વિદ્યાર્થી વાચનવિમુખ કેમ બન્યો ? – ડૉ. શરીફા વીજળીવાળા

વાચન માણસને પોતાની રીતે વિચારતા કરે છે, બીજા માનવીના આંતરમન સુધી પહોંચવામાં મદદ કરે છે. વીતેલા સમયની ઘટનાઓના આકલનમાં, એને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવામાં, સમૂહની માનસિકતા સમજવામાં આપણને વાચન જ મદદ કરી શકે. વાચન માણસને પાયામાંથી બદલી શકે છે. કારણ કે વાચનથી આપણી સમજ કેળવાય છે, મનોવિશ્વ વિકસે છે. વાચન જીવનમૂલ્યોનું ઘડતર કરે છે. અભિનવગુપ્તે પણ કહ્યું છે કે સાહિત્યકૃતિના પરિશીલનથી સહૃદયની રુચિ ઘટાય, એની ભાવયિત્રી પ્રતિભા વિકસે, સંવિત્તિ વિકસે, એ વધુ સારું જીવન જીવતો થાય. આપણે ત્યાં એક સમય હતો જ્યારે ડૉક્ટરો, ઈજનેરો સહિત બધાં વાંચતા. ઘરે ઘરે મુનશી, મેઘાણી, મડિયા, ર.વ.દેસાઈ વંચાતા. કુમુદ-કુસુમ, કોકિલા, મંજરી, મૃણાલ ને રોહિણી, રાજુ કે જીવીને ગુજરાતી પ્રજા ઓળખતી. આજે તો ગુજરાતી વાંચનારી પ્રજા ક્યાં ? એવો પ્રશ્ન કરવો પડે. ગુજરાતી વિષય સાથે એમ.એ. કરનાર આજના વિદ્યાર્થીને પણ આમાંથી માંડ એકાદ-બે નામ જ ખબર હશે ! એય કોર્સમાં હોય તો નહિતર રામ રામ… અને તોય આજે પહેલાં કરતાં દસથી વીસ ગણા વધારે પી.એચ.ડી. બહાર પડી રહ્યા છે ! આપણે પ્રાથમિક શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે એની પરવા જ ન કરી અને સર્વોચ્ચ પદવીઓ માટે જીવદયા મંડળીઓ ખોલી બેઠા જેના પરિણામો આપણી સામે જ છે.

આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે પણ એવું લાગે છે ખરું ? શિક્ષણ જીવન મૂલ્યો શીખવે, નાગરિકનું, સમાજનું ઘડતર કરે, સર્વાંગી વિકાસ સાધે… પણ એવું થઈ શક્યું છે ખરું ? છઠ્ઠો દાયકો તો શિક્ષણક્ષેત્રે સુવર્ણકાળ સમો હતો. ત્યારે સુરેશ જોશીએ ‘વિદ્યા વિનાશને માર્ગે’માં કેટલો બધો આક્રોશ ઠાલવ્યો છે ? સુરેશ જોશીને જો આજે વર્ગખંડમાં જવાનું થાય તો શું કરે ? આજે બારમા ધોરણમાં 80%થી 85% મેળવીને કૉલેજમાં પ્રવેશનાર વિદ્યાર્થીને દેશના રાજ્યોના નામ કે પડોશી દેશોના નામ નથી ખબર. એ બે કવિ કે બે વાર્તાકારના નામ નથી આપી શકતો. એને ઈતિહાસ, ભૂગોળ સાથે જાણે કશી લેવાદેવા જ નથી રહી. અર્થશાસ્ત્રના છેલ્લા વર્ષના વિદ્યાર્થીને બજેટ કેવી રીતે પસાર થાય એ નથી ખબર તો એમ.ફિલ. ગુજરાતીના વિદ્યાર્થીએ ન તો ‘સરસ્વતીચંદ્ર’નું પૂઠું જોયું છે કે ન મુનશી, મેઘાણી કે બીજા કોઈને વાંચ્યા છે. આપણો આ વિદ્યાર્થી જાતે પંદર વાક્ય લખી નથી શકતો અને ગોખેલી પદ્ધતિ સિવાય, અન્ય પદ્ધતિથી, તાળો મેળવીને દાખલા નથી ગણી શકતો. ટ્યૂશન કલાસ અને માર્ગદર્શિકાઓના બોટલ ફિડિંગે આ વિદ્યાર્થીને વિદ્યાનો અર્થી તો રહેવા જ નથી દીધો. આજે ભારણ વધ્યું છે પણ ભણતર વધ્યું છે એવું કહી શકાય ખરું ?

