બા એટલે સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું – વર્ષા અડાલજા

[ નવેમ્બર-2005માં શ્રી દીપકભાઈ મહેતા દ્વારા સંપાદિત પુસ્તક ‘માતૃ–પ્રદક્ષિણા’ માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા) ખૂબ ખૂબ આભાર. ]

દરિયાની પાળે ઉભી રહીને જોઉ છું. સુર્યને અસ્ત પામતો, અને અસંખ્ય વાર જોયેલી આ ક્રિયા ફરી ફરી મને રોમાંચિત કરી ઉઠે છે. આ ગીષ્મનો મધ્યાહન કે ઝરમર વરસતું આકાશ કે શિયાળાની ઘન રાત્રિની ઠંડીનો ચમકાર – ઋતુચક્ર ઘૂમતું રહે છે, પણ બાની સ્મૃતિ કદી ઝાંખી નથી થતી. [મમ્મીને અમે 'બા' કહી બોલાવતા.]

સૂની બપોરે બારી પાસે ઉભી છું. સ્મૃતિઓનો ઝંકાર કશેક થી વહી આવે છે અને મારું અંતર ઝંકૃત થઇ ઉઠે છે. બારીના સળીયા પર બેસી ચકલી ક્યારનુ એકસરખું ચીં ચીં કરે છે. મારા રોજિંદા જીવનની સપાટીમાં છેદ પાડી ચીં ચીં મારા મનમાં ઝમતું રહે છે. ક્ષણભરમાં વ્યસ્ત ગૃહિણીની ખાલ ઉતારી નાખી પળભર હું કોમળ બાલિકા બની મુગ્ધભાવે ચીં ચીં સાંભ્ળયા કરું છું. વર્ષોનુ વન વીંધી એ મને લઇ જાય છે મારા બાળપણના પ્રદેશમાં, જ્યારે બાના ખોળામાં હું માથું મૂકી સૂતાં સૂતાં ‘એક હતી ચકી, એક હતો ચકો’ ની વાર્તા હું વિસ્મિત બની સાંભળતી.

બાની કઇ છબી પહેલી સાંભરે છે? – અપૂર્વ સૌંદર્ય, છેલ્લી ઢબનાં ફેશનેબલ વસ્ત્રો, ઘટ્ટ કાળા લાંબા વાળના અંબોડામાં સુગંધી વેણી, સાયગલ, પંકજ મલિક, જગમોહન અને જ્યુથિકા રેની રેકર્ડ એની ખુબ પ્રિય. સંગીતનો ખુબ શોખ. આત્મારામજી એમના અંધ શિક્ષક. હાર્મોનિયમ પર બા અત્યંત મધુર કંઠે ભજન ગાય, ત્યારે કશું સમજાય નહી છતાં આંખો છલકાઇ જાય. ચાર વર્ષની ઉંમરે મારો રંગમંચ-પ્રવેશ બા એ જ કરાવ્યો. માટુંગામાં ત્યારે અમે રહેતાં. મકાનની બધી ગૃહિણીઓને ભેગી કરી એમણે મહિલામંડળ સ્થાપ્યું હતું. એ સમયે આ વિચાર જ ક્રાંન્તિકારી લાગતો હતો. નવરાત્રીના ગરબા, પિકનિક, મકાનની સફાઇ, ચળવળ વખતે સ્વંયસેવિકાઓની ટુકડીની રચના, ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતોની ખાવાની-રહેવાની વ્યવસ્થા – કંઇકેટલાય રચનાત્મક કાર્યો બાએ ત્યારે હાથ ધરેલાં. દેશપ્રેમ વિશે, કંઇક નાટક બાએ તૈયાર કરેલું. પોતે અંગ્રેજ સોલ્જર બની હતી. અને હું ખુબ નાની હતી ત્યારે મારી બારે કશીક ભૂમિકા કરાવી હતી. રંગભૂમિનો પહેલો પાઠ બાએ ભણાવ્યો હતો. પ્રેક્ષકોથી કદી ડરવાનું નહીં. જેમ લોકો વધારે તેમ અભિનયની રંગત જામે. પછી તો બાના આવા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઉં. નૃત્ય કરતી. નૃત્યની તાલીમ હોઇ શકે, એના વર્ગો ચાલે, એવું કશું તો ત્યારે હતું નહીં. અમે મા-દીકરી આમતેમ હાથ વાળીને કોઇ પણ નૃત્યનો કાર્યક્રમ ઘડી કાઢતાં.

