHINTAN KARE CHE AE NINA ANE FAMILY MATEJ VALI NINA PAN EK SARAS HOME MAKER CHE. TRULY MADE FOR EACH OTHER

 10. pravin bhatt says:

  એક વાર તો ચિંતનને નીનાની આંખોમાં પ્રભાતનાં પાંદડાં પર ટીંગાઈ રહેલાં ઝાકળનાં બિંદુઓનો આસમાની ભેજ દેખાયો.

  -this sentence is the motive of the story.

  very nice!

 11. Sapna says:

  Very very nice and touchy story.

 12. nayan panchal says:

  This story is a good example of “Men are from Mars, Women are from Venus”.

  Very nice story, Hats off to patiene of Neena. Both Neena n Chintan compliment each other perfectly.

  Thanks,

  nayan

 13. Gira says:

  sweet sweet 😀

 14. Nruti says:

  Very sensible story, and the end was expected the same.
  Because in every married woman’s life, this kind of situation might be happened atleast once! Because girls strictly believe that their boyfriends or husbands should strongly remember all the importants dates & realize them that how much carrying they are!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.