ભારતીય સંસ્કૃતિ – શાહબુદ્દીન રાઠોડ

[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

‘ભારતીય સંસ્કૃતિએ જીવનના ચાર ઉદ્દેશો દર્શાવ્યા છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાં અર્થ અને કામમાં પ્રારબ્ધ મહત્વનો ભાગ ભજવે છે. ધર્મ અને મોક્ષ માટે માનવીએ પુરુષાર્થ કરવો પડે છે. ધર્મની મર્યાદામાં રહી અર્થનું ઉપાર્જન કરવાનું છે અને મોક્ષને લક્ષ્યમાં રાખી કામનો ઉપયોગ કરવાનો છે. કામની આ દેશે અવગણના નથી કરી. કામને દેવ તરીકે સ્થાપવામાં આવ્યું છે.’

વારિયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નમાં તાજા પરણેલા યુવક-યુવતીઓ માટે મારે કંઈક પ્રેરણાદાયી પ્રવચન આપવાનું હોવાથી મેં ઉપર મુજબ રજૂઆત કરી અને થોડી શિખામણ પણ આપી. ‘ઘસાઈને ઉજળાં થવામાં જીવનની સાર્થકતા છે. સદાચારના બંધનમાં મુક્તિ સમાયેલી છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમસ્યા નથી હોતી.’ પરણ્યા પછી પતિ એટલું નક્કી કરે કે, ‘હું પત્નીને સુખી કરીશ અને પત્ની નક્કી કરે કે હું પતિને સુખી કરીશ તો બંનેમાંથી કોઈ દુ:ખી નહીં થાય.’ હું સમજતો હતો કે શિખામણનો કંઈ અર્થ નથી એટલે મેં હળવી મજાક કરી. મેં કહ્યું, પરણ્યા પછી ઘણાં યુવાનો ભાવાવેશમાં આવી જાય છે, એમનાં હૈયાં પ્રેમથી ભરાઈ જાય છે અને ભોળાભાવે પરણ્યા પછી આઠ દિવસમાં જ વહુઘેલા પતિઓ પત્ની સમક્ષ કહેવા માંડે છે : ‘પ્રિયે, મને બધી ખબર છે. હું બરાબર સમજું છું. હું તારે લાયક નથી.’ મેં કહ્યું : ‘આવું કદીયે ન કહેશો. થોડી સરપ્રાઈઝ તેના માટે પણ રહેવા દેજો, સમજદાર પત્ની એની મેળે સમજી જશે. આથી ઊલટું, એક યુવાને તેની પત્નીને પરણ્યાના દસેક દિવસ પછી કહ્યું :
‘પ્રિયે, હવે તને વાંધો ન હોય તો હું તને તારા અવગુણ બતાવું ?’
પત્ની કહે : ‘હું મારા અવગુણ બરાબર જાણું છું એટલે તો મારું ક્યાંય સારે ઠેકાણે સગપણ ન થયું.’

મારા મિત્ર ચતુરને નહોતી ગૃહસ્થાશ્રમની સમજણ કે નહોતું લગ્નજીવનનું વિશેષ મહત્વ. ચતુરને મન પત્નીનું આટલું જ મહત્વ હતું. ચતુર કહેતો : ‘માનો કે કોઈ વાર એમ થાય કે અર્ધી રાતે સુખડી અને ભજિયાં ખાવાં છે તો ઘરના માણહને એમ કહી શકાય કે સાંભળ્યું ? સુખડી હારે ભજિયાં ખાવાની ઈચ્છા થઈ છે… પત્ની તરત ઊઠે. ચૂલો સળગાવે. લોટ, ગોળ, ઘી કબાટમાંથી બહાર કાઢે. આપણે બટેટાની પતરી તૈયાર કરી દઈએ. આદું, કોથમીર, મરચાં અને લસણ થાળીમાં મૂકી થાય એટલી મદદ કરીએ. સુખડી તૈયાર થતી જાય, ભજિયાં તળાતાં જાય, હસી-મજાકની વાતું થાતી જાય અને બધું તૈયાર થઈ ગયા પછીનું મનોહર ચિત્ર ચતુર રજૂ કરતો…. ‘એ મને પ્રેમથી ખવરાવતી હોય અને હું એને….’ આટલું કહેતાં એ જણ જેવો જણ નવોઢા નારીની જેમ શરમાઈ જતો.

