ત્રીજી વ્યક્તિ – પ્રો. પ્રિયકાન્ત પરીખ

[‘અખંડ આનંદ’ દીપોત્સવીમાંથી સાભાર.]

હું અને નીરજ ઠેઠ શૈશવકાળના સાથી. વર્ષાની ધોધમાર ઝડીમાં નાગોડિયા નાગોડિયા નહાતા હતા ત્યારથી તે યૌવનને આંગણે આવી ઊભા ત્યાં સુધી અમારી મૈત્રીનો સ્ત્રોત નિર્વિઘ્ન – અભંગ રીતે વહેતો રહ્યો હતો. એકધારી મૈત્રીમાં અપવાદરૂપ મતભેદ સર્જાયો હશે, પણ મનભેદનો પ્રસંગ ક્યારેય ઉપસ્થિત થયાનું સ્મરણ નથી. કાળની કેડી પર કૂચકદમ આદરતાં હું પ્રાધ્યાપક બન્યો અને નીરજ ઍડવોકેટ થયો. જ્યાં સુધી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લગ્ન કરી, સાંસારિક ઉપાધિ ન વહોરવી એમ મક્કમપણે માનતા હોવાથી અમે હજુ સુધી અપરિણીત રહ્યા હતા.

ભિન્ન ભિન્ન વ્યવસાયોમાં અટવાયેલા, ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા એવા અમારા બે વચ્ચે આટલું ઐક્ય કેમ શી રીતે સંભવ્યું એ અમારા માટે પણ આશ્ચર્યનો વિષય હતો. એ વિષય પર અમે ક્યારેક ક્યારેક ચર્ચાના ચાકડે ચડી જતા હતા. અમારો રુચિભેદ ક્યારેક ઉગ્રતાની સરહદ સુધી પહોંચી જતો, પણ અમારા વચ્ચે મનભેદની દીવાલ કદી ખડી થઈ નહોતી. આ બધાંનું બીજ પરસ્પરની નિખાલસતા અને સાલસતામાં સમાયેલું હતું.

એક દિવસ કૉલેજથી આવી, ટિફિનનું જમી, બપોરે ઊંઘી ઊઠી હું આરામ કરતો હતો ત્યાં એની હંમેશની આદત મુજબ નીરજ મંદ મંદ સ્મિત ફરકાવતો આવી પહોંચ્યો અને મારી પીઠ પર ધબ્બો મારતાં બોલ્યો : ‘એક ખુશખબર આપું ?’
‘આમ મોઢામાંથી મધ કેમ ઝરે છે ? વિવાહ થયા કે શું ?’ મેં વિનોદ કર્યો.
‘થયો નથી, થવાની અણી પર છે.’ નીરજ મંદ મંદ મુસ્કુરાયો.
‘એમ !’ મને આશ્ચર્ય થયું, ‘કોની સાથે ?’
‘એક છોકરી સાથે. જવાબ આપવાની જ વાર છે.’
‘છોકરાનો વિવાહ છોકરી સાથે નહીં તો શું કોઈ જાનવરની સાથે થવાનો છે ? હું પૂછું છું, છોકરીનું નામ શું છે ? ક્યાં સુધી ભણેલી છે ? જોબ કરે છે કે….’ પ્રત્યુત્તરમાં નીરજે ખિસ્સામાંથી પરબીડિયું કાઢી મારા તરફ ફેંક્યું. મેં પરબીડિયામાંથી પત્ર કાઢ્યો. પત્ર તેના બાપુજીનો હતો. લખતા હતા :

‘ચિ. ભાઈ નીરજ,
શેઠ કુંદનલાલે તેમની સુપુત્રી ચિ. સ્મિતાના વેવિશાળ માટે પૂછાવ્યું છે. તેં પણ ચિ. સ્મિતાને મળી લીધું છે. કુટુંબ ખાનદાન અને મોભાવાળું છે. ચિ. સ્મિતાએ હા ભણી છે. એ લોકોની, તારી બાની, તથા મારી પણ ઈચ્છા છે. બહુ ‘ના..ના’ કરવામાં સાર નથી. ઉંમર વધતાં યોગ્ય પાત્ર માટે મુશ્કેલી પડશે. માટે જે ઉત્તર આપે તે ખૂબ વિચારીને આપજે.’ પત્ર વાંચીને હું નીરજને ભેટી પડ્યો, ‘ખાટી ગયો દોસ્ત, ખાટી ગયો. અભિનંદન આપું ?’
‘એટલો ખુશ કેમ થાય છે ? તું ઓળખે છે ?’
‘ઓળખું છું એમ તો કેવી રીતે કહું ? પણ જ્ઞાતિના સંમેલનમાં જોઈ હતી. જ્ઞાતિના યુવાનો તેના રૂપની પૂનમ પર આફરિન છે. હું ભૂલતો ન હોઉં તો તારા મોઢેથી પણ એના રૂપ-પ્રશંસા સાંભળી હતી.’
નીરજ હસી પડ્યો : ‘યુ આર રાઈટ.’
‘તો ઝંપલાવી દે વિના વિલંબે.’ મેં કહ્યું.

