મારું લગ્નજીવન (ભાગ-2) – સંકલિત હાસ્ય-લેખો

[અગાઉ આપણે ‘મારું લગ્નજીવન’નો એક લેખ થોડા સમય અગાઉ માણ્યો હતો. આજે માણીએ તેનો બીજો ભાગ. ‘નવનીત સમર્પણ’ સુવર્ણ જયંતી વિશેષાંકમાંથી સાભાર.]

[1] રતિલાલ બોરીસાગર

હાસ્યલેખકોના લગ્નજીવન વિશે એક વ્યાપક ગેરસમજ એવી છે કે એમની પત્નીઓને કેટલું બધું હસવાનું મળતું હશે ! કોઈ પણ હાસ્યલેખકની પત્નીને આ વાત પૂછશો એટલે આ કેટલી મોટી ગેરસમજ છે એનો ખ્યાલ આવી જશે.

વિશ્વવિખ્યાત હાસ્ય-કટાક્ષકાર બર્નાર્ડ શૉના મિત્રે એક વાર શૉનાં પત્નીને પૂછેલું : ‘ભાભી, મારા ભાઈ આટલી સરસ રમૂજો કરે છે ને તમે હસવાને બદલે હોઠ ભીડીને સ્વેટર કેમ ગૂંથી રહ્યાં છો ?’ (ભાભી કે મારા ભાઈ – એમ નહીં કહ્યું હોય પણ જે કહ્યું હશે તેનો આ ગુર્જર-ભારતીય ભાષામાં કરેલો મુક્ત અનુવાદ સમજવો) ત્યારે શૉનાં પત્નીએ કહેલું : ‘આ રમૂજો હું સેંકડો વાર સાંભળી ચૂકી છું. આ રમૂજો સાંભળું છું કે તરત જ મને એસિડિટી થઈ જાય છે; આ રમૂજો યાદ આવે છે ને મને ઊબકા આવવા માંડે છે. ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં મારાથી એમનું ગળું દબાવી ન બેસાય એટલા માટે સ્વેટર ગૂંથવામાં મારા હાથ રોકાયેલા રાખું છું.’ કોઈ પણ હાસ્યલેખકનાં પત્નીને પૂછશો તો દરેકની આ જ નિયતિ હશે. માત્ર પ્રાચીન ભારતીય નારીને પતિનું ગળું દબાવવાનો વિચાર કદાચ ન આવે – આવે તો બિચારી એક ઉપવાસ કરી નાખે. એકવીસમી સદીની અર્વાચીના પત્નીને આવો વિચાર આવે છે પણ ખરો ને એકવીસમી સદીના ઉત્તરાર્ધની અર્વાચીના તો આવો વિચાર બેધડક પ્રગટ પણ કરી દેશે.

હાસ્યલેખકની પત્ની પતિની મૌલિક રમૂજ પર હસે જ એની કોઈ ગૅરંટી નથી હોતી. પ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડને એક વાર એમનાં પત્નીએ પૂછ્યું : ‘ભંગારવાળો આવ્યો છે. ઘરનો બધો ભંગાર આપી દઉં ?’
‘પછી ઘરમાં વધશે શું ?’ હાસ્યલેખકે રમૂજ કરવા પ્રયત્ન કર્યો. પરંતુ આ રમૂજને કારણે હાસ્યરસનું નિર્માણ થવાને બદલે કરુણરસનું નિર્માણ થયું. નવી પેઢીનો હાસ્યકાર આવી રમૂક કરશે કે ‘ભંગાર આપી દીધા પછી વધશે શું ?’ તો અનુઆધુનિક પત્ની, કૅશ પેમેન્ટ કરતાં, કહી દેશે, ‘કેમ ? તમે તો વધશોને ?’