ઘણાં માણસોની અડધી જિંદગી ભોજનમાં અને કાં તો ભોજનની વાતોમાં પસાર થઈ જાય છે. એમની વાતમાં ચોથા કે પાંચમાં વાક્યે ભોજનની વાત આવે. જેમ કલાકારો કે અમુક સંતોની વાતમાં વિદેશ પ્રવાસનો ઉલ્લેખ આવે તેમ. જે આનંદમાં શરીરની જ્ઞાનેન્દ્રિયો સંલગ્ન હોય એ નિમ્ન કક્ષાના આનંદ છે. ભોજનની વાત સાંભળીને કાનને આનંદ થાય. ભોજનનો થાળ નિરખી નયનો પ્રસન્નતા અનુભવે, સુગંધથી નાકને ખુશીનો અનુભવ થાય, સ્વાદથી જીભને મોજ આવે અને મોદકનો સ્પર્શ થતાં જ શરીર રોમાંચ અનુભવે. મન જ્ઞાનેન્દ્રિયો દ્વારા આ બધાનો આ સ્વાદ માણે છે. શરીર સંલગ્ન ન હોય પણ માત્ર મન પ્રસન્નતા અનુભવે એ મધ્યમ પ્રકારનો આનંદ છે. ઉત્તમ વિચારોનો આનંદ. સત્સંગની સુખદ સ્મૃતિની યાદ આવતાં થતો આનંદ. જ્યારે શ્રેષ્ઠ આનંદ એ છે જેમાં શરીર, મન, હૃદય અને આત્મા ચારેય પ્રસન્નતા અનુભવે. જોકે માનવી સુખ અને દુ:ખ બંનેની અસારતા સમજી બંનેથી પર થઈ જાય છે ત્યારે એ આનંદની ભૂમિકાએ પહોંચી શકે છે. આવા આનંદનું આયોજન ન થઈ શકે. એ આપોઆપ સર્જાય છે. You can not cultivate the joy it happens. ઉત્તમ આનંદની એ જ પરખ છે તેનાથી બીજો કોઈ આનંદ ઓછો નથી થતો. જે આનંદનું વળતર બહુ ઓછું ચૂકવવું પડે તે ઉત્તમ આનંદ છે.

મારા મિત્ર ચતુરની ખાધે રાડ્ય હોવાથી એનું ક્યાંય સારા ઠેકાણે સગપણ જ ન થયું. મહા મહેનતે માંડ માંડ અમારા ગોર મહારાજ દલપતરામ જોષીએ સતાપરના સવજી કાનજીની દીકરી સમજુ હારે ચતુરનું લાકડે માકડું વળગાડી દીધું. અમે માગ્યા ઘરના લુગડે વરરાજા ચતુરને શણગાર્યો, ગામમાંથી ઉછીના પૈસા લઈ પરશુરામ પોટરીના ખટારામાં જાન લઈ સતાપર પહોંચ્યા બપોરના, પણ વેવાઈ સવજીભાઈએ બપોરના ટંકની બોલી નથી. આમ જણાવી ભોજનની કોઈ વ્યવસ્થા ન કરી. એ તો ઘરડાં ગાડાવાળે એ કહેવત કાંતિકાકા અને મનોહરમામાએ સાચી પાડી. બંનેએ અમને દસ દસ રૂપિયા આપ્યા અને અમે ગામની બે-ત્રણ કંદોઈની દુકાનેથી ચારેક દિવસ પહેલાં બનાવેલા મોતીચૂર લાડવા અને બે દિવસ પહેલાંના ગાંઠિયા ખરીદ્યા. સાથે ડુંગળી લીધી અને ગોળ લીધો. ગાંઠિયા, ડુંગળી, ગોળ અને મોતીચૂરના ભોજનનો પ્રબંધ કરી અમે ઉતારે આવ્યા. ફળિયામાં પછેડીઓ પાથરવામાં આવી અને એના પર ગાંઠિયા વેરી દેવામાં આવ્યા, મોતીચૂરના બબ્બે બટકા કરી એને પણ વેરવામાં આવ્યા. જો વચ્ચે ઢગલો કરીએ તો અમુક ઝપટ વગાડી વધુ ખાઈ જાય એવી બીક હતી. ભોજન સૂકું હોવાથી બધાએ બબ્બે લોટા પાણી પીને પેટનો બાકીનો ભાગ પાણીથી ભરી દીધો. ભૂખ લાગે ત્યારે બે ભાગનું ભોજન કરવું, એક ભાગ પાણીથી ભરવો અને એક ભાગ ખાલી રાખવો. આ નિયમનું અમે વધુ સારી રીતે પાલન કર્યું. એક જ ભાગ ભોજનથી ભર્યો અને બે ભાગનું પાણી પીધું.

