- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

લગ્નભેટ નિમિત્તે આભારપત્ર – વનરાજ માલવી

યુવક કે યુવતી લગ્ન કરે ત્યારે મિત્રો, સ્નેહીઓ, સગાંઓ તરફથી તેમને ઠીક ઠીક ભેટ મળે છે. તે સંજોગ એવા હોય છે કે નવપરિણીતો જે તે ભેટ અંગે આભાર માની શકતાં નથી. એ ભેટ જોવાની કે તે અંગે પોતાનો આનંદ વ્યક્ત કરવાનો અવકાશ હોતો નથી. ભેટ સ્વીકારતી વેળા આભારના એકાદ-બે શબ્દ કહે છે ખરા, પણ તે કેટલેક અંશે ઉપલકિયા નીવડે છે. એટલે, લગ્નની ભેટ જેમના તરફથી આવી હોય તે સૌનો વ્યક્તિગત પત્ર લખી આભાર માનવાનો રિવાજ પાડવા જેવો છે.

આપણે ત્યાં સામાન્યત: એવી ભેટો અંગે, ખાસ પત્ર લખી આભાર માનવા જેવું ગણ્યું નથી. એને ચીલાચાલુ બાબત ગણી લઈએ છીએ : આટલાં બધાંએ ભેટ આપી તો બધાંનો ક્યાં આભાર માનવો ? તેથી આભારની પુનરોક્તિ કરવાનું જરૂરી ગણતા નથી. જ્યારે કોઈ સ્નેહી આવે પ્રસંગે ભેટ આપે છે ત્યારે તે લેનારનો ઠીક ઠીક ખ્યાલ કરે છે. નવદંપતીની રુચિ અને જરૂરિયાતને અનુલક્ષીને ભેટ શોધવામાં સમય ગાળે છે. ને કેટલીકવાર, પોતાને લાગે કે ‘આ ભેટ જ બરાબર વાજબી છે’ તો પોતાના બજેટ કરતાંય થોડાક વધુ ખેંચાઈને તે ખરીદવાનું પસંદ કરે છે. તે પરિસ્થિતિમાં, તેની ભેટ સામે કેવો પડઘો પડે છે તે જાણવાની તેને ઈચ્છા થાય એ બહુ સ્વાભાવિક છે. ને ભેટનો લેનાર પોતાનો હરખ પત્ર દ્વારા વ્યક્ત કરે તો એણે ઉઠાવેલો પરિશ્રમ યથાર્થ હતો તેટલું જાણવા મળે છે. એ રીતે, ભેટ લેનારના હર્ષમાં પોતે કેવો સહભાગી નીવડ્યો તે એને માટેય બેવડા આનંદનું કારણ બને છે. એક તો ભેટ પસંદ કરવાનો અને તેને પોતાના પ્રેમના પ્રતીક તરીકે આપવાનો આનંદ, અને બીજો આનંદ તેની ભેટ ઉપયોગી નીવડ્યાનો !

ને લગ્નની ભેટો એવી છે કે તે સ્વીકાર્યાનો આનંદ છાપેલા કાર્ડથી કદી વ્યક્ત થઈ શકે નહિ ! તે પ્રત્યેકની નોંધ નવદંપતીએ જાતે જ, પોતાના હસ્તાક્ષરમાં મોકલવાની હોય. તે સિવાય એમની નિષ્ઠા પ્રગટી શકે નહિ. એવો પત્ર સાદા કાગળ પર લખ્યો હોય તો પણ ચાલે. પત્રો તરત ને તરત લખવા જોઈએ એવું પણ નથી. મહિના બાદ તે મોકલાય તો પણ ચાલે. દેખીતું છે કે નવદંપતી મધુરજની માણવા માટે બહારગામ ઊપડી ગયાં હોય. તેથી ભેટ સ્વીકાર અંગે આભારનો પત્ર મહિના કરતાં વહેલો મળે એવી કોઈ ગણતરી રાખે પણ નહિ, રાખી શકે નહિ. નવદંપતિને જાતજાતની ભેટ મળવાની. એ દરેક ચીજ કોઈકને કોઈક રીતે વિશિષ્ટ હોય. તેને અનુલક્ષીને ખાસ કંઈક લખાય તો એવો પત્ર મેળવનારનો આનંદ ઑર વધે. પોતે આપેલી ભેટની સરસ કદર થઈ છે એવો તેમને સંદેશો મળે તે ઉચિત ગણાય. આ મુદ્દો સ્પષ્ટ થાય તેટલા ખાતર અહીં કેટલાંક દષ્ટાંતો આપું છું.

સેમ્પલ – 1

તમે ને સરિતાએ જે નાનકડું ને રૂપકડું એલાર્મ ઘડિયાળ લગ્ન નિમિત્તે ભેટ મોકલ્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર. તે અમારા ડ્રેસિંગ ટેબલ પર, તેની શોભામાં સરસ ઉમેરારૂપ નીવડ્યું છે. જ્યારે જ્યારે પણ સમય જોવા માટે તેના પર અમારી નજર પડતી રહેશે ત્યારે તમારી યાદ એવી ને એવી જીવંત રહેશે.

સેમ્પલ – 2

તમે જે રંગ અને ડિઝાઈનના ટી-સેટની લગ્નભેટ તરીકે પસંદગી કરી છે તે પરથી લાગ્યું કે આપણી સૌની રુચિમાં કેટલી બધી સમાનતા છે ! જ્યારે જ્યારે ખાસ પ્રસંગે, અમારે ત્યાં મહેમાનો સાથે ચાની મૉજ માણીશું ત્યારે હું બહુ ગર્વપૂર્વક તેમની આગતાસ્વાગતા કરી શકીશ. મને ખાતરી છે કે તેઓ આ રૂપાળા ટીસેટ વિષે મને પૂછ્યા વિના નહિ રહે… હું ઈચ્છું કે અમારે ત્યાં આ જ ટી-સેટમાં આપણે સાથે મળીને ચાની સોડમ માણીએ.

