સાહિત્યનો ઉદ્દેશ – મુનશી પ્રેમચંદજી

[વિષય પ્રવેશ : દેશકાળ પ્રમાણે સાહિત્યએ અલગ-અલગ ભૂમિકા નિભાવવી પડે છે. કોઈક કાળે તે મનોરંજનનું માધ્યમ હતું પરંતુ આજના કાળમાં મનોરંજન માટે અનેક સાધનો ઉપલબ્ધ છે. એ માટે સાહિત્યના સહારાની કોઈને જરૂર નથી. આજના જમાનામાં સાહિત્યએ જો કોઈ મૂખ્ય ભૂમિકા ભજવવાની હોય તો એ છે ‘જીવન વિકાસ’ની. માનસિક તાણ અને સંઘર્ષ વચ્ચે જીવતી નવી પેઢીને હળવા કરીને તેમને જીવનનો યોગ્ય પથ બતાવવાનું કામ વર્તમાન સમયમાં સાહિત્યએ કરવાનું છે. આ કામને પાર પાડવા માટે એ પ્રકારની ઉત્તમ રચનાઓ આપણને જોઈશે. એ ઉત્તમ કૃતિઓ રચી શકે એવા સર્જકની પણ આપણને જરૂર પડવાની. એવા ઉત્તમ સર્જક બનવા માટે જીવનની ઊંચાઈ સૌથી મહત્વની બાબત રહેવાની. માન-પ્રતિષ્ઠા વધારવા માટે, પૈસા ભેગા કરવા માટે, લોકોમાં વાહ-વાહ થાય એ માટે જે લખતા હશે તેઓ આ કામ નહીં કરી શકે. માત્ર ઢગલો જેટલા પુસ્તકો લખીને કે ભાત-ભાતના એવોર્ડ મેળવીને સાહિત્યકાર બની શકાતું નથી. સાહિત્યકાર બનવા માટે વિચારોની ઊંડાઈ અને જીવનની ઊંચાઈ – એમ બંનેની આવશ્યકતા છે. આ અનુભૂતિનો પ્રદેશ છે. સાચો સાહિત્યકાર પોતાની કૃતિ વાચકને નથી આપતો, પરંતુ પોતાના સ્વને, પોતાની અનુભૂતિને વાચકના માનસપટ પર એ રીતે ચિત્રિત કરી દે છે કે ઘડીકભર વાચક પોતાના જીવનથી બે વેંત ઊંચે ઊઠ્યો હોય એમ તે અનુભવી શકે છે. સાચા અર્થમાં લેખક કે સાહિત્યકાર કેવી રીતે બની શકાય તેનું ધારદાર વક્તવ્ય અહીં શ્રી મુનશી પ્રેમચંદજીએ આપ્યું છે. અહીં પ્રશ્ન થાય કે લેખક કેવી રીતે બનાય એ બધી બાબતો વાચકે શા માટે જાણવી જોઈએ ? બે કારણ – એક તો સાચા અર્થમાં સાહિત્યકારને ઓળખવા માટે…. અને બીજું, લેખક બનવાનું પ્રથમ પગથિયું તો સાચા ‘વાચક’ બનવાનું જ છે ને ? હિન્દી અને ઉર્દૂમાં પ્રેમચંદજીએ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. 1936માં ભારતમાં પ્રગતિશીલ લેખકસંઘની સ્થાપના થઈ હતી. તેના ઉદઘાટન અધિવેશનમાં અપાયેલું તેમનું અધ્યક્ષીય પ્રવચન અહીં ‘વિશ્વના યાદગાર પ્રવચનો’માંથી સાભાર લેવામાં આવ્યું છે. વક્તવ્યનો અનુવાદ શ્રી ભોળાભાઈ પટેલે કર્યો છે. આશા છે કે સારા લેખક અને વાચક બનવા માટે સૌ કોઈને આ ઉપયોગી નિવડશે. – તંત્રી, રીડગુજરાતી.]

