ભ્રૃણહત્યા – ધર્મેન્દ્રસિંહ રણા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ધર્મેન્દ્રભાઈ રણાનો (એડવોકેટ – ભરૂચ) ખૂબ ખૂબ આભાર. લેખક શ્રી ‘પ્રેરણાપીયુષ’ મેગેઝીનના સંપાદક તેમજ વ્યવસાયે પત્રકાર છે. ]

‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ નો નાદ ગજાવીને નારીને માતા, દુર્ગા, ભવાની અને વિદ્યાની દેવી તરીકે પૂજનારી ભારતવર્ષની સંસ્કૃતિ છે. ધરતીનાં ફલક ઉપર પાંગરેલી અન્ય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન ગમે તે હશે પરંતુ ભારતીયોની દ્રષ્ટિએ નારી એ નારાયણી શક્તિ જ હતી…. પરંતુ કમનસીબે આવી ભવ્ય સંસ્કૃતિમાં સ્ત્રીઓની આજે હાલત સારી નથી. આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિનાં ભૌતિકતા અને સ્વાર્થી બની ગયેલા યુગમાં નારીનાં એ સ્વરૂપને આપણો સમાજ ક્રમશ: ભૂલી રહ્યો છે. બીજી તરફ સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી બનવાનાં નાદમાં પોતાની સાચી ઓળખ ગુમાવી રહી છે. એટલું જ નહિ સ્વતંત્રતા અને ખુલ્લાપણાના નાદમાં પોતાનું શિલ તથા સત્વ ગુમાવી રહી છે. આ સાથે પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા અને ભ્રૃણહત્યાને મળેલી કાયદેસરતાથી સ્ત્રીભ્રૃણહત્યા ખૂબ મોટા પ્રમાણમાં આચરવામાં આવી રહી છે આ બધાનું સંયુક્ત પરિણામ રાષ્ટ્ર અને સંસ્કૃતિનાં પતનમાં આવશે.

આ ઘટનાક્રમ માટે માત્ર પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા જ નહીં પરંતુ સ્ત્રીઓની પુરુષ સમોવડીયા થવાની વૃત્તિ પણ એટલી જ જવાબદાર છે. નારી દેહ તો ઈશ્વરનું આપેલું એવું અમુલુ નજરાણું છે જેમાં મનુષ્ય હોવા છતાં પણ ઈશ્વરની જેમ સર્જનનો આનંદ પ્રાપ્ત કરી શકાય છે. નારી ઈચ્છે તો ધરા ધ્રુજાવી શકે છે. પરંતુ આજે સ્ત્રીને પોતાને જ આ અહેસાસ થતો નથી તેથી પોતાના સાચા સ્વરૂપને પામવાને બદલે તે પુરુષ સમોવડી બનવાનાં હવાતીયાં મારે છે. હકિકતમાં નારી પુરુષ કરતા અનેકગણી વધુ સમર્થ છે.

દ્રોપદીનો ઈતિહાસ ભરતખંડમાં એ વાતની આજે પણ સાક્ષી પૂરે છે. બ્રહ્મવાદીની ગાર્ગીનાં જીવનનો અણસારો ઉપનિષદનાં મંત્રોમાં પામીએ તો કૃતકૃત્ય થઈ જવાય એટલું પ્રચુરપાંડિત્ય તેનામાં જોવા મળે છે. સીતા, કૌશલ્યાની તો વાત જ શી કરવી….?

