એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઈતિહાસ – શ્રીમદ ભાગવત મહાપુરાણ

[આ વાર્તા અઢાર પુરાણોમાંના એક ‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’માંથી લેવામાં આવી છે. આ વાર્તાની વિશેષતા એ છે કે તે ભગવાન શ્રીકૃષ્ણ પોતે પોતાના પ્રિય મિત્ર ઉદ્ધવને કહે છે. ભગવાનના સ્વમુખે બોલાયેલી આ રસપ્રદ કથા આજના વૈશ્વિક મંદીના સમયમાં ખાસ ઉપયોગી છે. જીવન જીવવાની ઊંડાણપૂર્વકની સમજ આપતી આ વાર્તા સ્કંધ : 11, અધ્યાય : 23માંથી લેવામાં આવી છે. ગ્રંથ પ્રાપ્તિસ્થાનની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે ખેતી, વેપાર વગેરે દ્વારા ખૂબ સંપત્તિ ભેગી કરી હતી. પરંતુ તે અત્યંત કૃપણ, કામી અને લોભી હતો. ક્રોધ તો તેને વાત-વાતમાં આવી જતો હતો. તેણે પોતાનાં જ્ઞાતિજનો અને અતિથિઓને ક્યારેય મીઠી વાણીથી પ્રસન્ન કર્યા ન હતા. ખવડાવવા વગેરેની તો વાત જ ક્યાં રહી ? પોતાની ધન-સંપત્તિથી પોતાની જાતને પણ સુખી રાખતો ન હતો. તેની કંજૂસાઈ અને તેના ખરાબ સ્વભાવને લીધે તેનાં સંતાનો, ભાઈ-બંધુઓ, નોકર-ચાકરો અને પત્ની વગેરે બધાં દુ:ખી રહેતાં. મનમાં ને મનમાં અનિષ્ટ ચિંતન કર્યા કરતાં હતાં. ઘરમાં કોઈ પણ તેને પ્રિય લાગે એવો વહેવાર કરતું ન હતું. જાણે તે ધનની ચોકી કરવા જ સર્જાયો હતો ! તે ધનથી ન તો તે ધર્મ કરતો કે ન તો ભોગ ભોગવતો. બસ, માત્ર સંચય કર્યા કરતો.

ઘણા સમય સુધી આ પ્રકારનું જીવન તે જીવ્યો. પરંતુ હવે સમય ફર્યો. પૂર્વપુણ્યોનો આશ્રય કે જેના બળ પર અત્યાર સુધી તેનું ધન ટકી રહ્યું હતું, તે ચાલ્યો ગયો; અને જે ધન તેણે મોટા ઉદ્યોગ અને પરિશ્રમથી એકઠું કર્યું હતું તે તમામ ધન તેની નજર સામે જ નષ્ટ થઈ ગયું. તે અધમ બ્રાહ્મણનું કેટલુંક ધન તો તેના પરિવારના લોકોએ છીનવી લીધું, થોડું ચોરો લૂંટી ગયા, થોડું અગ્નિપ્રકોપ જેવાં દૈવી કારણોથી નષ્ટ થઈ ગયું. કેટલુંક કાળથી નાશ પામ્યું, અને જે બચ્યું હતું તે રાજાએ કર દ્વારા લઈ લીધું. ઉદ્ધવજી ! આ પ્રમાણે તેની તમામ સંપત્તિ ચાલી ગઈ. ન તો એણે તે સંપત્તિ કોઈ સારા કામમાં વાપરી કે ન તો ખુદ પોતાને માટે. આ બાજુ તેનાં સગાં-સંબંધીઓએ પણ તેની સાથેનો વહેવાર બંધ કરી દીધો. હવે તે ભારે ચિંતાથી ઘેરાઈ ગયો. સંપત્તિ નષ્ટ થતાં એના હૃદયમાં ભારે ઉચાટ થયો. તેનું મન દુ:ખમાં ડૂબી ગયું. આંખોમાં આંસુઓની ધારાથી ગળું રુંધાઈ ગયું. પરંતુ આ પ્રમાણે ચિંતા કરતાં કરતાં જ તેના મનમાં અતિસંગ્રહ કરવા તરફ અણગમો જન્મ્યો અને દિલમાં વૈરાગ્યનો ઉદય થયો.

