- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

હું ડૉક્ટર, હું દર્દી – ડૉ. પ્રદીપ પંડ્યા

[આજના સમયમાં તબીબી સારવાર ન સમજાય તેવી અનેક આંટીઘૂંટીઓથી ભરેલી છે. કેટલાક કેસોમાં તો વ્યક્તિનું ઑપરેશન થઈ જાય તે પછી તેને ખબર પડે છે કે ઑપરેશનની તો જરૂર જ નહોતી !! આમ આદમી સાથે એવું થાય તે તો ઠીક; પરંતુ ખુદ ડૉકટર પર એ વીતે ત્યારે શું થતું હશે ? કંઈક એવી જ વાત આપણા સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. પ્રદીપભાઈ પંડ્યાના સ્વાનુભવની છે. સંદેશ અખબારમાં તેમની ‘પાનખરની વસંત’ વાચકોની લોકપ્રિય કૉલમ રહી છે. તેમની મેડિકલ થ્રીલર ‘વિષ-અમૃત’ નવલકથા ધારાવાહીરૂપે ચિત્રલેખામાં પ્રકાશિત થઈને હવે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થઈ છે. તાજેતરમાં તેમનું ‘તાઓ, ઝેન અને કૉન્ફ્યુસિયસ’ નામનું પુસ્તક પણ લોકચાહના પામી રહ્યું છે. તો… માણીએ તેમના જીવનની આ સત્યઘટના…. તેમના જ શબ્દોમાં. રીડગુજરાતીને આ પુસ્તિકા મોકલવા માટે ડૉ. પ્રદીપભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pandya47@hotmail.com અથવા આ નંબર પર +91 9376216246 પર સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

હું એટલે ડૉ. પ્રદીપ પંડ્યા, એમ.ડી. કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને કિડની-નિષ્ણાત. 1970માં એમ.ડી. થઈને પ્રેક્ટિસ ચાલુ કરી. પછી કિડનીના રોગોમાં રસ પડ્યો. એના વધુ અભ્યાસ માટે ઈંગલેન્ડ ગયો. પાછા આવીને એના નિષ્ણાત તરીકે પ્રૅક્ટિસ કરી. હજારો દર્દીઓ મારી હૉસ્પિટલમાં દાખલ થયા. ઘણા ગંભીર હતા. હૉસ્પિટલમાં મૃત્યુ પણ થયાં. કોઈ ગંભીર દર્દીનાં સગાં મળવા આવે ત્યારે કહું કે ચિંતા કરવા જેવું નથી… અથવા કંઈ થઈ શકે તેમ નથી. સગાંઓ તો મારી વાતને બ્રહ્મવાક્ય માની બહાર જાય. હું મારું બીજું કામ કરું. દર્દીઓ અને એનાં સગાંઓ સાથે ત્રીસ વર્ષથી વધુ સમય નિકટના સંબંધો હોવા છતાં, એમને સૌથી વધુ સમજવાનો દાવો કરવા છતાં હું જ્યારે દર્દી બન્યો ત્યારે બધા જ સંદર્ભો બદલાઈ ગયા. મારા સાથી તબીબ મને કહે કે ચિંતા કરવા જેવું નથી ત્યારે મને ખરેખર ચિંતા થતી હતી. મારી પત્ની અને મારાં બાળકોના ચહેરા પર ભય, ચિંતાઓની લાગણીઓ મેં જોઈ ત્યારે મને થયું કે તબીબોની વાતથી કદાચ પૂરું સાંત્વન નહીં મળતું હોય ! તબીબોની વાતથી ચિંતા દૂર થતી નથી, એ વાત, એ દુ:ખ-વેદના તો દર્દીએ સહન કરવાની છે. એ મૂક વેદના સગાંઓએ જીરવવાની છે. દર્દી કે કોઈ વ્યક્તિ મને કહે છે, હું ડૉક્ટરને બતાવવા નથી જતો કારણ કે એ એક ચક્કર જેવું છે. એક વર્તુળ છે. એમાંથી બહાર આવવું મુશ્કેલ છે. ત્યારે મને એ વાતમાં અતિશયોક્તિ લાગતી પણ આ અનુભવ મને થયો ત્યારે…. ?

મારી ઉંમર લગભગ 56 વર્ષની. મને છેલ્લાં છ વર્ષથી બ્લડપ્રેશરની બીમારી થઈ હતી. એનું નિદાન પણ અકસ્માતરૂપે થયું હતું. હૉસ્પિટલમાં બ્લડપ્રેશર માપવાનું યંત્ર બગડી ગયું. રિપૅર થઈને પાછું આવ્યું. મેં મારા મદદનીશ તબીબને કહ્યું, ‘મારું બ્લડપ્રેશર લઈને ચૅક કરો. મારું બ્લડપ્રેશર હંમેશા નૉર્મલ રહે છે.” મદદનીશ તબીબે કહ્યું : ‘સર, તમારું ડાયાસ્ટોલિક એટલે કે નીચેનું દબાણ ઊંચું છે. એ 108 મિ.મિ. છે. સામાન્ય રીતે લોહીદબાણ 120 થી 140 અને નીચેનું 80 થી 90 રહે તો એ નૉર્મલ કહેવાય. જે 120/80 એમ લખાય. મારી પત્ની ગીતાએ કહ્યું કે થોડા સમયથી મારો સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો હતો. સાંજના હું થાકી જતો હતો. મને થયું કે ઠીક છે. બ્લડપ્રેશર તો સામાન્ય બીમારી છે. દુનિયાના 7-8 ટકા લોકોને હોય છે. અમુક પાયાની લોહીની તપાસ કરાવી, સોનોગ્રાફી કરી અને દવા ચાલુ કરી. આ ઉપરાંત મને બીજી એક બીમારી છે – જોકે એને બીમારી ન કહેવાય. મારા લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધારે છે. એમ માનવામાં આવે છે કે યુરિક ઍસિડનું વધુ પ્રમાણ પૈસાદાર અને સુખી વ્યક્તિમાં વધુ હોય છે. આવું અમારા તબીબી-પુસ્તકમાં પણ લખેલું છે. આને પરિણામે મારે ઝાયલોરિક નામની દવા લેવી પડે છે. વચ્ચે થોડો અનિયમિત રહ્યો એટલે બે વખત કિડનીમાં નાની પથરી થઈ અને નીકળી ગઈ. બે વખત ‘ગાઉટ’ – એક જાતનો વા થયો. ત્યાર પછી હું વધુ કાળજી રાખતો થયો અને હવે એ નૉર્મલ રહે છે.

બધું બરાબર ચાલતું હતું. બ્લડપ્રેશરની એક ગોળી, ઝાયલોરિકથી જીવન વ્યવસ્થિત હતું. 1994ના જૂનમાં મારી દીકરી વૈશાલીને મળવા અમેરિકા ગયો. ચાર મહિના રહ્યો અને પ્રફુલ્લ મનથી પાછો આવ્યો. અમેરિકામાં મારા નાના ભાઈ પ્રકાશની સારવાર પણ કરાવી. એની બંને આંખમાં ડાયાબિટીસને લીધે લોહી જામી ગયું હતું. ગમે ત્યારે અંધાપો આવે એવી શક્યતા હતી. આખું કુટુંબ ચિંતામાં હતું. મેં હિંમત રાખી. અમે અમેરિકા ગયા. ન્યૂયોર્કમાં જેફરસન હૉસ્પિટલમાં ડૉ. સ્ટેનલી ચાંગ પાસે ઑપરેશન કરાવ્યું. ઑપરેશન સફળ રહ્યું. આંખો બચી ગઈ. દષ્ટિ રહી. અમે પાછા આવ્યા. કુટુંબ એક ચિંતામાંથી મુક્ત થયું પણ બીજી ચિંતા દરવાજામાંથી ડોકિયાં જ કરતી હતી.

મારા બ્લડપ્રેશરમાં ગરબડ થવા માંડી. હું નિયમિત ચૅક કરાવતો હતો. નીચેનું લોહીદબાણ – ડાયોસ્ટોલિક પ્રેશર વધારે રહેતું હતું. મેં દવાઓનો ડોઝ વધાર્યો. કોઈ અસર નહીં. પછી બીજી દવા ઉમેરી. થોડો ફેર પડ્યો. પણ હજુ નિયંત્રણમાં ન હતું. ડોઝ વધુ વધાર્યો. આખરે એ નિયંત્રણમાં આવ્યું. અનેક દવાઓ લઉં ત્યારે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે. છતાં પણ કોઈ વખત નીચેનું 100 સુધી પહોંચી જાય. ગીતાને ચિંતા થાય. હું એને ચિંતા ન કરવાનું કહું પણ મનોમન મને પણ ચિંતા થતી હતી. શરીરમાં કોઈક મોટી ગરબડ છે એની આ બધી જ નિશાનીઓ હતી.

