- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કુદરતી સૌંદર્યનો ખજાનો : લક્ષદ્વીપ – હેતલ દવે

[‘સાંવરી સામાયિક’માંથી સાભાર.]

આજે તમને નવા સ્થળે લઈ જવાના છે. આપણા વિશાળ દેશમાં પ્રવાસ સ્થળોની કમી નથી એટલે પ્રશ્ન માત્ર પસંદગીનો જ છે. આજે ક્યાં જવું તે નક્કી કરવા નકશામાં જોયું તો કેરળની નજીકના દરિયામાં ટચુકડા ટાપુઓનો સમુદ્ર અચાનક જ નજરે પડ્યો. ભારતનો નકશો લઈને બેસો અને જો નામ લખેલ ન હોય તો લાખ પ્રયત્ને પણ નજરે ન પડે તેવા નાનકડા આ ટાપુઓના સમૂહને લક્ષદ્વીપ કહે છે. નામનો અર્થ તો થાય છે ‘લાખ ટાપુઓનો સમૂહ’ પણ લક્ષદ્વીપમાં કુલ ટાપુઓ 35 છે. આ ટચૂકડા ટાપુઓ 32 ચોરસ કિલોમીટરનું કુલ ક્ષેત્રફળ ધરાવે છે. 35 ટાપુઓમાંથી માત્ર 10 ટાપુઓમાં જ માનવ વસવાટ છે અને તે પણ કુલ 65,000 વ્યક્તિઓનો એટલે અહીં કુદરતનું નિર્ભેળ સામ્રાજ્ય છે. કેરળથી 300-400 કિ.મીના અંતરે દરિયામાં સ્થિત લક્ષદ્વીપના ટાપુઓ ભારતના કિનારા કરતાં માલદીવથી વધુ નજીક છે. આ ટાપુઓની કુલ વસતીન 93 ટકા મુસ્લિમ ધર્મ પાળે છે અને તેમની મુખ્ય ભાષા મલયાલી છે.

લક્ષદ્વીપ ટાપુઓ પરના માનવ વસવાટ અંગેની પ્રચલિત લોકવાયકા મુજબ કેરળના સુવિખ્યાત રાજા ચેરામન પેરૂમાલ મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને મક્કાની યાત્રા કરવા નીકળી પડ્યો તે પછી તેનાં સગાંસંબંધીઓએ તેને શોધીને પરત લઈ આવવા દરિયાઈ માર્ગે એક ટુકડી રવાના કરી હતી. આ શોધટુકડીનાં જહાજો આજના બંગરામ ટાપુ પાસે ક્ષતિગ્રસ્ત થયાં. આથી જહાજોને જેમતેમ રિપેર કરી આ શોધટુકડી કેરળ પરત આવી. જ્યાં તેમણે અહેવાલ આપ્યો કે આવા ટાપુઓનો સમૂહ દરિયામાં આવેલો છે. તત્પશ્ચાત આ ટાપુઓ પર વસવાટ કરવાની મંજૂરી દરિયાખેડુ શોધકોને આપવામાં આવી. આ વાતને ઐતિહાસિક સમર્થન ન મળતું હોવા છતાં ઈતિહાસકારો તેમાં તથ્ય હોવાનું સ્વીકારતા થયા છે.

ઈસુની બારમી સદીની આસપાસ આ ટાપુઓ પર કેરળની મૂળભૂમિ પરના કેન્નોરના અલી રાજાઓનું નિયંત્રણ સ્થપાયું હતું. સન 1525માં અહીં પોર્ટુગીઝોનું શાસન આવ્યું હતું અને ભારતમાં પોર્ટુગીઝ સત્તા નબળી પડતાં પુન: અલી રાજાઓએ આધિપત્ય જમાવ્યું હતું. સન 1783માં મૈસૂરના હૈદરઅલીએ અને તેના પછી તેના પુત્ર ટીપુ સુલતાનનો વાવટો લક્ષદ્વીપ પર ફરકતો હતો. સન 1908માં ટીપુને હરાવ્યા પછી લક્ષદ્વીપ અંગ્રેજોના તાબા હેઠળ આવ્યું. આજે લક્ષદ્વીપ ભારતીય સંઘમાં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો ધરાવે છે.