નીરજ અને સ્મિતાનાં વેવિશાળ જાહેર થયાં. લગ્ન પણ સ્મિતાની બી.કૉમની છેલ્લા સત્રની પરીક્ષા પૂરી થયે પહેલા જ મુહૂર્તમાં લેવાનું નક્કી થઈ ગયું. વેવિશાળ બાદ નીરજ જ્યારે મળતો ત્યારે સ્મિતાના પત્રોની, ફોનની ઉત્સાહથી વાત કરતો. સ્મિતાની પ્રશંસા કરતા એના મોઢેથી નીકળતાં વાક્યોની શરૂઆત સ્મિતાથી થાય, વચ્ચે વચ્ચે સ્મિતા આવે અને અંત પણ સ્મિતાથી આવે. દોસ્ત નીરજને એની ઝંખનાની જીવનસાથી મળતાં મને પણ આનંદ થયો.
‘શ્રીકાન્ત, દોસ્ત, હવે તું ક્યારે નક્કી કરે છે ?’ નીરજ રંગમાં આવી જઈ મને વારંવાર પૂછતો.
‘વાહ ! હજુ અંગો પર પીઠી નથી ચોળાઈ, વરરાજા બની મોટરમાં નથી બેઠો તે પહેલાં ભાઈ સાહેબ સલાહ આપવા નીકળ્યા ?’
‘તારા કરતાં એક અનુભવી અને વિશેષ દોસ્ત તરીકે સલાહ જ નહીં, શિખામણ આપવાનોય મારો અધિકાર છે.’
‘વિવાહ થતાં ભાઈસાહેબ આટલા ફૉર્મમાં આવી ગયા છે તો લગ્ન પછી તું શું કરીશ એ કલ્પના કરી શકતો નથી.’
‘પહેલું કામ તારા માટે સુંદર છોકરી શોધી કાઢવાનું સ્મિતાને સોંપી દઈ, તને પરણાવી દેવાનું કરીશ.’
અમે બંને હસી પડ્યા.

સ્મિતાની પરીક્ષા પૂરી થયે નીરજ અને સ્મિતાનાં લગ્ન વતન છોટાઉદેપુરમાં થઈ ગયાં. નીરજનાં લગ્ન અણવર તરીકે મેં મન મૂકીને માણેલાં. નીરજ સ્મિતાને લઈ વડોદરા આવી ગયો. લગ્ન પછી થોડો સમય નીરજ અને સ્મિતાના સાનિધ્યમાં આનંદથી પસાર થઈ ગયો. પહેલાં નીરજ મારા ફલૅટ પર પડ્યો પાથર્યો રહેતો હતો તેને બદલે હું જ નીરજને ઘેર વારંવાર જવા લાગ્યો. શરૂઆતમાં સ્મિતા મને આગ્રહ કરી જમાડતી, નાસ્તો કરાવતી. ન પીવી હોય તો પણ આગ્રહ કરી ચા પિવડાવતી, ‘એકલા નાસ્તાની મજા ન આવે. ઉપર ચા પીવી જ પડે.’ થોડો સમય વીતતાં મને સ્મિતાના વર્તનમાં ઓછપ વરતાવા માંડી. નીરજના વર્તનમાં પણ પહેલા જેવી ઉષ્મા વરતાતી ન હતી. મારાથી કશું છુપાવવા ઈચ્છતો હોય, ‘કંઈક’ કહેવું હોય છતાં કહી ન શકતો હોય એવું મને લાગવા માંડ્યું. હું જતો ત્યારે સ્મિતા પહેલાંના જેવી વાતો કરતી નહોતી. હું જાઉં ત્યારે કિચનમાં જતી રહેતી. કામ સિવાય ભાગ્યે જ બોલતી અને જ્યારે બોલતી ત્યારે તેના સ્વરમાં અસ્વાભાવિકતા અને સ્મિતમાં કૃત્રિમતા અનુભવાતી. નીરજ અને સ્મિતાના આકસ્મિક પરિવર્તનનું કારણ હું કલ્પી ન શક્યો. હું વધારે પડતો સંવેદનશીલ Sentimental છું એટલે મારી ભ્રાન્તિ પણ હોય. આથી મારી ધારણાનો તાગ મેળવવા મેં અત્યંત સભાનપણે તેમના વર્તનનું વિશ્લેષણ કરવા માંડ્યું.