પુસ્તક પ્રકાશનની દુનિયામાં ક્રાન્તિ આવી એ વાત સાચી, પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે આ ક્રાન્તિએ વાચનસંપત્તિ વધારી ખરી ? પુસ્તકો વધુ ને વધુ છપાતા થયા એ વાત સાચી પણ એ વંચાતા થયા ખરાં ? આપણા આદ્ય વિવેચક નવલરામ કહેતા એવો ‘ઓથરિયો હડકવા’નો આ સમય હોય એવું નથી લાગતું ? એક સમયે આપણે ત્યાં મેઘાણી, મુનશી, મડિયા ઉપરાંત ટાગોર, શરદ અને ખાંડેકર પણ પુષ્કળ વંચાતા. એમના પુસ્તકોની અનેક આવૃત્તિઓ થતી. છેલ્લા ત્રીસેક વર્ષમાં પુસ્તકોની 500 નકલ પણ વેચાય છે ખરી ? નવાની વાત છોડો, એક સમયે જે વંચાતા હતા એ જૂના પુસ્તકોની આવૃત્તિ પણ થાય છે ખરી ? એવું લાગે છે જાણે વાંચનયુગ જ પૂરો થઈ ગયો ! વર્ષો પહેલાં મેઘાણીએ આપણા વાચકો માટે કહેલું કે આપણી મોટા ભાગની પ્રજા ગાય જેવી છે જે લીલું ઘાસ ખાતાં ખાતાં કચરો પણ ચાવી જાય છે. જો મેઘાણીના સમયમાં આવું હતું તો આજે તો એ ચિંતા વધવી જોઈએ. કારણ કે ગુજરાતમાં ચાર લાખ ‘ચિત્રલેખા’ વેચાય છે પણ ‘પરબ’ કે ‘શબ્દસૃષ્ટિ’ જેવા પરિષદ કે અકાદમીના મુખપત્રોની માંડ ચાર હજાર નકલ વેચાય છે અને એ પણ પાછા પાંચ કરોડ ગુજરાતીની વચ્ચે ! આજે કેટલા લોકો કાન્ત કે રાજેન્દ્ર શાહ, સિતાંશુ કે લાભશંકર ઠાકરની કવિતા વાંચતા હશે ? લોકોના સમૂહને સીધી સરળ ગઝલ કે હઝલ વધુ ગમે છે. એટલે રુચિના ધોરણનો પ્રશ્ન પણ છે જ. વોલ્ટ વ્હીટમેનનું એક વાક્ય યાદ રાખવા જેવું છે : ‘મહાન કવિઓ જન્માવવા માટે આપણી પાસે મહાન/સક્ષમ વાચકો જોઈશે.’ આપણને આની પડી છે ખરી ? આજે પુસ્તક વેચાણ વધ્યું છે. સેમિનારો, મેળાવડાઓનું પ્રમાણ પણ વધ્યું છે અને છતાં વાંચનારાઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી ગઈ છે એ હકીકત નથી ?

જેને આજે આપણે પ્રગતિ અને ક્રાન્તિ કહીએ છીએ એણે શહેરી સંસ્કૃતિને બહુ ઝડપે વિકસાવી. ગામડાઓ તૂટ્યા, સંયુક્ત કુટુંબો તૂટ્યા. નવું સમાજજીવન વિકસ્યું. શિક્ષણ પદ્ધતિ બદલાઈ જેણે અર્થ વગરનો અને પાર વગરનો બોજો ખડકી આપ્યો બાળકો ઉપર. ઘરમાં વાર્તા કહેનાર રહ્યાં નહીં, જ્યાં હતા ત્યાં સાંભળનાર બાળક પાસે આપણે સમય રહેવા ન દીધો. પરિણામે વિસ્મય અને અદ્દભુતના જગત સાથે જોડી આપતો અખૂટ વાર્તારસ સાથેનો એનો નાતો સાવ જ કપાઈ ગયો. ‘પછી શું થયું ?’નું કુતૂહલ જ ના રહ્યું. વળી જે ભાષા એ સમજે છે, બોલે છે એના બદલે પારકી ભાષામાં ભણાવવાનો આપણે આગ્રહ રાખ્યો ! બાળક જેટલું માતૃભાષામાં સમજી, વિચારીને વ્યક્ત કરી શકે એટલું પારકી ભાષામાં નથી કરી શકતું. એટલે ભણતર એના માટે નર્યું ભારણ જ બની રહ્યું…. ટ્યૂશનોની દોટમાં એનો કુદરત સાથેનો, વિસ્મય સાથેનો નાતો કપાઈ ગયો. કટ્ટર હરીફાઈ અને ‘ટૉપટેન’ની લાહ્યમાં એના માટે પુસ્તકો સિવાયની દુનિયાનું અસ્તિત્વ જ ના રહ્યું. ટેકનોલોજીના વિકાસે માહિતીનું મહત્વ વધાર્યું અને જ્ઞાનને બીજા નંબરે મૂકી આપ્યું. હરીફાઈની દુનિયામાં વ્યક્તિવિકાસના મૂલ્યો અને મહત્વકાંક્ષાઓનું સ્વરૂપ જ બદલાઈ ગયું. પુસ્તક દ્વારા વ્યક્તિત્વ ઘડતરનો ખ્યાલ જ હવામાં ઓગળી ગયો.