અરે, ગઈકાલનો ભારતવર્ષનો ઈતિહાસ નારીશક્તિનો પરચો બતાવતી ઝાંસીની રાણીની હિંમતભરી દાસ્તાનથી ભરેલો છે. અહીં પદમાવતીઓ છે…. અને અહીં જ દુર્ગાવતીઓ પણ પાકી છે. કૌશલ્યા અને કુંતાના દેશમાં આધુનિક સંસ્કૃતિનાં રવાડે ચડીને આપણે જાણે કે ભગવાન બની ગયા હોઈએ તેમ ગર્ભમાં રહેલું શિશુ જગતમાં આવશે તો તેને સારી રીતે કેમ રાખી શકીશ તેની ચિંતા કરીને મેડિકલ સાયન્સ અને કાયદાની છૂટછાટનો સહારો લઈને ગર્ભહત્યા કરી રહ્યાં છીએ. શું કોઈ માતા પિતા એવું માનીને આ જગતમાં અવતરી રહેલા શિશુને મારી શકે ખરું… ? જીવતા માણસની હત્યા કરવી એ જો ગુનો છે તો ગર્ભમાં રહેલા જીવની હત્યા કાયદેસર કેવી રીતે હોઈ શકે ? અને કદાચ ભારત કે દુનિયાનાં અણસમજુ નેતાઓ વસ્તીવધારાનો ભાર પોતાના માથે લઈને કાયદો કરી દેશે તેથી શું કુદરતનો કાયદો એને માન્ય ગણશે ખરો ?

ગર્ભહત્યાને કાયદેસર ઠરાવવાની દલીલો કરનારાને નમ્રતાથી બે ચાર સવાલો પૂછવા છે. શું સાત ખંડો અને અપાર જળરાશીથી ભરેલી પૃથ્વી માત્ર માનવીનાં પિતાશ્રીની છે ? માની લો કે આ આખું જગત માણસ માટે જ સર્જાયેલું છે, તો શું આ જગત માણસ ચલાવે છે? અરે, જવા દો બીજી બધી વાત. આ આપણું શરીર ચાલે છે, બુદ્ધિ ચાલે છે, નિત્ય નવા વિચારો આવ્યા કરે એવું મન વિચારે છે, શરીરનાં આંતરિક અવયવો હૃદય, ફેફસાં, રક્તવાહિનીઓ તેમજ ઉત્સર્જનની ક્રિયા…. આ બધું માનવી જાણીને કરે છે ? કે પછી કોઈ શક્તિથી એ ચાલે છે ? એ શક્તિ જ્યારે ઈચ્છે ત્યારે આ શરીરનાં તંત્રોમાંથી એકાદ ખોટકાવે ત્યારે રામ બોલો ભાઈ રામ થઈ જાય છે…. !

જો જગત ચાલે છે તનાં ઉપર મારી સત્તા ચાલતી નથી. ખુદ મારા શરીર ઉપર પણ મારી સત્તા નથી ચાલતી તો પછી આ જગતમાં નવા આવી રહેલા જીવનાં ભરણપોષણ, તેનાં લગ્ન-કરિયાવર કે ભાવિ જીવનનો વિચાર કરીને આવા જીવને જગતમાં લાવવાનો અધિકાર છીનવનાર આપણે કોણ…? દીકરી અવતરશે તો એનું પ્રારબ્ધ લઈને આવશે. આજે આપણે પણ જીવીએ છીએ તો આપણા પ્રારબ્ધ અને પુરુષાર્થનું. તો પછી આવનાર જીવની હત્યા કરી પાપનાં પોટલાં આપણે શા માટે બાંધીએ ?