મારા પ્રત્યે સેવાતી ઉપેક્ષાએ મને પ્રતીતિ કરાવી દીધી કે, મારું આવવું સ્મિતા અને નીરજને પસંદ નથી. હું દુ:ખી બની ગયો, ‘નીરજ, દોસ્ત, પત્ની આવતાં તું પણ બદલાઈ ગયો ?’ મારી આંખો સામે મૈત્રીના મહેલના બુરજમાંથી એકે એક કાંગરો ખરવા માંડ્યો. મનોમંથનને અંતે મેં નિર્ણય કર્યો કે, નીરજ અને સ્મિતા સાથે સંબંધો ઓછા કરી નાખવા એ જ ઈષ્ટ છે. એમને ત્યાં જવાનું ખૂબ જ ઓછું કરી નાખ્યું. પંદર-વીસ દિવસે એમને ઘેર ચક્કર મારી આવતો ત્યારે બારણે તાળું લટકતું હોય અથવા એ લોકો મળે તો પણ ‘કેમ છો ? સારું છે’ ની તદ્દન ઔપચારિક વાતો થતી. અંતરના આનંદનો રણકો સંભળાતો નહોતો. અમારા અંતરો આડે અદશ્ય દીવાલો ચણાઈ ગઈ હતી. ‘દરરોજ આવનાર હું હવે શા માટે દેખાતો નથી ?’ એવો અપેક્ષિત પ્રશ્ન સ્મિતા તો ન પૂછે, પણ નીરજ તરફથી પણ ન પુછાતાં મારી નિરાશા ચરમસીમાએ પહોંચવા લાગી. કેવી ઠંડી ઉપેક્ષા – અવહેલના ? મેં એવો તે કયો ગુનો કર્યો છે ?

ઉપેક્ષાના પ્રત્યાઘાત રૂપે જન્મેલ અસહ્ય વેદના અને પારાવાર અજંપો મારા કાળજાને કોરવા લાગ્યા. મેં નિશ્ચય કર્યો કે, જીવનમાં કોઈની સાથે એવા ગાઢ સંબંધો ન બાંધવા કે જેથી એ તૂટતા કે ઓછા થઈ જતાં જીવનનો રસ, પ્રત્યુષના સ્પર્શે ઊડી જતાં ઝાકળ બિંદુઓની જેમ અદશ્ય થઈ જાય. નીરજને મળવાને ઊછળી આવતા મનને કચડીને હું છેલ્લા બે એક મહિનાથી નીરજને મળ્યો નહોતો. ‘આટલા લાંબા ગાળા પછીય હું મળવા ન આવ્યો એટલે એ લોકો મારી ખબર કાઢવા એકાદ દિવસ તો અવશ્ય આવશે.’ એવી મારી શ્રદ્ધા ઠગારી નીકળી. એ લોકો તો ન આવ્યાં, પણ મારાથી ન રહી શકાયું. મેં મનને મારવાની ખૂબ કોશિશ કરી પણ વ્યર્થ. નિર્ણયની દીવાલને ઠેકીને એક સાંજે હું એમના ઘરે પહોંચી ગયો. સદભાગ્યે નીરજ અને સ્મિતા ઘરે જ હતાં, પણ ક્યાંક બહાર જવાની તૈયારી કરતાં હતાં. કોઈ પણ ઔપચારિક વિધિ કર્યા સિવાય મારા અસ્તિત્વની ક્રૂર અવહેલના કરી, મારી સામે નજર સુદ્ધાં કર્યા વગર સ્મિતા બહાર નીકળી ગઈ અને તાળું મારવા તત્પર હોય એવો ભાવ પ્રદર્શીત કરતાં બોલી, ‘નીરજ, પ્લીઝ ! જલદી કર. મોડું થશે તો ફિલ્મ શરૂ થઈ જશે.’
નીરજ બહાર નીકળ્યો – હું પણ.
હું છોભીલો પડી ગયો. મારા સ્વમાન પર એક વધુ હથોડો ટિપાયો. ક્ષોભને દૂર કરવા મથતો હું પરાણે હસ્યો, ‘મને થયું, મહિનાઓથી મળ્યા નથી તો લાવ, મળી આવું. મને કલ્પનાયે નહોતી કે તમે ફિલ્મ જોવા જવાનાં હશો.’
‘જો ને, ટાઈમ જ નથી મળતો,’ નીરજ મારી સાથે આંખો ન મેળવી શક્યો.
ત્યાં તો હાથમાં પર્સ ઝૂલાવતી સ્મિતાએ તાળું વાસી, પાછળ ફરીને મરડમાં કહ્યું, ‘શ્રીકાન્તભાઈ, એક વણમાગી સલાહ આપું ?’
હું ચમક્યો – નીરજે પણ ચમકીને સ્મિતા સામે જોયું.
‘તમને અધિકાર છે.’ મેં કહ્યું.
‘તો પરણી જાવ. લોકોનાં ઘર ગણવાં મટે.’ સ્મિતા ખૂબ ટાઢશથી બોલી.