ચતુર મને કહે : ‘અત્યારે તો મેં હલાવી લીધું પણ રાતે ખાધા વગર હું સ્થિર ઊભો નહીં રહી શકું.’ મેં કીધું : ‘તારે ક્યાં સ્થિર ઊભા રહી અર્જુનની જેમ મત્સ્યવેધ કરવો છે ?’ પણ સાંજનું જમવાનું વેવાઈએ વહેલું કર્યું. અમે જમવા બેઠા. સૌની થાળીમાં ખીચડી, રીંગણા બટેટાનું શાક અને વાટકો ભરીને કઢી – આટલું જ પીરસાયું. મોહનથાળ, બુંદી જેવા મિષ્ટાનના સપના જે જોતા હતા એમના મોઢાં પડી ગયા. અમે મિષ્ટાનની રસોડામાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ‘કાકી પાછા થીયા એનો શોક પાળ્યો હોવાથી મિષ્ટાન્ન નથી બનાવ્યું.’ પણ અમારા મિત્ર મહેન્દ્રે રંગ રાખ્યો. એ ગમે તેમ કરી રસોડામાં ઘૂસી ગયો અને ઘીની વાટકી કબજે કરી સૌને ખીચડીમાં ઘી પીરસવા માંડ્યો. તમામે સારી પેઠે ઘી લીધું. મહેન્દ્ર ગોળ પણ લઈ આવ્યો. ચતુરે બે વાર થાળી ભરી ખીચડી લીધી અને ગોળ હારે ખાધી. ઘી પીરસ્યા પછી મહેન્દ્રે સૂચના આપી હતી. વેવાઈ આંટો મારવા આવે ઈ પહેલાં ખીચડી ઘી હારે ફીણી નાખજો. ખરેખર ઘી વેવાઈએ પોતાના પરિવાર માટે રાખ્યું હતું.

ભોજન પછી લગ્નની વિધિ શરૂ થઈ. તરત જ કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો. વેવાઈ સવજીભાઈ દીકરીને વળાવતાં એટલું બોલ્યા કે ‘અમે દીકરીને બદલે દીકરો લીધો છે.’ મારા મિત્ર વનેચંદે કહ્યું : ‘ના દીકરાના બદલે દીકરો લીધો છે.’ આ સાંભળી અમે મહામુશ્કેલીએ હસવાનું રોકી શક્યા. ચતુરની વહુ સમજુ ચતુરથી વેંત એક ઊંચી હતી. એની બલિષ્ટ ભૂજાઓ પર ઉપસી આવેલી નસ તેની શારીરિક શક્તિની પ્રતીતિ કરાવતી હતી. સમજું એવી લોંઠકી હતી કે કોણી મારીને ખુંટિયાને હેઠો બેસાડી દેતી. ઓછી અક્કલ અને કાળોવાન, ગોળ ભરાવદાર મોઢું એમાં લાલ ચાંદલો લાંબા વાળ અને સેંથામાં સિંદૂર જોઈ સમજુ સ્ત્રી છે એવો ભાસ થતો. આમ પ્રથમ દષ્ટિએ જોતાં તો નાટકમાં કોઈ જણે સ્ત્રી પાત્ર ભજવ્યું હોય એવો સમજુનો અણસાર આવતો. પરશુરામ પોટરીનો ખટારો સવાર પડે એ પહેલાં પરત કરવાનો હોવાથી જગનભાઈ ડ્રાઈવર ઉતાવળ કરતાં હતા. બાકીની વિધિ જેમ તેમ પૂરી કરી અમે ખટારે પહોંચ્યા. એક ટેબલ મૂકવામાં આવ્યું એના પર થઈને સહુ ગોઠવાયા. ચતુર અને સમજુને પહેલા બેસાડ્યા, સમજુની સુવાસ ગમે તેવી હોય, વળાવતી વખતે કોઈ રોયું નહીં, કન્યા વિદાયની કોઈ કરુણતા નજરે ન પડી, સૌ ખટારામાં ગોઠવાયા પછી અમને વિદાય આપવામાં આવી.

