મારા હિસ્સાનો સૂરજ – ગૌરાંગ ઠાકર

[ શ્રી ગૌરાંગભાઈ વ્યવસાયે તો સિવિલ ઈજનેર છે પરંતુ દિલથી ગઝલકાર છે. આજે માણીએ તેમના પ્રથમ ગઝલસંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’માંની કેટલીક રચનાઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૌરાંગભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : gaurang_charu@yahoo.com ]

[1] સપનાં મળે છે

પ્રણયની સફરનાં ક્યાં નકશા મળે છે,
તમે ચાલવા માંડો રસ્તા મળે છે.

ઉછાળી જુઓ પ્રેમનું પરચુરણ બસ,
પરત તમને બમણાં એ સિક્કા મળે છે.

તમે ચોખવટ પહેલાં ખુદથી કરી લ્યો,
તમે ‘ના’ કહો છો મને ‘હા’ મળે છે.

તમે સ્મિત આપી ગયાં ચિત્ત ચોરી,
હવે આંખને રોજ સપનાં મળે છે.

અહીં જાતમાંથી જો નીકળી શકો તો,
પછી કોઈ હૈયામાં જગ્યા મળે છે.

તમે જાણો છો હું મનાવું છું તેથી,
રીસાવા ઘણાં તમને બ્હાના મળે છે.

[2] નાટક

મને જોઈ લઉ ત્યાં શરૂ થાય નાટક
પછી હું જીવું એ બની જાય નાટક

આ હૈયું રડે ને હું આંખો હસાવું,
કહો, રોજ કઈ રીતે ભજવાય નાટક.

સતત પાત્ર જેવું જીવી લઉં છું તો પણ,
મને જિંદગીનું ન સમજાય નાટક.

બધાં પ્રેક્ષકો તો ઉઠીને ગયાં છે,
છતાં શ્વાસનું કેમ લંબાય નાટક ?

હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
અને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક.’

[3] ધારવાનું હોય છે

સુખ વિષે તો આપણે બસ ધારવાનું હોય છે,
રોજ મનને કેટલું સમજાવવાનું હોય છે.

બોલવાનું એ જ વખતે ટાળવાનું હોય છે,
સત્યને જ્યારે તમારે ખોલવાનું હોય છે.

સાવ પડતર કીંમતે માણસ અહીં વેચાય છે,
મૂલ્ય એનું માપવા માણસ થવાનું હોય છે.

પાંખ વીંઝીને પવન પેદા અમે કરતા રહ્યા,
ને અહીંયા નામ બસ નાહક હવાનું હોય છે.

તું જ મારા અંશનો નિ:શેષ ભાગાકાર કર,
છેદ પાસે એટલું બસ માંગવાનું હોય છે.

તું કલમનો હાથ પકડીને જરા ચાલી તો જો,
એ તને ત્યાં લઈ જશે જ્યાં પ્હોંચવાનું હોય છે.

[કુલ પાન : 68. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ગૌરાંગ ઠાકર. બી-103, ‘શુકન’ એપાર્ટમેન્ટ, સહજધામ રો હાઉસની સામે, રામકુટિર ફલેટ્સની પાછળ, અડાજણ, સુરત-9. ફોન : +91 261 2735534.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજપૂર્વકનું અંતર – અવંતિકા ગુણવંત
મીરાબેન ભટ્ટ સાથે મુલાકાત (પૂર્વાધ) – મૃગેશ શાહ Next »   

20 પ્રતિભાવો : મારા હિસ્સાનો સૂરજ – ગૌરાંગ ઠાકર

 1. tejal tithalia says:

  Nice……………

  પ્રણયની સફરનાં ક્યાં નકશા મળે છે,
  તમે ચાલવા માંડો રસ્તા મળે છે.

  ઉછાળી જુઓ પ્રેમનું પરચુરણ બસ,
  પરત તમને બમણાં એ સિક્કા મળે છે.

  ઉપરની પન્ક્તીઓ બહુ ગમી …………..