હું ધ્રૂજી ઉઠ્યો. સ્મિતાના આ શબ્દોએ ચાબખાની ગરજ સારી. મારા અંતર પર સોળ ઊઠ્યા, ‘કેટલી માર્મિકતાથી અને વેદકતાથી સ્મિતાએ મને સૂચવી દીધું કે, મારું આવવું તેને લેશ માત્ર પસંદ નથી.’ હું પથ્થરના પાળિયા જેવો ક્ષણવિક્ષણ બની ગયો. મેં નીરજ સામે જોયું. આંખો ઝુકાવી દઈ ચાલવા માંડ્યું. ફલૅટ પર આવીને હું ખૂબ રડ્યો. મને લાગ્યું કે અમારી મૈત્રીનો અંત આવી ગયો છે. ‘ક્યા કારણસર ? કઈ ભૂલ બદલ ? કઈ ગેરસમજ બદલ ? વર્ષોની દોસ્તીનો આવો કરુણ અંજામ ?’ ત્યાર પછી નીરજ અને સ્મિતાને, ખાસ કરીને નીરજની યાદને ભૂંસી નાખવા, ડૉક્ટરેટ માટે થિસિસના કામમાં ખૂંપી જવાનો મેં નિશ્ચય કર્યો. અધ્યાપન અને સંશોધનમાં મારી જાતને ડૂબાડી દીધી. મહિનાઓ સરવા માંડ્યા. નીરજ અને સ્મિતાને ભૂલી શક્તો નહોતો છતાં એમની યાદ હવે દર્દ જન્માવતી નહોતી. છતાં આટલું કબૂલું છું કે, સ્મરણોનું વિલોપન સહજ સાધ્ય નથી.

એક દિવસ એક મિત્ર દ્વારા સમાચાર મળ્યા, ‘સ્મિતાએ બે માસ પહેલાં એક બાબાને જન્મ આપ્યો છે. નીરજ પિતા બન્યો છે.’ આ સમાચાર જાણી મેં આનંદ અને વિષાદની મિશ્ર લાગણી અનુભવી, ‘નીરજ મને આટલો બધો પરાયો માને છે ? કમ સે કમ ફોન પર તો આ સમાચાર આપવા હતા.’ અંતરના અગોચર પ્રદેશમાં વહેતી લાગણીમાં જુવાળ આવ્યો અને હું એમને અભિનંદવા, ખાલી હાથે જવું ઠીક ન લાગતાં, નવજાત બાબા માટે મંગળબજારમાંથી બાબાસૂટ લઈને દોડી ગયો. નીરજનો બાબો બરાબર એની પ્રતિકૃતિ સમાન હતો. સુંદર, સુદઢ અને જોતજોતામાં વહાલ જન્મે એવો. બાબાસૂટ આપતાં મેં બન્નેને અભિનંદન આપ્યાં. લાંબા ગાળાના મિલન બાદ પણ બન્નેમાંથી કોઈને મારા આવવાથી હર્ષ થયો હોય એવું ન લાગ્યું. નીરજ પરાણે બોલતો હોય એમ એના શબ્દોમાં કૃત્રિમતા, ક્ષોભ અને સંકોચ વર્તાતાં હતાં.