આટલી પ્રાથમિક જાણકારી મેળવ્યા પછી હવે લક્ષદ્વીપની સફર શરૂ કરીએ. જો તમે ઝડપી મોટરકાર, નીયોન લાઈટ્સની ઝાકઝમાળ અને અન્ય શહેરી સાહ્યબીની આશા રાખી લક્ષદ્વીપ જશો તો નિરાશા સિવાય બીજું કંઈ નહીં મળે. પણ કુદરતને નિર્ભેળ સ્વરૂપમાં માણવા તમામ ઈન્દ્રિયોને સતેજ રાખીને લક્ષદ્વીપ જશો તો જિંદગીભરનું સંભારણું સાથે લઈને આવશો. કારણ, અહીં હરિયાળી નાળિયેરીનાં ઝુંડ, ઘેરાયેલા સમુદ્રના પાણીથી બનેલા શાંત લગુન (સરોવર) અને ક્ષિતિજ સુધી વિસ્તરતા સૂર્યપ્રકાશથી તરબોળ સમુદ્રકિનારાઓ આવેલા છે. લક્ષદ્વીપના જે દસ ટાપુઓ પર માનવ વસવાટ છે તે પણ બહારી દુનિયાની અસરોથી અલિપ્ત રહી શક્યા છે એટલે અહીં નિસર્ગ બિલકુલ અણિશુદ્ધ પરિશુદ્ધ સ્વરૂપે માણવા મળે છે.

પણ લક્ષદ્વીપની ખરી મઝા જમીન પર નહીં પણ સમુદ્રમાં અને તે પણ સમુદ્રના પેટાળની સૃષ્ટિને માણવામાં છે. હા, હું વાત કરું છું ‘સ્કૂબા ડાઈવિંગની.’ ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર અંડરવૉટર ફોટોગ્રાફીનાં હેરતભર્યા દશ્યો તમે જોયાં હશે. આવી અદ્દભુત કુદરતને લાઈવ અને સદેહે માણવી હોય તો લક્ષદ્વીપ જઈ સ્કૂબા ડાઈવિંગ કરવું જ રહ્યું. લક્ષદ્વીપના સમુદ્રની શરૂઆત અને સરોવરોનો અંત આવે છે તે સ્થળે દરિયાના પેટાળમાં વીંટી આકારના કોરલ્સની વિશાળ કોલોની આવેલી છે. વિવિધ રંગો ધરાવતા આ કોરલ આપણા આશ્ચર્યનું પ્રથમ પગથિયું છે. આ કોરલ કોલોનીની નાની મોટી ગલીકુંચીઓમાંથી નીકળતી અને પાછી છુપાઈ જતી અનેક પ્રકારની રંગબેરંગી માછલીઓ કે જેના રંગનાં નામ પણ આપણને ખબર નથી તે આશ્ચર્યનું બીજું પગથિયું છે ! અહીં જોવા મળતી માછલીઓ પૈકી થોડાં નામ ગણાવું તો માન્ટા, વીયોપાર્ડ મોરી ઈલ્સ, એશિયન ડોલ્ફિન, બ્લેક શાર્ક, વ્હાઈટ ટીપ શાર્ક, ટાઈગર શાર્ક, યલો ફ્યુસ્તલ્યરી, ક્લોન ફિશ, સ્ટીન ગ્રે વગેરે વગેરે. આ ઉપરાંત અહીંના સમુદ્રમાં વિશાળ કાચબાઓ પણ વસે છે. આટલાં અદ્દભુત દશ્યો ઓછાં પડતાં હોય અને સાહસ જીગરમાં ઊભરાવા માંડ્યું હોય તો તમે વધુ આગળ જઈને બ્રિટિશરોએ ડુબાડેલ ‘પ્રિન્સેસ રોયલ’ નામના યુદ્ધ જહાજના અવશેષો પણ નિહાળી શકો છો. સમુદ્રના તળિયાની આ અદ્દભુત દુનિયાને માણવા સ્કૂબા ડાઈવિંગ આવડતું હોવું જોઈએ. ન આવડતું હોય તો પણ શીખવું હોય તો કડમત ટાપુ પરની ‘લકડીવ્સ’ નામની સંસ્થા કડમત અને બંગરામ આઈલેન્ડ રિસોર્ટ ખાતે સ્કૂબા ડાઈવિંગના વિવિધ કોર્સ ચલાવે છે.