વળી ટેકનોલોજીના વિકાસે દશ્યમાધ્યમ દ્વારા મળતા મનોરંજનને ઘરમાં ઠાલવી આપ્યું. બધી જ જગ્યાએ શોર્ટકટ શોધવાની ટેવવાળા માણસે મનોરંજનમાં પણ એ જ રસ્તો અપનાવ્યો. દશ્ય માધ્યમનું મનોરંજન પુસ્તક કરતાં વધુ આકર્ષક રહેવાનું એ વાત તો ભરતમુનિના જમાનાથી સ્વીકારેલી છે. દશ્ય માધ્યમમાં કલ્પનાશક્તિ કે વિચારશક્તિની જરૂર નથી પડતી. દોડી દોડીને જીવતા માણસ પાસે આમ પણ અવકાશ ઓછો છે. એટલે એને પુસ્તકની સરખામણીએ દશ્યમાધ્યમ વધુ ફાવે છે. પણ રુચિના ધોરણનો અહીં પણ પ્રશ્ન થાય જ છે. સાહિત્યિક ગુણવત્તા ધરાવતી કે સામાજિક સમસ્યાને રજૂ કરતી પ્રશિષ્ટ કહી શકાય એવી કૃતિઓ દશ્યમાધ્યમમાં પણ બહોળા જનસમુદાયને નથી આકર્ષતી એ હકીકતથી આપણે સૌ પરિચિત છીએ જ. જેના દાખલા ‘હાજર ચુરાશિરમા’, ‘સૂરજ કા સાતવા ઘોડા’, ‘ગોદાન’ કે બીજી અનેક ફિલ્મો છે. આપણાં સમૂહ માધ્યમો પણ સમાજને ક્યા માપદંડો શીખવે છે ? પ્રદેશ કે દેશના મહત્વના વિદ્વાન કે સાહિત્યકારના મૃત્યુને કે સિદ્ધિને માટે માંડ બે લીટી ફાળવનારા આ માધ્યમો દાઉદ, લતીફ કે દિલહર મહેંદી જેવા માટે હેડલાઈનો બાંધે છે. એવું જ ટી.વીનું છે. ભોપાલ ગેસ પીડિતોનું ટોળું 1 મહિનાથી દિલ્હીમાં ધરણાં પર બેઠું છે પણ કોને પડી છે ? ને હરભજનનો તમાચો આપણને 24 કલાક દેખાડાય છે. ટીવી પર સાવ સરળતાથી પૈસા કમાવાની અનેક રમતો જોતો, નૃત્યો અને ગીતોની હરિફાઈ જોતા વિદ્યાર્થીને સાચા-ખોટાનો ભેદ કોણ સમજાવશે ? રોજેરોજની ધારાવાહિકોની તિલસ્મી દુનિયામાં ખોવાઈ ગયેલી બહેનો પાસે સંતાનો સાથે બેસીને વાર્તા કહેવા કે નવું વાંચવા-વંચાવવાનો વખત જ ક્યાં બચ્યો છે ? આગલી પેઢીએ જ વાંચવાનું છોડ્યું છે એટલે હવે તો કૂવા જ ખાલી છે પછી બીજી પેઢીની ચિંતા કરવાથી શું વળવાનું ?