હું ભગ્નહૃદયે ફલેટ પર પાછો ફર્યો. મેં મારી જાતને ઉપાલંભ આપ્યો, ‘શ્રીકાન્ત, વારંવાર ઉપેક્ષા પામીને પાછો ફરે છે. છતાં કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરી તું એમને મળવા દોડી જાય છે. સ્વમાન સળગાવીને પાછો ફરે છે. ચૂપચાપ અશ્રુઓ સારે છે, જે એ લોકો જોઈ શકવાનાં નથી. શો અર્થ છે મૃગજળ સમાન તારા એક પક્ષીય પ્રેમનો ?’

બીજું એક વર્ષ વીતી ગયું –
કૉલેજના વાર્ષિકોત્સવમાંથી એક રાતે પાછો ફર્યો કે તરત પડોશમાં રહેતી એક વિદ્યાર્થિનીએ કહ્યું, ‘નીરજભાઈ મળવા આવ્યા હતા, પણ તમે ન મળ્યા. રાતના દસેક વાગ્યે કામ પતાવીને ફરીથી આંટો મારી જશે.’
‘નીરજ મને મળવા આવ્યો હતો ?’ સાંભળી હૈયું હર્ષથી થનગની ઊઠ્યું, ‘નીરજ શા માટે મળવા આવ્યો હશે ? જરૂર કોઈ મહત્વનું કામ હશે. નહીં તો મારા જેવા ઉપેક્ષિતને મળવા શા માટે બબ્બે વાર આવે ?’
મારું મન તર્કના તાંતણા ગૂંથવા લાગ્યું, ‘શું કામ હોઈ શકે ? કોઈ ગેરસમજથી ઠપકો આપવા તો નહીં આવતો હોય ને ?’
હું નીરજની રાહ જોઈ રહ્યો.
રાતના અગિયાર વાગ્યે નીરજ આવ્યો.
તેના ચહેરા પર વિષાદ, ક્ષોભ અને સંકોચની રેખાઓ અંકિત થયેલી હતી – જિંદગીનું સર્વસ્વ ગુમાવીને આવ્યો હોય એટલો હતોત્સાહ લાગતો હતો.
‘આવ, નીરજ આવ.’ મેં તેને પ્રેમભેર-હર્ષભેર આવકાર્યો. કશુંય બોલ્યા વગર નીરજ સોફા પર બેસી પડ્યો અને બે હાથો વચ્ચે માથું દબાવી દીધું. હું તેને પૂછું એના કરતાં એ જાતે જ કાંઈ કહે તો સારું એમ વિચારી, તેને પાણીનો ગ્લાસ આપ્યો. તે એકી શ્વાસે પાણી ગટગટાવી ગયો. અમારી આંખો એક થતાં તેણે આંખો ઝુકાવી દીધી. મને ન સમજાયું કે, તે શા માટે આટલો બધો સંકોચ અનુભવે છે.

થોડી વાર પછી નીરજ બોલ્યો : ‘શ્રીકાન્ત, મને માફ કરજે. મેં તને ભારે અન્યાય કર્યો છે. આપણી મૈત્રીના મોતીને નંદવી નાખવા બદલ મારી અને સ્મિતાની સ્વાર્થવૃત્તિ જવાબદાર છે.’ તેના અવાજમાં ડૂમો ભરાઈ આવ્યો. મેં તેને બોલવા દીધો –
‘તારી આટલી ઉપેક્ષા કરી છતાં તેં કદીયે અમારી વિરુદ્ધ ફરિયાદનો હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. હું મારા દોષોનો એકરાર કરવામાં વિલંબ કરીશ તો મૈત્રીના આતશમાંથી બુઝાતી બુઝાતી એક ચિનગારી માત્ર બાકી રહી છે એ પણ ઓલવાઈ જશે. સ્મિતા એના પિયર ગઈ છે. એકલતાના અજંપાએ વેદનાના ભારણને અસહ્ય બનાવી દીધું છે. આથી મારી ભૂલનો એકરાર કરવા દોડી આવ્યો. ખૂબ જ અસ્વસ્થ છું એટલે જે કાંઈ કહેવાનું છે તે સ્પષ્ટ ન કહી શકું તો તારા જેવો પ્રાધ્યાપક મારા વક્તવ્યનો મર્મ પકડી શકશે.’
‘બસ નીરજ, બસ. ‘Guilt’ અનુભવવાનું બંધ કર… આપણી દોસ્તીને એ ન છાજે.’
‘આજે મને ન અટકાવીશ મને બોલી લેવા દે. લગ્ન પછી મેં સ્મિતા આગળ આપણી મૈત્રીનાં મન મૂકીને વખાણ કરવા માંડ્યાં. શરૂઆતમાં સ્મિતા પણ તારા આગમનથી પ્રસન્ન હતી, પણ વારંવાર તારું આગમન તેને અમારા દામ્પત્ય-જીવનમાં વિક્ષેપકારક લાગતું. જેમ જેમ હું તારો ઉલ્લેખ કરતો ગયો તેમ તેમ સ્મિતાના મનમાં તારા માટે પૂર્વગ્રહની ગ્રંથિ બંધાતી ચાલી. સમય જતાં એ ગ્રંથિ દઢતર, દઢતમ બનતી ચાલી.

