- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

તો કયે ભવ છૂટું ? – જયંતકુમાર પાઠક

વાર્તાના કલેવરમાં છુપાયેલી આ એક સત્ય ઘટના છે. કોઈએ કહી હોત તો કદાચ માનત પણ નહિ, પરંતુ આ તો સગી આંખે જોયેલી છે. સૌરાષ્ટ્રની ધરતી પર ઈતિહાસે એક કરવટ બદલ્યું હતું. સૈકાઓની ગુલામીનાં અસ્થિઓ કાળના કબ્રસ્તાનમાં દફનાવાતાં હતાં. ‘જયહિંદ’ ને ‘જય સોમનાથ’નો નાદ ફરીથી એક વાર બુલંદ બન્યો હતો. જૂનાગઢની આરઝી હકુમતે ઉગામેલી તલવાર હજુ હમણાં જ મ્યાન થઈ હતી. યુગે યુગે બદલાયેલા ઈતિહાસના સાક્ષી સમા ગિરનારનાં શિખરો સોરઠની આથમતી નવાબશાહીને જોઈ રહ્યાં હતાં. હું પણ એક વખતની બેદર્દ રાજાશાહીના અવશેષો જોતો સૌરાષ્ટ્રમાં અખબારી ફરજ બજાવી રહ્યો હતો.

પૂરા બે દાયકાથી અખબારી આલમમાં ઓતપ્રોત મારો જીવ ઉલ્કાપાતોની શોધમાં હતો. ઊથલપાથલભર્યા આ દિવસો દરમ્યાન, થોડા દિવસો માટે, મારું ઘર-બાર-ઑફિસ બધું મોટર જ બની રહ્યું હતું. રાતભર મોટરમાં પ્રવાસ કરતો અને દિવસ ઊગતાં અગાઉથી નક્કી કરેલે ગામે પહોંચી જતો. રાજકોટથી મેં એક સરસ મોટર ભાડે કરેલી. મોટર તો સરસ હતી જ, પરંતુ એનો હાંકનારો મહંમદ પણ કોઈ અજબ ખોપરીનો આદમી હતો. મારા આ પ્રવાસ દરમ્યાન મેં એને અનેક રંગમાં જોયો. અંધકારને ચીરતી મોટર સડસડાટ દોડતી હોય અને એ વાતોના તાનમાં આવી જતો. એક વાર વાત શરૂ થાય પછી એનો અંત ન આવે ! વાતોમાંથી વાતો ને એમાંથીયે વાતો માંડે. સેંકડો માઈલના મારા આ પ્રવાસ દરમ્યાન એણે સૌરાષ્ટ્રનાં ‘ખમીર’, ‘ખાનદાની’, ‘ખટપટ’, ‘ખુશામત’ અને ‘ખુટામણ’ની અજબગજબની વાતો કરેલી. મોટરનું સ્ટીયરીંગ વ્હીલ ઘુમાવતો એ જે અદાથી વાત કરતો, એનો રંગ કાંઈ ઑર હતો ! આમ તો મોટરમાં અમારા બે સિવાય ત્રીજું કોઈ હતું જ નહિ. એટલે મારે એની વાતો સાંભળ્યા સિવાય તો છૂટકો જ ન હતો. પણ સાચું કહું તો, મહંમદની વાતો સાંભળવી મને બહુ જ ગમતી હતી.

ગુનેગારોની રોમાંચક દુનિયાની પોતાની જાતઅનુભવની અનેક વાતો એણે કહી. પણ દરેક વાતને અંતે એક વાતની હંમેશ યાદ આપ્યા કરતો કે, ‘સાહેબ ! આજે આટલી સરસ ‘ગાડી’ ફેરવું છું એ બધો એનો પ્રતાપ !’ આમ રાત પડે અને એક ગામથી બીજે ગામ જવાનો મારો પ્રવાસ શરૂ થાય. એની સાથે જ એના એકાદ પરાક્રમની વાત પણ શરૂ થઈ જાય !