ધર્મ અને શાસ્ત્રોની સમજણ ખલાસ થતાં આપણા સમાજમાં આવા દુષણો ઘુસી રહ્યાં છે. શાસ્ત્રોએ ચિંધેલા રસ્તે જીવન જીવવું એ જ પ્રત્યેકનું પરમ કર્તવ્ય છે. ખાટલે મોટી ખોડ એ છે કે આપણને ભગવદ્ ગીતા કહે તેમાં શ્રદ્ધા આવતી જ નથી. આપણે સત્યનારાયણની કથા કરાવીએ પરંતુ સત્ય ને જ નારાયણ સ્વરૂપ માની તેની આરાધના કરી શકતા નથી. સત્ય ઉપર સહેજ પણ શ્રદ્ધા ન હોય તો કથા શું કામની ? ઈશ્વર અને શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા ઓછી થવાને લીધે આપણે એવી ભ્રાંતિમાં આવી ગયા છીએ કે, મારા પરિવાર-મારા સ્વજનો અને મારા સાથીઓનાં જીવન હું ચલાવું છું. ધીમે ધીમે આ જ ભ્રાંતિનાં પરિણામે ગર્ભમાં આવેલાં જીવનાં પણ આપણે બળજબરીથી માલિક બની બેઠાં. અને માલિક બન્યાં ત્યાં સુધી તો ઠીક, પરંતુ ઈચ્છિત જાતિનું સંતાન નહીં હોવાને કારણે તેની હત્યા કરવાની હદે પહોંચી ગયા !?! પોતાના ઈંડા ખાનારી સાપણ કે પોતાના મરેલા બચ્ચાં ખાનારી કુતરી તો માનવી કરતાં સારી છે કે જ્યારે અસહ્ય ભૂખ સતાવે ત્યારે જ તેના બચ્ચા ખાઈ જાય છે. આપણે તો ભવિષ્યનાં દુ:ખની ચિંતામાં અને આપણા સુખમાં ખલેલ ન પડે એટલા માટે ગર્ભપાત કરાવીને નિષ્ચિંત બની જઈએ છીએ.

માત્ર સ્ત્રી ભ્રૃણ હત્યા જ નહીં પરંતુ, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ગર્ભની હત્યા ન થવી જોઈએ. વૈદિક સંસ્કૃતિમાં ગર્ભહત્યા વર્જિત છે. મહાભારતનું એક પાત્ર અભાગીયો અશ્વત્થામા ગર્ભહત્યાને પરિણામે હજી ગતિને પામ્યો નથી. ભગવાન જાણે ગર્ભહત્યાનું પાપ આચરનારા આધુનિક અશ્વત્થામાઓની શી ગતિ થશે ! સ્ત્રીપુરુષનાં સંબંધો ભોગ માટે નથી. આ પહેલી સમજણ આવવી જોઈએ. બીજી વાત, શક્ય હોય તો સંયમ રાખો પણ સંતતીનિયમનનાં ઉપાય તરીકે પણ ભ્રૃણહત્યા તો નહીં જ નહીં. સ્ત્રીભ્રૃણને ખતમ કરવો એ તો રાક્ષસીકૃત્ય છે એવી સમજણ આપણે જ્યારે કેળવીશું ત્યારે જ આપણે સાચા ભારતીય કહેવાઈશું. ગુજરાત સરકારને આપીએ એટલા ધન્યવાદ ઓછા છે કે એણે સ્ત્રીભ્રૃણહત્યા સામે ઝૂંબેશ ઉપાડી છે. ખરેખર તો ગર્ભપાતને જ ગેરકાયદેસર ઠરાવી બંધ કરાવડાવવો જોઈએ. જેથી કરીને ઘણા ગેરકાયદેસર સંબંધો ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ જાય.

સંતતિ નિયમન અંગે જાગૃતિ લાવો. કેમ્પેઈન ચલાવો પરંતુ વસ્તીવધારો થઈ ગયો હોય તો માનવીઓના કત્લેઆમ કરવાનો આદેશ ન આપી શકાય. એ જ રીતે ઍબોર્શન ને છૂટ કેવી રીતે આપી શકાય ? અનિવાર્ય સંજોગોમાં ઈલાજ માટે કે માતાનો જીવ બચાવવા માટે જરૂરી હોય તે સિવાય ગર્ભપાત કરવાની છૂટનાં પરિણામે જ દીકરીની હત્યાઓ થઈ રહી છે. ગુજરાત દારૂબંધી રાખે છે, ગૌહત્યા પ્રતિબંધ આવી ગયો છે તો હવે ગર્ભહત્યા બંધી કેમ નહીં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જય સીયારામ
ગ્રીનકાર્ડ – નયના શાહ Next »   

16 પ્રતિભાવો : ભ્રૃણહત્યા – ધર્મેન્દ્રસિંહ રણા

 1. Darshana says:

  ” ગૌહત્યા પ્રતિબંધ આવી ગયો છે તો હવે ગર્ભહત્યા બંધી કેમ નહીં ? ”

  ONLY If such issues can be handled NON-politically, outside of NGO’s reach,
  then we would be considered more progressive.
  I thank Mrugesh Shah editor http://www.readgujarati.com and લેખક શ્રી ધર્મેન્દ્રભાઈ રણા(એડવોકેટ – ભરૂચ) ‘પ્રેરણાપીયુષ’ મેગેઝીનના સંપાદક for bringing this to public platform.