એક દિવસ સ્મિતાએ મને સ્પષ્ટ કહી દીધું, ‘શ્રીકાન્તને કહી દો કે આમ સમયે-કસમયે ન આવે. મારા દામ્પત્ય જીવનમાં ત્રીજી વ્યક્તિની ખલેલ મને પસંદ નથી.’
‘ત્રીજી વ્યક્તિ !’ મારા મનમાં ઝબકાર થયો.
‘ધીરે ધીરે મને પણ લાગવા લાગ્યું કે સ્મિતા સાચું કહે છે. તું જ્યારે આવતો ત્યારે સ્મિતાનો મૂડ ઑફ થઈ જતો. મને પણ તારું આગમન ખટકવા માંડ્યું. અમે તારી ઠંડી ઉપેક્ષા કરતાં રહ્યાં. એટલે સુધી કે તું આવતો ત્યારે સ્મિતા પાણીનો ગ્લાસ આપવાની ઔપચારિકતા પણ દર્શાવતી નહીં. એટલે સુધી કે અમારે ઘેર પુત્ર જન્મની વાત પણ તને જણાવવાની અમને જરૂરિયાત ન લાગી. સમય જતાં, સ્મિતાએ બાબાને જન્મ આપ્યા બાદ બાળકમય બની ગઈ. મને લાગતું સ્મિતાએ મારા અસ્તિત્વની અવહેલના કરી તેના અસ્તિત્વને બાબામાં જ સમાવી દીધું છે. આખો દિવસ એની વાતનો વિષય બાબો જ રહેતો. ત્યારે મને ત્રીજી વ્યક્તિનું આગમન ખૂંચવા લાગ્યું. અપત્ય પ્રેમ બાબા તરફ ખેંચે છે, ઐહિક પ્રેમ બાબાને દખલરૂપ ગણે છે. માનવીની પ્રવૃત્તિઓનો કેવો કરુણ સંઘર્ષ ? મેં સ્મિતાને મારા તરફ ધ્યાન આપે એ માટે સીધા – આડકરતા પ્રયત્નો કર્યા, પણ સ્મિતાના કેન્દ્રસ્થાને બાબો જ રહેતો. બાબો એનું બીજું અસ્તિત્વ બની ગયો. મને તારી વ્યથાનું ભાન થયું. બસ, આ મૈત્રીદ્રોહની માફી માગવા દોડી આવ્યો છું.’ નીરજની આંખોમાં અશ્રુઓ ટપકવા લાગ્યાં.