સજ્જનો,
આ સંમેલન આપણા સાહિત્યના ઈતિહાસમાં એક સ્મરણીય ઘટના છે. આપણાં સંમેલનો અને સભાઓમાં આજ સુધી સામાન્ય રીતે ભાષા અને તેના પ્રચાર વિશે જ ચર્ચા કરવામાં આવતી રહી છે. ભાષા સાધન છે, સાધ્ય નથી. હવે આપણી ભાષાએ એ રૂપ સિદ્ધ કર્યું છે કે આપણે ભાષાથી આગળ વધીને ભાવ પર ધ્યાન આપીએ અને જે ઉદ્દેશથી આ નિર્માણકાર્યની શરૂઆત કરી છે, તે કેવી રીતે પૂરો થાય તેનો વિચાર કરીએ.

ભાષા બોલચાલની પણ હોય છે અને લખવાની પણ. બોલચાલની ભાષાથી આપણા નજીકના લોકો સમક્ષ આપણા વિચાર પ્રગટ કરીએ છીએ – આપણા હર્ષશોકના ભાવોનું ચિત્ર દોરીએ છીએ. સાહિત્યકાર તે કામ કલમ દ્વારા કરે છે. પરંતુ મારો કહેવાનો આશય એ નથી કે જે બધું લખવામાં આવે, તે બધું સાહિત્ય જ છે. સાહિત્ય તો એ રચનાને કહેવાય જેમાં સચ્ચાઈ પ્રગટ કરવામાં આવી હોય, જેની ભાષા પ્રૌઢ, પરિમાર્જિત અને સુંદર હોય તથા જેનામાં દિલ અને દિમાગ પર પ્રભાવ પાડવાનો ગુણ પણ હોય, અને સાહિત્યમાં આ ગુણ પૂર્ણ રૂપથી ત્યારે જ ઉત્પન્ન થાય છે, જ્યારે તેમાં જીવનની સચ્ચાઈઓ અને અનુભૂતિઓ વ્યક્ત કરવામાં આવી હોય. સાહિત્યની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે; પણ મારે મન તેની સર્વોત્તમ વ્યાખ્યા ‘જીવનની આલોચના’ છે, પછી ભલે તે નિબંધના રૂપમાં હોય, વાર્તાના રૂપમાં હોય કે કાવ્યના, તેણે આપણા જીવનની આલોચના અને વ્યાખ્યા કરવાની છે – આપણે હમણાં જે યુગ પસાર કર્યો, તેને માટે તો જીવનની કોઈ મતલબ નહોતી. આપણા સાહિત્યકારો કલ્પનાની એક સૃષ્ટિ રચીને તેમાં જાદુની ઈન્દ્રજાળ રચી દેતા. સાહિત્યનો જીવનથી કશો સંબંધ છે, એ કલ્પનાતીત હતું. વાર્તા એટલે વાર્તા, જીવન એટલે જીવન. બન્ને પરસ્પર વિરોધી વસ્તુઓ સમજવામાં આવતી. પ્રેમનો આદર્શ વાસનાઓને તૃપ્ત કરવાનો હતો અને સૌંદર્યનો આંખોને.

આપણી સાહિત્યિક રુચિ ઝડપથી બદલાતી જાય છે. હવે સાહિત્ય માત્ર મનોરંજનની ચીજ નથી. મનોરંજન ઉપરાંત તેનો બીજો પણ ઉદ્દેશ છે. તે હવે માત્ર નાયક-નાયિકાના સંયોગ નિયોગની વાર્તા નથી સંભળાવતું, પરંતુ જીવનના પ્રશ્નો પર પણ વિચાર કરે છે, અને તેને ઉકેલી આપે છે. હવે તે સ્ફૂર્તિ કે પ્રેરણા માટે અદ્દભુત અને આશ્ચર્યજનક ઘટનાઓ નથી શોધતું અને ન તો ઝડઝમકની શોધમાં જાય છે; પણ એને તો એવા પ્રશ્નોમાં દિલચસ્પી હોય છે, જેનાથી સમાજ કે વ્યક્તિ પ્રભાવિત થાય છે. તેની ઉત્કૃષ્ટતાની વર્તમાન કસોટી અનુભૂતિની એ તીવ્રતા છે, જેનાથી તે આપણા ભાવો અને વિચારોમાં તેજી લાવે છે. કવિ કે સાહિત્યકારની અનુભૂતિમાં જેટલી તીવ્રતા હોય છે, એટલી તેની રચના આકર્ષક અને ઊંચી કક્ષાની હોય છે. જે સાહિત્યથી આપણી સૂરુચિ ન જાગે, આધ્યાત્મિક અને માનસિક તૃપ્તિ ન મળે, આપણામાં શક્તિ અને ગતિ ઉત્પન્ન ન થાય, આપણો સૌંદર્યપ્રેમ જાગ્રત ન થાય – જે આપણામાં સાચો સંકલ્પ અને મુશ્કેલીઓ પર વિજય મેળવવાની સાચી દઢતા ન ઉત્પન્ન કરે, તે આજ આપણે માટે બેકાર છે, તે સાહિત્ય કહેવડાવવાનું અધિકારી નથી.