નડિયાદની મૂળજીભાઈ યુરોલૉજી-કિડની હોસ્પિટલ સાથે એ જ્યારથી શરૂ થઈ ત્યારથી હું માનદ કિડની-નિષ્ણાત તરીકે સંકળાયેલો છું. ત્યાંના તબીબ ડૉ. મોહન રાજાપુરકર – મારા સાથી. અમે ચર્ચા કરી. મેં કહ્યું કે કિડનીમાં કોઈ ગરબડ હોય તો એની તપાસ કરાવીએ. મને કહે : ‘સર, કિડનીની ઍન્જિયોગ્રાફી કરીને જોઈ લઈએ.’ હવે હું દર્દી બની ગયો હતો. મેં કહ્યું : ‘એ તો મને ખબર છે. પણ આપણે એવી તપાસ કરીએ જેથી શરીરમાં ચેપ લાગે નહીં.’ આ તો ઈનેવેઝિન પ્રોસીજર કહેવાય. તબીબી ભાષામાં ઈનેવેઝીન એટલે શરીરમાં ઈન્જેકશન કે કેથેટર વાટે કંઈ નાખવામાં આવે કે શરીરમાં કોઈ પણ વસ્તુ દાખલ કરીને તપાસ કરવામાં આવે, જ્યારે નોન-ઈનેવેઝીન એટલે શરીરને સાધન અડકે પણ શરીરની અંદર કંઈ પ્રવેશે નહીં. ઍક્સ-રે, સોનોગ્રાફી નૉનઈનવેઝિવ કહેવાય. જ્યારે ઈન્જેકશન, આઈ.વી.પી. ઍન્જિયોગ્રાફી વગેરે ઈનેવેઝિવ કહેવાય. હું હવે એક દર્દીની ભાષામાં વાત કરવા માંડ્યો હતો. અમે બંને હસી પડ્યા. ડૉ. રાજાપુરકર અને મેં પછી નક્કી કર્યું કે ‘DOPPLER STUDY’ કરવો. ડૉપલર મશીન, સોનોગ્રાફી મશીન જેવું આવે છે. જેનાથી એ મશીનનો પ્રોબ જ્યાં મૂકીએ ત્યાંથી એ લોહીની નળીનો રક્તપુરવઠો કેટલો જાય છે તે ખબર પડે. આનાં પરિણામો જોકે 100 ટકા વિશ્વસનીય નથી પણ લગભગ 75થી 80 ટકા કેસમાં ખબર પડે છે. વડોદરા પાછા આવીને ડૉ. અતુલ પટેલ – રેડિયોલોજિસ્ટને મળ્યો. એની પાસે બ્લૅક ઍન્ડ વ્હાઈટ ડૉપલર હતું. મેં કહ્યું : ‘અતુલ, મારી કિડનીની નળીનો ડોપલર-અભ્યાસ કરવાનો છે.’ એ કહે, ‘પ્રદીપભાઈ, આમાં મજા નહીં આવે. આને માટે તો કલર ડોપલર જોઈએ.’
‘તું તપાસ તો કર.’
એ ઊભો થયો. અમે રૂમમાં ગયા. એણે તપાસ શરૂ કરી. પંદર મિનિટ પછી મને કહે : ‘પ્રદીપભાઈ મને કંઈ ખબર પડતી નથી. કલર ડોપલર જ જોઈએ.’
‘કલર ડોપલર મુંબઈમાં છે. તો ત્યાં કોણ સારો રેડિયોલોજિસ્ટ છે ?’ મેં પૂછ્યું.
‘પ્રદીપભાઈ, મારી હૉસ્પિટલમાં કલર ડોપલર આવે છે. હું એની ટ્રેનિંગ માટે અમેરિકા જાઉં છું. એકાદ મહિનામાં તો આવી જશે. ત્યાં સુધી રાહ જોવામાં વાંધો નથી.’
મને થયું : ‘ચાલો, એક મહિના માટે છૂટ્યો. અત્યારે તો બ્લડપ્રેશર કંટ્રોલમાં છે.’

મારું રૂટિન કામ ચાલતું હતું. ક્ષણો પસાર થતી હતી. સમય વહેતો ગયો. એક મહિનો, બે મહિના પૂરા થયા. ડૉ. અતુલ અમેરિકાથી પાછો આવી ગયો હતો. એક દિવસ મને કહે : ‘પ્રદીપભાઈ, ડોપલર આવી ગયું છે. અત્યારે અમે બધું ગોઠવીએ છીએ. એના એન્જિનિયર પણ છે. આજે આપણે અભ્યાસ કરીએ.’
સાંજે હું હૉસ્પિટલમાં ગયો. ગીતાને ખબર આપી નહીં. મને ચિંતા હતી, આ એક અભ્યાસ હતો અને એના પરથી કિડનીની ઍન્જિયોગ્રાફી કરવી કે નહીં, એ નક્કી કરવાનું હતું. હું શાંતિથી સૂઈ રહ્યો. અતુલ થોડી થોડી વારે મને બધું કહેતો હતો. એને આ તપાસ માટે લગભગ એક કલાકનો સમય લીધો. પછી મને કહે : ‘પ્રદીપભાઈ, તમારો એઓરટીક એટલે મુખ્ય શિરાનો પ્રવાહ નોર્મલ છે. જમણી કિડનીની લોહીની નળી પણ સામાન્ય છે. પણ ડાબી બાજુ ગરબડ છે. એ નળી સાંકડી થઈ છે. લગભગ 60 ટકા જેટલી સાંકડી છે.’
હસતા મોઢે એનો આભાર માનીને હું બહાર નીકળ્યો.
અતુલે પૂછ્યું : ‘હવે શું કરવું છે ?’
મેં કહ્યું : ‘હવે હું મુંબઈ જઈને આ રિપોર્ટ કન્ફર્મ કરીશ.’
‘ભલે’ અતુલે કહ્યું.

એને અને મને ખબર હતી કે મશીન નવું છે. એની ટ્રેનિંગ નવી છે. કદાચ ભૂલને અવકાશ હોય અને હું તો વડોદરાનો પ્રખ્યાત તબીબ, એને પણ કોઈ ચાન્સ લેવો ન હતો. મને મનમાં ને મનમાં થતું હતું કે આ રિપોર્ટ ખોટો નીકળશે. ઘેર આવીને બે દિવસ પછી એક સાંજે ગીતા અને મનીષને વાત કરી કે મુંબઈ તપાસ માટે જવાનું છે. ગીતા પહેલાં ગુસ્સે થઈ ગઈ. મને કહે : ‘તપાસ કરવા માટે ગયો ત્યારે મને કેમ ન લઈ ગયો ?’ મેં ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં. પણ એક પત્નીનો ગુસ્સો…. મેં હસીને વાત કરવા માંડી કે આ તો કંઈ નથી. એક તપાસ કરવાની છે. આ મશીન બરાબર કદાચ ન હોય તો મુંબઈ તપાસ કરાવીએ. ગીતા કહે : ‘હું આવીશ.’ મેં હસીને કહ્યું : ‘હવે તો તને લીધા વગર ક્યાંય જવાનો નથી.’

મારા મિત્ર ડૉ. અશોક ક્રિપલાની – બોમ્બે હોસ્પિટલના કિડની વિભાગના વડા છે. મેં એમને ફોન કર્યો અને બધી વિગતો કહી અને પૂછ્યું, મુંબઈમાં કલર ડોપલર સારી રીતે ક્યાં થાય છે અને સારો રેડિયોલોજિસ્ટ કોણ છે ?’
મને કહે : ‘તમે મુંબઈ આવી જાઓ. અહીં અમારી હોસ્પિટલમાં સરસ રેડિયોલૉજિસ્ટ છે. લંડન ટ્રેઈન્ડ છે. તમે આવીને મને મળજો. હું બધુ6 ગોઠવી રાખીશ.’ ગીતા અને હું મુંબઈ ગયાં. ડૉ. અશોક ક્રિપલાણીએ બૉમ્બે હૉસ્પિટલમાં વાત કરી હતી. સવારના 11 વાગ્યે હું ડૉક્ટરની રૂમમાં ગયો. ગીતા સાથે આવી. ડૉક્ટરે મશીન શરૂ કરીને તપાસ કરવા માંડી. લગભગ 25-30 મિનિટ તપાસ કરીને પછી કહે, ‘ડૉ. પંડ્યા, તમારી કિડનીની નળીઓ બધી જ નૉર્મલ છે. તમને જે બ્લડપ્રેશરની તકલીફ વધી છે એનું કારણ કિડની નથી. તમે બપોરે રિપોર્ટ લઈ જજો અને તે વખતે અમારા મુખ્ય ડૉક્ટર પણ તમને ફરીથી તપાસી લેશે.’

