મયૂરપંખ – બાળકૃષ્ણ જી. વડનેરે

[અખબારોમાં વિવિધ કોલમો પૈકી એક કૉલમ હોય છે ‘ચર્ચાપત્રોની’. ચર્ચાપત્ર એટલે સાંપ્રત ઘટનાઓ પર જાગૃત અખબાર વાચકના વિચારો. દેશ-દુનિયામાં જે ઘટનાઓ બની રહી હોય તેના સંદર્ભમાં શહેરનો કોઈપણ નાગરિક પોતાના વિચારો ‘ચર્ચાપત્ર’ કૉલમ માટે મોકલી શકે છે. જો કે એકવીસમી સદીમાં આ માટે લોકો પાસે સમય હોતો નથી; પરંતુ તેમ છતાં, સુરતના જાગૃત વાચક શ્રી બાળકૃષ્ણભાઈએ અનેક અખબારોમાં અસંખ્ય ચર્ચાપત્રો લખ્યાં છે. માત્ર એટલું જ નહીં, તે ચર્ચાપત્રોમાંથી ચૂંટેલા પત્રોનું તેમણે પુસ્તક પ્રકાશિત કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું કદાચ આ પહેલવહેલું પુસ્તક હશે. શ્રી બાળકૃષ્ણભાઈ મૂળ મરાઠીભાષી નાટ્ય અભિનેતા છે. તેમણે અનેક મરાઠી, ગુજરાતી અને હિન્દી નાટકોમાં હાસ્યની ભૂમિકાઓ સહજતાની ભજવી છે. ત્રણેય ભાષાઓમાં તેમણે કાવ્યો પણ લખ્યાં છે. પ્રસ્તુત છે વિવિધ ઘટનાઓ પર આ વડીલ લેખકના વિચારો રજૂ કરતાં કેટલાક ચર્ચાપત્રો… રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે બાળકૃષ્ણભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9426395822 પર સંપર્ક કરી શકો છો.]

[1] શિક્ષકો વિચારો

ગુરુશિષ્યમાં માતૃ-પિતૃ-વાત્સલ્ય-ભાવનો સંબંધ છે. પણ આજે બાળવાટિકાથી ઉચ્ચત્તર શિક્ષણ ક્ષેત્ર સુધી અનાચાર અને બદફૈલીનું વાતાવરણ સર્જાયું છે. મન-બુદ્ધિ-ચેતના વિચારની દેવતા જેવો શિક્ષક, જ્ઞાન-ધ્યાન-મર્યાદા શૌર્યકલા અને સદગુણો પિરસનારો શિક્ષક પ્રણાલિકાનો પ્રણેતા શિક્ષક આજે મર્યાદાતોડ, કામચોર, અર્થ લાલચુ, કામાંધ તથા ચારિત્ર્યહીન અને પતનનો ધોધ બની ગયો છે. બુદ્ધિગમ્ય એ શિક્ષકની વૈચારિકતા સુધરવી જોઈએ. તેના માટે બૌદ્ધિક શપથ સંસ્કારનું સિંચન જરૂરી છે. શિક્ષકોના આચાર-વિચાર-વિહાર અને નીતિમત્તા શુદ્ધ અને પરોપકારીય વાત્સલ્યનિષ્ઠ રહેવા માટે રોજે રોજ સમૂહમાં નીચેની સંકલ્પ પ્રાર્થના બોલી લેવી અતિ આવશ્યક છે :

“હું વિદ્યાદાન સંકલ્પિત શિક્ષક સર્વે સમક્ષ વચનબદ્ધ છું.
આ ક્ષેત્રમાં ભણતા દરેક છાત્ર મારો પુત્ર છે, મારી કન્યા છે.
આ પુત્ર અને કન્યાઓ પર હું આદર્શ શિક્ષણ સંસ્કારોનું સિંચન કરીશ.
કદી પણ કાયા-વાચા મનથી પાપાચરણ-વ્યાભિચાર ભ્રષ્ટાચાર કરીશ નહીં.
કોઈને પણ શારીરિક, માનસિક, આર્થિક દષ્ટિએ ત્રાસ આપીશ નહીં.
અહીં પાવિત્ર્ય રાખવાની મારી ફરજ છે.
હું શિક્ષક-ગુરુ, આચાર્ય-માર્ગદર્શક, દેવ છું. મારું સ્થાન અને મર્યાદા ભુલીશ નહીં.
જ્ઞાનાર્જન કરીને આદર્શ છાત્ર નિર્મિત કરવાનો મારો સંકલ્પ છે.
કન્યા દેવો ભવ, પુત્ર દેવો ભવ, વિદ્યા દેવો ભવ ॥”

