મીરાબેન ભટ્ટ સાથે મુલાકાત (પૂર્વાધ) – મૃગેશ શાહ

બાળકને હાથમાં કોઈ ચોકલેટ આપે એટલે થોડીવાર સુધી તે એને જોયા કરે. ધીમે રહીને ખિસ્સામાં મૂકી દે. થોડો સમય થાય એટલે ફરી કાઢીને એને જુએ. મન તો ઘણું થાય પણ ખાવાનો જીવ ન ચાલે. ત્રણેક વર્ષ પહેલાં મીરાબેનને પહેલીવાર મળવાનું થયું ત્યારથી મારા મનમાં તેમના વિશે કંઈક લખવાનો વિચાર રમ્યા કરે. પરંતુ પેલા બાળકની જેમ તેમના વ્યક્તિત્વને શબ્દોમાં બાંધી દેવાનો જીવ ન ચાલે. એમ થયા કરે કે શું લખું ? કેવી રીતે લખું ? શરૂઆત ક્યાંથી કરું ? ત્યારપછી તો મુલાકાતોની કોઈ ઔપચારિકતા રહી જ નહીં. વડોદરામાં રહેતા હોવાને કારણે તેમનું સાનિધ્ય મન ભરીને માણ્યું. બલ્કે એમ જ કહો ને કે મીરાબેનનું ઘર એ મારું બીજું ઘર જ બની ગયું. તેથી આજે આ મુલાકાતમાં ઘરના જ કોઈ સદસ્યની વાત લખી રહ્યો હોઉં તેવી આત્મીયતા અનુભવી રહ્યો છું. સાહિત્ય, જીવન, ભૂદાનયાત્રા, વિનોબાજીના જીવનપ્રસંગો વિશે કંઈ કેટલીય વાતો તેમની પાસેથી જાણવા મળી. સમી સાંજના ઢળતા સૂરજની સંગાથે અરુણભાઈના સ્નેહાદ્ર સ્વરે ગવાતા ભજનો હૃદયને એવા સ્પર્શી ગયાં કે ક્યાંય વાંચ્યા ન હોવા છતાં તેની કડીઓ હોઠો પર રમવા લાગી.

તેમની સાથે રહીને મને ‘સાદગીનો વૈભવ’ શબ્દની સમજ આવી. ભૌતિકતાના કોઈ પણ આધારો વિના જીવન કેવું ભર્યુંભર્યું અને સુંદર હોઈ શકે તે પ્રત્યક્ષ જોવા મળ્યું. એક તરફ તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાદાયી છે તો બીજી તરફ તેમનું સાહિત્યસર્જન માણસને ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપે તેવું વૈવિધ્યસભર અને સમૃદ્ધ છે. ‘સાગરપંખી’ જેવા સુંદર અનુવાદો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે તો એ સાથે ‘જીવન સંધ્યાનું સ્વાગત’, ‘સાત પગલાં સાથે’, ‘સમજને કિનારે’ જેવા ઉત્તમ નિબંધ-વાર્તાસંગ્રહો અને નવલકથાઓ આપણા ખોળે મૂકી આપી છે. ભૂમિપુત્રના તંત્રી પદે તેમણે ઘણો સમય સેવા આપી છે તેમજ ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘અખંડ આનંદ’ વગેરેમાં આજીવન લખતા રહ્યાં છે. તેમના ‘જીવનસંધ્યાનું સ્વાગત’ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમની આ મુલાકાત આપણે ‘પૂર્વાધ’ અને ‘ઉત્તરાર્ધ’ એમ બે ભાગમાં માણીશું. આ ભાગમાં આપણે તેમના બાળપણ, યુવાવસ્થા, વાંચન-લેખન, ભૂદાનયાત્રા અને ગૃહસ્થજીવનના કેટલાક પ્રસંગો વિશે વાત કરીશું; જ્યારે તેમના સાહિત્યસર્જનથી લઈને બીજી કેટલીક અન્ય બાબતો વિશે ‘ઉત્તરાર્ધ’ માં ફરી ક્યારેક વાત કરીશું. તો ચાલો મળીએ મીરાબેનને…..

સ્થળ છે વડોદરામાં વડની વડવાઈઓથી ઘેરાયેલો રાજમહેલ રોડનો પરિચિત વિસ્તાર. તેની પાસે આવેલું સુપ્રસિદ્ધ કાશીવિશ્વનાથ મંદિર. આ મંદિરની સમીપે મોટું સરોવર ખીલેલાં કમળોથી આચ્છાદિત છે અને તેની બરાબર સામે છે મીરાબેનનું નિવાસસ્થાન. મધ્યાહ્નના સૂર્યની સાથે વાતો કરતાં વાદળોની વચ્ચે અમારો વાર્તાલાપ શરૂ થાય છે.

પ્રશ્ન : વ્યક્તિના જીવનઘડતરમાં બાળપણના સંસ્કારો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે માટે સૌપ્રથમ આપના જીવનની શરૂઆતના એ વર્ષો વિશે કંઈક કહો.
ઉત્તર : ખરું કહું તો, મારું બાળપણ સતત નવા વાતાવરણમાં વિકાસ પામતું ગયું કારણ કે બાપુજી સરકારી અમલદાર હતા. દોઢ-બે વર્ષે એમની બદલી થતી રહે અને અમારે એક ગામથી બીજે ગામ ફરવાનું થયા કરે. ક્યારેક અમદાવાદ તો ક્યારેક વડોદરા, ક્યારેક ભરૂચ તો ક્યારેક પાટણ. જુદા જુદા પ્રકારના લોકો સાથે સંપર્કમાં આવવાનું થાય. એ પછી તો બે વર્ષે બદલી ન થાય તો નવાઈ લાગે ! અમે બાપુજીને પૂછીએ કે હવે નવી જગ્યાએ જવાનું ક્યારે થશે ?

ઘરમાં બા-બાપુજી અને મારે એક મોટા અને એક નાના ભાઈબહેન. બ્રાહ્મણ હોવાને કારણે ઘરના સંસ્કારોનું વિશેષ મહત્વ પરંતુ ક્યાંય જ્ઞાતિવાદની વાત નહીં. બ્રાહ્મણનો અર્થ સારા કામ કરવા, વાંચન-ચિંતન અને શુદ્ધ આચરણને જીવનમાં મહત્વ આપવું તે. અમારે ત્યાં રોજ સાંજે કઠોપનિષદના શ્લોકોનું ગાન થતું. પિતાજી તરફથી એ અમને વારસામાં મળ્યું. મારા જીવનઘડતરમાં બીજો ભાગ નાનાજીનો. તેઓ મહર્ષિ અરવિંદના નિકટના સાથી. શ્રી અરવિંદના નિર્વાણ સમયે જે ત્રણ-ચાર નજીકના વ્યક્તિઓ હાજર હતા તેમાંના તેઓ એક હતા. તેઓ અવારનવાર પૉંડિચેરી જતા. મહર્ષિના જીવન અને તેમની અધ્યાત્મયાત્રા વિશે અમને વાતો કરતાં. બાળમાનસમાં અધ્યાત્મિકતાના એ સંસ્કારો ઝીલાયા. મહર્ષિ અરવિંદ અને મા પ્રત્યે અનુરાગ પ્રગટ્યો. છેક એટલે સુધી કે મનમાં એવી આસ્થા બંધાઈ કે ‘મા જે કંઈ કરશે એ સારું જ કરશે’. નોટબુકના પાનાઓમાં હું ‘મા…મા..મા…’ એમ લખ્યા કરતી.