ગીતા અને મને અને મારી સાથે આવેલ મિત્ર અભયને શાંતિ થઈ. મનમાં એક હાશકારો અનુભવ્યો. મેં કહ્યું : ‘ચાલો, હવે આ નોર્મલ કિડની-નળીઓ છે. એની ઉજવણી કરીએ.’ આટલું કર્યા પછી પણ મારું બ્લડપ્રેશર તો એવું જ રહેવાનું હતું. ગોળીઓનું પ્રમાણ એટલું જ રહેવાનું હતું, પરંતુ એક ઈનેવેઝિવ પ્રોસિજરમાંથી બચી ગયાનો આનંદ હતો. અમે ત્રણેય જણાં ઑબેરોય હોટલમાં ભોજન લેવા ગયાં અને પેટ ભરીને ખાધું. બપોરે ફરીથી બૉમ્બે હૉસ્પિટલમાં ગયાં. બીજા મુખ્ય રેડિયોલૉજિસ્ટે ફરીથી દસ મિનિટ તપાસ કરી અને કહ્યું : ‘સવારનો રિપોર્ટ બરાબર છે અને તમારી કિડનીની લોહીનળીઓ નોર્મલ છે.’ મેં એમનો આભાર માન્યો અને બિલની ઑફર કરી. તેઓ કહે : ‘તમે ગુજરાતના કિડનીના પ્રખ્યાત ડોક્ટર છો, ડૉક્ટર ક્રિપલાણીએ વાત કરી છે. એટલે નાણાંનો સવાલ આવતો જ નથી.’ અમે બહાર આવ્યાં.
રાત્રિની ટ્રેનમાં બેસીને વડોદરા આવ્યાં. મને હતું કે એક પ્રકરણ પૂરું થયું. હવે આગળ કંઈ કરવાનું ન હતું. ફકત વધુ પ્રમાણમાં દવાઓ લેવાની હતી. એ સિવાય બીજો રસ્તો ન હતો. વડોદરા આવીને ડૉ. અતુલને વાત કરી. એને પણ આનંદ થયો. કહે, ‘પ્રદીપભાઈ, એ પ્લેટ અને રિપોર્ટ મને આપજો.’ મેં કહ્યું, ‘સારું.’ નડિયાદ ડૉ. મોહનભાઈને વાત કરી. એણે પણ કહ્યું : ‘ચાલો, સારું થયું.’ મને પણ તમારી પર ઍન્જિયોગ્રાફી કરતાં થોડી બીક લાગતી હતી.’

પ્રકરણ પૂરું થયું હતું કે બીજું પ્રકરણ શરૂ થયું હતું ? ડૉ. અતુલને મારા રિપોર્ટ આપ્યા. બે દિવસ પછી એનો ફોન આવ્યો, ‘પ્રદીપભાઈ, તમારા રિપોર્ટ જોયા અને રિપોર્ટ સાથે હું સહમત નથી. મુંબઈમાં એ ડૉક્ટરોએ તમારી ડાબી બાજુની કિડનીની નળી જોઈ જ નથી. એ લોકોએ બીજું કંઈ જોઈને નૉર્મલ રિપોર્ટ આપ્યો છે.’
મેં કહ્યું : ‘એ કેવી રીતે બને ? તેઓ તો આ વિષયના અનુભવી છે.’
અતુલ કહે : ‘એ ખબર નથી પણ હું મારી વાતમાં ચોક્કસ છું.’
મને થયું ફરીથી એક ચક્કર શરૂ થયું. માંડ માંડ મારી જાતને અને ગીતાને સમાધાન થયું હતું. જિંદગી ફરીથી જિવાતી હતી ત્યાં ફરીથી એક નવો ભય ! અતુલ કહે : ‘મારે ફરીથી તમારી પર ડોપલર-અભ્યાસ કરવો છે. તમે ફરીથી હૉસ્પિટલમાં આવો. આમાં કંઈ ગુમાવવાનું નથી. મને સંતોષ થશે.’ હું તૈયાર થયો. એક દિવસ સાંજે હું હૉસ્પિટલમાં ગયો. ગીતા અમદાવાદ હતી. અતુલે ફરીથી મને તપાસ્યો. લગભગ એક કલાક. તપાસ દરમિયાન હું ઊંઘી પણ ગયો. કદાચ મને તાવ હતો. એક કલાક પછી અતુલ કહે : ‘મારા નિર્ણયમાં હું સાચો છું. તમારી ડાબી બાજુની કિડનીની નળી સાંકડી જ છે.’
મેં કહ્યું : ‘સારું.’
અમે બહાર નીકળ્યા. અતુલે પૂછ્યું : ‘હવે ?’
મેં કહ્યું : ‘હું વિચારીશ કે ઍન્જિયોગ્રાફી કરાવવી કે નહીં એ પછીથી નક્કી કરીશ.’ અમે છૂટા પડ્યા.

તે દિવસથી મને તાવ શરૂ થયો. શરૂઆતમાં મેલેરિયા હશે એમ માનીને કલોરોક્વિનનાં ઈંજેક્શન લીધાં. તાવ ઊતર્યો નહીં. પછી ઍન્ટિબાયોટિક શરૂ કરી. તાવ એવો જ. મારા એક પેથોલૉજિસ્ટ મિત્ર મળવા આવ્યા. મને કહે : ‘આમ ન ચાલે. બ્લડટેસ્ટ કરાવીએ. ટાઈફોઈડ પણ હોય.’
મેં હસીને કહ્યું : ‘ભલે. અને ઉમેર્યું કે ક્રિએટીનીન પણ કરજો. ક્રિએટીનીન-કિડનીની કાર્યશક્તિનું માપ છે. એનું સામાન્ય પ્રમાણ વધુમાં વધુ 1.2 થી 1.5 મિ.ગ્રા. પરસેન્ટ હોય છે. એ પ્રમાણમાં ખોરાક, દવાઓથી ફેરફાર થતો નથી, બહુ ચોક્કસ પ્રમાણ હોય છે. સાંજે ડો. મરચન્ટનો ફોન આવ્યો, ‘પ્રદીપ, બીજા રિપોર્ટ તો બરાબર છે. ક્રિએટીનીન વધારે છે, એ 1.7 છે.’ મારા પેટમાં ફાળ પડી. આ પ્રમાણ 0.1થી વધે તોપણ એ ખરાબ નિશાની ગણાય. મને વિચારો આવવા માંડ્યા. આટલાં વર્ષોથી બ્લડપ્રેશર હતું. એ બ્લડપ્રેશરે એની આડઅસર આખરે કરી, મારી કિડનીને નુકશાન પહોંચ્યું જ. હવે ? મારી સામેનું ભવિષ્ય કેવું હતું ? બીજાં બે-ત્રણ-પાંચ વર્ષ – આવી રીતે કિડનીને નુકશાન થવા માંડે પછી એ પ્રક્રિયા બંધ થતી નથી. અંગ્રેજીમાં જેને ‘ડાઉન હીલ’ કહે છે એવું હોય છે. એ વધતું જ જાય છે. મારી સામે ગમે ત્યારે ડાયાલિસિસ, કિડની ટ્રાન્સપ્લાન્ટનાં દશ્યો આવવા માંડ્યાં. હું કિડનીનો ડૉક્ટર અને કુદરતની મજાક કે મને કિડનીની જ બીમારી. મને થયું કે હવે ત્વરિત નિર્ણય લેવા પડશે. કિડની ઍન્જિયોગ્રાફી માટે હવે રાહ ન જોવાય. તરત નડિયાદ ફોન કરીને કહ્યું, ‘મોહન, હું ગુરુવારે કિડની ઍન્જિયોગ્રાફી માટે આવું છું. તૈયારી કરી રાખશો.’
મોહન કહે : ‘કોઈ વાંધો નહીં સર, તમે આવી જાઓ.’

બુધવારે નડિયાદની મૂળજીભાઈ હોસ્પિટલમાં મારો જ ઓ.પી.ડીનો દિવસ હતો. મેં દર્દીઓ તપાસ્યા અને મારા રેસિડન્ટ અને બીજા ડોક્ટરોને કહ્યું : ‘આવતી કાલે હું દર્દી તરીકે આવું છું.’ બધાના ચહેરા પર એક પ્રકારની ચિંતા પ્રસરી પણ તેઓને ખબર હતી કે આ જરૂરી હતું. એ એક દર્દી માટે જેટલું જરૂરી હતું એટલું જ તેમના સાથી-તબીબ માટે પણ.

બીજે દિવસે અમે ઊપડ્યાં. મારી માતા, ભાઈ પ્રકાશ, ગીતા અને મારો પુત્ર મનીષ અને મિત્રો ડૉ. દીપક દેસાઈ અને ડૉ. દીપક પંચાલ. બીજા બે’ક મિત્રો પણ હતા. સૌરભ કડકિયા પણ હતા. મારા માટે રૂમ તૈયાર હતો. હું તો વી.આઈ.પી. દર્દી હતો. હોસ્પિટલ શરૂ થઈ 1978માં અને ત્યારથી જ હું હૉસ્પિટલમાં જોડાયેલો હતો. આ મારી હૉસ્પિટલ હતી. આખી હૉસ્પિટલમાં ખબર પડી ગઈ. ધીમે ધીમે ઘણા મળવા આવ્યા. બીજા સંકોચથી ન આવ્યા. એડમિનિસ્ટ્રેટર મિ.ભાસ્કરન મળવા આવ્યા. ડૉ. મહેશ દેસાઈ આવ્યા અને સાથે ડો. મોહન રાજાપુરકર હતા. મહેશભાઈ સાથે વાતો કરી. વાતવાતમાં વાત નીકળી. મેં કહ્યું, ‘જ્યારે ઍન્જિયોગ્રાફીની વાત આવી ત્યારે મારા ઘણા મિત્રોએ મને કહ્યું કે ઍન્જિયોગ્રાફી તમે મુંબઈ કરાવો કે પછી લંડન-અમેરિકા. બધે મારા તબીબ મિત્રો છે અને ત્યાં જઈને આ કરી શકત. પણ મેં કહ્યું કે આ હૉસ્પિટલમાં હું કામ કરું છું અને હું પોતે જ આ તપાસ માટે મુંબઈ જાઉં તો પછી મારા અને બીજા દર્દીને અહીં આવવાનું કેમ કરીને કહી શકું ?’