[2] તો ઉત્પાદન સસ્તું બને

ક્રિકેટરો અને ફિલ્મી જગતના ચહેરાઓ ટીવી પરથી દૂર થાય તો આપણાથી દૂર ગયેલું વસ્તુઓનું સસ્તાપણું પાસે આવી જશે. જાહેર ખબર પાછળ કરોડો રૂપિયા ખર્ચનારા ઉત્પાદકો આ લોકોને જાહેર ખબરમાંથી બાકાત રાખે તો એમનું ઉત્પાદન સહજ રીતે સસ્તું બની શકે અને ભાવાંક ઉતરવાથી ગ્રાહકો ખુશખુશાલ બને અને નિષ્ઠાહીન લાલચીઓનું લોભદર્શન બંધ થઈ શકે ! વ્યક્તિ વિશેષ તરીકે શાળાઓમાંથી, મહાવિદ્યાલયોમાંથી ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓના પ્રસન્ન, ઓજસ્વી ચહેરાઓનો ઉપયોગ જાહેર ખબરમાં કરે તો વ્યક્તિ, સંસ્થા અને શિક્ષણનું ગૌરવ થશે અને ખૂબ જ ઓછા માનધનમાં તેઓ સંતોષ પામશે. આ તેજસ્વિતાને જોઈ ગ્રાહકોની પ્રોડક્ટ લેવા માટે પડાપડી થઈ શકશે. જાહેર ખબરની દુનિયામાં આ ક્રાંતિ કહેવાશે. પણ આ માટે ઉત્પાદકોએ પહેલ કરવાની જરૂરી છે.

[3] લગ્ન પ્રસંગોમાં શાલીનતા જાળવો

લગ્નપ્રસંગ એક માંગલિક ઉત્સવ છે. એમાં પવિત્રતા, શાલીનતા, કરકસર અને સહજતા આવે તો એ સમાજ માટે સારું છે. અસહ્ય ગરમીમાં પણ વરઘોડા સાથે ફિલ્મી ધૂનના કર્કશ ઘોંઘાટ સાથે રોડ ડાન્સ અને એમાં યૌવનાઓ, સ્ત્રીઓ ભાગ લઈને મર્યાદાઓ પર અતિક્રમણ કરે છે. રસ્તામાં ટ્રાફિક પર અસર થાય છે અને મહેમાનો લગ્નમંડપમાં વરરાજાની રાહ જોઈ થાકી જાય છે. એમાં અધૂરામાં પૂરું કન્યા જ્યારે વરરાજાને વરમાળા પહેરાવે છે ત્યારે વરપક્ષના છોકરાઓ એને ઉપર ઊંચકે છે, ત્યારે કન્યાને પણ ઊંચકાવું પડે છે. આવી કોઈ પણ પ્રથા કે વિધિ લગ્નશાસ્ત્રમાં આવતી નથી. હા, આનંદપ્રમોદ લગ્નમાં જરૂર હોય, પણ મર્યાદા સચવાવી જરૂરી છે. વર-કન્યાએ અરસપરસ ખૂબ ઉત્સાહથી અને સહજતાથી એકબીજાને પુષ્પમાળા પહેરાવવી જોઈએ. નિયત સમયે તે થાય તો જ લગ્નયોગ કે મુહૂર્ત સચવાયું તેમ કહેવાય. એક લગ્ન પ્રસંગમાં વરરાજાનું માથું મ્હાયરાના પંખા સાથે અથડાયું અને કન્યાને ઊંચી કરવામાં બંને પડી ગયા ! નકલ કરવા જતાં આવા વિધ્નો આવે. રાસાયણિક ફુવારો સ્પ્રે ઉડાડવાથી આંખોને નુકશાન થાય છે, શૃંગાર બગડે છે અને પ્રસંગ નાહકનો બગડી જાય છે. અતિશય ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે અને અકસ્માતો પણ ક્યારેક સર્જાય છે. એટલે જ લગ્નવિધિ શાસ્ત્ર પ્રમાણે સમજીને થવી જોઈએ. પ્રસંગનું ગૌરવ જળવવાવું જોઈએ. એમાં નવી ઉટપટાંગ પ્રથાનો આવિર્ભાવ સંસ્કૃતિબાહ્ય છે. લગ્નવિધિ કરનાર વિદ્વાન બ્રાહ્મણોએ સમાજને સમજણ આપવી જરૂરી છે.

[4] રામ રાખે એને….