પ્રવાસ દરમ્યાન એક રાત્રે મહંમદની આ વાતોએ જુદો જ રંગ પકડ્યો. એણે આજ સુધી નહિ છેડેલી એવી ‘મહોબત’ની વાત છેડી – એની પોતાની નહિ, પણ એના એક દોસ્તની. સવારમાં અમારે જે ગામ પહોંચવાનું હતું એ જ ગામમાં એનો એ મિત્ર રહેતો હતો. એટલે જ કદાચ મહંમદને એના એ દોસ્તની અને એની ‘મહોબ્બત’ની યાદ આવી ગઈ હશે. રોજની અદાથી મહંમદે આજે વાતની શરૂઆત નહિ કરેલી. આ વાત કહેવામાં એને કાંઈક દુ:ખ થતું હતું. ગાડી ગામની બહાર નીકળી, એટલે હવે પછી આવતા ગામમાં રહેતા પોતાના દોસ્તની યાદ જાણે એના દિમાગની બહાર નીકળતી હોય એમ એણે વાતની શરૂઆત કરી : ‘સાહેબ ! આપણે તો કોઈ દિવસ મહોબ્બતના મામલામાં ઊતર્યા નથી. મહોબ્બતના ખતરા જ ખોટા. પણ આજના જુવાનિયા મહોબ્બત મહોબ્બત કરતા ‘મજનુ’ થઈને ફરતા ફરે છે ત્યારે મને એમની ભારે રહેમ આવે છે. મહોબ્બતનો કરનારો તો મેં એક મર્દ જોયો મારો જિગરી દોસ્ત ! સાવ બરડ લોખંડ જોઈ લ્યો ! ભલે ભાંગી જાય પણ વળે નહિ ! વટનો કકડો ! જાત તો લુહારની, પણ છાતી રજપૂતની ! આજે વીસ વીસ વર્ષથી ઘરમાં તેની પાગલ પત્નીને પાલવે છે, પણ મોમાંથી ‘ઉફ’ શબ્દ નીકળ્યો નથી. ગાંડીને પાલવે છે શું સાહેબ, ઘરમાં બીજું કોઈ બૈરું નથી… પોતે જ એને ખવડાવે, પિવડાવે, એનું માથું ઓળે…. અરે, બીજું બધું તો ઠીક, એનાં મળમૂત્ર સુદ્ધાં સાફ કરે છે. અમે દોસ્તો એને કહી કહીને થાક્યા કે : ‘અલ્યા, આ ગાંડી પત્ની પાછળ ગાંડો બનીને તું કાં ખુવાર થાય છે ? એને ક્યાંક મૂકી આવ અને બીજું ‘ઘર’ કરી લે. ….પણ આજે વીસ વીસ વર્ષથી એ એકનો બે નથી થયો ! હવે તો અમે પણ એને કહેવાનું માંડી વાળ્યું છે. બિચારો દુ:ખી દુ:ખી થઈ ગયો છે, પણ બીજું ઘર ન કર્યું તે ન જ કર્યું. પોતાની પાગલ પત્ની પાછળ આખી જિંદગી કુરબાન કરી નાંખી.’

મહંમદે જે રીતે વાતની શરૂઆત કરેલી, વાત કરતાં કરતાં ‘દોસ્ત’ માટે જે દર્દ વ્યક્ત કરેલું, એથી તો મનેય આખી વાત જાણવામાં રસ જાગ્યો. ભાદરના કાચા પુલ પરથી અમારી મોટર પસાર થતી હતી. એટલે મોટરનો વેગ ઘટ્યો. દૂર દૂર પછાડ ખાતાં પાણીના અવાજથી રાત વધુ બિહામણી લાગતી હતી. મારી નજર સમક્ષ પેલી ગાંડી સ્ત્રીનું કલ્પનાચિત્ર દોરાતું જતું હતું. એ કેવી હશે, જેની પાછળ એક જણે જિંદગીનું જ હીર લૂંટાવી દીધું ?… પુલ પસાર થતાં મોટરનો વેગ વધ્યો. મેં પણ વાતનો વેગ વધારવા મહંમદને પૂછ્યું : ‘મહંમદ ! તારો એ લુહાણો દોસ્ત ‘ગાંડી’ને જ પરણ્યો હતો ?’

