પુષ્પગુચ્છ – સંકલિત

[1] સજાગતા – અજ્ઞાત

ચાલો મનને ઓળખીએ, અને એ દ્વારા જાતને ઓળખીએ. એક શાંત – સ્વચ્છ જગામાં આંખો મીંચીને સુખદાયક મુદ્રામાં બેસીએ. શ્વાસની ગતિને અનુભવીએ. અંદર જતો શ્વાસ. બહાર આવતો શ્વાસ. એ સાથે નાકમાંથી શ્વાસનળીમાં, ફેફસામાં થતી સંવેદના અનુભવીએ. શ્વાસની ગતિ અને મનની ગતિને સીધો સંબંધ છે. આથી મનને પકડવા શ્વાસને પકડીએ. શક્ય એટલો ઊંડો શ્વાસ લઈએ. પૂરાં ફેફસાં ભરીએ અને પૂરાં ખાલી કરીએ. (જાગૃત અવસ્થામાં આપણે અડધો-પરધો શ્વાસ જ લઈએ છીએ.)

થોડીવાર પછી શ્વાસ પરથી ધ્યાન હઠાવી લઈએ. હવે મનની ગતિને જોઈએ. શરત એટલી કે મનની આંગળી પકડી ચાલવાનું નહીં. પણ મન ધરાર ખેંચી જશે. આપણને થોડી થોડી વારે યાદ આવશે કે આપણે મન સાથે ચાલવાનું નથી. માત્ર મનની ગતિનું નિરીક્ષણ કરવાનું છે. આવી રમત થોડી મિનિટ કરો તો ખબર પડશે કે 25-30 માણસોને નિયંત્રિત કરનાર આપણે પોતાના મનને નિયંત્રિત કરી શકતા નથી. જાત પાસે નબળા પુરવાર થઈએ છીએ. રોજ સવારે દશ મિનિટ આ કસરત કરીએ. બહુ જલદી સમજાશે કે આપણામાં એક મોનિટર-ઑડિટર ઊભો થયો છે જે દિવસમાં ઘણા પ્રસંગે વચ્ચે કૂદી પડીને આપણને મનથી અલગ પાડે છે. ક્યાંક વધુ પડતું બોલીએ, ગુસ્સો કરીએ, ખૂબ આનંદમાં આવી જઈએ, કોઈની ચિંતા કરીએ ત્યારે એ જાત સાથે સંવાદ કરવા માંડશે. ઘટના સાથેની આપણી એકરૂપતાને તોડશે. આ છે સજાગતા – awareness. આ જેટલી વધે એટલી સ્વસ્થતા વધે.
.

[2] નોળવેલ – અજ્ઞાત

વિનોબાજી કહેતા કે તમે જે પ્રવૃત્તિ કે વ્યવસાયને પકડીને જીવન જીવો છો ત્યારે તમારી ભાષાનું શબ્દ ભંડોળ 200-300ની આસપાસ રહે છે. વકીલ, ડૉક્ટર, ઍન્જિનિયર, બૅંક કર્મચારી, પ્રધાન, પત્રકાર, ગૃહિણી… આ બધા આ કક્ષામાં આવે. આનાથી જીવનમાં ‘મોનોટોની’ આવે છે. આથી વિચારોમાં પણ બંધિયારપણું આવે છે. એવી માન્યતા દઢ બને છે કે મારા વાતાવરણની બહારની દુનિયાનું કોઈ મહત્વ નથી. આવી વ્યક્તિઓ જ્યારે ઉંમર, માંદગી કે સંબંધોમાં વિચ્છેદથી પોતાની માનેલી દુનિયાની બહાર ફેંકાઈ જાય છે ત્યારે અસહાયતાનો અનુભવ કરે છે. બહુ જલદી ફસડાઈ પડે છે. જાણે અચાનક અજાણ્યા શહેરમાં આવી ચડ્યા છે, જ્યાં એને કોઈ ઓળખતું નથી, જ્યાં એનું કોઈ મહત્વ નથી. આનો ઉકેલ શું ?

એક રસ્તો છે.
‘ભૂમિપુત્ર’ના કાન્તિભાઈ સુંદરમ્ વિશેષાંક કાઢે છે. જેમાં ભૂદાન, સર્વોદય, વિનોબા, ગાંધી, અણુઊર્જા, હિન્દ સ્વરાજ જેવા કોઈ શબ્દો નથી. માત્ર સાહિત્ય છે…. વાજપેયીજી અઠવાડિયું મનાલી જઈને કવિતાઓ લખે છે કે મોરારજીભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં આવી ગાંધી વિચાર પર પ્રવચનો આપે છે, જેમાં કોઈ પક્ષ, મોંઘવારી, વિદેશનીતિ જેવા કોઈ શબ્દો નથી…. પ્રકાશભાઈ પોતાની ઈન્ડસ્ટ્રીમાંથી અઠવાડિયું કાઢી પિંડવળ જઈને આદિવાસીઓને નળીયા કે ખાદીનું વિતરણ કરે છે કે હાથસાળના પ્રશ્નો ઉકેલવા મથે છે. ઓર્ડર, કસ્ટમર, પ્રોફિટ, મેનેજર… વગેરેથી દૂર. દેશભરમાંથી પોતાના શહેરનાં ઘણાં નામાંકિત માણસો કોઈને કોઈ ગાંધી-વિનોબાજીના આશ્રમોમાં સેવા આપે છે, સામાન્ય માનવી બનીને રસોડામાં કામ કરે છે, પુસ્તકોને પૂંઠા ચડાવે છે કે આંગણું વાળે છે.