સેમ્પલ – 3

આજે તમારી ભેટવાળું બોક્સ ખોલ્યું ત્યારે આનંદ પણ થયો અને આશ્ચર્ય પણ ! કારણ ? હું જે ઝંખતી હતી તે હેન્ડ-બ્લેન્ડર એમાંથી મળી આવ્યું. મને છાશ અતિપ્રિય છે તે તમને જાણ કઈ રીતે થઈ ગઈ ? તમે તો મારા મનની પસંદગીને બરાબર જાણી લીધી ! ખરેખર, મને લગ્નની એક વધુ સુંદર યાદગાર ભેટ મળી.

સેમ્પલ – 4

મને કોઈકે પૂછ્યું હોત કે લગ્નનિમિત્તે તમને કઈ ભેટ સૌથી વધારે ગમે ? તો હું જવાબ વાળત : સુટકેસ. ને એ જ ચીજ, ને મારે જોઈએ તે જ રંગમાં, તમારા તરફથી ભેટ તરીકે મળી ! કેવું આશ્ચર્ય ! એનાથી મને કેટલો આનંદ થયો હશે તે તમે કલ્પી જ શકશો. આ મનપસંદ ભેટ માટે આપનો ખૂબ ખૂબ આભાર.

સેમ્પલ – 5

કેવું સરસ પુસ્તક ! તેમાં લગ્નની મંગલ ભાવનાનું કેવું સરસ નિરુપણ કર્યું છે ! અન્ય ભેટો કરતાં તમારી ભેટ સૌથી નોખી પડી જાય છે. પુસ્તક એ ભેટ આપવાની સર્વોત્તમ વસ્તુ છે એની સૂઝસમજ બહુ ઓછામાં જોવા મળે છે. ને આનંદની વાત છે કે તમે તે દષ્ટિ બતાવી છે. મેં એકી બેઠકે અડધોઅડધ વાંચી કાઢ્યું છે. શીલાને પણ તે ખૂબ ગમશે એ મને ખાતરી છે.

ટૂંકમાં, ભેટ મેળવનાર સહેજ દષ્ટિ દોડાવે તો દરેક ભેટમાં તે પ્રશંસાપાત્ર નીવડે તેવો કોઈક ને કોઈક મુદ્દો ખોળી શકે. એ ભેટ વિશે તો તમે લખશો જ, પણ પત્રને અંતે, ભેટ આપનારની સૂઝ, દષ્ટિ કે ઔદાર્ય વિશે બે શબ્દો ઉમેરશો તો તેને એ થકી હરખ થયા વિના નહિ રહે. જો કે તેમાં વધુ પડતો અતિરેક ન થઈ જાય તેનો ખ્યાલ રાખવાનીય ભલામણ છે. તમને જેટલા પ્રમાણમાં લાગણી કે ઉમળકો થયાં હોય તેની મર્યાદાને ભાષામાં ઓળંગવાની હોય નહિ. જો તમને એ ભેટ મળ્યાથી કશો આનંદ જ ન થયો હોય તો તે ઊણપ ગમે તેવા શબ્દોથી પૂરી શકાતી નથી.

પત્ર નવદંપતીમાંથી ગમે તે લખી શકે. તેમાં, પતિએ લખ્યો હોય તો નીચે પત્ની એકાદ બે વાક્ય લખે, યા પત્નીએ લખ્યો હોય તો પતિ પોતાના હસ્તાક્ષરમાં પોતાનો હર્ષ વ્યક્ત કરે તો તે વધારે રૂડું રહેશે. એવું બને કે પતિના કેટલાક સંબંધીઓને (જે એના વ્યવસાય કે ધંધા કે નોકરીને કારણે હોય તેમને) પત્ની પિછાનતી નહિ હોય, તો પણ આવો વિવેક ભેટ આપનાર તથા તે લેનાર વચ્ચે નિકટત્વ ઉમેરવામાં સહાયરૂપ થશે.

કેટલાક લોકો ચીજવસ્તુને બદલે રોકડ રકમ ભેટ આપવાનું પસંદ કરે છે. એ સંજોગમાં તેમનો આભાર કઈ રીતે વ્યક્ત થાય ? તો એક સૂચન છે. એ રકમમાંથી નવદંપતી પોતાને જરૂરી હોય તેવી કોઈક ચીજ ખરીદી લે, અને તેની સાથે એ રકમ આપનારનું નામ જોડી દે. એ રીતે રોકડ રકમમાંથી ઉપયોગી વસ્તુ ઘરમાં આવી જાય, અને જેમણે રકમ આપી હોય તેમનો આભાર પણ વ્યક્ત થઈ જાય – એમને એ મતલબની જાણ કરીને. તેવી રકમમાંથી પેન-પૅન્સિલનો સેટ, કોઈક પ્રિય મેગેઝિનનું લવાજમ, ડેસ્ક લેમ્પ, સારી ડિક્ષનરી, મ્યુઝિકની કેસેટ, રસોઈનું પુસ્તક, ટેબલકલોથ, કાચનાં ગ્લાસ… એવું ગમે તે ખરીદી શકાય, અને તેના નિર્દેશ સાથે આભારપત્ર લખવાનું સરળ બનશે.