સવારના 11 વાગ્યે વ્હીલ ચૅરમાં બેસાડીને ઑપરેશન થિયેટરમાં મને લઈ જવામાં આવ્યો. મનીષ મારી સાથે હતો. ગીતાને ના પાડી. ટેબલ પર સૂતો. જિંદગીમાં પહેલી વખત મારા શરીર પર કોઈ ક્રિયા થવાની હતી. છપ્પન વર્ષની ઉંમરમાં ઈન્જેકશન લીધા છે પણ કોઈ ઑપરેશન કે મોટી બીમારી આવી ન હતી. આ પ્રથમ બનાવ હતો. ડો. મિસ્ત્રી, એનેસ્થેટિસ્ટે મને પૂછ્યું કે ઘેનનું ઈન્જેકશન આપું ? મેં પૂછ્યું : ‘જરૂર છે ? બધાંને આપો છો ?’ મને કહે : ‘ના, પણ આ તો તમને વધુ દુ:ખ ન થાય.’
મેં કહ્યું : ‘જરૂર નથી.’
ડોકટર રાજપુરકર આવ્યા. મને કહે : ‘સર, બધું બરાબર છે ને ?’
મેં પૂછ્યું : ‘તું બરાબર છે ને ?’
‘ઓહ, યસ.’ જવાબ મળ્યો.
એણે શરૂઆત કરી. મેં મનમાં ને મનમાં મારી પુત્રી જે અમેરિકા છે, તેને યાદ કરી. એને આ કોઈ વાતની ખબર ન હતી. મનીષ, ગીતા અને મારી માતાને યાદ કરી. ડૉ. મોહને પ્રથમ મારી જમણી સાથળની પાસે ફિમોરિલ નામની રક્તવાહિનીઓ છે તેની પાસે ચામડી બહેરી કરવાનું ઈન્જેકશન આપ્યું. પછી બીજી એક સોય નાખી. એ સોય નસમાં જ છે કે નહીં એ જોયું. અને મુશ્કેલીઓ શરૂ થઈ. સામાન્ય રીતે ડૉ. મોહન આ કાર્ય સેકંડોમાં કરતો. પંદરવીસ મિનિટમાં ઍન્જિયોગ્રાફી કે અર્ધા કલાકમાં ઍન્જિયોપ્લાસ્ટી કરીને બહાર નીકળતો. આ વખતે, અત્યારે લોહીની મારી નળી જ પકડાતી ન હતી. બે-ત્રણ-પાંચ-છ – મોહન દર વખતે મને કહે ‘સોરી સર.’
હું કહું, ‘કંઈ વાંધો નહીં. મને કોઈ તકલીફ નથી.’ પણ મને ખબર હતી. દરેક વખતે ઈન્જેકશન ચામડીની નીચે જાય અને સોય પાછી આવતી ત્યારે સખત દુ:ખાવો થતો હતો. કોક વાર દુ:ખનો ઊંહકારો લેવાઈ જતો. મોહન કહે : ‘સોરી.’ અને હું કહું : ‘ડોન્ટ વરી.’

મને એક જ ભય હતો. જો આ વખતે એન્જિયો નહીં થાય તો ફરીથી કરાવવાની મારામાં હિંમત કદાચ નહીં આવે અને મોહન કદાચ તૈયાર નહીં થાય. મનીષે પણ પાછળથી કહ્યું : ‘પપ્પા, મને પણ બીક લાગતી હતી કે અંકલ કયાંક છોડી ન દે.’ અમારી ત્રણેની ચિંતા એકસાથે દૂર થઈ. ફિમોરિલ-શિરા-આર્ટરીમાં સોય ગઈ હતી. પછીથી બધું સરળ થયું. મોહન નિષ્ણાત રીતે એક પછી એક નળી-કૅથેટર નાખવા માંડ્યાં. પહેલાં ડાબી કિડનીની લોહીની નળી જોઈ. એમાં દવા નાંખી. ટી.વીના પડદા પર બધું દેખાતું હતું. એ નળી સાચે જ 60 ટકા જેટલી સાંકડી હતી. ડો. અતુલ સાચો હતો અને મુંબઈના નિષ્ણાત ડોક્ટરો ખોટા હતા. મોહને કહ્યું : ‘હવે આપણે બલૂન ઍન્જિયોપ્લાસ્ટિ કરીએ.’
મેં કહ્યું : ‘બરાબર છે.’
બીજા એક કૅથેટરને નાખવામાં આવ્યું. નળીનો જે ભાગ સાંકડો હતો ત્યાં એ બલૂનને લઈ જવાયું અને હવા ભરવાની તૈયારી કરી. મોહન મને કહે : ‘સર, હવે હું હવા ભરું છું અને દોઢ મિનિટ એ બલૂનમાં ભરી રાખીશ. તમને સખત દુ:ખાવો થશે પણ બીજો રસ્તો નથી.’
‘ઓ.કે.’
અને મશીન મારફતે અમુક દબાણે હવા પંપ થઈ. મારી ડાબી કિડનીમાં દુખાવો ઊપડ્યો. ડાબી કિડનીનો લોહી-પુરવઠો બંધ થઈ ગયો હતો. એના જ્ઞાનતંતુઓ ચિલ્લાઈ ઊઠ્યા. મગજને વિનંતી કરી કે કંઈક કરો. અમે મરી રહ્યા છીએ. હૃદયરોગનો હુમલો આવે ત્યારે જેવો દુખાવો થાય એવો જ દુખાવો અહીં થાય. ફર્ક ફક્ત જગ્યાનો હોય છે. મગજે કિડનીના જ્ઞાનતંતુઓની વિનંતી સ્વીકારી નહીં. દર્દ ચાલુ રહ્યું. દોઢ મિનિટ સુધી મેં સહન કર્યું. છૂટકો ન હતો. દોઢ મિનિટ પછી હવા પાછી ખેંચી લેવાઈ. લોહીનો પુરવઠો ચાલુ થયો. કિડની શાંત થઈ અને હું પણ. મોહન કહે, દસ મિનિટ પછી આ જ પ્રક્રિયા ફરીથી કરવાની છે. મને થયું, મરી ગયા. પણ હસતું મોઢું રાખીને કહ્યું : ‘નો પ્રોબ્લેમ.’

ફરીથી એ જ પ્રક્રિયા-દુખાવો. દોઢ મિનિટ સુધી – પછી રાહત. આવો દુખાવો મેં કોઈ વખત સહન કર્યો ન હતો. દુ:ખ શું છે એની મને ખબર જ ન હતી. મારી આખી જિંદગી નદીની જેમ સરળતાથી વહેતી હતી અને એક અવરોધ આવ્યો. અમારું આખુંય કુટુંબ હલી ગયું હતું. થોડાક મહિનાઓ પહેલાં જ મારા નાના ભાઈને હાર્ટએટેક આવ્યો હતો. એની પણ હૃદયની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. એને ડાયાબિટીસ છે. એ બધા આઘાતમાંથી માંડ માંડ અમારું કુટુંબ બહાર આવતું હતું ત્યાં જ મારો પ્રશ્ન. આખા કુટુંબને મારી ચિંતા સહુથી વધુ થાય.

ઍન્જિયોપ્લાસ્ટીની પ્રક્રિયા પૂરી થઈ અને નળીઓ બધી કાઢી લેવાઈ. બ્લડપ્રેશર મારું 110/70 થયું જે 150/90 રહેતું હતું. થાપા પર દસ મિનિટ જોરથી દબાણ આપીને પટ્ટી મારવામાં આવી અને મને સ્ટ્રેચર દ્વારા મારી રૂમમાં લાવવામાં આવ્યો. ડૉ. મોહને બધાને કહ્યું કે ઍન્જિયોપ્લાસ્ટી બરાબર થઈ છે અને બ્લડપ્રેશરમાં ચોક્કસ ફાયદો થશે.