તમને થશે કે વેકેશન માણવામાં પાછું આ સ્કૂબા ડાઈવિંગ ક્યાં શીખવું ? કંઈ વાંધો નહીં, લક્ષદ્વીપના પ્રદૂષણવિહીન વાતાવરણમાં સમુદ્રનું પાણી એટલું સ્વચ્છ છે કે તેના પેટાળમાં તમારી નજર પહોંચે ત્યાં સુધીની જીવસૃષ્ટિ સ્પષ્ટ દેખાય છે. એટલે સ્કૂબા ડાઈવિંગ ન કરો તો પણ અદ્દભુત સામુદ્રિક જીવસૃષ્ટિ માણવામાંથી વંચિત રહેશો નહીં. આવા અદ્દભુત સૌંદર્યને કેમેરામાં કંડારનાર એક વિખ્યાત ફોટોગ્રાફરના શબ્દોમાં કહું તો ‘લક્ષદ્વીપની સુંદરતા ક્યારેય શબ્દોથી સંપૂર્ણપણે વર્ણવી શકાય તેમ નથી કે ફિલ્મમાં મઢી શકાય તેમ નથી. તમારે એક વાર તો લક્ષદ્વીપ જવું જ રહ્યું. તેમ કરવાથી તમને સંપૂર્ણ એકાંતમાં કુદરત સાથે તાદાત્મ્ય સાધવાની તક મળશે. મારું માનો તો લક્ષદ્વીપનો પ્રવાસ તમારી જિંદગીનો શ્રેષ્ઠ પ્રવાસ બની રહેશે.’

લક્ષદ્વીપનું પ્રમુખ આકર્ષણ તે દરિયો. હર પળે બદલાતા કલેવરવાળો આ સમુદ્ર જે રંગો ધારણ કરે છે તેને નામની મર્યાદામાં બાંધવું એ મુશ્કેલ કામ છે. નીલ ભૂરો, લીલો, ગ્રે…. કંઈ કેટલાય જુદા જુદા શેડમાં લક્ષદ્વીપનો સમુદ્ર ઉપલબ્ધ છે. તમે આ રંગોની ભૂલભૂલૈયામાં ક્યાંય ખોવાઈ જશો. આ અદ્દભુત સમુદ્રના પૂરા નહીં થતા બીચની શ્વેત રેતીમાં તમે ચાહો તો દોડો, ઊભા રહી જાવ, ચાલો કે રાત ઢળે ત્યારે ચત્તાપાટ સૂઈને તારલિયાનું ટીમટીમ અજવાળું નિહાળો, બસ મઝા પડી જાય છે. મૂડ થાય તો દોડીને સમુદ્રમાં ઝંપલાવો અને સ્કૂબા ડાઈવિંગથી ખૂલી જતી પેટાળની દુનિયાની તો બાત ક્યા કહની ? સમુદ્રના પેટાળમાં વિહરતી સ્ટારફિશ કે ડોલ્ફિન તમને સ્કૂબા ડાઈવિંગનું નિમંત્રણ આપતી રહે છે. તો બીજી બાજુ ટાપુ પરની હરિયાળી તમને તેના તરફ આકર્ષિત કર્યા વગર રહેતી નથી. સમુદ્ર કિનારે ફૂંકાતી હવામાં લહેરાતાં તાડ અને નાળિયેરીનાં પર્ણો અને તે ઓછાં હોય તેમ પાઈન બેડકૂટ અને કેઝયુરીનાનાં વૃક્ષોની ભરમાર લક્ષદ્વીપના ટાપુઓને અનેરું સૌંદર્ય બક્ષે છે. આ અદ્દભુત સીનમાં દીવાદાંડી જુદું જ મેજિક ઉમેરે છે. દીવાદાંડીની ટોચે ઊભા રહી બાયનોક્યુલર વગર પણ કુદરતના આ નિર્ભેળ સૌંદર્યને આત્મસાત કરી શકાય છે. ચોતરફની હરિયાળી વચ્ચે ક્યાંક ખુલ્લી જમીન દેખાય તો ચોક્કસ સમજો કે ત્યાં નાનકડું ઘર હશે અને બીજી બાજુ ક્ષિતિજો તરફ આંખ માંડી જુઓ ને જુઓ ત્યાં ગગનમાં ભળી જાય દરિયો ! અને દરિયો પણ કેવો ? અતિ સ્વચ્છ ! તમે કિનારે ઊભા ઊભા પરવાળાં નિહાળી શકો એટલું ચોખ્ખું પાણી લક્ષદ્વીપનો દરિયો ધરાવે છે. સમુદ્રના આવા અદ્દભુત સૌંદર્યને માણવા તમને સ્કૂબા ડાઈવિંગ કરવાની ઈચ્છા ન થાય તો ચોક્કસ જાણજો કે તમારામાં કશુંક ખૂટે છે. મનની ઈચ્છાઓને પ્લીઝ દબાવશો નહીં. ડાઈવિંગ શીખીને બસ ઝંપલાવી દો. કારણ, લક્ષદ્વીપના સમુદ્રની ભીતર ડોકિયું કરવાનું ચૂકવા જેવું નથી.