જૂના જમાનામાં સમાજની લગામ ધર્મ-મજહબના હાથમાં હતી, પણ સાહિત્યે આ કામ પોતાને માથે લીધું છે, અને તેનું સાધન છે સૌંદર્યપ્રેમ. એવો કોઈ માણસ નથી, જેનામાં સૌંદર્યની અનુભૂતિ ન હોય. સાહિત્યકારમાં આ વૃત્તિ જેટલી જાગ્રત અને સક્રિય હોય છે, તેની રચના એટલી જ પ્રભાવશાળી બને છે. પ્રકૃતિનિરીક્ષણ અને પોતાની અનુભૂતિની તીક્ષ્ણતાને કારણે તેના સૌંદર્યબોધમાં એટલી તીવ્રતા આવી જાય છે કે જે કંઈ અસુંદર છે, અભદ્ર છે, મનુષ્યતાથી રહિત છે, તે એને માટે અસહ્ય બની જાય છે. તેના પર તે શબ્દો અને ભાવોની પૂરી શક્તિથી પ્રહાર કરે છે. અથવા એમ કહીએ કે તેણે માનવતા, દિવ્યતા અને ભદ્રતા ધારણ કરેલી હોય છે. જે દલિત છે, પીડિત છે, વંચિત છે – પછી તે વ્યક્તિ હોય કે સમૂહ, તેની તરફદારી અને વકીલાત કરવાની તેની ફરજ છે. તેની અદાલત સમાજ છે, આ અદાલતની સમક્ષ તે પોતાની ફરિયાદ રજૂ કરે છે અને તેની ન્યાયવૃત્તિ અને સૌંદર્યવૃત્તિને જાગ્રત કરવામાં પોતાના પ્રયત્નની સફળતા સમજે છે. પણ સામાન્ય વકીલોની જેમ સાહિત્યકાર પોતાના અસીલ તરફથી ઉચિત-અનુચિત બધા પ્રકારના દાવા રજૂ નથી કરતો, અતિશયોક્તિથી કામ નથી લેતો, પોતા તરફથી વાતો ઉપજાવી નથી કાઢતો. તે જાણે છે કે આવી યુક્તિઓથી તે સમાજની અદાલતને પ્રભાવિત નહીં કરી શકે. તે અદાલતનું હૃદયપરિવર્તન તો ત્યારે જ થાય જ્યારે તમે સત્યથી જરા પણ વિમુખ ન હો; નહિતર અદાલતની ધારણા તમારે માટે ખરાબ બની જશે અને તે તમારી વિરુદ્ધમાં ફેંસલો આપશે. તે વાર્તા લખે છે, પણ વાસ્તવિકતાનું ધ્યાન રાખીને, મૂર્તિ બનાવે છે પણ એવી કે તેમાં જીવંતતા પણ હોય અને ભાવવ્યંજકતા પણ – તે માનવપ્રકૃતિનું સૂક્ષ્મતાથી અવલોકન કરે છે, મનોવિજ્ઞાનનું અધ્યયન કરે છે અને તેનાં પાત્રો દરેક સ્થિતિમાં અને દરેક પ્રસંગે એનું આચરણ કરે, જેવું રક્તમાંસનો માણસ કરે – એ રીતનો પ્રયત્ન કરે છે. પોતાની સહજ અનુભૂતિ અને સૌંદર્યપ્રેમને કારણે તે જીવનનાં તે સૂક્ષ્મ સ્થાનો સુધી પહોંચી શકે છે જ્યાં માણસ પોતાની સીમાને લીધે પહોંચી શકવામાં અસમર્થ હોય છે.