સવાર પડતાં સૌ થાન પહોંચી ગયા. હવે સૂવાનો કોઈ અર્થ નહોતો. ચતુરને ત્યાં મોઢાં ધોઈ ચા-પાણી નાસ્તો કરી સૌ છૂટા પડ્યા. ચતુરનો કેમે કરી દિવસ નહોતો જતો. એ બૈરાના સમૂહમાં સમજુનું મોઢું જોવા જ્યાં ત્યાંથી ડોકાતો પણ સફળ નહોતો થતો. તે દિવસે ચતુર સાંજે નહાયો. બજારમાં જઈ મિત્રોની નજરે ન ચડી જવાય તેનું ધ્યાન રાખી ઝવેર વાળંદને ત્યાં દાઢીનો લપેટો લેવરાવ્યો. આજીજી કરી માથામાં સુગંધી તેલ નખાવ્યું. પોપટ જેઠા કંદોઈને ત્યાંથી પા શેર ગાંઠિયા અને પા શેર પેંડાના બે પડીકા બંધાવ્યા. સાંજનું વાળુ ઝડપથી પતાવી ચતુર સમજુને મળવા ઓરડામાં આવી પહોંચ્યો. ચતુરે ઘણાં અરમાનો હૈયામાં ઘૂંટ્યા હતા. સમજુ નાકે, ચહેરે નમણી હશે, ગોરો વાન હશે. મને જોઈ શરમાશે. સમજુના ગાલ પર શરમના શેરડા પડ્યા હશે. એવા લાલ ચહેરાને હું ઘુંઘટ ઉઠાવીને જોઈશ. એ આનાકાની કર્યા કરશે, હું તેને પ્રથમ પેંડો ખવરાવીશ. આમ વિચારતો એ ઓરડામાં દાખલ થયો પણ સમજુને ઉઘાડે મોઢે જરા પણ સંકોચ વગર બેઠેલી જોઈને, એના શ્યામ વાનને નીરખીને, ચતુર હેબતાઈ ગયો. કૂવાની છાયા કૂવામાં વિહમે એમ એના અરમાનો પાછા હૈયામાં સમાઈ ગયા. જેમ તેમ કરી એણે પેંડા ગાંઠિયાના પડીકા ખોલ્યા. ચતુર કરતાં વધુ ઝડપે સમજુ જ બધું આરોગી ગઈ અને આખું કુટુંબ જમ્યા પછી છેલ્લી રોટલી દીકરાની વહુ કૂતરાને નાખે તેમ એક પેંડો ને થોડા ગાંઠિયા સમજુએ ચતુરને દીધા. ‘હશે જેવી ભગવાનની મરજી, મારા કરમ ફૂટી ગયા.’ આવા ચતુરના નિ:સાસા સમજુના નસકોરામાં ક્યાંય વિલીન થઈ ગયા. ચતુરને જીવતરનો કોઈ સ્વાદ ન રહ્યો, પણ તેનો ભોજનનો શોખ પંદર દિવસ પછી ચતુરના મનમાં જાગી ઊઠ્યો.

‘સાંભળ્યું ? સુખડી અને ભજિયાં ખાવાની ઈચ્છા થઈ છે.’
ખાવાની વાત સાંભળી સમજુ હરખાણી. એણે કહ્યું : ‘હું પણ હારે ખાઈશ.’ ચતુરનો ઉત્સાહ વધ્યો. તેણે કહ્યું : ‘હું બટેટા, ડુંગળી, મરચાં તૈયાર કરું ત્યાં તું ચૂલો સળગાવી લોટ, ગોળ ઘી કબાટમાંથી બહાર કાઢી…’ ચતુર પૂરું બોલે ઈ પહેલાં સમજુ તાડુકી : ‘તે હું શું અડધી રાતે ચૂલો ફૂંકવા બેસું ? જાવ બજારમાં અને લઈ આવો ગાંઠિયા મારા સાટુ. જલેબી અને ભજિયાં પણ લાવજો, આપણે હારે બેસીને ખાશું અને સુખડી તમારી બાને કહેજો સવારે બનાવી દેશે.’ ચતુર થેલી લઈ ઉપડ્યો અને એસ.ટી સ્ટેશન સામે એક જ રેકડી રણછોડની ઊભેલી જોઈ. ચતુર પહોંચ્યો તો રણછોડ પણ સંકેલો કરી જવાની તૈયારી કરતો હતો. જલેબી, ગાંઠિયા અને ભજિયાં જે કંઈ વધ્યું હતું એ બંધાવી પોતાનાં અરમાનોની લાશ ઉપાડી કોઈ આશિક મયખાનામાં આવે તેમ ચતુર ઘેર આવ્યો. બંને ભોજનના શોખીન હતા એટલે ખાવાનો આનંદ તો આવ્યો પણ અડધી રાતે હાથે રાંધીને ખાવાના ચતુરના ઓરતા કદીયે પૂરા ન થયા. ચતુરની મનની મનમાં રહી ગઈ.