આજે મને પ્રશ્ન થાય છે: બા આ બધું ક્યાં શીખેલી? આ સંસ્કાર, આ કલારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું ?

પતિપત્નીના જીવનની પશ્વાદભૂ અને ઉછેર સાવ અલગ. બા કદી શાળાએ ગઇ નહોતી. ખોબા જેવા ગામડાની અત્યંત ગરીબ વિધવા માની ચાર-પાંચ દીકરીઓમાં ચોથો નંબર. જ્યારે પપ્પાજી – સ્વ. ગુણવંતરાય આચાર્ય – નીડર પત્રકાર. સ્વાતંત્ર્યસંગ્રામના સાહસિક લડવૈયા. ક્રાંન્તિકારી વિચારક. પણ બા કોઇ ઉંડી આંતરસુઝથી આ સાવ નવી દુનિયામાં તરસી ધરતીમાં જળ પેઠે શોષાઇ ગયેલી. રાણપુરમાં પપ્પા ‘ ફૂલછાબ’ માં કામ કરતા ત્યારે કેટલીય રાતે ઝવેરચંદ મેઘાણીનાં શૌર્યભર્યા કાવ્યો, સૌની પહેલાં એમના કંઠે સાંભળતી. પપ્પા પર વૉરંટ. જાતજાતના સમાચારો મેળવવા સંતાતા ફરતા. ઘણો વખત ભૂગર્ભમાં ઉતરી જતાં, ત્યારે ઘરની ગરીબી અને બાળકોની માંદગી સામે ગામડાની અભણ નારી જે ખમીરથી ટક્કર ઝીલતી એનું વર્ણન અમે મોટાં થયાં પછી પપ્પા કરતા ત્યારે અમારી આંખો છલકાઇ જતી.

સ્વાતંત્ર્ય આવ્યું ત્યારે પપ્પાએ એ જ લડાયક ખમીરથી રાજકારણમાં ઝુકાવવાને બદલે પહેલી ચૂંટણીમાં પોતાના મિત્રો માટે મન મૂકીને કામ કર્યું – તનમનધનથી. મિત્રો ચૂંટાઇ આવ્યા. પ્રધાનો બન્યા. ગવર્નર, ઍમ્બેસેડર, જાતજાતની સંસ્થાઓમાં મહત્વની જગ્યાએ ગોઠવાઇ ગયા. એમને સત્તાનો અફીણી કેફ ચડતો જોઇ પપ્પા એમનાથી દૂર ખસી ગયા. ચૂંટણી વખતનાં અનેક બિલો સુધ્ધાં પપ્પાએ ભર્યાં. જિંદગીમાં અનેક મુસીબતો ભોગવી, પણ તેમની પાસે જૂની મિત્રતાને દાવે કશું માગ્યું તો નહીં, પણ મળવા સુધ્ધાં ન જતા.

જામનગરના રાજાએ મુંબઇ છોડી જામનગર આવવા આમંત્રણ આપ્યું – સ્ટેટના પ્રિંન્ટિંગ નો સમગ્ર સંચાલનભાર સોંપવા – અલબત્ત, કશી દખલગીરી વિના. મુંબઇમાં સરદાર ચંદુલાલ શાહ સાથે રણજિત સ્ટુડિયોના વાર્તા વિભાગમાં પપ્પા હતાં. દિવસભર સ્ટુડિયો અને આખી રાત લખવાનું. રાતે ચાનો સામાન એમની આરામખુરશી પાસે મૂકી બા સૂઇ જાય. સવારે, ઉઠીને જુએ તો લખેલા કાગળોની થપ્પી તૈયાર હોય. મુંબઇ છોડી જામનગર ગયા. ત્રણચાર વર્ષ અત્યંત જાહોજલાલીનાં વીત્યાં. જામનગર સ્ટેટ પ્રેસ, આયુર્વેદિક મુદ્દણાલય અને બાના નામથી પોતાનું નવું પ્રેસ ચાલે, નીલા પ્રિંન્ટિગ પ્રેસ, રજવાડાંઓ ગયાં, વિલીનીકરણ થયું. રાજની માલિકીનું પ્રેસ લેવાયું, પણ અમારું પ્રેસ સ્ટેટની પ્રોપર્ટી સમજી લઇ લેવાયું. જેની મન મૂકીને ચાકરી કરી હતી તે સ્ટેટનાં રાજારાણીઓએ એની સામે હરફ સુધ્ધાં ન કાઢ્યો. સત્તાસ્થાને બેઠેલા મિત્રો પણ નવી સત્તા સાથે હનિમૂનના મિજાજમાં હતા.