એ બ્રાહ્મણ મનોમન બોલવા લાગ્યો : ‘અરે…રે ઘણા દુ:ખની વાત છે કે મેં આટલા સમય સુધી પોતાને ખોટી રીતે હેરાન કર્યો. જે ધન મેં સખત મહેનત કરીને ભેગું કર્યું હતું એ ન તો કોઈ સારા કામમાં વપરાયું કે ન તો મારા કોઈ ઉપયોગમાં આવ્યું. બધુ આમ જ જતું રહ્યું. એ વાત સાચી છે કે કંજૂસ માણસોને ક્યારેય ધનથી સુખ મળતું નથી. આ લોકમાં તેઓ ધન કમાવવાની અને તેનું રક્ષણ કરવાની ચિંતામાં રાતદિવસ સળગ્યા કરે છે અને મર્યા પછી જીવનની કોઈ સમજ ન કેળવાઈ હોય એટલે અધોગતિને પામે છે. જીવનથી હાથ ધોઈ બેસે છે. જેમ નાનો સરખો કોઢનો ડાઘ શરીરની સુંદરતાને નષ્ટ કરી નાખે છે તે જ પ્રમાણે થોડો સરખો લોભ કીર્તિવાનોની કીર્તિ અને ગુણવાનોના પ્રશંસનીય ગુણોને નષ્ટ કરી દે છે. ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં, તે ખર્ચ કરવામાં, તેમજ ધન નાશ પામતાં અને તેનો ઉપભોગ કરતાં નિરંતર પરિશ્રમ, ફિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે છે. (1) ચોરી (2) હિંસા (3) જૂઠ (4) દંભ (5) કામ (6) ક્રોધ (7) અભિમાન (8) ભેદબુદ્ધિ (9) વેર (10) અવિશ્વાસ (11) સ્પર્ધા (12) લમ્પટતા (13) જુગાર અને (15) શરાબ – આ પંદર અનર્થો મનુષ્યમાં ધનને કારણે માનવામાં આવે છે. તેથી કલ્યાણની કામનાવાળા વ્યક્તિએ અતિધનસંગ્રહને દૂરથી જ ત્યજી દેવો.

ભાઈ-બાંધવો, સ્ત્રી-પુત્ર, માતા-પિતા, સગાં-સંબંધી જે સ્નેહ-બંધનથી બંધાઈને બિલકુલ એકતાથી રહે છે, તે બધાં ધનને કારણે એટલાં ફંટાઈ જાય છે કે તુરંત જ એક બીજાનાં શત્રુ બની જાય છે. વાતવાતમાં પ્રેમ-સંબંધ તોડી નાખે છે અને પરસ્પર સ્પર્ધા કરવા લાગે છે. એકાએક પ્રાણ લેવા-આપવા સુધી નીચે ઊતરી જાય છે. ત્યાં સુધી કે આ ધનને લીધે એક-બીજાનો સર્વનાશ કરી નાખે છે. દેવતાઓ પણ જેની માટે યાચના કરે એવો આ મનુષ્યનો જન્મ અને એમાંય શ્રેષ્ઠ બ્રાહ્મણ-શરીર પ્રાપ્ત કરીને જીવનનો અનાદર કરનાર પોતાના જ કલ્યાણને નષ્ટ કરી દે છે અને અશુભ ગતિને પ્રાપ્ત થાય છે. આ માણસનો દેહ તો પ્રસન્નતા અને જીવનને સાચા અર્થમાં સમજવાનું સાધન છે. એને મેળવીને કોણ બુદ્ધિમાન મનુષ્ય છે કે જે અનર્થોનું ધામ એવા ધનના ચક્કરમાં ફસાઈ જાય ? જે મનુષ્યો દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, પ્રાણીઓ, જ્ઞાતિબંધુઓ, સગાં-વહાલાંઓ, કુટુંબીઓ અને સંપત્તિના બીજા ભાગીદારોને તેમનો ભાગ આપીને સંતુષ્ટ નથી રાખતા એ નથી પોતે ભોગવતા અને ધનની ચોકી કરવાવાળા કંજૂસ મનુષ્યોની પેઠે અધોગતિને પામે છે એ નિશ્ચિત છે.’