બપોરનો સમય થાય માનવીને ભૂખ લાગે, આનું નામ પ્રકૃતિ છે. કકડીને ભૂખ લાગી હોવાં છતાં માનવી એમ વિચારે કે આજે રામનવમી છે. આજે જન્માષ્ટમી છે. આજે રમઝાનનું સત્યાવીસમું રોજું છે. આમ વિચારી એ ભોજન ન કરે. પ્રકૃતિથી ઉપર ઊઠી સ્વના સાંનિધ્યમાં રહે, આત્માનું સામીપ્ય અનુભવે આનું નામ ઉપવાસ છે. ઉપવાસનો અર્થ પાસે હોવું એટલો જ છે. પ્રકૃતિથી ઉપર ઊઠવું તેનું નામ સંસ્કૃતિ છે અને ભરપેટ ભોજન કર્યા પછી પણ ખાધા કરવું, વળી અણહકનું ખાવું તેનું નામ વિકૃતિ છે.

વર્ષો પહેલાં ‘નચિકેતા’માં હરિવલ્લભ ભાયાણી સાહેબે લખેલો સુંદર પ્રસંગ તેની વિગતો તો યાદ નથી પણ એક ઝાંખુ ચિત્ર સ્મૃતિમાં અંકિત થયેલું છે તે રજૂ કરવા પ્રયાસ કરું છું. તેનું નામ ગંધ ભંડારી હતું. એ મગધ સમ્રાટનો ભંડારી હતો. તેના પૂર્વજોએ અઢળક સંપત્તિ તેને વારસામાં સુપ્રત કરી હતી. ગંધ ભંડારીને ભોજનનો અનહદ શોખ હતો. તેણે તેના ભવ્ય મહાલય પાસે જ એક સુંદર ભોજનગૃહ તૈયાર કરાવ્યું હતું. આરસપહાણના એ શ્વેત મહાલયમાં એક ઝરુખો હતો. ત્યાં સિંહાસન જેવી બેઠક હતી, તેના પર કિનખાબની એ ગાદી પર ગંધ ભંડારી બેસતો. સામે સુવર્ણ થાળમાં દર પૂનમે બિરંજ પીરસવામાં આવતી. તજ, તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, કેસર, બદામ, પિસ્તા, કાજુ, દ્રાક્ષ ન જાણે કેટલા તેજાના વપરાતા આ બિરંજમાં, દેશભરમાંથી આવેલા નિષ્ણાત રસોઈયાઓ દ્વારા આ બિરંજ તૈયાર થતી. દર પૂનમે ગંધભંડારીનો ભોજન વૈભવ નિહાળવા પાટલીપુત્રના નગરજનો ઊમટી પડતા,