ગયું, બધું જ ગયું. તણખલે તણખલે કરીને બાંધેલો માળો ક્ષણમાં પીંખાઇ ગયો. પપ્પા ઊંડા આઘાતથી ગંભીર માંદગીને બિછાને પડ્યા. એમાંથી ઊઠવાની આશા ડૉક્ટરોએ છોડી. ગાંઠે કશું નહીં. ચાર બાળકો અને પતિ મરણપથારીએ. પણ બા ! ઢાલ બનીને આડી ઊભી હતી. ‘અરે, ડૉક્ટરો શું દવા કરવાના! મારી મા છે ને હજાર હાથવાળી.’ માતાજીમાં અખૂટ આસ્થા અને રોમેરોમ વ્યાપેલી ભક્તિ. એ કપરા સંજોગો માં બા કઇ રીતે જીવી, ઘર કેવી રીતે ચાલ્યું અને મૃત્યુમુખમાંથી સાવિત્રીની જેમ યમરાજ પાસેથી કઇ રીતે પતિના પ્રાણ પાછા લાવી- એ સઘડો આ કળયુગમાં ચમત્કાર જ કહેવાય. પપ્પા દર દિવાળીએ વહેલી સવારે સૌપ્રથમ બાનો ચરણસ્પર્શ કરતા એ દ્ર્ષ્ય મારી સ્મૃતિમાં સદા કંડારાયેલુ રહેશે.

વર્ષો પહેલાંના એ પ્રસંગ પછી બાએ પપ્પા પાસે પાણી મુકાવેલું, કદી નોકરી ન કરવી. ખુમારીથી જીવ્યા છીએ એમ જ જીવશું. ત્યાર પછી પપ્પાએ 1965 માં નવેમ્બરની 25મી એ મધરાતે અચાનક વિદાય લીધી ત્યાં સુધી ક્યારેય ન કોઇની સિફારસ કરી, ન કોઇની ચાકરી. સાવજની જેમ એકલા જ લેખિનીને જોરે સ્વમાનભેર જીવ્યા.

સાહિત્યસમારંભો થાય, લેખકોની ષષ્ટિપૂર્તિ ઊજવાય, ગુજરાતી સાહિત્યના ઇતિહાસો લખાય, યુનિવર્સિટીમાં સાહિત્યકારોની ટેક્સ બુક્સ થાય, ત્યારે આ ખમતીધર આદમી અને ધુર્‍ંધર સાક્ષર ગુણવંતરાય આચાર્યનો ઉલ્લેખ સરખો ન થાય. પપ્પા તો મસ્ત ફકીર. પણ અમે વ્યથિત થઇએ ત્યારે બા અમને ગર્વથી કહે, તારા પપ્પાનું સ્થાન તો વાચકોના હ્ર્દયમાં છે. કોઇના કહેવાથી કોઇ મોટું થોડું થાય છે ?

અત્યારની જાણીતી નાટ્યસંસ્થા ‘ ઇષ્ટા’ ના ઘડવૈયાઓમાં પપ્પા હતા. પપ્પાનું બ્રિટિશરો સામે જેહાદ જગાવતું નાટક ‘અલ્લાબેલી’ ઠેર ઠેર ભજવીને લોકોમાં ચિનગારી પેટાવવા બધા કલાકારો ગામડે ગામડે ફરતા. એ નાટક પર અંગ્રેજોની કરડી આંખ હતી ત્યારે ખાનગીમાં સેટ કૉસ્ચ્યુમ વગર ભજવાતું. પોલીસોનો દરોડો પડે, ત્યાંથી ભાગીને બીજે. સ્વાતંત્ર્ય પછી ‘ ઇષ્ટા’ સામ્યવાદ તરફ ઢળતીજાય છે. એ જોઇને થોડા કલાકારોએ છૂટા પડીને નવી નાટ્યસંસ્થા સ્થાપી ‘રંગભૂમિ’ . પપ્પા મૃત્યુપર્યંત એના ઉપપ્રમુખ રહ્યા. નાટકની દુનિયામાં પપ્પાને સૌ ગુરુજી કહેતાં.