બ્રાહ્મણ વિચારવા લાગ્યો : ‘મેં મારું કર્તવ્ય બરાબર નિભાવ્યું નહીં. પ્રમાદમાં આયુષ્ય, ધન અને બળ-પુરુષાર્થ ગુમાવી દીધાં. વિવેકી લોકો જે સાધન વડે ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લે છે તે સાધનોને મેં ધન-સંપત્તિ ભેગી કરવાની વ્યર્થ ચેષ્ટામાં ખોઈ નાખ્યાં. હવે ઘડપણમાં હું કયું સાધન કરીશ ? મને ખબર નથી પડતી કે મોટા-મોટા વિદ્વાનો પણ ધનની વ્યર્થ તૃષ્ણાથી સદા દુ:ખી કેમ થતા હશે ? માનો યા ન માનો, ખરેખર આ સંસાર જાણે કોઈ માયાથી મોહિત થઈ રહ્યો હોય એમ લાગે છે. આ મનુષ્ય શરીર કાળના વિકરાળ મોઢામાં પડેલું છે. તેને ધનથી, ધન આપનારા લોકોથી, ભોગો અને તેની પૂર્તિ કરનારાઓથી તથા વારંવાર જન્મ-મૃત્યુના ચક્કરમાં નાખનારા સકામ કર્મોથી શો લાભ ? એમાં શંકા નથી કે ઈશ્વર મારી પર ખરેખર પ્રસન્ન છે. એમણે મને આ દશામાં નાખ્યો ત્યારે જ મને ભાન થયું કે ધન એકત્ર કરવા સિવાય પણ જીવનમાં ઘણું કરવા જેવું છે. ઈશ્વરે મને વૈરાગ્યનો બોધ આપ્યો. ખરેખર, આ સંસારમાં આનંદથી રહેવું હોય તો બીનજરૂરી ધનનો ત્યાગ કરીને વૈરાગ્યથી જીવવામાં જ આનંદ છે. હવે મારું જેટલું આયુષ્ય હશે એમાં સંતુષ્ટ રહીને સમાજના કામ કરવા માટે સાવધ રહીશ. જે સમય બચ્યો છે તેમાં મારી જિંદગીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીશ. ભલે જે થયું તે થયું. નિરાશ થવાની કોઈ વાત નથી. રાજા ખટવાંગે માત્ર બે ઘડીમાં પોતાનું જીવન સુધારીને ઈશ્વરની પ્રાપ્તિ કરી લીધી હતી, તો શું હું પોતાને સુધારવાની કોશિશ નહીં કરી શકું ?’