મારું કોઈપણ કામ જાતે કરવાને બદલે બીજાને એ કામ કરવા પ્રેરવાની વૃત્તિ અને શક્તિ મારામાં જન્મથી જ પ્રબળ છે. પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું થયું ત્યાં સુધી મારાં બા કે બહેન મને નવડાવતાં અને મારા મોંમાં કોળિયા આપી મને ખવડાવતાં. આ સંસ્કાર છેક નિર્મૂળ નહિ થયેલા. એટલે લગ્ન પછી મારા મોંમા કોળિયા આપી પતિપ્રેમનું જવલંત દષ્ટાંત પૂરું પાડવા પત્નીને પ્રેરવાનો પ્રયાસ મેં કરેલો. પ્રારંભમાં હું થોડો સફળ પણ થયેલો. પરંતુ હું પ્રેમને કારણે નહિ પણ આળસને કારણે એની પાસે આમ કરાવું છું એવો વહેમ એને ગયો અને મારા વૈભવનું બાળમરણ થયું. પ્રેમથી નવડાવવા ઉપરાંત પત્ની પાણીથી પણ નવડાવે એવી ભાવના લગ્નજીવનના પ્રારંભમાં મેં સેવેલી. પરંતુ મારે સખેદ કહેવાનું પ્રાપ્ત થાય છે કે પત્નીમાં આ પ્રકારની રસિકતા પ્રેરવામાં હું સદંતર નિષ્ફળ ગયેલો. દાઢી કરાવવાના ભાવ માથાના વાળ ઊભા થઈ જાય એટલા વધ્યા પછી હું જાતે દાઢી કરતો થયેલો, પણ લગ્ન પછીના તરતના ગાળામાં પત્નીને હું કહેતો : ‘હે આર્યપુત્રી, નિત્ય દાઢી કરવી એ મારો ધર્મ છે, પરંતુ દાઢી કરવા માટે પાણી ગરમ કરી દેવું, હું છાપું વાંચતો બેઠો હોઉં ત્યાં ગરમ પાણી અને હજામતનાં સર્વ સાધનો મૂકી જવાં એ હે સખી, પત્ની તરીકે તારો સહધર્મ ગણાય. તારા ધર્મનું યથાયોગ્ય પરિપાલન કરીને તારું સહધર્મચારિણીપદ શોભાવ.’ મારાં આ વચનો સાંભળી પ્રારંભમાં પત્નીને નશો ચડી જતો અને ઉત્સાહથી એ સઘળાં કામો કરતી. પરંતુ જેમ-જેમ એને વાસ્તવિકતાનું જ્ઞાન થતું ગયું તેમ-તેમ એનો ઉત્સાહ મંદ પડતો ગયો અને કાલાન્તરે સાવ નિર્મૂળ થઈ ગયો.

મારાં લગ્ન થયાં ત્યારથી જ મારાં કામો કરવા હું એને પ્રેરતો અને બિલકુલ પ્રારંભકાળમાં પત્ની મારાં કામો અતિ ઉત્સાહથી કરી પણ આપતી. એ એનું કોઈ કામ મને ભાગ્યે જ ચીંધતી, પરંતુ ક્યારેકેય એનું કોઈ કામ ચીંધતી તો એ કરવામાં હું જાતજાતના અખાડા કરતો. છતાં શરૂશરૂમાં એના આગ્રહથી-ક્યારેક દુરાગ્રહથી એણે ચીંધેલું કામ કરી આપવાનો-અલબત્ત, દાનત વગર-પ્રયત્ન કરતો. પરંતુ ડઝનેક પ્યાલા-રકાબીને મોતને ઘાટ ઉતાર્યા પછી; ગૅસ પાસે જ મને ઊભો રાખવા છતાં ચાર-પાંચ વાર દૂધ ઊભરાઈ ગયા પછી; વૃદ્ધ ભીંડા અને સડેલા બટેટા લઈ આવ્યા પછી; એના બ્લાઉઝ પર ગરમ ઈસ્ત્રી માન્ય સમય કરતાં વધુ સમય-ઘણો વધુ સમય, અલબત્ત, નરી નિર્દોષતાથી, રહી જવાને કારણે પત્નીનું બ્લાઉઝ જ નહીં, નીચે રાખેલી ચાદર પણ બળી ગયા પછી – મને ગુડ ફોર નથિંગ જાહેર કરી સઘળાં કામોમાંથી મને ફારેગ કરી દેવામાં આવ્યો. મુક્તિ સમયે પત્નીએ આપેલું દીક્ષાન્ત પ્રવચન મારે માટે બહુ શોભાસ્પદ નહોતું તો પણ મુક્તિના અપાર આનંદ સામે આટલું સહન કરવાનું મને કંઈ વધારે નહોતું લાગ્યું. પત્નીની કોઈ સખી પત્નીને પૂછે છે : ‘તારા મિસ્ટર ઘરકામમાં તને કંઈ મદદ કરે છે ?’ ત્યારે મિસિસ કહે છે : ‘એ કંઈ મદદ ન કરે એ જ એની મોટી મદદ છે.’ પત્ની આમ કહે છે ત્યારે મને લાગે છે કે ‘સ્વર્ગ અહીં છે, અહીં છે, અહીં જ છે !’