આ વિદ્યાર્થી માટે જ્ઞાનનું મહત્વ જ નથી રહ્યું. એને માત્ર ડિગ્રી જોઈએ છે અને પછી જલ્દીથી પૈસા જોઈએ છે. જ્યાં મૂલ્યોનું ઘડતર થયું જ નથી, વ્યક્તિત્વ ઘડતર કાચું જ રહ્યું છે ત્યાં મૂલ્યનિષ્ઠાની વાત ક્યાંથી કરીશું ? આ એવું વિષચક્ર છે જેમાં આપણી સામે છે તે બે પેઢી તો અટવાઈ ચૂકી છે. હવે આને અટકાવવું હોય તો ફરી એકવાર પુસ્તકોની દુનિયામાં પાછા ફરવું પડશે. પુસ્તક સિવાય કોઈ આપણને સંપૂર્ણ મનુષ્ય નહીં બનાવે, સર્વાંગી વિકાસ નહીં સાધે અને સ્વસ્થ સમાજનું ઘડતર પુસ્તક વગર શક્ય જ નથી. ટી.વી. કે કોમ્પ્યુટર પુસ્તકનો વિકલ્પ કદી ના બની શકે એ આપણે સમજવું પડશે અને આપણાં વિદ્યાર્થીને પણ સમજાવવું પડશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખરી મા – રમણલાલ વ. દેસાઈ
માનવતાનો દીપક – અનુ. કાંતા વોરા Next »   

26 પ્રતિભાવો : વિદ્યાર્થી વાચનવિમુખ કેમ બન્યો ? – ડૉ. શરીફા વીજળીવાળા

 1. gopal parekh says:

  મા-ગૂર્જરી માટે જેને દાઝતું હોય એ જ આવું લખી શકે, જાગીએ તો સારું, હજીયે મોડું નથી થયુઁ,

 2. કલ્પેશ says:

  “ટી.વી. કે કોમ્પ્યુટર પુસ્તકનો વિકલ્પ કદી ના બની શકે એ આપણે સમજવું પડશે અને આપણાં વિદ્યાર્થીને પણ સમજાવવું પડશે.”

  ટી.વી, કોમ્પ્યુટર, પુસ્તક એકબીજાના વિરોધી નથી અને એકબીજાના વિકલ્પ પણ નથી (એવુ હોત તો કદાચ આ માધ્યમની જરુર જ ન હોત). દરેક માધ્યમને સારી રીતે ઉપયોગમા લઇ શકાય છે. જો લોકો પુસ્તક ના વાંચતા હોય તો “રીડગુજરાતી” જેવુ માધ્યમ કોમ્પ્યુટર/ઇન્ટરનેટ દ્વારા આપણને સારા પુસ્તકો વાંચવાનો નિર્દેશ કરે છે.

  છેવટે મુદ્દો સારા સાહિત્યનો અને એ દ્વારા જીવનના ઘડતરનો છે (પછી ભલે તમે પુસ્તકો વાંચો). આમા દરેક મા-બાપ જવાબદારી ઉપાડે અને સાહિત્ય વાંચનારાઓ એનો પ્રચાર કરે (મિત્રોને પુસ્તક વાંચવા આપવા, લેખની લીંક ઇ-મેઇલ કરવી). જેથી જેને રસ પડે એ આ બહાને થોડુ વાંચતુ થાય. આમ જો ફેલાવો થાય તો ઘણા લોકો સારા વાંચન તરફ વળે અને પુસ્તકો પણ ખરીદતા થાય)

  આપણે વાચક તરીકે લોકોને પુસ્તકો વાંચવા આપીએ, એમને ગમે તો એ બીજાને આપે – આમ જે ન વાંચતુ હોય તે પણ કદાચ વાંચતુ થઇ જાય?

  શુ લાગે છે?

 3. વાંચવુ, વિચારવું અને અમલમાં મુકવું તેને બદલે જે તે જોવું, જે તે ખાવું અને ગમે તેમ વર્તવું તે પ્રકારનો સમાજમાં બદલાવ આવી ગયો છે. દવ લાગી ચૂક્યો છે અને ઝડપથી ઓલવાય તેવા કોઈ ઉપાય દેખાતા પણ નથી. શાહમૃગની જેમ જમીનમાં માથું ખોસી દેવાની માંહ્યલો ના પાડે છે અને ઉપાય દેખાતો નથી. પહેલાના જમાનામાં લોકો મરણીયા થતાં. જીતવાની કોઈ શક્યતા ન હોય અને પરાજય સ્વિકાર્ય ન હોય તેવે વખતે યુદ્ધે ચડનારને મરણીયો કહેવાય. શું આપણે મરણીયા થશું?