મેં નીરજને મુક્ત મને રડવા દીધો જેથી અંતરમાં ભરેલી વ્યથા નીતરી જાય.
‘નીરજ, હવે હું તને કાંઈ કહું ?’
નીરજે પાંપણો પલકાવી ‘હા’ પાડી.
‘નીરજ, એમાં તારો વાંક નથી. વાંક છે માનવીમાં રહેલી સનાતન વૃત્તિઓનો, જે પોતાના અસીમ પ્રેમમાં વ્યક્તિમયતાના પરિમિતિ વર્તુળમાં ત્રીજી વ્યક્તિનો પ્રવેશ સાંખી શકતી નથી. યાદ છે, સ્મિતા તારા જીવનમાં આવી નહોતી ત્યારે અન્ય કોઈને આપણે આપણા અંતરના વાડામાં પ્રવેશવા દેતા નહોતા. કોઈ પ્રયત્નો કરે તો પણ આપણે યુક્તિ-પ્રયુક્તિ કરી ટાળી દેતા હતા. લગ્ન બાદ મિત્રપ્રેમ કરતાં દામ્પત્યપ્રેમ ઉચ્ચતર લાગતાં તારે અને સ્મિતાને મન હું ત્રીજી વ્યક્તિ બની ગયો હોય એ સ્વાભાવિક છે. બાબાનો જન્મ થતાં દામ્પત્યપ્રેમ કરતાં પુત્ર પ્રેમ ઉચ્ચતર લાગ્યો હોય, પરિણામે સ્મિતાએ પોતાના સમસ્ત સંવિદને બાબામાં એકાકાર કરી દીધું હોય એ એટલું જ સાહજિક છે. આથી તને બાબો ત્રીજી વ્યક્તિ લાગ્યો હોય એ પણ એટલું જ સ્વભાવિક છે. આમ જ્યાં સુધી માનવીની વૃત્તિઓ સનાતન છે ત્યાં સુધી સાચા પ્રેમની ત્રીજી વ્યક્તિની હાજરી સહ્ય નહીં બને. પરિણામે લાગણીના આવાં દ્વન્દ્વયુદ્ધ સર્જાવાનાં જ….’
‘શ્રીકાન્ત, તો પછી તેં મને માફ……’
નીરજને અટકાવી મેં કહ્યું, ‘તેં ન કરી હોય એવી ભૂલ બદલ માફી આપવાનો મને શો અધિકાર છે ? આપણી મૈત્રીનું મૌક્તિક એટલું ફટકિયા નથી કે વૃત્તિઓના સંઘર્ષમાં નંદવાઈ જાય. નીરજ, આવતી કાલે હું લગ્ન કરું ત્યારે તું પણ અમારે મન ત્રીજી વ્યક્તિ બની જાય તો નવાઈ નહીં. આમ જોઈએ તો દરેક વ્યક્તિ ત્રીજી વ્યક્તિ છે.’
‘અરે વાહ ! વૃત્તિઓના વિશ્લેષણમાં તું પારંગત બની ગયો છે.’ નીરજ હસી પડ્યો. મેં નીરજના હાસ્યમાં હાસ્ય પરોવ્યું.
‘તો પછી આપણી મૈત્રી….?’
‘તેં તો કહ્યું હતું કે મૈત્રીના આતશમાં હજુ એક તિખારી પ્રદીપ્ત છે એ કેમ ભૂલી જાય છે ? જ્યોતમાંથી જ જ્વાળા ઝગે છે.’ હું પણ લાગણીશીલ બની ગયો.
‘શ્રીકાન્ત !’
‘નીરજ !’ અમે એક બીજાને ભેટી પડ્યા.

અમારી મૈત્રીના નવનિર્માણમાં સૂર પુરાવતા હોય એમ ‘વૉલ ક્લોક’માં રાતના બારના ટકોરા ગુંજી ઊઠ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છઠ્ઠી ઈન્દ્રિય – નેપોલિયન હિલ
ગણિતનો વર્ગ – ગિરીશ ગણાત્રા Next »   

25 પ્રતિભાવો : ત્રીજી વ્યક્તિ – પ્રો. પ્રિયકાન્ત પરીખ

 1. shruti maru says:

  આવો તો લઈ આવો જાવ તો આપી જાવ એ નિયમ જ દોસ્તિ ને ટકાવી રાખે છે. friendship is world’s best relationship.

 2. મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય
  સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય

  માણસે વિકાસના હજુ ઘણા પગથીયા ઓળંગવાના બાકી છે. જ્યાં સુધી માણસ પોતાના અહં અને મમ ના કુંડાળામાંથી બહાર નહી આવે ત્યાં સુધી અપેક્ષા અને ઉપેક્ષાના વાદળો બંધાતા જ રહેશે. કોઈ કોઈ વીરલાઓ આ કુંડાળા તોડશે પણ તેને બીજા લોકો પોતાના કુંડાળામાં પ્રવેશવા નહી દે અને પછી છેવટે તે મનોમન જ બધા સાથે એક્તા અનુભવતો ગુંજશે

  સર્વેSત્ર સુખિનઃ સન્તુ |
  સર્વે સન્તુ નિરામયાઃ ||
  સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
  મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||

 3. Geetika parikh dasgupta says:

  હ્મ્મ્મ્…. કદાચ કસમયે આવવુ કોઇ ને દખલ પણ લાગે…. દરેક ની પોતાની life છે……

 4. nayan panchal says:

  સુંદર વાર્તા.

  શ્રીકાન્ત જેવી વ્યથા ઘણા મિત્રોને અનુભવવી પડે છે, તેને પણ જીવનનુ એક સત્ય માનીને સ્વીકારી લેવુ પડે છે.