‘મારું લગ્નજીવન’ એ વિષય પર હું મોટો ગ્રંથ રચી શકું એમ છું; પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં-અને તે પણ ઉત્તર ઉત્તરાર્ધમાં કૉમેડી કરવા જતાં ટ્રૅજેડી ઊભી થાય એવું હું નથી ઈચ્છતો. મારા વાચકો પણ મારું ભલું જ ઈચ્છતા હશે એટલે રંગરસિયા જરા આટલેથી અટકે છે.
.

[2] મધુસૂદન પારેખ

અરે, આ તંત્રી મહાશય તો જુઓ ! લેખકોને કેવા કેવા વિષયો લખવા માટે સોંપે છે ! અમારા લગ્નજીવનની ખાનગી વાત અમે જાહેર કરીએ તો અમારી ઈજ્જત શી ? જુઓને ! લગ્ન પછી પણ તરત મારી આંખમાં આંસુ આવી ગયાં ! આ કોમલાંગીને કુટુંબકબીલો છોડતાં કેટલું દુ:ખ થયું હશે ! હું સ્વભાવે વધારે પડતો લાગણીશીલ – Sensitive છું. એટલે જરા આંખો નીતરી ગઈ. તરત જ કોમલાંગીએ એનો લેડીઝ રૂમાલ કાઢીને મને આપ્યો, આશ્વાસન સાથે કે હજી રડવાના ઘણા પ્રસંગો આવશે, અત્યારથી શું ?

મારાં મમ્મી મને એક દિવસ ચા બનાવતાં જોઈ ગયાં. મને બૂમ મારી : ‘એય રમણ ! શું કરે છે, રસોડામાં ?’
મેં જરા ગભરાટ સાથે કહ્યું : ‘ચા બનાવું છું.’
તરત મમ્મીનું ચક્રબાણ છૂટ્યું : ‘તારી વહુ માટે ચા બનાવે છે ? કેમ, એને હાથે મેંદી મૂકી છે ?’
અમારો વિવાદ સાંભળીને પત્ની ઊંઘમાંથી જાગી, રસોડામાં સીધી ધસી આવીને પૂછવા લાગી : ‘શું છે ? શેની ગરબડ છે ?’
મેં શિયાંવિયાં થઈને કહ્યું : ‘કશું નથી, નથિંગ નથિંગ, માલતી ડિયર, તું તારે આરામ કર.’ મમ્મીની આંખમાંથી આંસુ નહીં, અગ્નિની ઝાળ વરસવા માંડી. મેં કહ્યું : ‘મમ્મી, એને ચા બનાવવાની ફાવતી નથી… એટલે…એટલે… એમાં મને કશી તકલીફ નથી.’
‘માના રાજમાં કોઈ દિવસ ચા બનાવી’તી ?’ મમ્મી ઘૂરકીને ચાલી ગઈ. હવે લગ્નજીવનમાં આવું તો બન્યા કરે….. પણ ઘરખાનગી વાત બહાર પડાતી હશે ? એકવાર માલતી પડોશી આગળ મોટે મોટેથી બોલતી હતી કે મારી સાસુ સાવ ડફોળ છે, સાવ નોનસેન્સ…. અને બીજું ઘણું બોલી ગઈ…. મારી મમ્મી રડતાં રડતાં મને ફરિયાદ કરવા લાગી. એટલે મમ્મીના સંતોષ ખાતર મેં કહ્યું :
‘માલતી ! ધિસ ઈઝ નોટ ફેર…. તું પડોશમાં તારી સાસુ વિશે ફાવેતેમ બોલી આવે…’
‘મારી સાસુને હું ગમે તે કહું. જે હોય તે કહેવાય. તમારી સાસુ માટે તો હું કશું ખરુંખોટું કહેતી નથીને !’
‘યેસ. યેસ. ઓ.કે…’ અમે તરત અગ્નિ પર પાણી રેડી દીધું.