આપણે સાહિત્યકારો પાસેથી એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે તે પોતાની બહુજ્ઞતા અને પોતાના વિચારોના વિસ્તારથી આપણને જાગ્રત કરે, આપણી દષ્ટિ અને માનસિક ક્ષિતિજોનો વિસ્તાર કરે – તેની દષ્ટિ એટલી સૂક્ષ્મ, એટલી ઊંડી અને વિશાળ હોય કે તેની રચનાથી આપણને આધ્યાત્મિક આનંદ અને બળ મળે. સાહિત્ય આપણા જીવનને સ્વાભાવિક અને સ્વાધીન બનાવે છે, બીજા શબ્દોમાં તેને લીધે મનનો સંસ્કાર થાય છે. એ એનો મુખ્ય ઉદ્દેશ છે.

‘પ્રગતિશીલ લેખકસંઘ’ આ નામ જ મારે મતે ખોટું છે. સાહિત્યકાર કે કલાકાર સ્વભાવથી જ પ્રગતિશીલ હોય છે. જો તેનો આ સ્વભાવ ન હોય, તો તે કદાચ સાહિત્યકાર જ ન હોત. તેને પોતાની અંદર એક ખોટ અનુભવાય છે અને બહાર પણ – એ ખોટ પૂરી કરવા તેનો આત્મા બેચેન રહે છે. તેનું દર્દથી ભરેલું હૃદય એ વાત સહી શકતું નથી કે એક વર્ગ શા માટે સામાજિક નિયમો કે રૂઢિઓનાં બંધનમાં પડીને કષ્ટ ભોગવતો રહે ? કેમ એવી વ્યવસ્થા ન કરવામાં આવે કે તે ગુલામી અને ગરીબીથી છૂટકારો મેળવે ? સાહિત્યકાર આ વેદનાને જેટલી બેચેનીથી અનુભવે, એટલી જ એની રચનામાં તાકાત અને સચ્ચાઈ ઉત્પન્ન થાય છે. પોતાની અનુભૂતિઓને જે ક્રમાનુપાતમાં વ્યક્ત કરે છે, ત્યાં જ એની કળા-કુશળતાનું રહસ્ય છે. પણ કદાચ આ વિશેષતા પર જોર દેવાની જરૂરિયાત એટલા માટે પડી કે પ્રગતિ કે ઉન્નતિનો પ્રત્યેક ગ્રંથકાર કે લેખક એક જ અર્થ નથી લેતો. ઉન્નતિથી આપણું તાત્પર્ય એવી સ્થિતિથી છે, જેનાથી આપણામાં દઢતા અને કર્મશક્તિ ઉત્પન્ન થાય, જેનાથી આપણને પોતાની દુ:ખાવસ્થાની અનુભૂતિ થાય, આપણે જોઈએ કે ક્યાં અન્તર્બાહ્ય કારણોને લીધે આપણે આ નિર્જીવતા અને હ્રાસની અવસ્થાએ પહોંચી ગયા છીએ અને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આપણે માટે એવી કવિતાના ભાવ નિરર્થક છે, જેનાથી સંસારની નશ્વરતાનું આધિપત્ય આપણા હૃદય પર વધારે દઢ થઈ જાય.

મને એ કહેવામાં જરાય સંકોચ નથી થતો કે હું વસ્તુઓની જેમ કલાને પણ ઉપયોગિતાના ત્રાજવે તોલું છું. અવશ્ય, કલાનો ઉદ્દેશ સૌંદર્યવૃત્તિની પુષ્ટિ કરવાનો છે અને તે આપણા આધ્યાત્મિક આનંદની ચાવી છે; પણ એવો કોઈ રુચિગત માનસિક અને આધ્યાત્મિક આનંદ નહીં, જેમાં કશી ઉપયોગિતા ન હોય. આનંદ પોતે એક ઉપયોગિતાયુક્ત વસ્તુ છે અને ઉપયોગિતાની દષ્ટિથી એક જ વસ્તુથી આપણને સુખ મળે છે, અને દુ:ખ પણ. આકાશમાં લાલિમા પથરાય તે ખરેખર સુંદર દશ્ય છે, પણ અષાઢમાં જો આકાશમાં લાલિમા છવાય તો તે આપણને પ્રસન્નતા આપનાર બની શકતી નથી. તે સમયે તો આકાશમાં કાળી કાળી ઘટા જોઈને જ આનંદ થાય. ફૂલોને જોઈને આપણને આનંદ એટલા માટે થાય છે કે તેમાંથી ફળ પેદા થાય છે. પ્રકૃતિ સાથે આપણા જીવનનો સૂર મેળવીને રહેવામાં આપણને એટલા માટે આધ્યાત્મિક આનંદ થાય છે કે તેથી આપણું જીવન વિકસિત અને પુષ્ટ થાય છે. કલાકાર પોતાની કળાથી સૌંદર્યની સૃષ્ટિ કરીને પરિસ્થિતિને વિકાસ માટે ઉપયોગી બનાવે છે.

