- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માનવતાનો દીપક – અનુ. કાંતા વોરા

[એડવોકેટ સુનેત્રા વૈદનો એક સ્વાનુભવ – સત્ય ઘટના – ‘કપોળ સમાજ દર્પણ’ સામાયિકમાંથી સાભાર]

તે દિવસે હું ઑફિસમાં નવરી જ બેઠી હતી. કામમાં કંઈ મન લાગતું ન હતું. જિંદગીમાં અનુભવેલા માનવ સ્વભાવના જુદા જુદા પાસાનો વિચાર કરતી બેઠી હતી ત્યાં જ એક સાઠેક વર્ષની આસપાસનાં વૃદ્ધ ગૃહસ્થ અને બાવીસેક વર્ષની એક છોકરી દરવાજામાં દેખાયા. મને લાગ્યું કે બાપ-દીકરી હશે.
‘મેડમ, અંદર આવું કે ?’ ગૃહસ્થે પૂછ્યું.
‘આવો, બેસો.’ મેં બંનેને અંદર બોલાવ્યા. ગૃહસ્થ પોતે ખુરશી પર બેઠા અને બાજુની ખુરશી બતાવી કહ્યું, બેસ, ઉષા !’ છોકરી થોડી ગભરાતી ગભરાતી બાજુમાં ખુરશીમાં બેઠી.
‘શું નામ તમારું ? કહો, શું કામ છે ?’ નિયમ પ્રમાણે મેં પૂછ્યું.
‘મારું નામ મનોહર દેશપાંડે. અમારે છૂટાછેડા લેવા છે.’
‘અમારે ? એટલે કોને ?’ મેં આશ્ચર્યથી પૂછ્યું. કારણ કે ગૃહસ્થની ઉંમર સાઠની આસપાસ લાગતી હતી. બધું પરવારીને બેઠેલ આ ઉંમરની વ્યક્તિ પોતાને છૂટાછેડા જોઈએ છે એવી વાત કરે તે નવાઈ જ કહેવાય ને ? અને આ છોકરીને જોઈએ છે તેમ કહેવા માટે ‘અમારે’ શબ્દ વાપરવાની શું જરૂર હોય ?

મારા પૂછવાનો ભાવાર્થ તેઓ સમજી ગયા હશે. તેમણે તરત જ કહ્યું, ‘મારે આ ઉષા સાથે છૂટાછેડા લેવા છે.’
‘અરે ! આ તમારી પત્ની છે ?’ આશ્ચર્યથી મારાથી બૂમ પડાઈ જાત પણ મારી તે ઈચ્છાને મહામુશ્કેલીએ મેં દબાવી રાખી.
‘હા’ તેમણે કહ્યું.
મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. સ્ત્રીઓએ કંઈ પણ સાંભળીને મનને જરા પણ વિચલિત થવા ન દેવું તે કળા હજી મારે માટે અસાધ્ય હતી. તેથી જ તેમણે આ કુમળી છોકરી સાથેનો કહેલો તેમનો સંબંધ મારું મન કેમેય સ્વીકારી શકતું ન હતું. વિચાર આવ્યો પુત્રી તો શું પોતાની પૌત્રી જેવડી લાગતી આ છોકરી સાથે લગ્ન કરતાં તેમને કંઈ શરમ નહીં આવી હોય ? સાઠે બુદ્ધિ નાઠી કે શું ? અને છોકરી પણ કેવી કે લગ્ન કરવા તૈયાર થઈ ! કે પછી સંપત્તિનો મોહ ! પરંતુ વૈભવનું કોઈ પણ ચિહ્ન ક્યાંય પણ દેખાતું ન હતું. ન તો છોકરીના શરીર પર કે ન તો ગૃહસ્થના શરીર પર. હાથમાં ફક્ત કાચની બંગડી, કાનમાં સાદા એરિંગ્ઝ અને ગળામાં દોરામાં પોરવેલ કાળાપારાનું મંગળસૂત્ર કે જેનો ત્યાગ કરવા તે અત્યારે તૈયાર થઈ હતી. મારા મનનું આશ્ચર્ય કેમેય ઓછું થતું ન હતું.
મેં તેમને પૂછ્યું : ‘ક્યારે થયા તમારા લગ્ન ?’
‘દોઢ વર્ષ થયું.’ મનોહર દેશપાંડેએ જવાબ આપ્યો.
‘કંઈ બાળકો ?’ મારો બીજો પ્રશ્ન.
‘એક છોકરો છે.’ પ્રશ્નોના જવાબ તે જ આપતાં હતાં. હજી સુધી ઉષા કંઈ જ બોલી ન હતી. સાડીના પાલવ સાથે ચાળા કરતી તે બેઠી હતી.
‘તમારે શા માટે છૂટાછેડા જોઈએ છે ?’
‘ખરું પૂછો તો આ હજી ખૂબ નાની છે, યોગ્ય વર સાથે તે સંસાર માંડી શકે તે જ મારી ઈચ્છા છે. છૂટાછેડા માટે જો આ કારણ ન ચાલી શકે તો તમે બીજું કોઈ પણ કારણ લખી શકો છો. ફક્ત ઉષાનું કંઈ પણ ખરાબ ન દેખાય, તે બદનામ ન થાય એટલે બસ.’