હું મારા બેડ પર સૂતો, પણ મુશ્કેલીઓ હજી પૂરી થઈ ન હતી. બધા મિત્રો વાતો કરતા હતા. એકાએક મને થયું કે ચાદર ભીની થઈ છે. મેં તરત કહ્યું : ‘મને બ્લિડિંગ થાય છે.’ થાપા પરની પટ્ટી જ્યાંથી કેથેટર લોહીની નળીમાં નાખ્યું હતું, એની પર બાઝેલો રક્તગંઠ ખૂલી ગયો હતો અને લોહી ઝડપથી વહેતું હતું. તરત જ એક ડૉક્ટરે એનો હાથ એ ઘાવ પર મૂક્યો અને જોરથી દબાણ આપ્યું. રક્તસ્ત્રાવ બંધ થયો. ડૉ. મોહન દોડતા આવ્યા. પંદર મિનિટ ફરીથી દબાણ આપ્યું. પછીથી ઉપર રેતેની ભરેલી બેગ મૂકી. હવે એ બૅગ મારે બીજા ચોવીસ કલાક રાખી મૂકવાની હતી. પગ હલાવવાનો ન હતો અને મને બીજી ચિંતા સતાવતી હતી. મારે ચોવીસ કલાક સૂઈ રહેવાનું હતું અને સૂતાં સૂતાં પેશાબ કરવાનું ફાવે એમ નહોતું. મેં ડૉ. રાજાપુરકરને કેથેટર નાખવાનું કહ્યું તો એ કહે : ‘સર, મેં આટલી બધી ઍન્જિયોપ્લાસ્ટી કરી છે. કોઈ દર્દીને જરૂર નથી પડી. તમને તો કેથેટર નહીં જ નાખું.’ મેં કહ્યું : ‘જોઈએ….’ પણ મનમાં હું ગભરાતો હતો. એક બાજુ ગ્લુકોઝ સલાઈનની ડ્રિપ ચાલુ, ઍરકન્ડિશન ચાલુ, મારું સૂઈ રહેવાનું… અંતે યુરિન પોર્ટ મંગાવ્યું પણ અસફળ. બહુ પ્રયત્નો કર્યા પણ યુરિન બંધ. મોહને કચવાતે મને યુરિન કેથેટર નાખ્યું અને મને શાંતિ થઈ. એ પછી ચાર-છ કલાક સારા ગયા. મને ઊંઘ આવી. થોડી વારે પેશાબની કોથળીમાં ફરી દુખાવો શરૂ થયો. સ્પાસમ આવવા માંડ્યા. પેશાબનું એક ટીપું કિડની બનાવે અને બ્લેડરમાં જાય એટલે દુખાવો થાય. થોડી વાર સહન કર્યું. ફરીથી ફરિયાદ. ઈન્જેકશન આપ્યું. ઊંઘ આવી ગઈ.

સાંજના સાત વાગ્યા. એકાદ જિંદગી જીવી લીધી હોય એવું લાગ્યું. જાણે કે સમય થંભી ગયો હતો અથવા ક્ષણો જાણે કે બ્રહ્માની થઈ ગઈ હતી. આપણા હજારો કલાકો એટલે બ્રહ્માની એક ક્ષણ. હું કદાચ બીજા યુગમાં બીજી જિંદગી જીવી રહ્યો હતો. વિચાર આવતો હતો કે આ બધું મને જ થઈ રહ્યું છે. એક સ્વપ્ન જેવું લાગતું હતું. પરિસ્થિતિ પર મારો કોઈ કાબૂ ન હતો. મારું શરીર, જ્ઞાનતંતુઓ અને મગજ મારા નિયંત્રણમાં ન હતાં. કંઈ પણ થાય એટલે મારે ફરિયાદ કરવી પડતી. મારો જમણો પગ સ્થિર હતો. એક લાકડાના ટુકડા જેવો થઈ ગયો હતો. ઊંઘમાંથી જાગ્યો ત્યારે એક નવી મુસીબત આવી હતી. સિસ્ટર અંદર આવી. મને કહે : ‘સર, તમને બે કલાકથી પેશાબ થયો નથી.’ મને તો ખબર પડે નહીં. કારણ કે કેથેટર નાખેલું હતું અને હું ઊંઘમાં હતો. હું ચમક્યો. બે કલાકથી યુરિન બંધ એટલે મારી બંને કિડની કામ કરતી બંધ થઈ હતી. એક કન્ડિશન છે જેને અમે એટીએન (ATN) કહીએ છીએ. ટીવીની ચેનલ નહીં ! એકયુટ ટ્યૂબલર નેક્રોસિસ. જેમાં કિડની પર એકાએક તણાવ આવી જાય અને કામ કરતી બંધ થઈ જાય. મારા કિસ્સામાં આવું બન્યું હતું. જો આ પરિસ્થિતિ વધુ વખત રહે તો ડાયાલિસીસ અને બીજું એક ગંભીર ચક્કર શરૂ થાય.

તરત ફરીથી ફોન થયો. ડૉ. રાજાપુરકર આવ્યા. અમે ચર્ચા કરી. ડો. મોહન રાજાપુરે રાહ જોવાનું કહ્યું પણ પછીથી તરત જ સારવાર કરવાનું નક્કી કર્યું. લેસિક્સનું ઈન્જેકશન નસમાં લીધું. ગ્લુકોઝ સલાઈનની ડ્રિપની ઝડપ કરી અને ચિંતાઓથી આ સારવાનાં પરિણામની રાહ જોઈ. પરિણામ સારું આવ્યું. યુરિન શરૂ થયું. એક સંકટ ટળ્યું. જાણે કે મુશ્કેલીઓનો સ્ટૉક ખૂટી ગયો હોય એમ પછી કંઈ થયું નહીં. રાત્રી સારી ગઈ. સવાર પડી. જાણે કે એક નવું પ્રભાત હતું. સવારનો સૂરજ નવી આશાઓ લઈને આવે છે. રાત્રિના કાળા અંધકાર પછી સૂર્યનું પ્રથમ લાલ કિરણ એક શુભ નિશાન હોય છે. કુદરતે પણ લાલ રંગને શુભ ગણીને મહત્વ આપ્યું છે. કદાચ એટલે જ આપણે પણ લાલ રંગને શુભ ગણીએ છીએ. આપણું કંકુ, ચાંદલો લાલ છે અને કાળા રંગને અશુભ ગણ્યો છે.

સવારના હું ફ્રેશ હતો. દસ વાગ્યા. ડો. મોહને આવીને કેથેટર કાઢી લીધું. યુરિન નોર્મલ હતું. મારું બ્લ્ડપ્રેશર ઘણું ઓછું થયું હતું. બીજે દિવસે ખુશખુશાલ ચહેરે અમે બધાં પાછાં વડોદરા આવ્યાં. જાણે કે એક દુ:ખદ સ્વપન પૂરું થયું. હવે મારે ફક્ત બ્લડપ્રેશર માટે છ-સાત ગોળીઓને બદલે એક જ ગોળી લેવાની હતી. ત્રણ દિવસ પછી ડાબા હાથમાં જ્યાં બૉટલ ચડાવી હતી ત્યાંની નસ પર સોજો આવ્યો. એને થ્રૉમ્બોફલેબાઈટિસ કહે છે. એ પંદર દિવસ રહ્યો. આમ, કિડની ઍન્જિયોગ્રાફી-પ્લાસ્ટી પછી મારામાં બધાં જ કૉમ્પ્લિકેશન થયાં. આ બધાં કૉમ્પ્લિકેશન આમ તો ભાગ્યે જ થતાં હોય છે. પણ અમારા તબીબી ઈતિહાસમાં એક કહેણી છે કે જ્યારે તમે બધું જાણતા હો અને આવાં કૉમ્પ્લિકેશન ન થાય એવી કાળજી રાખો ત્યારે જ આવી મુશ્કેલીઓ આવતી હોય છે. એટલે અમારામાંનાં ઘણાં એવું કહે છે કે – માને છે કે આપણે જો ડૉક્ટર પાસે જવાનું હોય તો તે કહેવાનું નહીં કે અમે ડોક્ટર છીએ ! છે ને એક આશ્ચર્ય !!

આમ, છતાં એક વાતનો સંતોષ હતો કે એકે કૉમ્પ્લિકેશન ન થયું. જવલ્લે ઍન્જિયોગ્રાફી પછી એ લોહીની નળીમાંથી રક્તસ્ત્રાવ થાય છે. આમ થાય તો મોટું ઑપરેશન કરીને એ નળી પર ઑપરેશન કરવામાં આવે છે. એમાં સફળતા ન મળે તો કિડની કાઢી નાખવામાં આવે છે. એમાંથી બચ્યાનો સંતોષ. બ્લડપ્રેશરની એક જ ગોળી, એ મારી એન્જિયોપ્લાસ્ટીનું પરિણામ. આ બધાનું શ્રેય કોને આપું ? ડૉ. અતુલ પટેલને ? ડૉ. મોહન રાજાપુરકરને ? કે મારી હિંમતને ? બધાંને જ.

મેં કરાવેલી કિડની ઍન્જિયોપ્લાસ્ટીને લગભગ ત્રણ વર્ષ પૂરાં થયાં અને હિંદુજા હૉસ્પિટલમાં એ કિડની બરાબર ચાલે છે કે નહીં એની તપાસ કરાવવા ગયો. કિડની બરાબર હતી. રક્તપ્રવાહ બરાબર હતો. પણ ન્યૂક્લિઅર મેડિસિનના આ તબીબે એક ટકોર કરી : ‘ડો પંડ્યા, કદાચ પહેલેથી તમારી કિડનીને ઍન્જિયોગ્રાફી કે પ્લાસ્ટીની જરૂર ન હતી.’ હું એ તબીબ સામે જોઈ રહ્યો. મારું ક્રિએટિનીન સહેજ વધ્યું હતું. એનું કારણ તાવ કે કાંઈક ડિહાઈડ્રેશન (શરીરમાં પાણીની ઓછપ) અથવા લૅબોરેટરીના રિપોર્ટમાં સહેજ ફેરફાર હોઈ શકે. પણ હવે એ વાતનો કોઈ અર્થ ન હતો. ઓગસ્ટ’98માં કિડનીની તપાસ કરાવી અને દિવાળીમાં ગીત અને હું મનાલી ફરવા ગયાં. મને થયું કે હવે તદ્દન નૉર્મલ છું. પણ 5-6 દિવસમાં જ મારી માન્યતા બદલાઈ ગઈ અને ફરીથી હું એવા જ એક બીજા ચક્કરમાં પડી ગયો. આ વખતનું ચક્કર વધારે ભયંકર હતું. જાણે કે હું મારી નવલકથાનું પાત્ર જીવતો હતો.