એવામાં એકવાર મોટાભાઈ મારી માટે હિન્દી પરથી ગુજરાતીમાં અનુવાદ થયેલી શરદબાબુની કેટલીક નવલકથાઓ લઈ આવ્યા. એ વાંચવામાં હું એટલી બધી ઓતપ્રોત બની ગઈ કે જાણે મારી આસપાસ શરદબાબુએ રચેલી કોઈ નવી જ દુનિયા ઊભી થઈ ગઈ ! તેમની કથાના રાજલક્ષ્મી જેવા પાત્રો ચિત્ત સાથે એકદમ જાણે જડાઈ ગયા. મારું મુગ્ધાવસ્થાનું હૃદય સ્ત્રીપાત્રોની વેદનાને અનુભવવા લાગ્યું. ઘરમાં કોઈએ શું વાત કરી હતી એ મને યાદ ન હોય પરંતુ નવલકથાના પાત્રોના એક-એક સંવાદ મારા હોઠે રમતા હોય ! એ સમયે શરદબાબુને મનભરીને વાંચ્યા. વાંચનની શરૂઆત મારા જીવનમાં આ રીતે થઈ.

પ્રશ્ન : તો શું એમ કહી શકાય કે શરદબાબુની નવલકથાઓ આપની સાહિત્યયાત્રાનું પ્રથમ સોપાન બની રહી ?
ઉત્તર : હા. જરૂર. એ નવલકથાઓથી મારા મનોજગતમાં પાત્રો, ઘટનાઓ, સંવાદોનું ધીમું ગૂંજન શરૂ થયું. એ પાત્રોની સંવેદનાને હું મહેસૂસ કરતી થઈ. આંતરિક ભાવના વિકસિત થઈ. જોવાની દષ્ટિ બદલાઈ. એક પ્રસંગ આપને કહું. પિતાજી સરકારી અમલદાર એટલે અમારે ત્યાં ફિલ્મોની ટિકિટો આવતી રહે. અમે ભાઈ-બહેનો બધા સાથે જોવા જઈએ. સૌને ફિલ્મો જોવાનો ઘણો શોખ. એકવાર ફિલ્મ જોતાં જોતાં મારી બહેન મને કહે : ‘અરે… જો જો પેલી હિરોઈને કેવી સરસ બુટ્ટી પહેરી છે ! આપણે પણ એવી જ બુટ્ટી લઈશું.’ મને નવાઈ લાગી. મને ક્યારેય તે હિરોઈનનો ડ્રેસ કે બુટ્ટી દેખાયા જ નથી. મને તેના હાવભાવ, અભિવ્યક્તિ અને સંવેદનામાં જ રસ પડે. વાંચને મને આ દષ્ટિ પ્રદાન કરી હતી.

પરંતુ એમાં ખોટ એટલી ગઈ કે સમય જતાં મારામાં આત્મપ્રત્યય વિકસવાની જગ્યાએ પરપ્રત્યય વિકસ્યો. એટલે કે જીવનમાં કોઈના સાહચર્યની ઝંખના જાગી. મુગ્ધાવસ્થામાં મારું મન કોઈકને ઝંખવા લાગ્યું. ભલે પછી એ કોઈ પતિ રૂપે હોય કે મિત્ર રૂપે. કોઈ મારા જીવનનો આધાર બનશે તો જ હું સાચા અર્થમાં જીવનને માણી શકીશ એમ મને લાગવા માંડ્યું. કોઈના હોવાથી મારું અસ્તિત્વ સાર્થક છે એવી છાપ મનમાં દઢ થઈ ગઈ. બીજા પર આધાર રાખીને જીવવાની આ ગાંઠ ખોલતાં મને વર્ષો લાગી ગયા. ઘણા લાંબા સમયની જીવનયાત્રા પછી હું તેને દૂર કરીને આત્મપ્રત્યય તરફ ગતિ કરી શકી. આજે હું એમ ખુશીથી કહી શકું છું કે ‘I am happy with myself’.

પ્રશ્ન : વાંચન વિશે આપે વાત કરી. વાંચને આપને વિચારવાની નૂતન દષ્ટિ આપી. શું એ દષ્ટિ જ આપને લેખન તરફ પણ લઈ ગઈ ?
ઉત્તર : ના, એમ વાત નથી. લખવાની શરૂઆત કંઈક જુદી રીતે થઈ. એ માટે હું આપને મારા અભ્યાસકાળની થોડીક વાત કરું. શાળામાં હંમેશા મારો પહેલો નંબર આવે. નંબર આગળ પાછળ જાય તો તો રડવાનું થાય ! અમારી ત્રણ સખીઓની ત્રિપુટી શાળામાં પ્રખ્યાત હતી. ત્રણેય ભણવામાં હોંશિયાર. હવે સ્વાભાવિક છે કે ટકા સારા આવે એટલે ઘરના લોકો સાયન્સ લેવાનું જ કહે. સાહિત્યને લીધે મને આર્ટ્સમાં જવાનું મન થયા કરે. પરંતુ આર્ટ્સમાં તો ઠોઠ હોય તે જાય ! વધારે ટકાવાળા આર્ટ્સ શું કામ લે ? જેમ તેમ કરીને ઈન્ટર સાયન્સની પરીક્ષા આપી પરંતુ આગળ બી.એસ.સીમાં જવા જરાય મન માને નહીં. ‘ટ્રીકોનોમેટ્રી’ના સુત્રોનો જીવન સાથે શું સંબંધ છે તે સમજાય નહીં ! ગોખીને યાદ રાખવાનું ગમે નહીં. આથી મેં બી.એસ.સી કરવાની તો સાફ ના પાડી દીધી. હવે આગળ કરવું શું ? છેવટે ઈન્ટર-લૉની પરીક્ષા આપીને એલ.એલ.બી કર્યું. એ સમયે કોઈપણ ગ્રેજ્યુએશનની ડિગ્રી વગર એલ.એલ.બી થઈ શકે તેવી સુવિધા હતી. હું લૉ માં ગઈ. (પરંતુ મારી બહેનપણીઓએ તો સાયન્સ લઈને બી.એસ.સી કર્યું.) આ તરફ બાપુજીની બદલી થઈ એટલે અમારે બીજા શહેરમાં જવાનું થયું. વર્ષોની અમારી ત્રણ સખીઓની ત્રિપુટી તૂટી. રૂબરૂ સંપર્ક બંધ થયો એટલે અમે એકબીજાને પત્રવ્યવહાર શરૂ કર્યો. ત્રણેય જણે એકબીજાને અનેક પત્રો લખ્યા. આમ, મારા જીવનમાં લેખનની શરૂઆત પત્રવ્યવહારથી થઈ. ભાત ભાતના વિષયો પર લખવાની ફાવટ આવી. અંતરમાં જે કંઈ હતું તે અભિવ્યક્ત થવાની શરૂઆત થઈ.