આશ્ચર્યનો બીજો ધક્કો લાગ્યો મને. આ ગૃહસ્થની વિવેકબુદ્ધિ આ છોકરી સાથે લગ્ન કરતી વખતે ક્યાં ગઈ હતી ? મેં તે તરૂણીને પૂછ્યું, ‘ઉષા ! તારે કંઈ કહેવું છે ?’
તેણે માથું હલાવી ના પાડી અને નીચે મોઢે જ જવાબ આપ્યો, ‘મારે તેમનાથી જુદું કહેવાનું બીજું કશું જ નથી.’ બધું જ વિચિત્ર લાગતું હતું. તે વૃદ્ધ સાથે લગ્ન કરતી વખતે છોકરી અજાણ તો નહીં જ હોય. તો પછી શા માટે તેણે આમ કર્યું ? શું કારણ હશે આ કજોડાં લગ્નનું ? કારણ જે હોય તે વકીલોએ તો અસીલની ઈચ્છા પ્રમાણે કેસ કરવો જ પડે. કારણ સાથે મારે કંઈ જ સંબંધ ન હતો પણ કુતૂહલ ખૂબ જ થતું હતું એ પણ ખરું જ. આવી જ રીતે કેસને લીધે આવતાં જતાં ઉષા મારી સાથે છૂટથી બોલવા લાગી, વચ્ચે વચ્ચે ક્યારેક છોકરાને લઈને આવતી. તેને લઈને એકાદ બે-વખત તો મારે ઘરે પણ આવી હતી. છોકરો એકદમ મા ઉપર પડ્યો હતો. બાપના દેખાવની જરા સરખી નિશાની પણ ન હતી. આમ જ એક વખત આવી ત્યારે અમે બંને એકલા જ હતા. તે જોઈ મેં કહ્યું : ‘ઉષા ! હજી એક વાતનો કોયડો ઉકલતો નથી.’
‘કયો કોયડો ?’
‘આ કજોડાં લગ્ન માટે તું તૈયાર જ કેવી રીતે થઈ ? અને આમ જોઈએ તો તારા પતિ પણ કેટલા સમજદાર દેખાય છે, તો પછી તેમણે પણ આવું શા માટે કર્યું ?’