 4. kumar says:

  કલ્પેશ ભાઈ ની વાત એક દમ બરાબર છે.
  અને જો આપણા લેખકો એવી ફરિયાદ કરે કે પુસ્તકો નુ વેચણ વધતુ નથી તો પછી internet ઉપર online library શરુ કરી શકો. જેથી કરી ને લોકો ને પણ સહેલાઇથી પુસ્તક પ્રાપ્ત થયી શકે. અને ના ફક્ત ભારત પણ આખા જગત મા તે પ્રાપ્ત થઈ શકે.

 5. Rajni says:

  Thanks for expressing everybody’s ideas. Identifying the problem is essential first step. The second step is to find proper solution. And third step is implementation, like encouragement to read. As we all know kids as well as younger generation do not take advce, they follow us. If we watch TV and do not read they will do the same. We have to eep control on ourselves. No matter what, we all must start reading inspirational -good books everyday for half an hour or more. If we want to change the world, it must start with ourself. When there is a will, there is a way. And it is true that God helps those who help themsenves.

 6. sudhakar hathi says:

  firstly parents must read books then our childrens will startreading every house must have one library

 7. pragnaju says:

  ખૂબ સરસ તાર્કીક રીતે લખાયલો લેખ-“એકવાર પુસ્તકોની દુનિયામાં પાછા ફરવું પડશે. પુસ્તક સિવાય કોઈ આપણને સંપૂર્ણ મનુષ્ય નહીં બનાવે, સર્વાંગી વિકાસ નહીં સાધે અને સ્વસ્થ સમાજનું ઘડતર પુસ્તક વગર શક્ય જ નથી. ટી.વી. કે કોમ્પ્યુટર પુસ્તકનો વિકલ્પ કદી ના બની શકે એ આપણે સમજવું પડશે અને આપણાં વિદ્યાર્થીને પણ સમજાવવું પડશે.”સાચી વાત

 8. rajni Gohil says:

  વાચનનું સુખ ઘણાં પુસ્તકોથી નહિ પણ ઘણા વાચનથી જ પ્રાપ્ત થાય છે. નિત્ય નિયમપૂર્વક પ્રાર્થનાની જેટલી જરૂર છે તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની ખાસ જરૂર છે. – મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)

  This quotation is appropriate for MS Sharifa Vijliwala’s article.

 9. Kamakshi says:

  પ્રથમ તો માતાપિતાએ જ વાંચનની ટેવ પાડવી જોઈએ. જો આમ થાય તો બાળકોન વાંચન પ્રવ્રુત્તિ તરફ સરળતાથી વાળી શકાય. ટી.વી. જોઈ જોઈને આજકાલ બધાની વિચારવાની ક્ષમતા પણ કુંઠિત થઈ ગઈ છે.

 10. kaushik dixit says:

  ગુજરાતી ભાષાની અવનતિ અવશ્ય ચિંતિત કરે છે. પ્રસ્તુત લેખમાં આ સમસ્યા વધુ સારી રીતે રજુ થઈ છે. સાહિત્ય સાથે સંકળાએલા ન હોય તેઓ પણ સમસ્યાથી અવગત તો છે જ. ઉકેલ સુચવતા લેખો વાંચવામાં આવતા નથી. ઉકેલ સાહિત્યકારો આપશે કે સમાજશાસ્ત્રીઓ કે કેળવણીકારો? કોના કાર્યક્ષેત્રમાં આવે છે તેનો ઉકેલ? કે પછી (કોઇ પણસમસ્યાને વધારે ગૂચવતી) સરકાર?
  જે ચિંતિત છે, તેણે વર્ષગાંઠની ભેટ રુપે પુસ્તકો આપવાનું શરુ કરવું. ચલચિત્રની સી.ડી. કે ડીવીડીની વિનંતિ કે અન્ય વિનંતિ ને વશ થવાનો લોભ જતો કરવો. પુસ્તક વિમોચના કે સાહિત્યગોષ્ઠીના કાર્યક્રમોમાં સહ કુટૂંબ જવું-ટીવી સીરિયલના એપિસોડના ભોગે હોય તો પણ. બાળકો ને બન ત્યાં સુધી ચિત્રવર્તાઓ ના રવાડે ના ચડાવવા. શિષ્ટવાંચનના બે-ત્રણ મેગેઝીનનું લવાજમ ભરવું. ના વંચાય તો ધીરજ ધરવી. રુતુ આવશે ત્યારે જ ફળ પાકશે! હોસ્ટેલમાં રહેતા સંતાનો-ફૉન-ઇ-મેઇલથી સંપર્કમાં હોય છતાં
  પત્ર વ્યવ્હાર કરવો. બહુ મોટા પાયે આ સમસ્યાનું નિરાકરણ કદાચ સંભવ નથી, પણ આપણને લાગે વળગે છે તે વર્તૂળમાં ન ઉકલી શકે તેવી જટીલ પણ, આ સમસ્યા નથી.