સ્કુલમાં હતી ત્યારથી આ સંસ્થામાં નાટકો કરતી. પપ્પા તો એટલા સ્વતંત્ર મિજાજના હતા કે અમને પુત્રીઓને જે કરવું હોય તેની સદા છૂટ રહેતી, પણ બાએ અમની બધાંને એટલી જ સ્વતંત્રતા આપેલી એટલું જ નહીં પ્રોત્સાહન પણ આપે. ‘રંગભૂમિ’ માં ,કૉલેજમાં, બીજી સંસ્થાઓમાં ઘણાં નાટકો કર્યા – એવા કાળમાં જ્યારે શનિરવિ નાટકોના હોલ છલકાત નહીં અને બહુ ઓછી બહેનો નાટકમાં કામ કરવા આગળ આવતી. પણ મારા પર બાની કશી રોકટોક નહીં. રાત સુધી રિહર્સલો, દિવસે કોલેજ, પણ બા કદી નારાજ ન થાય. ઊલટાની મારા બધા શોઝ જુએ અને મારા અભિનયનું વિષ્લેષણ પણ કરે. ‘’ દીકરીઓએ ઘરકામ કરવું જ જોઇએ. રસોઇ શીખો, કાલ ઊઠીને સાસરે જશો તો શું થશે? ‘’ – એવાં વાક્યો બાને મોંએ કદી ન સાંભળ્યાં. બા ને પપ્પા અમને એમ જ કહેતાં. ‘જેટલી પ્રવૃતિ કરવી હોય તે કરો, આ વર્ષો જિંદગીમાં પાછાં નહી આવે.’

પપ્પા અને બા, બત્રીસ વર્ષના દાંપત્યજીવનમાં વૃક્ષ અને મૂળની જેમ સદા સાથે રહેલાં. પપ્પાજી ઘરે જ લખતાં. કોઇ પ્રકરણ સરસ લખાયું છે એમ લાગે તો પપ્પા સાંજે વાંચે, બા રસથી સાંભળે, પછી પેક કરી મેટર પોસ્ટ કરી આવે. એમના દાંપત્યજીવનની મધુરતાં અને પ્રસન્નતાએ સૂર્યકિરણની જેમ અમારા જીવનને ચેતનાનો સ્પર્શ કર્યો છે.

– આવો પવિત્ર સંગાથ નંદવાયો. પપ્પા એકલવીર, અલગારી, ધૂની. જિંદગીમાં ઘણું ઘણું ખોયું, શરુઆતની નોકરીઓ બદલી, કેટલાંય ગામો બદલ્યાં, પપ્પા કદી હિસાબ ન રાખે – પૈસાની ગણતરી જ ન કરી શકે. કેટલાય લોકોએ પૈસા જ ન આપ્યા, બનાવી ગયાં—છતાં બા હસતી હસતી સંસાર ચલાવતી. ‘મારી મૂડી તમે.’ બા કહેતી.

પણ મૃત્યુ પાસે બા હારી. ખાલી આરામખુરસી તાકીને દિવસો સુધી બેસી રહેતી. આંખોનું નૂર ગયું. ચોખ્ખું હીરાકણી જેવું રુપ ગયું. ડૉક્ટરોએ કહ્યું : ‘ બા ના જીવનનો આનંદ જ લૂંટાયો છે, બા ઝાજું નહીં જીવ.’ અમારા બધાનાં ઘરે બા રહે, પણ જીવ ન ઠરે. તરત ચાલી જાય.

રાજકોટમાં અમારું ઘર. બા એકલી જઇને ત્યાં રહી. સમય પસાર કરવા મંદિરે જવા લાગી. બાનું લડાયક ખમીર ફરી સળવળ્યું. એના મીઠા કંઠથી ગવાતાં ભજનોએ કંઇકેટ્લીયે બહેનોને બા તરફ ખેંચી. બા વિચાર્વા લાગી, ‘પતિ નથી, બાળકો સૌ સૌને ઘરે સુખી છે, તો આ જીવનને બીજાના ઉપયોગમાં ખર્ચી નાખીને ખરો ધર્મ – માનવતાનો ધર્મ કેમ ન આચરવો ?’