ઉદ્ધવજી ! એ ઉજ્જૈનનિવાસી બ્રાહ્મણે સ્વસ્થતાથી વિચારીને સંગ્રહ કરવાની વૃત્તિ ત્યજી દીધી. તે શાંત અને મૌન બની ગયો. એના ચિત્તમાં કોઈ પણ સ્થાન, વસ્તુ અથવા વ્યક્તિ માટે આસક્તિ ન રહી. પોતાના મનને વશ કરીને તે સ્વચ્છંદ થઈને પૃથ્વી પર ફરવા લાગ્યો. સંન્યાસી બનીને ભિક્ષા લઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એક ગામથી બીજે ગામ ભિક્ષા લેવા જતો હતો પણ હવે તે બહુ વૃદ્ધ થઈ ગયો હતો. આસપાસના દુષ્ટ લોકો આ વૃદ્ધને જોતાં તેની મજાક ઉડાવતા, તેને હેરાન કરતાં, કોઈ તેની લાકડી છીનવી લેતું, કોઈ ભિક્ષાપાત્ર લઈ લેતું, કોઈ સૂવાની ગોદડી લઈને ભાગી જતું. કોઈ લોકો વસ્તુઓ આપી દેખાડીને લઈ લેતા. તે ભિક્ષા લઈને નદી કિનારે ભોજન કરવા બેસતો ત્યારે લોકો એની પર થૂંકતા અને તેના પાત્રમાં ગંદકી કરતા. જાતજાતની મજાક કરીને એને ઉશ્કેરવા કોશિશ કરતા. લોકો એને ચોર જાણીને મારતા. કોઈક તો વળી દોરડાથી એને બાંધી દેતા. લોકો એને એવા મહેણાં મારતાં કે ‘જુઓ તો ખરા, આ કંજૂસ કેવો ઢોંગ કરવા બેઠો છે. ધન-સંપત્તિ ચાલી ગઈ, સ્ત્રી-પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો એટલે ભિખારી થઈ ગયો ! જુઓ તો ખરા કેવો જાડો-તગડો છે અને ભીખ માંગે છે. મૌન રહીને ચોક્કસ કંઈક કરવા આવ્યો લાગે છે. ખરેખર, આ તો ઢોંગી બગલા કરતાંયે ચડિયાતો છે.’ લોકો આવી રીતે એની ઠેકડી ઉડાડતા. પરંતુ તે ચૂપચાપ બધું સહી લેતો. એને ઠંડી-ગરમી, તાવ-રોગ-માંદગીની અનેક પીડાઓ વેઠવી પડતી, લોકોના અપમાન પણ સહન કરવા પડતાં પરંતુ આ બધાને લીધે એના મનમાં કોઈ વિકાર થયો નહીં. એ સમજતો હતો કે આ બધું મારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. લોકોએ એને ડગાવવાની બહુ કોશિશ કરી પરંતુ તેને કોઈ પ્રત્યે રાગ-દ્વેષનો કોઈ ભાવ નહોતો. મનની સાચી અવસ્થા એ જ છે જ્યાં કોઈ પ્રતિ આવી વૃત્તિઓ જન્મ ન લે.