સાહિત્યકારનું લક્ષ્ય મહેફિલ જમાવવાનું કે મનોરંજનની સામગ્રી ભેગી કરવાનું નથી – એનું સ્થાન એટલું નીચું ન લાવો. તે દેશભક્તિ અને રાજનીતિની પાછળ ચાલનારી સચ્ચાઈ પણ નથી, પણ તેની આગળ મશાલ બતાવતી ચાલનારી સચ્ચાઈ છે. આપણને હંમેશાં એવી ફરિયાદ હોય છે કે સાહિત્યકારોનું સમાજમાં કોઈ સ્થાન નથી – એટલે કે ભારતના સાહિત્યકારોનું. સભ્ય દેશોમાં તો સાહિત્યકાર સમાજનો સંમાનિત સભ્ય છે. પણ હિન્દુસ્તાન તો હજી મધ્યયુગની અવસ્થામાં પડ્યું છે. પણ જો સાહિત્યે અમીરોના યાચક થવાનો – જીવનનો સહારો બનાવી લીધો હોય અને એ સમાજમાં થતાં બધાં આંદોલનો અને ક્રાન્તિઓથી અજાણ જ હોય – માત્ર પોતાની જ દુનિયા બનાવીને તેમાં હસતો કે રોતો રહેતો હોય તો તેને માટે આ દુનિયામાં કોઈ સ્થાન ન હોવામાં અન્યાય નથી.

સાહિત્યકાર સામે આજકાલ જે આદર્શ રાખવામાં આવ્યો છે, તે પ્રમાણે હવે તે વ્યક્તિને સમાજથી જુદો નથી જોતો, પણ તેને સમાજના એક અંગરૂપે જુએ છે. સમાજના અસ્તિત્વ સાથે એનું અસ્તિત્વ કાયમ છે અને સમાજથી જુદા પડીને તેનું મૂલ્ય શૂન્ય બરાબર થઈ જાય છે. આપણે જો આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર સંમેલનોના રિપોર્ટ જોઈએ તો આપણે જોઈશું કે એવો કોઈ શાસ્ત્રીય, સામાજિક, ઐતિહાસિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ન નથી, જે વિશે તે સંમેલનમાં વિચાર-વિનિમય ન થતો હોય. એથી ઊલટું, આપણે જ્યારે આપણી જ્ઞાનસીમા જોઈએ છીએ તો આપણા અજ્ઞાન પર શરમ આવે છે. આપણે તો માની લીધું છે કે સાહિત્યરચના માટે શીઘ્રબુદ્ધિ અને તેજ કલમ પર્યાપ્ત છે. પણ આ જ વિચાર આપણી અવનતિનું કારણ છે. આપણે આપણા સાહિત્યનો માપદંડ ઊંચો કરવો પડશે, જેમાં તે સમાજની વધારે મૂલ્યવાન સેવા કરી શકે, જેમાં સમાજમાં તેને એ સ્થાન મળે જેનો એ અધિકારી છે, જેમાં તે જીવનના પ્રત્યેક વિભાગનું વિવેચન-મૂલ્યાંકન કરી શકે અને આપણે બીજી ભાષાઓ અને સાહિત્યોની એંઠ ખાઈને સંતોષ ન પામીએ, પણ પોતે પણ એ સંપત્તિ વધારીએ.