પ્રશ્ન : અહીં પ્રશ્ન એ થાય છે મીરાબેન કે અભ્યાસ, વાંચન અને વ્યવસાય તરફ ગતિ કરી રહેલું આપનું જીવન, અચાનક વળાંક લઈને આજીવન ભૂદાન પ્રવૃત્તિને કેવી રીતે સમર્પિત થઈ ગયું ?
ઉત્તર : આપની વાત સાચી છે. એ વળાંક ક્યારે આવ્યો તેની કંઈ ખબર જ ન પડી ! મને વિનોબાનો ‘વ’ કે ભૂદાનનો ‘ભ’ – કંઈ જ ખબર નહોતી. એલ.એલ.બી. પૂરું કરીને એક પરિચિતે વકીલાતનું કામ સોંપ્યું અને હું ડિવોર્સના એક-બે કેસ લડી અને જીતી પણ ! પરંતુ મનને તેનાથી સંતોષ નહોતો. કાયદાઓ ગોખવામાં કે કેસ લડવામાં કોઈ રૂચિ નહોતી. કંટાળીને મેં એ કામ છોડ્યું. એ સમયે પાટણની કોઈ હાઈસ્કૂલમાં શિક્ષિકાની જરૂર છે એવી ખબર પડી. વકીલાત કરતાં તો કંઈક સારું, એમ મન મનાવીને શિક્ષિકાની નોકરી સ્વીકારી. જો કે તેનાથી પણ હું સંતુષ્ટ તો નહોતી જ. કંઈક મનને રૂચે એવું ઉદાત્ત કામ કરવું હતું પરંતુ શું કરવું હતું તેની સમજ નહોતી. પાટણમાં મારા પિતાજીના એક મિત્ર રહેતા હતા. રોજ સાંજે તેમને ત્યાં કુટુંબીજનો સૌ ભેગા મળીને સારા પુસ્તકનું મોટેથી વાંચીને પઠન કરતા. હું ત્યાં નિયમિત જતી. ત્યાં મેં સૌપ્રથમ વખત વિનોબાજીનું ‘ગીતા પ્રવચનો’ વાંચ્યું. વિનોબાજીનો થોડોક પરિચય મને આ રીતે થયો.

એ અરસામાં રવિશંકર મહારાજ અને ભૂદાનના કાર્યકરો ‘ભૂદાનયજ્ઞ’નો પ્રચાર કરતાં પાટણ આવી પહોંચ્યા. નવી પેઢીને ભૂદાનમાં જોડાવા તેમણે આહવાન આપ્યું. ભૂદાનની વિવિધ પ્રવૃત્તિઓ વિશે સમજ આપી. વિનોબાજીનો આ યજ્ઞ પાછળનો વિચાર તેમણે સમજાવ્યો. આમ પણ એ સમયે ગાંધી-વિનોબાનું નામ લોકહૈયે રમતું હતું, આથી તેમણે શરૂ કરેલું કોઈ પણ કામ યોગ્ય હોય કે નહીં તેવો કોઈ પ્રશ્ન જ નહોતો. પરંતુ આમ અચાનક બધું છોડીને ભૂદાનમાં જોડાઈ જવું મને યોગ્ય ન લાગ્યું. મનમાં એમ થયું કે એક વાર વિનોબાજીને પ્રત્યક્ષ મળું પછી બધી વાત. કાર્યકરોએ સમજાવ્યું કે ભલે તમે ન જોડાઓ પરંતુ તમારા રોજિંદા કામ સાથે ભૂદાનની પ્રવૃત્તિના મુખપત્ર એવા ‘ભૂમિપુત્ર’ સામાયિકનો તો પ્રચાર કરી શકો ને ? આ વાત મને ગમી ગઈ. ‘રોજના દશ ભૂમિપુત્રના લવાજમ ભેગા કરીશ પછી જ જમીશ’ એવો મેં સંકલ્પ લઈ લીધો ! આખો દિવસ શિક્ષિકાની નોકરી કરીને સાંજે છ વાગ્યે ઘરે પહોંચું અને થેલો લઈને લવાજમ મેળવવા ઘરે-ઘરે નીકળી પડું. રોજના દશેક લવાજમ મળતા થયા અને એમ કરતાં મેં ભૂમિપુત્રના 250-300 લવાજમ ભેગા કર્યાં.

એ વખતે અમદાવાદમાં દાદા ધર્માધિકારીની ‘વિચાર-શિબિર’ યોજાવાની હતી. ભૂમિપુત્રના તંત્રી પ્રબોધભાઈ મને તેમાં લઈ ગયા. આખા દેશમાંથી ભૂદાનના અનેક કાર્યકરો ત્યાં એકત્રિત થયા હતા. સર્વોદયની વિચારધારા અને ભૂદાન વિશે મને ઘણું જાણવા મળ્યું. ઘણા મહાનુભાવોને સાંભળ્યા. કેટલાક નવયુવાનોએ તો પોતાનું જીવન આ કાર્ય માટે સમર્પિત કરવાની તૈયારી બતાવી. મારા મનમાં ગડમથલ ચાલતી હતી. એકદમ બધું કેમ છોડી દેવાય ? વિનોબાજીને મળ્યા વગર મારે કશો નિર્ણય નહોતો લેવો. એ સમયે તેમની ભૂદાનયાત્રા આંધ્રપ્રદેશના કોઈ ગામમાં ચાલતી હતી. પ્રબોધભાઈ સાથે હું ‘વિનોબા-યાત્રા’માં પહોંચી. 1955ની 19મી ઑક્ટોબરનો એ સુભગ દિન મારા માટે મોટા વળાંકનો દિન બની ગયો.

પ્રશ્ન : વિનોબાજી સાથેની આપની પ્રથમ મુલાકાતનો અનુભવ કેવો રહ્યો ?
ઉત્તર : એ તો એવું થયું કે જાણે સાકરની પુતળી દરિયાને ઓળખવા ગઈ અને એમાં ઓગળી ગઈ ! ભૂદાન પ્રવૃત્તિ વિશે વિનોબાજી સાથે રૂબરૂ વાતચીત કરવા હું આંધ્રપ્રદેશ જઈ તો પહોંચી, પરંતુ ત્યાં જ પાંચ-છ વર્ષ રોકાઈ ગઈ ! મને યાદ છે કે એક ઢળતી સાંજે અમે આંધ્રપ્રદેશના કોઈક નાના ગામમાં જઈ પહોંચ્યા. સાંજના સમયે પ્રાર્થના પછી મુલાકાતીઓને મળવાનો વિનોબાજીનો ક્રમ હતો. એમાં નવા આવેલા કાર્યકરો સાથે પરિચય થતો. પ્રબોધભાઈએ મારી ઓળખાણ આપતાં કહ્યું કે ‘આ બહેન ગુજરાતથી આવ્યા છે અને ભૂદાન વિશે જાણવા ઈચ્છે છે.’
વિનોબાજીએ પૂછ્યું : ‘ગુજરાતમેં કહાં સે ?’
મેં કહ્યું : ‘પાટણ સે.’
વિનોબાજીએ પૂછ્યું : ‘પાટણમેં બસ્તી કિતની હોગી ?’
મને થયું આ વળી કેવો સવાલ ! પાટણની વસ્તીની મને શું ખબર ? મને સમાજ સાથે કોઈ નિસ્બત નહીં. હું ભલી અને મારી ચોપડીઓ ભલી ! હું કંઈ જવાબ ન આપી શકી. થોડીવાર પછી એમણે પૂછ્યું :
‘કુછ દિન યહાં રુકોગીના ?’
‘હાં રુકુંગી.’ મેં ટૂંકમાં ઉત્તર આપ્યો.
એ પછી ન તો મને કંઈ પૂછવાની ઈચ્છા થઈ કે ન તો વિનોબાજીએ કંઈ વિશેષરૂપે કહેવું પડ્યું ! બધુ સહજતાથી ચાલતું ગયું. વિનોબાજી શબ્દો દ્વારા વાતચીત બહુ ઓછી કરતા. એ પોતાના વર્તનથી જે કહેવું હોય એ બતાવી આપતા. જેમ કે પ્રાત:કાળે તેઓ એક કલાક મૌન રહેતા. સૂર્યના કિરણો ધરતીનો સ્પર્શ કરે એટલે તેઓ કોઈ ઊંચી ટેકરી પર ચઢીને ધ્યાનમગ્ન થઈ જતાં. એમનું જોઈને બધા નિકટના કાર્યકરો આસપાસ ગોઠવાઈ જતાં. એ પછી પ્રાર્થના અને ત્યારબાદ મુલાકાતોનો ક્રમ ચાલતો. બધુ જાણે આપમેળે વ્યવસ્થિતરૂપે ચાલી રહ્યું હતું. કોઈને કશું કહેવાની જરૂર પડતી નહીં. પદયાત્રા એ હરતી-ફરતી એક વિદ્યાપીઠ જ હતી !