થોડા વખત સુધી તે સ્તબ્ધ બની બેઠી રહી. ‘કહું ન કહું ?’ તેનાં મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હશે. મેં કહ્યું : ‘જો ઉષા ! તારી ભાવનાને દુ:ખ પહોંચાડવાનો મારો કોઈ જ ઈરાદો નથી. ન કહેવું હોય તો નહીં કહેતી.’
‘ખરેખર તો મારે આ બધું તમને પહેલેથી જ કહી દેવું જોઈતું હતું. કારણ વગર મનોહર કાકા બેઆબરૂ થયાં. તે સજ્જન માણસે મને બચાવવા માટે પાપ બધું પોતાને માથે લઈ લીધું.’
‘મનોહર કાકા ? કોણ મનોહર કાકા ?’
‘એ જ, અત્યારે મારા કહેવાતા પતિ.’
‘કહેવાતા એટલે ?’ મારા મગજમાં ગૂંચવણ વધતી જતી હતી.
‘બધું શરૂઆતથી કહું છું તમને.’ એક નિશ્વાસ નાખી તે બોલવા લાગી, ‘આ મનોહર કાકા એટલે મારા બાપુજીના મિત્ર અને એટલે અમારે ઘરે તેમનું આવવા જવાનું નિયમિત રહેતું. તેમની પત્નીને ગુજરી ગયે કેટલાય વર્ષ થયા હશે, ત્યારથી તેઓ વિધુર જ છે. હવે મારી વાત કરું. વચ્ચે વચ્ચે હું મારી માસીને ત્યાં રહેવા જતી અને ત્યાં મારી દિવાકર નામના એક યુવક સાથે મિત્રતા થઈ. અમે એકબીજા તરફ આકર્ષાયા. મોહની એક ક્ષણિક વેળાએ અમે ભૂલ કરી બેઠાં અને જ્યારે તેનાં પરિણામનો ખ્યાલ આવ્યો ત્યારે દિવાકર ગભરાયો અને પીઠ ફેરવી ગયો. માર મા-બાપને આ વાત ધ્યાનમાં આવતાં જ તે લોકોએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. મારા બાપે તો જાણે મને મારી નાખવાનું જ બાકી રાખ્યું હતું. મા તો બિચારી, છોકરી છે ભૂલ થઈ ગઈ…આપણી છોકરીનું આપણે નહીં ઢાંકીએ તો તેનું શું થશે ?… એમ કહી બાપને શાંત પાડવાનો પ્રયત્ન કરતી પણ પહેલેથી જ બાપુજી આગળ તેનું કંઈ ચાલ્યું જ ન હતું. આત્મહત્યા સિવાય મારે માટે કોઈ ઉપાય જ ન હતો.’

ઉષા થોડીવાર અટકી ગઈ. હું એક ધ્યાનથી સાંભળી રહી હતી. કંઈક નવીન જ સાંભળવા મળશે તેવું લાગતું હતું. તેણે ફરીથી વાત કહેવાનું ચાલુ કર્યું : ‘મારા માટે ફક્ત આત્મહત્યાનો રસ્તો જ ખુલ્લો હતો. પણ તે જ વખતે સાક્ષાત દેવ જેવા મનોહર કાકા મારી મદદે આવ્યા. તેમની સાથેનું સગપણ લોહીનું તો હતું જ નહીં ફક્ત પિતાના મિત્ર હોવાને લીધે અમે તેને કાકા કહેતાં હતાં એટલું જ.’
‘પણ એ જ તારા પતિ ?’
‘તે જ કહું છું ને તમને. તે ભગવાનના માણસે મારી સાથે લગ્ન કર્યાં. લોકનિંદા સહન કરી. મારા બાળકને ઔરસપણાનો સિક્કો લગાડવા માટે કદી સ્વપ્ને પણ ન વિચારેલું પાપ તેણે પોતાને માથે ઓઢી લીધું. મારો પગ લપસ્યો જાણી જન્મદાતા મા-બાપે મોઢું ફેરવી લીધું….’ બોલતાં બોલતાં તેનું ગળું ભરાઈ આવ્યું.