જેમને ધનવૈભવ પ્રિય છે, સાહિત્ય મંદિરમાં તેમને માટે સ્થાન નથી. અહીં તો તેમના ઉપાસકોની જરૂર છે, જેમણે સેવાને જ પોતાના જીવનની સાર્થકતા માની છે, જેમના દિલમાં દર્દની તડપ હોય અને મહોબતનું જોશ હોય. આપણી ઈજ્જત તો આપણા પોતાના હાથમાં છે. જો આપણે સાચા દિલથી સમાજની સેવા કરીશું તો માન, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ આપણાં ચરણ ચૂમશે. પછી માનપ્રતિષ્ઠાની શી ચિન્તા ? જે વ્યક્તિ સાચો કલાકાર છે, તે સ્વાર્થમય જીવનનો પ્રેમી નથી હોતો. તેને પોતાના મનના સંતોષ માટે દેખાડો કરવાની જરૂર નથી.

આપણી પરિષદે (પ્રગતિશીલ લેખકસંઘે) કંઈક આ પ્રકારના સિદ્ધાંતો સાથે કર્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આપણો ઉદ્દેશ દેશમાં એવી આબોહવા ઊભી કરી દેવાનો છે, જેમાં યોગ્ય પ્રકારનું સાહિત્ય પેદા થઈ શકે, અને વિકસી શકે. અમે દરેક પ્રાન્તમાં, દરેક ભાષામાં આવી પરિષદો સ્થાપિત કરવા ઈચ્છીએ છીએ, જેથી દરેક ભાષામાં આપણે આપણો સંદેશ પહોંચાડી શકીએ. સાહિત્યમાં કર્મશક્તિનો અભાવ છે, એ એક કડવી સચ્ચાઈ છે, પણ તે બાબતે આપણે આંખો બંધ નથી કરી શકતા. જે હોય તે, જ્યાં સુધી સાહિત્યનું કામ માત્ર મનોરંજનની સામગ્રી આપવાનું, માત્ર હાલરડાં ગાઈગાઈને સુવાડવાનું, માત્ર આંસુ વહાવીને હૃદયનો ભાર હળવો કરવાનું હતું, ત્યાં સુધી તેને માટે કર્મની આવશ્યકતા નહોતી પણ આપણે સાહિત્યને માત્ર મનોરંજનની અને વિલાસિતાની વસ્તુ નથી સમજતા. આપણી કસોટી પર એ જ સાહિત્ય ખરું સાબિત થશે, જેમાં ઉચ્ચ કક્ષાનું ચિંતન હોય, સ્વતંત્રતાનો ભાવ હોય, સૌંદર્યનો સાર હોય, સર્જનનો આત્મા હોય અને જીવનની સચ્ચાઈઓનો પ્રકાશ હોય – જે આપણામાં ગતિ, સંઘર્ષ અને બેચેની જન્માવે, ઊંઘાડે નહીં, કેમ કે હવે વધારે ઊંઘવું મૃત્યુનું લક્ષણ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારું લગ્નજીવન (ભાગ-2) – સંકલિત હાસ્ય-લેખો
સફળતાની ચાવી – પારસ છત્રોલા Next »   

8 પ્રતિભાવો : સાહિત્યનો ઉદ્દેશ – મુનશી પ્રેમચંદજી

 1. Ambaram K Sanghani says:

  મૃગેશભાઈ,

  મુનશીજીનું પ્રવચન જેટલું અર્થપૂર્ણ અને માર્મિક એટલો જ અર્થપૂર્ણ “વિષય પ્રવેશ” પરિચય!
  ઉત્કૃઉષ્ઠ સાહિત્યકારો સમાજ અને દેશને ઉન્નત વિચારોથી નવું જોમ બક્ષી શકે છે એમાં કોઈ બેમત હોઈ શકે નહી. આ લેખ વેબ ઉપર મુકવા બદલ તમારો આભાર!

 2. [“… જે સાહિત્યથી આપણી સૂરુચિ ન જાગે, આધ્યાત્મિક અને માનસિક તૃપ્તિ ન મળે, આપણામાં શક્તિ અને ગતિ ઉત્પન્ન ન થાય, આપણો સૌંદર્યપ્રેમ જાગ્રત ન થાય – જે આપણામાં સાચો સંકલ્પ અને મુશ્કેલીઓ પર વિજય મેળવવાની સાચી દઢતા ન ઉત્પન્ન કરે, તે આજ આપણે માટે બેકાર છે, તે સાહિત્ય કહેવડાવવાનું અધિકારી નથી.”]