આજે પૂનમ હતી, પાટલીપુત્રમાં વસતા રાઘવને ત્યાં તેનો મિત્ર ગોવિંદ મહેમાન હતો, રાઘવ તેને આગ્રહ કરી અહીં લઈ આવ્યો હતો, બંને ઝરુખાની પાસે જ ઊભા હતા. ગોવિંદે સફેદ આરસપહાણનો ઝરુખો જોયો. ગંધ ભંડારીના સુંદર શરીર પરના રેશમી વસ્ત્રો જોયા, સુવર્ણના હીરાજડિત આભૂષણોમાંથી પ્રકાશને પરાવર્ત કરતાં રંગબેરંગી કિરણો જોયા અને એમાં જ્યારે સુવર્ણના થાળમાં બિરંજ પીરસાણી અને તેની માદક સુગંધ વાતાવરણમાં પ્રસરી. એનો આસ્વાદ લેતા જ ગોવિંદ સૂધબૂધ ગુમાવી બેઠો. ગોવિંદ બાવરો બની ગયો. તેણે કહ્યું : ‘રઘુ, મારે આ બિરંજ ખાવી છે. મારે તેનો સ્વાદ લેવો છે. મને બિરંજ નહીં મળે તો હું નહીં જીવું.’ રાઘવે ગંધ ભંડારીને વિનંતી કરી, ‘આપ મારા મિત્રને થોડી બિરંજ આપો નહીંતર એ પાગલ થઈ જશે.’ ગંધ ભંડારીએ બંનેને ભોજનગૃહમાં બોલાવ્યા. તેણે ગોવિંદને કહ્યું, ‘જો યુવાન, બાર વર્ષ સુધી આ ભોજનગૃહમાં તારે સેવક તરીકે સેવા કરવી પડશે. તમામ કાર્યો કરવા પડશે. ત્યાર પછી આજ રીતે પૂનમની રાતે મારા જ પોશાકમાં મારા આભૂષણોમાં સજ્જ થઈ મારા જ આસન પર બેસી તું આ ભોજનનો આસ્વાદ માણી શકીશ. બોલ છે તૈયારી ?’
ગોવિંદે ગંધ ભંડારીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસથી એ કામે ચડી ગયો. ભોજનગૃહ સાફ કરવું, પોતા મારવા, વાસણ ઉટકવા, આગળનાં મેદાનમાં સંજવારી કાઢવી, રસોઈ તૈયાર કરવામાં મદદ કરવી. ગોવિંદ તનતોડ મહેનત કરતો એક જ આશાએ કે ગંધ ભંડારી જેમ જ ભોજન કરવાની, બિરંજ આરોગવાની. દિવસો વિતતા ગયા. જોતજોતામાં બાર વર્ષ પૂરાં થઈ ગયા. સમગ્ર પાટલીપુત્રમાં જાણ થઈ ગઈ. આખું પાટલીપુત્ર ઊમટી પડ્યું. ગોવિંદને રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. મહામૂલા આભૂષણોથી તેનો દેહ શણગારવામાં આવ્યો. સ્નાનપૂત શરીર પર રેશમી વસ્ત્રોમાં સજ્જ થયેલ મૂલ્યવાન આભૂષણોમાં શોભતા ગોવિંદને જોઈ તેના મિત્ર રઘુના આનંદનો પાર ન રહ્યો.

ગોવિંદે સ્થાન સંભાળ્યું. સુવર્ણનો થાળ તેની આગળ મૂકવામાં આવ્યો અને બિરંજ પીરસવામાં આવી. જે સુગંધે બાર વર્ષ પહેલાં તેને બાવરો બનાવ્યો હતો એ જ સુગંધ ગોવિંદે પારખી. ગોવિંદ બિરંજ સામું જોઈ રહ્યો. ત્યાં અચાનક માનવમેદનીમાંથી એક બૌદ્ધ ભિખ્ખુ આગળ આવ્યા. પોતાનું ભિક્ષાપાત્ર ગોવિંદ સામે ધરી બોલ્યા, ‘ભિક્ષાંન દેહિ’ ગોવિંદ એક પણ ક્ષણના વિલંબ વગર ઊભો થયો અને બધી બિરંજ બૌદ્ધ ભિખ્ખુના ભિક્ષા પાત્રમાં ઓરાવી દીધી. વિશાળ માનવમેદની સ્તબ્ધ થઈ ગઈ. એક સન્નાટો માનવ સમુદાયમાં છવાઈ ગયો. લોકો ભાન ભૂલી ગયા. થોડા સમય પછી ગોવિંદના જયજયકારથી વાતાવરણ ભરાઈ ગયું. ગોવિંદના ચહેરા પર ત્યાગની પ્રસન્નતા હતી. એ પોતાના સ્થાન પરથી નીચે ઉતર્યો. ગંધ ભંડારી ગોવિંદને ભેટી પડ્યો અને કહ્યું : ‘અઢળક સંપત્તિ હોવા છતાં હું જે ન કરી શક્યો તે તેં કરી બતાવ્યું. હું તને મારી સાથે જ સમગ્ર જીવન આ ભોજન વૈભવનો અધિકાર આપું છું.’

સમ્રાટને આ ખબર પડી. તેમણે ગોવિંદનું અભિવાદન કર્યું. સન્માન કર્યું અને રાજ દરબારે સ્થાન આપ્યું. આનું નામ સંસ્કૃતિ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કુદરતી સૌંદર્યનો ખજાનો : લક્ષદ્વીપ – હેતલ દવે
એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઈતિહાસ – શ્રીમદ ભાગવત મહાપુરાણ Next »   

43 પ્રતિભાવો : ભારતીય સંસ્કૃતિ – શાહબુદ્દીન રાઠોડ

 1. કેતન રૈયાણી says:

  ઓહોહોહો….અતિ સુંદર..અતિ સુંદર..!!! બહુ જ આનંદ આવ્યો…!!!