પ્રશ્ન : ભૂદાનપ્રવૃત્તિમાં આપનું મુખ્ય કાર્ય કયા પ્રકારનું હતું ?
ઉત્તર : ભૂદાનમાં મારું મુખ્યકામ નોટ્સ લખવાનું. રોજેરોજની મુલાકાતોમાં અનેક લોકો વિનોબાને મળવા આવે. વિવિધ વિષયો પર વાતચીત થાય. ભૂદાન, સર્વોદય વગેરે વિશે કાર્યકર્તાઓ પ્રશ્નો પૂછતા રહે અને વિનોબાજી તેમને યોગ્ય પ્રત્યુત્તર આપતા રહે. સવારની મુલાકાતો બહુ જ તાત્વિક અને ઊર્જાથી ભરેલી રહેતી. જાણે આખા દિવસનું ભાથુ એમાં મળી જતું. એમાંનો એક-એક શબ્દ સોનાનો હતો. એ ક્યાંક ચૂકી ન જવાય તે માટે મારે ઝડપથી કલમ ચલાવવી પડતી. આ અગાઉ ભૂદાનયાત્રામાં જે કાર્યકરો હતાં, એમાં ઘણા ઉત્તર કે દક્ષિણ ભારતના હતા. તેઓની ભાષામાં એ નોટ્સ લખાય ત્યાર પછી તે અનુવાદિત થઈને ગુજરાતીમાં આવતી. પરંતુ ત્યાં રહીને મેં ગુજરાતીમાં નોટ્સ લખવાનું શરૂ કર્યું અને તેથી ભૂમિપુત્ર વગેરે સામાયિકોને સીધા ગુજરાતીમાં લેખો અને પ્રવચનો મળવા લાગ્યા.

પ્રશ્ન : હવે આપના જીવનના બીજા વળાંક વિશે થોડી વાત કરીએ. આપે જેમ જણાવ્યું કે વિનોબાજીને મળ્યા બાદ ભૂદાન પ્રવૃત્તિ પ્રત્યે આપનું જીવન સમર્પિત થઈ ગયું, તો પછી અચાનક ગૃહસ્થાશ્રમ તરફનો આ વળાંક કેવી રીતે આવ્યો ? બીજા શબ્દોમાં પૂછું તો અરુણભાઈનો આપના જીવનમાં પ્રવેશ કેવી રીતે થયો ?
ઉત્તર : અમારી પહેલી મુલાકાત થઈ હતી અમદાવાદની વિચાર-શિબિરમાં. મુલાકાત એટલે રૂબરૂ પરિચય તો કંઈ નહિ. ફક્ત ગુજરાતના ભૂદાનના મુખ્ય કાર્યકર તરીકે મેં એમને સાંભળ્યા. એમના કંઠે ગવાયેલા કેટલાક ગીતો માણ્યા. વિશેષ કોઈ પરિચય નહીં. ત્યાર બાદ બન્યું એવું કે આંધ્રપ્રદેશથી ચાલેલી અમારી પગપાળા યાત્રા તમિલનાડુ, કેરલ, પૉંડિચૅરી, કર્ણાટક થઈને પાંચ-છ વર્ષે મહારાષ્ટ્રમાં પંઢરપુર પાસે પહોંચી. આ બાજુ, અરુણને પણ એવો વિચાર આવેલો કે ભૂદાનનો પ્રચાર કરતાં કરતાં ભાવનગરથી પંઢરપુર પગપાળા જવું. તેઓ લગભગ છ મહિને પંઢરપુર પહોંચ્યા. એ વખતે આછો પરિચય અને ઔપચારિક વાતો થઈ. હવે વિનોબાજી સાથે અમારી યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી હતી. ગુજરાતમાં પ્રવેશતાં જ વિનોબાજીએ જાહેર કર્યું કે ‘અહીં તો હું મારી ગુરુભાષામાં એટલે કે ગાંધીજીની ભાષામાં – ગુજરાતીમાં વક્તવ્ય આપીશ.’ એમના બધા જ પ્રવચનો ગુજરાતીમાં થશે એમ નક્કી થયું. આ નક્કી થતાં મારે માથે બમણું કામ આવી પડ્યું ! બીજી બધી ભાષાના લોકો મારી નોટ્સ પર આધાર રાખવા માંડ્યા. વિનોબાજી સાદગી અને સાત્વિકતાના આગ્રહી હતા આથી યાત્રામાં ટાઈપીંગ મશીન કે ઝેરોક્ષ કશું રાખવા દેતા નહીં. તેઓ કહેતા કે ‘જે કંઈ લખવું હોય એ હાથેથી લખો. કોઈ શબ્દો કે વક્તવ્ય રહી જાય તો છોડી દો. એ શબ્દો આકાશ નોંધી લેશે. શંકરાચાર્યના વિચારોનો પ્રચાર કોણે કર્યો ? એ વિચારોને કોણે નોંધ્યા ? એમને ક્યાં કોઈ ટાઈપીસ્ટ હતો ? એમના જ્ઞાનનો પ્રચાર આ પક્ષીઓએ કર્યો, પ્રકૃતિએ કર્યો. જે માનવજાત માટે અનુરૂપ બાબતો છે એની નોંધ પ્રકૃતિ એની મેળે કરી લે છે…..’ પણ ગુજરાતમાં તો મારે એકલીને માથે કામનો બમણો બોજ ખડકાઈ ગયો હતો. અમે વિનોબાજીને વિનંતી કરી અને એમણે ગુજરાત પૂરતું ટાઈપીસ્ટ રાખવા માટે હા પાડી. એ વખતે અરુણ મારા ટાઈપીસ્ટ બન્યા ! મને યાદ છે કે એ દિવસોમાં એટલું બધું કામ રહેતું કે મારી આંગળીઓના વેઢા ફૂલી જતા. ગુજરાત તો ગાંધી અને સર્વોદયના કાર્યકરોની મુખ્ય ભૂમિ. વિનોબાજીને મળવા કાર્યકરોથી લઈને અનેક મહાનુભાવો મળવા આવે. વિવિધ વિષયો પર વાર્તાલાપ થાય. મારે ખૂબ ઝડપથી એ બધું નોંધતા રહેવું પડે. કોઈક વાર એમાં કોઈ શબ્દ ચૂકાઈ પણ જાય. પરંતુ અરુણની સ્મૃતિ એટલી સારી કે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો તેઓ મને તરત ટોકે. આમનો શબ્દ આમ હતો એવું તરત યાદ કરાવે. એમ અમારા બંનેનું લેખન અને ટાઈપ કરવાનું સંયુક્ત કામ ચાલ્યા કરે. ગુજરાતમાં તો ઊંચું જોવાનીયે ફુરસદ ન મળે. મહિનાઓ સુધી કામ સતત ચાલતું રહ્યું.