  સામાન્ય વ્યક્તિ કદાચ આ વિધાનને સાચું ન માની શકે પણ આજના સમયમાં જ્યારે આપણે સૌએ પોતાના માનસને “મનોરંજન”મય બનાવીને એને કુંઠીત કરી દીધું હોય, ત્યારે સાહિત્યની આ પરિભાષા કદાચ ખોટી નથી જ.

  [“… તે વાર્તા લખે છે, પણ વાસ્તવિકતાનું ધ્યાન રાખીને, મૂર્તિ બનાવે છે પણ એવી કે તેમાં જીવંતતા પણ હોય અને ભાવવ્યંજકતા પણ – તે માનવપ્રકૃતિનું સૂક્ષ્મતાથી અવલોકન કરે છે, મનોવિજ્ઞાનનું અધ્યયન કરે છે અને તેનાં પાત્રો દરેક સ્થિતિમાં અને દરેક પ્રસંગે એનું આચરણ કરે, જેવું રક્તમાંસનો માણસ કરે – એ રીતનો પ્રયત્ન કરે છે. પોતાની સહજ અનુભૂતિ અને સૌંદર્યપ્રેમને કારણે તે જીવનનાં તે સૂક્ષ્મ સ્થાનો સુધી પહોંચી શકે છે જ્યાં માણસ પોતાની સીમાને લીધે પહોંચી શકવામાં અસમર્થ હોય છે.”

  “…ઉન્નતિથી આપણું તાત્પર્ય એવી સ્થિતિથી છે, જેનાથી આપણામાં દઢતા અને કર્મશક્તિ ઉત્પન્ન થાય, જેનાથી આપણને પોતાની દુ:ખાવસ્થાની અનુભૂતિ થાય, આપણે જોઈએ કે ક્યાં અન્તર્બાહ્ય કારણોને લીધે આપણે આ નિર્જીવતા અને હ્રાસની અવસ્થાએ પહોંચી ગયા છીએ અને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આપણે માટે એવી કવિતાના ભાવ નિરર્થક છે, જેનાથી સંસારની નશ્વરતાનું આધિપત્ય આપણા હૃદય પર વધારે દઢ થઈ જાય.”]

  મને લાગે છે કે જે રીતે શારીરિક વ્યાધિની સારવાર ત્યારે જ થઈ શકે જ્યારે આપણે સ્વીકારીએ કે આપણે એનાથી પીડાઈએ છીએ… તે જ રીતે માનસની દુર્ગતિનું પણ સ્વનિદાન થાય અને આપણો આત્મા એને સ્વીકારે ત્યારે જ “આપણે આ નિર્જીવતા અને હ્રાસની અવસ્થાએ પહોંચી ગયા છીએ” એની અનુભૂતિ શક્ય છે અને ત્યારે પછી એની સારવારરૂપે “સાહિત્ય” કે અન્ય ઉપચારક કે પોષક સામગ્રીનું ગ્રહણ કરી શકાય …

  [“…સાહિત્યમાં કર્મશક્તિનો અભાવ છે, એ એક કડવી સચ્ચાઈ છે, પણ તે બાબતે આપણે આંખો બંધ નથી કરી શકતા. જે હોય તે, જ્યાં સુધી સાહિત્યનું કામ માત્ર મનોરંજનની સામગ્રી આપવાનું, માત્ર હાલરડાં ગાઈગાઈને સુવાડવાનું, માત્ર આંસુ વહાવીને હૃદયનો ભાર હળવો કરવાનું હતું, ત્યાં સુધી તેને માટે કર્મની આવશ્યકતા નહોતી પણ આપણે સાહિત્યને માત્ર મનોરંજનની અને વિલાસિતાની વસ્તુ નથી સમજતા. આપણી કસોટી પર એ જ સાહિત્ય ખરું સાબિત થશે, જેમાં ઉચ્ચ કક્ષાનું ચિંતન હોય, સ્વતંત્રતાનો ભાવ હોય, સૌંદર્યનો સાર હોય, સર્જનનો આત્મા હોય અને જીવનની સચ્ચાઈઓનો પ્રકાશ હોય – જે આપણામાં ગતિ, સંઘર્ષ અને બેચેની જન્માવે…”]