એકાંતમાં બેસીને એ બ્રાહ્મણ વિચારતો કે ‘મારા સુખ-દુ:ખના કારણ ન તો આ મનુષ્યો છે, ન દેવતાઓ, ન શરીર, ન ગ્રહો, ન કર્મ કે ન તો કાળ. બુદ્ધિમાન લોકો મનને જ આનું કારણ માને છે. મન જ આપણને આ બધા ચક્કરોમાં ફસાવે છે. ખરેખર મન બહુ જ બળવાન છે. એના કારણે જ ‘આ સારું અને આ ખરાબ’ એવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને એવા વિચારોને કારણે સારા-ખરાબ કર્મો જન્મે છે અને એ કર્મો પછી આપણને એવી દિશામાં લઈ જાય છે. માણસનો આત્મા તો નિષ્ક્રિય છે એ તો જીવનો મિત્ર બનીને જાગૃતિપૂર્વક બધું જોયા કરે છે. પણ માણસનું એ તરફ ધ્યાન ન જ જતું નથી. એ તો સારું-ખરાબ છૂટું પાડવામાંથી જ ઊંચો આવતો નથી. સારામાં આસક્ત થઈ ને ત્યાં અટકી જાય છે, ખરાબથી ભાગવાની કોશિશ કર્યા કરે છે. આ પ્રમાણે મનને વશ થઈને મન જેમ કહે એમ એ કર્યા કરે છે. પોતાને સમજવાની શક્તિ પોતે જ ખોઈ બેસે છે. આખરે દાન, સત્કર્મ વગેરેનો હેતુ એ જ છે કે મન એકાગ્ર થાય. જેનું મન શાંત અને એકાગ્ર થઈ ગયું એને માટે કોઈ કર્મ શેષ રહેતંશ નથી. માણસ જો મન પર કાબૂ મેળવી લે તો એ દેવોનો દેવ છે. મનને જીતવું ભારે કઠણ છે. મૂર્ખ લોકો પોતાના મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બહારના લોકો જોડે સાચા-ખોટા ઝઘડા કર્યા કરે છે. આમ ને આમ જીવન વીતી જાય છે અને જે જાણવા જેવું છે એ તો જાણવાનું રહી જ જાય છે. સાધારણ લોકોની બુદ્ધિ સાવ કુંઠિત થઈ ગઈ છે એટલે એ ‘આ બધા મારા…. પેલા બધા બીજા… ફલાણો સારો અને ફલાણો બહુ ખરાબ’ એમાંથી ઊંચા આવતા નથી. આનું પરિણામ એ છે કે તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાં સતત ભટકતા જ રહે છે. ચલો માની લઈએ કે માણસ એકબીજાને સુખ-દુ:ખ આપે છે પણ એનાથી એના આત્માને શું સંબંધ ? દુ:ખ આપનારો પણ શરીરથી આપે છે અને દુ:ખ ભોગવનારો પણ શરીરથી દુ:ખ ભોગવે છે. એમાં એટલી બધી ચિંતા શું કામ કરવી ? જમતાં જમતાં આપણા જ દાંતથી આપણી જીભ કપાઈ જાય તો કોના પર ગુસ્સો કરશો ? જીભ અને દાંત બધું એકમાંથી જ બનેલું છે. એવી રીતે બે-ચાર સારા અને બે-ચાર ખરાબ માણસો પણ બધા એકમાંથી જ બનેલા છે. એમાં કોને પોતાના માનવા અને કોને પારકાં ગણવાં ?’

વધુ આગળ એ બ્રાહ્મણે વિચાર્યું કે : ‘જો સુખદુ:ખનું કારણ ગ્રહોને માનીએ તો પણ એને આત્મા સાથે કોઈ લેવાદેવા નથી. જે જન્મે છે એને ગ્રહો પીડા આપી શકે પરંતુ આત્મા તો અજન્મા છે. ગ્રહોનો પ્રભાવ શરીર પર પડી શકે છે, પણ જે શાશ્વત છે એને ગ્રહોની શું અસર ? શરીર નાશવાન છે. ગ્રહોની અસર થાય કે ન થાય, એ એક દિવસ તો નષ્ટ થવાનું જ છે. જો સુખદુ:ખનું કારણ કર્મોને માની લઈએ તો એ કર્મો પણ આ દેહ દ્વારા જ થાય છે. માણસનો અંતરાત્મા તો એનાથી સાવ અલિપ્ત જ છે. શરીર છે તો સુખદુ:ખ આવે એમાં વળી ક્રોધ કોના પર કરશું ? જો કાળને સુખદુ:ખનું કારણ માનીએ તો કાળ અને આત્મા એક જ છે. આત્માથી આત્માને દુ:ખ થતું નથી. અગ્નિથી અગ્નિને તાપ લાગતો નથી. બરફને બરફની ઠંડકની અસર થતી નથી. આખરે ક્રોધ કરવો તો કોની પર કરવો ? પ્રાચીન કાળમાં મહર્ષિઓએ જે સમજ કેળવી હતી એ હું પણ કેળવીશ. જીવનમાં બનતી ઘટનાઓથી વિચલિત નહીં થાઉં. ભલે કોઈ રાજા મારો રાજ્યાભિષેક કરે કે નગરજનો મને ભિખારી સમજીને પથરા મારે. મારે કોઈ સાથે શું લેવાદેવા છે ? એ મારા પોતાનાં પણ નથી અને એ પારકાં પણ નથી. સૌ પોતપોતાની મનની અવસ્થા પ્રમાણે વર્તે છે. જેવો જેનો સ્વભાવ. કોઈને સાચા-ખોટા ઠરાવવા માટે સમય શું કામ બગાડવો ?’