  Some of us would not have been here TODAY if such methods were in practice in 40’s and 50’s.

 2. Virendra says:

  ભૃણ હત્યા માત્ર સ્ત્રીભૃણ પુરતી જ સિમિત છે એવુ નથી પણ મોટા ભાગે તો એવુ જ બને છે.સળગતો પ્રશ્ન કરિયાવર અને સ્ત્રીઓનુ સમાજમાં નીચું સ્થાન છે. આજ પણ મારી સામે કેટલાક દાખલા છે જેમાં સમાજના કહેવાતા ઉંચા વર્ણની જ્ઞાતિના લોકો અને ખૂબ શિક્ષીત મુરતિયાઓ પણ કરિયાવર અને સ્ત્રીઓના સ્થાન બાબતે ૧૭મી સદીનું વલણ ધરાવે છે. શું આવા દાનવોને માનો પ્રેમ મેળવવાનો કોઇ હક્ક છે? આ વ્યક્તિઓ માટે મારો અભિપ્રાય અત્રે સ્પષ્ટ રજૂ ન કરી શકવા બદલ અફસોસ થાય છે.જો આ દૂષણોને હાંકી શકાય તો કોઇ પોતાની બાળકીને ટૂંપો નહિ દે. અને દીકરાની ઘેલછા કેટલે અંશે ઠગારી હોય છે તે પણ એક અલગ ચર્ચાનો વિષય છે.

 3. nayan panchal says:

  સ્ત્રીભૃણ હત્યા તો જે લોકો માનસિક રીતે અપરિપક્વ છે તેઓ કરાવે છે. પરંતુ ભણેલા પછાત લોકોનુ શું?

  આજે મોટા શહેરોમાં live-in relationshipનું પ્રમાણ વધતુ જાય છે, લગ્નની ઉંમર વધુ ને વધુ પાછી ઠેલાતી જાય છે. તેથી ભણેલા ગણેલા લોકો પણ અનિચ્છીત ગર્ભથી ‘છૂટકારો’ મેળવવા માટે ગર્ભપાતનો સહારો લે છે. અને જેમ આપણે જાણીએ છીએ તેમ આજકાલના યુવક-યુવતીઓમાં જાગરૂકતા નથી અથવા એટલી માનસિક પરિપકવતા નથી અને પછી તેમને ગર્ભપાતની શરણે જવુ પડે છે. નવરાત્રિ પછી ગર્ભપાતની સંખ્યામાં ઉછાળો જોવા મળે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. અરે, પરણેલા લોકો પણ ક્યારેક career માટે ગર્ભપાતનો સહારો લે છે.

  આ બધાનો ઉપાય શું? કદાચ, જાતીય શિક્ષણ, પરંતુ તે પણ બેધારી તલવાર જેવુ છે. હમણા જે પાટણકાંડ થયો પછી તો લોકોને શિક્ષકો પર પણ ભરોસો નથી રહ્યો. સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા છે કે ઘરમાંથી જ તે મળી રહે. મેં જોયુ છે કે મોટાભાગે બહેનોને તેમની માતા કે અન્ય વડીલ સ્ત્રી પાસેથી મળી રહે છે, પરંતુ યુવકોને કોઇ કશુ જણાવતુ નથી, માત્ર મિત્રો સિવાય. પછી એમ થાય છે કે, “એકને કહી, દૂજે ને માની; ગુરુ નાનક કહે, દોનો જ્ઞાની.”

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.