એક સામાન્ય માણસની અસામાન્ય માણસાઈ જોઈ મારું હૃદય પણ દ્રવી ઊઠ્યું : ‘હવે છૂટાછેડા લઈને તું શું કરીશ ?’ તે હસી, આંખમાં આંસુ અને હોઠ પર હાસ્ય સાથે તે બોલી, ‘ફક્ત લોકોમાં સૌભાગ્યવતી કહેવરાવવા માટે જ કાકાએ મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. મારી સાથે સંબંધ તો તેમણે દીકરી જેવો જ રાખ્યો હતો.’
‘શું….. ? તારી સાથે પતિ તરીકેનો સંબંધ તેમનો હતો જ નહીં ?’ મારાથી આશ્ચર્યથી પૂછાઈ ગયું.
‘ક્યારેય નહીં, મને બદનામીથી બચાવવા માટે જ લોકદષ્ટિએ તેમણે મને પત્નીપદ આપ્યું હતું એટલું જ. એક વખત પણ તે મહાન આત્માએ મારા શરીરને સ્પર્શ સુદ્ધાં કર્યો નથી. મારું ભલું થાય, ફરીથી મને સુખી સંસાર ભોગવવા મળે તે જ તેમની તીવ્ર ઈચ્છા હતી. આને માટે જ તેમણે સતત પ્રયત્ન કર્યા હતા.’

મનોહર દેશપાંડે માટેનો મારો આદર વધી ગયો. થતું હતું કે આ તો કોલસામાં છૂપાયેલો અસલી હીરો છે. મોઢેથી સમાજસેવાના બણગાં ફૂંકતા અને પોતાનો સ્વાર્થ સાધતા અનેક સમાજસેવકો જોયા હતાં, સાંભળ્યા હતાં પણ મૂંગે મોઢે કાર્ય કરનાર આ અતિ સામાન્ય માણસ કેવો મહાન હતો ? હૃદય કેટલું વિશાળ હતું તેનું !
‘પણ કાયદેસર છૂટાછેડા લીધા પછી તું કરીશ શું ? તારું ભવિષ્ય શું ? તારી આટલી ચિંતા કરવાવાળા મનોહરકાકાએ એ માટે કંઈક વિચાર્યું જ હશે ને ?’
‘હા. જે દિવાકરે ગભરાઈને મને તરછોડી દીધી હતી; તે જ આજે ખૂબ પસ્તાય છે. થયેલી ભૂલ સુધારી લેવાની તેની ખૂબ ઈચ્છા છે. પોતે પીઠ ફેરવી લીધી હતી તેને માટે તેને ખૂબ શરમ આવે છે. દિવાકરે જ પગે પડી માફી માગી અને આ વાત તેણે જ કાકાને કહી. પહેલાં તો તેના પર મને તિરસ્કાર જ આવ્યો. તેણે મને ફસાવી અને તે બદલ મારે જે યાતના ભોગવવી પડી તે હું કેમેય ભૂલી શકતી ન હતી. મને લાગ્યું કે તેને ખૂબ ધમકાવી નાખું…. પણ સાચા દિલનો પસ્તાવો જોઈને કાકાએ કહ્યું…..’ તે ફરીથી જરા અટકી ગઈ.
‘શું કહ્યું કાકાએ ?’
‘કાકાએ કહ્યું, પશ્ચાતાપથી માણસ પવિત્ર થાય છે. એકાદ વખત માણસથી ભૂલ થઈ જાય પણ તેને તે ભૂલ સુધારવાની તક આપવી જોઈએ. તારા ભવિષ્યની દષ્ટિએ જોઈએ તો પણ તે જ યોગ્ય છે. જા, ખુશીથી એની સાથે સંસાર માંડી સુખી થા…. કાકાના કહેવા પર તો મેં આગમાં પણ કૂદકો માર્યો હોત, જ્યારે આ તો મારું મનગમતું હતું….’

આગળ મને કંઈ સંભળાતું જ નહોતું. મારી આંખ સામે તો ફક્ત તે લોકવિલક્ષણ મનોહર દેશપાંડેની મૂર્તિ જ તરતી હતી.