ઉદ્ધવજી ! એ બ્રાહ્મણનું ધન તો નષ્ટ થયું પણ એના લીધે ફાયદો એ થયો કે એનાં બધાં દુ:ખો નષ્ટ થઈ ગયા. જીવન શું છે એની તેને સાચી સમજ આવી. એની બધી વ્યર્થ દોડધામ શમી ગઈ. જીવનને ખરા અર્થમાં તે માણતો થયો. જો કે દુષ્ટ લોકોએ એને હેરાન તો બહુ કર્યો પણ એ સહેજ પણ ડગ્યો નહીં. એને મન કોઈ મિત્ર-શત્રુ નહોતા. છેલ્લે એણે સંસારને એવી શીખ આપી કે : ‘હે મનુષ્યો ! આ સંસારમાં વ્યક્તિને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું નથી; આ આપણો ચિત્તનો કેવળ ભ્રમ છે. આ સઘળો સંસાર અને તેની અંદર મિત્ર-શત્રુ અને તટસ્થના ભેદ અજ્ઞાનને કારણે છે. જીવનની સાચી સમજને પ્રગટ કરો અને પોતાના સ્વની ઓળખ કરો.’ ઉદ્ધવ ! જે વ્યક્તિ આ સમજ કેળવશે એને જીવનમાં ક્યારેય સુખ-દુ:ખ પરેશાન નહીં કરે. તે તમામ પરિસ્થિતિઓમાં સ્વસ્થતાથી વર્તી શકશે અને અંતે પોતાના સાચા સ્વરૂપને પામશે. માણસનો જન્મ આખરે એના માટે જ છે.

[કુલ પાન : 1750 (ભાગ-1 + ભાગ-2). કિંમત રૂ. 240. (ભાગ-1 + ભાગ-2). પ્રાપ્તિસ્થાન : ગીતાપ્રેસ, ગોરખપુર. ઉત્તરપ્રદેશ. ફોન : +91 551 2334721. તથા બધી જ અગ્રગણ્ય પુસ્તકની દુકાનો પર ઉપલબ્ધ.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભારતીય સંસ્કૃતિ – શાહબુદ્દીન રાઠોડ
સમજપૂર્વકનું અંતર – અવંતિકા ગુણવંત Next »   

20 પ્રતિભાવો : એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઈતિહાસ – શ્રીમદ ભાગવત મહાપુરાણ

 1. રેખા સિંધલ says:

  ખુબ સારો બોધપાઠ ! ધનનો સઁચય જ કેટલા બધા પાપોનો જનક છે. અપરિગ્રહથી વિશ્વશાંતી તરફ આગળ વધી શકાય.

 2. Hemang Desai says:

  ઘનિ સરિ વર્તા લગિ વ્યક્તિ જિવન મા જો તથસ્ત રહિ ને અપરિગ્રહ ધર્મ પલે તો જિવન મ કોઇ સુખ દુખ રેહ્તુ નથિ ચુપ રેહ્વમ અને મન ને ચુપ રખ્વમ જોકે ફરક ચે પન પ્રયત્ન તો કરિજ સકય્

 3. nayan panchal says:

  ખૂબ જ ઉપયોગી લેખ.

  ‘હે મનુષ્યો ! આ સંસારમાં વ્યક્તિને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું નથી; આ આપણો ચિત્તનો કેવળ ભ્રમ છે. આ સઘળો સંસાર અને તેની અંદર મિત્ર-શત્રુ અને તટસ્થના ભેદ અજ્ઞાનને કારણે છે. જીવનની સાચી સમજને પ્રગટ કરો અને પોતાના સ્વની ઓળખ કરો.’