કારતક વદી આઠમ, રાત્રે આઠનો સમય. અમે આઠ જણાં ઑપન હૂડ જીપમાં સપ્તશૃંગીના ગઢ પરથી જતા હતા. શલાકાના હાથમાં આઠ મહિનાનો અમર, બાળોતિયામાં લપેટાયેલો હતો. એને પવન ન લાગે એટલે જાણે એનું પડીકું જ બાંધેલું હતું. ગરબાની કેસેટ બંધ થઈને ગાડીને અચાનક ધક્કો લાગ્યો. ઉપરથી આવતી એક જીપ બેકાબૂ બનીને અમારી જીપ પર અથડાઈ અને અંધકાર છવાઈ ગયો. ગાડીમાંથી માણસો ફેંકાઈ ગયા. ચીસાચીસ, બૂમાબૂમ, આક્રોશ અને કોલાહલથી વાતાવરણ રુંધાઈ ગયું.

ધ્વનિના આધાર પરથી ખ્યાલ આવતો હતો કે કોણ ક્યાં પડ્યું છે અને એક આર્તનાદ નીકળ્યો. એ શલાકાનો અવાજ હતો. ‘બાપુજી ! ભાઈ ! ભાભી !… મારો અમર ક્યાં છે ? મારો અમર મારી પાસે નથી. અમર ક્યાં છે ?’ બધા જ પોતાની વ્યથા ભૂલી અમરને શોધવા માંડ્યાં. આગળ પાછળથી બીજા વાહનો આવતાં પ્રકાશ ફેલાયો. ગર્તા જેવી ખાઈની દીવાલ તોડીને બંને જીપો લટકતી હતી. ખાઈનું ભયંકર ઊંડાણ જોઈ શલાકાએ બૂમ પાડી : મારો અ….મ…ર… બોલી, મા જગદંબે બાળકનું રક્ષણ કરજે.’ લાઈટો, બેટરીઓ ઉપર-નીચે થવા લાગી. શલાકાની વધુ એક કરુણ પોકાર ‘અ…મ…ર…’ અને આશ્ચર્ય સર્જાયું. પાળની દીવાલ પાસેના ઝાડ પરના એક ડાળી પર લટકી ગયેલા પોટલામાંથી અમરનો રડવાનો અવાજ આવ્યો, જાણે એ કહેતો હતો : ‘બા ! હું કુશળ છું.’ દોરડાં, વાંસ અને લાકડીના આધારે ઝાડ પર લટકતું અમરનું પોટલું શલાકાના હાથમાં આવ્યું. અમરના શરીર પર એક નાનો ઘસરકો પણ નહોતો.

[5] પોષાકમાં નારીની ગરિમા

‘પોષાક’ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ દેન છે. પ્રાચીન ગ્રંથ ચિત્રોમાંનો સ્ત્રીનો પોષાક સૌંદર્ય પ્રદાનતા સાથે સબળ સંરક્ષણ આપનારો લાગે છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ પ્રાન્તોમાં સ્ત્રીનો પહેરવેશ સ્ત્રીકાયાનું કવચ જેવો છે. સ્ત્રીની નૈસર્ગિક કોમલતા, આકર્ષક દેહાકૃતિને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને એ સમાજ સમક્ષ અભયપૂર્ણ રહે એવું આયોજન ભારતીય પરંપરાગત પોષાકમાં જોવા મળે છે. સ્ત્રીનું કૌમાર્ય, સૌભાગ્ય, શીલ અને પ્રતિષ્ઠા આ પ્રકારના પોષાકમાં જળવાઈ રહે છે. સ્ત્રીનું દેહરૂપી રત્ન વસ્ત્રોના આવરણોમાં સૂચિભૂર્ત અને સુરક્ષિત રહી શકે છે. એટલે જ પાંચવાર, છવાર કે નવવાર લંબાઈના વસ્ત્રોમાં ભારતીય સ્ત્રીનો દેહ આવરણિત હોય છે. એના દેહ પરના શિરકમળ, નેત્રકમળ, મુખકમળ, વક્ષસ્થળ, કરકમળ, ચરણકમળ આદિ અવયવો પ્રેમ નિર્ઝરોનું ઊગમસ્થાન છે. સ્ત્રીની સુગમ્ય દષ્ટિ, મુખારવિન્દનું મંદ સ્મિત, લાઘવી વાણી સંપદા, સુડોલ હલનચલન સ્ત્રીને દેવત્વ આપે છે. સ્ત્રીની શાલીનતાથી સ્નેહ, અનુરાગનો ભાવ નિર્માણ થાય છે. ભારતીય પૂર્વાપાર પરંપરાગત પોષાકમાં સ્ત્રી સુંદર સદાચારી અને દેવાંગિની લાગે છે. જોનારાના શુદ્ધ ભાવોત્ક્ટતાં નિર્મલ શુદ્ધ નિરાગસતાનો સાંસારિક્તાનો, સાધ્વીત્વને યોગ્ય સન્માન થાય છે. પ્રકૃતિએ સ્ત્રી સર્વાંગને અદ્દભુત અનુપમનીય સુંદરતા આપી છે. જેનું સંરક્ષણ ભારતીય પોષાકથી થતું આવ્યું છે. એ ખુલ્લું રહે તો ?…..