‘ના, સાહેબ ના, દુ:ખ તો એ વાતનું જ છે ને ! પરણ્યો ત્યારે તો ડાહીડમરી હતી… જન્નતની હુર જેવી ! અને મારા એ દોસ્તે શાદી પણ કોઈ રેંજીપેંજીની જેમ નહોતી કરી, માથું મૂકીને કરી હતી. પોતે તો લુહાણો છે, પણ એ બાઈ જાતે ગરાસણી. આખું ગામ ગરાસિયાઓનું. ખીજે તો જાન લઈ લે અને રીઝે તો જાન દઈ દે એવાં એ લોકો. પણ એ મર્દનો બચ્ચો વાઘની બૉર્ડમાંથી બાઈને ખેંચી લાવ્યો. આખું ગામ વિરુદ્ધમાં. આખા ગામમાં ગજબ થયેલો. પણ, સાહેબ, કહેવું પડશે; બાઈ પણ ભારે હોંશીલી અને જોશીલી. એક મધરાતે સગાંવહાલાં સૌને છોડીને એ લુહાણા જુવાન સાથે ઘરબહાર હાલી નીકળી. આ બંને વચ્ચેની મહોબ્બતની વાત જ્યારથી ગામમાં ચેં ચેં પેં પેં થવા માંડી ત્યારથી આ લુહાણો ગામ છોડી ભાગી જાય એ માટે ગરાસિયાઓએ ભેગા થઈ ઘણા ઘણા ઉધામા કર્યા; ઘણી ધાકધમકીઓ આપી. એક-બે વાર વાઢી નાખવા ઝાટકા પણ માર્યા. ઘર ફૂંકી મારવાની પણ પેરવીઓ થઈ પણ એ બધું પેલા બહાદુરે મર્દાનગીથી વેઠી લીધું. એમ થતાં થતાં વાત થોડી ઠંડી પડી. એટલે એક મધરાતે બંને જણાએ સંતલસ કરીને ગામને છેલ્લા રામ રામ કર્યા.’

રાત વહેતી જતી હતી. સાથે ‘મહોબ્બત’ની આ અજબ વાત પણ વહેતી હતી. એવામાં અચાનક એક રાની પશુએ મોટરનો અવાજ સાંભળી, સડકની એક બાજુથી બીજી બાજુએ છલાંગ મારી. મહંમદે મોટરની બ્રેક મારતાં અમે બંને જણા બેઠકના આગલા ભાગ સાથે જોરથી ભટકાયા. મહંમદે પાછો મોટરનો વેગ વધાર્યો અને વાત આગળ ચલાવી : ‘સાહેબ, કાલે જે ગામે આપણે મુકામ કરવાના છીએ ને, ત્યાં જ મારો એ દોસ્ત રહે છે. નાની સરખી નામની હાટડી કરી છે અને પેલી ગાંડીને પાલવે છે. પણ હવે તો આ વાતને વીસ વર્ષ થઈ ગયાં. હું તો સાહેબ ! કાલે એને મળ્યા પછી જ આગળ વધીશ… જોઉં તો ખરો, બિચારો હજુ કેવુંક દુ:ખ વેઠે છે !’ મહંમદે એક ઊંડો શ્વાસ લીધો. ચાલુ મોટરે બીડી ચેતાવી. માર્ગમાં કાંઈ આડું હતું નહિ, છતાં દોસ્તની યાદે એના દિમાગમાં પેદા કરેલી ગમગીનીને જાણે ઉડાડી મૂકતો હોય એ રીતે, તેણે એકાદ-બે વાર મોટરનું ‘હોર્ન’ વગાડ્યું અને મોટરનો વેગ થોડો વધુ વધાર્યો.