આપણી પાસે આવી કોઈ ‘નોળવેલ’ છે જે આપણી રોજિંદી દુનિયા કરતા જુદો અનુભવ કરાવે ? ‘મોનોટોની’નું ઝેર ઉતારે ? અરે, મોબાઈલ, છાપા કે ટી.વી. વગર કોઈ હિલસ્ટેશન પર એક અઠવાડિયું જઈ શકીએ છીએ ? સ્વસ્થ રહેવાનો આ પણ એક રસ્તો છે.
.

[3] દાવ દેવો વિધિ હાથ છે – સોનલ પરીખ

પ્રારબ્ધ અને પુરુષાર્થનો ઝઘડો જૂગજૂનો છે, છતાં આજના કોમ્પ્યુટર અને સેટેલાઈટના યુગમાં પણ એ ચાલતો જ રહ્યો છે. પ્રારબ્ધ-નિયતિના પક્ષે રહેલા નિયતિને સર્વશક્તિમાન ગણે છે, પુરુષાર્થીપ્રેમીઓ પુરુષાર્થને સર્વાધિક સમર્થ સમજે છે. ખરું જોતાં, નિયતિ સિક્કાની એક બાજુ છે અને પુરુષાર્થ બીજી. સિક્કાની એક બાજુનો સ્વીકાર અને બીજી બાજુનો ઈન્કાર કેવી રીતે થઈ શકે ? જીવનના સંઘર્ષમાં જય-પરાજયનો આધાર આ બંનેમાંના કોઈ એક તત્વ પર નહીં, બલ્કે બંને પર રહેલો છે, આ બંનેમાં યોગ્ય સંતુલન પર રહેલો છે. દરેકને જીવનમાં એ અનુભવ થાય જ છે કે નિયતિના સાથ વિના પુરુષાર્થ સફળ થતો નથી અને પુરુષાર્થના આધાર વિના નિયતિનું કશું ઉપજતું નથી. આ સંજોગોમાં કર્તૃત્વનું અભિમાન કે પરિણામનો ભાર રાખ્યા વિના બનતો પુરુષાર્થ કરી છૂટવો અને પછી સમતા રાખી જે પણ પરિણામ આવે તો તેને પચાવી લેવું તે જ માણસનું કર્તવ્ય છે અને કસોટી પણ.
.

[4] ભણતર અને ગણતર – સુરેશ પરીખ

બીજા વર્ષના મીકેનીકલ એન્જી.ના વર્ગમાં મારે ‘સ્ટ્રેન્થ ઑફ મટીરીયલ્સ’ ભણાવવાનું હતું. એક દિવસ બપોરે ત્રણેક વાગ્યે હું મારી કેબીનમાં પ્રયોગશાળાના કામ અંગે કેટલીક તૈયારી કરતો હતો ત્યાં એક વિદ્યાર્થીની આવીને કહે કે, ‘હું રમા ઝવેરી, બીજા વર્ષમાં ભણું છું. સર, પાંચ-દસ મિનિટ માટે કામ છે. થોડીક (ડીફીકલ્ટી) મુશ્કેલી માટે આવી છું.’ બોલો શું કામ છે પૂછતાં કહે કે, ‘ભણવાના વિષયની વાત નથી. પણ વર્ગમાં તમે કોઈક વાર પાંચ-દસ મિનિટ માટે ભણવા સિવાયની જીવનઘડતરની વાતો કરો છો તે અંગે પૂછવાનું છે.’ મેં કહ્યું : ‘અત્યારે હું થોડો કામમાં છું. પણ કલાક પછી આવવાનું ફાવે ?’ ચારેક વાગ્યે આવવાનું કહીને ગઈ.