એક વાર મમ્મી બહાર દેવદર્શન ગઈ હતી. માલતી મને કહે : ‘ડોસી મંદિરે જ બેસી રહેતી હોયને તો નિરાંત થાય…’
મેં જરા નમ્ર વિરોધ કર્યો : ‘મારી માને તું ડોસી કહીને ગાળ દે…. તે તને શોભે છે ?’
‘તારી ડોસીને હું પચ્ચીસ વરસની જુવાનડી કહું ? એના દાંત નથી, માથામાં એકે કાળો વાળ નથી… એને ડોસી ન કહેવાય ?’ મને વિરોધમાં કહેવાનું મન તો થયું કે એમ તો તારી મમ્મીને આંખે મોતિયો છે, એનાય બધા વાળ સૂતરફેણી જેવા છે. પણ હું કુટુંબની શાંતિમાં માનું છું… અને મારી સંસારદત્ત માન્યતા છે કે પત્ની શાંત રહે તો કુટુંબમાં શાંતિ રહે.

એક વાર માલતીએ સૌમ્યતાથી મને સલાહ આપતાં કહ્યું : ‘તારી મમ્મીને તું થોડા મહિના મોટા ભાઈને ઘેર મૂકી આવે તો કેવું ? એમનેય મમ્મીની સેવાનો લાભ ન આપીએ તો આપણે એકલપેટા કહેવાઈએ. મમ્મી કંઈ તારા એકલાની નથી, તારા મોટા ભાઈનીય એ મમ્મી છે.’
મેં જરા જુસ્સાથી કહ્યું : ‘એ નહીં બને. મારી ભાભીનો સ્વભાવ કેવો છે એ તને ખબર નથી ?’
‘મારો સ્વભાવ ‘સારો’ છે એ ગુનેગારી ?’
મેં રકઝક કરવા માંડી એટલે વટહુકમ છૂટ્યો : ‘બે વિકલ્પ છે. તારી મમ્મીને તારા મોટા ભાઈને ત્યાં મૂકી આવ અથવા મને મારી મમ્મીને ઘેર મૂકી આવ.’
કયો વિકલ્પ પસંદ કરવો ? મમ્મી કે પત્ની ? પત્ની કે મમ્મી ?…. મેં સરખો જવાબ ન આપ્યો. બીજે દિવસે ખાટી કઢીએ મારો જીવ ખાટો કરી નાખ્યો. શાકમાં ડબલ મરચાંએ મને રડાવી દીધો. સંસારમાં, મતલબ કે લગ્નજીવનમાં પત્નીનો ઑર્ડર ન માનીએ તો ઘરમાં ડિસઑર્ડર થઈ જાય. ધાર્યું ધણીનું નહીં, ધણિયાણીનું થાય તો દામપત્ય પ્રસન્ન રહે. મમ્મીને સમજાવટનાં થીગડાં મારીને મોટા ભાઈને ઘેર મૂકી આવ્યો. આવું બધું લગ્નજીવનમાં ચાલ્યા કરે. એ બધી સંસારની અંગત વાત તંત્રીશ્રીને એમના મેગેઝિનમાં જણાવાતી હશે ?