‘પણ મહંમદ ! એ બાઈ ગાંડી કેવી રીતે થઈ, ક્યારે થઈ ? એ વાત તો તેં મને કહી જ નહિ ?’ મને પણ હવે આ વાત જાણવાનો રસ પડ્યો હતો.
એકાદ મિનિટ તો મહંમદ કાંઈ જ બોલ્યો નહિ. જાણે હવે એને આ વાત આગળ કહેવાની ગમતી જ ન હોય ! પણ પછી બીડીનો છેલ્લો દમ મારી, એણે ગળું સાફ કર્યું. મારા પર એક નજર નાખી લીધી. મારા ચહેરા પરના હમદર્દીના ભાવ જાણે એણે વાંચી લીધા હોય એ રીતે પાછી એણે વાત આગળ ચલાવી : ‘સાહેબ ! શું વાત કરું એની ! એક દા’ડો એનો બી જમાનો હતો. રંગીન તબિયતનો રંગીલો જવાન… ગામડાગામમાં ફૂલફટાક થઈને ફરવું એ કાંઈ સહેલું નથી. સૌની આંખો એની સામે કતરાય. ગામમાં અમે ભેળા જ મોટા થયેલા. એટલે અમે એની બધી વાતો જાણીએ. કિસમ કિસમની ધિંગામસ્તી કરેલી ! મૂછનો દોરો ફૂટ્યો-ન-ફૂટ્યો ત્યાં તો એણે ભલભલાના છક્કા છોડાવી દીધેલા ! એના બાપને ગામમાં ધીરધારનો ધંધો. પહેલેથી બે પૈસે સુખી. એકનો એક દીકરો એટલે લાડકોડમાં કાંઈ કચાશ નહિ. કોઈ નવાબજાદાની જેમ ઊછરેલો. ઘરડા લોકો શેઠને કહેતા પણ ખરા : ‘વેપારીના દીકરાને આમ ફૂલફટાક થઈને ફર્યા કરવું ન છાજે.’ પણ બાપ જીવ્યા ત્યાં સુધી : ‘હશે… એકનો એક છે…. હું બેઠો છું ત્યાં સુધી ભલે લહેર કરે…’ એમ કહીને, લોકોની વાતને શેઠ હસી કાઢતા. ગામમાં મોટા ભાગની વસ્તી ગરાસિયાઓની એટલે એની બધી સોબત પણ ગરાસિયા જુવાનો જોડે જ. એના દિલ અને દિમાગ પર આ સોબતની અસર પણ ઓછી નહિ ! આમ જુવાનીની ધિંગામસ્તીમાં દિવસો વહી જતા હતા. એવામાં અચાનક આ જુવાન ખૂબસૂરત ગરાસણી સાથે એની મહોબ્બત જાગી ગઈ ! પછી તો એ મહોબ્બતે એનાં રાત-દિવસ એક કરી નાખ્યાં. જાણે તલવારની ધાર પર મહોબ્બતની સવારી ચઢી. સહેજ ચૂક્યા કે ધડથી માથું જૂદું… પેલી ગરાસણીએ પણ નક્કી કર્યું કે, ‘ઘર માંડું તો એ લુહાણાનું, બીજા બધા ભાઈ ને બાપ !’

‘અને પછી તો, સાહેબ, કોઈની મહોબ્બત છાની રહી છે કે એની રહે ? આખું ગામ ઉપર-તળે થઈ ગયું. એમના ઉપર વીતવાની કાંઈ બાકી ન રહી. આખરે મેં આપને કહ્યું તેમ, એક રાતે બંને જણાં ગામ છોડીને ચાલી નીકળ્યાં. અમે બે-ચાર દોસ્તો જ એ વાતને જાણતા હતા. એકાદ વર્ષ તો બંને જણાં માર્યા માર્યા ભટક્યાં. એક ગામથી બીજે ગામ આથડ્યાં કર્યું. એ પછી આપણે જે ગામે કાલે પહોંચવાના છીએ ત્યાં આવીને ઠરીને ઠામ થયા. આખરે તો વેપારીનો દીકરો, એટલે પોતાની પાસે જે કાંઈ રહ્યું-સહ્યું હતું એ વેચી-સાટીને એક નાની સરખી હાટડી માંડી. એ પછી એક વખત મને ખાનગી સંદેશો મળતાં હું પણ બંનેને છાનોમાનો મળી આવેલો. બંને ઠરીને ઠામ થયેલાં એટલે હું પણ રાજી થયેલો. પણ સાહેબ ! સુખના દા’ડા કોઈના કાયમ રહ્યા છે કે એના રહે ? અચાનક એક દિવસ આ બાઈ ગાંડી થઈ ગઈ. કૂવાને કાંઠડે બેડું મૂકીને ભરબજારે ઉઘાડે માથે ઘેર આવી. એના ધણીને પણ ઓળખે નહિ ! જમીન ઉપર નજર રાખીને કલાકોના કલાકો સુધી બેસી રહે ! રાત-દિવસનું કાંઈ ભાન જ નહિ ! બધાએ કહ્યું કે કૂવાને કાંઠેથી ભૂત વળગ્યું છે. ઘણા દોરાધાગા કર્યા ! ઘણી બાધા-માનતા રાખી. ઘણાં માતા-મંદિર કર્યાં. જેણે જે કોઈ દવાદારૂ બતાવ્યાં એ બધાંય એ બિચારો કરી છૂટ્યો. પણ આજ વીસ વર્ષથી એના એ જ હાલ છે. હવે તો બધાંય જંતરમંતર કરાવવાં છોડી દીધાં છે ને ખુદા પર યકીન રાખીને બેઠો છે. આખી જિંદગી એ પાગલ સ્ત્રી માટે ફના કરી નાખી. આજે વીસ વર્ષથી એકધારી એકલે હાથે એની ચાકરી કરે છે. છતાં કદી એણે ‘ઉફ’ નથી કરી. કદી એનો ત્યાગ કરવાનો ખ્યાલ સુદ્ધાં નથી કર્યો ! કહો સાહેબ, આજના લોકો ‘મહોબ્બત’ની આટલી અદબ રાખી શકશે ખરા ? જિંદગીભરને માટે જાણે કલેજું થામીને બેસી ગયો.’