તે દિવસે સવારે અમારી સાથે સામેલ થઈ ગયેલ એક યુગલ – સ્નેહલ અને આરતી. એમનો એક દસ વર્ષનો પુત્ર જેને અમે અમારો કેપ્ટન બનાવેલો અને અમે કુલુમાં શંકરનું એક મંદિર જોવા ગયાં. 60 કિ.મી. મોટર-માર્ગ પર પ્રવાસ કર્યા પછી લગભગ 6 હજાર ફીટની ઊંચાઈએ પહોંચ્યા. ત્યાંથી બીજું અઢી હજાર ફીટ ચઢવાનું હતું. ગીતા અને મેં ઉત્સાહથી ચઢવાનું શરૂ કર્યું. લગભગ અર્ધે ચડ્યાં અને મને એકાએક પુષ્કળ નબળાઈ લાગી. મેં ગીતાને કહ્યું, ‘મારાથી હવે બિલકુલ આગળ નહીં ચલાય.’ ગીતાએ પહેલાં મારી વાત માની નહીં. પણ મારો ચહેરો જોયો. હિંમત આપી. હું બે ડગલાં વધુ ચાલ્યો પણ પછી જમીન પર જ સૂઈ ગયો. મારા હૃદયમાં દુખાવો ન હતો, હાથ પણ ઠંડા ન હતા. પરસેવો થયો ન હતો. પણ અચાનક ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી. હું આંખ બંધ કરીને સૂતો હતો અને મનમાં આમ થવાનાં કારણો વિચારતો હતો. ગીતા કંઈ બોલતી તો ગમતું નહીં. મને ખબર હતી કે આ હાર્ટએટેક નથી પણ શું થયું હતું એની ખબર પડી નહીં.

થોડી વાર પછી ગીતા બોલી :
‘પ્રદીપ, તારા પાકિટમાં સોરબિટ્રેટની એક ગોળી છે, એને જીભ નીચે મૂકી જોને.’
મેં ગોળી કાઢી અને જીભ નીચે મૂકી. કોઈ ફેર પડ્યો નહીં. હું સૂઈ ગયો, કદાચ પંદરેક મિનિટ સૂઈ રહ્યો હોઈશ. મારામાં ચાલવાની શક્તિ જ ન હતી. એ પહાડ પર એક નાની પગદંડી પર અમે હતાં. મુસાફરોની અવરજવર હતી જ નહીં. મને થયું કે હવે નીચે કેવી રીતે જવાશે ? અહીં ઘોડા કે ડોલીની વ્યવસ્થા જ ન હતી. એટલામાં સ્નેહલ અને આરતી આવ્યાં. મને સૂતેલો જોયો. તે ઊભાં રહ્યાં. મેં સ્નેહલને કહ્યું : ‘તમે પાછાં નીચે જાઓ અને એકાદ ખાટલા અને ચાર માણસોની વ્યવસ્થા કરો તો મને ઊંચકીને લઈ જાય.’ સ્નેહલ ચિંતાજનક ચહેરા સાથે નીચે ગયો. આરતી, ગીતા, કૅપ્ટન અને હું ત્યાં જ રહ્યાં. હું ફરીથી ઊંઘી ગયો. બીજો અર્ધોપોણો કલાક પસાર થયો. મેં વિચાર્યું કે જાતે જ નીચે ઊતરવું પડશે. મને સહેજ ઠીક લાગતું હતું. હું ઊભો થયો અને ધીમે ધીમે નીચે આવ્યો – વચ્ચે આરામ કરતો કરતો. પછી કંઈ થયું નહીં અને અમે વડોદરા પાછાં આવ્યાં. મારો ઈ.સી.જી નોર્મલ હતો. મેં પાછું ટેનિસ રમવાનું શરૂ કર્યું. મારા એક તબીબ સાથે ચર્ચા કરી. તે કહે, ‘ઈ.સી.જીથી વધુ કોઈ તપાસ કરાવવી જોઈએ. આ કદાચ સાયલન્ટ ઈસ્કીમિયા (થોડાક સમય માટે, હૃદયના લોહી પુરવઠામાં આવતી ઓછપ, જે દર્દરહિત હોય છે) હોઈ શકે અને એમાં ઈ.સી.જી. સામાન્ય રહે.

ડૉ. કેયૂર પરીખને અમદાવાદ ફોન કર્યો. તેમણે કહ્યું કે સ્ટ્રેસ ટેસ્ટ કરાવીને આવો. મને હૃદયમાં ગરબડ લાગે છે. સ્ટ્રેસ ટેસ્ટ કરાવી સરકતા પટ્ટા પર દોડતાં દોડતાં ઈ.સી.જી. લેવાનો હોય છે. છ મિનિટ પછી મને થાક લાગ્યો. ઈ.સી.જીમાં થોડા ફેરફાર થયા. ટેસ્ટ કદાચ પૉઝિટિવ હતો. મારા હૃદયમાંની એક નળીમાં રક્તપ્રવાહ ઓછો જતો હતો. મારા તબીબ મિત્ર ડૉ.કકુ શાહે કહ્યું : ‘ચિંતા કરવા જેવું નથી. બીજા કોઈ દર્દી હોત તો હું કહેત કે કશું કરવાની જરૂર નથી પણ તમારે ઍન્જિયો કરાવી લેવી જોઈએ.’
‘ચિંતા કરવા જેવું નથી.’ એ વાક્ય હું કેટલીય વાર સાંભળવાનો હતો. હું અમદાવાદ ગયો. તે દિવસે સવારે મને ફરીથી એવો જ થાક લાગ્યો. ડૉ. કેયૂર પરીખ અને બીજા હૃદયનિષ્ણાતે કહ્યું કે ઍન્જિયો તો કરાવવી જ જોઈએ. કેયૂર કહે કે આવતી કાલે રોકાઈ જાઓ, હું કાલે કરી આપું. પણ મેં ના પાડી. વડોદરા આવીને મેં હિંદુજા હોસ્પિટલ, મુંબઈ ફોન કર્યો અને ડૉ. મેથ્યુઝ સાથે વાત કરી. તેઓ મુંબઈના અને સમગ્ર ભારતના સૌથી મોટા અનુભવી ઈન્ટરવેન્શેલ કાર્ડિયેક ફિઝિશિયન છે. ગુરુવારે મુંબઈ આવ્યો. સાંજે હિન્દુજામાં મળ્યો. ડૉ. મેથ્યુઝે મારો સ્ટ્રેસ ટેસ્ટનો રિપોર્ટ જોયો. બીજું કંઈ જ પૂછ્યું નહીં કે મને તપાસ્યો નહીં અને કહ્યું કે ઍન્જિયો કરીને જોઈ લઈએ. અમારી તૈયારી હતી જ. દાખલ થવા નીચે આવ્યો. હૉસ્પિટલમાં જગ્યા ન હતી. બે કલાક બેઠો. આ પહેલાં મેં વડોદરાથી રૂમ બુક કરાવ્યો હતો છતાં પણ મારી બધી જ દલીલો બહેરા કાને અથડાઈને મારી પાસે પાછી આવી. ડૉ. મેથ્યુઝને ખબર આપી. મને ફરીથી ઉપર બોલાવ્યો અને કહે કે આપણે કમ્બાલા હિલ ક્લિનિકમાં આ તપાસ કરીએ તો વાંધો છે ?
મેં કહ્યું : ‘તમે કરવાના હો તો પછી ગમે ત્યાં કરાવવામાં વાંધો નથી.’
‘કાલે સવારે સાત વાગ્યે તમે કમ્બાલા હિલ પર પહોંચી જજો.’