  નયન

 4. kumar says:

  સરસ વારતા…

 5. pragnaju says:

  સનાતન સત્ય-‘ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં, તે ખર્ચ કરવામાં, તેમજ ધન નાશ પામતાં અને તેનો ઉપભોગ કરતાં નિરંતર પરિશ્રમ, ફિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે છે. (1) ચોરી (2) હિંસા (3) જૂઠ (4) દંભ (5) કામ (6) ક્રોધ (7) અભિમાન (8) ભેદબુદ્ધિ (9) વેર (10) અવિશ્વાસ (11) સ્પર્ધા (12) લમ્પટતા (13) જુગાર અને (15) શરાબ – આ પંદર અનર્થો મનુષ્યમાં ધનને કારણે માનવામાં આવે છે. તેથી કલ્યાણની કામનાવાળા વ્યક્તિએ અતિધનસંગ્રહને દૂરથી જ ત્યજી દેવો’ ની કેટલી સુંદર અભિવ્યક્તી…
  સર્વોદયની પ્રાર્થનામાં પણ “અપરિગ્રહ’ને વ્રત ગણ્યું છે.
  સત્ય, અહીંસા, ચોરી ન કરવી, વણજોતુ નવ સંઘરવુ.
  બ્રહ્મચર્યને, જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું…

 6. Veena Dave says:

  verygood article. Everything is written in our Hindu Granths, Purans,Veds but we have to put that in our daily routin life i.e ‘aachran karvu’, otherwise we have to face our ‘ karms’. Good society creats by good people.

 7. Purvi says:

  આ પુસ્તકની પ્રતિ ક્યાંથી મળી શકે? Online order થઈ શકે તો અતિ ઉત્તમ ઃ-)

 8. Editor says:

  નમસ્તે પૂર્વીબેન,

  આ પુસ્તકો આપ ગીતાપ્રેસની વેબસાઈટ પરથી ઑર્ડર કરીને વિશ્વમાં ગમે ત્યાં મંગાવી શકો છો. આ વેબસાઈટનું સરનામું આ પ્રમાણે છે :

  http://www.gitapress.org/

  અને વિશેષરૂપે ગુજરાતીમાં આ ગ્રંથ ખરીદવાની માહિતી આ પ્રમાણે છે :

  http://www.gitapress.org/Puran.asp?pagenum=16

  નમસ્તે.

 9. Purvi says:

  ખૂબ ખૂબ આભાર તમારો ઃ-) સાત સમંદર પાર બેઠા આવા વાંચનનો લાભ મળે એ સદ્ભાગ્ય કહેવાય ઃ-)

 10. પ્રદીપ ભાઇ says:

  આ લેખ વ્દારા જીવનને અમ્રતમય બનાવવાની પ્રેરણા આપવા બદલ, જીવનને સંતોષી બનાવવાની પ્રેરણા આપવા બદલ, સુખ દુખને પી જઇ માણસને માણસાઇની પ્રેરણા આપવા બદલ આપે ખુબ સુંદર કાર્ય કર્યુ છે.

 11. SANJU RAJGOR says:

  this is nice story like any intersted site name any person give me this is my mail ID rajgorsanjay_1@yahoo.com

  Thx

 12. jigna acharya says:

  very intresting artical and I realy come to know about truth of become good person and not become only rich byt be polite and help others

 13. RAVI THAKKAR says:

  GOOOOOOD JOB………..THANK U ALL.

 14. prabhu says:

  Dose’t matter how rich you are, if you don’t use your or share your wealth or

  DHAN for Bebas, Laachaar your human fellow and for ionocent animal … or other

  satkarm – you are not deserve for even hell. ye bakwaas nahi hai… for details

  read books about ‘ life after death’ – available in English.

  Pravin Bhuva

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.