દોસ્ત પ્રત્યેની હમદર્દી મહંમદ ઠાલવ્યે જતો હતો. હું ચૂપચાપ સાંભળ્યે જતો હતો. પ્રભાત થઈ ચૂક્યું હતું. પૂર્વમાં સૂર્યની લાલાશ લીંપાતી હતી અને અમે ગામના પાદરમાં પ્રવેશ કર્યો. મને તો પેલી પાગલ સ્ત્રીને જોવાની તાલાવેલી લાગી હતી. એટલે મોટર સરકારી ઉતારે મૂકી, કપડાં પણ બદલ્યા વગર, સીધા પેલા લુહાણાની હાટડીએ પહોંચ્યા. હાટડી હજુ હમણાં ઊઘડી હતી. પિસ્તાલીસેક વર્ષનો એક પુરુષ કપડાંની પીંછીથી દુકાનમાં સાફસૂફી કરતો હતો. દૂરથી મહંમદે મને કહ્યું : ‘સાહેબ, એ જ… એ જ….. મારો દોસ્ત.’ હાટડીનાં પગથિયાં પર પગ મૂકતાં જ એની નજર અમારા પર પડી. મહંમદને જોતાં જ એણે એવો ઉમળકો બતાવ્યો કે જાણે હમણાં જ બંને જણા ભેટી પડશે ! પણ બીજી પળે લશ્કરી લેબાસમાં મને જોતાં એ ખમચાઈ ગયો. મહંમદને ભેટવા લંબાવેલા હાથે મને સલામ ભરી ને મને હાટડીમાં ક્યાં બેસાડવો એ માટે આમતેમ નજર નાખી. છેવટે ગુણપાટનો એક તકિયો ઊંધો નાખી, મને બેસાડ્યો, ‘કાં ભાઈ ! આમ અચાનક ક્યાંથી…. અને આ સાહેબ….’ મહંમદે બધી વાત કરીને પૂછ્યું : ‘કાં, ભાભીના શા હાલ છે ?’ મહંમદને મુખેથી ભાભીનું નામ નીકળતાં એ ભવ્ય ખંડેર જેવા ચહેરા પર ઘડીભર પહેલાં જ ખીલેલી ખુશમિજાજી કરમાઈ ગઈ. મારી હાજરીમાં એ પ્રશ્ન પુછાયો ન હોત તો જ સારું એમ એના ચહેરાના ભાવ પરથી લાગ્યું. મહંમદને પણ એમ જ લાગ્યું; એટલે એણે ચોખવટ કરતાં કહ્યું : ‘સાહબને મેં તારી બધી વાત કરી છે.’