  શાહબુદ્દીન રાઠોડ હોય એટલે પછી તો પૂછવું જ શું?? મેં મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણો શાહબુદ્દીનભાઈના કાર્યક્રમોમાં વિતાવી છે, અને જોયું છે કે નાનાં-મોટાં, અબાલ-વૃદ્ધ સૌ હિપ્નોટાઈઝ થઈને એમના અસ્ખલિત વાણીપ્રવાહમાં તણાતાં હોય છે…!!!

  મેં નોંધ્યું છે કે સાવ નાનાં બાળકો (ચાર વર્ષથીયે નાનાં, કે જેમને આ કાર્યક્રમ કે શાહબુદ્દીન રાઠોડ વિશે કાંઈ જ ખબર નથી), કે જે કાર્યક્રમ શરૂ થતાં પહેલાં હૉલમાં તોફાન-મસ્તી કે ખોટો અવાજ કરતાં હોય, અહીંથી તહીં જગ્યા બદલતાં હોય કે પછી ‘એં એં….મમ્મી..મારે આ લેવું…પેલુ લેવું…’ કરતાં હોય…એ બધાં પણ શાહબુદ્દીનભાઈનો અવાજ માઈકમાંથી વહેવાનું શરૂ થતાં ચૂપચાપ બેસી જાય છે…!! જાણે કોઇ અદ્રશ્ય શક્તિનાં તાબામાં હોય….!!!

  કેતન રૈયાણી

 2. શાહબુદ્દીન રાઠોડ હોય એટલે પછી તો પૂછવું જ શું?

 3. kaushik dixit says:

  મર્મ સભર હાસ્ય, જીવનની ઉંચી ફીલોસોફી, અને જરુર પુરતી માત્રામાં તળપદી ભાષા-એવા વૈભવનું બીજુ નામ એટલે શાહબુદ્દીન રાઠોડ! ફીલોસોફીના પેરેગ્રાફમાં કોઇ ગંભીર ચિંતન શિબિરમાં લઇ જતા લેખક,હાસ્ય તરફ વળે છે ત્યારે તે change over કેટલું સહજ અને અન-આયાસ લાગે છે!

 4. “…પ્રકૃતિથી ઉપર ઊઠી સ્વના સાંનિધ્યમાં રહે, આત્માનું સામીપ્ય અનુભવે આનું નામ ઉપવાસ છે. ઉપવાસનો અર્થ પાસે હોવું એટલો જ છે…”

  ઉપવાસનો સાચો અર્થ !!!

  “…પ્રકૃતિથી ઉપર ઊઠવું તેનું નામ સંસ્કૃતિ છે અને ભરપેટ ભોજન કર્યા પછી પણ ખાધા કરવું, વળી અણહકનું ખાવું તેનું નામ વિકૃતિ છે.”
  —-
  આજે જ્યારે આપણે જોઈએ છીએ કે આપણે પોતે જ આપણી આજુબાજુ ભૂખે ટળવળતા લોકોને કાંઈ મદદ જાણતા-અજાણતા કરી નથી શકતા… તો કમસેકમ ઉપરની વાતને યાદ રાખી ખાદ્યચીજોનો બગાડ નહિવત અને એથીય ઉપર ઊઠીને સદંતર ન કરીએ તો યે એ ઘણી મોટી મદદ અન્ય લોકો માટે કરી ગણાશે એવું મને લાગે છે…

  પશ્ચિમી જગતે ચીજોનો અતિશયોક્તિભર્યો ઉપભોગ કરવાની જે ટેવ જગતને પાડી છે એ જો વહેલી તકે છોડવામાં ન આવી તો લાંબે-ટૂંકે ગાળે પરીણામ એવું જ હશે જે હવે એમણે ભોગવવાનું આવી રહ્યું છે …

 5. gopal parekh says:

  રામનો દીધેલ બટકુઁ રોટલો ખાધા કરતાં ખવડાવવો વધુ મીઠો લાગે એનુઁ નામ જ ભારતીય સંસ્કૃતિ

 6. sudhakar hathi says:

  ખાવા કરતા ખાવદાવવુ એ ભારતિય સસ્ક્રુતિ

 7. Dhaval B. Shah says:

  Nice article.

 8. nayan panchal says:

  સરસ લેખ.

  નયન

 9. pragnaju says:

  વારંવાર વાંચવાનું મન થાય તેવો- રમુજ સાથે- ભારતિય સંસ્કૃતીને સમજાવતો હાસ્ય લેખ
  મઝા આવી

 10. kumar says:

  Shahbuddinbhai mara favourite hasyalekhak che///
  plz. temna vadhu leko aapya vinanti karu chu.