આજના સ્ત્રીના પોષકમાં જે પરિવર્તન આવ્યું છે તે મહારોગ છે. અનુકરણ કરીને ગમે તે પોષાક ધારણ કરવો એ મહાદોષ છે. એક પ્રકારનું વિષપાન છે. અને એવા અર્ધ નગ્નતા દર્શાવનારા પોષકોને ઉત્તેજન આપનારા, પ્રોત્સાહન આપનારા સંબંધિત લોકો ભારતીય સંસ્કૃતિના સમર્થક ન હોઈ શકે. તેઓ સ્ત્રી સન્માનને અપમાનીત કરનારા છે. જો સ્ત્રી પોતે જ સમજીને સુસંસ્કૃત પહેરવેશ પરિધાન કરશે તો નારી જીવનના અનેક ભયસ્થાનો નષ્ટ થશે. નારીની તેજસ્વિતા નિખરી ઊઠશે.

[કુલ પાન : 31. (મોટી સાઈઝ, ગ્લોસી પેપર્સ), કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : બાળકૃષ્ણ જી. વડનેરે. બી-504, બેજનવાલા કૉમ્પ્લેક્ષ, તાડવાડી, રાંદેર રોડ, સુરત-395009. ફોન : +91 261 2766622.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા
વિચારવિસ્તાર – ગુજરાતી નિબંધમાળા Next »   

5 પ્રતિભાવો : મયૂરપંખ – બાળકૃષ્ણ જી. વડનેરે

 1. nayan panchal says:

  લેખકશ્રીના કેટલાક વિચારો પ્રશંસનીય અને કેટલાક આજના સમય સાથે બંધબેસતા નથી લાગતા.

  જાહેરખબરોનો ખર્ચ ઘટાડીને વસ્તુની કિંમતમા ઘટાડો કરી શકાય તે વાત સાચી, પરંતુ આજના સમયમાં તો “જો દિખતા હૈ વો બિકતા હૈ”.

  લેખકના પુસ્તકની પાનસંખ્યા માત્ર ૩૧ છે અને કિંમત ૯૦ રૂપિયા છે. જો કિંમત થોડી ઓછી હોત તો વધુ વાચકો તેનો લાભ લઈ શકત. હું એમ નથી કહેતો કે પુસ્તકનુ મૂલ્યુ તેની પાન સંખ્યાના પ્રમાણમા હોવુ જોઈએ પરંતુ એક સામાન્ય મધ્યમવર્ગીય વાંચકની દ્રષ્ટિએ વાત કરુ છું.

  આભાર.

  નયન

 2. વિચારપ્રેરક ચર્ચાપત્રો.

 3. Navin N Modi says:

  શ્રી નયન પંચાલના જાહેરખબરની તરફેણ કરતા અભિપ્રાય સાથે હું સંપૂર્ણ સહમત નથી થઈ શક્તો.
  ”જો દિખતા હૈ વો બિકતા હૈ” એ વાત સાચી, પરંતુ મોટેભાગે જાહેરાત કરનાર સ્વાર્થવશ તેમાં પ્રમાણભાન જાળવી શક્તા નથી. પરિણામે વાત “બોલે તેના બોર વેચાય” જેવી થૈ જતી હોઇ જાહેરાત વધુ પ્રમાણમાં કરી બેસે છે. આનાથી ટુંકા ગાળે ગ્રાહકોનું અને લાંબા ગાળે જાહેરાત કરનાર ખુદનું નુકસાન થતું હોય છે. મને લાગે છે કે લેખકનો ઈરાદો આ બાબત નિર્દેષ કરવાનો છે.

 4. Soham says:

  I couldn’t agree any less with the author. I think his mindset and thinking processes are still of 16th century. When we see a female or lady why the only feeling should be of Sadhvi, daivi or motherly. Why not a feeling of love or passion? I think we are all living double standard life. “..દંભ છે.” His opinion about all the points is overly conservative and will not worth much in today’s time.

  Nayan has pointed very important point about the book price. I think there the author himself contradicting himself. Its his very oxymoron behavior.

  Sorry for harsh comments but I believe this is what it is.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.