હવે વચ્ચે એક આડવાત કહી દઉં. વિનોબાજીએ એકવાર અમને અંતેવાસીઓને કહ્યું હતું કે ‘મારા જીવનમાં મેં અનેક પ્રયોગો અને વિવિધ પ્રવૃત્તિઓ કરી. પણ જીવનની આ ઉત્તરાવસ્થામાં મારું મન બહેનો માટે કંઈક શરૂ કરવા ઈચ્છે છે.’ વિનોબાએ દશ વર્ષની ઉંમરે સન્યાસ લીધો ત્યારે તેમના ભાઈઓ તેમની સાથે ચાલી નીકળ્યા, પરંતુ સામાજિક બંધનોને કારણે ઈચ્છા હોવા છતાં તેમની બહેન અધ્યાત્મમાર્ગની પથિક બની શકી નહીં. આ બાબત વિનોબાને સતત ખટક્યા કરતી. અધ્યાત્મક્ષેત્રમાં પ્રવેશવાનો જેટલો અધિકાર પુરુષને છે એટલો જ અધિકાર સ્ત્રીને પણ હોવો જોઈએ એમ તેમનું માનવું હતું. જે બહેનોમાં વૈરાગ્યની ભાવના પ્રબળ હોય એમને માટે કોઈક વ્યવસ્થા થવી જોઈએ એમ વિનોબાજી સતત વિચારતા રહેતા. અંતે આ માટે પવનારમાં ‘બ્રહ્મવિદ્યામંદિર’ની સ્થાપના કરવાનું નક્કી થયું. આ સંસ્થા શરૂ કરવા માટે નામ લખાવવા બાબતે અમને ભૂદાનની બહેનોને પૂછવામાં આવ્યું. મારી સાથે એક બહેન હતી એને રાજકીય અને સત્તાના ક્ષેત્રમાં વધારે રસ હતો. આથી તેણે બ્રહ્મવિદ્યામંદિરમાં જોડાવા માટે સ્પષ્ટ ના પાડી. બીજી બહેનને લગ્ન કરીને સ્થાયી થવું હતું. મારું નામ તો લખાઈ ચૂકયું હતું પરંતુ હું મૂંઝવણમાં હતી. હું મારી જાતને ન્યાય નથી આપી શકતી એવું અનુભવતી હતી. વિનોબાજીને રૂબરૂ મળીને મેં બાળપણથી મારામાં પડેલા પેલા પરપ્રત્યયની વાત વિસ્તારથી કહી. મને સતત કોઈકની ઓથ જોઈતી હતી. ‘વાડ વગર વેલો ના ચડે’ એવી મારી સ્થિતિ હતી. વિનોબાજીએ શાંતિપૂર્વક મારી વાત સાંભળી. એમણે મને સમજાવ્યું કે જીવનમાં તો આત્મપ્રત્યયનો વિકાસ કરવા માટે મથવું જોઈએ. બીજા પરનો આધાર શા માટે ? ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ એજન્ટની જરૂર નથી હોતી. બધા જ ટેકાઓ હટાવી, દોરડા કાપીને આપણે તો કેવળ એના શરણે થઈ જવું…. – પરંતુ વિનોબાજી મારી મન:સ્થિતિ સમજતા હતા; આથી એમણે મારા માટે લગ્ન જ યોગ્ય છે તેમ સામેથી કહ્યું અને ગૃહસ્થાશ્રમની ધન્યતા પણ સમજાવી.

હવે મૂળ વાત પર આવું. અમારી યાત્રા ગુજરાતમાંથી વિદાય લઈ રહી હતી ત્યારે અરુણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે ‘આપણું જીવન તો ભૂદાન અને વિનોબાજી પ્રત્યે સમર્પિત છે. પણ જો આ સમર્પણ આપણા સંયુક્ત સાહચર્ય વડે સધાશે તો વધુ આનંદ આવશે. તેમ છતાં જો તમે બ્રહ્મવિદ્યામંદિરને સમર્પિત થશો તો પણ મને ગમશે. અંતે આપણે કોઈપણ રીતે વિનોબાજીના આદર્શને જ અનુસરવાનું છે ને !’ મેં વિચારીને જવાબ આપવાનું કહ્યું. ગુજરાત છોડીને અમારી યાત્રા રાજસ્થાન તરફ આગળ ચાલી. બે-ત્રણ મહિના પછી કામનું ભારણ ઘટ્યું એટલે એક દિવસ મેં વિનોબાને અરુણ બાબતે બધી વાત કરી. મને તો શું કરવું કંઈ સમજાતું નહોતું. અંતિમ નિર્ણય એમના પર છોડ્યો. વિનોબાજીએ તો તરત આ વાતને વધાવી લીધી. માત્ર એટલું જ નહિ, તુરંત લગ્નની તારીખ પણ કહી દીધી. બધુ સાવ અચાનક જ ગોઠવાઈ ગયું. ભૂદાનની ચાલુ યાત્રામાં જ અમારા લગ્ન થાય એમ નક્કી થયું. એ વખતે ભૂદાનયાત્રા અજમેરના એક નાના ગામ પાસે ચાલતી હતી. એમના ચાર-પાંચ કુટુંબી જનો અને અમારા કેટલાંક સગાં એમ પાંચ-પંદર માણસની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન થઈ. લગ્નની રાતે ભૂદાનયાત્રિકો સાથે ભેગા મળીને સૌએ ખીચડી ખાધી ! લગ્નબાદ બે-ત્રણ મહિના અમે ભાવનગર આવીને રહ્યા અને ફરી પાછા પોતાને કામે વળગ્યા.