 2. kaushik dixit says:

  ઉછાળી જુઓ પ્રેમનું પરચુરણ બસ,
  પરત તમને બમણાં એ સિક્કા મળે છે.
  પ્રેમના વિષયની ગઝલમાં પૈસા-પરચુરણ અને સિક્કાનો ઉલ્લેખ ન ગમ્યો. ખેર,ગઝલમાં અદભૂત ઊંડાઈ વાળો નીચેનો શે’ર પણ છેઃ-
  અહીં જાતમાંથી જો નીકળી શકો તો,
  પછી કોઈ હૈયામાં જગ્યા મળે છે.
  ‘હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
  અને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક.’
  આ પંક્તિનો ભાવ સરસ છે; ચોટ સરસ છે; ‘હું’ નું ઉમેરણ ગઝલના સ્વાભાવિક લય ને તાડે છે. તે વગર ગઝલ ચાલી શકે તેવી તો છે;
  કાઢી નાંખશું ગૌરાંગભાઇ?
  ગઝલો માણવાની ગમી.

 3. Pinki says:

  સ..રસ !!

  તેમના આ પુસ્તકને હાલમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો છે.

 4. હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
  અને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક.’

  ખૂબ સરસ વાત … અભિનય કરતાં કરતાં માણસ જીવન જીવે છે અને જીવતાં જીવતાં અભિનય કરતો રહે છે. આ ખેલમાં ફસાયેલ વ્યક્તિને ખુદ ખબર નથી પડતી કે એ શું કરી રહ્યો છે … until someone reminds him ….

  પાંખ વીંઝીને પવન પેદા અમે કરતા રહ્યા,
  ને અહીંયા નામ બસ નાહક હવાનું હોય છે.

  પુરુષાર્થના મહિમાનું સુંદર પ્રતિપાદન … well said.

 5. ખુબ સુંદર ગઝલો …

  ઉછાળી જુઓ પ્રેમનું પરચુરણ બસ,
  પરત તમને બમણાં એ સિક્કા મળે છે.

  આ શેર ખાસ ગમ્યો ..

 6. parul says:

  બોલવાનું એ જ વખતે ટાળવાનું હોય છે,
  સત્યને જ્યારે તમારે ખોલવાનું હોય છે.

  સાવ પડતર કીંમતે માણસ અહીં વેચાય છે,
  મૂલ્ય એનું માપવા માણસ થવાનું હોય છે.

  પાંખ વીંઝીને પવન પેદા અમે કરતા રહ્યા,
  ને અહીંયા નામ બસ નાહક હવાનું હોય છે.

  ખરેખર એક્દમ સાચુ છે
  ખૂબ જ ગમ્યુ

 7. Moxesh Shah says:

  Excellent, Marvellous, Superb.

  “નાટક” ગઝલ ખૂબ જ ગમી.

 8. રેખા સિંધલ says:

  તું કલમનો હાથ પકડીને જરા ચાલી તો જો,
  એ તને ત્યાં લઈ જશે જ્યાં પ્હોંચવાનું હોય છે.

  સરસ ગઝલો !

 9. pragnaju says:

  ત્રણેય સુંદર ગઝલ
  તું કલમનો હાથ પકડીને જરા ચાલી તો જો,
  એ તને ત્યાં લઈ જશે જ્યાં પ્હોંચવાનું હોય છે.
  વાહ્

 10. pragnaju says:

  ત્રણે ય સુંદર ગઝલ
  પાંખ વીંઝીને પવન પેદા અમે કરતા રહ્યા,
  ને અહીંયા નામ બસ નાહક હવાનું હોય છે.
  વાહ્

 11. nayan panchal says:

  બધી જ રચનાઓ ખૂબ જ સુંદર.

  આભાર.

  નયન

 12. bakul says:

  pranayni safar na kya naksha male chhe
  tame chaalvaa maando rasta male chhe…..

  bahu saras bhaav chhe……..
  abhinandan

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.