મારી મમ્મી ગઈ તેના બીજે જ દિવસે માલતી કહે : ‘આપણા કુટુંબમાં વસતી આવે તો તને ગમે.’ આપણે તો ખુશ થઈ ગયા. અમે દામ્પત્ય સ-ફળ થાય તેની આતુરતાથી પ્રતીક્ષા જ કરતા હતા. મેં કહ્યું : ‘વેરી ગુડ… માલતી ! આજે હું ધન્ય થઈ ગયો. ઘરમાં વસતી આવે એ તો આનંદનો વિષય…..’
માલતીય રાજી થઈ ગઈ. મને કહે : ‘મારી મમ્મી થોડા દિવસ અહીં રહેવા આવવાની છે…!’
‘હેં !’ મારાથી ફફડાટનો ઉદ્દગાર એકાએક નીકળી ગયો.
‘કેમ ચમકી ગયો ?’
‘ના, ના, એ તો સુખદ આશ્ચર્યથી ઉદ્દગાર નીકળી ગયો. તારી મમ્મી ઓલ્વેઝ વેલ્કમ…! ફોન કરીને તરત બોલાવ.’ મને વિચાર આવ્યો કે મા-દીકરીને ભેગાં કરવાં એય કેવો પુણ્યયોગ છે. મારા લગ્નજીવનની આવી બધી ખાનગી વાતો, તમે જ કહો, તંત્રી માગે તોય કેવી રીતે કહેવાય ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તો કયે ભવ છૂટું ? – જયંતકુમાર પાઠક
સાહિત્યનો ઉદ્દેશ – મુનશી પ્રેમચંદજી Next »   

23 પ્રતિભાવો : મારું લગ્નજીવન (ભાગ-2) – સંકલિત હાસ્ય-લેખો

 1. Hiral Thaker "Vasantiful" says:

  😀 હાસ્યલેખ વાંચ્યા પછી તો ખરેખરતો લગ્નજીવન એવો શબ્દપ્રયોગ કરવો જ બરાબર નથી…..કારણકે લગ્ન પછી જીવન બચે છે ખરુ? …… હા….હા….હા….!

 2. pragnaju says:

  લગ્નજીવનની આવી બધી ખાનગી વાતો,
  તમે જ કહો, તંત્રી માગે તોય કેવી રીતે કહેવાય ? અને રમુજમાં ઘણૂં માર્મિક પણ કહી દીધું!!
  વાહ

 3. Malay says:

  વાહ વાહ, મઝા આવી ગઈ. લગ્નજીવન મા પ્રવેશવા માંગતા અમારા જેવા યુવકો માટે તો માર્ગદર્શક લેખ છે.

 4. હળવી વાતો હળવાશથી લેવી પડે નહિ તો ભારે થઈ જાય.

 5. Indian says:

  I do not understand that terror in Mumbai is still not responded on this site and we are involved with this type of articles. Yes, I have no complaint against this article, it’s good but as Indian it seems like we are not recognizing tough time…

 6. Urmila says:

  Dear Indian – Mumbai (whole of India )and all the foreign nationals and their families are going through tough time – news on TV are distressing and disturbing – please keep on praying for the families involved in tragedy that they can get through the tough time – I am sure all the readers of this pages are praying for quick end to this horrible time

 7. Karan says:

  સરસ લેખ

 8. tejal tithalia says:

  Really nice artical……

  આવી પળૉ જ લગ્ન જીવન ને જીવન્ત રાખે છે……………….

  nice efforts by the writers………….

 9. mukesh thakkar says:

  nice and hilarious articles.

 10. It’s a really very nice.I like too much.

 11. I like this story too much.

 12. ઈન્દ્રેશ વદન says:

  રતિલાલ ભાઈ એ ભારે કરી. 🙂 “તારું સહધર્મચારિણીપદ શોભાવ” નો આખો સંવાદ જોરદાર છે.

  કોઈકવાર કોઇ લેખિકાએ પણ પત્નીઓ નો બળાપો રમૂજ દ્રારા રજૂ કરવો જોઈએ. 😉

 13. kaushik dixit says:

  રતિલાલ બોરીસાગરનો હાસ્ય લેખ અદભૂત રહ્યો. તેમનું હાસ્ય ખૂબજ ઉંચા પ્રકારનું અને નિર્દોષ હોય છે. લેખ માટે આભાર.

 14. samir says:

  this is really true vahu never like sasu

 15. Nilesh Bhatt says:

  Nice article. But..

  પણ હાસ્ય સુકુ સુકુ લાગ્યુ. એમા કા તો અતિશયોક્તિ કે પછી માત્ર પરાણે ઉપજાવેલ હાસ્ય લાગ્યુ. ખબર નહી શુ પણ કઈક ખુટે છે. કદાચ આ લેખ મા અનુભવસિદ્ધ રસાયણ નથી!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.