ચારેક વાગ્યે આવી પછી નિરાંતે એના મુદ્દાની આસપાસ વાતો કરી. વાત પૂરી થયે કહે કે, ‘સર, આજે આટલું બસ છે. પણ, આમ અવારનવાર આવવું ગમશે. પણ એક વાત પૂછવાનું મન થાય છે કે મેં અભ્યાસ અંગેની કોઈ મુશ્કેલી છે એમ કહ્યું હોત તો મને ચાર વાગ્યે આવવાનું કહેત કે ?’ મેં કહ્યું કે, ‘ના, મેં મારું કામ બાજુ પર મૂકી તારી મુશ્કેલીઓની ચર્ચા કરી લીધી હોત.’ તો કહે કે, ‘સર, તમે તો કહો છો કો આ ભણવા સિવાયની વાતો કરું છું તે ભણવા કરતાં પણ વધારે અગત્યની છે. તો પછી આ વ્યવહાર કેમ સમજવો ? મેં કહ્યું કે, ‘જો બેટા, મને પગાર મળે છે તમારા અભ્યાસક્રમો ભણાવવા માટે, એટલે કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસનું કામ એ સૌથી અગત્યનું – ટોપ પ્રાયોરીટી – છે. મારી અંગત કે અન્ય નોકરી અંગેની આનુષાંગિક કામગીરી બાજુ રાખીને પણ વિદ્યાર્થીના અભ્યાસને પ્રથમ સ્થાન આપવું એ મારી ફરજ છે.’

રમા તો ભણીને ગઈ. કેટલાક વર્ષો બાદ લેકચરરની નોકરી લીધી અને એક દિવસ અચાનક એની કૉલેજમાં જવાનું થયું. મને કહે કે, ‘સર મને ઓળખી ? હું રમા. તમારી વિદ્યાર્થીની. આજે તમને સંતોષ થાય – આનંદ થાય એવી વિદ્યાર્થીઓની અભ્યાસ અને શિક્ષણેતર કામગીરી કરું છું. પણ અભ્યાસકાર્યની ‘ટોપ પ્રાયોરીટી’ આજે પણ જાળવું છું.’ કૉલેજ છોડતાં પહેલાં આચાર્યશ્રીને મળવાનું થયું તો કહે કે અમો વિદ્યાર્થીઓના સમગ્ર શિક્ષણની કામગીરી અંગે વિચારતા હતા ત્યારે અમારા લેકચરર રમા ઝવેરીએ તમારે અંગે વાતો કરી અને ખૂબ સારા અધ્યાપક તરીકેની એની કામગીરીનો સંતોષ છે એટલે તમને અહીંની શિક્ષણેતર પ્રવૃત્તિ ગોઠવવાની વિચારણા માટે આમંત્રણ આપ્યું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારમંથન – સંકલિત
ખરી મા – રમણલાલ વ. દેસાઈ Next »   

12 પ્રતિભાવો : પુષ્પગુચ્છ – સંકલિત

 1. BUTABHAI PATEL says:

  સરસ

 2. Navin N Modi says:

  આમ તો આજના પુષ્પગુચ્છના બધાજ પુષ્પો સુગન્ધિત છે, પરંતુ આમાંનું બીજું પુષ્પ ‘નોળવેલ’ મને આજે વિશેષ આકર્ષિત કરી ગયું. કારણ? કદાચ એ મારી તત્કાલીન જરુરત હોય એમ બને! ખેર આથી બાકીની સુગન્ધોનું મહત્વ ઓછું ન આંકી શકાય. આવા સુંદર પુષ્પગુચ્છની રજૂઆત બદલ આભાર.

 3. nayan panchal says:

  સુંદર વિચારપ્રેરક લેખ.

  આભાર.

  નયન

 4. pragnaju says:

  ચારે ય વિચાર પ્રેરક સુંદર લેખો
  આપણી પાસે આવી કોઈ ‘નોળવેલ’ છે જે આપણી રોજિંદી દુનિયા કરતા જુદો અનુભવ કરાવે ? ‘મોનોટોની’નું ઝેર ઉતારે ? અરે, મોબાઈલ, છાપા કે ટી.વી. વગર કોઈ હિલસ્ટેશન પર એક અઠવાડિયું જઈ શકીએ છીએ ?
  દરેકે પોતાને પૂછવા જેવો પ્રશ્ન

 5. PAMAKA says:

  ભન્તર અને ગન્તર સુરેશ પરિખ નિ સમઝ આજ ના માત્ર ૬ થઆ પગાર પન્ચ નિ વાતો અને માગણિ કરતા સિક્ષકો અએ ગભિર્તા થિ લેવિ જોઇએ.

  આભર્

 6. PAMAKA says:

  ભન્તર અને ગન્તર સુરેશ પરિખ નિ સમઝ આજ ના માત્ર ૬ થઆ પગાર પન્ચ નિ વાતો અને માગણિ કરતા સિક્ષકો અએ ગભિર્તા થિ લેવિ જોઇએ.
  અને સુરશ પરિખ ને મડવા નુ મન થાય્ તો વિધાનગર્ મા જૈને મદિ લેવુ જોઇઅએ.
  આભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.