પ્રશ્ન : આટલા વર્ષો બાદ ભૂદાનપ્રવૃત્તિને છોડીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું આપને ગમ્યું ખરું ?
ઉત્તર : આમ જોઈએ તો અમારા બંનેનું જીવન ભૂદાનપ્રવૃત્તિ અને તેના પ્રચારકાર્ય માટે સમર્પિત હતું તેથી કશુંક છોડીને જવાની વાત નહોતી; પણ હા, વિનોબાજીનું પ્રત્યક્ષ સાનિધ્ય છોડવાની વાત મારા માટે અસહ્ય હતી. લગ્નબાદ સાસરે આવીને જરાય મન લાગે નહીં. વારંવાર વિનોબાને પત્ર લખું કે મને અહીં ભાવનગર ગમતું નથી. એ પ્રત્યુત્તર લખીને સમજાવે….. કદાચ આવી ઘટનાઓથી જ મારા જીવનમાં પેલો આત્મપ્રત્યય ધીમે ધીમે વિકસી રહ્યો હતો. ટેકાઓ શોધ્યા વગર જીવનમાં જે પરિસ્થિતિ આવે તેને માણવાની સમજ વિકસી રહી હતી. ત્યાર પછી એવું બન્યું કે પદયાત્રાના શ્રમને કારણે અરુણની તબિયત નરમ-ગરમ રહ્યા કરે અને શરીર વળે નહીં. ખોરાક બરાબર લેવાય નહીં. એક સ્નેહીએ અમને સિલોન ફરવા જવાની વ્યવસ્થા કરી આપી. બે-ત્રણ મહિના આરામ અને હવાફેર કરવા માટે અમે સિલોન જઈને રહ્યા. વિનોબાજી સાથે પત્ર-વ્યવહાર ચાલુ હતો. એમણે લખ્યું કે ‘આરામ કા નહિ, રામ કા શરણ લો !’ બહુ આરામ થઈ ગયો એમ કરીને અમે પરત આવીને અમારા કામમાં લાગી ગયા. જીવન તો સતત વિનોબાજીના કાર્યને જ સમર્પિત રહ્યું. આથી, ક્યાંય કશો અભાવ મનમાં ન આવ્યો. મને કદી એમ નથી થયું કે ભૂદાનયાત્રિકો વિનોબા સાથે રહીને ક્યાંક આગળ નીકળી ગયા અને અમે એમનાથી અલગ પડીને ગૃહસ્થાશ્રમમાં રહી પડ્યા. કશોક આધાર શોધવાની વૃત્તિ હવે ઘટતી જતી હતી. જીવનનો પ્રવાહ જે ઘાટને સ્પર્શીને આગળ વધે ત્યાં અમને આનંદ જ આનંદ હતો.

પ્રશ્ન : ગૃહસ્થાશ્રમ અર્થપ્રધાન ક્ષેત્ર છે. કુટુંબના ઉછેર માટે આજીવિકાનો પ્રશ્ન સૌથી પહેલો ઉપસ્થિત થાય. આજકાલ લોકોના જીવનનો મોટો ભાગ તેનું આયોજન કરવામાં જ વીતી જાય છે. આપે આ બાબતે શું વિચાર્યું હતું ?
ઉત્તર : પરણીને આવી ત્યારે વિશેષ કશું સાથે નહોતી લાવી. બસ, ગાંઠે બાંધેલું જીવન અને એ જીવનને ઉજ્જ્વળ કરી શકે તેવાં કેટલાંક મૂલ્યો ! સહજ રીતે ભર્યુંભર્યું જીવન જિવાય એટલું બસ હતું. આપની વાત સાચી છે કે ગૃહસ્થજીવનમાં આજીવિકા તો પહેલી આવે. અરુણભાઈએ કહ્યું કે એક મિત્ર મને દર મહિને સો રૂપિયા આપે છે, એમાંથી ચાલતું આવ્યું છે. કાર્યકરોના નિર્વાહ માટે ત્યારે વિનોબાએ ‘લોકાધાર’નો મંત્ર આપેલો ! અમને થયું કે – આ એક મિત્રના આધારને ‘લોકાધાર’ બનાવી દઈએ ! વીસ મિત્રોમાં પાંચ પાંચ રૂપિયા વહેંચી વિકેન્દ્રિત મિત્રાધારની યોજના બનાવી. સૌ મિત્રોએ ઊલટભેર આ યોજનાને વધાવી લીધી. કોઈકે લખ્યું – દર મહિને મનીઑર્ડર કરવાનું ન પણ ફાવે, તો આગળ-પાછળ સામટી રકમ મોકલાવી દઈશું…. બધા મિત્રોનાં નામ ‘વિષ્ણુસહસ્ત્રનામ’ની જેમ હૈયે છે, પણ તેમાં શિરમોર સમું નામ તો મારી મા સમા ડૉ. આલુ દસ્તુરનું, જેમણે ત્રીસ ત્રીસ વર્ષ સુધી ગોવર્ધન પર્વત નીચે સતત પોતાની લાકડી ટેકાવી રાખી ! હજુ આજની ઘડી સુધી અમે મિત્રોના આધારે જ ટકેલા છીએ ! જો કે હવે સમાન ભાગે વહેંચાયેલી વ્યવસ્થિત કોઈ યોજના નથી ! જ્યારે જેને જે પ્રેરણા થાય તે એની મેળે આવી મળે ! જિંદગીમાં એક-બે પ્રસંગ સિવાય કદી કોઈ પાસે, સામે ચાલીને કશું માંગ્યું નથી. આ રીતે બધું સહજ ચાલતું રહ્યું. કશું વિશેષ વિચારવાની જરૂર નથી પડી.

પ્રશ્ન : જ્યારે જીવન લોકાધાર પર વ્યતિત થતું હોય ત્યારે તેમાં ક્યારેક કટોકટી પણ સર્જાતી હોય છે. શું આપને જીવનમાં એવી કોઈ કસોટીનો અનુભવ થયો ખરો ?
ઉત્તર : કસોટીના પ્રસંગો ન આવે એવું તો કેમ બને ? પણ નાના નાના અભાવ તો અભાવ જ ન લાગે. મન એ રીતે ઘડાઈ ગયેલાં. શાકભાજીના પૈસા નથી, કશો વાંધો નહીં અથાણાં-કચુંબરથી ચાલશે ! પણ ઉપરવાળાને એવું ચાલે નહીં ને ! સમયસર સારંગપાણિ હાજર થઈ જ જાય ! એક પ્રસંગ આપને કહું. ત્યારે અમારી દીકરી ‘અમી’ બે વર્ષની, એને લઈને અમે બિહાર ગયેલા. ત્રણેક મહિના ગામેગામનાં પાણી પીવડાવ્યાં… પાછાં વડોદરા આવ્યાં ત્યારે એને સહેજ શરદી જેવું હતું. ઘરગથ્થુ ઉપાયો ચાલુ કર્યા, પરંતુ રાતે જોયું કે એના ગળામાંથી જોરજોરથી ઘરઘરાટી બોલતી હતી. રાતે બે વાગ્યે એને લઈને બેઉ જણાં માંડવી-રાવપુરાની સૂમસામ સડકો વટાવીને અમારા સર્વોદય ડૉક્ટર મંડળને ત્યાં ગયાં. એમણે તપાસીને કહ્યું કે મોટા દવાખાને દાખલ કરવી પડશે. સવારે ચાર વાગ્યે જાણે આકાશમાંથી વીજળી પડી – અમીને ડિપ્થેરિયા થઈ ગયો છે. લાસ્ટ ફ્રેઝમાં છે ઑપરેશન કરવું પડશે – જીવ તો તાળવે ચોંટી ગયો. જીવન જાણે હાથમાંથી સરકતું લાગ્યું… ન હાલવાના હોશ, ન બોલવાના ! મોટા ડૉક્ટરની રાહ જોવાતી હતી અને ઘડિયાળના ટક…ટક…ટક… અવાજ છાતી પર ઘણની જેમ પછડાતા હતા. મોટા દાક્તર આવ્યા. અમીને તપાસીને કહે ઑપરેશન ટળાય એવી એક તક છે. ખતરો તો છે જ, પણ માબાપ સંમતિ આપે તો એ દવા અજમાવી જોઈએ !’