બસ, તે દિવસથી બાએ સંસારમાંથી મન ખેંચી લીધું. માયાનું આવરન મન પરથી સરી ગયું. એકલાં જ રહે. સ્વતંત્રાથી, સ્વમાનથી, પપ્પાની રોયલ્ટીની રકમ હાથમાં મૂકી દઉં પછી સાવ જ જરુરિયાત પૂરતું રાખી, બાકીનું ક્યાં જાય તે અમને ખબર ન પડવા દે. મંદિર એની સેવાપ્રવૃત્તિનું ધામ. ગરીબ વિધવા બાઇઓની મદદ કરવી, કોઇને દાણો, કોઇને ફી, કોઇની દવા, ભજનમંડળ સ્થાપ્યું છે. ઘરે ઘરે ભજન ગાવા જઇ, છેલ્લે છેડો ફેલાવી પૈસા માગી, ભજનફંડ ઊભું કર્યું છે. જેમાંથી ગામડેથી ગરીબ વિદ્યાર્થી રાજકોટ ભણવા આવે તેને ફી-ચોપડાં, નાનાં બાળકોને દૂધ, ખીચડી આપવા કેન્દ્ર ચાલે. એક જ ટંક રસોઇ. ચાર જોડી કપડાં અને જાતે ઘરકામ.

પુત્ર-પુત્રીઓના સંસારમાં માથું મારવાની ફુરસદ નથી, અમે કશી કીમતી ખરીદી કરી હોય તે જોઇ રાજી થાય પણ તરત કહેશે, ‘ આટલો ખર્ચો તારી એકલી માટે કર્યો ? મને થોડા રુપિયા નહીં આપે ? – ફલાણા કામ માટે જોઇએ છે . ‘વરસમાં એક વાર ઘર બંધ કરી ક્યાંક જાત્રાએ ઊપડી જાય, પછી ન કોઇ પત્ર ન ખબર. અમારાં બધાંના જીવ અધ્ધર થૈ જાય. ઘણી વાર વૃદ્ધ, અપંગ સ્ત્રીઓનેય સાથે લઇ જાય. એને હાથ પકડી બધે ફેરવે, દર્શન કરાવે. કોઇ પણ અજાણ્યા સ્થળમાં ગિરદીમાંય ગમે તેમ જમવાની, ટિકિટની વ્યવસ્થા કરી, સહીસલામત ઘરે પાછાં ફરે. ઉમંર, રોગ શરીરને પીડે તોય ન ગણકારે. મનોબળથી શરીર પાસેથી કસીને કામ લે છે.

બાને એકલતા કે શૂન્યતાએ કદી સતાવી નથી. એણે ફરી પોતાનાં મૂળ, કોઇ અજબ આંતરસૂઝથી શોધી લીધાં છે. અને એટલે જ એમનું જીવનવૃક્ષ સદા લીલુંછમ રહે છે. બાના આ જીવનનો પ્રભાવ, અમારા પર તો ખરો, અમારાં બધાંનાં બાળકો પર પણ ઘણો પડ્યો છે. વેકેશનમાં બધાં બા પાસે જવા થનગની ઊઠે.

બાનું જીવન એટલે ગંગોત્રી. કેટકેટલું અમે જ નહીં, બીજાંય એ અમીધારાથી ભીંજાયાં !

હું મારાં બાળકોમાં પણ એવું કશું રોપી જવા માગું છું જે એમનામાં નિરંતર ઊગ્યા કરે, મોર્યા કરે, જેની સ્મૃતિઓની હુંફ એમનાં જીવનમાં પણ ઉષ્મા પ્રગટાવે અને એમનાં જીવનની પાછલી ઠંડી રાતે જ્યારે એમનાં બાળકોથી વીંટળાઇને બેઠાં હોય ત્યારે આવાં મધુર સ્મૃતિચિત્રોને તાજાં કરી શકે ને મને કોઇ સુંદર આથમી ગયેલી સંધ્યાની જેમ સંભારી શકે.