આવા અદ્દભુત સૌંદર્યધામ લક્ષદ્વીપના બધા ટાપુઓ પર પ્રવાસીઓને જવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ ટાપુઓની સંસ્કૃતિ પરંપરા અને સૌથી મહત્વની વાત તો એ કે આ ટાપુઓ સ્વયં એટલા નાજુક છે કે તેમને યથાવત જાળવી રાખવા માટે શક્ય તેટલા વધુ પ્રતિબંધો મૂકવા જરૂરી છે. આથી હજુ લક્ષદ્વીપમાં ધંધાદારી ટુરિઝમનો પગપેસારો થયો નથી. કદાચ એટલે જ લક્ષદ્વીપનું સૌંદર્ય ટકી રહ્યું છે. લક્ષદ્વીપ જવાની ઈચ્છાનો અંકુર મનમાં ફૂટવા માંડ્યો હોય તો કઈ રીતે પહોંચવું તે જણાવીને માહિતી આપવાની શરૂઆત કરું, પણ તે પહેલાં એક વાત સ્પષ્ટ કરી દઉં કે લક્ષદ્વીપમાં જવા ઈચ્છતા તમામે લક્ષદ્વીપ પ્રશાસન પાસેથી એન્ટ્રી પરમીટ મેળવવી ફરજિયાત છે. ભારતીય પ્રવાસીઓ કાવસ્તી, કાલ્પેની, મીનીકોય અને કડમત ટાપુ પર જઈ શકે છે. આ ટાપુઓ માટેની એન્ટ્રી પરમીટ મેળવવા પાસપોર્ટની વિગતો રજૂ કરવી પડે છે. લક્ષદ્વીપની સફર માટે ટ્રાવેલ એજન્સી કે રાજ્યના ટુરિઝમ ખાતા મારફત વ્યવસ્થા ગોઠવવી સલાહભરી છે. કારણ, તેમ થતાં ટ્રાવેલ પરમીટ, નિવાસ અને આહારની વ્યવસ્થા થઈ શકશે, જે અન્યથા સરળ નથી. હવાઈ માર્ગે લક્ષદ્વીપ જવું હોય તો કોચીનથી અગાત્રી ટાપુ સુધી (જે એકમાત્ર એરપોર્ટ ધરાવે છે) અઠવાડિયામાં છ દિવસ ઈન્ડિયન એરલાઈન્સની ઉડ્ડયન સેવા ઉપલબ્ધ છે. અગાત્રી ટાપુથી કાવસ્તી પહોંચવા દરિયાઈ મુસાફરી કરવી પડે છે. પરંતુ જો થોડો વધુ સમય હોય તો 14 થી 20 કલાકમાં લક્ષદ્વીપ પહોંચાડતાં પેસેન્જર જહાજો દ્વારા દરિયાઈ મુસાફરી કરવા જેવી છે. કોચીનથી ‘એમવી ટીપુ સુલતાન’, ‘એમવી ભારતસીમા’, ‘એમવી અમીનદીવી’ અને ‘એમવી મીનીકોય’ નામનાં પેસેન્જરશીપ જુદા જુદા પ્રકારની સગવડો-કિંમત ઑફર કરે છે.