ખેર ! પછી તો એ બધું ચાલ્યું. ઑપરેશન ટળ્યું. દવા અપાઈ, દશેક વાગ્યે ડોક્ટરે આવીને કહ્યું : ‘હવે ખતરો ટળી ગયો છે. તમારી દીકરી બચી જશે, એવું લાગે છે !’ જાણે મડદામાં ચેતન આવ્યું… આટલા બધા કલાકો વીત્યા, પરસ્પર નજરોની આપ-લે સિવાય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો ! પછી અરુણ તો ડોક્ટરે લખી આપેલી દવાઓ લેવા બહાર ગયા અને હું અમીના ખાટલા પાસે જઈને બેઠી. એને તો જાણે કશું ભાન જ નહોતું. ધીમા શ્વાસ અને આછી ઘરઘરાટી એના હોવાની સાહેદી પૂરતા હતા. અને આટલા બધા કલાકો પછી પહેલી વાર મનમાં પ્રશ્ન ઊઠ્યો : ‘આ ઑપરેશન, આ બધી દવાઓ અને ખર્ચાનું શું કરીશ ? કોને કહીશું ?’ થયું કે અરુણ દવા લઈને આવે પછી આ અંગે વિચારી લેવું પડશે… અને હજુ તો એ દવા લઈને પાછા આવ્યા નહોતા, ત્યાં ખબર મળતાં એક સ્નેહીજન આવી પહોંચ્યા – થર્મોસ સાથે. જતાં જતાં ચૂપચાપ, નાક પર આંગળી મૂકી મને ચૂપ કરી દેતાં અમીના ઓશિકા હેઠળ થોકડી મૂકી બહાર નીકળી ગયા. હું એમને કહેતી હતી કે હજુ બિલ તો આવવા દો ! પણ ન એમણે સાંભળ્યું, ન એમના પછી જે કોઈ મળવા આવ્યા તેમાંથી કોઈએ પણ ! દવા લઈને ડૉક્ટરને દેખાડી એ પાછા આવ્યા ત્યારે એમની સામે ધરવા ચિંતાની ગૂંચને સ્થાને હેતની હૂંફ હતી !

દશેક દિવસ દવાખાનામાં રહેવાનું થયું. છેલ્લા દિવસે હિસાબ સમજવા ગયા, ત્યારે મિત્રવત બની ગયેલા ડૉક્ટર કહે – તમારે કશું આપવાપણું નથી. બધી વ્યવસ્થા થઈ ગઈ છે. બસ, છ મહિના જીવની જેમ દીકરીનું જતન કરજો. લો, મારા તરફથી આ શક્તિવર્ધક દવા ! દૂધ સાથે પીવડાવજો.’

લોકો બાધા રાખવા કે બાધા છોડવા મંદિરે જતા હોય છે. હું માનવતાના આ મંદિરને છોડીને બીજા ક્યા મંદિરે જઉં ? ‘એ તો હારે ને હારે રે, લગીરે ન છૂટો પડે’ ઈશ્વર જ બાધા રાખે, ત્યાં મારે ક્યાં જવું ? તે દિવસે મને સમજાયું કે આ વિનોબાનો જનાધાર કે મિત્રાધાર નથી, આ તો જનાર્દનનો પરમાધાર છે ! કેટકેટલા પ્રસંગોમાં એનો પરચો મળતો રહ્યો છે. કદીય શ્રદ્ધા ઓસરી નથી કે સંકલ્પ મોળો પડ્યો નથી. લગ્ન પછીના દિવસોમાં બે-ત્રણ વડીલોએ સલાહ આપેલી કે ‘એકલા અરુણને ભલે થેલો ખભે ચઢાવીને ગામેગામ ફરવા દે, પણ તું અમારી સંસ્થામાં આવી જા. ગૃહસ્થ જીવનમાં થોડી નિશ્ચિંતતા જોઈએ.’ પણ ‘કામ તો વિનોબાનું જ’ એ હઠ છૂટે નહીં. હસવાનું-રડવાનું-વેઠવાનું-ખમવાનું તો જીવનમાં આવતું જ રહે ! તેથી કાંઈ જીવતરને સોંઘું કરાય ?

પ્રશ્ન : એક ગૃહિણી તરીકે આપના મનમાં કેવી કલ્પનાઓ જાગતી ?
ઉત્તર : સ્વાભાવિક છે કે ગૃહિણી તરીકે ઘર સજાવવાનું મન તો થાય જ. કોઈ મળવા આવે અને શેતરંજી પર બેસાડવા પડે, થોડું દિલને ખૂંચે ! મહેન્દ્ર મેઘાણીના ‘લોકમિલાપ’માં પુસ્તકોનાં મસમોટાં ખોખાંના પાર્સલ આવે. એમના તરફથી આ ખોખાં ભેટરૂપે મળ્યાં અને અમે એની બેઠક બનાવી. મહેન્દ્રભાઈ કહે – લોકોને ત્યાં સોફાસેટ, તમારે ત્યાં ખોખાંસેટ ! વાહ, ભાઈ વાહ ! આવું તો બધું ઘણું. ડાઈનિંગ ટેબલની ઈચ્છા થાય તો બે ડોલ ઊંધી વાળીને એની પર પાટલો ગોઠવી દઉં ! હું ઘણી વાર કહું કે મારા ઘરમાં વસ્તુઓ વસતી નથી, મિત્રો વસે છે ! અને ચોમેર નજર ઘુમાવતી હું કહેતી જાઉં – ‘જુઓ, આ પંખો કિશનભાઈ લેતા આવ્યા, એમને ગરમી સહન ન થાય તો નંખાવતા ગયા !’ લામડાપુરાથી મંજુ-જગદીશ આવે, ‘આમ એક ડોલમાં નાવણ-ધોવણ કેમ થાય ?’ તો આ બે ડોલ એમના નામની ! અને આ પડદો લટકે છે, તે પાલવ છે નિર્મળાબહેન ગાંધીની સાડીનો ! ગયા વર્ષે સેવાગ્રામ ગઈ, ત્યારે સાડી આપેલી ! એક વર્ષ પહેરી, હવે એમની યાદ હવાના આ હિલોળામાં પડદે ભરાઈને ઝૂલે છે !…. ખૂટે નહીં એટલી વાતો ! ચકા-ચકીના ચોખા-દાળના દાણા જેવી વાતો ! પણ જીવન એ બધી વાતોથી જ અભરસભર છે !