  નયન

 5. Tushar Upadhyaya Delhi says:

  દિલ્હી થી પ્રકટ થતા “ગુજરાત ધારા” દ્વારા “રીડગુજરાતી” વીશે જાણ્યુ. ગુજરાતી સાહિત્ય ના લગભગ બધા રસ નુ પાન એક જ વેબસાઈટ પર કરવા નો આવો સુન્દર લ્હાવો, આમ અચાનક જ મળી જશે જે કદાપિ પણ વિચાર્યુ ન હતુ. વિવિધ પ્રકાર ના ગુજરાતી વાચન ની એક અદમ્ય ઈચ્છા પૂરી થઈ. મારા જેવા, ગુજરાત થી દુર રહેતા, અનેક ગુજરાતી વાચન મુમુક્ષુઓ ને ફરી થી ગુજરાતી વાચતા કરવા બદલ આભાર. ખરેખર અત્યન્ત સુન્દર અને ૧૦૦% સફળ પ્રયત્ન અને આ માટે ના અથાક – અવિરત પ્રયત્નો માટે “ટીમ રીડ ગુજરાતી” ને મારા ખુબ ખુબ અભિનન્દન તથા શુભેચ્છાઓ !!!
  – તુષાર ઉપાધ્યાય, દીલ્હી

 6. ઈન્દ્રેશ વદન says:

  With little twists, this can totally become a serious version of ‘Dostana’. just kiddin’ 😉

  પરંતુ, ઘણું અસરકારક લખાણ.

  લેખકે જો વિસ્તારપૂર્વક અને વિગતવાર જણાવ્યું હોત કે નવદંપતિને મિત્ર થી કેમ અને કઈ વાતોથી અણગમો થવા માંડ્યો, તો લેખ વધુ રસપ્રદ બની રહેત.

 7. Chirag Patel says:

  This story has no point but both guys are GAY!

  Thanks,
  Chirag Patel

 8. Gira says:

  lol… haha.. 😀 yaa it did seem a little bit of homophilic between these two character, however ok story! lol.. 😀

  i love the comment of Mr. Indresh Vadan, about Movie Dostana haha 😀 lolll good one!! 😀

 9. Neal says:

  Mr chirag i don’t think so story has anything to do with “GAY” topic…

  I experienced same in my life my best mate got married & now we live in same street but i am single and he is married, i know that now he has wife i rather don’t go to visit anytime & just call ocassionally..it doesn’t mean that he or i are gay..:)

 10. Gira says:

  mr. neal’s post:

  wow! you serious?! no offense though, didn’t you find a bit more of an attachment between these two characters? it’s a story but still 🙂

  anyways sorry 🙂

 11. manvantpatel says:

  લેખકનું આ દર્શન ગમ્યું:–અપત્ય પ્રેમ બાબાને ખેંચે છે ;
  ઐહિક પ્રેમ બાબાને દખલરૂપ ગણે છે.આભાર લેખક ને પ્રેષકનો !

 12. Rajni Gohil says:

  This is very useful story. After reading this, many people will realise the importance of “Changes to be made in relashionship” with “Changes in Life, like marriage, child birth etc. This way one can save relationship with some changes in life style, rather than abrupt ending it. True friendship never ends because it is based on sacrifice. Thanks for giving this useful story.

  Friendship do not ignore your faults, but accept them as part of you. Best friends are like setting sun; they shed kindly light on everyone.

 13. JIGNESH says:

  આવો સુન્દર લ્હાવો, આમ અચાનક જ મળી જશે જે કદાપિ પણ વિચાર્યુ ન હતુ. વિવિધ પ્રકાર ના ગુજરાતી વાચન ની એક અદમ્ય ઈચ્છા પૂરી થઈ. મારા જેવા, ગુજરાત થી દુર રહેતા, અનેક ગુજરાતી વાચન મુમુક્ષુઓ ને ફરી થી ગુજરાતી વાચતા કરવા બદલ આભાર.

 14. KrishMan says:

  These kind of stories have been scripted several times in the past. Nothing new about this story.

  દરેક જણે સમય ની સાથે બદલાવુ જ પઙે છે અને જીવનના ઊતાર ચઢાવ અનુભવવા પડે છે. સંબંધ નિષ્ફળ નથી જતો, તેમાં રહેલી વ્યક્તિઓ અને તેમની વચ્ચે થતા વ્યવહારો નિષ્ફળ જાય છે.

 15. vandana shantuindu says:

  good

 16. SAKHI says:

  VERY NICE STORY ABOUT FRIENDSHIP

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.