અમે શુક્રવારે સવારે સાત વાગ્યે હૉસ્પિટલમાં દાખલ થયા. એક હજામ આઠ વાગ્યે મારા શરીરના વાળ કાઢવા આવ્યો. મેં એને કહ્યું : ‘મારે ઍન્જિયોપ્લાસ્ટી પણ કરાવવી છે.’ એ સમજુ હતો. એ કહે કે મારે તો ઍન્જિયો માટે જ તૈયારી કરવાની છે. મેં કહ્યું, ‘તું હમણાં રહેવા દે અને કોઈ ડૉક્ટરને બોલાવ.’ થોડા વખત પછી ડૉ. મેનન આવ્યા. મેં વાત કરી. તેમણે હજામને એ પ્રમાણે સૂચના આપી. એ તેનું કાર્ય કરીને ગયો. સામાન્ય રીતે તબીબ પહેલાં ઍન્જિયો કરે અને પછી એમાં કંઈ પૉઝિટિવ આવે એટલે ફરીથી પ્રક્રિયા કરીને ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે. એમાં દરદીને બે વખત આ વિધિમાંથી પસાર થવું પડે છે અને ખર્ચ પણ દસ થી પંદર હજાર વધી જાય છે. ખરી રીતે આ તબીબોએ બધી વાત દરદીને કહેવી જોઈએ અને દર્દીની પ્લાસ્ટીની તૈયારી હોય તો એ પ્રમાણે કરવું જોઈએ. પણ આ તબીબો આવું-બધું સમજાવવાનો પ્રયત્ન કરતા નથી. એમની પાસે સમય નથી કે બીજું કોઈ કારણ હશે ? થોડાં નાણાં વધુ મેળવવા માટે ?

નવ વાગ્યે મને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. ડૉ. મેથ્યુઝ આવ્યા. પ્રાર્થના કરી અને મને કહે : ‘ડૉ. પંડ્યા, તમે પણ પ્રાર્થના કરો કે કંઈ નીકળે નહીં.’ મેં સ્મિત કર્યું. ડૉ. મેથ્યુઝે નિષ્ણાત અદાથી સેંકડોમાં જ ફિમોરલ રક્તનળીમાં કેથેટર નાખ્યું. નડિયાદ જેવી મુશ્કેલી પડી નહીં અને એ ક્ષણોમાં હ્રદય સુધી કેથેટર પહોંચી ગયું. પછીથી હૃદયની મુખ્ય નળી, ડાબી મુખ્ય નળીમાં દવા નાંખી. એ નૉરમલ હતી. ડાબી નીચે જતી નળી પણ નૉર્મલ હતી. પછીથી જમણી કોરોનરી – રકતનળીમાં દવા નાંખી. એ પણ એના મૂળ આગળ નૉર્મલ હતી. દવા રક્તવાહિનીમાં આગળ વધતી હતી અને એ નળીની, એક શાખા જેને પી.ડી.એ – પોસ્ટીરિઅર ડૉમિનન્ટ આર્ટરી કહે છે, ત્યાં અવરોધ આવ્યો. એ નળી લગભગ 80 ટકા જેટલી બ્લોક હતી. ડૉ. મેથ્યુઝે પૂછ્યું : ‘શું કરવું છે ?’
‘તમે વિચારી જુઓ.’ મેં કહ્યું.
‘તમને થોડી વાર બહાર લઈ જઈએ અને ત્યાં સુધીમાં હું વિચાર કરી લઉં.’ મારા સાથળમાંના લોહીની નળીમાંનું કેથેટર – જે હૃદયની એક નળી પાસે હતું તે સાથે મને સ્ટ્રેચરમાં સુવાડીને બહાર લાવવામાં આવ્યો. ગીતા અને ડૉ. દીપક દેસાઈ મારી પાસે આવ્યાં અને મને કહે કે, ડૉ. મેથ્યુઝ કહે છે કે પ્લાસ્ટી કરાવવી જોઈએ પણ એ પહેલાં રોટોબ્લેટરથી નળી સાફ કરીને સ્ટેન્ટ મૂકવા પડશે અને એમાં ત્રણેક લાખ રૂપિયાનો ખર્ચ થશે. મેં ગણતરી કરી. કુલ ખર્ચ ચારેક લાખનો થાય. એનો તો વાંધો ન હતો. પણ બહાર સૂતાં સૂતાં મેં વિચાર્યું હતું. મારા હૃદયની ત્રણ મુખ્ય નળીઓમાં કોઈ અવરોધ ન હતો. એક નાની શાખામાં હતો. છપ્પન વર્ષની ઉંમરે કોઈ પણ નૉર્મલ વ્યક્તિની જો આવી રીતે ઍન્જિયો થાય તો એમાં એકાદ નાની નળીમાં અવરોધ આવે જ. અમારા એક પુસ્તકમાં લખેલું છે કે માનવી એની લોહીની નળીઓ જેટલો જ વૃદ્ધ છે અને આ નાની નળીમાંના આ અવરોધથી કદાચ ભવિષ્યમાં હૃદયહુમલો આવે. કદાચ ન પણ આવે. નહીં આવવાની શક્યતા વધુ હતી. કારણ કે શરીર કુદરતી રીતે એની સંભાળ રાખે છે. હૃદયમાં નવી નાનીનાની નળીઓ પેદા થઈને એ અવરોધને પાર કરી નાખે છે – બાયપાસ કરે છે. આ આખી પ્રક્રિયાને નેચરલ કોલેટરલ ડેવલપમેન્ટ કહે છે.

ગીતા અને ડૉ.દેસાઈને કહ્યું કે મારે ઍન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી. મેં તેમને સમજાવ્યું પણ તેઓ માને જ નહીં. મને કહે કે ડૉ. મેથ્યુઝ કહે છે કે ભવિષ્યમાં હાર્ટએટેક આવી શકે છે. મારી વાત માની નહીં એટલે મેં બીજું બહાનું કાઢ્યું કે મારી પાસે પૈસા નથી. મારી પાસે ચાર લાખ રૂપિયા નથી. મારો મેડિક્લેઈમ બે લાખનો હતો અને મેં કહ્યું કે મારી પાસે બે લાખ રૂપિયા નથી. મારી વાત પણ કોણ માને ? મારા ભાઈએ કહ્યું કે, પૈસાની ચિંતા નથી. ગીતા કહે મારાં…. અને ઍન્જિયોપ્લાસ્ટી કરાવ્યા વિના મારો છૂટકો જ ન હતો. જાંઘમાં અને હૃદયમાં કૅથેટર સાથે કૅથ લૅબની બહાર સૂતેલો દર્દી હોય, ડૉ. મેથ્યુઝ જેવો નિષ્ણાત હોય એ જ્યારે વાત કરતો હોય ત્યારે મારી વાત કોણ માને ? તણાવના એ વાતાવરણ વચ્ચે પૈસાનો વિચાર સગાંઓ કેવી રીતે કરે ? અને એ નિષ્ણાત તબીબો, આ જ માનસિક નબળાઈઓનો અને વાતાવરણનો લાભ લે છે એવું કોઈ માને તો હું તેઓને દોષ નહીં આપું.
મેં કહ્યું : ‘ભલે ડૉ. મેથ્યુઝને બોલાવો.’ દસેક મિનિટ પછી ડૉ. મેથ્યુઝ આવ્યા.
મેં પૂછ્યું : ‘ડો મેથ્યુઝ, આ ચોક્કસ જરૂરી છે ?’
‘હા.’
‘પણ મારી પાસે પૈસા નથી’ મેં છેલ્લો પ્રયત્ન કરતાં કહ્યું.
‘મેડિકલેઈમ કેટલાનો છે ?’
‘બે લાખનો’
‘બીજા કેટલાની વ્યવસ્થા થાય ?’
‘પચાસેક હજાર. પણ એ વડોદરા જઈને વ્યવસ્થા થાય.’
‘ભલે.’ ડૉ.મેથ્યુઝે કહ્યું : ‘તમારાં બાકીનાં નાણાં તો બાકી રહી શકશે અને એમાં શું થઈ શકે એ હું જોઉં છું.’
બીજી પંદર મિનિટ પછી ગીતા આવી અને કહે, ‘પ્રદીપ, ડૉ. મેથ્યુઝ, આ કૅથેટર, રોટોબ્લેટર અને સ્ટેઈન્ટના એજન્ટો સાથે વાત કરી અને તેઓ રાહત આપવા તૈયાર છે. લગભગ એકાદ લાખ ઓછા થશે. ત્રણેક લાખમાં પૂરું થઈ જશે.’
‘પણ….’
‘પ્રદીપ, હું તારી એક પણ વાત સાંભળવાની નથી. હું ડૉ.મેથ્યુઝને વાત કરીને જ આવી છું.’
મારી પાસે હવે કોઈ જવાબ ન હતો.