એણે મારા પર એક ઊડતી નજર નાખીને મહંમદને કહ્યું : ‘એની એ જ દશા છે. ચાલો, ઘેર ચા-પાણી કરીએ.’ એ ઊઠ્યો. દુકાનને વસ્તી કરી, બજારમાં પાછળના ભાગના મહોલ્લામાં અમે ગયા. એક ડેલીબંધ મકાનનું બારણું ઉઘાડ્યું. ઘરમાં પેસતા જ બધું સ્વચ્છ અને વ્યવસ્થિત લાગ્યું. ઘરમાં કોઈ સ્ત્રીનો વાસ નથી એમ લાગે જ નહિ. અમે બેઠા-ન-બેઠા અને મહંમદે કહ્યું : ‘ભાઈ, પહેલાં ભાભીને મળી આવીએ, પછી ચા મૂકો.’
અમે ત્રણે ઊઠ્યા. અંદરનો ઓરડો વટાવી મકાનના પાછળના ભાગમાં બાજુ પર આવેલા એક ઓરડાના જાળીવાળા બારણા આગળ આવી ઊભા રહ્યા. હું સૌથી આગળ હતો. એ ઓરડાની અંદર મેં જે દશ્ય જોયું એ મારાથી જિંદગીભર ભુલાય એમ નથી. છાપરા પરના અજવાળિયામાંથી પ્રભાતના સૂર્યનાં કિરણો હજુ આછાં પ્રવેશ કરતાં હતાં. ખૂણામાં અર્ધનગ્ન દશામાં એક સ્ત્રી પગ ફેલાવીને બેઠી હતી. કોઈપણ પુરુષ જિંદગી કુરબાન કરી નાખે એવું એનું રૂપ જરૂર હતું. ગાંડપણે એના રૂપને વધુ વિકસાવ્યું હતું – રૂપ જાણે એના દેહ પર સ્થિર થઈને બેસી ગયું હતું.

અમારા આવવાનો અવાજ સાંભળીને એ જરા સંકોચાઈ. કપાળ પર ઝૂલતી લટ સહેજ પાછી ખસી. એની નજર અમારા પર મંડાણી-ન-મંડાણી અને પાછી જમીન પર ઝૂકી ગઈ. થોડીવાર હાથથી જમીન ખોતરીને એ ઊભી થઈ. બરાબર અમારી આગળ જાળીના સળિયા પકડી ઊભી રહી. માથું પાછું નાખીને એ ખડખડાટ હસી પડી. એ હાસ્ય કેટલું બિહામણું હતું ! અમારા આગળથી ખસી એ ફરી પાછી ખૂણામાં જઈ લપાઈ ગઈ – કોઈ ઊંડા કોતરમાં સિંહણ લપાઈને બેસે એ રીતે. સૂર્યમાંથી કોઈ વાદળું પસાર થતું હશે એટલે અજવાળિયામાંથી આવતો પ્રકાશ બંધ થતાં આખા ઓરડામાં અંધકાર ફેલાઈ ગયો. ઓરડાની દીવાલોમાંથી જાણે કરુણતા ટપકવા માંડી. આખું વાતાવરણ જાણે કારુણ્યથી ભીનું ભીનું થઈ ગયું.
અમે બહાર ઓસરીમાં આવીને બેઠા.
થોડી વાર તો અમે ત્રણે મૂંગા મૂંગા બેસી રહ્યા.
‘ગઈ આખી રાત મહંમદે તમારી જ વાતો કરી છે. આમ એકલા પંડે આટલું દુ:ખ વેઠો છો એના કરતાં એને કોઈ સારી હૉસ્પિટલમાં મૂકી આવો તો ?’ મેં કહ્યું.
‘હા, ભાઈ ! હા. જે કોઈ આવે છે એ બધા આવી જ સલાહ આપે છે. સલાહ ખોટી પણ નથી. પણ એ બિચારીએ મારી ખાતર નાતજાત-સગાં-વહાલાં સૌને છોડ્યાં અને હવે આજે આટલે વર્ષે મારા પંડના સુખની ખાતર આ દશામાં એને પારકાની દયા પર છોડું તો કયે ભવ છૂટું ?’

વર્ષોથી એકધારું દુ:ખ વેઠવાની આ માણસની તાકાતનું રહસ્ય મને એના એક વાક્યમાં સમજાઈ ગયું. ‘તો કયે ભવ છૂટું ?’ આ વાક્ય સાંભળ્યા પછી દુ:ખીનું દુ:ખ તાજું કરતી વાત આગળ લંબાવવાની મારી ઈચ્છા ન રહી. એ ઓરડા તરફ છેલ્લી નજર નાખી મેં ત્યાંથી વિદાય લીધી. એ પછીના પ્રવાસમાં સૌરાષ્ટ્રની ધરતી પર મેં અનેક ઉથલપાથલો જોઈ, પરંતુ મારા મનમાં તો – ‘કયે ભવ છૂટું ?’ એ શબ્દો જ રમતા રહ્યા.

(સત્ય ઘટના, ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2003માંથી સાભાર.)