 11. રેખા સિંધલ says:

  પ્રકૃતિથી ઉપર ઊઠવું તેનું નામ સંસ્કૃતિ છે. વાહ ! ખુબ સરસ વાત !

 12. Malay says:

  અદભુત પ્રસંગાલેખન. પ્રવાહી શૈલી.

 13. JAWAHARLAL NANDA says:

  FARI THI SHAHBUDIN RATHOD E POTANI UNCHI BUDDHI DAKSHINYA ( IQ) LEVEL SABIT KARREL CHHE, ENA SIVAY KASHU J NATHI KARYU, KHAREKHAR BEST MANAS/LEKHAK NO BEST MANVIYA LEKH ! ANE READGUJARATI SITE NE PAN DHANYAVAD ! AAVO ATI UTTAM LEKH AAPVA BADAL !

 14. SURESH TRIVEDI says:

  At 3.00p.m.a radio programme is relayed from Canada by SheetalSangeet in that atleast once a week we get to hear Shahbuddhin Rathod”s cassette I am enjoying it fully even if the cassette might have been repeatedly played,Shri shahbuddgin Rarhod”s “VANECHAND NO VARGHODO”is very well known to all GUJARATI all over the world.His way of presentation is unequable and his satirical remarks of observation is very unique.We should be proud of his witty comments which shows the right paths of life.

 15. chirag bhatt says:

  keep going shahbuddhinbhai, I can’t stop reading.
  very nice.

 16. ઈન્દ્રેશ વદન says:

  Amazing!!!

  શાહબુદ્દીન રાઠોડ ની હાસ્ય અને તત્વજ્ઞાન સાથે પીરસવાની અનોખી શૈલી એ અસંખ્ય લોકો ના હૈયા જીતી લીધા છે.

  શ્રીમાન સાઈટ પ્રકાશક ને તેમના વધુ લેખો પ્રકાશિત કરવા ને વિનંતી.

 17. Rajul Dhanky says:

  ખુબ સરસ લેખ, આભાર

 18. Pratik says:

  Meaningful inspiration from the story..

 19. Margesh Raval says:

  Vah Mrugesh Bhai tame to jalsa karavi didha!!.. My Native is also Than…and its surprizing tht almost all the charcters in Shahbuddin Rathod’s tell are real living persons in Than,,,like Rana Doctor, Nathu Bhai…Vanechand…n many more…Even i’ve been to Rana Doctor Once in my child hood…

 20. Anant Patel says:

  અતિ સુઁદર લેખ વાઁચવા મળ્યો. આભાર.

 21. Paresh Pandya says:

  Good Article, evergreen is Shahbuddinbhai Rathod, like Vanachand no Varghodo

 22. PAMAKA says:

  જે આનંદનું વળતર બહુ ઓછું ચૂકવવું પડે તે ઉત્તમ આનંદ છે.
  વાહ હાસ્ય સાથે બોધ્

 23. PAMAKA says:

  વાહ હાસ્ય સાથે બોધ્

 24. Alpesh says:

  Khub j saras chitar sathe prasango varanvya che……..!!!!!

  amazing………!!!!!!!!!1

 25. Salima Ladhani says:

  Really Amazing…

 26. NIRAV MEHTA says:

  really, an article which gives a joy to heart and also teaches us fundamentals to live god life at end
  i have always shown shahbudddin rathod’s article or presentation gives a learning lesson at the end which is very useful for any body in life or about culture .

  i am curious to read next article…..

 27. Wonderful,
  I have heard you many times but to read I only found now. I will get more of this and enjoy.
  Best wishes, Next I will comment in Gujarati
  Aavjo.
  Kantilal Parmar
  HItchin

 28. aniruddhsinh says:

  ભઈ ભઈ ગુરુ ને કાઈ કહેવુ પદે

 29. aniruddhsinh says:

  ભઈ ભઈ ગુરુ ને કાઈ કહેવુ પદે સુરજ નિ ગર્મિ ચન્દ્ર નિ થન્દક અને ધરતિ નિ સહન્ સિલતા ના વખાન ના થાય તેમ રાથોદ્ સાહેબ ના વખાન ના થાય્

 30. kumar says:

  હંમેશ ની ખુબ સરસ શાહબુદ્દીનભઈ

 31. Nilesh Bhatt says:

  Gujarat have never seen the artist, the philosopher, the author and the teacher like Shahbuddin Rathod. And I am sure that there won’t be anyone like him in future also.

  I wish some platform like this website can make him a global personality. I wish let’s have some website on the name of this great artist.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.