 11. nayan panchal says:

  આજનો વિદ્યાર્થી તો માત્ર પરીક્ષાર્થી બની ગયો છે.

  સૌથી પહેલા તો વાલીઓને સુધરવાની જરૂર છે. નાના બાળકોમાં વાંચનનો રસ કેવી રીતે કેળવી શકાય તે તો “વાંચનશિબિરની મુલાકાતે” લેખ દ્વારા મૃગેશભાઈએ જણાવી દીધુ છે.

  હા, મોટેરાઓમાં તે રસ કેવી રીતે જાગૃત કરી શકાય તે નથી ખબર. કદાચ ક્રિકેટરોને, સિનેસ્ટારોને વાંચતા દેખાડવામાં આવે તો આશા ખરી. મહિલાઓને વાંચતી કરવી હોય તો સિરીયલોમાં તુલસી અને પાર્વતીને વાંચતી દેખાડી દો, બીજા દિવસથી ખાસ કરીને ગુજરાતી બહેનો તો વાંચતા થઈ જ જશે. 😀

  ાન્ય માધ્યમો પુસ્તકોને compliment કરે છે. અંતે તો સારા નરસાનુ ભાન તો આપણે જ કેળવવુ પડે અને તેની કેળવણી માટે સારુ વાંચન જરૂરી છે. એક સારુ પુસ્તક વાંચતી વખતે કેટકેટલા મનોપ્રદેશોની મુલાકાત લઈ શકાય…

  નરેન્દ્ર ભાઈની ભાષામાં કહીએ તો આપણે વાંચનને એક mass movement બનાવવાની જરૂર છે. આપણે એક જણને વાંચતો કરીશુ તો તે બીજાને વાંચતો કરશે જ. રીડગુજરાતી આનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

  અમુક પ્રસંગ પર જે તે વ્યકિતના રસના વિષયનુ પુસ્તક ગિફ્ટ આપીએ, મેગેઝિનનુ લવાજમ પણ ભેટ આપી શકાય.

  શરીફાબેનનો આભાર.

  નયન

 12. Niraj says:

  Good article. Read anything and everything in any language you like. Language doesn’t matter. I felt that reading non-academic things had helped me to perform better in academics and life. Keep reading.
  The basic problem I can feel is lack of sense about “what to read” rather than not to read. So, spread good reading material to people.

 13. Nilesh says:

  We have reverse problem with my children. They have turned out to be voracious readers – sometime me and my wife have to tell them to stop reading.

  The habit of reading comes through parents and how we as parents communicate joy and importance of reading from young age. We used to bring our children to library from very young age and that has helped to cultivate the habit of reading from very young age.

  I really pity those people whose home is full with noise of StarTV, ZeeTV, SonyTV and all those rubbish non-sensical Soap opera throughout the evening.

  If that’s what children is exposed from young age, that’s what they are going to enjoy when they grow up.

 14. mahiman says:

  ભઐ ગ મે હો

 15. deepak says:

  good,
  but we have to accept trend. go for science/tech issues. it’s difficult to reverse.

 16. Rajdeepsinh jadeja says:

  good
  but હવે કોમ્પુટર નો જમાનો ભૈ.

 17. Rita Trivedi says:

  I was in US for 10 years and have seen children reading much more compared to our kids in India, especially in Gujarat. It is a combined effort of school, government and parents. For example, the sate government chooses 10 good books every year for each age group. These books are provided to all the public schools and children are required to read those as a part of their education. They also arrange the inter school quiz competition based on these books to encourage students.

  I am just trying to give an example how the state and education board can help on this issue, if they are serious about making “reading a mass movement”.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.