લીલી નજર – મકરન્દ દવે

ગોંડલથી ઉગમણી દિશામાં ગામથી ત્રણેક માઈલ દૂર ડૉકટર ખંઢેરિયાની વાડી. વાડીની પૂર્વ બાજુ એક વહેળો. વહેળાને સામે કાંઠે ભેરવની મૂર્તિ અને આસપાસ પડતર જમીન. ઝાડનાં થોડાં ઠૂંઠાં ત્યાં વાવેલાં હતાં. વહેળામાંથી ઘડો ભરી ભરીને તેને પાણી પાતો એક ડોસો જોવામાં આવતો હતો, પણ વહેળાનાં પાણી ખૂટ્યાં. એક દિવસ ડોસો ધીમે ધીમે ભેખડ ચડતો ડૉકટરની વાડી તરફ આવ્યો. ઉંમર એંસીની પાળી વટાવી ગયેલી. કમરેથી વાંકો વળેલો ને ફાટ્યાંતૂટ્યાં લૂગડાંવાળો ડોસો ડૉકટરની વાડી પાસે આવ્યો. ડૉકટર ત્યારે વડની ઘેરી ઘટા નીચે કૂવા પાસે ઊભા હતા. ડોસાએ હાથનું નેજવું કરી જોતાં દૂરથી પૂછયું : ‘બાપા, આ કૂવામાંથી બે-ચાર ઘડા પાણી ભરી લઉં ?’

કાયાને ચાબુક મારી ચલાવતા આ વૃદ્ધ સામે ડૉકટર જોઈ રહ્યા. તેમણે કહ્યું : ‘ભાઈ, આ કૂવો ભર્યો છે, આ મસ મોટી કૂંડી ભરી છે, એમાં બાપા, પૂછવાનું હોય ? તમતમારે ભરી લ્યો ને ! પણ એ પાણીનું કરશો શું ?”

ડોસો નજીક આવ્યો. મલકીને બોલ્યો :
‘બાપા, પૂછયા વિના લઉં તો ચોરી કહેવાય. એટલે પૂછવું તો જોવેને? આ ચારેક ઘડા પાણી તો મારે ઝાડવાંને પાવા જોઈએ છે. જુઓ, સામે ચાર-પાંચ ઠૂંઠાં રોપ્યા છે ને, ઈ પાંગરી ગયાં છે. જો એને આ ઉનાળો ટોઉં તો ચોમાસા ભેળા થઈ જાય, પછે ફકર નહિ.’
‘પણ બાપા, ઠેઠ ગોંડલથી આવી આ દોઢ ગાઉ છેટે ઝાડવાં વાવવાનો અરથ શું ?’ ડૉકટરે પૂછયું.
‘ભાઈ, જુઓ છો ને ! આ સામું ગામ દેખાય ત્યાં દોઢ ગાઉ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી એટલે મારું મન અહીં ઠર્યું. એટલે મેં ઝાડવાં વાવ્યાં.’
‘શું કામ ?’
‘ભાઈ, ઈયે કહી દઉં, પૂછો છો તે. મારો એકનો એક જુવાન દીકરો માંદો પડીને ગુજરી ગયો. એનું કાંઈક સંભારણું ઊગે માટે વાવ્યાં છે. ઝાડવાં મોટાં થાશે, એનો છાંયો થાશે, એની નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે. પંખી માળા બાંધીને રે’ઠાણ કરશે અને ટેટા આવશે તે પંખીને આહાર મળશે. બીજું અમે ગરીબ માણસ શું બંધાવી શકીએ ? અમારાથી કાંઈ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે વાવતળાવ ગળાવી શકાય ? હાડ હાલે છે ત્યાં સુધી આ સંભારણું મૂકી જવા મે’નત કરીશ. પછી તો મારા રામની મરજી.’

જેનો કંધોતર ઊઠી ગયો છે એવો આ વૃદ્ધ નથી નિસાસા નાખતો, નથી ભાંગી પડ્યો કે નથી ભીખ માગતો. પોતાને હાથે એ નવીન જીવનની કૂંપળોને કોળતી કરવા મથી રહ્યો છે. ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી, પણ મોત સામે જોવાને બદલે એની આંખોમાં ઘટાળાં વૃક્ષો વસ્યાં છે. પંખી કિલકાર કરતાં ઊડી રહ્યાં છે. ડૉકટરથી અનાયાસ હાથ જોડાઈ ગયા. તેમણે કહ્યું :

‘બાપા, તમે હવે આ ઉંમરે પાણી સારો ઈ ઠીક નહિ. તમારાં ઝાડવાંની જવાબદારી મારી માથે.’ પછી વાડીના પાણોતિયાને હાક મારી બોલાવી કહ્યું : ‘સોમા, તું આ બાપાએ વાવેલાં ઝાડવાંને પાણી પાજે, ખામણાં સરખાં કરજે ને ધ્યાન રાખજે.’

વૃદ્ધની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. પછી સોમો ઊછરતાં થડિયાંને પાણી પાતો. વૃદ્ધ દિવસમાં એકવાર આવી ત્યાં બેસતા. ચોમાસા સુધી આવ્યા, પણ બીજે વરસે દેખાયા નહિ. ઝાડને ડાળીઓ ફૂટી, પણ ગોવાળના છોકરાએ થડને હલાવી હલાવીને ઉખેડી નાખ્યાં. વૃદ્ધનું સ્વપ્ન ફળ્યું નહિ, પણ ભેરવની એ જગ્યામાં આથમતા સૂરજનાં કિરણો પડે છે ત્યારે સ્મશાનને કાંઠેથી પણ લીલાછમ જીવનને જોતીએ અનામી વૃદ્ધની નજર નવો ઉજાસ પાથરી જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભદ્રંભદ્ર – રમણભાઈ નીલકંઠ
સમસ્યા એટલે શું ? – શાહબુદ્દિન રાઠોડ Next »   

15 પ્રતિભાવો : લીલી નજર – મકરન્દ દવે

 1. સુરેશ જાની says:

  ઘણી જ હૃદયદ્રાવક વાર્તા વાંચવા મળી. જો તે સાચી વાત હોય તો કહેવું પડે કે પુણ્ય પરવાર્યું નથી.
  સાચો ધર્મ આને જ કહી શકાય . બાકી બીજા બધાને હું તો સ્વાર્થી ધતિંગ જ ગણું.
  આવી પ્રેરણાદાયક સત્યકથાઓની આપણા સમાજને ઘણી જરુર છે.

 2. Kunal Parekh says:

  khub j laagnisabhar vaarta… saache j, jyaare pan koi sukarm paar padtu nathi chhataaye e sukarma ni paachhal rahelo umdaa vichaar e kaarya ni garaj saare chhe… prabhu kare ne e vruddh dosha jevu jivan jivavaano avsar male… baaki aa paisaa paachhal bhaagta farvaa waalu jivan to have bau thayu…

 3. It doesn’t matter whether the story is real or fictitious but, it’s heart throbbing one. Without doubt it expresses the ‘CAN DO’ spirit of a helpless person.

 4. nayan panchal says:

  “બીજું અમે ગરીબ માણસ શું બંધાવી શકીએ ? અમારાથી કાંઈ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે વાવતળાવ ગળાવી શકાય ? ”

  કોઇ પણ સારુ કામ નાનુ કે મોટુ નથી હોતું. ખૂબ જ પ્રેરણાત્મક લેખ. આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.