હવે પ્રવાસીઓ જઈ શકે છે તેવા ટાપુઓની મુલાકાત લઈએ :

કાવસ્તી :
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું મુખ્ય મથક કાવસ્તીમાં છે. તે લક્ષદ્વીપના 35 ટાપુઓ પૈકી સૌથી વિકસિત છે. અહીં સૌથી સુંદર ઊર્જા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદમાંની લાકડાની કોતરણી અદ્દભુત છે. મસ્જિદ પરિસરમાં આવેલ કૂવાનું પાણી રોગમુક્તિની શક્તિ ધરાવતું હોવાનું માનવમાં આવે છે. કાવસ્તીમાં નિવાસ સ્થાન : ગવર્નમેન્ટ હાઉસ એનેક્ષી (ફોન : 04896-262023), લક્ષદ્વીપ સ્ટેટ ગેસ્ટ હાઉસ (ફોન : 04896-262334), રેસ્ટ હાઉસ (ફોન : 04896-26179) તથા ડાક બંગલા (ફોન : 04896-262319)માં થઈ શકે છે.

અગાત્રી :
સમગ્ર દ્વીપ સમૂહમાં એકમાત્ર એરપોર્ટ અગાત્રી ટાપુ પર આવેલું છે. એટલે હવાઈ માર્ગે જનાર માટે તે લક્ષદ્વીપનું પ્રવેશદ્વાર છે. અગાત્રી ખાતે સમગ્ર લક્ષદ્વીપનું સર્વશ્રેષ્ઠ લગૂન (સરોવર) આવેલું છે. અહીં 20 વ્યક્તિઓ માટે નિવાસ સ્થાન ધરાવતું ટુરિસ્ટ કોમ્પલેક્સ બનાવાયું છે. અહીં રહેવા માટે : ડાક બંગલા (ફોન : 04894-242255)માં પણ વ્યવસ્થા થઈ શકે છે.

કાલ્પેની :
કાલ્પેની નજીકમાં જ ત્રણ નાના વસતીવિહોણા ટાપુઓ આવેલા છે. જેની ચોતરફ અતિસુંદર લગૂનનું પાણી છવાયેલું છે. આછા વળાંકવાળા કિનારે સ્થિત કુમેલ ખાતે પ્રવાસી સુવિધાઓ સ્થપાઈ છે. તેની બરોબર સામે પીટ્ટી અને ચિલક્કમ ટાપુઓ આવેલા છે. તમે અહીંના સ્વચ્છ પાણીમાં તરવા ઉપરાંત સ્નોરકેબીમાં ક્યાકીંગ કે સેઈલબોટમાં સવારી કરી શકો છો. અહીં નિવાસ માટે : ડાક બંગલા (ફોન : 04895-252245)માં વ્યવસ્થા ઉપલબ્ધ છે.

મીનીકોય :
કાવસ્તીથી સૌથી દૂર દક્ષિણે 200 કિ.મી.ના અંતરે અને માલદીવની વધુ નજીક એવા મીનીકોય ટાપુની સંસ્કૃતિ અન્ય તમામ ટાપુઓથી જુદી પડે છે. મીનીકોયમાં અથિરીટના નામે ઓળખાતાં 10 ગામડાં આવેલાં છે, જેનું નિયંત્રણ મુપાન કરે છે. મીનીકોયની દીવાદાંડી પણ જોવા જેવી છે. અહીં નિવાસ માટે : ડાકબંગલા (ફોન : 04892-22258) તથા ડાક બેલાના વીઆઈપી રૂમ્સ (ફોન : 04892-222653)માં વ્યવસ્થા થઈ શકે છે.

કડમત :
એકસરખી ઊંચાઈ ધરાવતો અને દિશાઓ સુધી લંબાતો કિનારો કડમતને પ્રવાસીઓનું સ્વર્ગ બનાવે છે. આ ટાપુની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ લગૂન આવેલાં છે. અહીં સ્કૂબા ડાઈવિંગની તાલીમ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડમતની આજુબાજુનો સમુદ્ર સ્કૂબા ડાઈવિંગ માટે આદર્શ ગણાય છે. અહીં જુદાં જુદાં છ સ્થળે સ્કૂબા ડાઈવિંગ થઈ શકે છે.

[ ફોટો સૌજન્ય : http://picasaweb.google.com/tejasyshah/Lakshadweep# ]