મારી પત્ની ગીતાએ જ્યારે કહ્યું કે તે ડૉ. મેથ્યુઝને વાત કરીને એની તૈયારી કરવાનું કહીને જ આવી છે તો પછી મારી પાસે કોઈ જવાબ ન હતો, કોઈ રસ્તો જ નહોતો. તે જ વખતે વૉર્ડ બૉય મને કેથેલેબમાં લઈ જવા અંદર આવ્યા અને બીજા અઢી થી ત્રણ કલાકમાં ઍન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ. પછીથી ખબર પડી કે પ્લાસ્ટી મુશ્કેલ હતી અને મેથ્યુઝને પરસેવો થઈ ગયો હતો. એ રક્તનળીમાં સહેજ ઘસરકો લાગ્યો હતો. રક્તસ્ત્રાવ થતો હતો પણ મેથ્યુઝના અનુભવી હાથને લીધે બધું બરાબર થઈ ગયું હતું. મેં ફરીથી મન મનાવ્યું કે કંઈ નહીં, રક્તનળીમાં એક નાનો અવરોધ હતો તે પણ દૂર થઈ ગયો. હવે હાર્ટએટેક આવવાની શક્યતા નહિવત હતી. એક નાની રકતનળીમાં સ્ટેઈન્ટ મૂકવામાં આવ્યા. ત્રણ સ્ટેઈન્ટ અને ત્રણ લાખ રૂપિયાના ખર્ચ પછી અમે આનંદિત ચહેરે વડોદરા આવ્યાં. ચારેક દિવસ આરામ કરીને કામ શરૂ કર્યું…. અને એક દિવસ ફરીથી એવી જ નબળાઈ આવી… અમે બધાં ગભરાઈ ગયાં. હવે શું ? હૃદય તો બરાબર હતું. ઍન્જિયોપ્લાસ્ટીમાં ગરબડ હશે. બીજા તબીબો આવ્યા. એક તબીબે બધું જોઈને કહ્યું : ‘પ્રદીપભાઈ, આ નળીમાં ફક્ત ડૉ.મેથ્યુઝ જ પ્લાસ્ટી કરી શકે, અમારું ગજું નહીં.’
‘એટલે ?’
‘હું ન કરું.’
‘કારણ ?’
‘એક તો મારા મતે જરૂરી નથી અને મને અનુભવ નથી.’ એ તબીબે સેંકડો પ્લાસ્ટી વડોદરામાં કરી હતી.

મારો ઈ.સી.જી. નૉર્મલ હતો. ફરીથી મને આવી નબળાઈનાઅ ઍટેક પછી ઊંઘ લાવવા માંડી. બે-ત્રણ કલાક સૂઈ જાઉં એટલે ફરીથી નૉર્મલ. કંઈ સમજણ પડતી ન હતી. એક તબીબ કહે કે, તમારી બ્લડપ્રેસરની દવા બદલીએ. દવાઓ બદલી – કોઈ અસર નહીં. બીજા તબીબે કહ્યું, તમે ઊભા થાઓ છો ત્યારે બ્લડપ્રેસર ઓછું થઈ જાય છે. ફરીથી દવાઓ બદલી, કોઈ અસર નહીં. મારી દીકરી વૈશાલી અમેરિકાથી આવી. ઍરપોર્ટ પર લેવા ગયો તો રાત્રિના અગિયાર વાગ્યે ફરીથી નબળાઈનો હુમલો. મને કહેવમાં આવ્યું કે પ્રદીપભાઈ, આ હૃદયની વાત નથી જ. તમને આવું થાય તો ઊંઘી જવાનું. કોઈ ચિંતા કરશો નહીં.’
દીકરી કહે : ‘પપ્પા, અમેરિકા ચાલો, આપણે તપાસ કરાવીએ.’
એક વાત તો નક્કી થતી જ જતી હતી કે આ નબળાઈ અને હૃદયને કોઈ જ સંબંધ ન હતો. એટલે મને એન્જિયોપ્લાસ્ટીની જરૂર જ ન હતી. મારી વાત કોઈ તબીબે બરાબર સાંભળી જ ન હતી. સ્ટ્રેસ ટેસ્ટ સહેજ પૉઝિટિવ આવ્યો કે એક ચક્કર શરૂ થઈ ગયું હતું. જાણે કે હું રોલર કોસ્ટરમાં બેઠો હતો અને હવે તો માર્ગ એકમાર્ગી હતો.

ફરીથી આરામ અને કામ. એક વખત સળંગ ચાર દિવસ સુધી દરરોજ આવા હુમલા આવ્યા. એને ખાવા સાથે કોઈ સંબંધ ન હતો. ઘણી વખત શરીરમાં ખાંડ ઘટી જાય તો નબળાઈ આવે છે પણ મારાં આટલાં વર્ષોમાં કોઈને આવી નબળાઈ પછી ઊંઘ આવે અને બે કલાક પછી નોર્મલ થઈ જાય એવું જોયું નથી. કદાચ બીજા તબીબોએ પણ જોયું નહીં હોય એટલે જ મુશ્કેલીઓ હતી… બીજાં રક્ત પરીક્ષણો કરાવ્યાં. મને થયું કે કોઈ વખત શરીરમાં ઈન્સ્યુલિનનો સ્ત્રાવ અનિયમિત રીતે – ઓછાવત્તા પ્રમાણમાં થાય છે, જેને ‘ઈરેટિક સિક્રીશન’ કહે છે. આમ થાય તો તો શરીરમાં ખાંડ ઘટી જાય અને નબળાઈ આવે એટલે એને માટે પરીક્ષણો કરાવ્યાં અને એક આશ્ચર્ય ! પૅન્ક્રિયાસ, જ્યાંથી ઈન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે એના એક ઘટક, સી. પેપ્ટાઈડનું પ્રમાણ વધુ આવ્યું અને એ સાથે ઈન્સ્યુલિનનું પ્રમાણ પણ. આનાં બે જ કારણો હોઈ શકે – એક મારા પૅન્ક્રિયાસમાં નાની નાની નિર્દોષ કૅન્સરની ગાંઠ હતી. ભલે નિર્દોષ (બીનાઈન) કૅન્સર પણ કૅન્સર તો ખરું જ ને ?

ફરીથી એક ચક્કરમાં ફસાવાનું હતું. મારા એક મિત્રના હૃદયના ઑપરેશન માટે હું મુંબઈ ગયો અને ત્યાં આ રિપોર્ટ મળ્યા. મેં તરત જ હિન્દુજામાં મારા એક મિત્ર ડૉ. નિશીથ શાહ જેઓ એન્ડોક્રાઈનોલૉજિસ્ટ છે તેઓનો સંપર્ક કર્યો. આ હવે તેમનો વિષય હતો. મને કહે, આ લૅબોરેટરીના રિપોર્ટ બરાબર નથી. આપણે ફરીથી તપાસ કરાવીએ. તમે ભૂખ્યા પેટે કાલે સવારે આવો. બીજે દિવસે સવારે મને ફરીથી નબળાઈ આવી. આ વખતે મને ખ્યાલ હતો કે કદાચ ખાંડ ઘટી ગઈ હશે એટલે મેં બે ચમચી ખાંડ ખાધી. હું નોર્મલ થઈ ગયો !

મારું નિદાન થઈ ગયું. મારામાં ખાંડ જ ઘટી જતી હતી. મારી નબળાઈનું આ જ કારણ હતું. કેટલું સામાન્ય – જેને અમે સિમ્પલ કહીએ છીએ છતાં મારે કેવી મુસાફરીમાંથી પસાર થઈ જવું પડ્યું અને હજુ ક્યાં અંત હતો ?! ડૉ. નિશીથ મારી સાથે સહમત થયા અને મને કહે : ‘પ્રદીપભાઈ, તમારું નિદાન સાચું છે. આપણે તપાસ તો કરાવીએ જ.’ ફરીથી રક્તપરીક્ષણ… વડોદરા આવીને પાંચ કલાકનો બ્લડસુગર ટેસ્ટ કરાવ્યો. મારા લોહીમાં ચાર કલાક પછી ખાંડનું પ્રમાણ એકદમ ઘટી જતું હતું. નિદાનને પુષ્ટિ મળી. સાત દિવસ પછી રિપોર્ટ આવ્યો. પહેલી લૅબોરેટરીનો રિપોર્ટ ખોટો હતો. સી. પેપ્ટાઈડ અને ઈન્સ્યુલિનનું પ્રમાણ વધારે હતું પણ એ સંકેતો કોઈ નિર્દોષ ગાંઠના ન હતા. આખરે બે મહિના પછી મારું નિદાન થયું કે મને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા છે.

હવે મેં મારી સારવાર શરૂ કરી. દર ચાર કલાકે થોડું ખાવાનું, ચાલવાનું અને વજનને કાબૂમાં રાખવાનું. હવે હું ચાલવા જાઉં છું ત્યારે મારા ગજવામાં ખાંડનું પડીકું હોય છે અને બહારગામ, નડિયાદ જાઉં ત્યારે મોટરમાં નાસ્તાનો ડબ્બો હોય છે. ત્યાર પછી મને નબળાઈના કોઈ હુમલાઓ આવ્યા નથી. એક વાત નક્કી થઈ ગઈ. મારા આ હુમલાઓને હૃદયનળીઓમાં અવરોધ કે બ્લડપ્રેસરની ગોળીઓ કે બીજા કોઈ સાથે કોઈ જ સંબંધ નહોતો. ભવિષ્યમાં ડાયાબિટીઝ થશે કે નહીં એની ચિંતા કર્યા વગર હવે હું મારું કામ કરું છું. એક બનાવને પાછળ મૂકી દીધો છે. હું ડૉક્ટર, મારો દર્દી તરીકેનો આ અનુભવ….

25-12-2001થી મને ડાયાબિટીસ થઈ ગયો છે. ગોળી લઉં છું અને કાબૂમાં છે.

[કુલ પાન : 40. (નાની સાઈઝ) કિંમત રૂ. 15. પ્રાપ્તિસ્થાન : ગુજરાત પુસ્તકાલય સ.સ. મંડળ લિ., સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા. ફોન : +91 265 2422916.]