[ક્રમશ: – મીરાબેનના જીવનના કેટલાક અન્ય પ્રસંગો અને તેમની સાહિત્યયાત્રા વિશેની વધુ બાબતો ‘ઉત્તરાર્ધ’માં માણીશું, ફરી ક્યારેક…]

[સંપર્ક : મીરાબેન ભટ્ટ. 73, રાજસ્થંભ સોસાયટી, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા-7. ફોન : +91 265 2432497]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારા હિસ્સાનો સૂરજ – ગૌરાંગ ઠાકર
નાનકડી નારનો મેળો – વેણીભાઈ પુરોહિત Next »   

28 પ્રતિભાવો : મીરાબેન ભટ્ટ સાથે મુલાકાત (પૂર્વાધ) – મૃગેશ શાહ

 1. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ મુલાકાત

 2. Moxesh Shah says:

  “લોકો બાધા રાખવા કે બાધા છોડવા મંદિરે જતા હોય છે. હું માનવતાના આ મંદિરને છોડીને બીજા ક્યા મંદિરે જઉં ? ‘એ તો હારે ને હારે રે, લગીરે ન છૂટો પડે’ ઈશ્વર જ બાધા રાખે, ત્યાં મારે ક્યાં જવું ? તે દિવસે મને સમજાયું કે આ વિનોબાનો જનાધાર કે મિત્રાધાર નથી, આ તો જનાર્દનનો પરમાધાર છે !”

  “મારા ઘરમાં વસ્તુઓ વસતી નથી, મિત્રો વસે છે !”

  વાહ, મઝા આવી ગઈ.

 3. Navin N Modi says:

  આ મુલાકાત માણી. ઉત્તરાર્ધ જલ્દી આપવા વિનંતી. આવી સુંદર મુલાકાતમાં સાતત્ય જળવાવું જોઇએને?

 4. રેખા સિંધલ says:

  ઉત્તમ વિચારો અને ઉત્તમ જીવનનો સુંદર મેળ ! પ્રેરણાદાયક મુલાકાત. મીરાંબેનની મુલાકાત કરાવવા બદલ ખુબ ખુબ આભાર મૃગેશભાઈ !

 5. krishna says:

  i feel that now i met meeraben and arunbhai.. and i understand one think that who sarvodaya and ‘sadai jivan’. thanks mrunalbhai.

 6. Hiral Thaker "Vasantiful" says:

  આવા માણસોના જીવન વિશે વાંચ્યા પછી સમજાય કે અભાવે પણ જીંદગી ખુશીથી કેમ જીવાય….!

  ઉત્તરાર્ધ માટે આતુર

 7. Dipak says:

  મ્રુગેશભાઈ ખુબ આભાર. અત્યારના સમયમા આવા લેખ લોકો માટૅ ખુબજ પ્રેરણાદાયક બને.જીવનમા ક્યારેક શક્ય હશે તો મુ.બેનની મુલાકાતે જઈશુ.

 8. Veena Dave says:

  Thanks Mrugeshbhai. Very good.

 9. Kishor Shastri says:

  ખુબ ખુબ આભાર, મ્રુગેશભાઈ,
  પ્રેરણાદાયી લેખ…હાલ પણ શક્ય છે?
  બીજો લેખ ક્યારે?

 10. DHANJI THONTIA says:

  Thanks Mrugeshbhai.

  WELL DONE

  MRUGESBHAI

  DHANJI THONTIA

 11. bharat joshi says:

  “ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ એજન્ટની જરૂર નથી હોતી.”
  સાચેજ, મીરાબાઈને ગિરીધર ગોપાલને પ્રાપ્ત કરવા કોઈ એજન્ટની જરૂર ન હતી, આવુજ આપણા
  મુ.મીરાબેનનુ છે. સમાજમા ખુલ્લે આમ ફરતા આવા એજન્ટ ખતરનાક છે.ચેતજો…..

 12. vaishnavi says:

  Thank you Mrugeshbhai sakshar na viswa ma farva lai gaya te mate. aagal java raah joiye chiye.

 13. manvantpatel says:

  મુલાકાત માણી ને ગમી.
  શ્રી.મ્રગેશભાઇનો આભાર !

 14. Dhirubhai Desai says:

  મિરાબેન ની ઓળખાણ કરાવવા બદલ આભાર.

 15. pragnaju says:

  પ્રેરણા દાયક જીવનની ઘણી વાતો આજે માણી આનંદ થયો.
  રસ્કિનનું પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’ બાપૂએ દક્ષિણ આફ્રિકામાં વાચ્યું હતું અને સર્વોદય હેઠળ શોષણ રહિત સમાજની રચનાની પ્રેરણા તેમને મળી હતી. આઝાદી પહેલા જે શોષણ અંગ્રેજોએ ભારતીઓ સાથે કર્યું તે જ શોષણ આઝાદી બાદ આપણે આપણા લોકો પર કરી રહ્યાં છીએ.
  મનુષ્ય મનુષ્ય સિવાય પશુઓ, નબળા અને પ્રકૃતિ પર શોષણ કરી રહ્યો છે. અને આવી પરિસ્થિતિમાં શોષણ વિહીન સમાજની રચના થઈ શકે નહીં તથા તેનાં અભાવમાં સર્વોદયની અવધારણા કે દર્શન સમજી ન શકાય તો જીવવાનું તો આવા વિરલો જ કરી શકે.
  તેઓને સત સત પ્રણામ…બીજા લેખોની રાહ જોઈએ છીએ

 16. gopal says:

  જાણે મીરાબેનના ઘરમાઁ બેસીને તેમની સાથે વાત કરતા હોઇએ એવો અનુભવ થયો.

 17. Meena Chheda says:

  આભાર મૃગેશ,

  મીરા ભટ્ટનો પરિચય અહીં મૂકીને. મારી અંતરંગ સખી રહી છે મીરા. અહીં આ લેખ વાંચીને ફરી અમે ભેટતા હોઈએ એવો અનુભવ થયો.

  મીના છેડા

 18. nayan panchal says:

  ખૂબ જ સરસ મુલાકાત.

  ઊત્તરાર્ધની રાહ જોઉ છું. જલ્દી આપવા વિનંતી.

  નયન

 19. Vihar Pancholi says:

  Dear Mrugeshbhai,
  After redaing this article, im still in dilemma to decide who is more humble…the ideal or follower? Both seem larger than life. Indeed an eloquent article with lot of introspective analysis for readers.
  Keep it up.
  Warm regards,
  Vihar Pancholi

 20. મીરાબહેન અને અરુણભાઈનો ભાવનગરમાં ઘણો વસવાટ અને તેંમણે સુંદર પુસ્તકો અનુવાદીત કર્યા છે. એક વખત સદભાગ્યે મળવાનું બનેલું.

  વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ રોજ એક પ્રકરણ ભજનામૃતવાણીમાં પ્રકાશીત થઈ રહ્યું છે, જેમને રસ હોય તેમને માણવા માટે હાર્દિક નિમંત્રણ છે.
  http://bhajanamrutwani.wordpress.com/

 21. Krishna kumar Thaker says:

  Really a very good interview provides a very good motivation for good activity keep it up & provide such articals ffrequently

 22. yagnesh says:

  ખૂબ જ સરસ છે.બીજા લેખોની રાહ જોઈએ છીએ.

 23. Maitrey says:

  its realy good.

 24. kailasgiri varal says:

  ખુબ સરસ મજા પડી હો

 25. minal vyas says:

  વાચતા વાચતા ચોખ્ખુ દેખાતુ ન હતુ, વારે વારે ચશ્મા લુછ્યા કરુ પણ પછી ખબર પડી, આંખમા આંસુ રોકતઆ
  ન હતા

 26. jayesh parekh says:

  only two wards … very good @ thanks

 27. Sandhya Bhatt says:

  મીરાંબહેનના લખાણો હંમેશા વાંચું છું.તેમને જોવાની ઈચ્છા હતી, જે આજે પૂરી થઈ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.