એ સંતાનો એમના જીવનની પાછલી સંધ્યાએ…..નિયતિની આ લાંબી શૃંખલાની આપણે એક કડી, જેનો ન આદિ છે, ન અંત.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખ અને દુ:ખનો વેશપલટો – સુરેશ દલાલ
માયા અને મુક્તિ -સ્વામી વિવેકાનંદ Next »   

31 પ્રતિભાવો : બા એટલે સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું – વર્ષા અડાલજા

 1. manvant says:

  “Maa e Maa..Bijaa Vagdaanaa Vaa”..”Janani ni jod Sakhi nahi jade re lol”Varshaben ne apratyakha rite olkhu j chhu.Ghatkoparwala mara dost na wife Urmilaben Vyas marfate.Vali Ansaar,Saat Pagla Aakaashmaan pan India thi mangavine vancheli.Haal ma j emne Guj. Sahitya Academy tarafthi Award malyo.Abhinandan !Varshaben,tamaru ek vakya badhu j kahi gayu”Baa nu Jeevan etle Gangotri”.Nilaben ne Gunwantbhai charan sparsh kare e vaat jaani ulti Ganga dekhai !In short,your life seems to be very “struggleful”.A wearer only knows where the shoe pinches !Good Wishes to Shri. Deepakbhai Mehta and Varshaben Adalja !Also Pisawadiya!

 2. meena chheda says:

  Amit,
  aabhar.
  versha adaljane vanchvu ae mare man humesha lahavo rahyo chae. Maa ni laagni ne.. aemna jivan ne shabdo dwara vyakt karvu saral nathi.. vaanchi ne ghano j aanand thhayo.

 3. Yesha says:

  I like this article very much thanks to varsha adalja and mrugesh uncle for such a beautiful gift

  Yesha,
  Adipur(Kutch).

 4. ખૂબ સુંદર લેખ.
  આ લેખ ને અહીં સુધી પહોંચાડનાર સર્વેનો આભાર.

  આ લેખ વાંચીને કોઇને પોતાની ‘બા’ યાદ ના આવે, તો જ નવાઇ..!!

 5. pankaj shukla says:

  khubj sundar ,
  varshaben ne sandesh ma ravivare hamesha vanche a chia

  hal ni ane juni tamj navi pathi mate ghanuj pranadayi

  lakhe che.

  pankaj shukla

  vapi , gujararat

 6. Mona Dave says:

  Great…!

  Mari aankh ma pan aasu avi gaya!
  Mane pan Mummy yadd avi gayi!
  Mane evu lagyu ke hu pan mara mummy vishe avi sundar rite lakhi saku to ketlu saru.

  Love,
  Mona

 7. Narendra Bhuptani says:

  Incidently I read the same article in the Book “Matru Vandana” by Shri Dipak Mehta this morning. Excellent collection. Recommended to every one.

 8. ashalata says:

  great ghnu j suner
  a vnchi mane mara mammi yad avi gaya Jene ame KUSUMBEN
  kaheta mane pun jo avu sunder lakhta avdtu hot to
  amra dilna dwar kholi vacha api shakt to kevu saru hatu
  varshabenne temaj amne ano labha apva badal shri mrugeshbhaino ghano abhar avu j sunder sahitya darshan karavta raheso
  shubhechha saha
  ashalatana pranam

 9. urmila says:

  Beautiful article on ‘ba’
  ‘when god created this world he realised that he wil not be able to look after all his children so he created a ‘ba’ for each child’

 10. Karan Bhatt says:

  Ma is not a word, it is the world. Really, this article is too good. And Varsh Adalaja always does the best on a lady & perticuler on Mother. I like it very much.

 11. ruchi says:

  Hi,

  There would b no1 who ‘ll nt cry after reading this. V always praise foreing writters but never an indian and not specifically gujarati but after reading this lekh v all should.

 12. […] # સંપાદન  માતૃ-પ્રદક્ષિણા […]

 13. jagruti says:

  ખરેખર મા તો વાત્સલ્ય અને પ્રેમ સમાન વીરડી છે.

  ખરેખર સુંદર રચના

 14. Ramesh says:

  great article

 15. nayan panchal says:

  ખૂબ જ પ્રેરણાત્મક લેખ.

  આજે હું પણ બાના જીવનની અમીધારાથી ભીંજાય ગયો.

  “પપ્પા દર દિવાળીએ વહેલી સવારે સૌપ્રથમ બાનો ચરણસ્પર્શ કરતા એ દ્ર્ષ્ય મારી સ્મૃતિમાં સદા કંડારાયેલુ રહેશે.”
  જે ઘરમાં આટલી અદભુત, માની ન શકાય તેવી revolutionary ઘટના ઘટતી હોય તે ઘરને શત શત પ્રણામ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.