  રીડગુજરાતી અને અન્ય કોઇ પણ વાંચનસ્ત્રોત હોય જે ઉપર જણાવ્યા પ્રમાણે નું “ગતિ, સંઘર્ષ અને બેચેની” જન્માવવાનું કાર્ય કરે તેની પાસે પણ જો આપણે “મનોરંજન” સામગ્રી ની અપેક્ષા રાખીને એનું મુલ્યાંકન એ જ પ્રકારની વાંચનસામગ્રીના પરીઘમાં રહી ને કરીએ એ બિલકુલ ખોટું છે… જો આવું કરીએ તો એ એવું થયું કે જાણે આપણે સાક્ષાત ઈશ્વર જો સામે આવે અને કહે કે જે માંગવું હોય તે માંગ … તો ખુદ ઈશ્વરને જ માંગી લેવાને બદલે આપણે એમ કહીએ કે મને અમુક-તમુક પ્રકારનું જીવન અને સુખ-સંપત્તિ આપો !! જ્યાં જે મળે છે એની કક્ષા કરતાં નીચા લેવલની ચીજ મેળવવાની અપેક્ષા અને એના આધારે એનું મુલ્યાંકન .. એથી વધુ ભૂલ ભરેલી બીજી કોઇ ચીજ કઈ હોઈ શકે !!

 3. pragnaju says:

  મુનશીજી તો આપણી ભાષાના લેખક જ લાગે છે…
  આપણા સમાજની બારીક અભિવ્યક્તીઓ કાયમ યાદ રહે તેવી…
  આવા સાહીત્ય અવારનવાર પીરસવા વિનંતી

 4. સાહિત્યનો ઉદ્દેશ સુંદર રીતે સમજાવ્યો. શ્રી મુનશીજીએ પોતાની કૃતિઓમાં આ જ માપદંડને સારી રીતે જાળવ્યું છે અને તેટલે જ તેમની અમુક કૃતિઓની ગણના અમર કૃતિઓમાં થાય છે.

 5. vikas rajpopat says:

  મુનશીજીનું આ વક્તવ્ય દરેક લેખકે એમના પ્રાક્ કથન રુપે જોવું જોઇએ. માત્ર મનોરંજન એ ક્યારેય પણ સાહિત્યનો ઉદેશ ન હોય શકે અને આત્મ્ સંતુષ્ટિ માટે સર્જન કાર્ય કરતા લેખકો સામાન્ય મનુષ્યના પથનિર્માણક કયારેય ન બની શકે…સુંદર વક્તવ્ય…રીડ ગુજરાતીને આવા લેખો લોકો સુધી પહોંચાડવા બદલ અભિનંદન.

 6. nayan panchal says:

  અતિ ઉત્તમ લેખ.

  કેટલુ વાંચીએ તે કરતા શું વાંચીએ તે જ વધુ મહત્વનુ છે.

  આજે સમુદ્ર જેટલુ લખાય છે, નદી જેટલુ વંચાય છે, તળાવ જેટલુ યાદ રહે છે, કૂવા જેટલુ સમજાય છે અને જીવનમાં તો કદાચ ઘૂટડા જેટલુ જ ઉતારાય છે.

  “જે સાહિત્યથી આપણી સૂરુચિ ન જાગે, આધ્યાત્મિક અને માનસિક તૃપ્તિ ન મળે, આપણામાં શક્તિ અને ગતિ ઉત્પન્ન ન થાય, આપણો સૌંદર્યપ્રેમ જાગ્રત ન થાય – જે આપણામાં સાચો સંકલ્પ અને મુશ્કેલીઓ પર વિજય મેળવવાની સાચી દઢતા ન ઉત્પન્ન કરે, તે આજ આપણે માટે બેકાર છે, તે સાહિત્ય કહેવડાવવાનું અધિકારી નથી.”

  નયન

 7. palabhai muchhadia says:

  આજના આપણા જિવન મા સુન્દર સાહિત્ય જાણેકે મ્રુત્યુ પામ્યુ છે. આપણિ ફિલ્મો, ટિવિ સિરિયલો વાહિયાત કથાનકો પર આધરિત થઇ ગયા છે. પણ સુન્દર ક્રુતિનુ હ્જિયે એવુજ મહ્ત્વ છે.

 8. ishwar says:

  એક્ પેજ મોક્લ્વા વિન્ત્તિ ચે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.